maari vauu in Gujarati Moral Stories by NISARG books and stories PDF | મારી વઉ...

The Author
Featured Books
Categories
Share

મારી વઉ...

દિવસ ઉગી ગયો હતો. મે મહિનાના સૂરજના કૂમળા તડકાએ મને હળવે હળવે શેકવાનું શરું કરી દીધું હતું. પરંતુ મારું મન "અલ્યા ચંદન.. પડ્યો રે'ને સોંનોમોંનો ભઈ.. હજુય કલ્લાક એક ઊંઘે તોય સું વોંધો સે તારે..!" એમ કહીને પથારી ન છોડવા માટે દબાણ કરી રહ્યું હતું. એટલે સૂતરાઉ પછેડીથી મારા શરીરને ઢાંકીને હું એ તાપને દૂર હડસેલતો, રાતની ઊંઘ પૂરી કરવાની કોશિષ કરી રહ્યો હતો.
રાત્રે મોડે સુધી દોસ્તો સાથે પાર્ટીની મજા માણીને હું મારી રૂમ પર આવ્યો હતો. કોઈક કારણસર લાઈટ નહોતી. રૂમમાં બફારો ખૂબ હતો. એટલે લાઈટની રાહ જોયા વગર જ પથારીનો સામાન ધાબા પર લઈ જઈને હું સૂઈ ગયો હતો.
બે દિવસ પહેલાં જ ઘરેથી આવેલા ફોનથી મારું મન થોડું ચિંતામાં તો હતું જ. એટલે હું થોડો હળવો થવાનું કોઈક બહાનું શોધી રહ્યો હતો. એવામાં અશ્વિનનો જન્મદિવસ આવ્યો. તેના ખૂબ જ આગ્રહને નકારીને આજે તેનો મૂડ બગાડવા પણ હું નહોતો માંગતો. એટલે જીવનમાં પહેલીવાર મેં મદિરાપાન કર્યું હતું. તેની થોડી અસર હજુપણ હતી. ઉપરાંત આજે નોકરી પર રજા હોવાથી પથારી છોડવાનું મન નહોતું થતું.
મેં થોડીવાર ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો ધબ્બ દઈને મારા પર કંઈક પડ્યું. મેં મોંઢા પરથી પછેડી હટાવીને જોયું તો એક મોટી મરેલી ઉંદરડી મારી પથારીમાં પડી હતી.
"ઓ ત્તારી.. કુને નોંખી લ્યા..?" એમ બબડતો હું પથારીમાં બેઠો થઈ ગયો. કા..કા.. કા... કરતો એક કાગડો મારા માથા ઉપર આંટા મારી રહ્યો હતો. હું સમજી ગયો. ચપ્પલથી ઉંદરડીને દૂર ફંગોળીને હું બગાસાં ખાતો બેઠો. ત્યાં તો કાગડો એનું કામ કરી ગયો. "બાપડી... પળવારમોં હાડિયાનો કોળિયો બની જઈ..!" એમ જીવ બાળતો હું પથારી સંકેલવા લાગ્યો.
એક કલાક બાદ નાહીધોઈને હું તૈયાર હતો. શરીરમાંથી આળસ હજુ જતી નહોતી. મન પણ ઘેનમાં હોય એવું લાગતું હતું. રોજ હું જાતે ચા-નાસ્તો બનાવતો. પરંતુ આજે મન કહ્યું કરતું નહોતું. એટલે બહાર રમતા એક ટેણીયા સાથે સમાચાર મોકલાવીને હોટલ પરથી જ ચા-નાસ્તો મંગાવી લીધો. પંદરેક મિનિટમાં ચા-નાસ્તો આવી ગયો. થોડુંક ખાધું. મજા ન આવતાં બાકીનું બધું કૂતરાંઓને નાંખી દીધું.
હવે હું નવરો હતો. પરંતુ શું કરવું એ કંઈ સૂઝતું નહોતું. એટલે ટીવી ચાલુ કરીને મેં પલંગમાં લંબાવ્યું. અને જે ચેનલ ચાલુ હતી એને બદલ્યા વગર એમ જ હું ટીવી સામે જોઈ રહ્યો.
ટીવીમાં કોઈ સીરિયલનું દ્રશ્ય ચાલી રહ્યું હતું. જેમાં ભણેલીગણેલી, એક નોકરિયાત વહુએ તેનાં સાસરિયાં પર હેરાનગતિનો કેસ ઠોકી દીધો હતો. ઘરમાં પોલીસનું ધાડું આવ્યું હતું. વકીલ પણ હતો. સાસુ-સસરા હાથ જોડીને માફી માંગી રહ્યા હતા. દીકરો મૂંગે મોંઢે બધું જોઈ રહ્યો હતો. અને વહુ કોર્ટના નિયમો સમજાવીને બધાં પર બાદશાહી રૂઆબ બતાવી રહી હતી.
"આ.. જોને...! ઓની તમરી તો જો લ્યા..!" હું મનોમન બબડતો, સમસમીને પલંગમાં બેઠો થઈ ગયો. "એક બૈરુ થઈને આટલી દાદાગીરી શેની કરે લ્યા..? મારા જેવો આદમી હોય તો અવળા હાથની એક જ અડબોથે બધી તમરી કાઢી નોંખે... પેલોય બાઈલો ઊભો ઊભો સું જોઈ રયો હશ્યે લ્યા..!" મને એના પતિ પર દાઝ ચડી. અને "હાળા બાઈલા.." કહીને મેં ચેનલ બદલી નાંખી.
પાંચ-છ ચેનલો એમ જ બદલ્યા કરી. કોઈ જ પ્રોગ્રામમાં મન ચોંટતું નહોતું. મેં ટીવી બંધ કરીને રીમોટ પલંગના ખૂણામાં ફેંક્યું. અને હાથમાં પાણીનો ગ્લાસ લઈને પાછળની ગેલેરીમાં ગયો. બે-ત્રણ કોગળા કરીને પાણી પીધું. પછી બહાર સડક પર જોતો ઊભો રહ્યો.
અચાનક મને ઉંદરડી યાદ આવી. આ ગેલેરીના ખૂણામાં જૂના કોથળા નીચે એક ઉંદરડી વિયાણી હતી. "હવારે હાડિયો ચ્યોંક એ ઉંદેડીને તો નઈં લઈ જ્યો હોય ને..!" એમ વિચારીને મેં કોથળો ઊંચક્યો. ત્રણ બચ્ચાં જ હતાં. દિવસમાં પચાસવાર ઘરમાં આંટાફેરા કરતી તે ઉંદરડી આજે દેખાઈ જ નહોતી. મને નક્કી થઈ ગયું કે સવારે મરનાર ઉંદરડી આ બચ્ચાંઓની મા જ હતી.
મારો જીવ કપાઈ ગયો. ત્રણ-ચાર દિવસનાં બચ્ચાં એની મા વગર કેવી રીતે જીવી શકશે? મનેય મારી બા યાદ આવી. મારું મન ખૂબ જ ભારે થઈ ગયું હતું. બચ્ચાંઓ માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હું પલંગમાં આવીને પડ્યો.
થોડીવાર વિચારતો રહ્યો, ત્યાં તો વળી પાછી ફોનવાળી વાત યાદ આવી. "ચંદનીયા.. તારી વઉને હાહરિયામોં રે'તોં જોર આવતું'તું... અમે પિયોર જવાની ના પાડી, ઈંમોં મૂઈએ ઘાસલેટ સોંટીને હળી ચોંપી.. દવાખોંનામોં દાખલ કરી સે.. મરી જઈ તો નોંતી ઉપાદી થઈને રે'સે.." મા ના અવાજમાં ફફડાટ હતો.
મનેય ચિંતા હતી. "મારું બૈરૂં મરી જાય તો તેલ લેવા જ્યું.. પણ મારા માવતરનું સું..? ઈંમની આબરૂનું સું..? ઓસું હોય ઈંમ પોલીસની હેરોંનગતિયો પણ વધી જશ્યે... ચારે બાજુથી મરો થઈ જવાનો સે..."
મને મારી વઉ પર ગુસ્સો આવતો હતો. "ઓંના કરતોં તો મું પૈણ્યો જ ના હોત તો હારું હતું..ઈંનાથી સૂટવા શે'રમોં આયો તોય ઈંના નોંમની હોળીઓ હાર્યે ને હાર્યે જ રઈ..!" એમ વિચારતાં વિચારતાં મને એ ગોઝારા દિવસોની યાદ આવી, જેમાં મારાં લગ્ન થયાં હતાં.
* * * * *
ચંદન બારમા ધોરણમાં ભણતો હતો ત્યારે જ કંચન સાથે તેની સગાઈ નક્કી થઈ ગઈ હતી. કંચન દસમા ધોરણમાં હતી. આમેય ગામડામાં તો સગાઈ અને લગ્ન પણ નાનપણમાં જ થઈ જવાં, એમાં કંઈ નવાઈની વાત નહોતી. ચંદનની સગાઈ થવાથી મોતીકાકા, રતનકાકી અને કાકાકુટુંબમાં આનંદનો પાર નહોતો.
બાજુના ગામમાં રહેતા ધનજીકાકાને ત્રણ દીકરીઓ હતી. જેમાં કંચન સૌથી નાની અને સૌથી દેખાવડી પણ હતી. મોતીકાકાના કોઈ મિત્રએ આ સગપણ કરાવ્યું હતું. પ્રમાણમાં સુખી કહી શકાય તેવું મોતીકાકાનું ખોરડું હતું. તેથી બાપના ખમતીલા ઘરમાં ઉછરેલી કંચનને સુખમાં વાંધો આવે તેમ નહોતો.
ચંદન બારમું ભણી રહ્યો, એ જ ઉનાળામાં તેનાં લગ્ન લેવાયાં. ધનજીકાકાની મોટી બે દીકરીઓ તો વિવાહ યોગ્ય હતી. પરંતુ એક જ ખર્ચમાં ત્રણેયનું ભેળું ટાણું પતી જાય, એમ વિચારીને તેમણે કંચનનાં લગ્ન પણ સાથે જ ગોઠવી દીધાં. તે પરણીને સાસરે આવી.
મોતીકાકાના પરિવારમાં ફરી પાછો હરખ છવાયો. નાનકડી માણેક તો ભાભીનો કેડો જ મૂકતી નહોતી. રૂપરૂપના અંબાર જેવી કંચનને જોઈને ચંદન ફૂલ્યો સમાતો નહોતો. "હવે મારેય પણ વઉ સે.." એ વિચાર તેને એક અલગ પ્રકારની અનુભૂતિથી તરબોળ કરી દેતો હતો. જેના લીધે ચંદન જાણે કે એક પરિપક્વ વ્યક્તિ બની ગયો હોય તેવો લાગતો હતો.
ચંદન-કંચન પુખ્તવયનાં નહોતાં. પરંતુ એ નિયમ ગામડામાં ક્યાં લાગુ પડતો હતો.! એમને રાત્રે સૂવા માટે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ બન્ને એકબીજા માટે સાવ અજાણ્યાં હતાં. છતાં લગ્નના બંધનમાં બંધાયા પછી જાણે જનમોજનમનાં સાથી હોય તેવું એમનું વર્તન હતું.
એ રાત્રે ચંદને પત્નીને પહેલીવાર મન ભરીને જોઈ. એના રૂપને હૈયામાં ભર્યું. ખૂબ વાતો કરી. એમની સમજ પ્રમાણે એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કર્યો. આ બધી બાબતોમાં રાત ક્યારે વીતી ગઈ એની ખબર પણ ન પડી.
કંચન બે દિવસ સાસરે રહી. ત્રીજા દિવસે તેને તેડવા પિયરીયાં આવી પહોંચ્યાં. આ બે દિવસમાં તે બન્ને જણાં પરસ્પર એટલાં ભળી ગયાં હતાં કે હવે જુદા થવાની વાત તેમને કંપાવતી હતી. છતાં રિવાજ મુજબ કંચનને જવું જ પડે તેમ હતું. એટલે ચંદને પણ મનને મજબૂત કરવા માંડ્યું હતું.
બપોરે જમ્યા બાદ સૌ મહેમાનો સાથે કંચને વિદાય લીધી. ચંદન બસસ્ટેશન સુધી તેમને વળાવવા ગયો. બસમાં ચડતી વખતે મોકો જોઈને કંચને કહ્યું, "ચંદન.. તમારી તબિયત હાચવજો.. ભણવામોં ધ્યોન રાખજો.. અન મારી ચિંત્યા નોં કરતા પાસા.." એના એ શબ્દો ચંદનના હૈયે જડાઈ ગયા. "મારી ચેટલી ફિકર કરે સે મારી વઉ..!" એ વિચારે તેને ખૂબ ગર્વની અનુભૂતિ કરાવી. પરંતુ બીજી જ ક્ષણે, ધીમી ગતીએ ઉપડેલી બસને જોતાં જ તે ઉદાસ થઈ ગયો. અને બસની છેલ્લી બારીમાંથી "આવજો..." કહેવા લંબાવેલા કંચનના હાથને તે ક્યાંય સુધી જોઈ જ રહ્યો.
કેટલી અજીબ છે હૈયાની લાગણીઓ પણ..! પોતાનું હોવા છતાં ક્યારે કોઈ સુંદર નજરોનાં બાણથી ઘાયલ થઈને પક્ષપલટો કરી દે, અને એ પ્રિય વ્યક્તિ માટે જ ધબકવાનું શરૂ કરી દે, એનું કંઈ કહેવાય નહીં. એકવાર પ્રિય પાત્રની લગની લાગ્યા પછી, ગમે તેટલું સમજાવો તોય પાછું આવે જ નહીં ને..!
પછી તો કંચનની યાદે ચંદનના મન-હૈયામાં ડેરાતંબૂ તાણ્યા. વઉને મળવાનું તેને ખૂબ મન થતું હતું. પરંતુ ગામડાની વિચારસરણી તેમને મળવા દેતી નહોતી. ચંદન તો મુક્ત હતો, પરંતુ કોઈ બહાનું બનાવીને ઘરની બહાર નીકળવું કંચન માટે ખૂબ મુશ્કેલ હતું. ભલેને પોતાના ઘરવાળાને જ મળવા જવાનું હોય, તો પણ ગામ, સમાજમાં એની વાતો થવાનો ડર લાગતો. તે ડર અને નિયમોથી કંચન પણ બંધાયેલી હતી.
વેકેશન પત્યું. ગામમાં દસ ધોરણ સુધીની જ શાળા હતી. અગિયાર-બાર બાજુના મોટા ગામમાં પૂરું કર્યું. હવે આગળ ભણવા માટે ચંદને શહેરની એક કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અને ઘરેથી જ તે આવ-જા કરવા લાગ્યો. બન્નેના ગામથી શહેરનું અંતર લગભગ સરખું જ થતું હતું. ચંદન તેના સાસરેથી શહેરમાં ભણવા આવતા મિત્રો સાથે પત્ર દ્વારા સમાચાર મોકલીને કંચનને મળવા બોલાવતો. તે શરમનું ઘર હતી. ગામનું કોઈ જોઈ જશે એની સતત ચિંતા પણ રહેતી. વળી માવતર આગળ વારેઘડીએ શું બહાનું કાઢવું, તે પણ એક પ્રશ્ન હતો. તેથી તે ભાગ્યે જ મળવા માટે શહેરમાં આવતી. આ બાબત ચંદનને ખૂબ અકળાવતી હતી.
એક વર્ષ એમ જ વીતી ગયું. છોકરીને ભણીને શું કરવું છે ? એવી ગામડાની માન્યતાએ દસમા પછી કંચનનો અભ્યાસ છોડાવી દીધો હતો. પરંતુ ચંદને આગળ ભણવાનું ચાલુ રાખ્યું.
ગામડામાં લગ્ન ભલે નાની ઉંમરમાં થઈ જાય, પરંતુ દીકરીનું આણું તો યોગ્ય ઉંમર થાય ત્યારે જ કરવામાં આવતું. એટલે કંચન પણ હજી સાસરે આવતી-જતી નહોતી થઈ. ચંદનને તે બહાર જ મળી લેતી. જો કે મળવા માટે પણ બહારગામનાં સગાં-સંબંધીઓમાં કોઈ પ્રસંગ કે પછી કોઈ મેળાની રાહ જોવી પડતી.
કંચનને મળવા ચંદનને હમેશાં ઉતાવળ જ રહેતી. પરંતુ કંચન તો એ જ શરમ અને મર્યાદામાં જકડાયેલી જ રહેતી. ચંદન કંચનને શહેરની મોર્ડન છોકરીઓ જેવા પહેરવેશમાં જોવા ઈચ્છતો. પરંતુ તે જ્યારે પણ મળવા આવતી ત્યારે સાવ સાદગીમાં જ રહેતી. ચંદનને પ્રેમભરી વાતો કરવી ખૂબ ગમતી. તે પત્નીના મોંઢેથી આવી વાતો સાંભળવા હમેશાં તલસતો. અને એ માટે સમજાવતો પણ ખરો. પરંતુ કંચનની વાતોમાં તો સદાય સામાજિક, વ્યાવહારિક અને ધાર્મિક બાબતોનું જ પ્રાધાન્ય રહેતું. ચંદન તેની સાથે ખૂબ સમય વિતાવવા ચાહતો, પરંતુ તે ઘરે જવાની ઉતાવળમાં જ રહેતી. તેની આવી હરકતોથી ચંદનને ક્યારેક ગુસ્સો આવી જતો. પરંતુ 'સુધરશે' એમ સમજીને મનોમન સમસમીને ચૂપ જ રહી જતો.
છેવટે આ જુદાઈનો અંત આવી પહોંચ્યો. ચંદને કોલેજના ત્રીજા વર્ષની પરીક્ષા પાસ કરી, એ જ ઉનાળામાં કંચનનું આણું કરવામાં આવ્યું. આમ કરવા પાછળ રતનકાકીનું દબાણ હતું. દીકરાની વહુને જલ્દી ઘરે લાવવાની તેમને ખૂબ જ ઉતાવળ હતી. છેવટે કંચન સાસરે આવી. હવે તે મોતીકાકાના પરિવારનો કાયદેસરનો હિસ્સો હતી.
ઘરમાં નવીનવી વહુ આવી હતી. એનું માન અને ચંદનની મહેચ્છાઓનો પાર નહોતો. સુંદર અને સુશીલ વહુ પામીને રતનકાકી તો ફૂલ્યાં નહોતાં સમાતાં. ચંદનનો રૂઆબ પણ જમીનથી વેંત અધ્ધર ચાલવા સમાન હતો. "મારી વઉ" એ શબ્દ સતત તેના મનમાં ગૂંજ્યા કરીને, તેના હૈયાને એક અનોખા ગર્વ અને ઉત્સાહથી ભરી દેતો હતો.
કંચન નહોતી ત્યારે ચંદન સવારે વહેલો જાગીને કોલેજ જવા નીકળી પડતો. મિત્રો સાથે ખૂબ મસ્તી, આનંદ કરતો. કૉલેજ છૂટ્યા પછી પણ દોસ્તો સાથે ગામગપાટા મારવામાં ઘરે આવવાનું મોડું થઈ જતું. ઘરે આવ્યા પછી પણ ગામના ભાઈબંધો, ખેતરનું કામ, અસાઈન્મેન્ટ બનાવવાં, વાંચન અને સાંજે ગામગપાટામાં જ સમય વીતી જતો.
કંચનના આવ્યા પછી ધીરેધીરે બધું બદલાવા માંડ્યું હતું. તે સવારે વહેલી ઉઠીને ઘરકામમાં લાગી જતી. પરંતુ ચંદનને તેની આસપાસ રહેવું જ ગમતું. ક્યારેક તે પત્નીને પથારીમાંથી ઉઠવા જ ન દેતો, ત્યારે કામ વગર જાણે આભ તૂટી પડવાનું હોય એવા તેના હાવભાવ થઈ જતા. ચંદનને આ ગમતું નહોતું. તે ગુસ્સે થઈને તે દિવસે કૉલેજ જવાનું માંડી વાળતો. પછી આખો દિવસ તેને પત્નીની શીખામણ સાંભળવી પડતી. અને પતિને કૉલેજનો એક દિવસ બગડવા બદલ તે પોતાની જાતને જ દોષી માનતી.
ચંદન સાવ બદલાવા લાગ્યો હતો. ક્યારેક કૉલેજ ન જવું, મોડા ઉઠવું, ખેતર તરફ લમણો ઓછો રાખવો જેવી બાબતો તેનામાં રૂઢ થવા લાગી. ધીરેધીરે તેનું દોસ્તો સાથે મળવાનું પણ ઓછું થતું ગયું. મિત્રો તેને 'વઉઘેલો' કહીને ટોણો પણ મારી લેતા. પરંતુ ચંદનને જાણે એની કોઈ જ પરવા નહોતી. તેની દુનિયા હવે વઉની આસપાસ જ સમેટાઇ ગઈ હતી.
પરંતુ કંચન ડાહી હતી, સમજણી હતી. તે વારંવાર પતિને આ બાબતો માટે ટોકતી, શીખામણ આપતી. પતિનો પ્રેમ અને હાજરી તેને પણ ગમતાં. પરંતુ જે પ્રેમ અને હાજરીથી જીવનની બીજી બધી દિશાઓ બંધ થઈ જતી હોય, તે કંચનને હરગીઝ પસંદ નહોતું. તેથી પતિ-પત્ની વચ્ચે ક્યારેક ચકમક પણ ઝરી જતી. ચંદનને રાતદિવસ માત્ર પ્રેમમાં જ રમમાણ રહેવું ગમતું. જ્યારે કંચન પ્રેમ સાથે જીવનનાં દરેક પાસાંને સંતુલિત રાખવા મથામણ કરી રહી હતી.
એક વર્ષ આમ જ વીતી ગયું. ચંદનનું પાગલપણું હવે હદ પાર કરી ચૂક્યું હતું. અભ્યાસમાં બરાબર મન ન લાગવાથી એમ.એ.1ની પરીક્ષામાં તે નાપાસ થયો. તેનો સ્વભાવ ચીડચીડીયો બની ગયો હતો. ખેતીમાં મદદ ન કરવા બદલ મોતીકાકાનો ઠપકો પણ વારંવાર સાંભળવો પડતો હતો. આ બધાં માટે જવાબદાર તે પોતાની વઉને જ માનતો હતો. કારણ કે તે ઘર, કામ અને બા-બાપુજીને સાચવવામાં જ રચીપચી રહેતી હતી. પતિની એને કંઈ જ પડી નહોતી. એવું તે મક્કમપણે માનતો હતો.
પરંતુ કંચનની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. તે ઘર અને વર વચ્ચે સંતુલન જાળવવાના પૂરા પ્રયત્નો કરી રહી હતી. ઉપરથી દીકરાને ગાંડો કરી દેવાનાં મેણાં સતત સાસુમા તરફથી સાંભળવાં પડતાં હતાં. રતનકાકી કંચનના કરિયાવરથી નાખુશ તો હતાં જ. અને 'ભિખારીના પેટની' એવા સંબોધન સાથે હવે 'જાદુગરણી'નું બિરૂદ આપીને તેને કોસવામાં અને હેરાન કરવામાં કંઈ જ કમી રાખતાં નહોતાં. પરંતુ ઊંચા સંસ્કાર પામેલી કંચન પિયરમાં જાણ કર્યા વગર બધું જ દુ:ખ ઘોળીને પીધે રાખતી હતી.
દિનપ્રતિદિન ઘરનું વાતાવરણ બગડે જતું હતું. ચંદને ભણવાનું છોડી દીધું. એમાંયે પોતાની જાતને દોષી ઠેરવીને કંચન ખૂબ જ દુ:ખી થઈ. તેણે પતિને ખૂબ સમજાવ્યો. પોતે પણ પતિની પસંદગી મુજબ કપડાં, રહેણીકરણી વગેરે અપનાવીને તેને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એમ કરવા જતાં ચંદન શંકા કરવા લાગ્યો. અને ક્યારેક હાથ પણ ઉપાડવા લાગ્યો. ઉપરથી સાસુમાનાં ખૂબ મહેણાં સાંભળવાં પડ્યાં. સસરાને પણ વહુ મોર્ડન બની જાય તે પસંદ ન આવ્યું. આમ પોતાના ઘરને એક આદર્શ પરિવાર બનાવવા મથતી કંચનના ભાગ્યમાં દુ:ખના પોટલા જ આવી પડ્યા.
સમય જતાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ચંદન તેનાથી દૂરી બનાવવા લાગ્યો. પરંતુ કંચન હજુ હિંમત હારી નહોતી. પતિની મારનાં નિશાન માવતર જાણી ન જાય એ માટે તેણે પિયર જવાનું પણ બંધ કરી દીધું. ઘરમાંથી બહાર આવવાનું અને લોકો સાથે હળવામળવાનું પણ ઓછું કરી દીધું. તે હજુપણ વિખરાતા પરિવારને એક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. છતાં પરિણામ તો પતિના હાથની મારમાં જ પરિણમતું હતું.
એક દિવસ કોઈ બાબતે પતિપત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ચંદને પત્નીને બહુ મારી. અને ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો. જતાં જતાં પત્નીને કહેતો ગયો કે "આજથી તારે ને મારે કોઈ જ સંબંધ નહીં. તારા માટે તો મને મરી જ્યો જ હમજજે. અને જ્યોં જઉં હોય ઈં જતી રે'જે.."
ચંદન ખૂબ જ ગુસ્સામાં ક્યારેય પત્નીનું મોંઢું નહીં જોવાનું નક્કી કરીને ઘરેથી નીકળ્યો હતો. તે શહેરમાં જઈને એક મિત્ર અશ્વિનને મળ્યો. સાચી હકીકત છૂપાવીને નોકરીની વ્યવસ્થા કરવા વિનંતી કરી. નોકરી પણ મળી ગઈ. થોડા દિવસ મિત્રને ત્યાં જ રહ્યા પછી એક રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યો.
અહીં સાસરિયામાં કંચનને હવે કોઈનોય સહારો નહોતો. છતાં તે મક્કમ બનીને ત્યાં જ રહેવા લાગી. ક્યારેક નાનકડી નણંદ માણેક સાથે વાતો કરીને હૈયાને હળવું કરી લેતી. અને જે થાય તે કામ કરીને સમય પસાર કરતી હતી.
ચંદનને ઘર છોડે ત્રણેક મહિના વિતી ગયા હતા. તે અશ્વિનના ઘરેથી ક્યારેક ફોન કરીને માબાપની ખબર પૂછી લેતો. પણ ઘરે આવવાની ચોખ્ખી ના જ પાડતો હતો. દીકરો ભાગી જવાથી વહુ પર સાસુનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. અને 'ડાકણ'નું બિરૂદ આપીને ચોમેર બદનામ કરવાનું પણ ચાલું કરી દીધું હતું. કંચન માટે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ હતી. છતાં તેણે હજુપણ આશા ગુમાવી નહોતી.
એક દિવસ સ્ટવમાં કેરોસીન ઓછું હતું. માળિયા પરથી ગેલનિયું ઉતારવા જતાં તેના હાથમાંથી છટકીને ઊંધું થઈ ગયું. અને તેના માથા પર કેરોસીન ઢોળાયું. એવામાં લાઈટ પણ ગઈ. કેરોસીનનો ખડિયો પેટાવા કંચને જેવી દીવાસળી પેટાવી, એવો જ એના સાડલાનો છેડો ખભેથી સરકીને દીવાસળી પર પડ્યો. કેરોસીનવાળો હોવાથી સાડલો તરત ભડભડ સળગ્યો. અને સાથે કંચન પણ સળગી. બૂમાબૂમ મચી ગઈ. પાસપડોસમાંથી લોકો દોડી આવ્યાં. ગોદડાં અને પાણી વડે આગ બૂઝાવીને કંચનને દવાખાને લઈ ગયાં.
આ બાજુ સાંજે જમીને ચંદન અશ્વિનના ઘરે ઘડીક વાતો કરવા ગયો હતો. ત્યાં જ કંચનને દવાખાને દાખલ કર્યાનો ફોન આવ્યો.
* * * * *
"જીવન ચ્યોંથી ચ્યોં આઈ ને હલવઈ જ્યું..? અને મને આવું વેવલું બૈરું ચ્યોંથી ભીટકોણ્યું હાળું..? મરી જાય તો હારું ઓંયકણીંયોંથી.." ગુસ્સામાં બબડતો હું ઊભો થયો. પાછળની યાદોથી મારું માથું ભમવા લાગ્યું હતું. એટલે થોડો 'હવાફેર' કરવા માટે હું ધાબા પર ગયો. ત્યાં સામેના ધાબા પર કુસુમભાભી કપડાં સૂકવી રહ્યાં હતાં.
"ઓહો હો.. આજે તો ચંદનભાઈને આરામ... તમારે તો ખરેખર મજા મજા જ છે હોં ભઈ.. અમને આવું સુખ ક્યારે મળશે.?" મને જોતાં જ કુસુમભાભીએ હસતાં હસતાં કહ્યું.
"તે અમારું સુખ તમે લઈ જો ભાભી.." મેં પણ સામે હસતાં હસતાં ઉત્તર આપ્યો, "આ તો તમને સુખ દેખાય સે.. બાકી હઉના મનની વાત તો હઉ જ જોણે.."
"હા.. હાચી વાત હોં ભઈ.. બધ્ધોંને બીજોંનું સુખ જ મોટું લાગે.." બાજુના ધાબામાંથી ગોદાવરીમાસીએ ટાપસી પૂરી.
ત્યાર પછી તો અમારા ત્રણેય વચ્ચે સુખ અને દુ:ખનું થોડું 'તત્વજ્ઞાન' ચર્ચાયું. થોડીવાર પછી તે બન્ને જણાં પોતાનું કામ પતાવીને નીચે જતાં રહ્યાં. હું ધાબા પર ઊભો ઊભો દૂર આકાશમાં જોતો કુસુમભાભીના વિચારે ચડ્યો.
"ચ્યેટલી ભલી બાઈ સે આ..! આખ્ખો દા'ડો હસતી ને હસતી જ હોય સે.. બે મોંણહ વચ્ચે પ્રેમ પણ ચ્યેટલો બધો સ..! ચ્યેટલી મસ્તી.. કપડોંયે ચ્યેટલોં સુંદર પે'રે સે..! શોખીન પણ ચ્યેટલી..! અને મારું બૈરું..? એક નંબરનું ગોબરું સે.. ડોબું હાળું..!"
મારી સામેના મકાનમાં ચિરાગ એની પત્ની સાથે રહેતો હતો. ચિરાગ અને અશ્વિન એક જ કંપનીમાં નોકરી કરતા હતા. એ નાતે ચિરાગે મને આ રૂમ ભાડે અપાવી હતી. એની પત્ની કુસુમનો સ્વભાવ ખૂબ જ હસમુખો હતો. એની રહેણીકરણી, એનું બોલવું વગેરે મને ખૂબ જ ગમતું. મારે તેની સાથે સારું બનતું. ક્યારેક નવી વાનગી બનાવી હોય તો મને થોડીક અવશ્ય મોકલાવે જ. મારે મોડુંવહેલું થાય તો ચાપાણી પણ કરાવી દે. તબિયતના સમાચાર પણ પૂછે. ખબર નહીં, અમારે કયા ભવનો નાતો હતો.! મારા માટે તેને અનોખું હેત હતું. હું પણ તેમની ખૂબ જ ઈજ્જત કરતો.
કુસુમભાભી મને એક આદર્શ નારી લાગતી હતી. "મનેય આવું બૈરું મળ્યું હોત તો ચ્યેવું હારું હતું..!" એમ કહીને હું મારા ભાગ્યને હમેશાં કોસ્યા જ કરતો. અને ભગવાનને પણ ફરિયાદ કરતો રહેતો હતો.
થોડી વાર સુધી ધાબા પર રહીને વિચારો કર્યા પછી ગરમી લાગતાં હું નીચે આવ્યો. પલંગમાં આડા પડીને ટીવી ચાલુ કર્યું. બપોરે જમવા માટે શું કરવું એની મથામણ કરતો હતો ત્યાં તો રૂમનું બારણું ખખડ્યું. મેં દરવાજો ખોલ્યો તો સામે જ અશ્વિન ઊભો હતો. મને જોતાં જ આશ્ચર્યચકિત થતાં બોલ્યો, "ઓહો ચંદનીયા.. તું તો તૈયાર પણ થઈ ગયો ને કાંઈ..! મને એમ કે રાતનું ઘેન જ હજી નહીં ઉતર્યું હોય.. એટલે થયું કે લાવ ખબર કાઢતો આવું.. કેવું છે બોલ..?"
"અલ્યા ધીમે બોલ.. મારી આબરૂના ધજાગરા ઉડાડવા સે કે સું લ્યા તારે..?" એમ કહેતાં મેં તેને અંદર આવવા તાણ કરી.
બારણું બંધ કરીને અમે પલંગમાં બેઠા. મને પીઠ પર ધબ્બો મારતાં તે બોલ્યો, "બોલ, કેવી રહી મારી બર્થડે પાર્ટી..? મજા આવી કે નહીં..?"
"મજા તો ખૂબ આઈ હોં પાર્ટીમોં... પણ એક વાત જોંણી લીધી કે હાળું હવે કદી પીવાય નઈં... " મેં મોઢું બગાડતાં કહ્યું.
"એ તો પેલ્લુંવેલ્લું લીધું ને એટલે એવું લાગે... પછી ટેવાઈ જવાય લ્યા.. જીવનમાં ટેસ્ટ તો બધાયનો કરવો ચંદન.. કોઈ અફસોસ ના રહેવો જોઈએ..." અશ્વિન મને ભાષણ આપવા લાગ્યો.
"બસ કર ભઈ.. હવે બસ કર..!" મેં તેને હાથ જોડતાં કહ્યું. "તારે જેટલો ટેસ્ટ કરવો હોય એટલો કરજે.. પણ આપડે તો આજથી હાથ જોડ્યા હોં.. આ વસ્તુ આપડા કોમની નહીં ભઈ.."
અમે વાતો કરતા હતા ત્યાં તો કુસુમભાભીએ બૂમ મારી, "ચંદનભઈ.. ઠીક ના હોય તો જમવાનું ના બનાવતા.. હું અમારા ભેગું બનાવી દઉં છું..."
"અલ્યા હું એ માટે જ આવ્યો'તો ચંદન.." અશ્વિન એકદમ બોલી ઉઠ્યો, "તારું જમવાનું મારે ત્યાં છે. તૈયાર પણ થઈ ગયું હશે.. ના પાડી દે ભાભીને.."
"લે, હવે જમ્બાનું સું હાટું હતું..! મું બનાઈ દોત લ્યા.. એક જણનું રોંધવામોં ચ્યેટલી વાર થોત..?" મેં વિનમ્રતાથી કહ્યું.
"હવે નાટક કર્યા વગર ના પાડ ને ભઈ... પેલી હમણાં રાંધી દેશે પાછી.." અશ્વિન થોડો ખિજાયો.
"હા ભઈ.. ઓંમ કઈડી ખાય એવું નોં કર... શોંતિ રાખ થોડી.. ના પાડું સું બસ...?" એમ કહીને હું બહાર ગયો. અને ભાભીને મારા માટે જમવાનું બનાવવાની ના પાડીને પાછો આવ્યો.
"તારે તો ભઈ.. જલસા છે હોં... ભાભીઓયે તારી ચિંતા કરે..." અશ્વિન મશ્કરીમાં બોલ્યો.
"અલ્યા હાચું કઉં અસવિન...!" મેં એની મશ્કરીને ટાળતાં કહ્યું, "આ કુસુમભાભી એટલી ભલી બાઈ સે ને.. કે ના પૂસો વાત..!"
"એ તો ડુંગરા દૂરથી રળિયામણા લાગે ભાઈ..!" મારી વાતને કાપતાં તે બોલ્યો, "લોકોને તું હજુ ઓળખે છે જ ક્યાં..?".
"ચ્યમ એવું લ્યા..? મીં સું ખોટું કીધું ઈંમોં..? ભલી બાઈ સે તે ભલી જ કઉં ને..!" મેં આશ્ચર્યથી પૂછ્યું.
ત્યાર પછી અશ્વિને કુસુમભાભી વિશે જે હકીકત જણાવી તે જાણીને તો મારા હોશ જ ઉડી ગયા.
* * * * *
ચિરાગનો જન્મ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેના બાપુજી આ જ શહેરના એક કારખાનામાં સામાન્ય પગારથી નોકરી કરતા હતા. ઘરખર્ચને પહોંચી વળવા તેની મા બે-ચાર ઘરનાં વાસણ-પોતાં કરીને થોડા પૈસા લાવતી હતી. બન્નેએ કાળી મજૂરી કરીને ચિરાગને પાળ્યોપોષ્યો, ભણાવીગણાવીને મોટો કર્યો. તેને એક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. ત્યાર પછી તેનાં લગ્ન પણ લેવાઈ ગયાં. માબાપને હવે બધી વાતે શાંતિ હતી.
પરંતુ લગ્નના થોડા જ સમય પછી ઘરમાં ધમાલ ચાલુ થઈ. ચિરાગની પત્ની કુસુમ ખૂબ મુક્ત મિજાજની હતી. ખાવાપીવા, પહેરવાઓઢવાની શોખીન પણ હતી. અને એમાં અઢળક ખર્ચા કરતી. આ બાબતે સાસુ-વહુમાં ચડભડ થયા કરતી. ક્યારેક તો રકઝક ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી. ત્યારે કુસુમ આપઘાત કરવાની બીક બતાવીને ઘરનાં બધાંને પાછાં પાડતી. ચિરાગ પણ પત્નીથી એટલો દબાઈ ગયો હતો કે તેને કંઈ જ કહી શકતો નહોતો. પરિણામે ઘરનું વાતાવરણ દિવસે દિવસે ખૂબ જ બગડતું જતું હતું.
રોજેરોજના કંકાસથી માબાપ કંટાળ્યાં હતાં. તેમણે એક દિવસ ચિરાગને જુદા રહેવા માટે સમજાવી લીધો. તે માવતરને છોડવા નહોતો માંગતો. પરંતુ કુસુમે આ વાત પકડી લીધી. અને એવો ઉધામો કર્યો કે નાછૂટકે ચિરાગને અલગ રહેવા જવું પડ્યું.
અા સોસાયટીમાં તે બેએક મહિના ભાડેથી રહ્યો. અને પછી બેંકમાં લોન કરાવીને આ જ મકાન વેચાતું લઈ લીધું.
છેલ્લાં ત્રણેક વરસથી તે આ મકાનમાં રહેતો હતો. કુસુમ હવે આઝાદ હતી. ચિરાગ તેનો ગુલામ હતો. ભાગ્યે જ તે માબાપને મળવા જઈ શકતો હતો. પત્નીના ખર્ચા, લોનના હપ્તા અને ઘરખર્ચમાં જ માંડ પહોંચી વળાતું હતું, ત્યાં માવતરને પૈસા મોકલવાની તો વાત જ નહોતી આવતી. માબાપ પોતાની એ જ જૂની મજૂરી પર જીવવા માટે મજબૂર થઈ ગયાં હતાં.
કુસુમ બહાર હમેશાં સારી રીતે જ રહેતી. જાહેરમાં પતિનાં વખાણ કરતી. ડાહી ડાહી વાતો કરતી. બધાં સાથે હસતીબોલતી. પરંતુ તેના અસલી ગુણ તો ચિરાગ જાણતો હતો.
એક દિવસ અશ્વિન અને ચિરાગ કંપનીના કામથી બહારગામ ગયા હતા. ત્યાં વાતમાંથી વાત નીકળતાં ચિરાગે ખૂબ જ ભાવુક બનીને અશ્વિન આગળ પોતાની વેદના ઠાલવી હતી. એ વાત અશ્વિને આજે ચંદનને કરી.
* * * * *
"કેમ ભઈ..? શું વિચારમાં પડ્યો..?" મને ચૂપ થઈ ગયેલો જોઈને અશ્વિને પૂછ્યું.
"હેં...? ક.. ક.. કોંય નઈ..!" હું એટલું જ બોલી શક્યો. અને બીજું બોલું પણ શું.? ચિરાગ અને કુસુમની કહાનીએ મને અંદરથી હચમચાવી નાંખ્યો હતો.
કેવી દુનિયા છે આ.! બહારથી કંઈક જુદી અને અંદરથી કંઈક જુદી. એક જ ચહેરાની ઓથે લોકો બે વ્યક્તિત્વ કેવી રીતે નિભાવી શકતા હશે..? એમનો આત્મા પણ કંઈ નહીં કહેતો હોય..? નહીં જ કહેતો હોય ને..! કહેતો હોત તો લોકો આટલી હદે જાય ખરા..? અને કદાચ આત્મા કંઈક કહેતો પણ હોય, છતાં લોકો આત્માના એ અવાજને ઘોળીને પી જ જતા હોવા જોઈએ. તો જ આવું શક્ય બને. એ જે હોય તે, પરંતુ આ પણ જગતની એક કડવી વાસ્તવિકતા જ છે.
"હાય હાય.. આ કુસુમ તો કઝાડ નેકળી લ્યા..! હાળું મું ચ્યમ ઓળખી નોં હેંક્યો..?" મને મારા પર ગુસ્સો આવ્યો. અને કુસુમ પર નફરત.
મારા ઘરેથી નીકળીને અમે અશ્વિનના ઘરે પહોંચ્યા. ત્યાં જમીને થોડીવાર વાતો કરી. અને ત્રણેક વાગ્યે હું મારી રૂમ પર પાછો આવ્યો. સ્ત્રીઓના ચરિત્ર વિશેના વિચારો મારા મગજમાંથી હજીયે ખસતા જ નહોતા.
આમ તો રજાના દિવસે બપોરે જમીને હું એકાદ કલાક સૂઈ જતો. પણ આજે મને ઊંઘ આવતી નહોતી. વિચારોથી મન પણ કંટાળ્યું હતું. એટલે વળી પાછો મેં ટીવીનો સહારો લીધો. અને પલંગમાં આડો પડ્યો.
બેત્રણ ચેનલો બદલ્યા પછી એક ચેનલ પર મન સ્થિર થયું. ગુજરાતી ચેનલ હતી. ગુજરાતી ફિલ્મ ચાલી રહી હતી. મેં ટીવીના પડદા પર જમણી બાજુ ઝીણી આંખો કરીને ફિલ્મનું નામ વાંચ્યું, "મારી વહુ"
"મારી વઉ..?" મને કંચન સાથેના શરૂઆતના દિવસો યાદ આવી ગયા. પરંતુ તે પછીનો ઈતિહાસ યાદ આવતાં મારું મન ખિન્ન થઈ ગયું. આમ છતાં ટીવીમાં મારો પ્રિય શબ્દ વાંચીને મને થોડું આશ્ચર્ય થયું હતું અને થોડી ઉત્કંઠા પણ. "આવું પણ પીચ્ચર સે લ્યા..? મને તો આજ જ ખબર પડી લે..! સું હશ્યે આ પીચ્ચરમોં..? લેં હેંડ તાણ, જોઈએ તો ખરા..!" એમ મનોમન બબડતો હું તે ફિલ્મ જોવા લાગ્યો.
* * * * *
ફિલ્મની વાર્તા એક એવી વહુની હતી, જે પોતાનાં સાસરીયાંના પરિવારને હમેશાં સુખી અને ખુશ જોવા માંગતી હતી. પરંતુ તેના આવ્યા પછી સસરાનું મૃત્યુ અને પતિની નોકરી જતી રહેવાના કારણે ઘરનાં સૌ તેને કાળમુખી કહીને તિરસ્કારવા લાગ્યાં.
નંદિની પોતે સુખી ઘરમાંથી આવતી હતી. છતાં સામાન્ય સ્થિતિ ધરાવતા સાસરીયામાં બાપની સંપત્તિનો ઘમંડ ક્યારેય બતાવ્યો નહોતો. સાસરે આવ્યા પછી પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ. જે બન્યું એના માટે પોતે જવાબદાર નહોતી. છતાં સાસુ, પતિ, નણંદ, દિયરનો અત્યાચાર સહન કરીને પરિસ્થિતિ બદલવાના પ્રયત્નો કરતી જ રહી.
સમય વિતતો ચાલ્યો. એક દિવસ નંદિની અને તેનો દિયર એકલાં જ ઘરે હતાં. ત્યારે ગુંડા જેવા લાગતા પાંચેક માણસો ત્યાં આવી ચડ્યા. દિયરને ઘરમાંથી બહાર કાઢીને ધોલધપાટ કરી. નંદિનીએ વચમાં પડીને તેને છોડાવ્યો. દિયર જુગારના રવાડે ચડીને દેવું કરી બેઠો હતો. તેની ઉઘરાણી માટે આ બધી ધમાલ થઈ હતી. આ વાતની જાણ થતાં નંદિનીએ પોતાના હાથમાં રહેલી સોનાની બંગડી આપીને પેલા લોકોને રવાના કરી દીધા.
નણંદ પણ કોઈ મવાલી જેવા યુવકના પ્રેમમાં પડી હતી. એકવાર પ્રેમીની વાતોમાં આવીને તે કોઈ અવાવરૂ જગ્યાએ તેને મળવા ગઈ. ત્યાં તેનો પ્રેમી અને તેના બે સાગરિતો તેને ભોગવવાની યોજના સાથે હાજર હતા. પરંતુ તે ઘરેથી નીકળી ત્યારે નંદિનીને શક જતાં તેની પાછળ પાછળ ચોરીછૂપીથી જઈ પહોંચી. અને કંઈ ખરાબ ઘટના ઘટે તે પહેલાં તેણે નણંદને બચાવી લીધી. આ ધમાલમાં નંદિનીને થોડી ઈજાઓ પણ થઈ હતી.
સાસુની બિમારીમાં નંદિનીએ રાતદિવસ સેવા કરી. પતિ તેને તિરસ્કારતો હોવા છતાં સદાય તેના પડખે રહી. યોગ્ય સલાહ અને સથવારો આપતી રહી. એકવાર તેણે જીદ કરીને પતિને એક નોકરી માટે અરજી કરાવડાવી. મળવી અશક્ય લાગતી હોવા છતાં નંદિનીની સલાહ પ્રમાણે કરવાથી પતિને એ નોકરી પણ મળી ગઈ.
ધીમેધીમે ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. દિયરે ખરાબ ધંધા છોડીને ભણવામાં ધ્યાન આપવા માંડ્યું. નણંદ પણ ડાહીડમરી બની ગઈ. સાસુમા તેની સેવાથી ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. અને પતિને પણ નંદિનીની બુધ્ધિમત્તા પર ગર્વ હતો.
એક દિવસ નંદિની બિમાર પડી. એવી બિમાર પડી કે ખાટલામાંથી ઊભા થવાનાંયે ફાંફાં હતા. ઘરનાં કામ રઝળવા લાગ્યાં. ત્યારે સૌને સમજાયું તે નંદિની કેટલું મથતી હતી. ચારેય જણાં બીજાં બધાં જ કામ પડતાં મૂકીને નંદિનીની સેવાચાકરીમાં જોતરાઈ ગયાં. અને થોડા જ દિવસોમાં તે સાજી પણ થઈ ગઈ.
એક દિવસ બધાં ભેગાં મળીને આનંદની વાતો કરતાં હતાં. ત્યાં વાતમાંથી વાત નીકળતાં દિયરે પોતાની કુટેવ અને ભાભીએ કરેલા ઉપકારની વાત કહી દીધી. નણંદે પણ પોતાની હકીકત રજૂ કરી. સાસુમા તો વહુની સેવાને જાણતાં જ હતાં. પતિએ પોતાની ફરજ ભૂલવા બદલ માફી માંગી. અને ઘરની પરિસ્થિતિ ફરીથી સધ્ધર બનાવવામાં નંદિનીના ત્યાગ, પરિશ્રમ અને સમર્પણનાં ખૂબ વખાણ કર્યાં.
છેલ્લે નંદિનીનો પતિ, દેવી સમાન પત્ની મળવા બદલ ખૂબ જ ભાવુક બની ગયો. અને "જગતમાં કોઈનેય ના મળે એવી મને મળી છે વહુ.. મારી વહુ.." કહીને સૌની હાજરીમાં જ નંદિનીને ભેટી પડ્યો.
* * * * *
ફિલ્મ પૂરી થઈ ગઈ હતી. ટીવી એમ જ ચાલુ હતું. અને હું ઊંડા વિચારોમાં ખોવાઈને પલંગમાં મોડે સુધી પડ્યો રહ્યો.
બહાર કોલાહલ ના થયો હોત તો ન જાણે હું ક્યાં સુધી એમ જ પડ્યો રહેત. મારી વિચારમાળા તૂટી. રૂમનું બારણું ખોલીને જોયું તો સોસાયટીમાં બે આખલા ઝઘડ્યા હતા. બેચાર નાનાં વાહનો સાથે, બહાર પડેલી મારી સાઈકલનો પણ કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. આખલા તો ભાગી ગયા. પરંતુ તૂટી ગયેલાં વાહનો માટે કુસુમભાભી, ગોદાવરીમાસી અને બીજાં બધાં ખૂબ જીવ બાળતાં હતાં. મને આજે એની કોઈ જ અસર ન થઈ.
મારું ઉદાસ મોંઢું જોતાં જ કુસુમભાભી બોલી ઉઠી, "આજે તબિયત ઠીક નથી કે શું ચંદનભાઈ..? એવું હોય તો સાંજનું જમવાનું હું બનાવી દઉં..!"
ગોદાવરીમાસી કંઈક બોલવા જતાં હતાં. પરંતુ વાત આગળ ચર્ચાય એ પહેલાં જ મેં કહી દીધું, "કોંય થ્યું નહીં ભાભી.. આ તો ઊંઘીન ઉઠ્યો ને એટલે એવું લાગે સે તમોંને.. અન મારે અપ્પાહ સે આજ.. એટલે હોંજે જમ્બાનું નહીં.. " એટલું બોલીને હું ફટાફટ રૂમમાં પૂરાઈ ગયો.
મોંઢું ધોઈને થોડું પાણી પીધું. પાછળ ગેલેરીમાં પાણી ઢોળવા જતાં ઉંદરડીનાં બચ્ચાં યાદ આવ્યાં. એટલે કોથળો ઊંચો કરીને તપાસ કરી તો બે બચ્ચાં મરી ગયાં હતાં. જે જીવીત હતું તે પણ ઘડીબેઘડીનું જ મહેમાન હતું. હું કશું જ કરી શકું તેમ નહોતો. એટલે જીવ બાળતો થોડીવાર માટે એને જોઈ જ રહ્યો.
"જગતમોં અસ્ત્રી જાતીને જ ચ્યેટલી જવાબદારી આલી સે ભગવોને પણ..! ઓંમનો બાપ ઉંદેડો તો ખબર નઈં ચ્યોંય રખડતો હશ્યે... મા બાપડી ખાવાનું હોધવાની પળોજણમોં હડીઓ કાઢતી હાડીયાનો કોળિયો બની જઈ... અને મા વગરનોં બચ્ચોંયે ચ્યોં હૂંદી ટક્કર ઝાલે બાપડોં..! આ સેલ્લુંયે હમણોં જ્યા ભેળું જ સે... અરેરે...રામ.. રામ... રામ..." એમ બબડતો એને ભગવાન ભરોસે છોડીને હું રૂમમાં આવ્યો.
મને ચેન પડતું નહોતું. એટલે પલંગમાં બેઠો. ટીવી ચાલુ જ હતું. કાર્યક્રમ બીજો કોઈક ચાલી રહ્યો હતો. પરંતુ મને તો હજીય ફિલ્મના જ ભણકારા વાગી રહ્યા હતા. વારેઘડીએ ટીવીના પરદા પર "મારી વહુ" જ શબ્દ વંચાઈ જતો હતો.
દિવસ આથમવા આવ્યો હતો. ધીરેધીરે ધરતી પર અંધકારનું આગમન થઈ રહ્યું હતું. પરંતુ "મારી વહુ" ફિલ્મએ મારા અંતરમનની દુનિયામાં કરેલા એક નવા સૂર્યોદયે, મારાં અજ્ઞાનના અંધકારને ઓગાળીને, સમજણરૂપી એક નવો જ અજવાસ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું.
શરૂ શરૂમાં કુતુહલવશ થોડી ફિલ્મ જોયા પછી મને એમાં ખૂબ રસ પડ્યો હતો. અને ફિલ્મની નાયિકા નંદિની મને મારી કંચન જ લાગવા માંડી હતી. પરિસ્થિતિ અને પરિવાર અલગ હતાં, પરંતુ પત્ની તો જાણે મારી કંચન જ હતી. પોતાના પતિ અને પરિવાર તરફનો નંદિનીનો પ્રેમ, સમર્પણ, લગાવ, એની ઊંચી ભાવનાઓ, એનાં સપનાં... આ બધું જ મારી કંચનમાં પણ ક્યાં ઓછું હતું.! નંદિની તો ફિલ્મનું એક પાત્ર હતી. એની વેદનાઓ અને સંવેદનાઓ જોઈને મારું હૈયું આટલું હચમચી જતું હોય તો કંચન તો એક હકીકત છે. એ અભિનય નહોતી કરતી. એ ખરેખર મારા પરિવારને સદા ધબકતો રાખવા માટે મથનારી મારી વઉ હતી અને છે. તો પછી એના તરફ મને આટલો અણગમો શા માટે ?
શહેરની ફેશનેબલ યુવતીઓના ભપકામાં અંજાઈ ગયેલી મારી આંખો આજે ખરેખર ખૂલી ગઈ હતી. મારી કલ્પનાની મૂર્તિ કુસુમભાભી અને મારી હકીકત કંચન, બન્નેની છબી મારી નજર સમક્ષ તરવરી રહી. મને મારી કંચન લાખ ગણી નહી, પરંતુ કરોડ ગણી ચડિયાતી લાગી.
મને એની ખૂબીઓ એક એક કરીને યાદ આવવા લાગી. મારી ભૂલો પર મને ટોકવો, ઘરની અમુક બાબતોમાં દખલગીરી કરવી, માણેકને પ્રેમથી રાખવી, એને શીખામણ આપવી, મારાં માબાપની સેવા, આખાયે ઘરની સાચવણી, ચિતાઓ, રોજ કંઈક સારું કરવાની મથામણ, પરિવારને એક રાખવાની ભાવના... કેટલું ગણાવવું.? એની લાગણીઓનો કોઈ પાર જ આવે તેમ નથી. અને સૌથી મહત્વની વાત તો એ હતી કે ઘરનાં બધાંની ચિંતાઓ કરવામાં પોતાની જાતને પણ ભૂલી જવાની..!
મને એક વાર ઝેરી મેલેરિયા થઈ ગયો હતો. મેં તેને હડધૂત કરીને પાસે આવવા દીધી નહોતી, છતાં એ પોતાનું અપમાન ભૂલીને મારી પાસેથી ખસી જ નહોતી. સાત દિવસના સતત ઉજાગરા વેઠીને એ ખડેપગે મારી સેવા કરતી રહી હતી. એની એ ભાવનાના બદલામાં મેં એને શું આપ્યું.? નફરત અને અપમાન જ ને ! એટલું ઓછું હોય તેમ હું એને તરછોડીને અહીં ભાગી આવ્યો..!
મને મારા પર નફરત થવા લાગી. અને મારી કંચન તરફ પ્રેમ. એણે કહેલી એક એક વાત મને યાદ આવી રહી હતી. એ હમેશાં સાચી હતી. હું જ ખોટો હતો. મારી વહુ સાદી નહોતી, સમજદાર હતી. તે સુંદર તો હતી જ. પહેરવાઓઢવાની હોંશ એને પણ હતી. પરંતુ સમાજના રીતિરીવાજોની તેને ઊંડી સમજ પણ હતી. એક સ્ત્રીની મર્યાદાથી તે બંધાયેલી હતી. સાચા અર્થમાં મારી કંચન, મારી વહુ એક મુઠ્ઠી ઉચેરું માનવી હતી.
"ચંદન... તમારી તબિયત હાચવજો... ભણવામોં ધ્યોન રાખજો... અન મારી ચિંત્યા નોં કરતા પાસા...!" પરણીને આવ્યા પછી બે દિવસ મારે ઘેર રોકાઈને પિયર જતી વખતે તેણે કહેલા શબ્દો મને યાદ આવ્યા. અને મારું હૈયું ભરાઈ આવ્યું. માત્ર બે જ દિવસમાં એ કેટલી સમર્પિત થઈ ગઈ હતી મને..! એ વખતની સ્નેહ નિતરતી એની આંખો અને મારા વિયોગથી ચિંતિત એનો ચહેરો મારી નજર આગળ તરવરવા લાગ્યાં. ફરીથી સાસરે આવ્યા પછી એ પોતાનું પિયર જાણે ભૂલી જ ગઈ હતી. ના, ભૂલી નહોતી ગઈ, પરંતુ સાસરિયાની ધરતીમાં પોતાના અસ્તિત્વને એકરૂપ કરી દીધું હતું.
મારી વહુ માત્ર મારા જ ભરોસે સાસરીમાં આવી હતી. અને મારા સાથ-સહકારની અપેક્ષાએ જ બહુ ઊંચાં સપનાં પણ સજાવ્યાં હતાં. પરંતુ હું તો એને ભગવાન ભરોસે છોડીને ભાગી આવ્યો હતો. સાસરીમાં બિલકુલ નિરાધાર થઈને જીવવા મથતી મારી કંચનની હાલત વિશે વિચારીને હું ધ્રૂજી ઉઠ્યો.
આખો પરિવાર વિરોધમાં ભલે હોય, પણ પતિ પોતાના પક્ષમાં હોય તો એક સ્ત્રી માટે જીવન જીવવાનું આસાન હોય છે. પરંતુ જેનો પતિ જ તરછોડી દે એ સ્ત્રીને કેવી રીતે જીવન જીવવું.? જ્યારે કંચન માટે તો ના પતિનો સાથ હતો કે ના પરિવારનો. એ એકલી જ હતી. સાવ એકલી..
"અરેરે... મીં આ સું કરી નોંખ્યું..? એક ગભરુ હઈણી જેવી મારી વઉને મીં હાંવખે એકલી રઝળતી મૂકી દીધી.. ઈંના મનની વાતો હોંભળવાવાળુંયે ઈંકણીયોં કોઈ જ નહીં... ઈંનો ટેમ ચ્યેવી રીતે વીતતો હશ્યે..? એ આખો દા'ડો કોંમ કરીકરીને હોંજે થાકી જતી હશ્યે તો એકલી અટૂલી લોથ જેવી થઈને ઊંઘી જતી હશ્યે.. પણ ઈંને ઊંઘેય ચ્યેવી રીતે આવતી હશ્યે..? ઈંને ખાવાનુંયે કોય પૂંસતું નઈં હોય.. અરેરે.. એ પૂરું ખાતીયે નઈં હોય.. ઈંને માથું દુ:ખવાની તકલીપ સે.. બઉ માથું દુખતું તાણે નાસૂટકે મને એ કે'તી.. પણ મીં ઈંની વાતને કદી ગણકારી જ નઈં... હવે તો એ કુંની આગળ પોતાનું દુ:ખ કે'તી હશ્યે..? બિચારી ચૂપચાપ સહન કરીને નાસૂટકે ઊંઘી જતી હશ્યે... ઈંને સુખદુ:ખનું પૂસવાવાળુંયે કોઈ નઈં હોય.. અરેરે.. હે ભગવોન.. મારી વઉ ઈંમ સે'લઈથી હેંમત હારી જાય એવી નહીં... પણ ઈંના દુ:ખની હદ પાર થઈ જઈ હશ્યે તાણે જ ઈંને કેરોસીન સોંટવાનું પગલું ભર્યું હશ્યે ને....-"
એની હાલત વિશે વિચારતાં વિચારતાં મને એના સળગવાની પળ યાદ આવી. એ પળની કલ્પના કરતાં તો હું પલંગમાં મોંઢું દાબીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. હું ખૂબ રડ્યો. મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી.
ખૂબ રડવાથી મારું મન સહેજ હળવું થયું. પરંતુ ચિંતાઓ ખૂબ જ વધી ગઈ હતી. મારી વહુને મળવા, એને જોવા અને એની માફી માંગવા માટે મારું મન અધીરૂં બની ગયું હતું. હવે એક પળનુંયે મોડું કરવું પોષાય તેમ નહોતું.
હું પલંગમાંથી ઊભો થયો. ગેલેરીમાં જઈને મોંઢું ધોઈ આવ્યો. થોડું પાણી પીધું. પછી ફટાફટ કપડાંનો થેલો ભર્યો. રૂમને તાળું મારીને ચાવી આપવા માટે કુસુમભાભીને બૂમ મારી.
રાત પડી ગઈ હતી. બહારની લાઈટ ચાલુ કરીને ભાભી બહાર આવી. મેં ચાવી આપતાં એમણે પૂછ્યું, "કેમ આ થેલો ખભે ચડાવીને આમ.? ક્યાંય બહારગામ જવું છે કે શું ચંદનભાઈ..?"
"હોવે ભાભી.. જરૂરી કોંમથી વતનમોં જઉં સું... આવતોં બેચાર દા'ડા લાગશ્યે..." એટલું બોલીને હું ઝડપથી બસસ્ટેશન જવા નીકળી ગયો.
રસ્તામાં થયું કે એસટીડી બૂથ પરથી ફોન કરીને અશ્વિનને જણાવી દઉં. પછી વિચાર માંડી વાળ્યો. ઘરે જવાની એટલી અધીરાઈ આવી ગઈ હતી કે દસ મિનિટનો રસ્તો મને દસ કલાક જેટલો લાગ્યો. ડેપોમાં આવીને અડધાએક કલાકની રાહ જોયા પછી મારી બસ આવી. હું રીતસરની દોટ મૂકીને બસમાં બેસી ગયો. મારી કંચન સહીસલામત હોય એવી કામના સાથે હું ભગવાનને સતત પ્રાર્થના કરતો રહ્યો. થોડીવાર પછી બસ ઉપડી. અને મેં નક્કી કર્યા મુજબ હમેશાં હમેશાંને માટે શહેર છોડી દીધું.
ત્રણ કલાક બાદ હું મારા ગામડે પહોંચ્યો. કંચનને બાજુના મોટા ગામના દવાખાનામાં દાખલ કરેલી હતી. એટલે ગામના એક મિત્રને જગાડીને તેના સ્કૂટર પર હું દવાખાને ભાગ્યો. અડધા કલાક પછી અમે તે દવાખાને પહોંચ્યા. હું આવવાનો છું એ વાતની કોઈને પણ જાણ નહોતી. એટલે દવાખાનામાં મારા આગમનની કોઈ હલચલ નહોતી.
દવાખાનું ઘણું મોટું નહોતું. એટલે કંચનને શોધવામાં ઝાઝી વાર ન લાગી. આછી લાઈટના અજવાળામાં મારી બા અને બહેન, નીચે ગાદલું પાથરીને ભરનિંદરમાં સૂતાં હતાં. પરંતુ કોણ જાણે કેમ કંચન જાગતી પડી હતી. હું રૂમનો દરવાજો ખોલું એ પહેલાં જ તે બોલી ઉઠી, "તમે આઈ જ્યા ચંદન..!?"
મારા આશ્ચર્યનો પાર નહોતો. કંચનને ક્યાંથી ખબર કે હું જ છું? પરંતુ અત્યારે આશ્ચર્ય કરવાનો સમય નહોતો. મારે કંચનને જોવી હતી. મેં મોટી લાઈટ ચાલુ કરી. કંચનના મોંઢે પાટા બાંધેલા હતા. એની આંખો જ માત્ર દેખાતી હતી. હાથે પણ થોડા પાટા હતા. એની હાલત જોતાં જ મારું હૈયું ચિરાઈ ગયું હોય એવી વેદના મેં અનુભવી. અને "કંચન..." કહેતો તેને બાઝી પડીને રડવા લાગ્યો.
"અરે.. અરે.. ચંદન.. ગોંડા થઈ જ્યા કે સું..? મને કોંય નહીં થ્યું હોં... આ તો સાધારણ દાઝી સું.. કાલ ઠીક થઈ જશ્યે એ તો..." મને શાંત પાડતાં કંચન ધીમેથી બોલી. આવી હાલતમાં પણ મારી વઉને મારી કેટલી ચિંતા હતી.!
આ ધમાલમાં મારી બા અને માણેક પણ જાગી ગયાં. મારી બા ને તો વહુની ચિંતા કરતાં તો એનો દીકરો આવ્યાનો હરખ વધારે હતો.
મેં રડતાં રડતાં કંચનની માફી માંગી. મને રડતો જોઈને તે પણ ખૂબ રડી. મારી બા અને બહેન પણ રડ્યાં. મારો મિત્ર પણ ઢીલો થઈ ગયો હતો.
એટલામાં હોબાળો સાંભળીને કંપાઉન્ડર દોડી આવ્યો. અમને શાંતિ રાખવાની કડક સૂચના આપીને તે જતો રહ્યો. ત્યારબાદ મેં ઘટનાની પૂરી હકીકત જાણી. કંચને જે સાચું હતું તે બધું જ કહી દીધું. તે દાઝી એમાં કોઈનો દોષ નહોતો. પોતાની આ હાલત માટે તેણે પોતાના ભાગ્યને જ જવાબદાર ઠેરવ્યું.
ઘણી વાતો થઈ. ઘડિયાળમાં સવારના ચાર વાગવા આવ્યા હતા. કંચનને આરામ કરવાનું જણાવીને હું મારા મિત્ર સાથે રૂમમાંથી બહાર આવ્યો. મેં કંપાઉન્ડર પાસે જઈને કંચન વિશે માહિતી મેળવી. મને એ જાણીને હૈયે થોડી ધરપત થઈ કે તેને કોઈ જોખમ નહોતું. ગાલ, કપાળ, ગળું અને હાથના ભાગે ઉપર ઉપરથી ચામડી જ દાઝી હતી. જે થોડા જ દિવસોમાં ઠીક થઈ જશે. અને સવારે તેને રજા પણ આપવાની હતી. મેં ઉપરવાળાનો ખૂબ ખૂબ આભાર માન્યો.
ત્યારબાદ કંચનને બે દિવસ પછી ફરી બતાવવા માટે આવવાનું જણાવીને દવાખાનેથી રજા અપાઈ. ગામમાંથી જીપ ભાડે કરીને અમે ઘરે આવ્યાં. કંચન જાતે ચાલી શકતી હતી. છતાં મેં તેનો હાથ પકડી રાખ્યો હતો. મારું વર્તન જોઈને મહોલ્લાનાં બધાં નવાઈ પામતાં મને જોઈ રહ્યાં હતાં.
અમારા ઘરનું આંગણું આવતાં જ મેં કંચનને ઊભા રહેવા કહ્યું. માણેકને ઘરમાંથી પૂજાની થાળી સજાવી લાવવા જણાવ્યું. આ બધું જોઈને સૌના ચહેરા પર આશ્ચર્ય છવાયેલું હતું.
થોડીવારમાં જ માણેક પૂજાની થાળી લઈને આવી. મેં દીવો પ્રગટાવ્યો. ઘરના ઉમરા પાસે કંચનને ઊભી રાખીને તેની આરતી ઉતારી. અને વચન આપતાં કહ્યું, "કંચન.. આજથી તું આ ઘરની ધણીયોંણી સે... તારી ભાવનાઓનું હવે પસીં કદીયે અપમોન નઈં થાય.. તું જેમ કઈશ, જેવું ઈચ્છીસ એવું જ થશ્યે હવે... અને જ્યોં હૂંદી મારા આ ખોળિયામોં જીવ હશ્યે ને.. ત્યોં હૂંદી મું તને કદીયે એકલી નઈં મૂકું... આ મારું તને વચન સે..."
મારી વાત સાંભળીને હાજર સૌ મોંમાં આંગળાં નાંખી ગયાં. અને કંચન..? એ તો સમાજ કે કુટુંબની પરવા કર્યા વગર, સૌની હાજરીમાં મને પ્રેમથી ભેટી પડી.
હું જેવું ઝંખતો હતો તેવું જ ઉષ્મા અને પ્રેમભર્યું તેનું આલિંગન પામીને મારી જાતને રોકી ન શક્યો. અને "વાહ... આખ્ખાયે જગતમોં હઉથી સુંદર, હઉથી અનોખી... આ જ મારી વઉ...!" એમ મનમાં બોલતાં એને મારા આલિંગનમાં સમાવી લીધી.
(સમાપ્ત)
**************
- "નિસર્ગ" 🍁🍁🍁