HUN ANE AME - 8 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 8

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 8



રાત્રીના લગભગ અગિયાર વાગેલા અને તેવા સમયે હિતેશ પોતાની બાઈક લઈ તાપી નદી પર ના બ્રિજ પર આવ્યો. આવી તેણે બાઈકનું સ્ટેન્ડ ચડાવ્યું અને બાજુમાં સાગર અને રાકેશ ઉભા હતા ત્યાં જઈ ઉભો રહ્યો.

"કેમ આજે મોડું?" સાગરે પૂછ્યું.

"આજે જરા મોડું થઇ ગયું. પપ્પાને જરા એક કામ હતું. કામ પતાવી અહીં આવ્યો." તેણે બાઈકની બાજુમાં લટકતી એક બેગમાંથી ત્રણ સોડા કાઢી.

"આ કેમ લાવ્યો?" રાકેશે પૂછ્યું.

તો કહે "આજે જ માર્કેટમાં આવી છે. માર્કેટિંગ કરવા માટે અમારા પાર્લરમાં આપી, થયું તમને પણ ચખાડું."

"હાં.. પેલું ટ્રાયલ અમારા પર કરવાનું એમ?" સાગરે હસતા પૂછ્યું. ત્રણેય હસ્યાં ને સોડા પીયને સાગરે ઘરે જવાનો આગ્રહ કર્યો. રાકેશે હિતેશને પૂછ્યું, "જવું છે?", હિતેશે ના પાડી તો તેણે સાગરને "હું હિતેશ સાથે આવી જઈશ." એમ કહી ઘેર મોકલી દીધો. બન્ને વાતો કરતા ત્યાં જ બેઠા હતા.

વાતો વાતોમાં હિતેશે રાકેશને સવાલ કર્યો,"એક વાત કે'.. "

"શું?"

"તું એટલો સમય રામનંદનમાં રહ્યો. તો તને બધા વિશે બરોબર જાણકારી મળી કે?"

"એટલે?"

"હું રાધિકા અને તેના પરિવાર વિશે વાત કરું છું." તે આતુરતા પૂર્વક રાકેશ સામે જોવા લાગ્યો અને તેણે હિતેશ સામે જોઈ જવાબ આપ્યો. "હા. મને કોઈએ વાત તો ના કરી. પણ એટલું તો હું સમજી જ ગયો કે કોણ સારુ છે ને કોણ સારુ નથી."

"તે કોઈ દિવસ તે સોસાયટીના બેકગ્રાઉન્ડ વિશે જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો?"

"બેકગ્રાઉન્ડ?" રાકેશે આશ્વર્ય સાથે પૂછ્યું.

"હા. દરેક જગ્યાએ પાસ્ટ તો હોય જ છે. બસ જે લોકોને ખબર હોય તે બીજાને કહેતા નથી અને અજાણ લોકો જાણવાનો પ્રયત્ન જ નથી કરતા."

"તો... તે સોસાયટીનો શું પાસ્ટ છે?" રાકેશે જાણવા માટે અધીરાઈ બતાવી

હિતેશે તેની સામે જોયું, "જોયા માં જ લાગ્યું કે તું બધાના મોઢા બંધ કરાવી શકે તેમ છે. તારી વાણી પરથી જ તારા વાક્ચાતુર્યનો અંદેશો આવે છે. પણ તે દિવસે તારી સાથે બબાલ થઈ, તો તે કશું કર્યું નહિ. આવું કેમ?" તેની વાત તદ્દન સાચી હતી. રાકેશ જેવા લોકો ખુબ શાણા હોય છે. તેમાં બાજુ કરતા બુદ્ધિ નું બળ વધારે હોય છે. તે બીજા સામે તરત તો ના જ બોલે, પણ અન્યાય નો જવાબ જરૂર આપે. હિતેશ પણ આ વાત જાણતો હતો અને ક્યાંક તેને એમ પણ લાગ્યું કે રાકેશ તેનો જવાબ આપશે. જોકે રાકેશના મનમાં તો એ વાત હતી પણ નહિ. તે તો દરેક વાતને ભૂલી જવા માંગતો હતો. એ પણ તેની ઈચ્છા હતી કે બીજા પણ ભૂલી જાય. હવે અન્યને તો દબાણ ના કરી શકાયને?

રાકેશે હળવી હસી બતાવી જવાબ આપ્યો, " સમજાવાના એ લોકોને હોય, જે કશું સમજે. ભલે મને તેના બેકગ્રાઉન્ડ વિશે ખબર ના હોય. પણ એટલું તો સમજાય ગયું કે તે દરેકમાં રાધિકા અને મારી બાજુમાં ઉભેલા ચાર-પાંચ લોકો સિવાય બધા જ ગેર સમજુ હતા, સમજાવ્યે સમજે તેમ નહિ અને મૂર્ખને સમજાવા કરતા ચૂપ થઈ જવું વધારે સારુ."

"સાચું. પણ કશો ફાયદો નઈ. જે પકડાયો એ ચોર." આટલું કહી તેણે બેગ માંથી બીજી એક દારૂની નાની બોટલ કાઢી.

રાકેશે હસીને કહ્યું "તને યાદ રહ્યું?"

"હા! તું કહે ને હું ભૂલી જાઉં કેમ ચાલે? આ લેવા ગયો એટલે તો મોડું થયું." તેણે તે બોટલ રાકેશના હાથમાં આપતા કહ્યું, "પણ એક એ ના સમજાયું! તું આ દિશામાં ક્યારે વળ્યો."

"બહુ સમય પહેલા દોસ્તોએ પરાણે પીવરાવેલું. બે ત્રણ વખત એ રીતે થઈ ગયેલું. આજે જરા મન થયું એટલે.." તેણે ફરી પેલી વાત શરૂ કરી "પણ અચાનક મારા ભૂતકાળમાં તને રસ કેમ જાગ્યો. હું તો બધું ભૂલવા માંગુ છું."

"મને મન થયું કે હું જરા સમજી લઉં કે ભૂલ કોની હતી?"

"આજે તું ગોળગોળ વાતો કરે છે એ સમજાતી નથી. જરા ખુલીને બોલ. તું કેહવા શું માંગે છે?" રાકેશે હિતેશને કહ્યું.

"તને પહેલી વાર જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે સુરેશે જે વાત કરી તે પ્રમાણે કશું થયું નઈ હોય. તું એ લોકોને જવાબ આપી શકે તેમ હતો. તે ખાલી રાધિકાને સમજવાનો પ્રયત્ન કરેલો અને ઊંધું સમજી બધાયે તને તરછોડી દીધો."

"કરેક્ટ. સાચું સમજ્યો છે તું દોસ્ત."

"તને ખબર છે જે મહેશ તે દિવસે સારો થયો, તે કેટલો સારો છે?"

"મને ખબર છે તે બગડેલ છે."

"તું જેટલો સમજે છે તેનાથી વધારે. અમે પેલા ત્યાં જ રહેતા, તે વખતે તેની સાથે ઓળખાણ થયેલી. સોસાયટીમાં બાંધકામ શરૂ હતું ને ખુબ ઓછા લોકો રહેવા માટે આવેલા. આમેય, શહેરનો છેવાડો."

"તો?"

"તે વખતે મેં જોયેલો એને. જે તને એમ કહેતો હતો કે સોસાયટીમાં ઘરની જેમ રહેવું જોઈએ એ મહેશે ન કરવાનું બધું જ કરેલું. પહેલી શેરીમાં અનેક લફરાં હતા, તેમાંય સોસાયટીનું કામ શરૂ હતું, રહેવા માટે થોડાક માણસો જ આવેલા અને ખાલી જગ્યાઓ જોઈ તેણે કશું બાકી નથી રાખ્યું. પોતાની વાત પરાણે મનવવાની અને કોઈ ના માને તો મારીને મનવવાના. એ જ એનું કામ હતું. ફેક્ટરી નવી નાખી પણ એના દરેક કામ તેણે લોકોને મારીને જ કરેલા છે. સોસાયટીના નવા બનેલા ખાલી મકાનોમાં દરેક કાંડ કરેલા તેણે. પોતાને જો કોઈ બિઝનેસમાં સપોર્ટ ના કરે તો સીધા જ સોસાયટીના ખાલી મકાનોમાં લાવી ધુલાઈ કરી નાખવાની. એક કોઈ સરકારી ઈન્સ્પેક્ટરને પણ એ રીતે જ મનવ્યો હતો. એની જાળ માં ફસાયા પછી કોઈ તેને ઇન્કાર કરે તે તેને મંજુર ના હતું. તેની ધાક એવી હતી કે કોઈ છોકરી તેની સામે અવાજ ના ઉઠાવી શકતી અને કોઈ બોલે તો તેની કાતર હકુકાકાના સપોર્ટ રૂપે તેની પાસે જ હોય."

રાકેશ દારૂની બોટલ તોડી બીજી બોટલમાં મિક્સ કરતા કરતા હસ્યો ને કહેવા લાગ્યો, " છોડને એને. અહીં તો એ જ ચાલે છે ભાઈ! હવે છોડ એ બધું. હું એ કોઈને યાદ પણ નથી કરવા માંગતો. તેની ભુલીજા અને કંઈક નવી હોય તો બોલ."

હિતેશે થોડા ગંભીર અવાજ માં કહ્યું, "નવી પણ એની જ છે."

"શું?"

"રાધિકા."

રાકેશની હસી બંધ થઈ ગઈ અને ચેહરો ધીર થયો, "રાધિકા?"

"કાલે રવિવાર છે, કાલે... સગાઈ છે રાધિકાની." તેણે ખચકાટ અનુભવતા અને ઊંડો શ્વાસ લેતા તેને જાણ કરી. પણ રાકેશના ચેહરા પર લેશમાત્રનો ફેર ના પડ્યો. તેની ધીરતા જતી રહીને ચેહરા પર હળવું સ્મિત ફરી આવી ગયું. હિતેશને આશ્વર્ય થયું. તેણે તેને પૂછ્યું, "તને નવાઈ ના લાગી કે રાધિકા સગાઈ કરે છે અને એ પણ આટલી જલ્દી."

તો તેને જવાબ આપતા રાકેશે કહ્યું. " એમાં નવાઈ લાગવા જેવું કશું નથી, મારે કોઈ ફેર નથી પડતો. આમે પણ એ મહેશથી ડરે છે. જે એને પસંદ છે એ જ કરે છે. સગાઈ પણ એ પોતાની મરજીથી જ કરે છે, તો મારે શું છે?"

" તેને જોઈને એવું લાગતું ન્હોતું. આજે તેના થનાર ફિયોન્સ સાથે અમારાં પાર્લરમાં આવી 'તી, બાર વાગેલું મોઢું તેનું."

રાકેશે તેની વાત અટકાવતા કહ્યું, "છોડને યાર હવે. એને જે ગમશે તે એ કરશે. જો ના ગમે તો પણ આપણે શું?.."

"લાગે છે નશો ચડવા લાગ્યો છે તને, હેં ..." હિતેશ પણ નશામાં હતો.

"હવે એ... એ ચડે... કે નઈ", "આપણે શું?..." બન્ને સાથે બોલ્યા અને બન્ને હસી પડ્યા. બ્રિજની એક બાજુ તેઓએ ટહેલવાનું શરૂ કર્યું. થોડો સમય ચક્કર મારી બન્ને પાછા ત્યાં આવી ફૂટપાથ પર બેસી ગયા ને વાતો કરવા લાગ્યા. એટલામાં એક કાર ત્યાંથી નીકળી અને થોડી આગળ જઈ ઊભી રહી. એક ક્ષણ ત્યાં ઊભી રહી બંને તેની સામે જોવા લાગ્યા તો કાર પાછી ચાલી અને તે બંને પાસે આવી.

દરવાજો ખોલી એક માણસ નીચે ઉતાર્યો. સૂટ પહેરેલો, આંખો પર ચશ્મા અને એક બિઝનેસમેન જેવો લાગતો. હિતેશ ઉભો થઈ ગયો ને તેને પૂછવા લાગ્યો, "જી, બોલો. આપ?" એટલામાં તેણે તેની સામે ધ્યાન પણ ના આપ્યું અને રાકેશ તરફ જોઈ કહેવા લાગ્યો, "ક્યુ રાકેશભાઈ! પહચાના નહિ ક્યા?" કહી ચશ્મા ઉતાર્યા.

રાકેશ તેની સામે થોડી વાર જોઈ રહ્યો અને નીચે જોઈ બોલ્યોઃ " અરે.. સાજીદ ભાઈ! બહોત દિનો બાદ. આઈએ આઈએ." તે તેની બાજુમાં બેસી ગયો. "ક્યાં યાર રાકેશભાઈ, બૈઠે હૈ શરાબ - વરાબ લગાકે."

" ઔર કરે ભી તો ક્યા? અભી તક યુ ફ્રિ બૈઠે હૈ."

"હા, વોહ ભી હૈ. લેકિન મૈને બોલા થા આપકો. ઇન્ટર્નશીપ કે બાદ ફોન કરને કો. આપને કીયા હી નહિ."

"સોચા યેહ દિવાલી કી છુટ્ટી ખતમ હો જાયે તો કરદુ."

" ચલીયે કોઈ બાત નહિ. કલ મેં એક કામ સે જા રહા હું. અગર આપ ચાહે તો.." તેણે રાકેશ સામે જોઈ પોતાની વાત અટકાવી.

"જરૂર. મેરે પાસ કુછ હૈ ભી કહાં? યે બતાયે કબ નિકલના હૈ?"

"કલ શામકો. બડોદા જાના હૈ. બતા દીજિયે કહાં સે પીકઅપ કરના હૈ?" કહી તેણે ચશ્મા ચડાવ્યા ને ઉભો થઈ ગયો.

" આલોક સોસાયટી, ફોર્થ સ્ટ્રીટ."

"બઢીયા. તો કલ ચાર બાજે મિલતે હૈ."

આટલું કહી તે ચાલતો થયો અને હિતેશ અને રાકેશ ત્યાં જ બેઠા હતા.