પ્રેમ સમાધિ
પ્રકરણ-25
વિજય ટંડેલ રોઝી અને એની દિકરીને એક નજર જોઇ રહ્યો અને પછી નજર ફેરવી લીધી. રોઝી આભારવશ આંખોએ વિજય સામે જોઇને શિંદેની સાથે વિદાય લીધી. વિજયનું હૃદય એક સમય કંઈક બોલવા ગયું પણ પાછું કઠોર થઇ ગયું. એનાં મોબાઇલમાં રીંગ આવી એણે જોયું નારણ ટંડેલનો ફોન છે. એને બધાં વિચારોમાંથી મન હટાવ્યું. વાતમાં મન પરોવી બોલ્યો "હાં નારણ શું સમાચાર છે ? ભૂદેવ મળ્યો ?” નારણે જવાબમાં કંઇક કહ્યું વિજયનો ચહેરો ચિંતામાં પડ્યો. એનાં કપાળ પર પરસેવાની બૂંદો ફરી વળી......
***************
રીક્ષાવાળો શંકરનાથને ઉતારીને ચાલ્યો ગયો. શંકરનાથે વિચાર્યું હવે મારે જાતેજ કોઇ રીતે પહોંચવું પડશે પેલા લોકોને મારું લોકેશન મળી ગયું છે. બીજું સાધન મળશે કે કેમ ? એણે બેગ ઊંચકી આગળ પગલાં ભરવા માંડ્યાં. એક એક પગલું ભરતાં જાણે ભાર લાગી રહેલો ચિંતા વધી રહી હતી મેં ફોન કરી કહી દીધુ છે મારાં કાગળ ઓફીસમાં મળી ગયાં હશે ? મધુ એક વખતનો મિત્ર અત્યારે દુશ્મન બની બેઠો છે એણે સાધુનો હાથ પકડ્યો છે.. સાધુ એ સાધુ નથી શેતાન છે રાક્ષસ છે એણે યુનુસને મારી સોપારી આપી છે યુનુસ મને ધમકાવી રહ્યો છે. પણ હું હિંમત નહીં હારું....
શંકરનાથ વિચારોમાં અટવાયો ત્યાં એક મોટી ટ્રક ઘસી આવી એ સહેજમાં બચી ગયો. ટ્રકનાં ડ્રાઇવરે કાઠીયાવાડી લહેકામાં ગાળ દીધી.. આમ સવાર સવારમાં જોયા વિનાં ક્યાં ડાફોળીયા મારો છો ? હમણાં રામ રમી જાત તમારાં...
શંકરનાથે કહ્યું " ભાઈ ભૂલ થઇ ગઇ.. પછી લાગલું પૂછ્યું “ટૂક કઈ બાજુ જાય છે ?” પેલા ટ્રકવાળાએ સંશય સાથે પૂછ્યું" કાં તમારે શું કામ છે ? મીઠું ભરેલું છે અહીંથી સુરત ત્યાંથી..”. એ આગળ પુરુ કરે પહેલાં શંકરનાથે કહ્યું “ભાઈ હું બસ ચૂકી ગયો છું સુરત સુધી બેસાડી દેશો ? હું ભાડુ આપી દઇશ..."
ટ્રકવાળો વિચારમાં પડ્યો પછી બોલ્યો.. “એસ.ટી.કરતાં બમણું ભાડુ થશે...” પછી એનાં સાથીદાર ક્લીનરને ઇશારો કર્યો. પેલાએ જગ્યા કરીને કહ્યું “લાવો બેગ આપી દો આવી જાવ ઉપર...”
શંકરનાથે કહ્યું "ભાઇ તમારાં જેવા ભગવાનેય નહીં” એમ કહી પેલાને બેગ આપી અને ટ્રકમાં ચઢી આવ્યા.. કલીનરે કહ્યું "અહીં અંદર બાજુ બેસો” એ બારણા તરફ આવી ગયો બેગ સીટ પાછળ મૂકી.. શંકરનાથે કહ્યું “સુરત ઉતરી જઇશ...”
ડ્રાઇવર કહ્યું “તમે કોઇ રીક્ષામાંથી હમણાંજ અહીં ઉતર્યા. અમે ચા પીવા સામે રોકાયાં હતાં તમને જોયેલાં પાછાં વળતાં સુરત જાવ છો ? અહીં શા કામ માટે આવેલાં ?” એમ વાત શરૂ કરતાં ટ્રક ચલાવવી શરૂ કરી.
શંકરનાથે કહ્યું "અહીં કામ માટે આવેલો પણ ફોન આવ્યો કે મારે પાછા સુરત જવાનું છે એટલે...” એમ કહી વાત કાપી પછી વિચારમાં પડી ગયાં.. અહીંનું તો અધુરૂજ રહ્યું. પેલા લોકોને ખબર પડી ગઇ હું ડુમ્મસ આવી ગયો સારું થયું મેં સુરત ઓફીસે ફોન કરી દીધો અત્યારે તો વાત ખુલી ગઈ હશે બધે સમાચાર પહોંચી ગયાં હશે. મારું સુરત જવું સલામત તો હશેને ? નારણને ફોન કરવો પડશે. વિજય ટંડેલ પાકી વ્યવસ્થા કરી હશે.
શંકરનાથને વિચારમાં પડી ગયેલો જોઇને અનુભવી ડ્રાઇવર બોલ્યો “સાહેબ કોઇ લફરામાં ફસાયા છો ? શું વિચારમાં પડી ગયાં ? હવે તો બપોર નીકળી ગઇ અમે વચ્ચે એક જગ્યાએ ઉભા રહીશું. ત્યાંથી અમારું કામ પતાવીને સુરત નીકળીશું. તમને ત્યાંથી બીજું સાધન મળે તો જતા રહેજો. અમારી સાથે આવવું હશે તો થોડું લેટ થશે.”
શંકરનાથે વાત પકડી.. બોલ્યાં “વાંધો નથી કોઇ લફડું નથી હું તો સરકારી મુલાઝીમ છું એક કામ અંગે અહીં આવેલો ઓફીસથી ફોન આવ્યો પાછા આવી જાવ એટલે પાછો જઊં છું. તમારી પાસે મોબાઇલ છે. હું ફોન કરી દઊં કે હું પાછો આવી રહ્યો છું...”
પેલાં ડ્રાઇવરે સશંકાએ એમની અને એમનાં સાથીદાર સામે જોયું અને બોલ્યો “ફોન તો છે પણ તમારે કોને કરવો છે ? કઇ સરકારી ઓફીસમાં કામ કરો છો ? અમે કોઇ મુશ્કેલીમાં ના મૂકાઇ જઇએ.”
શંકરનાથે કહ્યું “પોસ્ટ ખાતાનો ઉપરી છું સુરત હેડઓફીસ જવાનું છે મારું નામ શંકરનાથ છે...”
ખબર નહીં કેમ શંકરનાથ બધુ સાચું બોલી ગયાં પછી પોતાની ઓફીસનું કાર્ડ બતાવ્યું પેલાએ શંકરનાથ સામે જોયું પછી ખીસામાંથી મોબાઇલ કાઢી આપ્યો "લો કરી લો વાત.. સાહેબ છો..” ફોન આપી એનાં સાથીદારની સામે જોઇ આંખ મીચકારી હસ્યો..
શંકરનાથની નજર નહોતી કે બે જણાંએ ઇશારામાં કોઇ વાત કરી લીધી.. શંકરનાથે મોબાઇલ લીધો અને મોઢે કરેલો નંબર યાદ કરી ફોન લગાવ્યો... "હાં નારણભાઇ શંકર બોલું છું.. હું આપણે નક્કી થયા મુજબ ડુમ્મસ આવેલો પણ…” શંકરનાથે આટલું કહી નારણ શું બોલે છે એ સાંભળવા અટક્યા.. “અરે મને કહેવામાં આવેલું અહીં આવવા.. ત્યાં પેલાનો ફોન આવી ગયો મારું લોકેશન મળી ગયું... મેં તો સુરત ઓફીસમાં ફોન કરેલો ત્યાંથીજ મારી વાત યુનુસ સુધી પહોંચી... એ લોકો અહીં આવવા નીકળી ગયાં હશે હું એક ટ્રકમાં બેસી સુરત આવી રહ્યો છું હું સુરત ક્યાં મળું ? સીધા ઓફીસ નહીં જવાય.”
નારણે કહ્યું “શંકરનાથ યુનુસ-મધું ટંડેલને આપણો પ્લાન ખબર પડી ગઇ છે પેલાં સાધુ સુધી કોણે વાત પહોંચાડી નથી ખબર પણ સુરત ઓફીસમાં ધમાલ મચી છે સાધુએ મોકલેલ પડીકાં પકડાઈ ગયાં છે પેલા લોકો આપણાં લોહી તરસ્યા છે મધુ બરોબર ફસાયો છે પણ એણે સોપારી આપી દીધી છે એ પકડાય પહેલાં ભાગી છૂટયો છે મારો ફોન... હું કોઇ બીજાનાં ફોનથી વાત કરું છું ? આ નંબર કોનો છે ?”
શંકરનાથે કહ્યું "હું પણ આ ટ્રકવાળાનાં ફોનથી વાત કરું છું. હવે મધુ પકડાઇ જવાનો તો આપણે ડરવાની જરૂર નથી હું સુરત આવું છું. સુરતમાંજ મળીએ પછી આગળનું નક્કી કરીશું. વિજય સાથે વાત થઇ ? હાં એમનો ફોન આવેલો.. એ ફોન પછી મારી પાછળ યુનુસ છે હું નજર ચૂકાવીને ઓફીસથી નીકળી ગયો. તમે સુરત આવો એટલે ફોન કરજો પણ ક્યાં કરશો ? મારી પાસે પણ ફોન નથી તમે સુરત સ્ટેશન આવી જાવ ત્યાં મળીશું આગળ....” હજી બોલવુ પુરુ કરે ત્યાં ટ્રકવાળાએ ફોન ખેંચી લીધો અને શંકરનાથને.......
*****************
વધુ આવતા અંકે ---- પ્રકરણ-26