ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન
ભાગ:- 6
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
મજા આવી ને ગયા ભાગમાં ડાયનાસોર રાઈડ માણવાની? ચાલો હવે કોઈક બીજી જગ્યાની મજા માણવા જઈએ. ક્યાં એ તો હવે આપણી ધારાવાહિકનાં ચાર નાયકો જ જાણે! પણ ચોક્કસથી કોઈક સારી જગ્યાએ જ લઈ જશે.😀 તો ચાલો, જઈએ વમ્નિ સાથે અને આપણી મજા બેવડાવી દઈએ.
ડાયનાસોર રાઈડ માણ્યા બાદ ચારેય જણાં ફરીથી એક વાર સલીમગઢ ગયા. આ વખતે બહુ લાંબી લાઈન ન હોવાથી ત્યાં જ રહ્યાં. દસ મિનિટમાં એમનો નંબર આવી ગયો. ચારેય જણાં રાઈડમાં બેઠાં. આ રાઈડમાં આગળના ભાગે બંદૂક મૂકેલી હોય છે. જેની સાથે એક ડિજિટલ કાઉન્ટર મૂકેલું હોય છે. આ કાઉન્ટર શિકાર ગણે છે. રાઈડ શરુ થાય એટલે એક અંધારી જગ્યામાં અંદર લઈ જાય.
આ અંધારી જગ્યા એટલે અલીબાબાની ખજાનો મૂકવાની ગુફા! આખીય ગુફામાં તમને ઠેર ઠેર ખજાના ભરેલા મોટા મોટા પટારા, માટલા, કુંજા અને ઘણું બધું જોવા મળશે. (બધું નકલી છે હં😂😂😂) અને આ બધાંની રક્ષા કરવા દરેક જગ્યાએ ચાલીસ ચોર છુપાયેલ હોય છે. એમને નિશાન બનાવી બંદૂકની ગોળી મારવાની હોય છે. એ નિશાન જ્યાં તાકવાનું હોય છે ત્યાં એમણે રેડિયમવાળી લાલ લાઈટ મૂકી છે. બંદૂકથી લાલ લાઈટને નિશાન બનાવી એનાં પર ગોળી ચલાવવાની હોય છે. જો નિશાન લાગશે તો રાઈડ પર આવેલું કાઉન્ટર એમાં પોઈન્ટ ગણી આપશે.
ધીમે ધીમે રાઈડ આગળ વધશે અને અંતે તમે નિશાન લાગ્યું તો ખુશી અને ન લાગ્યું તો થોડી હતાશા સાથે બહાર આવી જશો. આ ચારેય જણાં પણ આવા જ મિશ્રિત આનંદ સાથે રાઈડની મજા માણી બીજી જગ્યા જોવા નીકળી ગયા. ચાલતા ચાલતા તેઓ પહોંચી ગયા 'Scary house'માં.
આ જગ્યા એટલે ભૂતોની જગ્યા. એક મોટી હવેલી જેવી બનાવવામાં આવી છે. આ હવેલી ખંડેર જેવી અને જાણે કોઈ રાજાનો મહેલ હોય એવી રીતે બાંધવામાં આવી હતી. તેઓ ચારેય જણાં એમાં દાખલ થયાં. બહુ ભીડ હતી. છતાં પણ એ જગ્યાની મજા માણવા તેઓ ત્યાં લાઈનમાં ઉભા રહ્યાં. ચારે બાજુ નજર ફેરવતાં એમણે નોંધ્યું કે ત્યાં લાઈનમાં ઉભા રહેનારને પણ ડર લાગે એવો માહોલ ઉભો કરવામાં કોઈ કચાશ બાકી રાખવામાં આવી ન હતી.
એકદમ સાફસુથરી જગ્યા હોવાં છતાં એમાં દિવાલો પર રંગ એ રીતે લગાવ્યો હતો કે જાણે વર્ષોથી કોઈએ એ હવેલીમાં સફાઈ નથી કરી. પણ જો તમે આંગળીથી ધૂળ કાઢવા જાઓ તો હાથ પર કશું ન આવે. એવી જ રીતે ફ્લોર પર પણ એવી રીતે પથ્થરો બેસાડ્યા હતાં કે એવું જ લાગે જાણે વર્ષોથી કોઈએ ત્યાં જવાની તસ્દી નથી લીધી. આ બધું નોટિસ કરતાં કરતાં તેઓ આગળ વધી રહ્યાં હતાં. બધી જ દિવાલો પર મહારાજા અને રાણીઓનાં ફોટા લગાવવામાં આવ્યાં હતાં.
આ ફોટાઓ પણ એટલાં સરસ હતાં કે એક વાર તો એનાં પર નજર પડી જ જાય! એવામાં અચાનક સ્નેહાએ નોંધ્યું કે ફોટામાં રહેલી રાણીની આંખ ફરે છે. એને વિશ્વાસ ન થયો. પણ બીજા બધાને કહેવા પહેલાં એણે ત્રણથી ચાર વાર ધારીધારીને એ ફોટાને જોયો. ખરેખર આંખ ફરતી હતી. એણે બધાંને આ વાત જણાવી. લાઈનમાં ઊભેલા સૌ કોઈ પછી ત્યાં મૂકેલા બધાં ફોટા વારાફરતી જોવા લાગ્યાં. તો નોંધ્યું કે દરેક ફોટામાં આંખ સતત ત્યાં લાઈનમાં ઉભા રહેનાર પર ફરતી હતી. સૌ કોઈ આ વિચારનારની બુદ્ધિ પર વારી ગયા. પછી ધ્યાનથી જોયું તો માત્ર ફોટા જ નહીં, ત્યાં મૂકેલ રમકડાંનો પોપટ, ચકલી અને અન્ય પૂતળાઓની આંખો પણ સતત ફરતી હતી.
લાઈનમાં ઉભા ઉભા સૌ કોઈ પોતાનો વારો આવે એની રાહ જોઈને આ બહારનાં અદ્ભૂત રોમાંચને માણી રહ્યા હતા. હવે એમનો વારો આવે અને તેઓ અંદર દાખલ થાય પછી એમને અંદર ભૂતો સાથે કેવો અનુભવ થયો એ આપણે આગામી અંકમાં જોઈશું.
આભાર.
સ્નેહલ જાની.