ગતાંકથી...
'લોક સેવક'ના આ ખાસ વધારામાં અમારા વાચકો 'સિક્કાવાળા ની ટોળીને લગતા વધુ રહસ્યમય કાવતરા' ને લગતો તદ્દન નવીન અને વધુ હકીકત પૂરી પાડનારો અહેવાલ જોજો. 'લોક સત્તા'માં આ અહેવાલ પ્રગટ નહિ થયો હોય એવી મને ખાતરી છે.
છેવટે મિ. લાલચરણને મારે એક જ સલાહ આપવાની કે તેઓ જો પોતાની વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવવા માંગતા હોય તો કાળજીથી વર્તે નહિતર રખે ને એક દિવસ પોતાના કાળા કર્મનો હિસાબ આપવા લાચાર બની ઊભા હશે.
હવે આગળ....
"વીસ હજાર નકલો !પૃથ્વી, વીસ હજાર નકલો !
પૃથ્વી આટલી સંખ્યા તારા પપ્પાના વખતમાં પણ આપણા ન્યુઝ પેપર ની મેં કદી વેચાયેલી જોઈ નથી." ચીમનલાલે લગભગ દસેક વાગ્યે પૃથ્વીને ત્યાં આવતા સૌથી પહેલી આ વાત કહી. તેની સાથે બાબુલાલ પણ આવ્યો હતો.
"એમ?" પૃથ્વી એ આશ્ચર્યથી પૂછ્યું : "તમે એને પહોંચી શી રીતે વળ્યા? શું પહેલેથી એટલી નકલો કાઢી હતી?"
"
મેં તો એટલી નકલોની તૈયારી નહોતી આપી. પરંતુ આપણા નવા પ્રિન્ટરે આ સાહસ અગાઉથી ચેતીને કર્યું હતું."
"સાહેબ, મારા યુનિયનના માણસોએ દરેકે એક એક હજાર નકલો પોતે વેચી આપવાનું માથે લીધું હતું અને જો તે નકલો ન વેચાય તો તેના રૂપિયા પોતે આપવા તેણે પોતાને માથે જોખમ લીધું હતું. આથી મેં સાહસ કર્યું ."બાબુલાલે ખુલાસો કર્યો.
"શાબાશ, તમારા સાહસથી મને તમારા માટે માન ઊપજે છે .જે કર્મચારીઓ માલિકના લાભ માટે શુભ નિષ્ઠાથી આવું જોખમ ભરેલું સાહસ ખેડે તેઓ માટે માલિક શું ન કરે? તમારા યુનિયનના માણસોનું પગાર પત્રક આજે ઓફિસમાં મારા ટેબલ ઉપર મુકજો.અં હું દરેકના પગારમાં પાંચ કે દસ ટકા મને રૂચશે તેમ વધારો કરી આપીશ."
"સાહેબ, અમે બદલા માટે આ કામ નથી કર્યું. અમારો અને આપનો વટ જાળવવા માટે કર્યું છે."
"તેની કાંઈ ચિંતા નહિ તમે તમારી ફરજ બજાવી છે. હવે હું મારી ફરજ બજાવીશ."
બાબુલાલ ને તે બાદ આવતા અંક માટે પૃથ્વી એ કેટલીક સૂચનાઓ આપી; પછી તે ચીમનલાલ સાથે વિદાય થયો.
સિક્કાવાળાની ટોળી ને લગતો જે અહેવાલ પોતે પ્રગટ કર્યો તેને લીધે જ 'લોક સેવક'ની આટલી બધી નકલો ખરા તડકામાં ખપી ગઈ એમ પૃથ્વીને લાગ્યું .લાલ ચરણની હવે મગદુર નથી કે તે આ ન્યુઝપેપર ને છિન્નભિન્ન કરી શકે.
પોલીસ ઇન્સ્પેક્ટર ખાન હવે શું કરે છે તે જાણવા તેને જિજ્ઞાસા થઈ. પોતે તેને મળવા જવા માટે ઉભો થયો; એટલામાં તેના શુભેચ્છક મિ. દિનકર રાય ત્યાં આવી પહોંચ્યા.
"ઓહો !!ઘણા દિવસે મને યાદ કર્યો !" પૃથ્વી એ કહ્યું.
ઘણા દિવસે નહિ ભાઈ, તારા હિતના વિચારો હું હંમેશા મારા મનમાં રાખતો રહ્યો છું. મારે બિઝનેસ ના કામથી બહારગામ જવું પડ્યું હતું એટલે તને મળી શક્યો ન હતો .પણ આજ હું તને એક અગત્યની વાત કહેવા આવ્યો છું. તારા પપ્પાનું ઠાકુર દ્વાર પરનું જે મકાન વેચાઈ ગયું છે, તેમાં હાલના મિ. વિક્રમ પટ્ટણી કરીને એક સાયન્ટિસ્ટ
રહેવા આવ્યા છે. તે સરકારી પૃથક્કરણ વિભાગમાં કામચલાઉ મુખ્ય પૃથક્કરણ શાસ્ત્રી હતા.હવે તે નોકરીમાંથી નિવૃત્ત થઈ પોતાની રિસર્ચ માં સમય વિતાવે છે. તે મારા ફ્રેન્ડ છે હું તેને ગઈકાલે અચાનક જ મળવા ગયો ત્યારે તેણે મને એક પ્રાણ ઘાતક ચક્કરના અંગે પોતે કેટલીક શોધ કરી છે એવી વાત કહી -"
"શું પ્રાણ ઘાતક ચક્કર?-"
"હા. પ્રાણ ઘાતક ચક્કર."
"ચાલો કાકા, સૌ પહેલા આપણે તેને જ મળીએ મારે તે બાબતમાં કેટલું જાણવું છે." પૃથ્વી એમ કહી ને તરત જ પોતાના બહાર જવાના કપડાં પહેરી લીધા અને જવા માટે તૈયાર થયો .
"પણ વધુ તો સાંભળ!"
"ચાલો કાકા ,સૌથી પહેલા આપણે તેને જ મળીએ." પૃથ્વીએ પોતાની હંમેશની આદત મુજબ એકનું એક વાક્ય કહ્યા કયુૅ. દિનકરરાય એની પ્રકૃતિથી વાકેફ હતા એટલે તે પણ ઊઠ્યા. તેઓ બંને ટેક્સીમાં બેસીને ઠાકુર દ્વાર ખાતે જઈ પહોંચ્યા.
પોતાના જ મકાનો પર પૃથ્વી એ નીચે મુજબ પાટિયું વાંચ્યું-
ડૉ.વિક્રમરાય પટણી
એમ એ; બી. એસસી.(બોમ્બે)
પી.એચ.ડી. (લંડન)
રિટાયડૅ એક્ટિંગ ચીફ ઓફિસર,
કેમેસ્ટ્રી લેબોરેટરી.
"ઓહો !એમની ડિગ્રીઓ કેટલી બધી છે?! આ માણસ તો ખૂબ મોટો વૈજ્ઞાનિક લાગે છે !" આમ ટીકા કરીને તે મકાનમાં પ્રવેશ્યો. ડ્રોઈંગ રૂમના ઉંબરામાં એક નોકર બેઠો હતો. દિનકરરાયે પૂછપરછ કરી તો માલુમ પડ્યું કે વિક્રમરાય પોતાની પર્સનલ લેબોરેટરીમાં કામ કરતા બેઠા છે. તેણે પોતાનુ અને પૃથ્વીનું એમ બે 'વિઝિટિં કાર્ડ' નોકરને આપ્યા ,જે લઈને તે અંદર ગયો થોડીક વારમાં બહાર આવી તેને ખબર આપ્યા કે સાહેબ આપને મળવા આતુર છે. બંનેને નોકર વિક્રમરાય પાસે લઈ ગયો. એક રૂમમાં ચારે બાજુ બોટલો અને કંઈક કંઈક પ્રકારના પૃથક્કરણ કાર્યને લગતા સાધનોના કબાટ તેઓના જોવામાં આવ્યા. એક મોટા ટેબલ ઉપર એમાની કેટલીક વસ્તુઓ પડી હતી. અને નાનો 'ગેસ' તે ઉપર બળતો હતો જેના ઉપર કાચના વાસણમાં કંઈક ગરમ કરવા મૂકવામાં આવેલું હતું .તેઓ તેના રૂમમાં દાખલ થયા એટલે તેણે 'ગેસ' બંધ કરી દીધો. અને બે ખુરશીઓ ઉપર તેઓ બંનેને બેસાડીને મીઠા અને ધીમા સ્વરે પૂછ્યું : "કહો, સાહેબ શી ફરમાઈશ છે.?"
"મિ. હરિવંશરાયના આ સાહસિક પુત્ર મિ. પૃથ્વી." દિનકરરાયે પૃથ્વીની ઓળખાણ કરાવી અને આગળ ચલાવ્યું." તેઓ આપની પાસેથી પેલા 'પ્રાણ ઘાતક ચક્કર' અંગે કેટલુંક જાણવા માંગે છે."
આટલી શરૂઆત પૃથ્વી માટે પૂરતી હતી. દિનકરરાય છેલ્લું વાક્ય પૂરું કરી રહ્યા હતા ત્યાં તો પૃથ્વી પ્રશ્ન માળાનો ધોધ શરૂ કર્યો. આપને ચક્કર ક્યાંથી મળ્યું ? કેવી રીતે મળ્યું? આપે શું એ પ્રાણ ઘાતક ચક્કર છે એમ પરથી શોધી કાઢ્યું ?આપને શું એ ચક્કરનો અનુભવ થયો છે? આપના ઉપર શું એ ચક્કરનો કોઈએ પ્રયોગ કર્યો હતો?"
"ઉતાવળિયા માણસ!" મિ. વિક્રમરાયે હસીને કહ્યું, "આટલા બધા પ્રશ્નો એકસાથે મને યાદ કેવી રીતે રહેશે? જરા ધીરજ રાખ હું એ સંબંધમાં તને રજેરજ વિગત થઈ વાકેફ કરીશ . સાંભળ-
"મને આ મકાનમાં ભાડે રહેવા આવ્યા અને માત્ર આઠ જ દિવસ થયા છે .પ્રથમ દિવસે હું આ મકાન સાફ કરાવી રહ્યો હતો તે પછી રાતના આઠ વાગ્યાના આસપાસ ડ્રોઈંગ રૂમમાં છબીઓ ટીંગાડવા ની જે નાની સરખી ગેલેરી છે તેમાં હું એક છબી ટિંગાળવા જતો હતો. જે લાંબી પટ્ટી છબીઓ ભરાવવા માટે દીવાલને લગાડેલી છે તેમાં અચાનક એક રૂપિયાના સિક્કા જેટલા કદનું જાડા પુઠા નું એક ચકરડું મારા જોવામાં આવ્યું-"
પૃથ્વીની આતુરતા વધી ગઈ ."તમે તેનું શું કર્યું ?" એવો પ્રશ્ન તેના હોઠ સુધી આવ્યો પણ મિ. વિક્રમ રાયે તરત જ તેની આતુરતા જાણી લઈને કહ્યું : " મારા યુવાન મિ!ત્ર મહેરબાની કરીને હમણાં તું વચ્ચે કાંઈ જ પ્રશ્ન ન કરીશ. હું તને રજેરજ વિગત થી વાકેફ કરું છું હું તને પછીથી પ્રશ્ન પૂછવા જરૂર સમય આપીશ."
પૃથ્વી ઠંડો પડ્યો. મિ. વિક્રમ રાયે આગળ ચલાવ્યું. મેં ચકરડું ત્યાંથી નાખી દીધું હવામાં ઉછળીને તે મારા લખવાના ઉપરના ટેબલ લેમ્પ નજીક પડ્યું. હું છબી ટીંગાડી રહ્યો.બીજી પણ કેટલીક છબીઓ ટીંગાડી ને લગભગ અડધા કલાક પછી ટેબલ ઉપર મારા અભ્યાસ માટે પુસ્તક વાંચવા બેઠો ત્યારે ચકરડામાંથી સહેજ તેજસ્વી કિરણો નીકળતા જોઈને હું ચોંક્યો .એક સાધારણ પૂંઠાના ચકરડામાંથી કિરણો શા માટે નીકળે?
આખરે શું છે રહસ્ય એ જાણો આગળ ના ભાગમાં.....
ક્રમશઃ.....