ગતાંકથી...
લોક સતા' મારી સામે જે પોતાની ઉત્તમ બુદ્ધિના નમુના રૂપ આક્ષેપ કરે છે કે હું તો છોકરવાદ -તંત્રી છું. એ સત્ય વાત માટે હું તેને અવશ્ય ધન્યવાદ આપું છું અને કબુલ કરું છું કે હું કેવળ એક બાળક છું. તેઓને આક્ષેપના સત્ય માટે તેમને મદદ કરવા માટે નીચે મારી વિચાર છબી પ્રગટ કરૂં છું.
હવે આગળ...
તેઓ કહે છે તેમ હું બાલસ-તંત્રી છું આખા શહેરમાં નીકળતા તમામ ન્યુઝ પેપર માં એકલો જ બાલસ- તંત્રી. રાયના દાણા નો મોટા કોઠા આગળ શો હિસાબ !? પણ એ રાઈના દાણાનો ચટાકો જેવો ચાખે છે તેવો જ સમજી શકે કે રાઈની શી શક્તિ છે? મૂછ વાળા મારા 'અનુભવી' લોકોને આ જ મારા જવાબથી હું બતાવી આપીશ કે જેને મુછ પણ ઉગી નથી એમ તેઓ કહે છે તે બાળક -તંત્રી એટલે કોણ ? અને તે કેવા કામ કરી શકે છે?
'લોક સેવક'ના તંત્રી મંડળે મારી સામે જંગ માંડીને પોતાની ચિંતા ખડકી છે એમ તેઓના ખેલમાં આવ્યું લાગતું નથી તેઓ કહે છે તેમ તેમણે પોતાના પહેલા વિચારને વળગી રહેવું હતું અને મારા લખાણનો જવાબ મૂંગા તિરસ્કારથી આપવો જોઈતો હતો પણ હવે જ્યારે તેમણે જંગ માંડ્યો છે ત્યારે અભિમન્યુ જેવા એક નાના બાળકે સમસ્ત ગૌરવને આપેલી હારની માફક મારે ચમત્કાર બતાવે વિના ચાલે તેમ નથી.
તેઓની દલીલના જવાબ આપતા પહેલા મારા વિવેકી વાચકોને હું એક વિનંતી કરું છું તેઓએ મારું ન્યુઝ પેપર એકલું જ ન વાંચવું ભાઈબંધ 'લોક સત્તા'પણ વાંચવુ. મારા અને તેના લખાણોની તુલના કરવી અને નિર્ણય પોતાની મેળે કરી લેવો. આ મુજબ તેઓ કરશે તો મને ખાતરી છે કે ફક્ત એક જ મહિનાની અંદર 'લોકસતા'એ ભૂતકાળનું એક ન્યુઝ પેપર થઈ રહ્યા વિના રહેશે નહિ.
હવે મારો જવાબ. અમારી ઓફિસમાંથી તેણે ચોરાવેલા અહેવાલોનો તેનો ખુલાસો શો છે? ફક્ત એ જ કે -નામ વિનાના કોઈ ભેદી માણસે તેઓની ઓફિસમાં તે પહોંચાડ્યું. શું એ ભેદી માણસ 'લોકસતા'ની કોઈ ભેદી દીવાલમાંથી ટપક્યો? અથવા શું તે વાદળમાંથી ટપક્યો?
મૂછવાળા મોટા માણસો નાના બચ્ચા જેવી વાતો કરે છે ત્યારે તેઓને શરમ નહિ આવતી હોય? ગમે તે અજાણ્યો માણસ અહેવાલ 'લોકસતા'માં જઈને મૂકી આવે અને પછી પોતે ગાયબ થઈ જાય એ તે શું દલીલ છે? એ તે શું ગંભીર વાચકોના હૃદય પર સત્યની છાપ પાડનારો ખુલાસો છે? કેવળ બાલસ દલીલ તે આનું નામ ! પણ તેઓ તો પોતાની મોટા જણાવે છે અને મને એક બાળક ,બાલસ -તંત્રી કહે છે!!!
હું તેઓને ખાતરીપૂર્વક કહું છું કે તે કોઈ રહસ્યમય માણસ ન હતો પણ અમારી ઓફિસમાંથી નીકળી ગયેલી એક જોખમદાર વ્યક્તિના ભરમાવ્યાથી દોરવાઈ ગયેલો જ માણસ હતો. અને તેણે જ તેઓને મારું લખાણ ચોરીને પહોંચાડ્યું છે. જો હકીકત સાચી ન હોય તો મિ. લાલચરણ ને મારું ખુલ્લું આમંત્રણ છે કે તેમણે મિ. હરેશ ને શોધી આપવો અને હરેશ જે ખુલાસો કરે છે તે ઉપરથી જાહેર પ્રજા ક્યાસ કાઢી શકશે કે કોણ સાચું છે?
જે લખાણ 'લોકસતા'માં પ્રગટ થયું છે તે મારા પોતાના લખેલા લખાણની નકલ છે અને તે એટલે સુધી કે તેમના હસ્વ-દીર્ઘ અને વિરામચિહ્નનો પણ મેં જે કરેલા તેજ છે એને બે ખુલ્લી સાબિતીઓ મારી પાસે મોજુદ છે .પ્રથમ તો એ કે, તે લખાણ મે જ તૈયાર કર્યું હતું એની સાક્ષી પોલીસ ખાતા નો એક વિશ્વાસપાત્ર અને લોકપ્રિય મોટો અધિકારી આપી શકે તેમ છે; કેમકે તેને લગતા તેમાંના બધા પ્રસંગોમાં હું જાતે ત્યાં હાજર હતો. બીજી સાબિતી મારા લખાણના કાગળિયા અને 'ગેલી પ્રુફ્સ 'છે .જોકે છેતરપિંડી કરનારે ઘણા કાગમળિયા બને તેટલા એકઠા કરી પોતાની પાસે રાખ્યા છે અને છેવટના પ્રુફસની નકલ પણ તેમની પાસે જ છે, તો પણ થોડાક થોડાક કાગળિયાં અને સૌથી પહેલી વારના 'પ્રુફસની ગેલી' મારી પાસે મોજુદ છે. આ સાબિતી પછી 'લોકસતા' જો ચોરી ના પાડતું હોય તો તે કેવું છે તેનો ફેંસલો આપવાનું કામ હું વાચક ઉપર છોડુ છુ.
જો અમારી ઓફિસમાં બાળકોને યુવાનો હોય તો તે ખીલતા અને હૃષ્ટપુષ્ટ છે ;પણ અમારા ભાઈબંધની ઓફિસમાં આવેલા કરમાયેલા અને વૃદ્ધાવસ્થામાં જડ બનતા એવા બાળકો હોય એમ લાગે છે ;કારણ કે મિ. લાલચરણની નોકરી મેળવવા માટે તે અજબ પ્રકારનો ઉત્સાહ અને ગર્વ ધરાવીને મોટી મોટી ડંફાસો મારે છે પણ મિ.લાલચરણની નોકરી તેઓને કેવી રીતે મળી ,એ વાત જાહેર કરવામાં તેઓ પાછા પડે છે એમ જ તેમની છોકરમત પુરવાર કરે છે.
મિ. લાલ ચરણ લાંબા વખતથી મારા પપ્પાના ખાસ કમૅચારીઓમાં હતા. એ ખરું પણ જે લખાણ 'લોકસતા'માં અમારે ત્યાંથી ચોરાઈ ગયું તે જ લખાણના સંબંધમાં અમારે ખુલાસાને વધારો પ્રગટ કરવા માટે તેઓએ વિરોધ કર્યો તેને જ લીધે મારે તેઓને નોકરીમાંથી હકાલ પટ્ટી કરવા પડ્યા. મારે ત્યાં તેઓ નોકરીમાં ચાલુ હોત અને 'લોકસતા' તેઓની નોકરી મેળવી હોત તો જ તેમની બડાઈ સાર્થક કરત !
એક વધુ બાબત મારે અત્રે જણાવી દેવી જોઈએ કે મિ. લાલચરને 'લોક સેવક' ને 'લોકસતા' સાથે જોડી દેવા માટે મને ઘણીવાર આગ્રહ કર્યો હતો. એકવાર તો એક પારસી વકીલને તેમણે મારી પાસે પોતાના તરફથી વકીલાત માટે રૂબરૂ મોકલ્યા હતા . મેં હંમેશા જ તેમની સૂચનાઓનો વિરોધ કર્યો હતો અને આજે મને જણાવતા ગર્વ ઉપજે છે કે મેં તે બરાબર જ કર્યું હતું. પોતાની હુકુમતમાં મિ. લાલચરણ ન ફાવ્યાથી તેમણે મારા ન્યુઝ પેપરના વિનાશના બીજા ઘણા પગલાં ભર્યા હતા. તેમાંનું એક પગલું 'લોકસતા 'માં અમારા ન્યુઝપેપર ના કામદારોમાં અસંતોષ હોવાનું કહે છે તે પગલું હતું. જાહેર પ્રજાને હું આ બાબતોમાં વધુ નહિ રોકું પણ ટૂંકમાં કહીશ કે કામદારોમાં અસંતોષ ફેલાવા માટે તેઓના એકત્ર યુનિયન બહારના માણસોને મિ. લાલચરણે મારે ત્યાં દાખલ કરી યુનિયનમાંના અને વળી મારા ન્યુઝ પેપરની નોકરીમાં જ વૃદ્ધ થયેલા કેટલાકને વગર કારણે રજા આપી હતી. મારા પ્રેસમાં હડતાલ પડે અને હું મુંઝાઈ જાઉં એવી મિ. લાલ ચરણની આ યુક્તિનો પરપોટો આખરે ફૂટી જ ગયો છે અને મને જણાવતા આનંદ છે કે અમારા પ્રેસના કામદારોમાં સંપૂર્ણ સંતોષને લીધે જ અમે આ વધારો પ્રગટ કરી શક્યા છીએ; એટલું જ નહીં પણ વર્ષો સુધી મારા પ્રેસમાં એક પણ કામદાર નોકરી છોડી જવા રાજી નથી. મિ. લાલચરણ ની બાજી ઊંધી વળી ગઈ છે તેથી મારી તેમના તરફ અંતઃકરણપૂર્વક દિલગીરી છે. 'લોક સેવક'ના આ ખાસ વધારામાં અમારા વાચકો 'સિક્કાવાળા ની ટોળીને લગતા વધુ રહસ્યમય કાવતરા' ને લગતો તદ્દન નવીન અને વધુ હકીકત પૂરી પાડનારો અહેવાલ જોજો. 'લોક સત્તા'માં આ અહેવાલ પ્રગટ નહિ થયો હોય એવી મને ખાતરી છે.
છેવટે મિ. લાલચરણને મારે એક જ સલાહ આપવાની કે તેઓ જો પોતાની વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવવા માંગતા હોય તો કાળજીથી વર્તે નહિતર રખે ને એક દિવસ પોતાના કાળા કર્મનો હિસાબ આપવા લાચાર બની ઊભા હશે.
'લોક સેવકે' 'લોક સત્તા'ને આપેલો આ જવાબ લોકોમાં રસભેર વંચાયો.
'લોકસેવક ' ને પૃથ્વીને આ વધારાથી સફળતા મળશે કે કેમ તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ....