Prem Samaadhi - 24 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ -24

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ -24

પ્રેમ સમાધિ
પ્રકરણ-24

શંકરનાથે રીક્ષાવાળા પાસેથી ફોન પર વાત કરી. ફોન પરથી વાત થયાં પછી એમનો ચહેરો પડી ગયેલો. પેલો રીક્ષાવાળો શંકરનાથનાં ચહેરાંને બરાબર નિરિક્ષણ કરી રહેલો. શંકરનાથે કહ્યું “ભાઇ તારાં ફોન પરથી મેં વાત કરી..... હું થોડીક મુશ્કેલીમાં છું ઉપરથી મારો ફોન ટ્રેઇનમાં ચોરાઈ ગયો ફોનનો ઉપયોગ કરવો પડ્યો. મારે હજી બીજા પણ ફોન... તમને વાંધો ના હોય તો મારે હજી ફોન કરવા છે.... હું પૈસા ચૂકવી દઊં..... પછી મારાં અંગે કોઇ ફોન આવે તો કહી દેજો પેસેન્જર હતો ઉતરી ગયો મને કંઇ ખબર નથી.”
હવે પેલો રીક્ષાવાળો ગભરાયો... એણે કહ્યું "સાહેબ મેં તો તમારી મદદ કરવા ફોન આપેલો... આમાં તો હું ફસાઇ જઇશ તમારી ગમે તેવી મુશ્કેલી હોય પણ હવે ફોન નહીં આપું સારાં માણસ સમજી ફોન આપેલો તમે તો કોઇ જોખમી ચક્રવ્યહૂમાં હોય એવું લાગે છે.... માફ કરજો મારી રીક્ષામાંથી ઉતરી જાવ... હું મારો ફોન હમણાં સ્વીચ ઓફજ કરું છું. આમાં કોઇ પોલીસનું લફડું થયું તો હું બાલબચ્ચા વાળો ક્યાં જવાનો ? અત્યારે તો કોઇને મદદ કરવી ગુનો છે..”.
શંકરનાથે કહ્યું "કંઇ નહીં ભાઇ... હું તને કોઇ મુશ્કેલીમાં મૂકવા નથી માંગતો.. ફોન વાપરવા આપ્યો એ અંગે આભાર.” એમ કહી રીક્ષાભાડા ઉપરાંત 200/- આપી દીધાં...
રીક્ષાવાળાએ પણ આભાર કહી પૈસા લીધાં એનો ફોન સ્વીચઓફ કરી દીધો. રીક્ષા સ્ટાર્ટ કરી શંકરનાથને ત્યાંજ ઉતારી જતો રહ્યો.
શંકરનાથ એની બેગ લઇ ઉતરી ગયાં. ચારેબાજુ જોયું... મનમાં વિચારોનું મનોમંથન ચાલુ થયું... હું શું કરું ? પેલો પાછો સ્ટેશન ઉતારવા પણ ના રહ્યો. એમણે મનમાં કંઇક વિચાર કરી પગલાં ઉપાડ્યાં....
***********
સાધુ અને બિહારી બંન્નેની લોહી નીતરતી લાશોને કોથળામાં ઠોંસીને ખારવાઓએ દરિયામાં નાંખી દીધી રામુ હસતો હસતો જોઇ રહેલો... સવારનાં અજવાળામાં બધું સ્પષ્ટ દેખાતું હતું જેવી લાશોનાં કોથળાંમાં દરિયામાં ધબાક દઇને પડ્યાં અને એની આજુબાજુ ખૂબજ હલચલ પાણીમાં જોવા મળી. નાની મોટી માછલીઓ બધાં જળચર એનાં પર તૂટી પડ્યાં.. રામુ આ બધું જોઇ રહેલો.. એણે બૂમ પાડીને કહ્યું શીપ આગળ જવા દો અને ત્યાં એનો મોબાઇલ રણક્યો. સામેથી વિજય ટંડેલનો સત્તાવાહક અવાજ આવ્યો... “રામુ તું શીપ સીધી દમણ જવા દે.. અહીંથી શીપ સાથે દમણ પહોંચી જા.. પેલી રોઝીની છોકરી અહીં શીપ પર આવી ગઇ છે. મુંબઇનું હું પતાવું છું... તું નારણનાં સંપર્કમાં રહેજે... સુરત આજે.... તને બધી ખબરજ છે.”
“હું ભૂદેવનો સંપર્ક હમણાં કરીશ... એ નીકળી ગયાં પછી હજી ફોન નથી આવ્યો હું એ બધું સંભાળી લઊં છું દમણ થોડી ઝડપથી શીપ લઇ જજો. ત્યાં પહોચે મને ખબર કરજો.. હું આગળ તને સૂચના આપીશ”. એમ કહી ફોન કાપ્યો..
રામુએ ફોન પર વાત કરી ફોન મૂક્યો... એનાં મનમાં વિચાર આવ્યો બોસ કંઇક મોટી ગોઠવણમાં લાગે છે મને પોરબંદરની જગ્યાએ દમણ શીપ લઇ જવા કેમ કીધી ? હવે દમણજ બોસનો અડ્ડો થશે એવું લાગે છે.. ત્યાં જોરથી ખારો પવન ફૂંકાયો એનું મોઢું ખારું થવાની જગ્યાએ મીઠું થઇ ગયું મનોમન બબડ્યો... મીઠુ ખારુ હોય પણ ખારાં પવને મોં મીઠું થઇ ગયું એમ વિચારી હસ્યો અને શીપને દમણ તરફ ઝડપથી લઇ જવા ઓર્ડર કર્યો...
***************
મત્સ્યકન્યા શીપ મુંબઇ બંદરે લાગી ગઇ ડોક પર એમાંથી બધો સામાન કાર્ટૂન ઉતરી રહેલાં જ્યાં સ્થાનિક મજૂર, કસ્ટમવાળા અધિકારી બધાં આવી ગયાં. વિજય ટંડેલ પૂરા રોબથી શીપ પર બેઠો હતો એની સૂચના અનુસાર માલ ઉતરી રહેલો.
એક લોકલ પોલીસવાલા સાથે કસ્ટમ ઓફીસર શીપમાં આવ્યો. એ વિજય ટંડેલની ચેમ્બરમાં આવ્યો આવીને સલામ મારીને કહ્યું "સર અહી બધી વ્યવસ્થા થઇ ગઇ છે. તમારાં બંધાં કાર્ટૂન ઉતરી જાય એટલે અહીં લોકલ સપ્લાય થઇ જશે. સાથે આ જાણીતો અને વિશ્વાસુ હવાલદાર શિંદે મારી સાથે છે તમે મને ફોનમાં કહ્યું હતું એ બહેન અને એની છોકરી ક્યાં છે ?” વિજય આજ્ઞાવાહક અવાજે કહ્યું " સક્સેના એ લોકો અહીંજ છે બંન્ને ને સાચવીને સારી થ્રીસ્ટાર હોટલમાં ઉતારો અપાવી દે... એમની રક્ષાની જવાબદારી શિંદેની રહેશે મને જાણ કરજે લોકોને કઇ હોટલમાં રાખ્યા છે હું ગમે ત્યારે મુલાકાત લઇશ હું 3 દિવસ મુંબઇમાં છું પછી શીપ સાથે નીકળી જવાનો..”
“સકસેના તારાં માટે ગીફ્ટ લાવ્યો છું અને તારી ખાસ... પુડીયા પણ છે તારું બોક્ષ અહીં ચેમ્બરમા જ છે લઇ લે હું રાત્રે મળીશ ત્યારે બીજો વ્યવહાર પણ કરી દઇશ બીજુ જેટલો માલ જ્યાં મોકલવાનો છે ત્યાં સલામતિથી પહોંચી જાય એ ખાસ જોજો.”
સકસેનાએ કહ્યું “સર કોઇ ભૂલ નહીં થાય” અને પોતાનું બોક્ષ જોયું ખુશ થઇ ગયો બોલ્યો “થેંક્યુ સર રાત્રે હું તમને ફોન કરું છું અને શિંદે ખૂબ વિશ્વાસુ છે એ તમારાં ગેસ્ટની વ્યવસ્થા કરી દેશે.”
વિજયે કહ્યું “ઉભો રહે” એમ કહી ચેમ્બરની બીજા દરવાજેથી અંદર ગયો અને રોઝી અને એની દિકરીને લઇને આવ્યો. રોઝી કંઇજ બોલ્યા વિના આભારવશ વિજયની સામે જોઇ રહી હતી.
વિજયે કહ્યું “રોઝી તું તારી દીકરીને લઇને આ હવાલદાર શિંદે સાથે જા.. હોટલમાં રહેજે... તારો સામાન લઇને જા અહીં શીપ પર કશું ના રાખીશ હું સમય મળે તને મળવા આવીશ પછી વાત કરીશું”. એમ કહી શિંદેને ઇશારો કર્યો.
રોઝીની આંખમાં ઝળઝળીયા આવી ગયાં એ મૌનમાંજ જવાબ આપી શિંદે સાથે નીકળી ગઇ એની આંગળી પકડેલી એની દિકરી વિજય સામે જોઇ રહેલી જઇ રહેલી.. વિજયે એનાં તરફ એક નજર કરી ફેરવી લીધી.
ત્યાં વિજયનાં મોબાઇલ પર રીંગ આવી એણે સ્ક્રીન પર જોયું નારણ ટંડેલ... અને...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-25