(અગાઉ જોયું કે વૈદ્યજી સાથે મળીને ગામના ત્રીસેક યુવાનોના સહકારથી અમે ભમરાજીને હકીકતનું ભાન કરાવ્યું. અને સહીસલામત મદિર અને ગામમાંથી રાતોરાત તગેડી મૂક્યા. ત્યારબાદ મંદિરમાં તપાસ આદરી. હવે આગળ......)
***************
મંદિરમાં તપાસ આદરતાં તલવારો, લાકડીઓ, છરીઓ, ગુપ્તીઓ જેવાં ઘાતક હથિયારો તથા ગાંજો, અફીણ, ભાંગ, તમાકુ જેવાં માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો. ઠેકઠેકાણેથી એ બધું લાવીને મંદિરના ચોકમાં એકઠું કરવામાં આવ્યું.
"હાય હાય.. આ બધું મંદિરમોં..? "
"અલ્યા વે'લા આ બધું કરવાનું હતું. આટલું બધું મંદિરમોં મળ્યા પસીં એકેયને ઓંયથી જીવતો ના જવા દોત.."
"અા તો મારા'જ હતા કે ગૂંડા..? "
વગેરે જેવી ચર્ચાઓ થવા માંડી. વળી પાછા પરાણે બધાને શાંત પાડવા પડ્યા.
મંદિરમાંથી મળેલી બધી વસ્તુઓ માટે ગામ ભેળું કરીને નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું. ભમરાજીનો ભાંડો ફોડવામાં ભિખ્ખુએ કેટલી મદદ કરી હતી, એની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.
ખાસ તો એ વાતની ચર્ચા થઈ કે આ ભમરો ખરેખર સાધુ હતો જ નહીં. વર્ષો પહેલાં બીજા રાજ્યમાંથી તડીપાર કરાયેલો ગૂંડો હતો. ઘણા સમય પહેલાં સાધુના વેશમાં આવીને ગામના વડલા નીચે રોકાયો હતો. અને ભિક્ષા માંગીને પેટ ભરતો. ધીરેધીરે સારા વર્તનથી ગામલોકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું. પછી ટેકરીવાળા મંદિરમાં પૂજારીનો ચેલો બનીને રહ્યો. અને પૂજારીનું અવસાન થતાં તે મુખ્ય અધિષ્ઠાતા બની ગયો. પછી બહારથી એના જેવા તડીપાર માણસોને ચેલા બનાવીને રાખતો ગયો. ભૂત, ચૂડેલ અને મેલીવિદ્યાના નામથી લોકોમાં ડર ઊભો કરીને ધાક જમાવી દીધી. અને પછી તો મંદિરના બહાને ગામનો જ મુખિયા બની ગયો હતો.
પરંતુ જૂઠ લાંબો સમય ટકતું નથી. ચમરબંદની ચરમસીમાએ પહોંચેલા ભમરાના સામ્રાજ્યનો આજે અંત થયો હતો. આ અભિયાનનો મુખ્ય હીરો હતો અમારો ભેમો. સમાજમાં તુચ્છ સ્થાન પામીને પણ મોજથી જીવતો એક સામાન્ય માણસ પણ ક્યારેક સમાજ માટે કેટલું મોટું કામ કરી જાય છે, તેનું એક સચોટ ઉદાહરણ પણ આપણો ભેમો હતો.
ત્યારબાદ પાંચેક જણાને ભિખ્ખુ સાથે જ રહેવા દઈ, સવારે મળવાનું નક્કી કરીને અમે ઘર તરફ વળ્યા.
*****************
ભાઈબીજની સવારનો સૂરજ આકાશમાં પગલાં પાડવાની તૈયારી કરી રહ્યો હતો. નિયમ મુજબ વહેલાં જાગીને દેવદર્શન જનારાઓનાં પગલાં પણ ટેકરીવાળા મંદિર તરફ આગળ વધવા લાગ્યાં હતાં.
ઉષારાણીના ઓરડેથી સૂર્યદેવ બહાર આવતાંની સાથે જ મંદિરની હકીકત પણ બહાર આવી ગઈ હતી.
"ભમરો મારા'જ ગૂમ થઈ જ્યા.." ની વાતે જોર પકડ્યું. જોતજોતામાં તો ગામ મંદિર આગળ ખડકાઈ ગયું. ભમરાજીની તરફેણમાં અને વિરોધમાં સાચી-ખોટી અનેક ચર્ચાઓથી ત્યાં મોટો હોબાળો મચી ગયો.
સમય થતાં અમે પણ વૈદ્યદાદા સાથે ત્યાં પહોંચી ગયા. રાતવાળા અમારા સાથીઓ પણ આવી પહોંચ્યા. મહામહેનતે ત્યાંની પરિસ્થિતિને અમે શાંત કરી.
ગામલોકોમાં વૈદ્યદાદાનું માન અને આદર હતાં. એટલે એમની વાત લોકોને ગળે ઉતારવામાં થોડી સરળતા રહી. ત્યારબાદ ભમરાજીથી ત્રાસ પામેલા લોકોએ પણ આગળ આવીને પોતાની વાતો રજૂ કરી.
ગામના સમજૂ માણસો, વડીલો આગળ આવ્યા. ચર્ચાઓ થઈ. છેવટે 'જે થયું તે સારું જ થયું..' એવું સમજાઈ જતાં ગામલોકોમાં શાંતિ થઈ.
પછી..?
અમારું અભિયાન અહીંયા પૂરૂં થયું. મંદિરમાંથી મળેલી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. બપોર સુધી મંદિરની સાફસફાઈ કરવામાં આવી.
બપોર પછી આખું ગામ ભેળું કરીને ઢોલનગારાંના નાદ સાથે ભિખ્ખુ મહારાજને મંદિરમાં પ્રવેશ કરાવીને નવા પૂજારી તરીકે સ્થાપવામાં આવ્યા. અમારી પ્રશંસા થઈ. ભેમાને એના કાર્ય બદલ ઈનામ આપવામાં આવ્યું. મંદિરના સેવક તરીકે તેની નિમણૂંક કરીને મંદિરનો એક ઓરડો રહેવા માટે આપવામાં આવ્યો. ભેમાએ પણ ગામ સમક્ષ સાચા હ્રદયથી વ્યસન છોડીને મંદિરની સેવા-ચાકરી સ્વિકારી લીધી.
સાંજ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. દિવસ આથમે લોકોની ભીડ ધીરેધીરે ઓછી થવા લાગી. બધું સમુંસુતરૂં પાર પડ્યાનો અમને પણ આનંદ હતો. છેવટે રાહતનો દમ લેતા અમે પણ ઘર તરફ જવા ડગલાં માંડ્યાં.
અમારી ત્રિપૂટી વડલે આવીને અટકી. ચંદુ બદલો મળી જવાથી ખુશ હતો. પથુ હવે નિર્ભય હતો. મને બધું નિર્વિઘ્ને પાર પડવાનો સંતોષ હતો.
અમે એકબીજાને ધન્યવાદ આપ્યા. ખરા હ્રદયથી ભગવાનનો આભાર માન્યો. મેં એક નજર ટેકરી તરફ નાંખી. સમી સાંજની ઠંડી હવામાં મંદિરની ધજા ખૂબ જ મસ્તીથી લહેરાઈ રહી હતી.
(સમાપ્ત)
****************
- "નિસર્ગ" 🍁🍁🍁
@@##@@##@@##@@##@@