વેવાઈ પક્ષના મુખ્ય વ્યક્તિના સ્વભાવની સાથે પરિચિત થયાં બાદ લલિતાના મોટાભાઈ ચિંતિત થઈ રહ્યાં હતાં. જે ઘરમાં પોતાની સાવ ગરીબ ગાય જેવી બહેન જવાની છે તે ઘરનાં મુખ્ય વડાનો આવો કપરો સ્વભાવ છે તેવા ઘરમાં લલિતા કેવી રીતે રહી શકશે તે ચિંતા તેમને સતત થયાં કરતી હતી.
બાપુજી ઉંમરલાયક હતાં તેમજ આટલી બધી છોકરીઓને પરણાવીને તેઓ સાવ ઘસાઈ ગયાં હતાં તેવામાં પોતાની હૈયા વરાળ બાપુજી સમક્ષ કાઢવી પણ શક્ય નહતું. મોટાભાઈએ વિચાર્યું કે કોઈને પણ પોતાની મનની ચિંતા કહેવાને બદલે હું લલિતાને જ સત્ય જણાવી દઉં તો સારું રહેશે કેમ કે તેણે જ ત્યાં રહેવાનું છે જો લગ્ન બાદ સ્વભાવની જાણ થશે તો તે ડંખાઈ જશે.
લલિતા સ્કૂલેથી પરત ફરીને ઘરના કામમાં મંડી પડી હતી. મોટાભાઈ લલિતાને બૂમ પાડે છે લલિતા દોડતી ભાઈ પાસે આવે છે મોટાભાઈ કહે છે, " લલિતા ચાલ આપણે નીચે આંટો મારી આવીએ. પેટમાં જરા ભાર લાગે છે. ચાલીશ તો સારું લાગશે."
લલિતા કહે છે , "ઘડીક ઉભા રહો ભાઈ હું જરા ભાખરી શેકીને આવું. હમણાં બધાં જમવાની ઉતાવળ કરશે."
લલિતા એમ કહીને રસોડામાં દોડી જાય છે. અર્જુનની જેમ લલિતા પણ રસોડામાં જ સૂતી હતી. કેમ તેની બહેનનું ઘર એક રૂમ રસોડું જ હતું. બહારની રૂમમાં બેન બનેવી અને તેમનાં બે બાળકો સુતા હતા અને રસોડામાં લલિતા તેના બનેવીની બા સાથે સૂતી હતી.
કલાક નીકળી જાય છે. બધાં જમીને ઉભા થઇ જાય છે. મોટાભાઈ ફરી બુમો પાડે છે "લલિતા, ચાલો બેટા 8 વાગી ગયાં બહુ મોડું થઈ ગયું" લલિતા અંદરથી બૂમ પાડી કહે છે "મોટાભાઈ પાંચ મિનિટ આપો હું હમણાં વાસણ કરીને આવી."
લલિતા ફટાફટ હાથ લૂછીને સાડીના છેડાને બીજા ખભા ઉપર ઓઢીને જાણે શાલ શરીર ઉપર વીંટાળી હોય એમ આવે છે અને કહે છે ચાલો ભાઈ.
બિલ્ડીંગનું કમ્પાઉન્ડ મોટું હતું ત્યારે ગાડી કોઈ પાસે હતી નહિ સ્ફુટી પણ અમુક લોકો પાસે જ હતાં એટલે કમ્પાઉન્ડમાં ચાલવાની છૂટ રહેતી. એક આંટો પૂરો થાય છે ત્યાં લલિતા કહે છે, " મોટાભાઈ તમે કોઈ વિચારમાં લાગો છો? બધું બરોબર તો છે?"
"હા..હા.. બધું બરોબર છે બસ હવે લગ્ન થવાનાં છે તો તેની વ્યવસ્થા કેવી રીતે કરવી? નિમંત્રણ કોને કોને આપીશું એના જ વિચારો ચાલ્યા કરે છે" મોટાભાઈ ખોટું સ્મિત મુખ ઉપર લાવીને કહે છે.
"કંઈની ભાઈ બધું થઈ જશે. ચિંતા નહિ કરો. ઉપરવાળો બેસેલો છે. તેને બધાંની ચિંતા હોય છે. જુઓ તેમણે જ મને આ છોકરો બતાવ્યોને? " લલિતા ભોળા ભાવે કહે છે.
લલિતાની વાતો સાંભળીને મોટાભાઈ પોતાને રોકી ન શક્યો અને કહ્યું, "લલિતા તારા જે ઘરે લગ્ન થઈ રહ્યાં છે તે ઘરના લોકો સજ્જન, શિક્ષિત અને સમજદાર છે અને અર્જુન કુમાર પણ મને ઘણાં સમજુ અને વ્યવસ્થિત લાગ્યાં પણ સાચું કહું તો તારા થનાર સસરાનો સ્વભાવ થોડો આકરો છે. બેટા, મારે તને ભયભીત નથી કરવી પણ સાવચેત કરવા માગું છું. મેં જોયું કે જયારે તારા સસરા બોલતાં હોય ત્યારે કોઈની વચ્ચે બોલવાની કે તેમને અટકાવવાની કોઈની હિંમત થતી નથી. તું બહુ નરમ છે એટલે મને ચિંતા થઈ રહી છે."
"મોટાભાઈ ચિંતા ના કરશો. દરેક ઘરમાં કોઈને કોઈ પાત્ર તો એવું હોય જ છે પણ મારા જેની સાથે લગ્ન થનારા છે તે વ્યક્તિ વ્યવસ્થિત છે તો પછી મારે ચિંતા શેની કરવી? મારે તો એમની સાથે મારું જીવન વિતાવવાનું છે ને?" લલિતા આત્મવિશ્વાસ સાથે બોલી.
લલિતાના આત્મવિશ્વાસને જોઈને મોટાભાઈને થોડો હાશકારો થાય છે. મોટાભાઈ કહે છે, "લલિતા તારા આવા વિચારે મને ઘણી રાહત આપી છે. હવે આગળ તારે જ બધુ સંભાળવાનું છે. થોડી હોશિયાર અને થોડી શાણી બનતાં શીખી જજે નહીંતર દુનિયામાં જીવવું ભારે પડશે."
લલિતાને શિખામણ આપીને બીજા દિવસે મોટાભાઈ અને બાપુજી રજા લેઈ છે. અને લગ્નની તૈયારી શરૂ થઈ જાય છે.
તો આ તરફ અર્જુન બીજા દિવસે સવારે પ્રકાશભાઈનો દરવાજો ખખડાવે છે.