• જિંદગીથી કંટાળેલી નિરાશ યુવતીએ બિલ્ડીંગનાં દસમા માળેથી કુદકો માર્યો પણ અધવચ્ચે પહોંચતા જ તેનો વિચાર બદલાયો...
• નેતાજીએ પોતાનાં પર્સનલ આસિસ્ટને "પરમ દિવસે ફલાણી જગ્યાની ઓચિંતી મુલાકાત લેવાની" વાત બધા મીડિયામાં જાહેર કરવાની સૂચના આપી...
• પોતાની અંધ પત્નીનું પિયાનો પરફોમન્સ પૂરું થતાં જ પ્રેક્ષકોમાં બેઠેલાં તેના બહેરા પતિને ઊભા થઈને તાળીઓનો ગડગડાટ કરતાં જોઈ ત્યાં હાજર સૌ લોકો અહોભાવથી બંને પતિ પત્નીને મિનિટો સુધી તાકી રહ્યાં ...
• બિઝનેસમાં હંમેશા ઓતપ્રોત રહેતા પ્રીતિના મમ્મી પપ્પાએ રાતે 9:00 વાગે દૂર બીજી સિટીમાં અભ્યાસ કરતી પ્રીતિને વિડીયો કોલ કરી જન્મદિવસની શુભેચ્છા આપી...
• પતિને હંમેશા જરૂરિયાત મુજબ ખર્ચા કરવાની સલાહ આપતી અવની આજે મોલમાં ડિસ્કોઉન્ટ હોવાથી ૫૦૦૦ રૂપિયાનું બ્રાન્ડેડ જીન્સ અને ૭૦૦૦ રૂપિયાનું બ્રાન્ડેડ બેગ ખરીદી આવી...
• પુરો દિવસ અલગ અલગ સેમિનારોમાં "જિંદગીમાં હેલ્થી ડાયટ અને એક્સરસાઇઝનું મહત્વ" સમજાવી થાકીને ઘરે આવેલી પલક ફ્રીઝમાં પડેલા ગઈ રાતના દાળ - ભાત ખાઈને ત્યાંજ સોફા પર સૂઈ ગઈ...
• હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખતી ખુશીએ પોતાનાં બાળકોને કપડાં ગંદા ન કરવાની અને પોતે ગંદા ન થવાની શરત પર ભીની માટી અને ધૂળમાં રમવાની છૂટ આપી...
• મેરેથોન દોડમાં દોડવીરોનો ઉત્સાહ વધારવા આવેલા મિનિસ્ટર સાહેબે પણ દોડવીરોની સાથે સાથે સાઇડ રોડ પર પોતાની કારમાં બેસીને મેરેથોન દોડ પૂરી કરી...
• હંમેશા સત્યની સાથે રહેવાના અને સત્ય માટે લડવાના સોગંધ ખાનાર વકીલ સાહેબે એક ભ્રષ્ટાચારી અધિકારી માટે કેસ લડયો...
• હંમેશા પુરુષાર્થ અને કર્મમાં વિશ્વાસ રાખતાં અજયે ફરી એકવાર લકી ડ્રો વિનર પ્રતિયોગિતામાં પોતાનું નામ લખાવ્યું...
• ટીવી પર પોતાની મનપસંદ સીરિયલ જોતાં જોતાં કામવાળી બાઈ પાસે વાસણ, કચરા- પોતા અને બીજું બધું ઘરકામ કરાવીને નિશા પોતાની કાર લઇને જીમ ગઈ...
• લગભગ બધી જ મીટીંગોમાં મોડા પહોંચતા બોસે આજે બાઇકમાં પંકચર થતાં મિટિંગમાં મોડા પડેલ અભિષેકને બીજા લોકોનો સમય બગાડવા માટે બરાબરનો ઠપકો આપ્યો...
• ત્રણ દિવસની રજામાં બહાર ફરવા ગયેલો રોહિતનો પરિવાર ૬ કલાકની રાતની કાર મુસાફરીથી કંટાળી અને થાકીને સવારે હોટેલ પોચતાં જ સૂઈ ગયો...
• વરસાદમાં ભીંજાવાથી અને મસ્તી કરવાથી હંમેશા દૂર ભાગતી નૈના પોતાના પતિને પરાણે વોટર પાર્ક લઈ ગઈ...
• હંમેશા દાદા દાદીનાં પ્રેમ માટે તરસતાં અભીનવને આજે એના પાંચમા જન્મદિવસે મમ્મી પપ્પા એના દાદા દાદીને મળવા વૃધ્ધાશ્રમ લઈ ગયા...
• એકદમ ઉદાસ શ્રુતિ પોતાનો મૂડ સારો કરવા થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ જ્યાં ફિલ્મ જોતાં જોતાં રડી પડી...
• ઇંગ્લિશ મિડિયમમાં ભણતાં પોતાના બાળકને ગુજરાતી લખતાં અને વાચતા શિખવવા માટે સીમાએ બાળકને ગુજરાતી શીખવાના ટ્યુશન ક્લાસમાં મોકલવાનું નક્કી કર્યું...
• સતત કામથી કંટાળી વિકેન્ડમાં બહાર રિસોર્ટમાં બે દિવસ માટે આરામ કરવા ગયેલા પતિ પત્નિને આખરે ઘરે પહોંચતાં આરામ લાગ્યો..
• પોતાની બંને દીકરીઓને ગુપસુપ વાતો કરતી સાંભળતા મમ્મીએ રસોડામાંથી બૂમ પાડીને ધીમે બોલવાનું કહ્યુ જેથી સૂતેલો નાનો ભાઈ જાગી ના જાય...
• લાંબા સમય બાદ રાખવામાં આવેલા ફેમિલી ગેટ ટુ ગેધરમાં જમવા ટાઈમે પહોંચેલા બધાં પરિવારો અને સભ્યોએ ભેગા ફોટોસ પડાવી, અમુક રિલ્સ બનાવી અને છેલ્લે જમીને તરત છુટ્ટા પડ્યા...
• આજે ઘરે ઈલેક્ટ્રીસિટી પ્રોબ્લેમ હોવાથી રાહુલ અને સીમા બહાર હોટલમાં કેન્ડલ લાઇટ ડિનર પર ગયાં...
• ૧ લાખ રૂપિયાની લોટરી જીતવા માટે અનિલે ૫૦૦૦ રૂપિયાની ૩૦ લોટરી ટિકિટ ખરીદી...
• પોતાના નાના બાળકને અલગ અલગ પ્રકારનાં ફૂલોની ઓળખ અને માહિતી આપવા જીયા આજે માર્કેટમાંથી આર્ટિફિશિયલ ફૂલો લાવી...