Love you yaar - 33 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 33

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 33

સાંવરીના બંને હાથ મીતે પોતાના હાથમાં લીધાં અને પ્રેમથી તેને પંપાળવા લાગ્યો અને સાંવરીની આંખમાં આંખ પરોવીને તેને સમજાવતાં કહેવા લાગ્યો કે, " સાવુ, પપ્પાને એકદમ સારું થઈ જશે તું ચિંતા ન કરીશ અને એવું લાગશે તો આપણે તેમને બીજા કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશું અથવા કોઈ સારી હોસ્પિટલમાં એડમીટ કરી દઇશું. તે એકલા કદી રહ્યા નથી ને એટલે તેમને આ એકલતા જ સતાવે છે એવું હોય તો તું બે ત્રણ દિવસ પપ્પાના ત્યાં રોકાઈ જજે એટલે તેમને જલ્દીથી સારું થઈ જશે અને આમ ઢીલા નહીં પડી જવાનું બેટા, તું આમ રડવા લાગશે તો તારી મોમને કોણ હિંમત આપશે ? ચાલ હવે ઉભી થા અને મારે કયા કપડા પહેરવાના છે તે કહે કે પછી મારી સાસરીમાં મારે આમ જ આવવાનું છે..!! અને સાંવરી હસી પડી તેને હસતાં જોઈને મીત પણ હસી પડ્યો અને ખુશ થઈ ગયો.

બંને તૈયાર થઈને નીચે ઉતર્યા અને અલ્પાબેન તેમજ સુશીલાબેન પણ તૈયાર હતા એટલે પહેલા માતાજીએ દર્શન કરવા માટે બધા સાથે નીકળ્યા. મીત અને સાંવરીની જોડી નજર લાગે તેવી લાગી રહી હતી સાંવરીએ મરુન કલરની સિલ્કની સાડી અને ક્રીમ કલરનો સિલ્કનો બ્લાઉઝ પહેર્યા હતા અને ગળામાં હિરાના પેન્ડન્ટ વાળું મંગળસૂત્ર અને ડેલિકેટ સોનાનો સેટ પહેર્યા હતા અને મીતે તેને મેચીંગ મરુન કલરનો કૂર્તો અને તેની નીચે ક્રીમ કલરનો પાયજામો પહેર્યો હતો. આજુબાજુમાં રહેતાં બધાં આ તાજાં પરણેલાં કુણાં કુણાં નવયુગલને જોવા માટે પોતાના ઘરની બહાર આવીને ઊભાં રહ્યાં હતાં. સાંવરીના હાથમાં મીતના નામનો ચૂડો દીપી ઉઠતો હતો અને તે જાણે બંનેના અતૂટ બંધનનો રણકાર આપી રહ્યો હતો.

બધાજ સાથે મંદિરે પહોંચ્યા. અલ્પાબહેને પોતાના દીકરાની અને પુત્રવધૂની જોડી સહીસલામત રહે તે માટે માતાજીની પાસે પોતાનો ખોળો પાથરીને ભીખ માંગી તેમજ માતાજી પાસેથી આશીર્વાદ માંગ્યા મંદિરના મહંતશ્રીએ પણ બંનેને આશીર્વાદરૂપે માતાજીને સ્પર્શ કરાવીને લાલ રંગની નાડાછડી બાંધી આપી અને બંનેની જોડી સુખી અને સહીસલામત રહે તે માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.

શાંતિપૂર્વક માતાજીના દર્શનની વિધિ પૂર્ણ થયા બાદ મીત પોતાના મમ્મીને અને મામીને ઘરે ઉતારીને આવ્યો અને સાંવરીને લઈને તેના મમ્મી પપ્પાને ઘરે ગયો. સાંવરી પોતાના પપ્પાની હાલત જોઈને ખૂબજ ઢીલી પડી ગઈ અને તેમને જોઈને રડવા લાગી. મીત તેને આમ ઢીલા ન પડવા અને રડીને આ રીતે દુઃખી ન થવા સમજાવવા લાગ્યો. મીતે તેમની સાથે વાત કરી તે ઉપરથી તેમને શારીરિક કરતાં માનસિક બીમારી વધારે હોય તેમ લાગ્યું એટલે કે તે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હોય તેમ લાગ્યું તેથી તેણે સાંવરીને આ વાત જણાવી અને તેમને માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ ગયા તેમજ મીતે સાંવરીને બે ત્રણ દિવસ પોતાના પપ્પાની તબિયત સારી ન થઈ જાય ત્યાં સુધી તેમની સાથે જ રોકાઈ જવા કહ્યું જેથી તેમને ખોટાં નેગેટિવ વિચારો આવતાં બંધ થઈ જાય અને દીકરીનો પ્રેમ મળે એટલે અડધું દુઃખ તો એમજ ભૂલાઈ જાય અને તે જલ્દીથી સાજા થઈ જાય અમૂક ઉંમર પછી માતા પિતાને પોતાના બાળકો પોતાની સાથે બેસીને બે ચાર મિનિટ વાત કરે બસ તે જ જોઈતું હોય છે અને તેનાથી જ તેમનું દુઃખ દર્દ ઓછું થઈ જતું હોય છે માં બાપને બીજું કંઈ જ જોઈતું હોતું નથી.

સાંવરી પોતાના પપ્પાની સાથે રહી અને નિયમિતપણે દવા આપવાથી તેમને ઘણું સારું લાગવા લાગ્યું અને તેમની તબિયતમાં ઘણોબધો સુધારો થવા લાગ્યો. સાંવરીએ પોતે થોડા સમય માટે લંડન જવાની છે તે પણ તેના મમ્મી પપ્પાને જણાવ્યું અને તેમને આ રીતે અહીં એકલા રહી બિમાર પડવું હોય તો પછી પોતાની સાથે લંડન આવવા કહ્યું પરંતુ તેના પપ્પાએ, બેટા દીકરીને ઘરે લાંબો સમય રહેવું સારું નહીં તેમ કહ્યું તો સાંવરીએ તેમની પાસેથી પ્રોમિસ માંગી કે ફરીથી તે આ રીતે ખોટા ખોટા વિચારો કરીને ડિપ્રેશનમાં નહીં આવે અને બીમાર નહીં પડે. સાંવરીના પપ્પા વિક્રમભાઈ પણ પોતાની દીકરીની વાત સાંભળીને હસી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે, " હા સારું, તને લંડનથી અહીં ઈન્ડિયા નહીં દોડાવીએ બસ.." અને બધાજ સાથે હસી પડ્યા સાંવરી હસતાં હસતાં બોલી રહી હતી કે, " ના ડેડ હું એવું કહેવા નથી માંગતી.."
વિક્રમભાઈ: હા ભાઈ હા હું પણ એમજ કહું છું કે, તને લંડનથી દોડતી દોડતી અહીં ઈન્ડિયા નહીં બોલાવીએ...
અને સોનલબેન સાંવરીને કહે છે કે, " અરે શું સાનુ તું પણ, પપ્પાને તો આવું બોલવાની આદત છે તને તો ખબર જ છે ને..અને વિક્રમભાઇના ઘરનું વાતાવરણ ખુશીથી મહેંકી ઊઠે છે.

પોતાના પપ્પાને હવે સારું છે એટલે સાંવરી મીતને પોતાને લેવા માટે બોલાવે છે. મીત આવીને તરત જ પોતાના સાસુ સસરાને પગે લાગે છે અને ત્યારબાદ પોતે સાંવરીને લઈને થોડા સમય માટે લંડન જઈ રહ્યો છે તો તેમની પરમીશન માંગે છે સાંવરીના મમ્મી સોનલબેન ખુશી ખુશી હા પાડે છે અને સાથે મીતને એમ પણ કહે છે કે, " હવે સાંવરીની ઉપર અમારા કરતાં તમારો હક્ક વધુ લાગે તેથી તમારે તેને જ્યાં લઈ જવી હોય ત્યાં તમે તેને લઇ જઇ શકો છો. "
મીત પણ હસતાં હસતાં જવાબ આપે છે કે, " લગ્ન પહેલાં પણ તમે સાંવરીને મારી સાથે લંડન મોકલી જ હતી ને એવો કોઈ પ્રશ્ન નથી પરંતુ સાંવરીના લંડન જવાથી પપ્પાની તબિયત ઉપર તો અસર નહીં થાય ને ? માટે હું તમને પૂછું છું. "

મીત કુમારને જવાબ આપતાં સાંવરીના પપ્પા વિક્રમભાઈ તરતજ બોલ્યા કે, " ના ના આટલા દિવસ મારી સાવુ મારી સાથે રહી એટલે મન ભરાઈ ગયું અને હવે તો સાંવરી બહુ યાદ આવશે તો અમે પણ લંડન જ આવી જઈશું. "
મીત અને સાંવરી બંને વિક્રમભાઈની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને બંને સાથે જ બોલ્યા કે, " હા એ તમે બરાબર કહ્યું પપ્પા " અને સાંવરી પોતાના મમ્મી પપ્પાને પગે લાગી અને પોતાના સાસરે જવા માટે તેણે રજા માંગી.

રસ્તામાં ગાડી ચલાવતાં ચલાવતાં મીત સાંવરીને પૂછી રહ્યો હતો કે, " આર યુ સ્યોર આપણે લંડન જ જવું છે ને બીજે ક્યાંય ફરવા માટે તો નથી જવું ને ? " સાંવરી પણ તેને એટલી જ મક્કમતાથી જવાબ આપી રહી હતી કે, " આઈ એમ સ્યોર, આપણે લંડન જ જવું છે. "
મીત: ઓકે તો હું અહીંનું થોડું કામ પેન્ડીંગ છે તે પતાવી દઉં અને આપણી ટિકિટ બુક કરાવી લઉં અને પહેલા આપણે ચાર પાંચ દિવસ દુબઈ ફરીને પછી લંડન જઈએ તો કેવું ?
સાંવરી: હા તે પણ ચાલશે.
મીત: ઓકે તો હું તે પ્રમાણે પ્લાન બનાવી લઉં અને આપણે જે કેન્સર હોસ્પિટલમાં દાન આપવાનું છે તે કામ પણ પહેલાં પતાવી દઈએ એટલે પછી આપણે છુટ્ટા.
સાંવરી: હા એ વાત તારી સાચી છે.
અને વાતો કરતાં કરતાં બંને પોતાના આલિશાન બંગલે પહોંચી ગયા જ્યાં અલ્પાબેન તેમની રાહ જોતાં બેઠા હતા.
અલ્પાબેન: સાંવરી, આવી ગઈ દીકરા
સાંવરી: હા મોમ
અલ્પાબેન: આ તમારા ડેડીએ દશ કરોડનો ચેક કેન્સર હોસ્પિટલમાં આપવા માટે તૈયાર કરીને રાખ્યો છે તો આપણે આજે તે આપવા માટે જઈ આવીએ.
મીત: હા મોમ ચાલો તમે તૈયાર છો ને ?
અલ્પાબેન: હા બેટા હું તો તૈયાર જ છું.
અને અલ્પાબેન, સુશીલાબેન, ખુશ્બુ, મીત તેમજ સાંવરી કેન્સર હોસ્પિટલમાં જાય છે.

હોસ્પિટલમાં જઈને ત્યાંના મેઈન ડીન તુષારભાઈને તેઓ મળે છે જે આ આખીયે હોસ્પિટલનો વહીવટ સંભાળે છે. તુષારભાઈ તેમને ખૂબજ પ્રેમથી અને આગતાસ્વાગતા સાથે પોતાની ઓફિસમાં બોલાવે છે અને બેસાડે છે. મીત અને સાંવરીને હાથે તુષારભાઈને તે ચેક સુપ્રત કરવામાં આવે છે. તુષારભાઈ આ શાહ પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે અને તેમને હોસ્પિટલમાં કેવા કેવા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે જોવા માટે લઈ જાય છે.
મીત, સાંવરી, અલ્પાબેન, સુશીલાબેન તેમજ ખુશ્બુને આ દર્દીઓની હાલત જોઈને ખૂબજ દુઃખ થાય છે તેમજ તેમનાં શરીરમાં અરેરાટી વ્યાપી જાય છે.
કોઈને જડબાનું કેન્સર થયું છે તો કોઈને ફેફસાનું તો વળી કોઈને ગુદાનું તો વળી કોઈને બ્રેસ્ટ કેન્સર થયું છે.
આ બધું જોયા પછી મીત, સાંવરી અને અલ્પાબેન ત્રણેયને એવો વિચાર આવે છે કે આપણે ધામધૂમથી લગ્નનો ખર્ચ ન કરીને તે પૈસાનું અહીં દાન કરીને બરાબર જ કર્યું છે. ધામધૂમથી લગ્ન કરવામાં જે પૈસા ફોગટ જાત તે જ પૈસાથી અહીં કોઈનો જીવ બચશે અને વર્ષોવર્ષ સુધી આપણને તેમની દુઆ મળશે.

અલ્પાબેન પોતાના દીકરા મીતના આ નિર્ણય બદલ ગર્વ અનુભવે છે કે મારો દિકરો એક બિઝનેસમેન છે સાથે સાથે તે એક માણસ પહેલાં છે અને ઈશ્વરે તેનામાં માનવતાનો ગુણ ઠસોઠસ ભર્યો છે. અને આમ તેઓ પોતાના મનથી ખૂબ રાહત અનુભવે છે.
બસ હવે બધાં હોસ્પિટલમાંથી રિટર્ન થવા માટે નીકળે છે અને અચાનક મીતના મોબાઈલમાં એક મેસેજ આવે છે તેણે ફોન હાથમાં લઈને તે વાંચ્યો અને તે નર્વસ થઈ ગયો, સૂનમૂન થઈ ગયો વિચારોમાં ખોવાઈ ગયો એવો શું મેસેજ હશે જેણે મીતને આકુળવ્યાકુળ કરી દીધો...??

જોઈએ આગળના ભાગમાં તમને આ મેસેજ વિશે કોઈ આઈડિયા આવે તો પ્રતિભાવ દ્વારા મને જણાવવા વિનંતી. આપના અમુલ્ય પ્રતિભાવની રાહ જોતી આપની લેખિકા
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/12/23