ghadpan no gha in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ઘડપણનો ઘા

The Author
Featured Books
Categories
Share

ઘડપણનો ઘા

સાંજ ઢળવા આવી હતી. સવારથી જ દૂર દૂર નીકળી ગયેલાં પંખીઓ પાછાં ફરીને પોત-પોતાના માળામાં સમાવા માંડ્યાં હતાં. અને દિવસભર એકલાં પડેલાં બચ્ચાંઓએ માવતરને મળીને થોડા હર્ષ અને થોડી ફરિયાદભર્યા સ્વરથી કીકીયારીઓ કરી મૂકી હતી. જેના કલબલાટથી આખુંયે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
સૂરજ પણ આજે ખૂબ જ અધીરો બનીને જલદી છૂપાઈ જવા મથામણ કરી રહ્યો હતો. એથીયે અનેકગણી અધીરાઈભરી ધૂંધળી નજરે બે આંખો દૂર દૂર વળાંક સુધી રસ્તા પર મંડરાઈ રહી હતી. પ્રત્યેક વાહનનો હમકારો એક બૂઝૂર્ગ હ્રદયમાં ભરપૂર ઉત્સાહ જન્માવીને એ ઉત્સાહને પોતાની સાથે જ વહાવી જઈ, પાછળ ફરીથી એ જ શૂન્યતા અને અધીરાઈ છોડી જતો હતો.
અંધકારના ઓળા ધરતી પર ઉતર્યા ત્યાં સુધી આમ જ ચાલ્યું. રસ્તો દેખાતો બંધ થયો. એનો એક હાથ ચહેરા તરફ ધસી ગયો. થોડાં નીચે સરકી ગયોલાં ચશ્માંને ઠીકઠાક કરીને પાછો ફર્યો. અને ટેકણ લાકડીના વળાંક પર થંભેલા બીજા હાથ ઉપર ગોઠવાઈ ગયો.
બન્ને હાથ એકબીજાને સાંત્વન આપતા હોય તેમ થોડીવાર સ્થિર રહ્યા બાદ, જાણે કે પગને ઈશારો કર્યો. અને એક આજ્ઞાંકિત શિષ્યની જેમ દરરોજની માફક બન્ને પગ પણ અાશ્રમની અંદરની તરફ ધીમાં ડગલાં ભરતા ચાલવા માંડ્યા.
ચાર-પાંચ ડગલાં ભર્યા પછી અધીર હૈયાએ એક પોકાર કર્યો અને ફરી એકવાર એની નજર પાછી ફરી. સાવ અદ્રશ્ય થઈ ગયેલા ડામર રોડ પર એક ભારેખમ નિ:સાસો ફેંકીને હજ્જારો મણનું વજન ધારણ કરેલા એ દેહને ઊંચકીને ડગમગતા પગ ફરી પાછા ડગ ભરતા ચાલવા માંડ્યા.
*********
હા, આ એક આશ્રમ હતો, વૃધ્ધાશ્રમ. જેના મુખ્ય દરવાજે રોજ દિવસ આથમવાના સમયે એક ડોશી, પોતાની વૃદ્ધ આંખે રસ્તા પર નજર બિછાવીને ખૂબ જ આતુરતાપૂર્વક કોઈની રાહ જોતી ઊભી રહેતી. આવતાં-જતાં તમામ વાહનોની સાથે પોતાનું કોઈ સ્વજન આવવાની આશા-નિરાશા, તેના આતુર હૈયા સાથે રમત રમતી જતી હતી. છેવટે અંધારૂં થતાં, માયુસી લઈને, હૈયાને ત્યાં ઝાંપે જ રહેવા દઈને તેનું ખોળિયું ધીમાં ધીમાં ડગ ભરતું આશ્રમમાં એક ઓરડી તરફ પાછું ફરતું.
પોતાની ઓરડીની બરાબર સામે આવીને એના પગ થંભ્યા. એક ઊંડો શ્વાસ ભર્યો. અને લાકડીના ટેકે પગથિયું ચડવા જેવો પગ ઉપાડ્યો કે તરત જ એક મોટરકારનો હંમકારો એના કાને અથડાયો. અવાજ આશ્રમના ઝાંપાની અંદર આવી ગયો હોય એવું એને લાગ્યું. ઉપડેલો પગ પાછો ધરતી પર મંડાણો. 'કોઈ એનું હોય કે ના પણ હોય..' એવા મિશ્રિત ભાવો સાથે એ પાછી ફરી. તો મોટરકાર છેક તેની નજીક આવી ગઈ હતી.
થાંભલાની લાઈટના અજવાળામાં આછી-પાતળી નજરે શાંતાબા જોઈ રહ્યાં. ત્રીસ-બત્રીસેક વર્ષનો એક યુવાન ગાડીમાંથી ઉતર્યો. તેને જોતાં જ ડોશીના જીવમાં જીવ આવ્યો. થાકેલા એના પગમાં નવું જોમ ઉભરાણું. દોડીને એ યુવાનને એક નાનકડા બાળકની જેમ પોતાની ગોદમાં ઊંચકી લેવા એનું હૈયું અધીરું બની ગયું, પરંતુ એ એમ ના કરી શકી. ત્યાંથી ઉપડવાની એના પગે સ્પષ્ટ 'ના' પાડી દીધી.
હા, આ આગંતુક એ બીજું કોઈ નહીં પણ શાંતાબાનો દીકરો હતો. એકનો એક દીકરો અનિકેત. ગાડીમાંથી ઉતરીને તે ડોશીમા પાસે આવ્યો. ઉડતા હાથે 'જયશ્રી ક્રિષ્ણ' કર્યા. હમેશાંની જેમ 'ઘણું જીવો દીકરા... સુખી થજો..' એવા ભાવ સાથે શાંતાબાના બન્ને હાથ ઊંચા થયા.
અચાનક અનિકેત પાછો વળી ગયો. અને ગાડી પાસે જઈને ઊભો રહ્યો. શાંતાબાને થોડું અચરજ થયું, અને દુ:ખ પણ. કશું જ બોલ્યા વિના એ દીકરા સામે માત્ર જોઈ જ રહ્યાં હતાં.
**********
શાંતાબાનો દીકરો અનિકેત મહીને-બે મહિને એકાદવાર "જનેતા"ની ખબરઅંતર પૂછવા આવતો. એ પણ ઑફિસેથી ઘરે પાછા ફરતી વખતે. ડોશીને તો રોજ પોતાના દીકરાનો ઈંતજાર રહેતો. પરંતુ દીકરાને "સમય" ક્યાં હતો..! ક્યારેક દિવસ આથમવાના સમયે તે આવતો. મા સાથેની મુલાકાત લગભગ તો આશ્રમના ઝાંપા સુધી જ સિમિત રહેતી.
કોઈકવાર થોડો વધારે સમય હોય તો તે આશ્રમની અંદર સુધી આવતો. પરંતુ એ પણ ઓરડીના ઉંબરા સુધી જ. ઓરડીમાં બેસવાની તો શું, પરંતુ અંદર એક નજર સુધ્ધાં નાંખવાનીયે તસ્દી તેણે કદી લીધી નહોતી. ઉંબરાની બહાર ઊભાંઊભાં જ મા સાથે થોડીઘણી વાતોની ઔપચારિકતા પતાવીને "કંઈ જરૂરિયાત હોય તો જણાવજો.." કહીને ત્યાંથી ચાલતો થતો.
છેલ્લાં દસ વર્ષથી આ ક્રમ ચાલતો આવ્યો હતો. અને એ ઘરડી આંખો દૂર જતા એ કલેજાના ટૂકડાને દુ:ખ અને મમતા મિશ્રિત નજરે જોઈ જ રહેતી. બસ.. જોઈ જ રહેતી...
*********
આજે અનિકેત આવ્યો. આવીને પાછો વળ્યો એનું આશ્ચર્ય નહોતું. પરંતુ તરત જ પાછો કેમ વળ્યો હશે, એનું આશ્ચર્ય હતું.
તેણે મોટરકારનો દરવાજો ખોલ્યો અને સાદ પાડ્યો, "બેટા સ્મિત.. બહાર આવ તો...!"
શાંતાબાના ઉંમરલાયક કાને પણ "બેટા સ્મિત" શબ્દને બરાબર સાંભળ્યો. અને એમનું હૈયું હરખાણું. કોણ જાણે કેમ પરંતુ ક્ષણભરમાં જ એમનું માનસ હજ્જારો કલ્પનાઓ કરીને એક ચોક્કસ તારણ પર આવી ગયું. એમની કરચલીઓ વાળા ચહેરા પર ગજબની ચમક આવી ગઈ. એમનુ હૈયું ઘજીભર તો ધબકાર ચૂકી ગયું.
એમણે જોયું તો ત્રણેક વર્ષનો એક બાળક ગાડીમાંથી નીચે ઉતર્યો. અનિકેતે દરવાજો બંધ કર્યો. અને બાળકનો હાથ પકડીને શાંતાબા તરફ પગ ઉપાડ્યા.
"જે છી કછન દાદીમા.." એવા કાલાઘેલા અવાજે શાંતાબાની તંદ્રા તૂટી. એમની ધારણા સાચી હતી. આમછતાં કંઈપણ બોલ્યા વગર તેઓ એ નિર્દોષ-કૂમળા ચહેરાને બસ જોઈ જ રહ્યાં.
"મમ્મી.. આ તમારો પૌત્ર, સ્મિત..! અને બેટા સ્મિત, આ તારાં દાદીમા... શાંતાબા..!" અનિકેતે બન્નેની ઓળખાણ કરાવી.
ત્યાં સુધી તો નાનકડો સ્મિત શાંતાબાનો પાલવ પકડીને "દાદીમા... દાદીમા..." કહેતો ત્રણ-ચાર ફૂદરડીઓ ફરી ગયો હતો.
"ચાલો બેટા.. દાદીમાને હેરાન ન કરાય... ચાલો બા ના ઘરમાં જઈએ.." એમ કહેતાં અનિકેતે સ્મિતને શાંતાબાના પાલવથી છૂટો કર્યો. અને એનો હાથ પકડીને ઓરડી તરફનાં પગથિયાં ચડવા માંડ્યો.
આ બધું બની ગયું છતાં શાંતાબા સ્થિર ઊભાં હતાં. એમનાં મન-હૈયામાં એકસામટા હજ્જારો ભાવો-વિચારો રમી રહ્યા હતા. શું કરવું.? શું બોલવું.? એ એમને સૂઝ્યું નહીં. અને પોતાના ઘડપણનો એકમાત્ર આધાર એવી ટેકણ લાકડીનો ટેકો લઈને એ પણ પગથિયાં ચડવા માંડ્યાં.
**********
10×10 ફૂટની એ નાનકડી ઓરડી. એક ખૂણામાં નાનકડો પલંગ, એના ઉપર સફેદ રંગનું પાથરણું, ઓશીકું અને ઓઢવાનો એક ધાબળો હતાં. બાજુમાં એક ખુરશી પડી રહેતી. પાસેના ખૂણામાં સ્ટેન્ડ પર પીવાના પાણીની એક માટલી, ગ્લાસ હતાં. એક દીવાલમાં નાનકડું એક કબાટ, કોણ જાણે એમાં શું ભર્યું હશે..! છત પર એક પંખો, જે હમેશાં પહેલા ગિયરમાં જ ફર્યા કરતો. ઓછા વોલ્ટેજ વાળી એક ટ્યૂબલાઈટ.. પાછળની દીવાલમાં એક બારી, જે હમેશાં બંધ જ રહેતી. વેન્ટિલેશનના કાચમાંથી અજવાળું આવતું અને હવામાં ઝૂલતાં ઊંચાં વૃક્ષો પણ ક્યારેક ડોકાઈ જતાં.
આમ છતાં ઓરડીની હાલત અને સ્વચ્છતા એકંદરે ખૂબ જ સારી હતી. શાંતાબા આવીને પલંગ પર બેઠાં.
અનિકેત દ્વાર પર જ ઊભો હતો. સ્મિતને અંદર મોકલતાં કહ્યું, "જા બેટા, તું અને દાદીમા વાતો કરો. ત્યાં સુધી હું બજારમાં જઈને આવું છું." અને ત્યાંથી ચાલતો થયો.
નાનકડો સ્મિત થોડો ખચકાયો. એની નજર ઝડપથી આખી ઓરડીમાં ફરીને ચાલ્યા જતા અનિકેત પર મંડાણી.
શાંતાબા સ્મિતનાં અપરિચિત દાદીમા હતાં. પપ્પાની હાજરીમાં તો એ દાદીમાને ઘેરી વળ્યો હતો. પરંતુ હવે પોતે અને દાદીમા એકલાં જ હતાં. આમ છતાં ક્ષણભરની ઓળખાણે દાદીમા પ્રત્યે એનામાં કુદરતી રીતે જ પોતાનાપણું ઉભરાણું હતું.
મોટરકારનો દરવાજો બંધ કરતા પપ્પાને સ્મિતે "તા તા પાપા.." કહીને હાથ ઊંચો કર્યો. અને ગાડી ત્યાંથી નીકળી ગઈ ત્યારે આકાશમાં દૂર દૂર જોતો તે ત્યાં જ ઊભો રહી ગયો.
શાંતાબા તો આ નાનકડા માસુમ પૌત્રને જોઈ જ રહ્યાં હતાં. આ સ્મિતે ઘણાં વર્ષો પછી તેમના ચહેરા પર આજે 'સ્મિત' લાવી દીધું હતું. તેમના સૂના હૈયામાં આજે અપાર મમતાનો મહાસાગર હિલોળે ચડવા લાગ્યો હતો. છતાં તેઓ ચૂપચાપ પૌત્રને જોઈ જ રહ્યાં.
થોડીવાર માટે ઓરડીમાં એ જ પરિસ્થિતિ જળવાઈ રહી. પોતાના મનમાં ઉછળકુદ કરતા અનેક સવાલો, અને એને કારણે હૈયામાં જન્મેલી વેદનાઓને એકબાજુ દબાવીને શાંતાબા ઊભાં થયાં. ઉંબરે ઊભેલા સ્મિતના ખભે હાથ મૂકતાં બોલ્યાં, "શું જૂએ છે દીકરા..?"
બાળક ચૂપ હતો. એણે દાદીમાના ચહેરા તરફ જોયું. ક્યારેય ના જોયાં હોય એવાં મમતા અને વિશ્વાસ એણે શાંતાબાની આંખોમાં જોયાં. અને ફરી પાછો પાલવ પકડીને "દાદી મા.." કહેતો શાંતાબાના શરીર સાથે લપાઈ ગયો.
સ્મિતને થોડીવાર એમ જ રહેવા દઈ પછી શાંતાબા બોલ્યાં, "ડાયો મારો દીકરો... ચાલ અહીં આવ.. મારા ખોળામાં બેસાડું..." શાંતાબા પલંગમાં બેઠાં અને સ્મિતને ખોળામાં ઊંચકી લીધો.
સ્મિતને આજે અલૌકિક હૂંફનો અનુભવ થતો હતો. એના હૈયાને, મનને, આત્માને દાદીમાના ખોળાની ઓથ ખૂબ જ ગમી. "માલી દાદી મા..." કહેતો એ શાંતાબાના ખોળામાં લપાઈ ગયો. શાંતાબાએ પણ પોતાના વાત્સલ્યભર્યા બે હાથથી સ્મિતને પંપાળવા માંડ્યું.
આજે ઝાઝા શબ્દોની આપ-લે નહોતી. આજે તો માત્ર લાગણીઓ અને અનુભૂતિઓની જ આપ-લે થઈ રહી હતી. એ અનુભૂતિ ને કોઈ ચોક્કસ શબ્દોમાં ઢાળવાનું મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય હતું.
"તારી મમ્મી શું કરે છે બેટા..?" શાંતાબાએ પૂછ્યું.
"મમ્મી તો ઘલે (ઘરે) છે.." કાલોઘેલો જવાબ મળ્યો.
"તું મમ્મીને હેરાન તો નથી કરતો ને દીકરા..?"
"ના દાદીમા.. પન મમ્મી માલા પલ ખૂબ ગુસ્સો કલે છે.."
"એ તો તુ વા'લો વા'લો દીક્કો છે ને.. એટલે બેટા...!"
"પન દાદીમા.. મને મમ્મી ગાલ પલ માલે પન છે... "
"હેંએં...???" શાંતાબાના હૈયે ધ્રાસકો પડ્યો. "હવે નહીં મારે હોં બેટા..!" એમણે એ ભોળા ભૂલકાને છાતી સરસો ચાંપી દીધો. એમનું મન ફરી પાછું વિચારોના ચકરાવે ચડી ગયું. એમની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
આ નાનકડો સંવાદ શાંતાબાને ઘણું ઘણું સમજાવી ગયો હતો. સ્મિતની નિર્દોષ કાલીઘેલી વાતોમાં વણકહી ફરિયાદ ડોકાતી હતી. નિશ્ચિંત બનીને તેનું આમ પોતાના ખોળામાં લપાઈ જવું એમાં મમતાની તરસ છતી થતી હતી. સ્મિત માટે એની ફરિયાદ કરવા માટે કદાચ કોઈ જગ્યા જ નહોતી.
થોડીવાર પછી સ્મિત દાદીમાના ખોળામાંથી નીચે ઉતર્યો. અને નાનકડી એ ઓરડીમાં ધમાચકડી મચાવી દીધી. બેજાન એ ઓરડીમાં આજે પહેલીવાર મસ્તી ખિલી હતી. આખી ઓરડી જાણે કે જીવંત થઈ ઉઠી હતી.
અચાનક સ્મિત થંભી ગયો. ઓરડીમાં ચારેબાજુ નજર ફેરવતાં બોલ્યો, "દાદી મા.. દાદી મા.. તમે લમકડાં નથી લાખતાં.?"
"રમકડાં..???" શાંતાબાનું હૈયું એક ઝટકો ખાઈ ગયું. પરંતુ તરત જ સ્વસ્થ થતાં તેઓ બોલ્યાં, "ચાલો બેટા આપણે જે-જે કરવા મંદિરે જઈએ."
"જે-જે..?" નવાઈ પામતો સ્મિત દાદીમાની આંગળી પકડીને ચાલવા માંડ્યો. દાદી-પૌત્ર ઓરડીની બહાર નીકળ્યાં. આશ્રમમાં રાધાકૃષ્ણનું એક મંદિર હતું. ત્યાં સ્મિતને દર્શન કરાવ્યાં. કનૈયાની નટખટતાની વાતો કરી. પ્રસાદી ખવડાવી. અને હાજર અન્ય આશ્રમવાસીઓ સાથે ઓળખાણ કરાવી.
મંદિરમાં અડધોએક કલાક વિત્યો હશે ત્યાં તો મોટરકાર આવીને ઊભી રહી. અનિકેત ઉતર્યો. દૂરથી જ ખ્યાલ આવી જતાં તે સીધો જ મંદિર પાસે આવ્યો અને બૂમ પાડતાં બોલ્યો, "ચાલો બેટા સ્મિત, હવે ઘરે જઈએ.. દાદીમાને ટા ટા કરો જોઈએ.. ચાલો, મમ્મા રાહ જોતી હશે..."
પરંતુ સ્મિત તો પોતાની મસ્તીમાં જ લીન હતો. ઘડીકમાં ટોકરી વગાડી આવે, તો ઘડીકમાં નગારા પર સોટી મારી આવે. તાસમાંથી પ્રસાદીની મુઠ્ઠી ભરી લાવે તો ઘડીકમાં મંદિરની ઓસરીમાં આળોટવા મંડી પડે. વળી પાછું કંઈક યાદ આવતાં દોડતો આવીને દાદીમાના ખોળામાં લપાઈ જાય.
ત્યાં હાજર તમામ ઘરડાં-બૂઢાંઓ પણ તેની સાથે આજે બાળક બની ગયાં હતાં. સૌના ચહેરા પણ આજે ખૂબ જ ખિલ્યા હતા.
અનિકેતને આ ન ગમ્યું.
"શું છે આ બધું..?" કહેતો તે મંદિરમાં ધસી આવ્યો. "બેટા.. ચાલો.. હવે બહુ થયું.. ચાલો.. ચાલો અહીંથી.." કહેતો એ નાનકડા બાળકને રીતસરનો ઢસડતો લઈ ચાલ્યો.
ગાડી પાસે પહોંચીને શાંતાબાને ઉડતા "જયશ્રી કૃષ્ણ" કહેતાં સ્મિતને ઊંચકીને ગાડીમાં બેસાડ્યો. હાકાબાકા થઈ ગયેલા એ અબૂધ બાળકનો હાથ પકડીને ઊંચો કરાવતાં "ટા.. ટા.. " કહેવડાવીને કાચ બંધ કર્યા. અને શાંતાબા કંઈ સમજે, બોલે એ પહેલાં તો ગાડી પૂરઝડપે આશ્રમનો ઝાંપો વટાવી ગઈ.
**********
આખીયે સૃષ્ટિ ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ હતી. ક્યાંક ક્યાંક ભડકેલાં કૂતરાંઓના ભસવાનો અને રોડ પર ક્યાંક એકલ-દોકલ પસાર થતાં વાહનનો અવાજ શાંત થયા પછી વાતાવરણમાં માત્ર તમરાંઓનું ત્રમ્ ત્રમ્ જ સંભળાતું હતું.
આઠમનો ચંદ્રમા આકાશમાં આથમી ચૂક્યો હતો. તેની ગેરહાજરીમા તારલાઓ "સૌથી વધુ કોણ ચમકે..?" એવી હોડમાં ઉતર્યા હતા. અને હતું એટલું જોર ભેગું કરીને બધાંયે નક્ષત્રો સૂર્ય ઊગે તે પહેલાં આખાયે બ્રહ્માંડનું ચક્કર મારી લેવાની મથામણ કરી રહ્યાં હતાં.
. આખોયે વૃધ્ધાશ્રમ નિરવ શાંતિ હૈયામાં ભરીને જાણે કે મીઠી નિંદર લઈ રહ્યો હતો. શાંતિ નહોતી તો માત્ર એક ઓરડીમાં. ડીમ લાઈટના આછા અજવાળામાં પણ શાંતાબાની ધૂંધળી નજર આજે ઘણું ઘણું જોઈ રહી હતી. એમના બેચેન માનસે ઊંડા ભૂતકાળ ભણી દોટ મૂકી હતી.
**********
આજથી વર્ષો પહેલાં કોઇ નાનકડા ગામમાં રહેતા એક ગરીબ ખેડૂતના પરિવારમાં પાંચમી દીકરીનો જન્મ થયો. કુટુંબમાં કોઈને હરખાવા જેવું કંઈ હતું નહીં. એની મા એ તો નિરાશા અને ગુસ્સાથી એ દીકરીને મરતી હાલતમાં જ છોડી દીધી. આમ છતાં મોત એટલું નજીક ક્યાં હતું.?
દિવસો વિતવાની સાથે સાથે દીકરી પણ મોટી થતી ગઈ. માબાપનો પ્રેમ ઓછો ભાગમાં આવતો. પરંતુ કુદરત એના પર ઓવારી ગઈ હતી. સુંદરતા, હોંશિયારી, નિડરતા, સહનશક્તિ જેવા ગુણો ઈશ્વરે એને ખોબલે ખોબલે આપી દીધા હતા.
ઓછા ધોરણ સુધીની શાળા અને કુટુંબમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી તે માત્ર ચાર ચોપડી જ ભણી શકી.
ઉંમરલાયક થતાં બાજુના ગામમાંથી માંગું આવ્યું. લગ્ન લેવાઈ ગયાં. સાસરીપક્ષ પણ મધ્યમવર્ગી હતો. પરંતુ પતિ કંઈક જુદી જ માટીનો બનેલો માનવી હતો. કડાકૂટવાળું એનું મન ખેતીમાં લાગતું જ નહોતું.
એક દિવસ એનાં કદમ શહેર તરફ ઉપડી ગયાં. વહુ બનીને આવેલી એ દીકરી સાસરીમાં એકલી રહી ગઈ. પતિએ એક કારખાનામાં નોકરી મેળવી લીધી. એકાદ વર્ષમાં એક ઓરડી ભાડે રાખીને એણે પોતાની પત્નીને પણ શહેરમાં બોલાવી દીધી.
સમય વીતતો ચાલ્યો. પતિએ નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. પતિ-પત્નીએ ખભેખભા મિલાવ્યા. મહેનત રંગ લાવી. કુદરત મહેરબાન થઈ. અને ગણતરીનાં વર્ષોમાં જ મજૂરી કરતો એક ગરીબ માણસ હવે મોટો મિલકતદાર મહાનુભાવ બની ગયો.
સરળ હ્રદયનાં પતિ-પત્ની ખૂબ જ સુખેથી જીવન જીવતાં હતાં. કોઈ ચીજની કમી નહોતી. ખોટ હતી તો માત્ર શેર માટીની..!
પથ્થર એટલા દેવ કર્યા ત્યારે ઘણા સમય પછી શ્રધ્ધા ફળી. એમના ત્યાં પારણું બંધાણું. એક પુત્રનો જન્મ થયો. બસ હવે કોઈ જ વાતનો અફસોસ નહોતો. જીવનમાં સુખ જ સુખ હતું.
પરંતુ ભાગ્યએ કંઈક જુદું જ વિચાર્યું હતું. દીકરો જ્યારે એકાદ વર્ષનો થયો હશે ત્યાં તો માર્ગ અકસ્માતમાં બાપનું અવસાન થયું. વિધવા મા માટે આવો કારમો ઘા સહન કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું.
છતાં એ હિંમત હારી નહીં. એણે મનને મક્કમ બનાવી લીધું. કાળજું કઠણ કરીને જીવનનૈયાને તે આગળ ધપાવવા લાગી.
પરંતુ ભાગ્ય પીછો છોડે એમ નહોતું. ધંધામાં ખોટ, મિલકતોની જપ્તી, ઉઘરાણીવાળાઓની કનડગત, નાનીમોટી બિમારીઓ જેવા ઉપરાઉપરી ફટકાઓએ એના જીવનને સપાટ બનાવી દીધું.
થોડા સમય પછી બધું જ બાદ કરતાં બાકી રહ્યું તો માત્ર નાનકડું એક ઘર અને થોડીક રોકડ.
સુખ અને સંપત્તિ સાથે સગાંવહાલાં પણ મોંઢાં ફેરવી ગયાં હતાં. પતિ સાથે વિતાવેલો સમય અને આ વિકટ પરિસ્થિતિનાં બે પડળ વચ્ચે ભીંસાતી એ વિધવા મા માટે આ શહેરમાં જીવવું દુષ્કર હતું. સાસરીમાં અભાગણી તરીકે પંકાઈ ગઈ હતી. પિયરમાં પોતે બોજ બનવા માંગતી નહોતી. ઉપરથી એક બાળકની જીંદગીનો પણ સવાલ હતો.
એક દિવસ મક્કમ નિર્ધાર સાથે તેણે એ શહેર છોડી દીધું. અજાણ્યા કોઈ શહેરમાં જઈને ઓરડી ભાડે રાખી. મિલકતના વેચાણથી મળેલી મૂડીથી એક નાનકડો ગૃહઉદ્યોગ શરૂ કર્યો.
. કુદરત ફરીથી રીઝી. પૈસાની બચત થઈ. પોતાનું એક નાનકડું ઘર લીધું. દીકરો ભણીગણીને મોટો થઈ ગયો હતો. એનાં લગ્ન લેવાણાં. ઘરમાં પુત્રવધૂનાં પગલાં થયાં. દીકરાએ ધંધો સંભાળી લીધો. મા નિવૃત્ત થઈ.
હાશ.. ! હવે શાંતિ હતી. કડવો કાળ વિતી ચૂક્યો હતો. જળોજથા એકબાજુ મૂકાઈ ગઈ હતી. હવે સમય વિતાવવાનો હતો પ્રભુભજનમાં અને દીકરાનાં બાળકોને રમાડવામાં.
પરંતુ હાય રે કિસ્મત..! થોડા જ સમયમાં પુત્રવધૂનું પોત પ્રકાશ્યું. ડોશીની સામાન્ય વાત પણ કચકચ બનીને ખૂંચવા લાગી. મોજશોખથી ટેવાયેલી વહુને સાસુની હાજરીની પણ સૂગ ચડવા લાગી. ડોશી અળખી થતી ગઈ. દીકરો મા ની મમતાને વિસરતો ગયો. અને પત્નીના આંધળા પ્રેમમાં પાગલ બનતો ગયો.
છેવટે એક દિવસ એવો આવ્યો કે દીકરાએ બે વ્યક્તિમાંથી કોઈ એકની જ પસંદગી કરવાની હતી- મા કે પત્ની..?
મમતા હારી ગઈ. ભારે હૈયે ઘર છોડ્યું. દીકરાએ પહેલી અને છેલ્લીવાર મા ને મોટરકારમાં બેસાડી, અને પત્નીના એ કહ્યાગરા કંથે પોતાની જનેતાને હમેશાંને માટે વૃધ્ધાશ્રમના હવાલે છોડી દીધી.
**********
એ કહ્યાગરો કંથ એટલે આ અનિકેત. અને કરમફૂટેલી એ વિધવા મા એ આપણાં આ શાંતાબા.
છેલ્લાં દસ વર્ષોથી વૃધ્ધાશ્રમની 10 × 10 ની એ ઓરડી શાંતાબાનું ઘર હતું. આમ છતાં એક વાતનું સુખ હતું કે "દીકરો તો સુખી છે ને..!" અને ઊંડે ઊંડે એક વાતનો વસવસો પણ ઘોળાયા કરતો હતો કે "દીકરાનાં બાળકોને પોતે રમાડી ના શકી..."
છેલ્લાં દસ વર્ષ પોતાનાં સ્વજનો વિના શાંતાબા માટે દસ યુગો જેવડાં વિત્યાં હતાં. જો કે આશ્રમમાં કોઈ વાતનું દુખ નહોતું. છતાં પોતાનો પરિવાર એ પોતાનો પરિવાર. એ ખોટ શાંતાબાને ક્યારેય પૂરાય એમ નહોતી.
વૃધ્ધાશ્રમમાં આવ્યા બાદ શાંતાબાએ પુત્રવધૂને ક્યારેય જોઈ નહોતી. દીકરો બદલાઈ ચૂક્યો હતો. મળવા માટે માત્ર આવવા ખાતર જ આવતો અને ચાલ્યો જતો. એનાં વર્તન અને વાણી પરથી શાંતાબા ક્યારેય પૂછવાની હિંમત કરી શક્યાં નહોતાં કે "દીકરા, તારે કોઈ સંતાન છે કે નહીં..?"
પરંતુ આજે આથમતી સાંજે એમના માટે જાણે કે સોનાનો સૂરજ ઉગ્યો હતો. પોતાના વ્હાલસોયા પૌત્ર સ્મિતને મળીને તેઓ ભૂતકાળની તમામ મુસીબતોને ભૂલી ગયાં હતાં. એમનું હૈયું દુનિયાભરની ખુશીથી ભરાઈ ગયું હતું. ખાલી ખાલી લાગતું તેમનું જીવન આજે પૌત્રની મસ્તીભરી યાદથી ભર્યુંભાદર્યું બની ગયું હતું.
અચાનક જ ખુશીયોંભર્યા એ વિચારમેળામાંથી એમનું હૈયું ફંગોળાયું. છેલ્લે છેલ્લે અનિકેતનું વર્તન, ઢસડાતા અને છેક સુધી પાછા વળવા ધમપછાડા કરતા પૌત્રનો ઉતરી ગયેલો ચહેરો યાદ આવતાં શાંતાબાનું ઘરડું હ્રદય કારમો આઘાત પામ્યું.
પૌત્ર ત્રણ વર્ષનો થયો છતાં પોતાને એના જન્મની જાણ સુધ્ધાં કરવાની તસ્દીયે દીકરાએ નહોતી લીધી. પોતે વૃધ્ધાશ્રમમાં રહેતાં હતાં એ વાતથી એમને બહુ માઠું નહોતું લાગતું, પરંતુ પૌત્રજન્મની વધામણીથી પણ પોતે બાકાત રહી ગયાં એ વાતનું એમને ખૂબ જ લાગી આવ્યું હતું.
**********
નાનકડો સ્મિત યાદ આવતાં શાંતાબા ફરી પાછાં ભૂતકાળમાં સરી પડ્યાં. એમને પોતાના પુત્ર અનિકેતનું બાળપણ સાંભરી આવ્યું. એની ખુશી-આનંદ માટે એક વિધવા મા એ શું-શું નહોતું કર્યું.! કેટકેટલાં લાડકોડથી ઉછેરીને એને મોટો કર્યો હતો..! એના નાનકડા હાથ પકડીને પા-પા પગલી પાડતાં શીખવ્યું હતું. કેટલો હરખ થયો હતો, જ્યારે નાનકડો અનિકેત પોતાની મેળે ચાલવા માંડ્યો હતો..! એના પપ્પા હયાત હોત તો એ વાત જાણીને એમના હરખ-ખુશીમાં કેટલો વધારો થયો હોત.! આમછતાં પોતે પતિની છબી આગળ જઈને પુત્રની પા-પા પગલીના સમાચાર આપ્યા હતા. અને કંઈ જ ઉત્તર ન મળતાં છાનામાના થોડું રડી પણ લીધું હતું.
એ શહેરમાં પણ રાધાકૃષ્ણનું સુંદર એક મંદિર હતું. નાનકડા અનિકેતને ત્યાં ખૂબ જ ગમતું. પોતે અનિકેતને લઈને દિવસમાં અેકવાર તો અચૂક ત્યાં જતાં.
આજે સાંજે સ્મિતની મસ્તી જોતાં શાંતાબાની નજર આગળ નાનકડો અનિકેત તરી આવ્યો હતો. પૌત્રની જેમ જ પુત્ર પણ મંદિરમાં કેવો દોડાદોડી કરી મૂકતો હતો.! ટોકરી ખખડાવી આવે, નગારું વગાડી આવે, છાનામાના પ્રસાદી ચોરી આવે, અને પછી દોડતો આવીને પોતાની ગોદમાં લપાઈ જતો. પૂજારીબાપા પણ કેટલું હેત વરસાવતા હતા એની પર.! ત્યાં હાજર તમામ દર્શનાર્થીઓ પણ એ નાનકડા અનિકેતની નિર્દોષ મસ્તી પર ઓવારી જતાં. અને એના 'ખેલ' ને જોવા માટે ઘડીભર થંભી જતાં.
એકવાર અનિકેત બિમાર પડ્યો હતો. એનું આખુંયે શરીર તાવમાં ધગધગતું હતું. શ્રાવણની અંધારી રાતે ઘરમાં મા-દીકરો એકલાં જ હતાં. કેટલી અજંપાભરી એ રાત હતી.! આંખનું મટકું માર્યા વિના આખી રાત શાંતાબા પોતાના એકના એક પુત્રની સેવા કરતાં રહ્યાં હતાં. ઈશ્વરને કેટકેટલી અાજીજીઓ કરી હતી..! એ રાત શાંતાબા માટે ચાર યુગો જેવડી થઈ પડી હતી.
બાપ વિનાના એ બાળકને વિધવા મા અે ક્યારેય બાપની ઉણપ સાલવા દીધી નહોતી. અનિકેત માંગે તે પહેલાં તો એ વસ્તુ હાજર થઈ જતી. રમકડાં-કપડાં ના ઢગ કરી દીધા હતા. ખાવાપીવાની કોઈ કમી પડવા દીધી નહોતી. બાગ-બગીચા, મેળા, પિક્નિક, જોવાલાયક સ્થળો વગેરે ફરવા-જોવાનું કંઈ જ બાકી રાખ્યું નહોતું.
અનિકેત મોટો થયો, શાળામાંથી કોલેજમાં આવ્યો હતો. ક્યારેક યુવાન દીકરાને ઘરે આવવામાં મોડું થાય તો શાંતાબાનો જીવ તાળવે ચોંટી જતો. દીકરાને રાતવખત ક્યારેક બહાર જવાનું થાય ત્યારે તેમને આપોઆપ જ ઉજાગરો થઈ જતો.
ઘરમાં દીકરાની વહુ આવશે, એના ઘરે પારણું બંધાશે. એનાં બાળકોને રમાડવાનાં કેટલાં ઓરતાં સજાવ્યાં હતાં.! પુત્રવધૂ ને પોતાની દીકરીની જેમ રાખવાના કેટલા કોડ હૈયે ધર્યા હતા.! એને અપાર પ્રેમ આપવાનાં અને બાળકોને લાડ લડાવવાનાં અગણિત સપનાં સેવ્યાં હતાં.
વૃધ્ધાશ્રમની ઓરડીમાં આડાં પડેલાં શાંતાબાના હૈયામાં તોફાન મચ્યું હતું. વર્ષોથી વેઠેલી વેદનાઓ એમના હૈયાનાં પડળને ચીરવા માંડી હતી. અધૂરી મમતા અને દુ:ખોના ડામ પીગળીને આંખોમાંથી અવિરત વહેતી અશ્રુધારા સ્વરૂપે ઓશીકાને ભીંજવી રહ્યાં હતાં.
જેના માટે પોતાનાં સુખચેનને હોમી દીધાં એ દીકરાને આજે જનેતાનાં સુખચેન વિશે માત્ર પૂછવા ખાતર પૂછવાનોય સમય નથી..? પોતાની પાસે બેસીને સુખદુ:ખની થોડી વાતો કરવાનીયે ફુરસદ નથી.? પોતે ભૂખ્યા રહીને જે દીકરાને સ્વાદથી ભરપૂર ભોજન જમાડ્યાં, એ દીકરાને એવું પૂછવા માટેના શબ્દોય નથી સૂઝતા કે, 'બા તારે શું ખાવું છે..?' વર્ષોથી જેની રાહ જોઈ હતી, જેનાં ઓરતાં હતાં, એ પૌત્ર પાસે બેઘડી મુક્ત મનથી બેસવાની કે એની કાલીઘેલી વાતો સાંભળવાની પણ છૂટ નહીં.???
ધીરજ અને સહનશક્તિના બંધ હવે તૂટવા માંડ્યા હતા. શાંતાબાનું થાકેલું હૈયું રાતના સૂનાપનમાં એક પછી એક કારમા ઘા ખાઈ રહ્યું હતું.
નાનકડો પૌત્ર સ્મિત યાદ આવતાં, અને "મમ્મી મને માલે છે." એ શબ્દોએ શાંતાબાને ધ્રૂસકે-ધ્રૂસકે રડાવી મૂક્યાં.
અરે રે.. આ કૂમળા મનનું બાળક..! એને વહાલ જોઈએ એની જગ્યાએ માર પડે.? કેવો લપાઈ ગયો હતો એ પોતાની ગોદમાં..! મા ની મમતાભરી હૂંફની એને કેટલી તરસ હતી.! આટલી નાનકડી ઉંમરમાં પણ જાણે વર્ષોની કેદમાંથી મુક્ત બન્યો હોય એમ કૃષ્ણમંદિરની ઓસરીમાં કેવો ખિલી ઉઠ્યો હતો એ નાનકડો સ્મિત..!!
દીકરો અનિકેત દિવસભર ધંધે જતો હશે. કામકાજથી કંટાળેલી પુત્રવધૂ પોતાનો ગુસ્સો આ બાળક ઉપર ઉતારતી હશે. માબાપની લાગણી અને પ્રેમ ઝંખતો એ બાળક કોની આગળ ફરિયાદ કરતો હશે..? આખો દિવસ ઘરમાં પૂરાઈ રહેવાનું એને કેમ સહન થતું હશે.? એને લાડ કોણ લડાવતું હશે.? હાલરડાં તો એણે સાંભળ્યાં જ ક્યાંથી હોય.? કૃષ્ણની અને પરિઓની વાર્તાઓ એને કોણ કહેતું હશે.? અરેરે..! શી વીતતી હશે એ બાળક પર..?!
સમી સાંજે શાંતાબાના હ્રદયરૂપી નભમાં ઉગેલો સોનાનો સૂરજ હવે કાળો પડવા માંડ્યો હતો. અને એની ઝાંખપમાં એમનો અંતરાત્મા પણ ધીરેધીરે ઓગળતો જતો હતો.
**********
રાત વીતી ગઈ. કૂકડાની બાંગ સાથે પંખીઓના મીઠા કલરવથી આખોય વૃધ્ધાશ્રમ ગૂંજી ઉઠ્યો હતો. દૂર ઉડી જવાની તૈયારીઓ કરતાં માવતર પંખીઓ જાણે કે બચ્ચાંઓને શીખામણ આપી રહ્યાં હતાં કે "માળાની બહાર ના નીકળતાં. ઉછળકૂદ કરતાં નહીં. બિલ્લીમાસી અને બાજકાકાથી સાવધાન રહેજો.." તો વળી બચ્ચાંઓ પણ ફરિયાદ કરતાં હોય એમ કહી રહ્યાં હતાં કે "બા-બાપુજી, તમારા વિના અમને ફાવતું નથી.. આખોય દિવસ બીક લાગ્યા કરે છે.. મા નો ખોળો યાદ આવે છે.. બાપુજીનું વહાલ સાંભરે છે.. આમ ક્યાં સુધી અમને એકલાં રાખશો..?"
ઉગમણે આભમાં સૂરજદેવ પણ સાતેય અશ્વો પલાણેલા પોતાના રથ ઉપર બેસીને આકાશયાત્રા આરંભવાની તૈયારી કરી રહ્યા હતા. ઉષાદેવીએ કુમકુમથી શુભવિદાય-તિલક કરીને છાંટણાં નાંખતાં આકાશ પણ લાલઘૂમ બની ગયું હતું. અને સૂર્યદેવનો સોનેરી રથ હમણાં જ નીકળ્યો કે નીકળશે એવી અધીરાઈમાં સૃષ્ટિ જાણે કે ઊંચીનીચી થઈ રહી હતી.
આશ્રમવાસીઓમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. રાધાકૃષ્ણ મંદિરમાં પૂજા થઈ ગઈ હોવા છતાં ઝાલર-ઘંટ-નગારાનો રવ હજુપણ આખાયે વાતાવરણમાં ગૂંજી રહ્યો હતો.
તમામ આશ્રમવાસીઓ નિત્યક્રમ મુજબ હવે મોર્નિગવૉક માટે ભેગાં થવા માંડ્યાં હતાં. બધાં જ આવી ગયા બાદ "હવે કોઈ રહી તો નથી ગયું ને.!" એવી ખાતરી કરવા માટે કોઈએ બૂમ મારી. ત્યાં જ સૌની નજરને એક ખાલીપો ખટક્યો- શાંતાબા..???
"અરે.! શાંતાબા નથી આવ્યાં.? ક્યાં ગયાં.?"
"એ તો આરતીમાં પણ નહોતાં."
"હેં.? કંઈ સાજાં-માંદા તો નથી ને.?"
"ના ના, કાલે મોડી રાત સુધી તો સાવ સાજાં હતાં."
"અરે, કોઈ એમની રૂમમાં તો જોઈ આવો..!"
"હા, હા, હું જોઈ આવું છું." એમ કહેતાં શાંતાબાનાં એક સહેલી તેમની ઓરડી તરફ ઉપડ્યાં. બાકીનાં બધાં અટકળો દોડાવતાં ઊભાં હતાં.
ત્યાં તો અચાનક બૂમ પડી, "અરેરે.. દોડજો.. દોડજો.. શાંતાબા તો.... - "
હૂડૂડૂડડડ કરતાં સૌ પહોંચ્યાં તેમની ઓરડી આગળ. એક-બે જણે અંદર જઈને તપાસ કરી તો ખબર પડી કે શાંતાબા સ્થિર થઈ ગયાં હતાં. એમનું પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું.
શું બન્યું એ કોઈને સમજાયું જ નહીં. સૌના ચહેરા પર ગમગીની અને હૈયામાં હાયકારો હતાં. કોઇ કહે એટેક આવ્યો હશે.. તો કોઈ કહે ઉંમરને કારણે કંઈક થયું હશે. ત્યાં હાજર તમામે પોતપોતાની રીતે અટકળો દોડાવી.
કોઈએ અનિકેતને ફોન કરીને જાણ કરી. તે આવ્યો. આવીને દૂર ઊભો રહ્યો. બધાંને એમ હતું કે હમણાં પોક મુકીને રડી પડશે.
પરંતુ સૌની ધારણા ખોટી પડી. તેણે પેન્ટના ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. હજાર હજારની પાંચ નોટો કાઢીને બાજુમાં ઊભેલા એક બૂજુર્ગના હાથમાં પકડાવતાં બોલ્યો, "લ્યો દાદા, બા માટે જે વિધિ કરવાની હોય તે કરી દેજો ને..! મારે જરૂરી મીટીંગ છે. હું જાઉં.." કહીને ફટાફટ નીકળી ગયો.
હવે શું..???
કોઈએ કશું જ કહેવા જેવું રહ્યું જ નહીં. પાસેના એક સ્મશાનમાં શાંતાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
**********
શાંતાબાનો દેહ પંચમહાભૂતોમાં વિલિન થઈ ચૂક્યો હતો. આખી જીંદગી મુશ્કેલીઓ અને દુ:ખો સામે એકલે હાથે ઝઝૂમનાર શાંતાબા આજે પોત્રપ્રાપ્તિની એક ખુશી સામે હારી ગયાં હતાં. પોતાના પૌત્ર સ્મિતને પામવાનો હરખ મેળવીને તેઓ તમામ આશ્રમવાસીઓની આંખોમાં આંસુ છોડી ગયાં હતાં.
આપ્તજનોથી તરછોડાયેલાં શાંતાબાને આજે ઈશ્વરે અપનાવી લીધાં હતાં. સૌપ્રથમ જેની ચહલપહલથી આખો આશ્રમ જાગી ઉઠતો એવાં શાંતાબા ઘડપણમાં વાગેલો ઘા જીરવી ન શકતાં, હમેશાં હમેશાંને માટે શાંત થઈ ગયાં હતાં.
(સંપૂર્ણ)
********************
- "નિસર્ગ" 🍁🍁🍁