સોફા પર પડેલા ફોનની રિંગ વાગી અને મહેશે ફોન ઉઠાવ્યો, "હા ફઈ બોલો."
"મહેશ અમે આવીયે છીએ મહેમાનને લઈને" ફઈએ ફોન પર જવાબ આપ્યો.
"હા આવો, અમે ઘરે જ છીએ." કહી તેણે ફોન મૂકતા ઘરે જાણ કરી કે "રાધિકાને જોવા માટે મહેમાન આવે છે" અને અમિતાને કહ્યું કે "તેને તૈય્યાર રાખજે હું મહેમાન માટે નાસ્તાની વ્યવસ્થા કરું છું."
મન ના હોવા છતાં રાધિકા અમિતાના એકવાર કહેવાથી તૈય્યાર થઈ ગઈ. રાધિકા હવે પોતાના મનને સમજાવી બેઠી કે રાકેશને ભૂલી જવો અને એક કારણ આ પણ હતું કે લગન માટે મન હોય કે ના હોય અમિતાના એકવાર કહેવા પર તે તૈય્યાર થઈ ગઈ. લોકોમાં બે મત થઈ ગયા. કોઈક આને સારુ કહેવા લાગ્યું તો કેટલાંક લોકો બસ વિચારમાં જ હતા કે મહેશે યોગ્ય દિશા નથી પકડી. હવે તેઓ કરે પણ શું? પારકે ઘેર પોતાનો એક્કો થોડો ચાલવાનો? વનિતા કે રાધિકા બન્ને ખુશ ન્હોતા.
થોડી વારમાં તેના ઘરે મહેમાન આવી પહોંચ્યા અને આખીય શેરી આ બધું જોવા લાગી. રસિલા મીટ માંડીને બેસી ગઈ કે શું થવાનું છે? જોવામાં મોટાઘરના લાગતા હતા. મયુર પણ સારો દેખાતો હતો, એક સારોએવો માણસ જણાતો હતો. ફોરવીલર લઈને આવેલા ને સારો એવો વટ જમાવી દિધો. ઓછામાં કાંઈ બાકી રહેતું એ ફઈ પોતાના મસ્કા લગાવી ને વાતો કરી પૂરું કરી દેતા. મહેશે તો સીધી 'હા' જ ભણી. પણ વનિતાએ મયુરના ઘેર જઈ જોવાનું અને પછી જવાબ આપશે એવી વાત કરી દીધી. ફઈનું મોં બગડ્યું પણ મયુરના ઘરના લોકોએ નારાજગી ના બતાવી. બીજા દિવસે તેઓ મયુરના ઘરે ગયા. સારો ફ્લેટ હતો તેનો, ઘરની ગાડી અને પોતે સોફ્ટવેર એન્જિનિયર. ઘરમાં પ્રવેશ કરતાં જ ફઈએ ઘરના વખાણ કરવાના શરૂ કરી દીધા, "અરે વનિતા આ જોતો ખરી. મારી વાત પર ભરોસો નઈ તને. કેવડું મોટું ઘર છે. કોઈ તાણ સે ખરી? ને એકલું રે'વાનું એને. ઘરવાળા તો આંય રેવાનાં નથ. રે તારી છોડીને દુઃખ નઈ આંયાં કહી દઉં સુ. મોટરમાં ફેરવવાનો તારી રાધડીને."
"તમે ક્યાં નોકરી કરો છો?" મહેશે મયુરને પૂછ્યું.
"હું નોકરી નથી કરતો. મારી પોતાની ઓફિસ છે, હું જાતે જ ચલાવું છું."
તેને આશ્વર્ય થયું, "પણ ફઈ તો કે'તા 'તા કે તમે કોઈની જોડે કામ કરો છો!"
"હા એ સાચું છે. હકીકતમાં હું અહીંનું કામ ઓછું કરું છું ને ફોરેઈનનું કામ વધારે રહે છે. એટલે મલ્ટિનેશન કંપની છે એસ.એમ.ડિજિટલ તેની અન્ડર કામ કરું છું."
"નામ તો કશેક સાંભળેલું લાગે છે, કોની કંપની છે?"
"શ્વેતા સોની તેના માલિક છે. અમારા બોસ, શ્વેતા મેડમ." મયુરે જાણ કરી.
બધું જાણી તેઓને સારું લાગ્યું. મહેશને પણ એક વાતથી સંતોષ થયો કે માણસો આપડી બરાબરીના છે. મહેશને મન નાના અને મોટા પૈસાથી ઓળખાતા. મોટા પૈસે મોટો માણસ ને થોડા પૈસે નાનો. નાની ઉમ્મરમાં કામ પર વળગેલા મહેશને પૈસા સિવાય કશું ખાસ ન લાગતું. તેણે કહી દીધું," અમારા તરફથી તમે હા સમજો. કેમ મમ્મી?" તો વનિતાએ પરાણે, પણ 'હા' જ કહી. રાધિકાની તો ઈચ્છા પણ પૂછવામાં ન આવી. આમેય રાધિકાની હિમ્મત તો વધી નહોતી કે કોઈ સામે આવા વિષય પર વાત કરે.
મયુરે આ જોયું અને તેણે રાધિકા સાથે એક વખત વાત કરી લેવાનો પ્રસ્તાવ મુક્યો. એકાંતમાં વાત કરતાં તેણે રાધિકાને એની સહમતી પૂછી. રાધિકા કોઈને કહી શકે તેમ નહોતી. લગન માટે ના કહેવાનો તો સવાલ જ નહોતો પણ તેની સામે થોડી હિમ્મત કરી તેણે કહી દીધું કે તે માસ્ટરમાં છે ને તેની ડિગ્રી પુરી કરી પછી લગન કરશે. મયુરે હસતા મોઢે તેને માન્ય કરી બન્નેએ નક્કી કર્યું કે રાધિકાની ડિગ્રી પતે પછી લગન કરવા.
તે સમયે કોઈ બીજી વાત ના થઈ. બધા ઘરે આવી ગયા એટલે ખુશ હતા. રસિલા દોડતી આવીને પૂછવા લાગી, "કેમ વનિતાબેન શું થયું? છોકરો જોવામાં તો સારો લાગતો 'તો. તમારું ધ્યાન પડ્યું કે?"
" અમારું ધ્યાન તો પડ્યું છે, પણ હવે એ લોકોના જવાબની રાહે છીએ."
થોડીવારમાં મયુરના પપ્પાનો ફોન આવ્યો ને તેણે મહેશને જાણ કરી, "અમારા તરફથી તો હા છે. પણ લગન રાધિકાની ડિગ્રી પુરી થાય પછી કરીશું."
મહેશે તુરંત જવાબ વાળી દીધો, "અરે! ના ના કાકા, અમને કશો વાંધો નથી અને રાધિકાને પણ કશો વાંધો નથી. તમારી ઈચ્છા મુજબ તારીખ કઢાવી લ્યો."
"પણ આ વાત તો અમને રાધિકાએ જ કરી કે તે ડિગ્રી પુરી કરીને લગન કરશે અને હા, જો એની ઈચ્છા હોય તો આપણે સગાઈ પણ તે ભણીલે પછી જ કરીયે."
"ના એવું કશું નથી. આપણે સગાઈનું કામ પતાવી દઈએ અને લગનનું પછી વિચારશું."
"ઠીક છે તો જેવી તમારી મરજી. અમે મુહૂર્ત જોવરાવી લઈએ"
ફોન મુકવાની સાથે જ મહેશના મનમાં ગુસ્સો ભરાણો ને મોં લાલ થઈ ગયું. "શું થયું? શું કીધું તેણે?" વનિતાએ પૂછ્યું. ગુસ્સા સાથે તેણે જવાબ આપ્યો, " ક્યાં છે રાધિકા?"
"પણ થયું શું? તે લોકોએ શું કીધું?" વનિતાએ ફરી પૂછ્યું એટલામાં રાધિકા બહાર આવી.
"આ તમારી લાડલીને જ પૂછોને શું થયું તે?" મહેશનો ગુસ્સો વધતો જતો હતો. તો રાધિકા હજુ નિર્દોષ નજરે જોઈ રહી. જેમ મહેશના ચેહરા પર ગુસ્સો વધતો તેમ તેની આંખોમાં ડર વધતો. તે કશું જ ના બોલી.
"પણ એ તો કે' થયું છે શું?" વનિતાએ ફરી પૂછ્યું.
"આ તમારી લાડલી ત્યાં એમ કહીને આવી કે પેલા ભણશે અને પછી બધું કરશે. સાંભળ એય..., તારે જે કરવું હોય તે કર. પણ વધારે ડાપણ નઈ, સમજી. લગન કરીલે ને આ ભણવાનું ભૂત મનમાંથી કાઢી નાખજે."
વનિતા તેનો પક્ષ લેતા બોલી " મહેશ એની ભણવાની ઈચ્છા છે તો ભણવા દેને. આપણે લગનનું પછી કરીશું."
"બસ મમ્મી, તું હવે એની સાઈડ લેવાનું બંધ કર. શું ઉકાળ્યું ભણીને જોયુંને તે? જે તારા મનમાં હોયને ઈ જાતે સમજીને કાઢી નાખજે અને હવે જેમ હું કહુંને એમ જ થાશે." રાધિકા કાશુના બોલી અને ચુપચાપ આંખોમાંથી આંસુ વહાવી દીધા.
તે ફરી ગુસ્સે ભરાયો ને હાથ ઉંચકતાની સાથે તેની તરફ દોડ્યો, "અરે સમજી કે નાખું એક. બંધ કર રડવાનું." અચાનક દોડતા ભાઈને જોઈ તે ધ્રુજી ઉઠી. તે મારી ના શક્યો અને રાધિકા દોડતી પોતાની રૂમમાં જતી રહી. આખી રાત વનિતા અનિંદ્રામાં વિચારતી રહી, " શું ખામી રહી ગઈ કે બન્ને ભાઈ-બહેન આટલા બદલાઈ ગયા? રાધિકા તો અણસમજુ છે, પણ મહેશ ક્યારથી બદલાઈ ગયો? તેને મન બીજા લોકો નાના ક્યારથી થઈ ગયા એ સમજ જ ના પડી. એવું તે શું કરી દીધું? કે લગન પછી પોતાની બહેનનો વ્હાલ એના મનમાંથી જ જતો રહ્યો!" તેને મનમાં જાત જાતના વિચાર આવવા લાગ્યા. અંતે પોતાના મનને સમજાવી તેને શાંત કર્યું. તેણે વિચાર પકડ્યો કે મયુરના ઘેર જઈ રાધિકાને પોતાનુ સ્વામાન તો કદાચ પાછું મળશે અને આ જ ભોળપમાં તેણે આ લગનનો પ્રસ્તાવ મંજુર કરેલો.
મુહૂર્ત જોવરાવવા માટે વનિતા અને મહેશ બન્ને મયુરના ઘરે ગયેલા. બ્રાહ્મણે મુહૂર્ત કાઢ્યું અને એક અઠવાડીયા પછી રવિવારના દિવસે સગાઈ કરવાનું નક્કી થયું. સાથો સાથ મહેશે બ્રાહ્મણને પૂછી લીધું, "દેવ જરા કુંડળી જોઈને એ પણ જણાવી દિયોને કે લગન ક્યારે લઈ શકાય તેમ છે?"
મયુરના પપ્પાને આશ્વર્ય થયું, "અરે પણ આટલી શું ઉતાવળ છે? આપણી વાત તો થઈ કે રાધિકા પેલા ભણીલે!"
વનિતાએ વાત વાળી," તમારી વાત તો સાચી છે ધીરુભાઈ જોકે અમારી પણ એવી જ ઈચ્છા છે કે તે પેલા ભણી લે. પણ લગન કરવામા વાંધો પણ શું છે? એતો પછીએ ભણી શકે છે."
મયુરે આ વાતથી વાંધો ઊભો કર્યો, " તમે લોકો સમજ્યા નહિ. પ્રોબ્લેમ કશું નથી એ હું માનું છું, પણ લગન કરવાથી તેને ડિસ્ટર્બ થશે અને તે બરાબર અભ્યાસ નહિ કરી શકે."
તો મહેશે કહ્યું, " એતો છે પણ ભણ્યા પછી તેને ક્યાં નોકરી કરવાની છે? તો અમને કશો પ્રૉબ્લેમ નથી."
"હા પણ એ મન મારીને લગન કરે એ મને બરોબર નથી લાગતું. છતાં આપણે સગાઈ તો કરીયે છીએ અને લગન થોડાં મોડા થાય તો શું ફેર પાડવાનો છે?" મયુરની આ વાતનો કોઈ વિરોધ ના કરી શક્યા. લગન મોડા થશે પણ સગાઈ આવતાં રવિવારે નક્કી થઈ ગઈ. સમાચાર સાંભળતા જ રસિલાએ રાધિકાને બોલાવી આશીર્વાદ દીધા. બન્ને પરિવારે તૈય્યારી શરૂ કરી દીધી. કપડાં-દાગીના, આ - તે દરેકમાં મયુરની સાથે રાધિકા જતી અને તેની સાથે નંદિની.
મયુરને મન રાધિકાએ ઘર કરી લીધું અને પહેલી વાર તેને જોઈ, ત્યારથી જ તેને પસંદ આવી ગયેલી. તે પણ તેવો જ હોંશિયાર હતો જેવો રાકેશ. તેના સમોવડીયો. તે જેટલીવાર રાધિકા સામે જુવે તેને પ્રશ્ન થતો કે, "કેમ તે બીજા વિચારોમાં ખોવાયેલી દેખાય છે? બેધ્યાન હોય તેવું કેમ લાગે છે?" તેણે ઘણી વખત વાતોમાં તેને પૂછતો, કે "સંબંધથી તેને કશો બાંધો તો નથીને?" પણ તે "એવું કાઈં નથી" એમ કહી તેની શંકાને નકારી દેતી. ખરીદી કરતા કરતાં થાકેલા તે બન્નેને લઈ મયુર એક આઈસ્ક્રીમ પાર્લરમાં ગયો. રાધિકા અને નંદિની ટેબલ પરથી જ બહાર જતાં રહેલાં. મયુર બિલ ભરવા કાઉન્ટર પર પહોંચ્યો. ત્યાં હિતેશ બેઠેલો, તેણે બિલ બનાવતા તેને પૂછ્યું," શું નામ છે તમારું?"
"મયુર પાનસુરીયા"
"ઓકે અને... પેલા બહાર જતા રહ્યા તે તમારે શું થાય?"
"કેમ? તેનું પણ નામ લખવું પડશે?" મયુરે હસતા હસતા પૂછ્યું.
હિતેશે જવાબ આપ્યો, "ના સર, એવું નથી. એક્ચ્યુલી અમે થોડા સમય પહેલા રામનંદનમાં જ રહેતા હતા. તે રાધિકા અને નંદિની છે ને?"
"હા. એ જ છે અને એ પણ તમને ઓળખતા જ હશેને! હું તેને બોલવું છું."
"ના એની કોઈ જરૂર નથી. ચાલશે, પણ તમે?"
"જી! મારું નામ મયુર છે. રાધિકાસ ફ્યુચર ફિયોન્સ."
"ઓહ...! કોન્ગ્રેચ્યુલેશન. ક્યારે એન્ગેજમેન્ટ ગોઠવી છે?"
"આવતા રવિવારે."
"સારી ચોઈસ છે." હિતેશે રાધિકા સામે ઈશારો કરતા કહ્યું. "મારા તરફથી આજ માટે તમને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ"
"થેન્ક્સ. આ પાર્લર તમારું છે?"
"હા, આ અમારું છે."
"નાઈસ. તો તો હવે અમારા લગન માટે તમને જ ઓર્ડર આપવો પડશેને!" આટલું કહી બિલ ભરી મયુર હસતા મુખે ત્યાંથી નીકળી ગયો અને હિતેશ એ ત્રણેયને જતાં જોવા લાગ્યો. બેધ્યાન રાધિકાને ખબર જ ના રહી કે તે હિતેશને ત્યાં આવી છે અને એ વાતથી દરેક અજાણ છે કે હિતેશ રાકેશનો દોસ્ત બની ગયો છે અને હવે બન્ને સાથે જ હોય છે. હિતેશ દરેક પરિસ્થિતિને જોતો રહ્યો અને તેની નજર મયુર સાથે ગાડીમાં બેસીને જતી બન્ને સહેલી તરફ હતી.