અમાપ અંતર
થીએટરની અંદર સીટનો આર્મરેસ્ટ હોઈ હોઈને કેટલો પહોળો હોય? અમારા બંનેની કોણીનાં હાડકાંનો અમે સ્પર્શ અનુભવી શકીએ એટલાં તો અમે જોડાજોડ બેઠેલાં. આરામથી એકબીજા તરફ લળીને. અમારા ખભાઓ એટલા નજીક હતા કે બંનેના ટીશર્ટની બાંયનો સ્પર્શ અમે અનુભવી શકતાં હતાં. મારો હાથ તેના હડપચી ટેકવેલ કાંડાં અને કોણી વચ્ચેથી નીકળી તેના એ વાળની રૂવાંટીને સ્પર્શતો એનાં કાંડાંને વીંટળાતો હતો. બે સીટ વચ્ચેનું પાર્ટીશન એ જ અમારા વચ્ચેનો અંતરપટ હતો.
આર્મરેસ્ટ અનેક લોકોના પરસેવા, પોપકોર્નની વાસ અને તેલનો પોલીશ પામી ચુકેલો. કઈં કેટલાયે હસ્તમેળાપ આ આર્મરેસ્ટે જોયા, અનુભવ્યા હશે. અમારો અનુભવ જરા નોખો હતો.
આર્મરેસ્ટથી નીચે ઉતરતાં અમારાં ટાઈટ બ્લ્યુ જીન્સમાં કેદ અમારી સાથળો અડકતી હતી. ધ્યાનથી સાંભળીએ કે જોઈએ તો ઘણીખરી કોર્નર સીટો પર અત્યારે કપડાં કે હથેળીઓનો ફરકાટ ખ્યાલ ન આવે તેમ અનુભવાતો હશે.
ફિલ્મના પડદા પરથી આછી ભૂરી લાઈટ પડતી હતી. અમારા હાથપગનાં હાડકાંના સાંધા, કાંડાંનાં હાડકાં, ગાલનો ઉપસેલો ભાગ- બધું જ ભૂરું લાગતું હતું. મેં તેની તરફ જોયું. તે કોઈ આરસના સ્ટેચ્યુ જેવો લાગતો હતો. મેં અંધારામાં દૃષ્ટિ ઠેરવી જોયું. અમે બેય ચંદ્રપ્રકાશમાં નહાઈ રહેલાં આરસનાં સ્ટેચ્યુ જ લાગતાં હતાં. મારું શરીર બ્લ્યુ લાઈટ પડતાં ચમકતું હતું. તે એ જોતો હતો? ના.
તેનું સંપૂર્ણ ધ્યાન પડદા પર ચાલતી ફિલ્મમાં હતું.
અમે સાથે ફિલ્મ જોવા આવવાનું નક્કી કરેલું. તેણે જ પ્રસ્તાવ મુકેલો અને મને એ સ્વીકારવો ગમેલો. હું તેની જોડાજોડ બેઠેલી. હું હજી વધુ નજીક સરકી. તેને મેં હળવો સ્પર્શ કર્યો પણ ખરો. તેને ખ્યાલ ન આવ્યો કે તેણે ખ્યાલ ન આવવાનો ડોળ કર્યો? તે બહાર તરફ થોડો ખસ્યો.
હું તેના સ્પર્શ માટે આતુર થઈ ચુકી હતી. અમે એકદમ નજીકથી ક્યારેય એકબીજાને સ્પર્શ્યાં છીએ? હા. યાદ આવ્યું. કોલેજની લોબીની ગીર્દીમાં રસ્તો કરવા મેં તેના ખભા પર અત્યંત હળવો સ્પર્શ કરેલો. મારાં આંગળાંનાં ટેરવાં તેના શર્ટનાં કપડાંને અડે એટલો હળવેથી. મેં માત્ર એક વખત તેમ કર્યું. તેણે હળવી નજર મારી તરફ ફેરવી. માત્ર આંખોથી હસી તે આગળ ચાલવા લાગેલો. તે પછી એક પાર્ટીમાં સહુ યુવાન હૈયાં હિલોળે ચડેલાં ત્યારે હું તેની નજીક ગયેલી. કેટલાંક તો જાણી જોઈ સામસામે ટકરાતાં હતાં. હું તેના શરીરનો બાંધો કેવો છે તેનો ક્યાસ કાઢવા જ તો તેની સામે જઈ ઉભી રહી, હળવેથી તેને ઘસાઈને પસાર થઇ. તેનાં હાડકાંઓનો, ખાસ માંસલ નહીં તેવા સ્નાયુઓ અને તેની પીઠનો મને સ્પર્શ થયેલો. માદક ડીમલાઇટમાં તે હળવેથી બાજુમાંથી પસાર થયો, બીજે ક્યાંક જોતાં મારા સ્લીવલેસ બાહુ પર તેનો હાથ પડયો. તેણે મારી આંખમાં દ્રષ્ટિ કરી. હું હળવું સ્મિત આપી રહી. તેણે ભાગ્યે જ ખ્યાલ આવે એવું આછું સ્મિત આપ્યું અને એમ જ હવામાં જોતો આગળ નીકળી ગયો. પણ એનું એ આછા પ્રકાશમાં કરેલું આછું સ્મિત મારી અંદર ઊંડો છરકો કરી ગયું હતું.
અત્યારે તેણે પડદા પર નજર ખોડેલી રાખી હાથની મુઠ્ઠીઓ તંગ કરી આંગળાં ફરી વિસ્તાર્યાં. મેં પણ, તે શું અનુભવતો હશે તે જોવા મારાં આંગળાંઓની એવી જ ક્રિયા કરી. મારા મોજાંમાં પગનાં આંગળામાં પણ બે આંગળીઓ વચ્ચે કાપડનો જે મુલાયમ સ્પર્શ તેને જુદી પડી રહેલો એ અનુભવ્યું. ‘પાસપાસે તોયે કેટલા જોજન?’ મારી આંગળીઓના સાંધા વાળતાં ઘૂંટણો યાદ આવ્યાં અને ઘુટણો સામે જોતાં આંગળાંના સાંધા યાદ આવ્યા. વચ્ચેની જગ્યા બેય આંગળાંને દૂર રાખે છે પણ બેય નજીકનજીક છે, એક બીજાનું હોવું અનુભવી શકે છે તેમ છતાં પણ દુરનાં દૂર. અમારી પણ આવી જ સ્થિતિ હતી?
અંધારાં થિએટરમાં બે સીટ વચ્ચેના આર્મરેસ્ટનું અંતર કેટલું? તેને મળવા મારે અર્ધું અંતર કાપવું પડે, તેને મને મળવા બીજું અર્ધું અંતર કાપવું પડે. અર્ધું એટલે કેટલું? પહેલાં હું થોડું એની તરફ જાઉં, પછી તે સહેજ મારી તરફ સરકે, અર્ધાનું અર્ધું અંતર કપાયું. ફરી થોડું હું સરકું, થોડું તે સરકે. એમ આ અંતર કપાય.
જિંદગીમાં પણ આમ જ બે વ્યક્તિ વચ્ચેનું અંતર કપાય છે. 'દો કદમ હમ ભી ચલે, દો કદમ તુમ ભી ચલો..'
હં. એટલે એક તરફી ગતિથી અમારી વચ્ચેનું અંતર કાપવું અશક્ય છે. હું અર્ધે જઈ શકું, અર્ધું અંતર તો તેણે જ કાપવું રહ્યું.
ફરી હું મનોમન કોલેજની પાર્ટીમાં પહોંચી ગઈ. તે ચાલતોચાલતો પોર્ચમાં જવા લાગ્યો. હું તેની પાછળ જતી હતી. આસપાસ સંપૂર્ણ અંધારું હતું. તે આકાશમાં દ્રષ્ટિ માંડી ઉભો રહેલો. શું જોતો હશે? કોઈ ગ્રહોનું મિલન, કદાચ આકાશગંગા, કોઈ ખરતો તારો? તે જો ખરતો તારો જુએ તો શું માંગે? હું શું માંગુ? હું શરમાઈ ગઈ. આસપાસ કોઈ નહોતું. હું પાર્ટીમાંના લોકોને લાગે કે પાર્ટીમાં છું અને બહાર લાગે કે બહાર છું તેમ મારું અગ્ર શરીર અંધારામાં અને મારી પીઠ પૂર્ણ ઉજાસમાં અંદર તરફ રહે તેમ બારણામાં ઉભી તેને આકાશમાં નીરખતો નીરખતી ઉભી રહી. એ વખતે હું તેની પાસે જઈ તેને ખભે હાથ મૂકી ઉભી કઇંક તેના કાનમાં બોલું તો તે સ્વાભાવિક ગણાય. તો હું રાહ શેની જોઉં છું? મેં નજીક જઈ તેને ખભે હાથ મુક્યો. તેણે મારી તરફ જોયું. રાત્રીના મંદ પવનની એક ઠંડી લહેરખી આવી ગઈ. મારા વાળની લટ ઉડાડતી ગઈ. તે હસ્યો.
“બધા સાથે ડાન્સ નથી કરવો? અહીં એકલો ઉભો છે તે!” પહેલ મેં જ કરી.
“બસ. એમ જ. ઠંડી હવા માણી લેવા સહેજ બહાર આવ્યો. તમે?”
“થોડીવાર માટે. બસ એમ જ. બહાર સરસ આકાશ છે નહીં?” મેં વાત શરુ કરી.
“હા. અને પાર્ટી મસ્ત જામી છે. અંદર પણ એક અલગ રંગ જામ્યો છે. ખરુંને?”
તે કઇંક બોલ્યો ખરો. તેને કઈંક રસ જેવું છે ખરું.
“તો તું કેમ તેમાં રંગાતો નથી? ચાલ, આપણે પણ ડાન્સમાં જોડાઈએ.” મેં કદાચ વધુ પડતું લાગે તો પણ કહ્યું.
હવે એનો હાથ મારા હાથને સ્પર્શવો અને મારી સાથે ચાલતાં મારા સાથળો સાથે હળવેહળવે અથડાવો પણ સ્વાભાવિક હતું. ડાન્સમાં જોડાઈ સંગીત સાથે ઝૂમતાં ઝૂમતાં મારો હાથ તેના ખભે મુકવો અને તેનો હાથ મારી કમરે વીંટળાવો પણ એટલું જ સ્વાભાવિક હતું.
સાથી મળે એટલે અમાપ અંતરનું ઓગળી જવું સ્વાભાવિક છે.
પાર્ટી બાદ અમે બે મિત્રો કરે એવી ખાલી કરવા ખાતરની વાતો કરતાં અંધારાંમાં સાથે ચાલતાં નીકળ્યાં. એ વખતે અમારું નજીક રહેવું અને અમારા હાથમાં હાથ મળવા મને સ્વાભાવિક લાગ્યું. ગમ્યું.
આજે અમે લાયબ્રેરીમાં બુક્સ શોધતાં ફરી સામસામે આવી ગયાં. બે બુકશેલ્ફ વચ્ચેનાં એકાંતમાં એકમેકની સાવ નજીક ઉભી ગયાં. બંનેનું સ્મિત સામેની વ્યક્તિને ખુશીથી રોમાંચિત કરી ગયું. એમાં આજે એણે જ કહ્યું કે … હીરોઈનની લેટેસ્ટ મુવી આવી છે.
“ હું તો તેનો ફેન છું.” તેણે કહ્યું.
“ હું પણ. મેં … ફિલ્મ બે વાર જોયેલી.” મેં કહ્યું.
અમે બન્ને સાથે બોલી ઉઠ્યાં - ”આવવું છે આજે?”
હું રોમાંચિત થઇ ઉઠી. હવે બે કલાક અંધારું અને વસ્તી વચ્ચે એકાંત. એ એકાંતમાં અમે બે.
અમે કોર્નર સીટ જ લીધેલી.
અમે સાથે ફિલ્મ જોવી શરૂ કરી. તે કેમ કોઈ હરકત કરતો નથી? તેના પગ મારા પગની એકદમ નજીક છે. હાથ પણ આવશે. ‘અર્ધું અંતર હું કાપું, અર્ધું એ.’ મેં ફરી મનમાં કહ્યું. પણ એ અંતર કપાતું જ ન હતું.
મેં હળવેથી મારો હાથ તેની સાથળ પર મુક્યો. તેણે હળવે રહી આખરે મારા હાથને પોતાનો હાથ અડાડી રાખ્યો. અમે અમારા હાથ ક્રોસ કરી એકબીજાની સાથળ પર મુક્યા. અમારી હથેળીઓ સાથીના પગનું માંસલપણું અને હથેળીની સુંવાળપ બન્ને એક સાથે અનુભવી રહી. મેં થોડી રમત કરતાં મારાં નાજુક આંગળાંઓ તેનાં લાંબાં આંગળાંઓમાં પરોવી દીધાં. હવે મારા હાથમાં એનો હાથ હતો. અમારા વચ્ચે અમાપ અંતર.
તેનું સંપૂર્ણ ધ્યાન પડદા પર તે હિરોઈન તરફ હતું. એવો સીન આવ્યો કે તે હિરોઈનનો પતિ અને પુત્રી ભયાનક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે. મેં તેની તરફ જોયું. તેની ભમરો તંગ બની ગઈ હતી. તેના હોઠ પણ હિરોઈનને પડદા પર આક્રંદ કરતી જોઈ ધ્રુજવા લાગેલા. તે ઉદાસ બની ગયો. પછી સ્ટોરી આગળ વધી. પોલીસ, હિરોઈનને ત્રાસ આપે અને એવું આવ્યું. તેની મુખમુદ્રા તંગ બની ગઈ. આંખો જાણે ગુસ્સાથી પહોળી થઇ ગઈ. તેની આંગળીઓ વધુ ભીડાઈ. મારી આંગળીઓ પર દબાણ આવવા લાગ્યું. પણ તેમાં રોમાન્સ ન હતો. કોઈ સીન આવ્યો અને તેની હથેળીઓ સાથળ પર જોરથી દબાઈ. તે એકદમ ટટ્ટાર થઇ ડોક આગળ કરી ફિલ્મ જોવા લાગ્યો.
હિરોઈન એક દીવાલ પાસેથી પસાર થતી બગીચામાં ફરતાં ઉદાસીભર્યું ગીત ગાવા લાગી. હિરોઈન ગુલાબના છોડ પાસેથી પસાર થઈ. તેના પગમાં કાંટો વાગી લોહી નીકળ્યું. આ જોઈ તેનાં આંગળાંઓની મુઠ્ઠી ભીડાઈ. તે આંખોના ડોળા પહોળા કરી પડદા પર જોઈ રહ્યો. હિરોઈનને કોઈ દુઃખ પડતો સીન આવ્યો. કોર્ટમાં તેનો તિરસ્કાર કે એવો. તે રડમસ થઇ ઉઠયો .
તેનો હાથ હજી મને સ્પર્શી રહ્યો છે. તંગ મુઠી વળેલા હાથ પર મારી મુલાયમ હથેળી મુકવાથી તેને સાંત્વના મળશે એમ લાગતાં મેં મારી હથેળી તેની મુઠ્ઠી પર હળવેથી ફેરવી. એને દુઃખ થતું હોય તો હું શેર કરતી ન હતી. મને જરાય દુઃખ થતું નહોતું. હું બે કલાક એની સાથે એકાંત માણવા જ આવેલી. હું ફિલ્મ જોતી જરૂર હતી. પણ ધ્યાન તેનામાં હતું. મેં ક્યાં કોઈ નહીં ને આ પિક્ચરનો વિચાર કર્યો અને તેની સાથે આવવા હા પાડી?
કોઈ સ્ત્રી સ્પર્શે ત્યારે તે પોતાનાં સંપૂર્ણ અસ્તિત્વની હાજરી પુરાવતી હોય છે. પોતે સામેની વ્યક્તિની આસપાસ, તેના વ્યક્તિત્વ પર છવાઈ જવા માંગતી હોય છે. તે પોતાની ત્વચાની સુંવાળપ, તેની હથેળીની હૂંફ, તેના પરસેવાની ભીનાશ, તેની ગાદીની મુલાયમતા અને એ બધા સાથે પોતાનાં ધબકતાં હૃદયના ધબકારાની ફડક નાડીના ફરકાટ સાથે આપી દેતી હોય છે. એ રીતે પોતાનું સ્ત્રીત્વ સમર્પિત કરતી હોય છે. એ સામાન્ય ઘટના નથી. ભલભલા મુનિવરો એ સ્પર્શ પામવા ઘોર તપ કરી ચુક્યા છે કે તપોભંગ થઇ ચુક્યા છે. હું મારી આંગળીઓ ભીડી તેની પહેલી અને બીજી આંગળીઓ વચ્ચેનું અંતર બતાવી શકું નહીં કે તેના હાથ પર મારો હાથ સરકાવતી તેને ચોંકાવીને મારી તરફ ખેંચી શકું નહીં. મેં મારું બનતું કર્યું. હજી, ભીંડાયેલા હાથો સાથે પણ અમારી વચ્ચેનું એ અંતર અમાપ હતું.
હું ઘણોખરો વખત તેને જોતી રહી. તેણે એક પણ વખત મીટ માંડી મારી સામે જોયું ન હતું. મને થોડું અપમાન જેવું લાગ્યું. પહેલાં તો હું ધીમેથી કાઇંક કહેતાં તેની નજીક ઝૂકી, તેણે “શી..શ” કહ્યું. મેં તેની તરફ નજર ત્રાંસી કરી જોયે રાખ્યું. તેનું ધ્યાન હટ્યું નહીં. હવે મેં શરમ મૂકી તેની સામે જોયે રાખ્યું. કોઈ યુવાન પોતાને પડખે અત્યંત નજીક બેઠેલી યુવતી સામે પણ ન જુએ એ હું માની શકતી ન હતી. મેં મને હું મારો હાથ તેની સાથળ પર ફેરવતી હોઉં તેવી કલ્પના કરી. તો તે શું કરશે? મને કલ્પનામાં જ તેને આવેગમાં આવી, પોતાની તરફ ખેંચી, વેરાયેલા પોપકોર્નના દાણાઓ પર તેણે મને ઘસડતી કલ્પી. તેનો હાથ જીન્સ નીચે મારી સાથળો પર હળવેથી દબાતો કલ્પ્યો. મારો હાથ દબાવી મારૂં કાંડું મસળતો તેને મારી તરફ ઝૂકતો, મારા ગાલ તરફ એકી ટશે જોતો કલ્પ્યો. પણ તેની નજર તો સતત ફિલ્મમાં જ ખોડાયેલી હતી. તે એક રીતે અત્યારે આ દુનિયામાં ન હતો તો હું બીજી રીતે.
હાશ! આખરે ફિલ્મ પુરી થઇ. ભીડ વચ્ચે અમે એકબીજાના હાથમાં હાથ પરોવી એકબીજા સાથે ઘસાતાં બહાર દાદર ઉતરવા લાગ્યાં. બહાર પુષ્પાચ્છાદિત બગીચો આવ્યો. વચ્ચેના ફુવારાનાં શીત જળબિંદુઓ અમારા દેહને ભીંજવી રહ્યાં. મેં તેનો હાથ ખેંચી કહ્યું, “કમ ઓન. જો આ ફૂલો. રાતનાં અંધારામાં પણ લાઇટમાં કેવાં ચમકે છે? આ જો. બે ફૂલ જાણે એકબીજાના ગાલ અડાડી વ્હાલ કરતાં હોય એવું નથી લાગતું?”
તેનું ધ્યાન હવે મારી તરફ પડ્યું. તે ફિલ્મની અસરમાંથી બહાર આવી રહ્યો હતો. મેં તેને બહાર સમોસાના સ્ટોલ તરફ ખેંચ્યો. તે મારા હાથમાં હાથ પકડાવેલો જ દોરાયો.
અમે ભીડમાંથી બહાર આવ્યાં. આખરે અમે હાથ છોડ્યા. અમે હજુ જોડાજોડ ચાલતાં હતાં. પણ હજુ તેનું ધ્યાન ક્યાંક બીજે, લાઈટો તરફ કે રસ્તા ઉપર હતું. મેં તેનું ધ્યાન એક સુંદર રીતે સજાવેલ ફ્રૂટ સ્ટોલમાં લટકતાં દ્રાક્ષનાં ઝુમખાંઓ તરફ ખેંચ્યું. “શું ફેન્ટાસ્ટિક સુગંધ આવે છે આ ફૂલોની!” મેં એક ફૂલવાળી બેઠેલી તેનાં ફૂલો તરફ તેનું ધ્યાન દોર્યું. તે આખરે મારી કમરે હાથ ફેરવી ફૂલો નજીક આવ્યો અને ફૂલો જોઈ સૂંઘ્યાં.
સમોસાં ખાઈ અમે સાથે ચાલવા લાગ્યાં. તેના હાથ હળવા થતાં ઝૂલવા લાગ્યા અને હળવેથી એણે મારું બાવડું પકડ્યું. રસ્તો ક્રોસ કરતાં વળી અમે એકમેકને થોડાં ચીપાઈને સામે ચાલ્યાં. મેં તેના પોકેટમાં રહેલી કી અનુભવી. બીજું પણ કશુંક હતું. તેનું પાકીટ હતું.
ઓચિંતું તેણે કહ્યું “તારું પરફ્યુમ મસ્ત છે. દૂરથી અને આંખો બંધ કરીને પણ હું તને આવતી ઓળખી શકું છું."
નજીકમાં ફૂટપાથ પર વૃક્ષોની હાર આવી. અંધારાના પડછાયા તેની ઉપર પડી રહ્યા હતા. મેં કહ્યું, “હું દૂર ચાલી જાઉં છું. આંખો બંધ રાખી તું મને ઓળખી લે.” તે મને ઓળખી ગયો પણ તેનું આવવું પગલાંથી પણ હું ન ઓળખી શકી.
અમે ચાલતાં હતાં. હળવે હળવે. સ્ટ્રીટલાઈટો અને વૃક્ષોના પ્રકાશ, પડછાયાઓ વચ્ચેથી. અમે મૌન રહી ચાલતાં હતાં. તેના પગ નીચે સૂકાં પાંદડાં કચરાવાનો અવાજ થયો. મેં તેને સાંભળ્યો. તેણે મને. અમે એક બાંકડે બેઠાં. મેં મારી કોણી તેના બાંકડા પર આરામથી રાખેલા હાથ તરફ સરકાવી. મારું સંપૂર્ણ ધ્યાન એ કોણીમાં પરોવી એની તરફ મોહિની કરતી હોઉં એમ સરકી. મેં એને કોણી મારી. “સોરી” કહેતો તે આઘો સરક્યો. હજી પણ?
“સોરી, ફિલ્મમાં જે થયું તે બદલ. હું એ વસ્તુના મૂડમાં નહોતો. તેનું સોરી કહું છું.”
“ફિલ્મ બહુ રસપ્રદ હતી? એવી તો કેવી કે તું સાવેસાવ ખોવાઈ ગયેલોને કાંઈ?” કહેતાં
હું સાઈડવૉક પર નીચે બેસી ગઈ અને જાણીજોઈ તેની પ્રત્યે ધ્યાન આપ્યા વગર મોજાં ચડાવી સેન્ડલ પહેરવા લાગી.
“થીએટરમાં તેં એને ઉતારેલાં જ કયાં હતાં કે હવે પહેરવાં પડે? તેં બે ત્રણ વાર ટોપ પણ સરખું કરેલું."
એમ! તેનું ધ્યાન હતું?
મેં જીન્સ થોડું ઊંચું ચડાવ્યું. પગ બહાર ડોકાયા. હું પાછળ હાથ ખંખેરતી ઉભી થવા જાઉં ત્યાં તેણે મારો હાથ પકડી મને ઉભી કરી. પહેલી વાર મને જોતો હોય એમ એકીટશે મારી સામું જોઈ રહ્યો. થોડું રહીને તે બોલ્યો- “આવું કશું ફિલ્મમાં જોઈને પણ, તુરત કશું પણ બોલવું અઘરું છે. એક સાથે એક વસ્તુ જ પુરેપુરી માણી શકાય તેમ હું માનું છું.”
“ તું મને..” મેં કહેવા માંડયું. તે અધવચ્ચેથી જ કહે, “મુકવા આવું ને? જરૂર.”
ફરી અમે હાથમાં હાથ મેળવી, ખભા અને આખાં શરીરો ઘસતાં કોઈ ઉતાવળ વગર ચાલતાં રહ્યાં.
“લાઈટ અને પડછાયાઓ ઘડીમાં આપણને ખુબ મોટાં કરે છે, તો ઘડીમાં જો કેવાં નાનાં કરી દે છે?” મેં કહ્યું. તે મારી નજીક આવી મને સ્પર્શી રહ્યો. મેં કહ્યું, ”રાત ઢળવા માંડી છે. જો, ઠંડી પવનની લહેરખી આવી. દૂર તમરાં બોલવાના ને દેડકાના ડ્રાંઉં ડ્રાંઉંના અવાજ કેવા આવે છે?”
તે કહે ”એક વખતે એક જ વસ્તુ માણીએ. ચાલ, આપ તારો હાથ. હવે આપણી વચ્ચે કોઈ પણ અંતર ના રહેવું જોઈએ.”
અમે હાથમાં હાથ મેળવી એ જ સુંવાળપ, એ જ હૂંફ અનુભવતાં હતાં. હવે એના હાથમાં મારો હાથ હતો. અમારી વચ્ચેનું અંતર માપવાની જરૂર જ ક્યાં હતી?
***