પ્રશ્નકર્તા : ગુરુ કરવા જ જોઈએ, ગુરુ વગર જ્ઞાન ના મળે, એ સિદ્ધાંત બરાબર છે ?
દાદાશ્રી : બરાબર છે. હવે ‘ગુરુ’ એ વિશેષણ છે. ‘ગુરુ’ શબ્દ જ ગુરુ નથી. ‘ગુરુ’ના વિશેષણથી ગુરુ છે, કે આવા વિશેષણવાળા હોય તો એ ગુરુ અને આવા વિશેષણ હોય તો ભગવાન !
પ્રશ્નકર્તા : સાચા ગુરુના લક્ષણો કયા ?
દાદાશ્રી : જે ગુરુ પ્રેમ રાખે, જે ગુરુ આપણા હિતમાં હોય, એ જ સાચા ગુરુ હોય. આવા સાચા ગુરુઓ ક્યાંથી મળે ! ગુરુને આમ જોતાં જ આપણું આખું શરીર વિચાર્યા વગર જ નમી જાય. તેથી કવિએ લખ્યું છે ને,
“ગુરુ તો કોને કહેવાય, જેને જોવાથી શીશ ઝુકી જાય.”
જોતાની સાથે જ આપણું મસ્તક નમી જાય, એનું નામ ગુરુ. એટલે ગુરુ હોય તે વિરાટ સ્વરૂપ હોવા જોઈએ, તો આપણી મુક્તિ થાય, નહીં તો આપણી મુક્તિ ના થાય.
એટલે ગુરુ કર્યા વગર ચાલે એવું નથી. ‘ગુરુ વગર ચાલે એવું છે’ કહેનાર વિરોધાભાસમાં છે. આ દુનિયામાં કોઈ દહાડેય વગર કશું ચાલે એવું નથી, પછી એ ટેકનિકલ હો કે ગમે તે બાબત હો. ‘ગુરુની જરૂર નથી’ એ વાક્ય લખવા જેવું નથી. એટલે લોકોએ મને પૂછ્યું, ‘આ કેટલાક આવું કેમ કહે છે ?’ મેં કહ્યું, જાણી જોઈને નથી કહેતા, દોષપૂર્વક નથી કહેતા. પોતાને જે ગુરુ પ્રત્યેની ચીઢ છે તે ગયા અવતારની ચીઢ આજે જાહેર કરે છે.
પ્રશ્નકર્તા : પણ ગુરુ પ્રત્યે કેમ ચીઢ પેસી ગઈ?
દાદાશ્રી : એ તો ગયા અવતરે ગુરુઓ જોડે ભાંજગડ પડેલી, તે આજે એની ચીઢ ચઢે છે. દરેક જાતની ચીઢો પેસી જાય છે ને ! કેટલાકને તો ગુરુ પ્રત્યે નહીં, ભગવાન પર પણ ચીઢ હોય છે. તે એવી રીતે ગુરુની ના પડે છે. બાકી, ‘ગુરુ વગર ચાલે’ કહેનારા આખી દુનિયાના વિરોધી છે. કારણ કે, પોતાની ભૂલ બીજા ઉપર નાખવા ફરે છે. કોઈ ગુરુઓ જોડે અથડામણ આવી ગઈ હોય, તે પછી મનમાં નક્કી થઈ જાય કે ગુરુઓ કરવા જેવા નથી. હવે પોતે ગુરુથી પોતે દાઝ્યા હોય તો પોતે ગુરુ ના કરે, પણ પોતાનો અનુભવ બીજા પર ના મૂકાય. કોઈ ગુરુ જોડે મને કડવો અનુભવ થયો હોય તો મારે કહેવું ના જોઈએ કે બધાએ ગુરુ ના કરવા. પોતાનો પૂર્વગ્રહ પોતાની પાસે રહેવા દેવો જોઈએ. લોકોને આ વાત ના કહેવી જોઈએ. લોકોને ઉપદેશ ના આપી શકાય કે આમ ન કરાય. કારણ કે, આખી દુનિયાને તો ગુરુ વગર ચાલે નહીં. ક્યાં રહીને નીકળવાનું એય પૂછવું પડે કે ના પૂછવું પડે ?
પ્રશ્નકર્તા : હા, પણ ગુરુ કોને કરવા એ પ્રશ્ન છે ને !
દાદાશ્રી : જ્યાં આપણું દીલ ઠરે તો એમને ગુરુ કરવા. દીલ ના ઠરે ત્યાં સુધી ગુરુ કરવા નહીં. એટલે અમે શું કહ્યું કે ગુરુ જો કરે તો આંખમાં સમાય એવા કરજે.
પ્રશ્નકર્તા : ‘આંખમાં સમાય એવા’ એટલે શું ?
દાદાશ્રી : આ લોક પૈણે છે તે છોકરીઓ જો જો કરે છે, તે શું જુએ છે એ ?! છોકરી આંખમાં સમાય એવી ખોળે છે. જો જાડી હોય તો એના વજનમાં જોર લાગે, આંખમાં જ જોર પડે, વજન લાગે ! પાતળી હોય તો એને દુઃખ થાય, આંખમાં જોતા જ સમજાય. તે ‘ગુરુ આંખમાં સમાય એવા’ એટલે શું, કે આપણી આંખને બધી રીતે ફીટ થાય, એમની વાણી ફીટ થાય, એમનું વર્તન ફીટ થાય, એવા ગુરુ કરજે.
જો ગુરુ આપણને દીલમાં વસે એવા હોય, એમની કહેલી વાત આપણને ગમતી હોય, તો એમનો એ આશ્રિત થઈ જાય. પછી એને દુઃખ ના હોય. ગુરુ, એ તો બહુ મોટી વસ્તુ છે. આપણું દીલ ઠરે એવું લાગવું જોઈએ, આપણને જગત ભૂલાવડાવે એને ગુરુ કરવા. જોતાની સાથે આપણે જગત ભૂલી જઈએ, જગત વિસ્મૃત થઈ જાય આપણને, તો તેને ગુરુ કરવા. નહીં તો ગુરુનું માહાત્મ જ ના હોય ને.
પ્રશ્નકર્તા : સાચા ગુરુને પોતાનું સર્વસ્વ સોંપી દેવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એ વ્યવહારમાં કેટલે અંશે સત્ય છે ?
દાદાશ્રી : આ તો વ્યવહારમાં તદ્દન સાચું છે. ગુરુને સોંપે તો એક અવતાર એનો સીધો જાય. કારણ કે, ગુરુને સોંપ્યું એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો, તે પોતાને દુઃખ આવે નહીં, કારણ કે, સર્વસ્વ સોંપવાથી ગુરુની કૃપા ઊતરે જ.