Sapnana Vavetar - 23 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 23

Featured Books
Categories
Share

સપનાનાં વાવેતર - 23

સપનાનાં વાવેતર પ્રકરણ 23

ધીરુભાઈ વિરાણી અને અનિકેત રાજકોટ ગુરુજીનાં દર્શન કરવા માટે આવ્યા હતા. આજે ગુરુપૂર્ણિમા હતી અને દર વર્ષે ધીરુભાઈ પૂનમે રાજકોટ આવતા જ હતા. આ વખતે અનિકેત પણ સાથે આવ્યો હતો.

ગુરુજીએ આજે અનિકેતને ગાયત્રીની ઓછામાં ઓછી ત્રણ માળા કરવાનો આદેશ આપ્યો હતો. અને એ આદેશ સૂક્ષ્મ જગતમાંથી ધીરુભાઈના સ્વ. પિતા વલ્લભભાઈએ આપ્યો હતો. કારણ કે એ ગાયત્રીના સિદ્ધ ઉપાસક હતા અને સૂક્ષ્મ જગતમાં પણ સાધના કરી રહ્યા હતા.

એ પછી પ્રસાદ લઈને બંને હોટલ ભાભામાં ગયા હતા અને બે કલાક આરામ કર્યો હતો. સાંજે ડીનરનો પ્રોગ્રામ વેવાઈના ઘરે હતો એટલે હરસુખભાઈ તેડવા માટે આવ્યા હતા અને પોતાના ઘરે લઈ ગયા હતા.

શ્રુતિના આગ્રહથી અનિકેત કૃતિ સાથે એના બેડરૂમમાં ગયો હતો અને વાતચીત ચાલી રહી હતી. શ્રુતિની ઈચ્છા ત્રણ ચાર દિવસ માટે મુંબઈ એમના ઘરે રહેવા જવાની હતી. પરંતુ દાદા પરમિશન નહોતા આપતા એટલે શ્રુતિને કઈ રીતે બોલાવવી એનો પ્લાન અનિકેત વિચારી રહ્યો હતો.

અનિકેતે કહ્યું કે કૃતિને બીમાર પાડી દઈએ અને એની સેવા માટે શ્રુતિને ત્રણ ચાર દિવસ માટે તાત્કાલિક મુંબઈ બોલાવી લઈએ. પરંતુ કૃતિએ કહ્યું કે એ શક્ય નથી. કારણ કે કૃતિની બીમારીના સમાચાર સાંભળી એના દાદા હરસુખભાઈ ધીરુભાઈ સાથે વાત કર્યા વગર રહે જ નહીં અને તો કૃતિની બીમારીની ખોટી વાત પકડાઈ જાય ! હવે ?

"તું મારા દાદાને ઓળખતી જ નથી કૃતિ ! મારા અને દાદા વચ્ચેના સંબંધો તું હજી જાણતી જ નથી. હું સાચી વાત ઘરમાં બધાંને કહી દઈશ કે કૃતિની ઈચ્છા શ્રુતિને બે ત્રણ દિવસ માટે મુંબઈ બોલાવવાની છે અને એના દાદા મોકલતા નથી. માટે મારે કૃતિની બીમારીની ખોટી વાત એના દાદાને કહેવી પડશે. માટે તમે પણ મને સાથ આપજો. ધેટ્સ ઈટ ! " અનિકેત બોલ્યો.

" વાહ જીજુ ! તમારા ઘરની તો વાત જ ન્યારી છે. કેટલી બધી આઝાદી ? કાશ મારાં પણ નસીબ એવાં હોત ! " શ્રુતિ બોલી.

" અરે તારું સાસરુ પણ એવું જ મળશે. તારા માટે મુંબઈમાં જ કોઈ છોકરો શોધી કાઢીશ અને અમે લોકો વચ્ચે હોઈશું એટલે તારા દાદા ના નહીં પાડે. માટે નિરાશ થઈશ નહીં બેબી." અનિકેત હસીને બોલ્યો.

" કહેતાં તો કહી દીધું. પણ છે કોઈ એવો છોકરો ધ્યાનમાં ? " કૃતિ બોલી.

" અરે પણ દીદી મારે ક્યાં એવી ઉતાવળ છે ? હજુ તો હું બિઝનેસ સ્ટાર્ટ કરી રહી છું. ભલેને બે ત્રણ વર્ષ લાગે. ત્યાં સુધી જીજુ શોધી કાઢશે. " શ્રુતિ ખુશ થઈને બોલી.

" અરે જીજુ પેલો ધવલ જાડેજા તમને પછી એરપોર્ટમાં મળેલો ? એણે તમારી સાથે દીદી વિશે ઉપજાવી કાઢેલી કોઈ બકવાસ વાતો તો નથી કરીને ? " અચાનક યાદ આવ્યું એટલે શ્રુતિએ પૂછ્યું.

" કોણ ધવલ જાડેજા ? " અનિકેતે પૂછ્યું પણ પછી અચાનક એને યાદ આવી ગયું કે સુહાગરાતે મધરાતે કોઈ ધવલ જાડેજાનો જ ફોન આવ્યો હતો.

શ્રુતિની વાત સાંભળીને કૃતિએ શ્રુતિની સાથળમાં ચિંટીયો ભર્યો કારણ કે ધવલવાળી વાત એણે અનિકેતને કરી જ નહોતી. શ્રુતિએ આ વાત કાઢવાની ક્યાં જરૂર હતી ?

"અચ્છા તો એ જાડેજા મારી જ ફ્લાઈટમાં હતો ? બની શકે કે એણે મને ઓળખ્યો ના હોય. જે હોય તે પણ એણે મારી સાથે કોઈ જ વાત કરી નથી. " અનિકેત બોલ્યો.

"પણ તેં તો મને આ જાડેજાની કોઈ વાત કરી જ નથી કૃતિ કે એ મારી જ ફ્લાઈટમાં હતો " અનિકેત બોલ્યો.

" હા કારણ કે મેં દીદીને સોગંદ આપ્યા હતા કે જીજુ સામેથી આવી કોઈ વાત ન કરે તો તારે જાડેજાની વાત કાઢવી નહીં. કારણ વગરનો એને શા માટે યાદ કરવો ? " કૃતિ કોઈ જવાબ આપે તે પહેલાં જ શ્રુતિ બોલી ગઈ. એ બધી વાત હવે સમજી ગઈ હતી.

" તો પછી આજે કેમ યાદ કર્યો ? હું તો એને ભૂલી જ ગયો છું." અનિકેત બોલ્યો.

"એણે મને જાડેજાની વાત ન કરવાના સોગંદ આપ્યા હતા પણ એ વાત એ પોતે જ ભૂલી ગઈ લાગે છે. ચાલો છોડો. ભૂતકાળને ફરી ઉખેડવાની કોઈ જરૂર નથી. આ વાતની અમારા બંને વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થઈ ગઈ છે એટલે ફરી મન ખાટું કરવું નથી. આજે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આજે મનને આનંદમાં જ રાખવાનું છે. " કૃતિ થોડી ગંભીર થઈને બોલી.

"તું જરા પણ ટેન્શન ના કરીશ. મને હવે ધવલ જાડેજાના નામથી કોઈ ફરક પડતો નથી. હું ખરેખર એ વાતને ભૂલી જ ગયો છું અને યાદ કરવા માગતો પણ નથી. મારા મનમાં હવે સહેજ પણ કટુતા નથી. આજે દિલથી હું ગુરુપૂર્ણિમાના દિવસે સોગંધ ખાઈને કહું છું. " અનિકેત બોલ્યો.

"યે હુઈ ના બાત ! હસબન્ડ હો તો ઐસા" શ્રુતિ બોલી.

અનિકેતના જવાબથી બંને બહેનોના દિલને ઠંડક વળી. આ માણસ ખરેખર ઇન્સાન નહીં દેવતા છે !

"હવે એ બધી વાત જવા દે. તારા બિઝનેસનું કેમ ચાલે છે ? " અનિકેત બોલ્યો.

" હજુ તો શરૂઆત છે જીજુ. પણ જામી જશે. આ તો રાજકોટ છે. એકવાર ડિઝાઇન પસંદ આવી ગઈ પછી અહીં લાઈનો લાગે. પહોંચી ના વળીએ એટલા ઓર્ડર મળે. છતાં શરૂઆત ઘણી સારી છે. મારી પાર્ટનરનું માર્કેટિંગ બહુ પાવરફુલ છે " શ્રુતિ બોલી.

" ચાલો સારી વાત છે." અનિકેત બોલ્યો.

" અને હા તમારા નવા સાહસ બદલ દિલથી અભિનંદન જીજુ. હું એ કહેવાનું તો ભૂલી જ ગઈ. તમે હવે બિલ્ડર બની ગયા છો અને બે ટાવરોની સ્કીમ મૂકી છે એ બધી જ વાત મને દીદીએ કરી છે." શ્રુતિ બોલી.

" થેન્ક્સ. જો કે એમાં મને પપ્પા અને દાદાનો સાથ બહુ મળ્યો છે. એમણે આજ સુધી મને ક્યારેય પણ કોઈ વાતની ના નથી પાડી. મેં જે માગ્યું છે એ મને મળ્યું છે. ખરેખર એ ઘરમાં જન્મ લેવા માટે હું નસીબદાર છું. " અનિકેત લાગણીથી બોલ્યો.

" એ વાત તો અનિકેતની બિલકુલ સાચી છે. સાત મહિનાથી મેં લગ્ન કર્યાં છે ત્યારથી હું જોતી આવી છું. ઘરમાં એમનું માનપાન પણ ઘણું છે. મનીષ કાકા અને ધારાકાકીનો સ્વભાવ પણ બહુ સરસ છે. શ્વેતાબેનનો સ્વભાવ પણ સરસ છે. જો કે એ બહુ ઓછું બોલે છે અને એમની દુનિયામાં જ મસ્ત હોય છે." કૃતિ બોલી.

" હા એ મોટાભાગે એના રૂમમાં પુરાયેલી જ રહે છે. આમ સ્વભાવે ઘણી સારી છે પણ એનું બોલવાનું બહુ ઓછું છે. દાદાએ એને ગાડી લઈ આપવાની વાત કરી હતી પણ એણે ચોખ્ખી ના પાડી કે મારે અલગ ગાડી ની જરૂર જ નથી." અનિકેત બોલ્યો.

" હવે દાદા મને ગાડી લઈ આપવાના છે. ગાડી આવશે એટલે હું પણ અનિકેતની ઓફિસે થોડો થોડો ટાઈમ જતી આવતી રહીશ. " કૃતિ બોલી.

આ લોકો વાતો કરી રહ્યા હતા ત્યાં જ આશાબેન એમના બેડરૂમમાં આવ્યાં.

" તમારી વાતો હવે પૂરી થઈ ગઈ હોય તો નીચે આવો. જમાઈને હેરાન ના કરો. આઠ વાગે મહેમાનોને જમવા બેસાડવાના છે. કૃતિ તારે પણ જમી લેવાનું છે. સાત તો વાગી ગયા છે. હું એકલી કેટલું કરું ?" આશાબેન બોલ્યાં.

" સોરી મમ્મી એ તો ખ્યાલ જ ના રહ્યો. " શ્રુતિ બોલી અને એ તરત નીચે ભાગી. શ્રુતિ અને મમ્મી નીચે ગયાં એટલે તરત જ અનિકેતે ગુરુજીએ આપેલા સાકરના પ્રસાદની પડીકી ખીસામાંથી બહાર કાઢી અને પ્રસાદ કૃતિને આપ્યો.

" કૃતિ આ સાકરનો પ્રસાદ ગુરુજીએ આપેલો છે. મારા ભાગનો મેં ખાઈ લીધો છે. વાતોમાં ને વાતોમાં ભૂલાઈ ગયું. " અનિકેત બોલ્યો.

કૃતિએ એ પ્રસાદ ખાઈ લીધો અને તરત જ કૃતિ અને અનિકેત પણ નીચે ગયાં.

અનિકેત નીચે જઈને પાછો દાદા પાસે સોફામાં ગોઠવાઈ ગયો.

" અનિકેત કુમાર મને હમણાં જ ધીરુભાઈએ સમાચાર આપ્યા. તમે બિલ્ડર બનીને હવે સ્કીમ મૂકો છો. તમારા આ નવા સાહસ બદલ ખૂબ ખૂબ અભિનંદન." હરસુખભાઈ બોલ્યા.

" જી દાદા. પણ એના માટે મારા આ દાદા અને મારા પપ્પાએ જ મને મદદ કરી છે. અત્યારે તો મારો ટ્રેઈનિંગ પિરિયડ ચાલે છે છતાં મને મજા આવે છે. મેં મારી સ્વતંત્ર ઓફિસ પણ કરી છે. " અનિકેત બોલ્યો.

" ચાલો સારી વાત છે. દાદા અને પપ્પાનો કન્સ્ટ્રક્શનનો વારસો તો તમારે જ સંભાળવો પડશે ને હવે ?" હરસુખભાઈ બોલ્યા.

" હા દાદા. "

અને આમ અડધી પોણી કલાક સુધી વાતો ચાલી ત્યાં અંદરથી શ્રુતિ બહાર આવી.

" દાદા જમવાનું તૈયાર છે મહેમાનોને અંદર મોકલો." શ્રુતિ બોલી અને પાછી અંદર ગઈ.

" તમે પણ અમારી સાથે જ જમવા બેસી જાઓ. અમને કંપની રહેશે. " ધીરુભાઈએ હરસુખભાઈને આગ્રહ કર્યો.

એ પછી ત્રણેય જણા હાથ ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર જઈને બેઠા. કૃતિને પણ જવાનું હોવાથી એ પણ જમવા બેસી ગઈ.

જમવામાં આજે ઘણી વેરાઈટીઝ બનાવી હતી.

દૂધપાક, પૂરી, જલેબી, બટેટાની સૂકીભાજી, ભીંડાનું શાક, મેથીના ગોટા, કઢી અને ખીચડી.

" અરે આટલું બધું બનાવવાની ક્યાં જરૂર હતી ? બપોરે પણ અમે ધરાઈને જ જમ્યા છીએ. " ધીરુભાઈ થાળી જોઈને જ બોલ્યા.

" તમે પહેલીવાર અમારા મહેમાન બન્યા છો. આટલું તો કરવું જ જોઈએ ને ? અને તમને ફાવે એટલું જમો. રાતનો ટાઈમ છે એટલે અમે કોઈ ખોટો આગ્રહ નહીં કરીએ. " હરસુખભાઈ બોલ્યા.

જમવાનું પતી ગયું ત્યાં સાડા આઠ વાગી ગયા.

" ચાલો અમે હવે રજા લઈએ કારણ કે કાલે સવારનું વહેલું ફ્લાઇટ છે. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" જી. રઘુ તમને હોટલ ઉપર મૂકી જશે. તમે આજે અમારું માન રાખીને ઘરે પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. કૃતિ રાત્રે ૧૦ વાગે હોટલ ઉપર આવી જશે." મનોજભાઈ બોલ્યા.

" હા હા વાંધો નહીં. કૃતિ અને અનિકેત માટે અલગ રૂમ બુક કરાવેલો જ છે. " ધીરુભાઈ બોલ્યા.

ધીરુભાઈ શેઠે બંને દીકરીઓના હાથમાં ૧૦૦૦ ૧૦૦૦ આપ્યા અને અને સામે મનોજભાઈએ પણ અનિકેતને એક બંધ કવર આપ્યું.

ઘરના સૌની વિદાય લઈને ધીરુભાઈ અને અનિકેત ગાડીમાં બેઠા એટલે રઘુએ ગાડી હોટલ તરફ લઈ લીધી. ધીરુભાઈએ ડ્રાઇવર રઘુને પણ ઉતરતી વખતે ૫૦૦ રૂપિયા આપ્યા. એ ના પાડતો હતો પણ પછી શેઠે આગ્રહ કર્યો એટલે લઈ લીધા.

" આજનો દિવસ ખૂબ જ સારો પસાર થયો. ગુરુજીનાં દર્શન થાય છે ત્યારે શરીરમાં એક નવી જ ઉર્જાનો સંચાર થાય છે. " હોટલમાં રૂમમાં પહોંચીને ધીરુભાઈ બોલ્યા.

" હા દાદા હવે તો મને પણ ગાયત્રી મંત્રની દીક્ષા મળી ગઈ છે. હું કાલથી જ ગાયત્રીની માળા ચાલુ કરી દઈશ." અનિકેત બોલ્યો.

"તું ખૂબ નસીબદાર છે બેટા. તને ગાયત્રીના પ્રખર ઉપાસક એવા મારા પિતાજીએ જાતે દીક્ષા આપી. હવે તારી પ્રગતિ કુદકે ને ભૂસકે આગળ વધશે. જોકે કાલથી તું ચાલુ નહીં કરી શકે. પરમ દિવસથી કરજે કારણ કે કાલે તો આપણે વહેલી સવારે નીકળી જવું પડશે. અને ઘરે ૯:૩૦ વાગે પહોંચીશું " દાદા બોલ્યા.

"કાલે સવારે ૭:૩૦ નું ફ્લાઇટ છે તો આપણે છ વાગ્યે અહીંથી નીકળી જવું પડશે દાદા. સવારે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકી દઉં ? " અનિકેત બોલ્યો.

" એલારામ મૂકવાની ક્યાં જરૂર છે અનિકેત ? હું પોતે જ એલારામ છું. રોજ પાંચ વાગે આંખ ખુલી જ જાય છે. હું તમને બંનેને પણ બાજુના રૂમમાં જગાડી દઈશ. છતાં તું પાંચ વાગ્યાનું એલારામ મૂકી દેજે. તમારે બંનેને તૈયાર થવાનું છે એટલે એક કલાકનો ટાઈમ તો જોઈશે." ધીરુભાઈ બોલ્યા.

એ પછી અનિકેત સૂવા માટે પોતાના રૂમમાં ગયો. ધીરુભાઈ તો સાડા નવ વાગ્યામાં સૂઈ ગયા પરંતુ કૃતિ આવવાની હતી એટલે અનિકેત મોબાઇલમાં ટાઈમ પસાર કરવા લાગ્યો. કૃતિ બરાબર દસ વાગ્યે આવી ગઈ. એને અનિકેતનો રૂમ નંબર યાદ હતો. કૃતિએ નાઈટ ડ્રેસ બદલી લીધો અને એ પણ સૂઈ ગઈ.

સવારે બરાબર પાંચ વાગ્યે ધીરુભાઈ પલંગમાંથી ઊભા થઈ ગયા. સૌથી પહેલાં બ્રશ કરી, ફ્રેશ થઈ નાહી લીધું અને પછી અનિકેતને મોબાઈલ કર્યો. અનિકેત એલાર્મથી જાગી જ ગયો હતો.

અનિકેત તરત ઊભો થઈ ગયો અને છ વાગ્યા સુધીમાં એ અને કૃતિ બંને જણાં ન્હાઈ ધોઈ તૈયાર થઈ ગયાં. એ પછી એ લોકોએ હોટલ ચેક આઉટ કરી.

મુંબઈ એરપોર્ટ ઉપર ડ્રાઇવર ગાડી લઈને આવી ગયો હતો. થાણા ઘરે પહોંચ્યાં ત્યારે ૯:૪૦ થઈ ગઈ હતી.

બીજા જ દિવસથી અનિકેતે ગાયત્રી મંત્રની પાંચ માળા ચાલુ કરી દીધી. માળા ચાલુ કર્યા પછી એને ઘણું સારું લાગ્યું. મનની અંદર પોઝિટિવ ફીલિંગ આવવા લાગી.

એક મહિનાનો સમય પસાર થયો ત્યાં સુધીમાં બીજા ૮ ફ્લેટ વેચાઈ ગયા. બુકિંગ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૨૬ ફ્લેટ વેચાયા. જેમાં ૭ ફ્લેટના પૈસા એડવાન્સમાં આવી ગયા જ્યારે બાકીના બધા લોન વાળા હતા.

"આ હિસાબે તારી સ્કીમ ઘણી સારી ઉપડી કહેવાય અનિકેત. બે મહિનામાં ૨૬ ફ્લેટ વેચાઈ જવા એ નાની સૂની ઘટના નથી. ૧૮૦ કરોડનો માલ વેચાઈ ગયો. તું ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે બેટા. " એક દિવસે રાત્રે જમતી વખતે પ્રશાંતભાઈ બોલ્યા.

" હા પપ્પા. ઘણી સારી ઇન્કવાયરી છે. લોકેશન પણ એટલું જ સરસ છે અને ફ્લેટની ડિઝાઇન પણ એકદમ લેટેસ્ટ છે. ચાર પાંચ તો ડાયમંડના વેપારીઓ જ છે. એક બિલ્ડરે પોતે જ ઇન્વેસ્ટમેન્ટ માટે ત્રણ ફ્લેટ બુક કરાવ્યા છે. એકાદ વર્ષ પછી વેચી મારશે. " અનિકેત બોલ્યો.

" હા એ તો આ ધંધામાં એવું જ હોય ઇન્વેસ્ટરો પણ કામે લાગી જાય. બે વર્ષમાં એકના ડબલ થઈ જવાના. " પ્રશાંતભાઈ બોલ્યા.

" પહેલા માળના ચાર ફ્લેટ મેં પોતે પણ ઇન્વેસ્ટમેન્ટ તરીકે રિઝર્વ રાખ્યા છે પપ્પા. જેથી બે વર્ષ પછી ઊંચા ભાવે વેચીને પ્રોફિટ કરી શકું. " અનિકેત કૃતિનું નામ દીધા વગર બોલ્યો. કમ સે કમ પપ્પાને જાણ તો હોવી જ જોઈએ.

" તારામાં પણ વાણીયા બુદ્ધિ આવી ખરી. તું હવે ખરેખર ધંધાદારી થતો જાય છે. બસ આમ જ જીવનનું ઘડતર થાય છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" અને બેટા તું થોડો વહેલો ઉઠતો જા. ગાયત્રી મંત્ર ની માળા કરવા તું સવારે ૮ વાગે બેસે છે એના બદલા સવારે ૬ વાગે ચાલુ કરતો હોય તો વધુ સારું. સૂર્યનો ઉદય જેટલા વાગે થતો હોય એ સમયે માળા ચાલુ કરી જ દેવી જોઈએ. એનાથી પણ વહેલા કરો તો વધારે સારું. " ધીરુભાઈ શેઠ હવે બોલી રહ્યા હતા.

"તારા પરદાદા એટલે કે મારા પિતાજી વહેલી સવારે ત્રણ વાગ્યે ઊઠીને નાહીને માળા ચાલુ કરી દેતા હતા. જો એટલા વહેલા ઊઠીને માળા કરવી હોય તો ન્હાવું ફરજિયાત નથી હોતું. હાથ પગ ધોઈને પણ તમે કરી શકો. વહેલી સવારે ત્રણથી આઠ વાગ્યા સુધીમાં કરેલી માળાઓનું સર્વશ્રેષ્ઠ ફળ મળે છે. કારણ કે એ વખતે ઉગતા સૂર્યની ઘણી બધી પોઝિટિવ ઉર્જા વ્યક્તિને પ્રાપ્ત થાય છે. સાંજે સંધ્યાકાળે કરાતી માળાનું ફળ લગભગ અડધું મળે છે. એટલે વધુમાં વધુ માળાઓ સવારે જ કરવી જોઈએ. " દાદા બોલ્યા.

" દાદા એક માળા કરતાં તમને કેટલી વાર લાગે છે ? મને તો આઠ થી દસ મિનિટ લાગે છે. " અનિકેત બોલ્યો.

" જેમ જેમ માળા કરતો જઈશ એમ એમ ઝડપ આવતી જશે. મને છ મિનિટ લાગે છે. વાર ભલે લાગે પણ માળા શાંતિથી કરવી જોઈએ. ઘણા લોકો એટલી ઝડપથી મંત્રો બોલતા હોય કે બે કે ત્રણ મિનિટમાં માળા પૂરી થઈ જાય. એનો કોઈ મતલબ જ નથી. મંત્રનો ભાવ હૃદયમાં ઉતરે ત્યારે જ મંત્ર ફળ આપે. ખાલી મણકા ફેરવવાનો કોઈ મતલબ નથી હોતો. ભલે ફાસ્ટ મંત્ર જાપ કરો પણ દરેક મંત્ર સ્પષ્ટ બોલાવો જોઈએ. " દાદા ધીરુભાઈ શેઠ બોલ્યા.

" જી દાદાજી. હું સ્પષ્ટ મંત્ર જ મનમાં બોલું છું. અને કાલથી સવારે છ વાગે ઉઠી જઈશ. હાથ પગ ધોઈને ત્રણ માળા કરી દઈશ. " અનિકેત બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)