BHOOT, BHEMO NE BHAMARAJI - 13 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 13

The Author
Featured Books
Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 13

(અગાઉના ભાગમાં જોયું કે સ્મશાનમાં વિધિ કરવા ગયેલા ભમરાજીને ભેમાના ભૂતે ભગાડ્યા. તળાવની પાળે બેભાન થઈ ગયેલા તેમને ચેલાઓ મંદિરમાં લઈ ગયા. અમે પણ ચોરીછૂપીથી ઘેર આવીને સૂઈ ગયા. હવે આગળ....)
*****************
રાતવાળી ઘટનાની વાત આખા ગામમાં ફેલાતાં વાર ન લાગી. દિવાળીનો દિવસ હજી તો ઊગીને સરખોય નહોતો થયો ત્યાં તો મંદિરે લોકોની ભીડ જમા થવા લાગી. ત્યાં જઈને ઘર તરફ આવતા લોકો પણ અવનવી કહાનીઓ લઈને આવતા હતા.
. **************
"સું થ્યું ભમરાજીને લ્યા..?" મંદિરેથી પાછા ફરતા એક યુવાનને એક કાકાએ પૂછ્યું.
"તમોન ખબેર નહીં કે સું ધનજીભા..?" યુવકે સામો પ્રશ્ન કર્યો.
"અલ્યા ખબેર હોત તો તને પૂસોત સું કોમ..?"
"એ તો મારા'જને રાતે જન ભીડોણો.. પાડી દીધા સે... બચે એઉં લાગતું નહીં હોં ભા.."
"અરે રોમ.." ધનજીભાએ નિ:સાસો નાંખતાં કહ્યું. "બાપડા ધર્મીના ઘેર ધાડ પડી ભઈ હોં.."
"તે ઈમને કને કીધું'તું કે સાધવા જજો..? અમને તો ખબેર જ હતી ભા કે બધ્ધા દાડા હરખા નહીં જવાના.. અને આ મારા'જ કો'ક દાડો ઊલમોંથી ચૂલનોં પડવાના જ સીં.. તે આજ હાચ્ચે જ એઉં થ્યું ને..? " કહીને યુવાન ચાલતો થયો.
************
તો વળી બીજા એક જણને એક માજીએ પૂછ્યું, "ટેકરીએથી આવે સે લ્યા ભઈ.?"
"હોવે માજી.."
"મારા'જ ને ચ્યમ સે..?"
"મરી જ્યા એ તો.."
"આઉં ચ્યમ બોલે સે મારા રોયા..? હમણોં તો કો'ક કે'તું'તું કે એ તો ખાલી બીવોણા જ સે.."
"લ્યો કરો વાત.. મું અબ્બી હાલ્લ જ મારી હગી ઓંખ્યે જોઈને આયો એ ખોટું..? ઈંમને તો દેહ મેલી દીધો માજી."
"હાય હાય.. ભારે કરી આ તો.. બાપડો મારા'જ.." કહેતાં માજીએ આકાશ તરફ હાથ જોડ્યા.
*************************
તો ત્રીજી જગ્યાએ કંઈક જુદો જ માહોલ હતો. એક ભાઈ રાજી થતા આવતા હતા. એમને બીજા કોઈકે પૂછ્યું, "ચ્યમ ભઈ આટલો તોનમોં સે..?"
"અલ્યા આજ તો જબરી ના થઈ..? પેલા ભમરાને ભૂતે ભાંગી નોંખ્યો.."
"હેં...? હાચું કે'સે લ્યા..?"
"અલ્યા હોળ ઓના હાચું.. મું ઈંકણથી જ હેંડ્યો આઉં સું.. ભમરો તો કોમથી જ્યો હોં.." પેલાએ વધારે રાજીપો વ્યક્ત કરતાં કહ્યું.
"તો.. તો.. બઉવ જ હારું કર્યું લે.. એ દાવનો જ હતો હાહરો.. બઉ ચગ્યો'તો હમણોંથી.." બીજો પણ ખુશ થતાં બોલ્યો.
"હોવે લ્યા હોં.. દિયોરે મંદિરને અડ્ડો બનાઈ દીધો'તો.. જે થ્યું ને એ બઉ જ હારું થ્યું.."
************
આમ ભમરાજી વિશે ગામમાં જેટલાં મોંઢાં એટલી સારી-નરસી વાતો થઈ રહી હતી.
હું પણ સવારે વહેલાં ઊઠીને મિત્રો સાથે મંદિરે પહોંચ્યો. ત્યાંનો માહોલ ખૂબ જ ગંભીર લાગતો હતો. ભમરાજીના ચેલાઓ, એમના તરફ અહોભાવ રાખનારા લોકો, અને ગામના સેવાભાવી માણસો હડીઓ કાઢી રહ્યા હતા. ક્યાંક ભય, ક્યાંક ચિંતા તો ક્યાંક આશંકાઓનાં વાદળોથી ઘેરાયેલા એ બધા ભમરાજીને ભાનમાં લાવવાના તનતોડ પ્રયત્નો કરી રહ્યા હતા.
તો વળી ભમરાજીથી દુ:ખ પામેલા કેટલાક રાજી પણ થતા હતા. કેટલાક તો ભમરાજીને મરવાની રાહ જોઈને જ બેઠા હોય એમ "હાશ.. આજ હાચી દિવાળી થઈ" એવું કહીને ખુશી વ્યક્ત કરતા હતા.
મંદિર આગળ ભીડ ખૂબ જ હતી. દરવાજા આગળ ત્રણ-ચાર માણસો લાકડીઓ લઈને ઊભા રહી ભીડને અંદર જતાં રોકી રહ્યા હતા. અમે માંડ દરવાજે પહોંચ્યા. ત્યાં ભિખ્ખુ મને ઓળખી ગયો. એટલે હું અને ચંદુ મંદિરમાં દાખલ થઈ શક્યા.
"ચ્યેવું સે ભિખ્ખુ..?" મેં નજીક જઈને ધીમેથી પૂછ્યું.
"પૂરા જોખમ હૈ માસ્તરજી.. કુછ કહ નહીં સકતે.. " ભિખ્ખુએ ગભરાયેલા સ્વરે કહ્યું.
"ગભરાઓ મત ભિખ્ખુ.. સબ ઠીક હી હોગા.. મન મજબૂત રખના.. જો ભી હોગા, દેખા જાએગા.." મેં એને હિંમત આપતાં કહ્યું.
"લેકિન વો મર ગયે તો..?" ભિખ્ખુના અવાજમાં ડર હતો.
"તો ક્યા લ્યા..? મર ગયા તો મારા જૂત્તે માર્યા.. ગોંમમોં સે બલા ટળેગી લ્યા.." ચંદુ વચમાં કૂદી પડતાં બોલ્યો.
ભિખ્ખુ હતપ્રભ બનીને એને જોઈ રહ્યો.
"અલ્યા સોન્તિ રાખને તું ભઈ.." મેં ચંદુના આક્રોશને શાંત પાડતાં કહ્યું, "પેલ્લોં જોઈએ તો ખરા કે ચ્યમનું સે.. લે હેંડ લ્યા.." કહેતાં હું ચંદુ સાથે અંદર ચાલ્યો. ભિખ્ખુ પણ અમારી સાથે આવ્યો.
અંદરનો માહોલ ખરેખર ખૂબ જ ગંભીર હતો. ખૂલ્લી જગ્યામાં એક મોટા ઢોલિયા પર ભમરાજીને સૂવડાવ્યા હતા. બે વૈદ્ય એમની સારવારમાં લાગેલા હતા. પાંચ-છ ચેલાઓ ઢોલિયાની આજુબાજુ ઊભા રહીને બીજા લોકોને નજીક આવતા રોકી રહ્યા હતા. ગામના મોભીઓ, વડીલો અને સાવ નજીકથી ઓળખતા લોકોને જ ભમરાજીની નજીક જવા દેવામાં આવતા. બાકીના થોડે દૂરથી જ 'દર્શન' કરી લેતા હતા. ખૂલ્લી જગ્યામાં એક મોટું ચાદરું પાથરેલું હતું. એના પર પણ ઘણા લોકો બેઠા હતા.
ભિખ્ખુ અમને ભમરાજીની સાવ નજીક લઈ ગયો. તેઓ હજુ બેભાન અવસ્થામાં કંઈક બબડી રહ્યા હતા. એમના હાથપગ અને મોંઢા પર ઉઝરડાનાં નિશાન હતાં. અમે એમને જોઈને પછી થોડે દૂર જઈ એક ખૂણામાં ઊભા રહ્યા.
"અલ્યા માસ્તર.. આ ભમરો બચી જ્યો તો સું થસે..? આપડોંને ઓળખી જ્યો હસે તો..?" ચંદુએ ઢીલા અવાજે કહ્યું.
"અલ્યા પાસો ફહળ્યો તું તો.. એ મરી જાય કે જીવી જાય.. બેય પરિસ્થિતિના ઉકેલ સીં મારી જોડ્યે.. તું ચિંત્યા ના કર લ્યા.." મેં ચંદુને સાંત્વન આપ્યું.
"ઉકેલ..? ચ્યેવા ઉકેલ સીં એ તો કે' ઈયાર.." ચંદુનો ફફડાટ વધતો હતો.
. "એ બધું પસીં.. પેલ્લોં સું થાય સે એ તો જો.."
ત્યારબાદ અમે બન્ને ત્યાંની કડાકૂટને નિહાળતા, લોકોની વાતો સાંભળતા અને અંદરોઅંદર ગૂસપૂસ કરતા ખૂણામાં ઊભા રહ્યા.
થોડીવાર થઈ ત્યાં તો ભમરાજીએ આંખો ખોલી. ચેલાઓએ રાજી થઈને જયકાર કર્યો એટલે બેઠેલા બધા ઊભા થઈ ગયા. અને સૌ ઢોલિયાની આસપાસ જમા થઈ ગયા. સહાનુભૂતિ દાખવનારા સૌના ચહેરા પર આનંદ છવાઈ ગયો.
પરંતુ એ આનંદ ઝાઝો સમય ટક્યો નહીં. અડધાપડધા ભાનમાં આવેલા ભમરાજી ચકળવકળ નજરે ચારેબાજુ જોવા લાગ્યા. અને અચાનક કંઈક યાદ આવતાં પાછા ભડક્યા, "હે.. પિશાચ આયા.. વો આયા.. મુઝે માર ડાલેગા... ભિખ્ખુ મુઝે બચા લો.. યે દુસરા ખવીસ આયા.. અરે જુગલ.. મુઝે બચાઓ.. બચાઓ રે..." કહેતા ઊભા થઈને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યા..
આજુબાજુના માણસોએ પકડીને પાછા ઢોલિયામાં સુવડાવ્યા. પરંતુ થોડી થોડી વારે ભમરાજી ચમકીને તરફડવા લાગતા.. ફફડીને ભાગવા લાગતા... એમની હાલત અને વર્તનથી ત્યાં હાજર લોકોમાં ક્યાંક ગંભીરતા તો ક્યાંક હાસ્યનું મોજું ફેલાઈ જતું.
થોડા સમય સુધી આ જ પરિસ્થિતિ બની રહેતાં એક વૈદ્યે નાછૂટકે ભમરાજીને કંઈક સૂંઘાડ્યું. તરત જ તેઓ બેભાન થઈને ઢોલિયામાં શાંત થઈ ગયા.
"બાબજીને ફડક પેંહી જઈ સે.. હાજા થતોં વાર લાગસે ભઈ હોં.." સારવાર કરી રહેલા એક ડોસાએ ગંભીર અવાજે કહ્યું..
"તો અબ ક્યા કરના પડેગા ચાચા..?" ભમરાજીના સૌથી માનીતા ચેલાએ ચિંતિત સ્વરે પૂછ્યું.
"ઝાઝું તો કોંય નઈં કરના પડેગા મારા'જ.. પણ તઈણ-ચ્યાર દાડા તો હમું થવામોં લગેગા.. ઈંમના દમાગ ઉપર મોટા ધ્રાસકા પડ્યા હૈ ને એટલે.." વૈદ્યે સમજાવતાં કહ્યું.
"અરે.. રામ.. લેકિન ચાચાજી, હમારે ગુરૂજી ઠીક તો હો જાયેંગે ના..?"
"હાલ તો મું કોંય કે' નઈં સકતા હું.. પણ બે દાડામોં ખબેર પડ જાયેગી.. તમે બધા સેવા કરે જાના.. વધારે જોખમ જેવા કોંય લાગે તો આ જડીબૂટ્ટી સૂંઘાડ દેના.. અને મને બોલાઈ લેના.. બરોબર..? " એમ કહીને બંને વૈદ્ય ત્યાંથી નીકળી ગયા.
ધીરેધીરે લોકો પણ નીકળવા લાગ્યા. એટલે અમે પણ ભિખ્ખુને "જે હોય એ હમાચાર આલતો રે'જે ભઈ" એવું કહીને અમે પણ ત્યાંથી નીકળી ગયા.
રસ્તામાં ચંદુએ પૂછ્યું, "માસ્તર.. હવે આગળ સું કરવું..? મને તો હાહરી અમુજણ થવા મોંડી સે લ્યા.."
"અયે અમુજણ વાળી.. હવે આટલા હૂંદી આઈને પાસા નહીં પડવાનું લ્યા." મેં ચંદુને હિંમત બંધાવતાં કહ્યું.
"પાસા તો નહીં પડવું માસ્તર.. પણ હવે કોંક કરવું તો પડસે ને ઈયાર.? પથલો અને ભેમો ચ્યમ ના દેખોંણા આજ..?"
"જો ભઈ ચંદુ.. હવે આપડી જોડ્યે બે જ રસ્તા સીં.. જો આ ફડકીમોં ભમરો મરી જ્યો, તો બલા ટળી.. બાકીના ચેલાઓનું તો થઈ ના પડે.. અને જો બચી જ્યો, તો ભોંનમોં આયા પસીં થોડો હરખો થાય એટલી વાર.." એટલું કહીને મેં ચંદુને બાકીની યોજના સમજાવી.
"અરે વાહ માસ્તર.. તીં કીધું ઈંમ જ કરવું પડસે હોં લ્યા.. તો હેંડ પથલાનેય ભેળો લઈને ભેમાને ભેળા થતા આઈએ.." ચંદુ હરખાતો બોલ્યો.
"હા.. હેંડ.." કહેતાં મેં પણ પથુના ઘર તરફ પગ ઉપાડ્યા.
(ક્રમશ:)
*****************
- "નિસર્ગ" 🍁🍁🍁