Saptpadi Na Vachano in Gujarati Motivational Stories by Bipin Ramani books and stories PDF | સપ્તપદી નાં વચનો

Featured Books
Categories
Share

સપ્તપદી નાં વચનો

સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન પ્રત્યે પતિ પત્ની બંને દ્રઢ બને તો તુટતી જતી લગ્ન સંસ્થાને બચાવી શકાય.

તુલસી વિવાહનો તહેવાર પુરો થતાં, હવે સગાં સંબંધીઓમાં લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે, અને આપણને પણ એવાં કેટલાંય ઇન્વિટેશન આવ્યાં હશે! મોટેભાગે અત્યાર ના લગ્ન જોઈને વડીલોના મોઢા બગડતા હોય છે કે, આને કંઈ લગ્ન કહેવાય! ન વિધિ નું મહત્વ!ન સમય નું મહત્વ! બસ ફેશન શો યોજાયો હોય એમ બધાં નવા નવા વેશ ધારણ કરીને ફોટો સેશન કરવામાં પડ્યા હોય છે. લગ્ન કરનાર ને સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન વિશે ન કોઈ જાણકારી છે કે, ન નિભાવવાની કોઈ તૈયારી! પણ સાવ એવું નથી હોતું! પણ સહનશીલતા ઘટી છે, એ એક હકીકત છે. એટલે મોટેભાગે આજકાલની પેઢી લગ્ન બાબત બહુ ગંભીર પણ નથી! એ સત્ય પણ સ્વીકારવું રહ્યું. પણ સપ્તપદીના સાત ફેરા અને એનાં વચન પ્રત્યે પતિ પત્ની બંને દ્રઢ બને તો તુટતી જતી લગ્ન સંસ્થાને બચાવી શકાય.

શ્રદ્ધા અને વિશ્વાસના લગ્ન થઈ રહ્યા હતાં, ગોર મહારાજ મંત્રોચ્ચાર કરતા હતાં. સગાવહાલાઓ ફુલ થી બંનેને શુભ આશિષ આપી રહ્યા હતાં. બંને જણા મંગલ ફેરા ફરી સપ્તપદીના વચનોથી આજીવન બંધાઈ રહ્યા હતાં. એકમેકને સદા સાથ આપવાના અને સુખ દુઃખમાં સંગ રહેવાનું અમુલ વચન પણ તેમણે આપ્યું. આમ અતિ ઉત્સાહથી લગ્ન કાર્યક્રમ સંપન્ન થયો, જાનૈયાઓએ શ્રદ્ધાની ખૂબ મશ્કરી પણ કરી, અને વિશ્વાસ એ તેનો બચાવ કરી પતિ હોવાની ફરજ પૂરી કરી, તો શ્રદ્ધા એ પણ સમર્પણ કરી સદા જીવન સંગીની બની રહેશે, એવા કોલ આપ્યા. લગ્ન બાદ થોડા જ સમયમાં બંનેએ પોતાનું કામ કરવાનું, એટલે કે સર્વિસ પર જવાનું શરૂ કર્યું. નાના-મોટા ગૃહસ્થીના ખટરાગ શરૂ થયાં. પરંતુ કોઈવાર વિશ્વાસ વિશ્વાસ બતાવે, અને કોઈવાર શ્રદ્ધા, શ્રદ્ધાથી આ સંબંધ સંભાળી લે, એમજ લગ્નને લગભગ પાંચ વર્ષ થઇ ગયાં. ખટમીઠા સંભારણાનો આ સમય વાગોળવા નો પણ એક લ્હાવો હોય છે, જે તેઓ ઘણીવાર મિત્રો સમક્ષ આવી વાતનો ખુલાસો કરી લેતાં હતાં.

એક દિવસ શ્રદ્ધાને સવારના પહોરમાં ઉલ્ટી ઉપર ઉલ્ટી થવા લાગી, અને તેને અત્યંત બેચેની થતી હતી. બંને જણા ને કંઈ સમજાયું નહીં, એટલે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે ખુશીના સમાચાર આપ્યા કે તમે માતા-પિતા બનવાના છો. પાંચ વર્ષનો સમયગાળો જતો રહ્યો હોવાથી બંને રાજી પણ થયા. શ્રદ્ધા મા બનવાની આનંદની અનુભૂતિમાં દિવસો પસાર કરતી હતી. એવામાં એક દિવસ સ્કૂટર ઉપર નાનો એવો તેનો એક્સિડન્ટ થયો, અને પગ લપસી ગયો. તાત્કાલિક હોસ્પિટલમાં જઈ ચેકઅપ કરાવ્યું, ડોક્ટરે કહ્યું કે પરિસ્થિતિ નોર્મલ છે, અને એને અંદર કોઈ તકલીફ થઇ નથી, એટલે તેને હાશકારો થયો. પરંતુ આ દિવસ પછી તેને સતત દુખાવો રહેતો હતો, અનુભવીઓ એ કહ્યું, કે એ તો મહિનો બદલાય એટલે કંઈ કંઈ તકલીફ થાય, અને બીજા બે મહિના આ રીતે ચાલ્યા ગયા. રૂટીન ચેકપમાં સોનોગ્રાફી થતાં ખબર પડી, કે બાળકને બ્રેઇનમાં તકલીફ થઇ છે, અને તે નોર્મલ નથી. પરંતુ તકલીફ ત્યાં હતી, કે હવે એબોર્સન થઈ શકે તેમ ન હતું. કારણ કે પિરિયડ ઘણો લાંબો થઈ ગયો હતો, હવે બાળકને જન્મ આપ્યા વગર ચાલે તેમ ન હતું. ડોક્ટરના કહેવા મુજબ બાળક જન્મીને તરત પણ મૃત્યુ પામે, કદાચ છેલ્લી અવસ્થામાં મૃત્યુ પામીને પણ જન્મે, કે પછી થોડો સમય જીવી અને પછી પણ મૃત્યુ પામે, અથવા તો લાંબુ જીવન પણ આ રીતનું જ તેને વિતાવવું પડે. ટૂંકમાં બાળક વિશે કોઈ નિશ્ચિતતા હતી નહીં, અને તેને એબ નોર્મલ જોઈ માતા-પિતાને એ વેદના સહન કરવાની હતી. ખરાખરીનો જંગ શરૂ થયો, એટલે કે છેલ્લા દિવસો જતાં હતા.બાળક જન્મ્યા પછી એબ નોર્મલ છે, એ ખબર પડવી અને એબ નોર્મલ જ જન્મવાનું છે એ ખબર હોવી, એ બંનેમાં બહુ ફરક છે. શ્રદ્ધા માતૃત્વના આ સમયને માણી પણ શકતી ન હતી, કે ન તે નોર્મલ રહી શકતી હતી. શ્રદ્ધાની તબિયત દિવસે દિવસે વધુને વધુ ખરાબ થતી જતી હતી, અને ક્યાંક ને ક્યાંક તે પોતાની જાતને પણ દોષી સમજતી હતી, કે તેને કારણે તેનું બાળક આ રીતે જ જન્મશે, અથવા તો મૃત્યુ પામશે. વિશ્વાસની હાલત પણ બહુ સારી ન હતી, તેને પણ માનસિક સંતાપ રહેતો હતો, કે આ બાળકને તે કેમ ઉછેરશે!! કેટલો આર્થિક ખર્ચ થશે, અથવા તો એબ નોર્મલ બાળકને કારણે સમાજમાં એ ટીકાને પાત્ર બનશે, તેની પર્સનાલિટી ડાઉન થઈ જશે, વગેરે વગેરે જુદા પ્રકારની ભાવના તેને થતી હતી.

અંતે એ દિવસ આવી ગયો, અને શ્રદ્ધાએ એક માસુમ દિકરીને જન્મ આપ્યો, જેનું માથું પાછળથી થોડું જુદું પડી ગયું હોય એ રીતે ખેચાયેલુ હતું.માનવી શરીરમાં બે‌ મહત્વના અવયવ છે,એક હ્રદય,અને બીજું મગજ, હવે આ બે માંથી એકમાં જો ખામી હોય તો પુરું થયું,એ રીતે આ નાની દીકરીને પણ ખોટ હતી.ધીરે ધીરે બાળકી મોટી થવા લાગી અને શ્રદ્ધા એ એનું નામ ભાવિ પાડ્યું. પરંતુ શ્રદ્ધા ને પતિના વ્યવહારમાં પહેલા જેવો પ્રેમ અનુભવાતો ન હતો. એ વારે વારે આ બાળકીને અપશુકનિયાળ કહેતો હતો.પતિના આવા વ્યવહારથી પહેલા તો શ્રદ્ધા ખૂબ જ રડી, પરંતુ તેણે બહુ વિચાર્યું કે આ રીતે તેને પરાણે આ સંબંધમાં ઢસડવો એ યોગ્ય નથી. આથી તેણે પોતાના પતિને કહી દીધું કે હું તને છૂટાછેડા આપવા માંગુ છું, અને, જેથી તું તારું જીવન સ્વતંત્રતાથી જીવી શકે,તારે પરાણે આ સંબધ વેઠવાની જરૂર નથી. વિશ્વાસને તો એટલું જ જોઈતું હતું, એણે તરત જ વાત સ્વીકારી લીધી. કોર્ટ કાર્યવાહી પતી ગઈ, અને શ્રધ્ધા વિશ્વાસ બંને જે એકબીજાના સુખ દુઃખમાં સાથ આપવાના વચનથી બંધાયેલા હતા એમાંથી મુક્ત થયા.

આજે તો એ વાતને પણ દસ વર્ષ થઈ ગયાં, શ્રદ્ધા નું ભાવિ, ભાવિ થકી ઉજળું હતું.હવે તો તેની તબિયતમાં પણ ઘણો સુધારો હતો.એક નર્વ એની ખેંચાયેલી હતી,એ હરિદ્વારમાં આવેલા કનખલ સ્થિત ત્યાંના યોગ સેન્ટરના પ્રખર જ્ઞાની દ્રારા તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી. છ મહિના ના અથાક પ્રયત્નોથી ભાવિ લગભગ નોર્મલ બની ગઈ, હવે એ ફક્ત શારીરિક વૃદ્ધિની રીતે થોડી કુપોષિત હતી.જે ટોનિક દવા અને ખોરાકથી સરખું થઈ જશે એવું કહ્યું. શ્રદ્ધા એ જી જાન લગાવી ને ભાવિ નું ભાવિ ઉજ્જવળ બનાવ્યું, અને આજે ભાવિ એકદમ તંદુરસ્ત છે.આમ તેણે પોતે એક સારી પત્નીનુ વચન નિભાવ્યું. ઉપરાંત એક માતા તરીકે પોતાના ગર્ભમાં રહેલ એબ નોર્મલ દિકરીને આપેલું વચન કે હું તને નોર્મલ બનાવી ને જ રહીશ,એ પણ નિભાવ્યું.

મિત્રો આજકાલ આ સમસ્યા હવે મોટાપ્રમાણમાં ઉદભવતી જોવા મળે છે, અને આવા નાના કારણોસર એક બાળકને આખી જિંદગી એબ નોર્મલ તરીકે વિતાવવાનો વારો આવે છે, હકીકતમાં જેમાં કોઈનો દોષ હોતો નથી, અને કદાચ એટલે જ આપણે ત્યાં સગર્ભા સ્ત્રીઓ માટે અમુક રૂઢી કે પરંપરાગત રિવાજ નક્કી કરવામાં આવ્યા છે,પણ અત્યારની પેઢીને એ અનુસરવાનું ગમતું નથી. આ વાર્તાની નાયિકા શ્રદ્ધાની જેમ બધી સ્ત્રીઓ પગભર અને આત્મવિશ્વાસથી ભરેલી પણ હોતી નથી, એવાં સંજોગો માં એ બાળક કારણ વગર આખી જીંદગી અપંગ કે નિઃસહાય બની જીવે છે.

શિવ શંભુ