Piyar in Gujarati Fiction Stories by Bipin Ramani books and stories PDF | પિયર

Featured Books
Categories
Share

પિયર

*🍁પિયર🍁*

દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ એણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ સાચું છે કે છાયાના પગલાં મારા ઘરમાં શુકનિયાળ હતા.

લગ્ન પહેલા હું બાપુની એ વાતને અન્ધશ્રદ્ધા જ માનતો કે નાના પગવાળી કન્યા શુકનિયાળ હોય! પણ લગન પછી જ્યારે મને એક જ મહિનામાં નોકરી મળી ત્યારે હું છાયાના પગ જોયા કરતો! ઘણીવાર મને એ કહેતી પણ ખરા, "એય, તમે શું આ પગ જોયા કરો છો? મારો ચહેરો નથી ગમતો શુ?"

"હોય કાઈ ગાંડી? આ તો તારા પગ એટલા માટે દેખું છું કે તું મારા ભરોસે ચાલીને આ ઘરમાં આવી ગઈ પણ એ પિયરના અંગણાનો સ્પર્શ યાદ તો કરતા જ હશે ને?"

ભોળી છાયાને હું એ રીતે પિયરની યાદોમાં પરોવીને મૂળ વાત ઉડાવી દેતો. પણ મને એ ક્યાં ખબર હતી કે એ પિયરની યાદમાં ખોવાઈ જતી એટલે જ એ વાત જવા દેતી બાકી એ સાવ ભોળી તો ન જ હતી!

એ પછી મારે નોકરી માટે રાજકોટ જવાનું થયુ. બા બાપુજીને ગામડે મૂકી હું અને છાયા રાજકોટમાં ભાડાના ઘરમાં ગયેલા. થોડોક સામાન થોડાક ચોપડા કપડા અને બિસ્તરા...! નવા નવા તો મને થોડું ફાવ્યું નહી પણ આપણે મર્દ જાતને શું હોય? ગમે ત્યાં ફીટ થઇ જ જઈએ ને! મને તો ખાસ કઈ ગામડું કે બા બાપુજી યાદ ન આવતા. મારો તો આખો દિવસ શાળામાં ભણાવવામાં જતો અને સાંજે રજીસ્ટર બનાવવામાં કે પછી ટેસ્ટ તૈયાર કરવામાં જતો! પણ છાયા માટે નવી જગ્યા જરાક અજાણી હતી.
પહેલા તો બા બાપુ સાથે હતા એટલે બા સાથે વાતોમાં એનો સમય નીકળી જતો. ઘણીવાર મારા પાડોશની બહેનો કે ભાભીઓ પણ બેઠક માટે આવતા! ગામડામાં જે નવી વહુ આવે એને જોવા ને જાણવા કુવારી કન્યાઓ આવે એવો રીવાજ જ ગણી લ્યો ને! સાચું કહું તો એક વહુ તરીકે કેવી રીતે રહેવું, શું બોલવું, એ બધું જ્ઞાન ગામડામાં તો નવી આવેલી વહુને જોઇને જ શીખતા ત્યારે ક્યાં ટીવી અને સીરીયલ હતી! હવે તો સીરીયલમાં દરેક કુવારી કન્યાને સાસરીયે શું કરવું એના બધા દાવપેચ એકતા કપૂર શીખવે છે!

પણ ત્યારની વાત અલગ હતી!

નવા શહેરમાં છાયા માટે ન તો બા હતી ન એ બધી કન્યાઓ કે ભાભીઓ એટલે આખો દિવસ પિયરની યાદો વાગોળ્યા કરતી! અને સોમથી શની સુધી તો ભરાઈ જતી. નોકરીના એક જ અઠવીડિયામાં જ્યારે પહેલો રવિવાર આવ્યો કે છાયા હું જાગુ એ પહેલાં તૈયાર થઈ ગઈ હતી! હું જાગ્યો એટલે તરત મને ચા આપીને કહ્યું, "જલ્દી તૈયાર થઈ જાઓ."

"કેમ ક્યાં જવું છે? અહીં આપણને કોણ ઓળખે?" મનેય નવાઈ થઇ.

"અરે પિયરમાં."

"હે પિયર? પણ કાલે સવારે તો નોકરીએ જવું પડશે."

"હા તો રાતની બસમાં પાછા આવશું પણ નાનકો જીદ કરે છે
બનેવીલાલને નોકરી મળી એની મીઠાઈ લઈને આવ એટલે આવ."
મારુ મન તો નહોતું પણ હું સવારથી કજીયો કરવા નહોતો ઇચ્છતો એટલે મેં હા માં હા ભેળવી. હું તૈયાર થઈ ગયો. સ્ટેશન જઈને અર્ધો કલાક રાહ જોઈ. બસ આવી ત્યારે મેં એનો ચહેરો જોયેલો વર્ણન ન કરી શકાય એટલી એ રાજી હતી! અમે બસમાં બેઠક લીધી ત્યાં મેં એને યાદ કરાવ્યું,

"પણ અલી આપણે મીઠાઈ તો લીધી જ નથી, ત્યાં ગામડા ગામમાં શુ મળશે?"

ખડખડાટ હસીને છાયાએ મારા ઉતરેલા ચહેરા તરફ જોયું ત્યારે એના એ હાસ્યમાં ઘણા શબ્દો હું કળી ગયો કે જેને હું ભોળી સમજતો હતો એ મને બનાવી ગઈ! નાનકાને મીઠાઈ માટે નહીં પણ પોતે પિયરનું આગણ ખૂંદવા માટે જ મને બનાવી ગઈ હતી!

ખેર જે થયું એ થઈ ગયું હવે કાઈ એનાથી વઢવાથી ફરી ઘરે જઈને ઊંઘવા તો નથી જ મળવાનું ને? એમ વિચારી હું મારા હોઠ ઉપર એક સ્મિત લાવી એની પાસે એક આદર્શ પતિની જેમ બેસી રહ્યો.

અમે બપોરે મારા સાસરિયે પહોંચ્યા ત્યારે તો અચ્છો અચ્છો વાનાવાળી મહેમાન ગતી મળી. સાંજ સુધી હું મારા તોફાની નાનકડા સાળા અને મારા ગંભીર સસરા સાથે વાર્તાલાપમાં ત્રાસી ગયો કેમ કે ખાટલાંના એક છેડે મારા ગંભીર સસરા ત્રિકમલાલ અને બીજે છેડે મારો સાળો રમણ બેઠો હતો અને મારી પાસે ચહેરો એક જ હતો.

સસરાની વાત ઉપર ગંભીર ચહેરો કરી હું બેઠો હોઉં ત્યાં પેલી તરફથી રમણ મને કૂણી મારે એટલે એની સામે મારો એ ગંભીર ચહેરો લઈને ફરું એટલે એ નારાજ થઈ જાય. ત્યાં સુધી તો ઠીક હતું પણ જ્યારે રમણ મને એની બહેનના એટલે કે છાયાના નાનપણના ફોટા મને એના બાપુ દેખે નહિ એમ છાના છાના બતાવતો. અને એ ગાંડી ઘેલી નાનકડી છાયાને જોઈ ખખડાટ હસતા હસતા મારા સસરા તરફ જોતો એટલે થોડી વારે કંટાળીને મને ગાંડો સમજીને ઉભા થઇ મંદિરે ચાલ્યા ગયા.

સાંજ સુધી છાયા તો એની મા સાથે વાતો કરતી રહી પછી મેં જ જ્યારે એની અડોશ પાડોશની બહેનપણીઓ ગઈ તયારે એને ટકોર કરી કે કાલે શાળાએ જવાનું છે એટલે એ ઉભી થઈ ગઈ.

દીકરી અને મા વચ્ચે ઘણી ખેંચમતાણ ચાલી પછી છેવટે મારી નોકરી ખાતર અમને વિદાય મળી. મારા માટે એ સ્નેહ ત્યારે તો એક મજાક જ હતો કેમ કે પુરુષ ગમે ત્યારે ઘર છોડીને જાય એને માત્ર દુઃખમાં જ મા બાપ યાદ આવે. મારેય એવું જ હતું. હું ભાગ્યે જ બા બાપુને યાદ કરતો. પણ સ્ત્રીને તો પિયર યાદ આવે જ એમાંય નવપરિણિતને તો ખાસ યાદ આવે!

અમે ત્યાંથી નીકળ્યા અને વળતા પણ એ જ રીતે ધક્કામુક્કીવાળી બસમાં રાજકોટ પહોંચ્યા. રાતે અગિયાર વાગે ઘરના દરવાજે આવ્યા ત્યાં તો શરીર એટલું થાકયું હતું અને મગજ એટલું કંટાળ્યું હતું કે હું સીધો જ જઈને ખાટલામાં પડ્યો એવો સુઈ ગયો....

આ તો એક ઉદાહરણ હતું જેને હું ભોળી સમજતો એ છાયા મને બનાવી ગઈ હોય એવું. એ પછી તો બાપુ બીમાર છે, બહેનપણીને બાબો આવ્યો છે, નાનકાને હાઈસ્કૂલમાં પ્રથમ નંબર આવ્યો છે એવા કેટ કેટલા બહાના કરીને મને એ એક જ દિવસમાં રાજકોટથી એના પિયર અને પિયરથી પાછા રાજકોટની દોઢસો કિલોમીટરની મુસાફરી કરાવી દેતી.

હું એ બધું ચલાવી લેતો કેમ કે બિચારી અજાણ્યા શહેરમાં કોની જોડે વાતો કરે? અડોશી પાડોશી તો હતા પણ હવે પારકી માના જણ્યાઓ કેવા હોય? ઠીક મારા ભાઈ! એટલે એ સોમથી શનિ મનોમન કંટાળીને છ દિવસની મહેનતે કોઈ નવું બહાનું બનાવીને એ દોઢસો કિલોમીટરની સફર કરાવી દેતી! ને પછી તો મનેય આદત પડી ગઈ હતી એ સફરની કે કોઈ વાર એ મને ન જગાડે તો પણ મારી આંખ રવિવારે ચાર વાગે ખુલી જ જતી!

છાયા પિયર વગર રહી જ ન શક્તી એમ કહું તો પણ ખોટું નથી. પણ તે છતાં એક જ દિવસમાં છાયા કેટલી બદલી ગઈ હતી? બસ એ એક ઘટના ઘટી ને છાયા મારો પડછાયો બની ગઈ.

એકવાર મેં નવું નવું સ્કૂટર લીધેલું. હજુ બરાબર મને આવડ્યું નહોતું. ક્યાંથી આવડે જેને શીખવવા કહેતો એ શિક્ષક પેટ્રોલ પતી જાય ત્યાં સુધી ખુદ આંટા મારતા અને કહેતા જતા. જો વિનોદભાઈ આ રીતે ટન લેવાનો, આ રીતે રેસ આપવો, આ રીતે ગીયર બદલવા. પણ એ લોકો ચલાવે તો મને ક્યાંથી આવડે? તેમ છતાં હું એમ વિચારતો કે ધીમે ધીમે જોઈ જોઇને શીખી લઈશ પણ એ દિવસે જયારે નીલકંઠ મહેતાએ સ્કુટર હાઈવે ઉપર લીધું અને પેટ્રોલ પૂરું થઇ ગયું ત્યારે એ મહોદય તો પોતાના સસરાના ઘરે ચાલ્યો ગયો કેમ કે એ એવા પ્લાનીન્ગથી જ મને સ્કુટર શીખવવા આવ્યો હતો! એ સમયે તો પેટ્રોલ પંપ પણ ઓછા હતા એટલે મારે પગપાળા સ્કુટર લઈને ઘરે આવવું પડ્યું.

મારા નવા સ્કુટરથી એ લોકો વટ પાડી ગયા અને મજા પણ લઇ ગયા! ખેર એ દિવસ પછી મેં સાહસ કરીને સ્કુટર જાતે જ ચલાવવાનો નિર્ણય કર્યો. અને સ્કુટર લઈને હું શાળાએ જવા લાગ્યો. પણ એ સાહસ મોઘું પડ્યું! એક દિવસ શાળાએથી આવતા હું પડ્યો અને મારી કંમરમાં ઇજા થઇ.

ઓપરેશન અને સતત બે મહિનાના આરામ પછી પણ ડોકટરે મને ટુ વહીલર ચલાવવાની ચોખ્ખી ના પાડી. તેમજ એક જ જગ્યાએ ઘણીવાર બેસી ન રહેવું એ પણ ખાસ ચેતવણી આપી. દર અર્ધા કલાકે એક વાર ખુરશીમાંથી ઉભા થઇ જવાનું.

એ તો સારું થયું કે શાળામાં મારી મરજી મુજબ હું ચાહું ત્યારે ખુરશીમાં બેસી જતો ચાહું ત્યારે ઉભો થતો. પણ જો બીજી કોઈ નોકરી હોય તો હું દર અર્ધા કલાકે ઉભો થાઉં એ કેવું લાગે?

ઘરે પણ મને છાયા ટીવી જોવા ન દેતી. અર્ધો કલાક થાય કે એ સ્વીચ પાડી દેતી! "ચાલો ઉભા થઇ જાઓ, એક આંટો મારી આવો આગણા સુધી." કહી મને હાથનો ટેકો આપી ઉભો કરી દેતી.

એ પછી એક બે વાર હું અને છાયા પેલી દોઢસો કિમિની મુસાફરીમાં ગયા પણ સતત બસમાં બેસવાથી અને ખરબચડા ખાડાવાળા રોડમાં પછડાવાથી સાંજે મારી કંમર પકડાઈ જતી. પારાવાર દુખાવો થયો. ફરી ડોકટરે મને છેલ્લી ચેતવણી આપી કે હવે હું તમારો કેસ હાથમાં જ નહિ લઉં!

એ પછી તો કયારેય છાયાએ મને એકેય રવિવારે સવારે ચાર વાગ્યે જગાડ્યો નથી... નથી તો એ મને એકલો મૂકીને ક્યારેય પિયર ગઈ. પછી તો પોતાનું ઘર લીધું એટલે મારા બા બાપુને પણ મેં રાજકોટ લાવી દીધા. આજે તો મારો દીકરો શુનીલ પણ કોલેજમાં આવી ગયો છે. એનું મન થાય તો એ મામા રમણને ત્યાં જાય છે. પણ છાયા હજુ સુધી ક્યારેય પિયર નથી ગઈ!! પિયર શબ્દ સાંભળી જે છાયા ઘેલી થઇ જતી એ છાયા અઢાર વર્ષથી પિયર જવાનું નામ જ નથી લેતી!! મેં ઘણી વાર એને બળપૂર્વક કહ્યું પણ એ ન ગઈ તે ન જ ગઈ!!

આજે તો હવે એને હું એક મોટી ના ના એના જીવનની મોટી ભેંટ આપવાનો છું. મેં કાલે રાત્રે જ ગાડી ખરીદી છે અને ગળીની બહાર મૂકી છે. ના ના ગાડી તો છાયા માટે ભેટ નથી ભેંટ તો એ છે કે હમણાં શુનીલ ગળીના છેડેથી ગાડી લઇ આવશે એટલે હરખાતી હરખાતી છાયા ગાડીને વધાવશે. ને પછી શુનીલને બા બાપુનું ધ્યાન રાખવા ઘરે જ રાખીશ ને હું ને છાયા પેલી દોઢસો કિમીની સફરે ઉપડી જઈશું! હા કેમ કે ગાડી તો કાયમ શુનીલ ચલાવશે હું તો બસ એક દિવસ છાયાને લઇ જવાનો છું. ને હા ગાડી મેં ડ્રાઇવિંગ શાળામાં બરાબર શીખી લીધી છે. વિનોદભાઈ કઈ એટલા મુર્ખ નથી કે સ્કુટરવાળો કિસ્સો ફરી થવા દે!!

ગાડીમાં દર અર્ધા કલાકે એ મને બ્રેક કરાવશે જંપ આવશે એટલે ચીસ પાડીને બ્રેક કરાવશે પણ એ બધું તો ચાલશે બસ એ મને આ સફર ઉપર જવાની છૂટ આપે તો એ બધું તો વસુલ છે! બિચારી મનમાં તો રોજ નાનકાને ને બા બાપુને યાદ કરતી હશે ભલે રમણ મોટો થઇ ગયો પણ એના માટે તો નાનકો જ રે’શે ને????
બસ ચા પૂરી કરીને એને કહું છું ચાલ છાયા તારા આ નાનકડા શુકનિયાળ પગથી પિયરનું આંગણું ખુંદવા! જો નહિ માને તો મને ક્યાં નથી આવડતું એને પિયર ભેગી કરતા !!!!

- મારા દ્વારા લખાયેલ નથી

શિવ શંભુ