Baal Bodhkathao - 8 in Gujarati Children Stories by Yuvrajsinh jadeja books and stories PDF | બાળ બોધકથાઓ - 8 - કાળી ગાય , સફેદ ગાય

Featured Books
Categories
Share

બાળ બોધકથાઓ - 8 - કાળી ગાય , સફેદ ગાય

કાળી ગાય , સફેદ ગાય

શાળાનું નવું વર્ષ ચાલું થયું તું . બાળકો મામાના ઘરેથી પાછા આવી ગયા હતાં . નવા પુસ્તકોની સુગંધ , ખભ્ભે નવા દફ્તર અને નવિન ઉત્સાહ સાથે બાળકો શાળાએ આવવા માંડ્યા હતા . ઘણા બાળકોનું નવું એડમિશન પણ થયેલું .

ઉર્વા દીદી ના સાતમા ધોરણના ક્લાસમાં એવો જ એક નવું એડમિશન લીધેલ બાળક લલિત આવેલો . પહેલા દિવસે તો એ ખુબ ખુશ હતો પણ ધીમે ધીમે એ ઉદાસ રહેવા લાગ્યો . ઉર્વા દીદી ને કશું સમજાતું ન્હોતું એટલે એમને બીજા જુના વિદ્યાર્થીઓ પાસેથી થોડી તપાસ કરી . તપાસ કરતાં જણાયું લલિતની ઉદાસીનું કારણ છે એના મોટા ચશ્મા . ક્લાસના બીજા બાળકો એને બાડો બાડો કહી ચીડવતા હતા ખાસ કરીને રોનક અને એની ટોળકી . ઉર્વા દીદી ને દુઃખ થયું એમને ઘરે પણ સતત લલિતના વિચારો આવતા રહ્યા .

બીજા દિવસે ક્લાસમાં આવતાની સાથે જ ઉર્વા દીદી એ કહ્યું "બાળકો આજે આપણે એક વાર્તા સાંભળીશું" બાળકો તો રાજી ના રેળ થઈ ગયાં ને બુમો પાડવા લાગ્યા "વાર્તા.. વાર્તા..."
ઉર્વા દીદી એ કહ્યું વાર્તા નું નામ છે "સફેદ ગાય... કાળી ગાય..." તો ચાલો સાંભળીએ


વાર્તા એમ છે કે , બહું સમય પહેલા ગોપાલદેવ નામના એક રાજા હતા એમને સફેદ ગાયો ખુબ પ્રિય હતી . એમની ગૌશાળામાં બધી ગાયો સફેદ જ હતી પણ એક વાર એમણે એક કાળી ગાય મળી જેના પગે લાગેલું હતું એટલે એ ચાલી પણ માંડ માંડ શકતી . તો ગોપાલદેવ એ ગાયનો ઉપચાર કરવા ગૌશાળામાં લઈ આવ્યા ને પછી ગાય ત્યાં જ રહી પણ થોડા વખત બાદ રાજાએ જોયું કે બધી જ ગાયો એક જેવો જ ખોરાક લે છે , ઉંચા પ્રકારની ખોળ ખાય છે છતાં આ કાળી ગાય બીજી ગાયો કરતાં ઓછું દુધ આપે છે ને એની આંખોમાં આંસુના નિશાન જોવા મળે છે .

રાજાથી આ કોયડો ન ઉકેલાતા એમને રાજ્યના સૌથી સમજદાર મંત્રી બુદ્ધદેવ ને વાત કરી . બુદ્ધદેવે કહ્યું રાજાજી મને માત્ર ત્રણ દિવસ આપો હું ત્રણ દિવસ ગૌશાળામાં રહીશ તમારે ગૌશાળાના રખ-રખાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો . જેમ અત્યારે ચાલે છે તેમ જ ચાલવા દેવું . હું ત્રણ દિવસમાં આ કોયડો ઉકેલી આપીશ રાજાજી એ તરત હા પાડી .

ત્રણ દિવસ બાદ બુદ્ધદેવ રાજાજી ને મળ્યા અને કહ્યું કે રાજાજી તમે જ્યારે ગૌશાળામાં આવો છો તો તમારી દરેક સફેદ ગાય પર હાથ ફેરવો છો અને વ્હાલ કરો છો સાચું??? રાજાજી એ કહ્યું "હા બરાબર" તો પેલી કાળી ગાય ને વ્હાલ કેમ નહીં??? એને પણ એક સરખો જ વ્હાલ કરો તમારી મુસીબત દુર થશે . રાજાજી ને પોતાની ભુલ સમજાઈ અને ખૂબ પસ્તાવો થયો બીજા દિવસથી રાજાજી સૌથી પહેલાં એ કાળી ગાય પાસે જતા અને ખૂબ વ્હાલ કરતા ધીમે ધીમે એ ગાય પણ બધી ગાયો જેટલું જ દુધ આપવા માંડી અને એની આંખો પરથી આંસુના નિશાન પણ જતા રહ્યાં પછી સહુએ ખાધું પીધું ને રાજ કીધું ‌.
આખા ક્લાસમાં સોંપો પડી ગયો . ઉર્વા દીદી એ પુછ્યુ "બાળકો શું શીખ્યા આ વાર્તા પરથી?" લલિત એ હાથ ઉંચો કર્યો ને બોલ્યો "જો બાહ્ય દેખાવ પરથી કે કોઈ નબળાઈ ના કારણે ભેદ પાડતા જાનવર પણ આટલું દુઃખી થતું હોય તો માણસ તો કેટલો દુઃખી થતો હશે" આટલું કહેતાં લલિત ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો ને ઉર્વા દીદી પણ પોતાની આંખો પર પાળ ન બાંધી શક્યા . ઉર્વા દીદી એ લલિતને ખુબ પ્રેમથી ગળે વળગાડ્યો . બીજા બધા બાળકોની આંખો પણ ભીની હતી ખાસ કરીને રોનકની , એમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ . પછીથી ક્યારેય કોઈ વિધ્યાર્થી બીજા વિદ્યાર્થીને ચીડવતો નહીં બધા એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગ્યા અને આજે રોનક અને લલિત સૌથી પાકા ભાઈબંધ છે .