"આઇ.સી.યુ. (ICU)" જે લોકો મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા નથી એમના માટે ડરામણો શબ્દ. "હાય..હાય.. આઈ.સી.યુ.(ICU) માં દાખલ છે, તો તો બચવાના ઓછા ચાન્સીસ હશે"."એકવાર આઈ.સી.યુમાં ગયા પછી ભગવાનની મહેરબાની હોય તો જ પાછા આવીએ"."આમ તો કાંઈ હોય નહીં પણ ડોક્ટરોને વધુ પૈસા ખંખેરવા હોય એટલે બિવરાવે " આવી આવી વાતો થાય.
મારાં તો કામ નું સ્થળ, દર્દીની સારવાર માટે થતા રિપોર્ટ, રિપોર્ટ મુજબ દવા, દવાના ડોઝની ગણતરી, દર મિનિટે દર્દીની બદલાતી પરિસ્થિતિ, આ બધાની સાથે તમારે આંતરિક ભાવો સાથે પણ તાલ-મેલ સાધવો પડે.
બાજુ બાજુમાં રહેલા બે દર્દીની વચ્ચે છ ફૂટનું અંતર પસાર કરતા જેમ એનું નિદાન બદલાય તેમ તમારા ભાવોને પણ, ઘડીના છઠ્ઠા ભાગમાં બદલવાના અને એ પણ સામેવાળાને જાણ ન થાય એમ. કોઈ ગભરાયેલા હોય તો "કંઈ જ નથી, બધું જ સારું છે." એમ સાંત્વના આપવી પડે અને બાજુમાં જ દર્દી વેન્ટિલેટર (ventilator) ઉપર હોય તો ગંભીર ચહેરે સગાને પરિસ્થિતિ સમજાવવાની અને ત્રીજું દર્દી રજા લઈને જાય છે, તો સસ્મિત વદને "આવજો" પણ કહેવાનું.
સાંજના લગભગ 7:00 વાગ્યાનો સમય, હું એક રિકવર થયેલા દર્દીને "હવે તો તમને સારું છે, કાલે તો રજા આપી દઈશું" ની વાતો કરતા હતાં, ત્યાં જ ચાલીસેક વર્ષના ભાઈને આઈ.સી.યુ.(ICU) માં લાવવામાં આવ્યા. ઈમરજન્સી માંથી આવેલા ડોક્ટરે ટૂંકાણમાં એમની હિસ્ટ્રી કહી કે "કલાક પહેલા જ પતિ પત્ની બાઈક પર જતા હતા અને ગાડી સ્લીપ ખાઈ જતા આમને માથે વાગ્યું છે અને એમના પત્ની બિલકુલ સ્વસ્થ છે."
મેં દર્દીની બને તેટલી ઝડપથી તપાસ કરી. તદ્દન બેહોશ, આંખોમાં કોઈ જ ગતિવિધિ નહીં, શ્વાસ ચાલુ પણ ખૂબ જ ધીમાં ધીમાં મેં મોટેથી બૂમ પાડી "સિસ્ટર ઇનટયુબેશન ટ્રોલી (ગળામાં નળી નાખવા માટે જરૂરી સાધનો) લઈ આવો, આમને વેન્ટિલેટર ઉપર મૂકવા પડશે.
બીજી જ મિનિટે બે - ત્રણ નર્સિંગ સ્ટાફ દર્દીના બેડ ની બાજુમાં ઉભા હતા, અને દર્દીના માથા તરફ હું. "
"સર, કઈ સાઇઝ ની ET ટ્યુબ આપું ?"
"આઠ નંબર."
"સર મિડાઝ ? (બેભાન કરવા માટેનું ઇન્જેક્શન)."
"ના,જરૂર નથી અત્યારે."
"સર, માસ્ક તો પહેરો."
"ચાલશે અત્યારે" આવા 30 સેકન્ડ ના વાર્તાલાપ કરતાં કરતાં દર્દીની શ્વાસનળીમાં કૃત્રિમ નળી નાખીને, વેન્ટિલેટર પર જોડી ત્યારે કંઈક, મારામાં જીવ આવ્યો.
નળીની સાઈઝ, ઇન્જેક્શન આપવું કે નહીં, આપવું તો કેટલો ડોઝ આપવો, આ બધી જ બાબતો સેકન્ડમાં નક્કી કરવાની હોય છે. આવા ઝડપી નિર્ણયો લેવા પાછળ વર્ષો નીકળી જતા હોય છે.
દર્દીને વેન્ટિલેટર પર મૂક્યા બાદ એમનાં પત્નીને મળવા માટે બોલાવ્યાં અને હું પરિસ્થિતિ કેટલી ગંભીર છે એ સમજાવવાનો પ્રયાસ કરતો હતો " કે તમારા પતિને મગજ માં લોહી બહુજ વહી ગયું છે, એટલે હાલ તો પૂરા બેભાન ની હાલતમાં જ છે, તમે કોમાં જેવી જ પરિસ્થિતિ ગણી લો, વધુ આપડે મગજ નો સીટી સ્કેન કરાવીએ પછી જ કંઈ કહી શકાય, હાલ એમના શ્વાસ પૂરા ચાલતા નથી બધાજ શ્વાસ મશીન દ્વારા જ આપીએ છીએ. એટલે દર્દી ની હાલત ખુબ જ ગંભીર છે."
પણ એ બહેન એક નજરે એમના પતિના માથા તરફ, પગ તરફ, એના શ્વાસ કેવી રીતે ચાલે છે, એ આંખો કેમ નથી ખોલતાં ?, એમાં જ ડૂબેલી હતી. કશું જ ન બોલ્યા... ફક્ત જોતા રહ્યા...એવી આશા સાથે કે, હમણાં જ આંખો ખોલીને કહેશે કે, ભલે મારી આંખો બંધ હોય, પરંતુ મને ખબર છે બાજુમાં તું જ ઉભી છો."
અને એક મિનિટ પછી એ બહેન એટલું જ બોલ્યાં "હું એમના માથા પર હાથ ફેરવી શકું ? કદાચ એ આંખો ખોલે" અને મેં મૂંગા મોઢે ફક્ત હકારમાં માથું હલાવ્યું.
કમલ કવા...૧૭/૧૧/૨૩