Lohino Dagh - 11 in Gujarati Moral Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | લોહીનો ‌ડાઘ - પ્રકરણ 11

Featured Books
Categories
Share

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 11

પરસોત્તમના ધેર મોરીખા થી મહેમાનો આવ્યા હતા.ધેર ચા મૂકવાનું કહેવા ગયેલા પરસોતમે પત્નીને એક બાજુ બોલાવીને ભલામણ કરી."રતનને કહેજે કે જરા સરખી રીતે ફરૅ"તેને જોવા માટે મહેમાનો આવ્યા છે."એટલી ભલામણ કરીને મહેમાનો પાસે આવીને તે બેઠા.રતન વગડામાંથી લાકડાંનો ભારો લઈને ઘેર આવી.ભારો ઉતારી ને પાણી પીધું ને પછી હાથમાં બેડું લઈને પાણી ભરવા જવાની તૈયારી કરી.એજ વખતે તેની માં એ પાસે આવીને ભલામણ કરી."બેટા રતુ, જરાક લોયે ફરજે હો !'તને જોવા મોરીખા થી મહેમાનો આવ્યા છે."
રતને સાંભળ્યું નસાંભળ્યું કર્યું ને ત્રાંસી નજરે મહેમાનો તરફ જોતી પાણી ભરવા ચાલતી થઈ. રસ્તામાં બે પનિહારીઓ સામે આવી રહી હતી.તે તેની તરફ ઇશારો કરીને કાંઇક ખાનગી ગુસપુસ કરી રહી હતી.રતન પાણી ભરવા કૂવે આવી.કૂવે પાણી ભરતી એક સ્ત્રીએ પુછ્યું.
"કયા ગામના મે'માન છે.બુન !"
"મને કંઇ ખબર નથી."રતને ટૂંકો જ જવાબ આપ્યો.
"લે,કર વાત.ખબર હોય તોય એના મોઢેથી નાજ કહેને કે
'ફલાણા'ગામના મહેમાન છે."બીજી સ્ત્રી રતન નો બચાવ કરતાં બોલી. "આ જુઓ ને બેન'બા બનાવે છે એ !બધીજ ખબર છે, કે 'મોરીખા ના મહેમાન છે.અને પોતાની સગાઈ કરવા આવ્યા છે. છતાં પોતાના મોંઢે થી કાંઇ બોલે છે ?" પે'લી સ્ત્રી હસતાં -હસતાં બોલી.
"તમારી સગાઈ કરેને! મારી શું કામ કરે ?"રતન લગભગ ગાંડપણ જેવા શબ્દોમાં બોલી.
"અમારી સગાઈ તો બુન,થઈ ગઈ આ ભવમાં તો ! હવે તો આવતે ભવ વાત."અને તમારેય કાલ ઉઠીને બીજા ધેર તો જાવું જ પડશે ને!"બીજી સ્ત્રી પાણી નું બેડું ઉપાડતાં બોલી. રતન પાણી ભરીને ઘેર આવી.તેને ચક્કર આવ્યા અને તેનું માથું ભમતું હોય તેવું તેણીને લાગ્યું.તેના માથામાં ભયંકર દર્દ ઊપડ્યું. તે પાણિયારે બેડું ઉતારી ને બોલી.
"મા ! કયા ગામના મે'માન છે.અને શું કામે આવ્યા છે ?"
તેની માં કીટલી માં ચા ભરતાં બોલી."બેટા ધીમે બોલ, મોરીખા ના મહેમાન છે.એ તને જોવા અને તારી સઞાઇ માટે આવ્યા છે.સામે ઘર પણ સારું છે.". રતન ને આભ અને ધરતી ચક્કર -ચકકર ફરતાં દેખાણા.તેણી ના પગ તળેથી ધરતી સરકી ગઈ. તેને લાગ્યું કે તેના માથામાં કોઈકે મોટો પથ્થર ઝીંકી દીધો છે."ન....હી...!"એવી ચીસ પાડીને બેભાન થઈને તે ત્યાં જ ઢળી પડી. હાથમાંની ચાની કીટલી ફેંકીને તેની મા દોડી.મહેમાનો પાસેથી પરસોત્તમ પણ દોડતા ત્યાં આવ્યા.ખાટલા ઉપરના મહેમાનો પણ શું થયું તેની ચિંતામાં ઊંચા -નીચા થવા લાગ્યા.
તેની માએ રતન ને ખોળામાં લઈ લીધી."જાઓ-જાઓ !ઝટ બાપજી ને બોલાવી લાવો.આમ એકાએક શું થઈ ગયું
છોડીને ?" પરસોત્તમ મહેમાનો ને"તમો બેસો.હુ આવું છું."કહીને બાપજી નેં બોલાવવા દોડતા મંદિર તરફ ઉપડ્યા.રતનની ચીસ સાંભળી ને બે -ચાર પડોશીઓ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. આવીને સૌ પૂછતાં હતાં."શું થયું રતન નેં ?". "હજુ તો બેડું ભરીને આવી ને માંડ ઊભીયે નથી રહીં. ત્યાં ન જાણે શું થઈ ગયું!"તેની મા ચિંતાતુર સાદે કહેતી હતી. થોડી વારમાં જ પરસોત્તમ બાવાજી નેં બોલાવીને ત્યાં આવી પહોંચ્યા. બૈરાંએ એક બાજુ ખસીને તેમને જગ્યા કરી આપી.બાવાજી એ રતન પાસે આવીને તેના ચહેરાનું નિરીક્ષણ કર્યું.પછી હોંઠ ફફડાવીને મંત્ર ભણીને એક દોરો બનાવ્યો.તે રતન ના જમણા બાવડે બાંધ્યો પાંચ અગરબત્તીઓ સળગાવીને રતન ના માથા ઉપર ફેરવી.ને તે અગરબત્તીઓની રાખ પાણી ભરેલા પ્યાલામાં ખંખેરી.અગરબતીઓ પાણિયારે ખોસી.પછી પ્યાલામાંથી હથેળીમાં પાણી લઈ રતન ના મો ઉપર છંટકાવ કર્યો. એક, બે અને ત્રીજા છંટકાવે રતન આંખો ખોલીને બેઠી થઇ.તે બાપજી તથા આજુબાજુના લોકોને વિચિત્ર નજરે જોવા લાગી.તેણીની નજર ખાટલા ઉપર બેઠેલા મહેમાનો ઉપર ગઈ.અને તેણીના ચહેરાનો રંગ ફરી ગયો.અને તે પાસે પડેલો કપડાં ધોવાનો ધોકો લઈ
ને મહેમાનો તરફ દોડી. "મારા હાહરાઓ ! કોની સગાઈ કરવા આવ્યા છો ? તમારી મા'ની કરો ને સગાઈ ?"
પરસોતમ દોડતા આવ્યા .અને ગુસ્સામાં બે- ચાર તમાચા રતનને લગાવી દીધા .રતન ધોકો ફેંકીને ત્યાં જ બેસી ગઈ ને પોતાનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય તેમ,વળાપ કરીને મોટા સાદે રડવા લાગી .તેના રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના લોકોને ધ્રાસકો પડ્યો કે ,પરસોતમના ઘેર કોઈ સાજુ- માંદુ તો હતું જ નહીં .તો પછી આ અચાનક શું થઈ ગયું ? જેમ -જેમ લોકો ભેગા થતા ગયા તેમ- તેમ રતન વધુને વધુ જોરથી રડવા લાગી. ને પોતાના વાળ પકડીને ખેંચવા લાગી બાપજીએ પરષોત્તમને એક બાજુ બોલાવ્યા અને ખાનગી કહ્યું કે કોઈ મોટા ભૂત- પ્રેતના ઝપટમાં આવી ગઈ હોય એમ લાગે છે." " તો હવે આનું શું કરીશું ?' પરસોતમે ચિંતાતુર સાદે પૂછ્યું . બાપજી કંઈક વિચાર કરીને બોલ્યા "એમ કરો, બધાને અત્યારે પોતપોતાના ઘેર જવાનું કહો.આજે મોડી રાત્રે આપણે તેનો વળગાડ કાઢવાની વિધિ કરીશું ." પરસોતમના કહેવાથી સૌ પોતપોતાના ઘેર જવા રવાના થયાં .રતન પણ હવે પોતાની ઓઢણી ઓઢીને જમીન ઉપર જ સુઈ ગઈ હતી .બાપજી મહેમાનો પાસે આવીને બેઠા રતનની માં ચા લઈને આવી ,તે પીને મહેમાનો જમવા પણ ન રોકાણા અને સગાઈ કર્યા વિના જ પોતાને ગામ જવા રવાના થયા
આજે રાતે રતનનો વળગાડ કાઢવાનો છે તે વાત પરષોત્તમ અને બાવાજીએ ઘણી ખાનગી રાખી હોવા છતાં સરવા કાન વાળા ને કાને તે વાત પડી ગઈ હતી .તેથી એક પછી એક જણ સરકીને 20- 25 માણસો પરસોત્તમ ના ઘેર ભેગા થઈ ગયા હતા .બાવાજી એક બાજુ સમાધિ લગાવીને કંઈક જાપ કરી રહ્યા હતા .બાકી ત્યાં ચુપકીદી છવાયેલી હતી .બાવાજી જાપ કરીને ઉઠ્યા.ઓસરી માં જમીન ઉપર સૂતેલી રતન પાસે આવીને બેઠા. લોકો પણ એક પછી એક ચુપકીદીથી આવીને તેમની આજુબાજુ ગોઠવાઈ ગયા .બાવાજીએ અગરબત્તીઓ સળગાવીને સુતેલી રતન ના માથા ઉપર ફેરવી ને પછી તેણીને બેઠી કરીને પૂછ્યું "બોલ ...! તું કોણ છે ?" રતન બે હાથ જોડતા કરગરી"બાપજી હું કોઈ નથી મહેરબાની કરીને મારો કેડો મુકો તો બસ !" બાવાજી હોઠમાં હસ્યા અને પછી બોલ્યા" તું કોઈ નથી ,એ તો હું સારી રીતે જાણું છું પણ તું શું લેવા આવ્યુ છો એ બોલ !" " જીવ લેવા !" રતન લગભગ ક્રોધમાં જ બોલી ગઈ . બાવાજી જોરથી હસ્યા અને બોલ્યા "જીવ લેવા ? જીવ તો એમ રસ્તામાં પડ્યો છે ? "ને તારા જેવાં તો મે કેટલાંય કાઢી નાખ્યાં છે. "માટે બીજું જે જોઈએ તે માંગી લે !". " મારે કંઈ નથી જોઈતું ભાઈ સાબ ! મારો કેડો મુકો તો બસ !" રતન રડતા રડતા કરગરવા લાગી. કાંઈ નથી જોઈતું તો આવી છો કેમ ? ચાલ ઉઠ તારે માર્ગે પડ !"બાવાજી કડક સાદે આંખો કાઢીને બોલ્યા . "પણ મારું ઘર તો આ જ છે ને બીજે ક્યાં જાઉં ?" રતન રડતા રડતા બોલી. " તું એમ સીધી રીતે નહીં માને !"કહીને બાવાજીએ પાછળ જોયું ને બોલ્યા "રામલા, પેલા કાકડા પડ્યા એ સળગાવી લાવતો. રામલો તેલમાં બોળેલા બે કાકડા લઈ આવ્યો. બાવાજીએ બંને કાકડા દીવાસળી થી સળગાવ્યા .રતન એકી નજરે તેમના તરફ જોઈ રહી .તે ભયથી ધ્રુજી ઉઠી ને થરથર કાપવા લાગી." હજી ધૂણે છે ? ચાલ ઉઠ, તારે માર્ગે પડ જાય છે કે નહીં ?"નહીં તો બાળીને રાખ કરી નાખીશ સમજ્યું ?" ને બાવાજીનો આ વખતનો કડક ચહેરો જોઈને જોનાર પણ ધ્રુજી ઉઠ્યા.બાવાજી સળગતા કાકડા રતન ના ગાળ પાસે લઈ ગયા અને બોલ્યા "ચાલ ભાગ !" જોનાર સૌના જીવ અધ્ધર ચોટી ગયા.ને બાવાજી એ સળગતા કાકડા રતન ના કોમળ ગાલ ર્ઉપર અડાડી દીધા. રતન ચીસ પાડી ઉઠી ."જાઉં... છું .જાઉં...!"કહેતી ચીસો પાડતી તે બહાર દોડી.બાવાજી અને ટોળું તેની પાછળ દોડ્યું . ઝાપાની બહાર નીકળતા જ ઠેશ વાગવાથી રતન જમીન ઉપર પડી ગઈ. બાવાજી એ જમીન ઉપર પડેલી રતન ઉપર ત્રણ ચાર વખત ધૂપ ફેરવ્યું ને વળગાડ કાઢીને પાદર તરફ ચાલતા થયા. કઠણ છાતીના પાંચ -છ યુવાનો તેમની સાથે ગયા .થોડીવાર પછી રતન બેઠી થઈ, પોતાની ચુંદડી ઓઢીને આવીને ખાટલામાં સુઈ ગઈ. પરષોત્તમ તથા બીજાં સૌએ રતન નો વળગાડ ગયો એમ સમજીને રાહતનો શ્વાસ લીધો .
સવારે રતન ઉઠી. ઊઠતાંની સાથે જ મોટેથી પોક મૂકીને રડવા લાગી .ને પછી પાણીનો લોટો ભરીને પોતાના જ માથા ઉપર રેડવા લાગી .પરષોત્તમ દોડતા જઈને બાવાજીને બોલાવી લાગ્યા .બાવાજીને જોઈને તો તે ચીસો પાડી પાડીને વધુ જોરથી રડવા લાગી. બાવાજી કેટલોક વખત દૂર ઊભા રહીને રતન નું નિરીક્ષણ કરતા રહ્યા. અને પછી ભારે પગલે પરસોતમ પાસે આવીને બોલ્યા. "પરસોત્તમ આમાં હવે મારી કારી લાગે એમ લાગતું નથી. તમને જેમ ઠીક લાગે એમ કરો ,અને બીજા ગમે તેને બતાવો .". તે પછી તો તેમણે રતનને મોટા મોટા દવાખાનામાં પણ બતાવ્યું. બે- ચાર ભુવા પાસે પણ જોવડાવ્યું પરંતુ એનાથી કોઈ ફેર ન પડ્યો તે ન જ પડ્યો. રતન હવે કોઈ સાથે કશું બોલતી નહીં. દિવસમાં તે એક જ ટંક ખાતી. કે ક્યારેક ન પણ ખાતી. તેણી કપડા પણ લઘર- વઘર પહેરતી. ને ઘરવાળા તેને સાજા કપડાં પહેરવા આપે તો તે પણ ફાડીને લીરા કરી નાખતી.તેના માથાના વાળ પણ છુટા અને વિખરાયેલા રાખવી .ઘરવાળા બળજબરીથી ખવડાવવા જાય તો ખાવાનું જ ફેકી દેતી .ને જો વધારે દબાણ કરે તો પોક મૂકીને મોટેથી રડવા માડતી. ઘરવાળા પણ હવે થાકીને તેને કંઈ જ કામ ભળાવતા ન હતાં .અને ભગવાનને મૂક પ્રાર્થના કરતાં કે "હે ભગવાન, બિચારી છોડીનું મગજ સુધરી જાય તો સારું ! નહીં તો એનો જન્મારો કેમ ખૂટશે ?" પરંતુ ભગવાન જો એમ બધાયનો મનખો સુધારવા મંડી જાય ,તો પછી બગાડે કોનો ?" ઉલટાની રતન ના મગજ ની હાલત વધુને વધુ ખરાબ થતી ગઈ .આખા દિવસમાં પાણીનું એક બેડું ભરવા તો તે કોઈને કહ્યા વગર પણ અચૂક જતી. પાણી ભરવા જતી વખતે રસ્તામાં આવતા હીરાના બંગલા તરફ એ એવી રીતે જોતી, કે' જાણે નજરથી જ એ બંગલાને બાળી નાખવા માગતી ન હોય ? ગામ લોકો પણ હવે નકામી માથાકૂટમાં પડવું ન પડે, તે માટે આ પાગલ નેં બોલાવવાનું ટાળતા હતા. રતન પાણી ભરવા જાય ત્યારે લગભગ અડધો કલાક ગામ કૂવે રોકાતી . કૂવાના ઊંડા જળમાં કંઈક શોધવા મથતી હોય તેમ ,સ્થિર નજરે તેમાં જોઈ રહેતી. ધડીમાં મોટેથી હસી પડતી, તો ઘડીમાં રડતી. ક્યારેક પાળ ઉપરના કાલી માતાના મંદિર ઉપરની લાલ ધજા તરફ જોઈ રહી કોઈ સંતે સમાધિ લગાવી હોય તેમ એકી નજરે જોઈ રહેતી .પવનથી એ ધજા ફર- ફરે ત્યારે મોટેથી હસી પડતી અને બોલતી "આ માવડીને લોકો હવે ધૂપ-દીવો જ શું કામ કરતા હશે ? જુઓને ,એ પણ સાવ જુઠ્ઠી થઈ ગઈ છે ." ઘણી વખત તે કુવાના સ્થિર જળમાં જોઈને કોઈનાથી વાત તો કરતી હોય તેમ ,હોઠ ફફડાવયા કરતી .બીજી કોઈ પનિહારી પાણી ભરવા પોતાનો ઘડો કૂવામાં સિંચે, ને જળમાં તરંગો પેદા થાય, ત્યારે તે બરાડી ઉઠતી "રંડી, ક્યાં સંતાડી દીધો એને ?લાય પાછો, એ મારો છે !" પરંતુ ગામ લોકો પણ તેની આ હરકતોથી હવે ટેવાઈ ગયા હતા .આ ગાંડી ને કશું જ કહેતા નહીં. પરંતુ ગામના નાના છોકરાને તો આ એક પ્રકારનું નાટક જ મળી ગયું હતું .તે બધા એકઠા થઈને , ગાંડી રતુડી ક્યારે પાણી ભરવા બહાર નીકળે એની રાહ જોઈને બેસતા. એને ઘર બહાર નીકળતી જોઈને બધા આનંદમાં આવી જતા.કિકિયારીઓ પાડીને તેની પાછળ થઈ જતા .અને પાદરે જઈને 'ગાંડી -રતુડી 'ગાંડી-રતુડી 'એવી બૂમો પાડીને તેને ખીજવતા .કોઈ કાંકરિચાળો કરતું. તો કોઈ ધૂળ ઉડાડતું ,કોઈ કહેતું રતુડી તારે પરણવું છે ? કોઈ કહેતું રતુડી આજે તો તારી જાન આવે છે . ગાંડી રતન ક્યારે ઊભી રહી ને પાછળ ફરીને કરડી નજરે એ છોકરાં તરફ જોતી .પરંતુ કોઈને કંઈ નુકસાન કરતી નહીં .પરંતુ હા, જો કોઈ છોકરો ભૂલે ચૂકે એમ કહે કે "રતુડી મારે તારાથી પ્રેમ કરવો છે ."તો તેનું મગજ છટકતું ,ને જે હાથમાં હોય તે લઈને એ છોકરાને મારવા દોડતી .ને એક -બે વખત તેના હાથના ઢેખાળાનો મેથીપાક છોકરાએ ચાખ્યો હતો પણ ખરો. અને આ બધી પજવણી માંથી કોઈ સમજુ, કે મોટું માણસ ભટકાઈ જાય ,અને છોકરા ને હાકોટે તો જ તેનો છુટકારો થતો. માણસોએ બતાવ્યા એટલા બધા જ ઉપચાર રતન માટે પરસોતમે કરાવ્યા હતા .પરંતુ રતનના મગજનો કોઈ સુધારો ન થયો , તે નજ થયો. તેથી ઘરવાળાએ પણ હવે હારી -થાકીને તેના 'કર્મ 'મા લખ્યું હશે એમ થશે .એમ મન મનાવીને તેની દેખભાળ પણ ઓછી કરી દીધી હતી .રતનનું મગજ હવે સાવ ચસકી ગયું હતું. ગામમાં તે હવે ગાંડી રતુડી ના નામે જ ઓળખાતી હતી . ગાંડી રતુડી ની જિંદગી જાણે કે હવે ચાર જગ્યા સાથે જ ગોઠવાઈ ગઈ હતી.આ ચાર જગ્યાએ સિવાય એ ભાગ્યે જ બીજે જોવા મળતી. તે માંની એક જગ્યા એ એનું ઘર .જોકે એના ઘેર એ હવે બહુ ઓછી રોકાતી .એક બે દિવસમાં એકાદ આંટો મારવા તે આવતી. અને તે પણ જાણે કે હાજરી પુરાવા જ આવી હોય છે ઘડીક રોકાઈને ત્યાંથી ચાલી જતી. ખાવા આપે તો ક્યારેક ખાઈ લેતી, ને ક્યારે ઉલટમાં આવે તો ચૂંદડીના છેડે બાંધીને, સાથે લઈને ઘેરથી નીકળી જતી .તેનું બીજું રહેઠાણ હતું ગામ કૂવો. અહીં તે વધારે સમય ગાળતી . કૂવાની આજુ-બાજુ પાણીથી થયેલા કાદવ- કિચડ પાસે તે ત્રણ- ચાર ઈંટોના રોડા ગોઠવીને તે ચૂલો બનાવતી .આજુબાજુથી ફૂટેલી માટલીની ઠિકરી ગોતીને ,તેની કલાડી બનાવીને ,ચૂલા ઉપર ગોઠવતી. બે- ચાર અગ્નિ વિહોણા કાંટાળા જાખરાને ચુલામાં અડવતી, ને કાદવનો લોટ બનાવીને તેના રોટલા ઘડી- ઘડીને તે ઠીકરીમાં નાખતી .આ કામમાં એ એટલી ગળાડુબ થતી કે તેનું આ નાટક જોવા લોકોના ટોળેટોળા એકઠા થઈ જતા ,તોય કોઈના સામે જોવાની તેને ફુરસદ જ નહોતી .કોઈ એના ઘેર જઈને કહે કે "તમારી રતુડી કાદવમાં રમી રહી છે." અને ઘરવાળો લેવા આવે તો તેના સામે પણ કાદવ ઉછાળતી .ઘરવાળા પણ તેને મારી મારીને હવે થાક્યાં હતાં. તેથી "ચાલ ઉઠ ! ઘેર ચાલ, નહીં તો મારીશ !"એમ કહીને બીવડાવતા હતા ખરા .પરંતુ એની દશા જોઈને એને વધુ મારવાની હિંમત ચાલતી નહોતી. હાડપિંજર જેવા તેના શરીર ઉપર એકાદ મૂકો વાગી જાય અને મરી જાય તો ? નેં મરેલી ને તેઓ હવે મારવા ન્હોતા માંગતાં .ક્યારેક કાદવ થી ખડાયેલા ગંદા કપડે, તે પાળ ઉપરના અવાવરું પડેલા 'કાલી માતાના મંદિરમાં દોડી જતી આ તેનું ત્રીજું રહેઠાણ હતું .તે અંદરથી કબાટ બંધ કરીને એક -બે કલાક મંદિર અંદર જ ગાળતી .અંદર બીજું પણ કોઈ હોય તેમ, તેની સાથે ઘડીમાં હસ્તી, તો ઘડીમાં મોટેથી વાતો કરતી .ને લગભગ સાંજ પડે તે ગામ તરફ પાછી ફરતી .ને પોતાના ઘેર જવાના બદલે ગામના છેવાડે આવેલા મોહન ના જુના ઘર તરફ તે જતી .આ તેનું ચોથું રહેઠાણ હતું .જ્યાં હીરોની માં 'રૂપા' એટલી જ રહેતી હતી.પરંતુ કોણ જાણે કેમ ,આ ઘરમાં પગ મૂકતાં જ તેનું ગાંડપણ ન જાણે ક્યાં ચાલ્યું જતું હતું . ને તે ડાહ્યા માણસની જેમ રૂપાની તબિયતના સમાચાર પૂછતી .નાના -મોટા કામ કરી આપવી .ક્યારેક તો સરસ મજાના રોટલા પણ ઘડી આપતી .બંને સાથે બેસીને જમતાં ને ક્યારેક તો રાતે પણ ત્યાં જ સૂઈ રહેતી. આમ સામાજિક દ્રષ્ટિએ બંનેને કોઈ સંબંધ ન હોવા છતાં બંને વચ્ચે કોઈ અતૂટ નાતો બંધાઈ ગયો હતો‌ ને ત્યારે પુત્રથી તરછોડરાયેલી રૂપાને લાગતું હતું કે આ દુનિયામાં પોતાના પતિ ઉપરાંત બીજું પણ એક 'જણ' છે જે પોતાનું કહી શકાય એવું છે. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે ,મોહનના જુના ઘરની બહાર પગ મુકતા જ રતનનું એ ડાહપણ ન જાણે ક્યાં ચાલ્યું જતું હતું .ને પાછી એ જ ગાંડા ની દુનિયામાં એ ભળી જતી હતી . એક દિવસ મોડેથી ' ગાંડી રતુડી 'રૂપા પાસેથી પોતાના ઘર તરફ જઈ રહી હતી .તે એવી ચાલે જતી હતી કે જાણે કોઈ ચાવી ભરેલું પૂતળું ચાલ્યું જતું ન હોય ! સુરજ હમણાં જ ડૂબ્યો હોવાથી આછું અંધારું પથરાયેલું હતું . ' ગાંડી રતુડી 'બરાબર હીરાના મકાનના બારણા પાસેથી જેવી પસાર થઈ એ જ વખતે, એઠવાડના પાણીના એક ઝાપટાએ તેણીને પલાળી નાખી .તેણે આંખો લૂછીને જોયુ તો, હીરાની વહુ નીતા બારણા વચ્ચે ઉભી રહી હાથમાં ડોલ સાથે જેના સામે જોઈને હસી રહી હતી બન્યું એવું કે વાસણ ધોયેલું ગંદુ પાણી નીતા એ રસ્તામાં ફેંક્યું એ જ વખતે ગાંડી ને ત્યાંથી પસાર થવાનું થયું. તેથી પાણી અજાણતા જ તેના ઉપર પડી ગયું .કોઈ સ્ત્રી ઉપર પાણી પડ્યું છે તે જાણી નીતા પહેલા તો ગભરાઈ ગઈ. પણ ગાંડી રતુડી નેં ઓળખી જતાં તેણી હસી પડી .અને બબડી "આ ગાંડી ને એનું ઘર નહિ સંઘરતુ હોય ? તે જ્યાં -ત્યાં ભટક્યા કરે છે !". રતન એક ક્ષણ કતરાતી નજરે નીતા તરફ જોતી રહી .અને બીજી જ ક્ષણે દોડીને નીતાના ગળે બાઝી પડી .નીતા એ પકડ છોડાવવા ઘણા ધમ -પછાડા કર્યા પરંતુ હાડપિંજર સમી એ ગાંડી ની પકડ એટલી મજબૂત હતી કે કરાટે ચેમ્પિયન નીતા તે ન છોડાવી શકી. "દોડો ...દોડો ...કોઈ બચાવો ..આ ગાંડી મને મારી નાંખશે ..! નીતાએ ચીસો પાડી . ચીસો સાંભળીને પાંચ- સાત જણ ત્યાં દોડી આવ્યા .તેમણે છોડાવવાની ઘણી કોશિશ કરી .પરંતુ આ ગાંડી તો જાણે નીતાનો જીવ લેવા માગતી હોય તેમ ,કોઈ પણ રીતે તેને છોડતી જ ન હતી. એક બે જણ એ ત્રણ- ચાર તમાચા ગાંડી ને ચોડી દીધા. ત્યારે માંડ નીતાને છોડાવી. હીરો પણ ધમાલ સાંભળીને ત્યાં દોડી આવ્યો .તેણે ગાંડી ને મારવા હાથ ઊંચો કર્યો. બંનેની આખો અજાણતાં જ મળી. હીરાનો હાથ હવામાં જ ચોટી ગયોઃ ક્યાં ચાર મહિના પહેલા નો ફૂલ -ગુલાબી ચહેરો ,અને ક્યાં સામે ઊભેલું આ હાડપિંજર ! હીરાએ નજર હટાવી દીધી. અને અવળું ફરીને બોલ્યો "આ ગાંડી કોઈ લઈ જશો અહીં થી,નહીં તો નકામી મારવી પડશે !" પરંતુ રતન તો હજુ એ જ કચરાતી નજરે ઘડીમાં હીરા તરફ તો ઘડી માં નીતા તરફ જોઈને કતરાયા કરતી હતીઃ બે -ત્રણ જણ પરાણે પકડીને તેણીને ત્યાંથી દૂર લઈ ગયા .ને દિવસ થી નીતા અને હીરા ઉપરાંત ગામમાં બીજા લોકો પણ આ ગાંડી થી વધુ ને વધુ ડરવા લાગ્યા.ને હવે કારણ વગર લોકો તેને છંછેડવા ની હિંમત જ ન કરતાં.
હમણાં છેલ્લા ચારેક દિવસથી ' ગાંડી રતુડી 'ગામમાં દેખાતી બંધ થઈ ગઈ હતી .એના ઘેર, ગામ કૂવે ,કે કાલી માતાના મંદિરે પણ ક્યાંય દેખાતી ન હતી. સૌને થયું કે આ ગાંડી ગઈ ક્યાં? એના ઘરવાળાએ શોધખોળ કરી તો જાણવા મળ્યું કે તે હીરાની માં રૂપા માંદી છે તેની પાસે રહે છે. અને તેની ચાકરી કરે છે .તે સાંજે પરસોત્તમ પોતાની ગાંડી દીકરી ત્યાં શું કરે છે ,તે 'જોવા માટે વાળુ ટાણે લપાતા -છુપાતા મોહનના જુના મકાને રૂપા જ્યાં રહેતી હતી ત્યાં ગયા .અંધારામાં ઊભા રહીને બારી વાટે તેમણે અંદર નજર કરી .અંદર કેરોસીન નો દીવો બળતો હતો. તેના ઝાંખા પ્રકાશમાં તેમણે જોયું તો , માંદી રૂપાને રતને બાવડે પકડીને બેઠી કરી છે .અને તેણીએ બનાવેલી રસોઈ રૂપા ને ખવડાવવા લાગી .તે એક કોળીઓ લઈને રૂપાના મોમાં મૂકતાં ડાહ્યા ની જેમ બોલી "માં તમે ખાશો નહીં ,તો શરીરમાં હેમત ક્યાંથી આવશે ? મારા સમ જો થોડું વધારે ન ખાઓ તો !"તેના આગ્રહ ને વશ થઈને રૂપા એ પરાણે બે કોળિયા વધુ ખાઘુ. રૂપાને જમાડ્યા બાદ પલાઠી વાળીને રતન પોતે પણ જમી .ને બધા જ વાસણ ધોઈને સાફ કર્યા .વાસણ એક બાજુ ગોઠવીને તે રૂપાના ખાટલા પાસે આવીને બેઠી. તેણે રૂપા ને પૂછ્યું ."હે મા ! હીરો તમારો એકનો એક છોકરો છે ,તોય' તમને ઘરમાંથી કેમ કાઢી મેલ્યા છે ?" રૂપા માંડ બોલી "બેટા એ તો કર્મ માં જે લખ્યું હોય એ થઈને જ રહે છે." થોડીવાર ચૂપ રહીને રતન ફરી બોલી . "હે મા! તો પછી મારા કર્મ માં શું લખ્યું હશે ? કહોને !". રૂપા ધીમા છતાં માયાળુ સાદે બોલી. "બેટા ,મારા કરમનીજ મને ખબર નથી પડતી. તો પછી તારા કરમની મને ખબર ક્યાં થી પડે ?" તે પછી રૂપા ના ખાટલા પાસે ભોય પર પથારી કરીને તે ત્યાં જ સૂઈ ગઈ . પરસોતમ ચુપચાપ પોતાના ઘેર આવ્યા. આજે એમના દિલમાં આનંદ સમાતો ન હતો .ઘેર આવીને તેમણે બધાને વાત કરી કે રતન એક ડાહ્યા માણસની જેમ રૂપા ડોશી સાથે રહે છે .તેની ચાકરી કરે છે .અને ડાહી -ડાહી વાતો કરે છે .પરષોત્તમની પત્ની ઉભા થતા બોલી તો- તો મારી દીકરીને અત્યારે જ આપણા ઘેર લઈ આવો. પરસોતમ તેને રોકતાં બોલ્યા "ના-ના હમણાં તેને ત્યાં જ રહેવા દો .થોડું વધુ સારું થશે એટલે આપણે એને આપણા ઘેર તેડી આવીશું ."ને રતન ના ઘરવાળાને આશા બંધાઈ કે મોડું મોડું પણ ભગવાને તેમની દીકરી સામે જોયું ખરું.". પૂરા બે મહિના પછી મેવો મોહનને જેલમાં મળવા આવ્યો હતો. બંને દોસ્તોની આંખો મળી .બંનેની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં .દર ત્રીજા દિવસે દાઢી કરનાર મોહને જેલમાં આવ્યા ને બે મહિના થયા હોવા છતાં દાઢી કરી ન હતી .તેથી ચહેરો થોડો બદલાયેલો લાગતો હતો. કપડાં તો હજુ એ જ હતાં કારણ કે તે હજુ કાચા કામનો કેદી હતો. કેટલીક વાર મૌન જાળવ્યા બાદ મોહન ભાવવિભોર સાદૅ બોલ્યો. "મેવા ,કેમ છે બધાં ઘરવાળા ? કેમ છે મારો છોકરો હીરો ? અને હીરાની વહુ તો સુખી છે ને ? " ને ક્ષણિક અટકીને આગળ બોલ્યો. "આટલા દિવસ થયા તોય, તે ત્રણેયમાંથી કેમ કોઈ મળવા નથી આવ્યું ?" મેવો ઘડીભર તેની આંખો સામે તાકી રહ્યો. ને પછી માંડ -માંડ બોલ્યો. "શું કહું મોહન ,કહેતા જીભ નથી ઉપડતી ,છતાં કહેવું પડે છે .કે તારા જેલમાં આવ્યા પછી હિરીયો સાવ વંઠી ગયો છે .તારા ઘરમાં દારૂડિયાઓને બોલાવીને આખો દિવસ દારૂની પાર્ટી કર્યા કરે છે .". "ને તોય એની માં તેને રોકતી નથી ?" મોહન અધીરાઈ થી વચમાં જ બોલ્યો .એની જ તો મોટી મોકાણ થઈ છે ને ! રૂપા ભાભી કંઈ કહેવા ગયા તો વહુનું ઉપરાણું લઈને તેમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા .અને તેઓ અત્યારે તમારા જુના ઘેર એકલા જ રહે છે ."
"ને છતાં તમે એ કૂતરાને તમે કંઈ ન કીધું ?"મોહનના ચહેરાનો રંગ એકદમ ફરી ગયો. "એક વખત હું ,વાધો અને રૂડો ઠપકો આપવા ગયા. તો અમારાથી ઝઘડો કરી બેઠો. અને વાઘો અને બને તો સામસામે લાકડી એ આવી ગયા હતા. કહે છે કે "મારા બાપનું છે એને હું ગમે તેમ વાપરું. તેમાં તમારે શું ?" મેંવો માંડ-માડ બોલ્યો .
" એ નફફટ ન આવે તો કંઈ નહીં ,પણ એની માં ને તો તારે સાથે લાવવી હતી ને ? મારે એને એક ખાનગી વાત કહેવી હતી."મોહન ક્રોધનો ઘૂંટડો ગળી જતાં બોલ્યો.
"એ બિચારી ચાર દાડાથી માંદી પડી છે.અને ખાટલામાં છે હાલ ચાલી શકવાની પણ તાકાત નથી . એને અમારા ઘેર લઈ જવા ઘણી સમજાવી ,પણ તે એકની બે થતી નથી. અને કહે છે કે "આ જૂનાધર વિના, બીજે મને હવે ક્યાંય ચેન નહીં પડે ." મુલાકાત નો સમય પૂરો થયો છે પાછળથી આવેલા સિપાહીના શબ્દો બંનેને ઝેર જેવા લાગ્યા. હજુ તો તેમને ઘણી -બધી વાતો કરવાની બાકી હતી. પરંતુ ન છૂટકે બંનેને છૂટા પડવું પડ્યું .
મેવાના ગયા બાદ મોહન વિચારી ચડ્યો. પોતાના એકના એક પુત્ર હીરાને બચાવવા માટે પોતે ખૂન નો આરોપ માથે ઓઢી લીધો .પોતે વિચાર્યું હતું કે પોતે હવે પાકું પાન છે. બહાર રહે કે જેલમાં ,તેનાથી શું ફરક પડે છે ? પરંતુ દીકરા અને વહુ ને બધું જ ભોગવવાનું હજુ બાકી છે. દીકરો અને વહુ રૂપાની સેવાચાકરી કરશે .એનો વંશ-વેલો વધારશે અને પોતાના ઘરનું નામ ઉજાળશે .એ આશાએ પોતાની જિંદગીનું બલિદાન આપવા એ તૈયાર થયો હતો .
પરંતુ મેવાએ સમાચાર આપ્યા તે ખૂબ જ આઘાતજનક હતા.પોતાના ભાઈબંધ એવા શેઠનું ખૂન હીરાએ શા માટે કર્યું તે પ્રશ્ન તો હજુ અનુતર જ હતો.ઉપરથી વહુના વાદે ચઢીને પોતાની સગી માં ને તેણે ઘરમાંથી કાઢી મૂકી તે વાત તેની સમજ બહાર ની હતી. તે આગળ વિચારી રહ્યો .શું પોતાનું સંતાન ,પોતાનું લોહી, આવું કરી શકે ?' તે જેમ- જેમ વિચારતો ગયો તેમ -તેમ તેનો પુત્ર પ્રેમ નફરતમાં પલટાતો ગયો .પોતાની માની ખબર પણ કાઢવા ન જનાર હીરા ઉપર તેને ક્રોધ ચડ્યો .પોતે આ'ખૂન' માથે ઓઢીને મોટી ભૂલ કરી છે તેઓ તેને અહેસાસ થયો .તેની આંખમાં લાલાશ તરી આવી .તે સ્વાગત બગડ્યો "જો એક વખત આ જેલ બહાર નીકળ્યો હોત ,તો હિરીયા તને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેત !"ને જેલના સળિયા પકડીને તેને પહોળા કરવાની વ્યર્થ કોશિશ કરવા લાગ્યો .
શેરીમાં દારૂ પીને ધમાલ કરતા મંગા ને પોલીસ પકડીને પોલીસ સ્ટેશનમાં લાવ્યા, એટલે ઇન્સ્પેક્ટર મલ્હોત્રાએ કહ્યું "અલ્યા મંગા, હમણાં હમણાંથી તારી ધમાલ ઘણી વધી ગઈ છે .આ વખતે હું તને એવી સજા કરાવી છે કે તું જેલની બહાર જ નહીં નીકળી શકે." મંગાને જાણે કે જેલ ની,સજા કે પોલીસની કશી બીક ન હોય તેમ બે ફિકરાઈથી બોલ્યો." કોર્ટોમાં દંડ પામે ચોર મુઠી જારના , ને લાખ લહેણા લૂટનારા ,મહેફીલે મંડાઈ છે !" તારી આ શાયરીઓ અત્યારે બંધ કર મંગા ,નહીં તો આ દંડો જોયો છે ?"ઇસ્પેક્ટર મલ્હોત્રા ત્રાડૂકયો . "બંધ કરું ? લો ત્યારે બંધ કરી બસ સાહેબ ! પણ અહીં નો આ ન્યાય જ ઊંધો છે . ઉપરવાળાનો ન્યાય છે કે, બાપના કરેલ દીકરો ભોગવે . જ્યારે તમારો ન્યાય તો જૂઓ ?'કરે દીકરો અને ભોગવે બાપ !" ઇન્સ્પેક્ટર મલ્હોત્રા ની આંખ ચમકી તેઓ મંગાને પટાવવા માગતા હોય તેમ મીઠા અવાજો બોલ્યા " તું કહેવા શું માંગે છે મંગા ? કંઇ ફોડ પાડે તો ખબર પડે ને !" "એ જ કે ,ખૂન કર્યું છે હીરા એ અને જેલમાં પૂર્યો છે એના બાપને !"મંગાએ ધડાકો કર્યો .
" કેવી રીતે ખૂન કર્યું એણે ? તે એને જોયો હતો ?" મલ્હોત્રાએ અધીરાઈ થી પૂછ્યું. "નજરે તો નથી જોયું સાહેબ ! પણ ખૂન થયું એ રાતે અમે અને હીરાએ ભેગો દારૂ પીધો હતો અને છૂટા પડ્યા ત્યારે તેના હાથમાં કટારી હતી અને એ કહેતો હતો કે" તે શેઠિયાની આજે જ ખબર ન લઉ તો મારું નામ હીરો નહીં !" ને મંગો હાથ જોડીને કરગરી પડ્યો ." પરંતુ સાહેબ ,એમાં મારો કંઈ વાંક- ગુનો નથી હો !". "પછી શું થયું ?". "પછીની વાત તો, હીરો જાણે અને તમે જાણો. હું થોડો ને કાંઈ એના ભેગો ગયો હતો." મંગાએ બે ફિકરાઈ બતાવી .ત્યારબાદ મંગાને જેલમાં પૂરી દેવામાં આવ્યો . ઇસ્પેક્ટર મલ્હોત્રા પોતાની કેબિનમાં બેસીને વિચારી રહ્યો હતો. શેઠ કાંતિલાલ નું ખૂન ખરેખર હીરા એ જ કર્યું હશે? કે પછી પોલીસને ગેર રસ્તે દોરવાની, મંગા ની આ કોઈ ચાલ તો નહીં હોય ને ?' પરંતુ અનુભવના આધારે એમને એટલી તો ખબર જ હતી કે દારૂ પી -પી ને દારૂડિયાઓ નાં મગજ એટલાં ક્યાં સારાં રહે છે. કે ચાલ કે , એવું બધું એ વિચારી શકે ? માટે મંગા ની વાતમાં કંઈક તો તથ્ય જરૂર હોવું જોઈએ .
ઇન્સ્પેક્ટર મલ્હોત્રા હીરાના ઘેર જઈને મોહન વિશે થોડી પૂછપરછ કરવાની છે એવું બહાનું બતાવીને, એક બે વસ્તુ પર હીરાના ફિંગર પ્રિન્ટ પણ લઈ આવ્યો .તેની તપાસ કરતાં તે પે'લા કટારીના હાથા ઉપર ના ફિંગર પ્રિન્ટ ના નિશાન સાથે બિલકુલ મળતાં હતાં.ઇન્સ્પેક્ટર મલ્હોત્રા હીરાની ધરપકડ કરવાનો તખ્તો ગોઠવતો હતો .પરંતુ મોહન સામે ચાલીને ખૂન કર્યા નું કબૂલતો હતો .તેથી આ બધા રહસ્યનો તાગ મેળવવા માટે તે મનમાં કંઈક યોજના વિચારવા લાગ્યો.