Sapnana Vavetar - 22 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 22

Featured Books
Categories
Share

સપનાનાં વાવેતર - 22

સપનાનાં વાવેતર પ્રકરણ 22
(વાચક મિત્રો.. કેટલાક વાચકો મને મેસેજ કરીને પૂછે છે કે રાજકોટવાળા દીવાકર ગુરુજીનું એડ્રેસ અમને આપો તો અમે પણ એમનાં દર્શન કરીએ. પરંતુ મારે આપ સૌને જણાવવાનું કે મારાં તમામ પાત્રો કાલ્પનિક છે. મારી યુવાન અવસ્થામાં કેટલાક સિધ્ધ મહાત્માઓને હું મળેલો છું અને એમની શક્તિઓને મેં ઓળખી છે એટલે એમના ઉપરથી પ્રેરણા લઈને આવા પાત્રોનું સર્જન કરતો હોઉં છું. ગાયત્રી મંત્ર વિશેના અનેક અનુભવો લોકોને થયા છે. મને પણ થયા છે એટલે એની ઉપાસના ઉપર હું હંમેશા ભાર આપતો રહું છું. ગાયત્રીમંત્રની સાધના, ચંડીપાઠ અને હનુમાનજીની ઉપાસના કળિયુગમાં ચોક્કસ ફળ આપે છે. 😊🙏)

કૃતિએ આકૃતિ ટાવરના એ વિંગના ૭ ૭ કરોડના ચારે ચાર ફ્લેટ પોતાના નામે ખરીદી લેવાની અનિકેત સામે માગણી કરી હતી. જો કે અનિકેત કૃતિની આ જીદ સમજી શક્યો ન હતો છતાં એણે એ મંજૂર રાખી હતી અને એણે બીજા દિવસે સવારે જ ઓફિસ પહોંચીને સૌરભ દિવાનને સૂચના આપી હતી કે એ વિંગના ૧૦૧ થી ૧૦૪ નંબરના ફ્લેટ એ પોતાના માટે રિઝર્વ રાખે.

દીવાકર ગુરુજીના પ્રભાવના કારણે કૃતિના મનમાંથી ધીરુભાઈ વિરાણીને બરબાદ કરવાની ભાવના એના મનમાંથી ઘણી ઓછી થઈ ગઈ હતી. છતાં એની મહત્વકાંક્ષામાં કોઈ ફરક પડ્યો ન હતો. એના સુષુપ્ત મનમાં દબાયેલી મહત્વકાંક્ષા હવે બહાર આવી રહી હતી.

આટલો કરોડોપતિ પરિવાર મળ્યો હતો. પાણી માંગે ત્યાં દૂધ મળે એવું એનું ત્યાં માનપાન હતું. પોતે ગમે એટલા પૈસા વાપરી શકે એવી એને આઝાદી હતી. આટલો સરસ કહ્યાગરો પતિ મળ્યો હતો છતાં કૃતિએ ૨૮ કરોડના ફ્લેટ પોતાના નામે કરવાની જીદ કરી.

અનિકેત એને ખૂબ જ પ્રેમ કરતો હતો અને પોતાને પૈસાની કોઈ ખોટ ન હતી. ૬૪ ફ્લેટોના વેચાણમાંથી ઓછામાં ઓછો ૧૦૦ કરોડનો નફો એને મળવાનો હતો એટલે પોતાની પ્રિય પત્ની માટે આવી નાની રકમની એને કોઈ કિંમત ન હતી.

ગુરુપૂર્ણિમાનો દિવસ પણ આવી ગયો. આ વખતે દાદા ધીરુભાઈ સાથે અનિકેત અને કૃતિ પણ રાજકોટ ગયાં હતાં. રાજકોટ ઉતરીને કૃતિ એના પપ્પાના ઘરે જવાની હતી જ્યારે અનિકેત તથા ધીરુભાઈ સરદાર નગરમાં સીધા ગુરુજીના ઘરે જવાના હતા.

ફોન ઉપર વાતચીત થઈ હોવાથી હરસુખભાઈએ પોતાના ડ્રાઇવર રઘુને ગાડી લઈને એરપોર્ટ ઉપર મોકલી આપ્યો હતો.

" અરે ભાઈ અહીં સારા ફૂલહાર જ્યાં મળતા હોય ત્યાં જરા ગાડી લઈ લેજે ને ! એક મોટો ગુલાબનો હાર પણ ખરીદવો પડશે અને થોડાંક ફૂલ પણ લેવાં પડશે. મીઠાઈની દુકાનેથી એક કિલો પેંડા પણ લઈ લેવા છે." શેઠ ધીરુભાઈ બોલ્યા.

" દાદા મને ખબર છે ફૂલહાર ક્યાં મળે છે. હું રઘુને બધું બતાવી દઉં છું." કૃતિ બોલી અને એણે રઘુને પણ સૂચના આપી.

યાજ્ઞિક રોડ ઉપર જ એક જગાએથી ફૂલ અને હાર લઈ લીધાં અને ત્યાંથી કૃતિએ ગાડી એક જાણીતા મીઠાઈ વાળાને ત્યાં લેવડાવી. ત્યાંથી એક કિલો પેંડા લઈને ગાડી સરદાર નગર તરફ લીધી. ત્યાં બંને મહેમાનોને ઉતારી રઘુએ કૃતિને લઈને ગાડી ઘર તરફ લીધી.

આગલા દિવસે હરસુખભાઈએ વેવાઈને સીધા ઘરે આવવા ઘણો આગ્રહ કર્યો હતો પરંતુ ધીરુભાઈએ કહ્યું હતું:

" અમે તમને મળવા ચોક્કસ આવીશું હરસુખભાઈ પરંતુ પ્રોગ્રામ કેટલો ટાઈમ ચાલે છે એ મને ખબર નથી. એટલે અમે સીધા ગુરુજીના બંગલે જઈશું. બપોરનો પ્રસાદ તો ત્યાં હોય જ છે અને ત્યાંથી ફ્રી થયા પછી હું તમને કંઈ કહી શકું. હું ફોન કરું પછી તમે ગાડી મોકલજો. " ધીરુભાઈ બોલ્યા.

" ભલે શેઠ તમે જેમ કહો તેમ. ડીનર અમારે ત્યાં જ લેવાનું છે. અમે તમારી રાહ જોઈશું. " હરસુખભાઈ બોલ્યા.

ગુરુજીના બંગલે મહોત્સવ જેવું વાતાવરણ હતું. બંગલા આગળ મંડપ પણ બાંધેલો હતો. અલગ અલગ શહેરોમાંથી ઘણા ભક્તો આવેલા હતા. આજે ગુરુપૂજન નો દિવસ હતો. બધા જ ભક્તો ફૂલહાર અને મીઠાઈ લઈને આવ્યા હતા. ગુરુજીના દર્શન કરવા માટે નાની લાઈન લાગી હતી. ૧૫ મિનિટ ઊભા રહ્યા પછી ધીરુભાઈનો નંબર લાગ્યો. ગુરુજી પાસે આવ્યા પછી ધીરુભાઈ એક સામાન્ય માણસ બની જતા હતા. આ જ એમની ખાનદાની હતી.

ગુરુજીની અલગ ચેમ્બરમાં જઈને ધીરુભાઈએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને એમની બાજુમાં ઊભેલા અનિકેતે પણ એમનું અનુસરણ કર્યું. એ પછી ધીરુભાઈએ ગુરુજીને ગુલાબ અને લીલીનાં સફેદ ફૂલ ગુંથેલો મોટો હાર પહેરાવ્યો. એ પછી બાજુમાં સજાવેલી હનુમાનજીની મૂર્તિના ચરણોમાં ગુલાબનાં ફૂલો મૂકી દીધાં.

"તમે પણ લાઈનમાં ઊભા રહ્યા ? મારા કેટલાક વીઆઇપી ભક્તો તો સીધા રૂમમાં જ આવી જાય છે. " ગુરુજી હસીને બોલ્યા.

" તમારા માટે તો બધા જ ભક્તો સરખા ગુરુજી. એટલે અમારે પણ અમારું વીઆઈપી પદ દરવાજા બહાર છોડી દેવું પડે. તમારી સામે કોઈ મોટું કે નાનું નથી. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" એટલા માટે તો મને તમારા ઉપર આટલો બધો પ્રેમ છે. હું અંગત રસ લઈને તમારા પરિવાર માટે ચિંતા કરતો હોઉં છું. " ગુરુજી બોલ્યા.

"હું ક્યાં નથી જાણતો ગુરુજી. લગ્નને સાત મહિના પૂરા થવા આવ્યા. તમારા આશીર્વાદથી બેઉ જણ સુખી છે અને ઘરમાં પણ શાંતિ છે. " ધીરુભાઈ બોલ્યા.

એ પછી ગુરુજીએ હાથમાં થોડી સાકર લઈ મનમાં કેટલાક મંત્રો ભણી અનિકેતના હાથમાં આપી.

" થોડી સાકર તું પ્રસાદ તરીકે અત્યારે ખાઈ જા અને બાકીની કૃતિને ખાસ આપજે. આજનો દિવસ ગુરુકૃપાનો છે અને સમસ્ત બ્રહ્માંડમાં આજે ગુરુજીની ચેતના સક્રિય હોય છે. " ગુરુજી બોલતા હતા.

"મને અત્યારે પ્રેરણા મળી છે કે તારે પણ હવે ગાયત્રીની ત્રણ માળા ચાલુ કરવી પડશે. રોજ સવારે થોડો સમય ફાળવજે પણ આટલું જરૂર કરજે. હનુમાન ચાલીસા કરવાની તારે હવે જરૂર નથી. તારું કવચ મેં કરી દીધું છે. તારા પરદાદાએ જ મને સૂક્ષ્મ જગતમાંથી ગાયત્રી મંત્રનો સંકેત આપ્યો છે. એ અત્યારે અહીં હાજર છે. " ગુરુજી બોલ્યા.

" શું વાત કરો છો ગુરુજી ? મારા પિતાજી અત્યારે અહી હાજર છે ? " ધીરુભાઈ શેઠ આશ્ચર્યથી બોલ્યા.

" જી હા હજુ એમણે જન્મ લીધો નથી અને એ સૂક્ષ્મ જગતમાં સાધના જ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક તમારા બંગલે પણ આવી જાય છે. છતાં મોહ માયામાંથી એ મુક્ત થઈ ગયા છે." ગુરુજી હસીને બોલ્યા.

" પરંતુ ગુરુજી મને તો ગાયત્રી મંત્ર આવડતો જ નથી. " અનિકેત બોલ્યો.

" લો બોલો. વલ્લભભાઈ તમારા આ વારસદારને તો ગાયત્રી મંત્ર આવડતો જ નથી. તમે જ એને શીખવાડો." ગુરુજી જમણી બાજુ જોઈને બોલ્યા જાણે કે વલ્લભભાઈના પવિત્ર આત્મા સાથે વાત કરતા હોય !!

એ પછી ગુરુજી જાણે કંઈ સાંભળી રહ્યા હોય એમ બે મિનિટ મૌન રહ્યા.

" તું પલાંઠી વાળીને હનુમાનજીની સામે નીચે બેસી જા. તારા પરદાદા જ તને મંત્રદીક્ષા આપી દેશે. તારા પરદાદા એ કહ્યું કે કળિયુગમાં આ મંત્રના જાપ કરવા બહુ જ જરૂરી છે. એનાથી યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ સાથે સીધો સંબંધ થાય છે. દરેક મનુષ્ય પોતાના કર્મો પ્રમાણે સારાં કે ખરાબ ફળ ભોગવે છે પરંતુ ગાયત્રી મંત્રનું કવચ એની અદભુત રક્ષા કરે છે. અને નાની મોટી ઈચ્છાઓ પૂરી પણ કરે છે. " ગુરુજી બોલ્યા.

ગુરુજીની આજ્ઞા પ્રમાણે અનિકેત હનુમાનજીની મૂર્તિ સામે પલાંઠી વાળીને ધ્યાન કરતો હોય એમ બેસી ગયો. બંને આંખો બંધ કરી દીધી. થોડીવારમાં જ એના શરીરમાં કંઈક સળવળાટ થવા લાગ્યો. માથા ઉપર કંઈ ગરમ ગરમ સ્પર્શ થતો હોય એવો અનુભવ થયો. એના કાનમાં ગાયત્રી મંત્ર સંભળાવા લાગ્યો. એ રાગ કોઈ અલૌકિક જ હતો. અનિકેત જાણે કે ધ્યાનસ્થ થઈ ગયો. એ કોઈ જુદી જ દુનિયામાં ખોવાઈ ગયો.

લગભગ ત્રણેક મિનિટના સમય પછી અનિકેત ભાનમાં આવ્યો. એણે આંખો ખોલી.

" હવે ગાયત્રી મંત્ર બોલ જો." ગુરુજીએ આદેશ કર્યો.

અનિકેત આખો ગાયત્રી મંત્ર કડકડાટ બોલી ગયો.

" હવે આ મંત્ર તને હંમેશા યાદ રહી જશે. તને દિવ્ય પુરુષ તરફથી દીક્ષા મળી છે એટલે એની માળા તું ચાલુ કરી દેજે. ઓછામાં ઓછી ત્રણ માળા તો કરજે. બાકી વધારે પણ કરી શકે છે. હવે પછી જોજે કે તારા જીવનમાં શું પરિવર્તન આવે છે ! " ગુરુજી બોલ્યા અને એમણે અનિકેતના માથા ઉપર જમણો હાથ મૂક્યો.

"બસ હવે તમે લોકો જઈ શકો છો. પ્રસાદની વ્યવસ્થા અહીં કરેલી છે. બંગલાની પાછળ જઈને પ્રસાદ લઈ શકો છો. બહાર લાઈન છે એટલે વધારે સમય આપી શકું તેમ નથી."

એ પછી ધીરુભાઈ અને અનિકેત બંગલાની પાછળના ભાગમાં ગયા. બપોરનો સવા એક વાગી ગયો હતો અને કેટલાક ભક્તો ત્યાં જમી રહ્યા હતા. બુફેની જ વ્યવસ્થા હતી. જમવામાં અડદિયા, ઝીણા ગાંઠિયા, બટેટાની સૂકી ભાજી, પૂરી અને ખીર હતાં. છેલ્લે કઢી ભાત પણ હતા.

પ્રસાદ લઈ લીધા પછી ધીરુભાઈ શેઠે હરસુખભાઈને ગાડી માટે ફોન કરવાને બદલે બહાર જઈને રીક્ષા પસંદ કરી અને ભાભા હોટલ પહોંચી ગયા. ગઈકાલે રાત્રે જ રિઝર્વેશન કરાવી દીધું હતું એટલે એમના બે રૂમ રિઝર્વ હતા. એક રૂમ અનિકેત અને કૃતિ માટે પણ રાખ્યો હતો. સવારનું ફ્લાઈટ હતું એટલે કૃતિ રાત્રે અહીં સૂવાની હતી. ખરા બપોરે વેવાઈને ડિસ્ટર્બ કરવાનું એમને યોગ્ય ના લાગ્યું. આમ પણ રાજકોટમાં બપોરે ૧ થી ૪ નો સમય આરામનો જ હોય છે !

" દાદા... મારા પરદાદા ગુરુજીના બંગલે અત્યારે કેવી રીતે આવી ગયા ? એમને ત્યાં પરલોકમાં ગુરુપૂર્ણિમાની ખબર હોય ?" પલંગમાં આરામ કરતાં કરતાં અનિકેતે પ્રશ્ન પૂછ્યો.

"બેટા સૂક્ષ્મ જગતમાં કંઈ પણ અશક્ય નથી. બધું જ જ્ઞાન હોય છે. પૃથ્વી ઉપર રહેલા હોય એમને પૃથ્વીની બધી યાદો પણ હોય છે. અને ગુરુપૂર્ણિમાનો દિવસ તો એટલો મહત્વનો છે કે આખું બ્રહ્માંડ સક્રિય હોય છે. અને સૂક્ષ્મ જગતમાં પણ ગુરુપૂર્ણિમા ઉજવાતી હોય છે." ધીરુભાઈ શેઠ બોલી રહ્યા હતા.

" હું અહીં રાજકોટ આવવાનો છું એ એમને ખબર હોય જ. અને એ પોતે ગાયત્રીના પ્રખર અને સિદ્ધ ઉપાસક હોવાથી તારા ઉપરના પ્રેમના કારણે તને દીક્ષા આપવા માટે જ આજે એ આવ્યા હોય ! ગાયત્રી મંત્ર ઉપર એમને બહુ જ પ્રેમ હતો અને એમને તો એટલા બધા અનુભવો થયા હતા કે ના પૂછો વાત ! ગુરુજી દ્વારા એમણે જ તને કહ્યું ને કે કળિયુગમાં આ મંત્ર કામધેનું છે. ગાયત્રીની માળાઓ ચાલુ કર્યા પછી કેટલાક સવાલોના જવાબો તને પોતાના મનમાંથી જ મળ્યા કરશે અને ઈચ્છાઓ પણ પૂરી થતી જશે" દાદા બોલ્યા.

"દાદા આ ગુરુજી ખરેખર મહાન છે હોં ! ઘણી બધી સિદ્ધિઓ ધરાવતા લાગે છે. કેટલું બધું જાણે છે ? સૂક્ષ્મ જગતના આત્માઓને જોઈ શકે છે અને એમની સાથે વાતો પણ કરી શકે છે." અનિકેત બોલ્યો.

"ગુરુજીની વાતો તો જેટલી કરીએ એટલી ઓછી છે. મારા પિતાજી એટલે કે તારા પરદાદા પણ ગાયત્રી મંત્રનાં અનેક પુરશ્ચરણો કર્યા પછી સૂક્ષ્મ જગતને જોઈ શકતા હતા. શ્રીરામ શર્મા આચાર્ય પણ એવી જ સિદ્ધિ ધરાવતા હતા. જેમ જેમ તમે મંત્રો કરતા જાઓ તેમ તેમ નાની મોટી સિદ્ધિઓ તમને મળતી જાય." દાદા બોલ્યા.

એ પછી અનિકેતના મનમાં કોઈ પ્રશ્નો રહ્યા નહીં એટલે એણે થોડા કલાક આરામ કરવાનું વિચાર્યું. દાદાની પણ આંખો ઘેરાતી હતી એટલે એ પણ સૂઈ ગયા.

ધીરુભાઈની આંખો ખુલી ત્યારે સાંજના સાડા ચાર વાગી ગયા હતા. આમ તો સાંજના સાડા સાત વાગ્યાના ફ્લાઈટમાં નીકળી જવાનો એમનો વિચાર હતો. પરંતુ વેવાઈનો ખૂબ જ આગ્રહ હતો એટલે રાત રોકાઈ જવાનું પહેલેથી જ એમણે નક્કી કર્યું હતું. સાંજનું ડીનર વેવાઈના ઘરે જ રાખ્યું હતું એટલે એમણે ચા પાણી પીને સાંજે પાંચ વાગે હરસુખભાઈને ફોન કર્યો.

"જય મહાદેવ હરસુખભાઈ." ધીરુભાઈ શેઠ બોલ્યા.

" મહાદેવ હર. હવે તમે લોકો ક્યાં છો શેઠ ? અમે તો બપોરથી તમારી વાટ જોઈએ છીએ." હરસુખભાઈ બોલ્યા.

"બસ હવે તમે ગમે ત્યારે ગાડી મોકલી શકો છો. ભાભામાં રૂમ નંબર ૩૧૮ છે. અમારું દર્શનનું બધું કામ પતી ગયું છે અને બપોરના થોડો આરામ પણ કરી લીધો છે. " ધીરુભાઈએ જવાબ આપ્યો.

" અરે હું જાતે જ તમને લેવા માટે અડધી કલાકમાં આવું છું." હરસુખભાઈ બોલ્યા.

સાંજે સાડા પાંચ વાગે હરસુખભાઈ રૂમ ઉપર આવી ગયા.

"કેમ છો શેઠ ? અને તમે અનિકેત કુમાર ? તમારે તો કૃતિ સાથે સીધા ઘરે આવી જવું હતું ને. " હરસુખભાઈ બોલ્યા.

" ના દાદા મારે પણ ગુરુજીનાં દર્શન કરવાં હતાં. અમારા આ ગુરુજીની અમારા કુટુંબ ઉપર બહુ જ મોટી કૃપા છે અને આજે તો પાછો ગુરુપૂર્ણિમાનો દિવસ છે. " અનિકેત હરસુખભાઈનાં ચરણસ્પર્શ કરીને બોલ્યો.

"બસ આ જ સંસ્કાર જોઈને મારી દીકરીને તમારા ઘરે વળાવી છે શેઠ. તમે રાજકોટના સંસ્કાર દીકરાઓને પણ આપ્યા છે. " હરસુખભાઈ ખુરશી ઉપર બેસીને બોલ્યા.

" અરે તમારી દીકરીમાં સંસ્કાર ક્યાં ઓછા છે ? મારે જેવી જોઈતી હતી એવી જ દીકરી મળી છે. એનાં લક્ષ્મી પગલાંથી આજે અનિકેત પણ બિલ્ડર બની ગયો છે. અને પોતે એકલા હાથે જ બે ટાવરો ઊભાં કરી રહ્યો છે. એની પોતાની અલગ ઓફિસ પણ બનાવી દીધી છે." ધીરુભાઈ શેઠ હરખાઈને બોલ્યા.

" એ તમારી મોટાઇ છે શેઠ. બાકી અનિકેત કુમારનું નસીબ જ બળવાન છે. " હરસુખભાઈ બોલ્યા.

" ચાલો હવે આપણે નીકળીએ. ઘરે પણ બધાં તમારી રાહ જુએ છે. શ્રુતિ તો જીજુ ને મળવા માટે ઘેલી ઘેલી થઈ ગઈ છે. " હરસુખભાઈ બોલ્યા.

અને ત્રણેય જણા ઊભા થયા. રૂમ બંધ કરી રિસેપ્શન ઉપર ચાવી આપી બધા નીચે ઉતર્યા. હોટલની સામે જ ગાડી પાર્ક કરેલી હતી. રઘુ તરત જ નીચે ઉતર્યો અને દરવાજો ખોલી દીધો.

બધા બેસી ગયા એટલે રઘુએ ગાડી સ્ટાર્ટ કરી અને ૧૫ મિનિટમાં જ બધા પારસ સોસાયટી પહોંચી ગયા.

હરસુખભાઈનો આખો પરિવાર મોટા વેવાઈનું સ્વાગત કરવા માટે તૈયાર હતો. એક તો કૃતિના દાદા સસરા હતા અને પાછા બહુ જ મોટા માણસ હતા ! એમના સ્વાગતમાં કોઈ કમી આવવી જોઈએ નહીં.

બધાએ એમને આવકારો આપ્યો અને સોફા ઉપર બેસવા માટે વિનંતી કરી.
અનિકેતે મનોજભાઈ અને આશાબેનનાં ચરણ સ્પર્શ કર્યાં. બંનેએ એને આશીર્વાદ આપ્યા.

" મકાન તો તમે પણ ઘણું સારું બનાવ્યું છે હરસુખભાઈ. એરિયા પણ મને તો બહુ જ ગમ્યો. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" હા પણ મુંબઈની તમારા જેવી જાહોજલાલી અહીં ક્યાં શેઠ ? કૃતિ તો તમારા બધાનાં વખાણ કરતાં જ થાકતી નથી. મને કહે કે મને કોઈ કામ કરવા દેતા જ નથી. બસ ખાટલેથી પાટલે ને પાટલે થી ખાટલે. " હરસુખભાઈ હસીને બોલ્યા.

" પણ અમારે ત્યાં કંઈ કામ જ ક્યાં હોય છે કે મારે એને બતાવવું પડે ? બે ટાઈમ રસોઈ માટે મહારાજ રાખેલો છે. કામ કાજ કરવા માટે નોકર છે. કપડાં વાસણ માટે બાઈ પણ છે." ધીરુભાઈ બોલ્યા.

હજુ સાંજના ૬ વાગ્યા હતા અને જમવાની હજુ વાર હતી એટલે બંને મહેમાનોને આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો.

" અહીં અમે રાજકોટના લોકો આઈસ્ક્રીમના બહુ જ શોખીન છીએ. આખા ગુજરાતમાં આઈસ્ક્રીમ સૌથી વધુ રાજકોટમાં અને સુરતમાં ખવાય છે. અને સુરતમાં પણ પાછા સૌરાષ્ટ્રના લોકો જ શોખીન !" મનોજભાઈ બોલ્યા.

એ પછી બંને વેવાઈ ધંધાની વાતે વળગ્યા. શ્રુતિ ક્યારનીય અનિકેત સાથે વાત કરવા ઊંચી નીચી થતી હતી પણ મોકો મળતો ન હતો. એ લોકોએ ધંધાની વાતો ચાલુ કરી એટલે શ્રુતિ ધીમે રહીને અનિકેત સામે જોઈને બોલી.

" જીજુ ચાલો ને ઉપર... દીદી પણ વાત કરવા માંગે છે. " શ્રુતિ બોલી.

અનિકેતને કોઈની પરમિશન લેવાની હતી નહીં. એ તરત જ ઉભો થયો અને કૃતિ અને શ્રુતિની સાથે જ ઉપર બેડરૂમમાં ગયો.

" બોલો દેવીઓ હવે મારા માટે શું હુકમ છે ? " પલંગ ઉપર બેઠક લેતાં જ અનિકેત બોલ્યો.

" આ વખતે કોઈ હુકમ નથી જીજુ. બસ વાતો કરવી છે. " શ્રુતિ બોલી.

" અરે એને મુંબઈ આવવું છે ચાર પાંચ દિવસ રહેવા માટે. મમ્મી પપ્પા તો હા પાડે છે પરંતુ દાદા ના પાડે છે. કહે છે એમ દીકરીના સાસરે પ્રસંગ સિવાય ના જવાય. " કૃતિ બોલી.

" તો આપણે પ્રસંગ ઊભો કરીએ ને ! તું બીમાર પડી જા. તારી સેવા કરવા માટે સાળીને ત્રણ ચાર દિવસ માટે બોલાવી લઉં. હું પોતે જ ફોન કરીશ. મમ્મી પપ્પાને કહી દેવાનું કે તું બિલકુલ બીમાર નથી. માત્ર શ્રુતિને બોલાવવા માટે આખો ડ્રામા કર્યો છે એટલે એ ચિંતા ના કરે. " અનિકેત બોલ્યો.

"વાહ ક્યા દિમાગ ચલતા હૈ જનાબ કા ! પણ અનિકેત બાબુ... બીમારીના સમાચાર મળે એટલે મારા દાદા પહેલો ફોન તમારા દાદાને જ કરે. અને દાદા તો સાચું કહી દેવાના કે કૃતિ તો એકદમ સાજીનરવી છે એટલે તમારા પ્લાનનો ફિયાસ્કો ! હવે પ્લાન બી બોલો. " કૃતિ હસીને બોલી. શ્રુતિ પણ ખડખડાટ હસી પડી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)