સુર્યાસ્ત ૮
આઠ ડિસેમ્બરની સવાર પડી.ધનસુખ નાહી ધોઈને ને કપડા પહેરીને દુકાને જવાની તૈયારી કરતો હતો.ત્યાં સૂર્યકાંતે હાંક પાડી.
"એય ધનસુખ.અહીં આવતો."
ધનસુખ પોતાના બાપુજીને સન્મુખ આવીને ઉભો રહ્યો.
"બોલો બાપુજી."
"બોલો શુ?પગે લાગ તારા બાપને."
પોતે વાર તહેવારના અચૂક બાપુજીને પગે લાગતો.પણ આજે બાપુજી સામે ચાલીને પગે લાગવા કહે છે.એ સાંભળી ને ધનસુખ ને નવાઈ લાગી.પણ તરત એણે વાંકા વળીને બાપુજીને ચરણ સ્પર્શ કર્યા.બાપુજીએ ધનસુખ ના મસ્તક ઉપર હાથ રાખીને આશીર્વાદ આપ્યા.
"ચિરંજીવી રહે દીકરા.અને તને જન્મદિવસના ઘણા ઘણા અભિનંદન."
ધનસુખ આશ્ચર્યથી પોતાના પિતાના ચહેરાને તાકી રહ્યો.
"તમને યાદ છે મારો જન્મદિવસ."
એણે બાપુજીને પૂછ્યું.જવાબમાં બાપુજીએ સ્મિત ફરકાવ્યું.અને પોતાની બંડીના ખિસ્સામા હાથ નાખીને કે.જી. જ્વેલર્સની એક કેસરી કલરની નાની એવી ડબ્બી કાઢી.ધનસુખ અને પ્રિયા ઉત્સુકતાથી બાપુજી શું આપે છે એ જોઈ રહ્યા.બાપુજીએ.એ ડબ્બીમાંથી સોનાની ચેન કાઢી અને ધનસુખના ગાળામાં પહેરાવી.બાપુજીનો પ્રેમ જોઈને ધનસુખ ની આંખ ભરાઈ આવી.એ બાપુજીને ભેટી પડ્યો.અને રુંધાયેલા સ્વરે બોલ્યો.
"આની શું જરૂર હતી બાપુજી."
"મેં તને ક્યારેય ક્યાં કદી આપ્યું છે? આને પહેલી અને છેલ્લી ગિફ્ટ સમજ દીકરા."
બાપુજી ની આંખો પણ ભરાઈ આવી હતી.બાપુજી થી અળગા થતા ધનસુખ બોલ્યો.
"આવું ના બોલો બાપુજી.મારી પાસે જે કંઈ છે તે બધું જ તમે જ આપેલી દેન છે."
અને પછી અચાનક એને મગજમાં કંઈક ક્લિક થતા એણે બાપુજીને પૂછ્યું.
"પણ તમે આ ચેન લાવ્યા ક્યારે?અને કઈ રીતે?"
જવાબમાં બાપુજીએ આંખ ઉપરથી ચશ્મા ઉતાર્યા.અને એની ઉપર આંખ મા આવેલા ઝળઝળીયા ને કારણે આવેલી ઝાંખપ ને રૂમાલથી લુછતા બોલ્યા.
"સરપ્રાઈઝ દેતા તને એકલાને આવડે છે?હું તારો બાપ છું દીકરા."
"હા બાપુજી.પણ તમારી આ હાલત. અને તમે ઠેઠ અંધેરી સ્ટેશન સુધી ગયા કઈ રીતે?"
"હું રોજ આપણા બગીચામાં આંટા તો મારું જ છું ને?કાલે સવારે મેં બરકત રિક્ષાવાળા ને ફોન કરીને કહેલું કે સાંજે મારી સાથે સ્ટેશન આવે.બસ એની સાથે હું કે.જી.માં ગયો.ચેન લીધી અને આવી ગયો."
બાપુજીએ ખુલાસો કરતા કહ્યુ.
"અને પ્રિયા.તને જાણ પણ ન થઈ?"
ધનસુખે પ્રિયા તરફ દ્રષ્ટિ કરીને પ્રિયાને પૂછ્યું.પ્રિયા કંઈ જવાબ આપે એ પહેલા સૂર્યકાંત બોલ્યા.
"વહુ રોજ સાંજે મંદિરે જાય છે.એમ કાલે પણ ગયા હતા.એ મંદિરે ગયા ને હુ કે.જી.મા."
સૂર્યકાંતે ફોડ પાડ્યો.
ધનસુખ ફરી એકવાર બાપુજીને ભેટી પડતા બોલ્યો.
"બાપુજી.બાપુજી.મારા બાપુજી."
અને સૂર્યકાંત ને કથરોટ માં ફરતી બોટ જોઈને પોતાને આ જ રીતે વળગી પડેલો એ નાનો એવો ધનસુખ.આજના ધનસુખ માં દેખાયો.પોતાનો મમતાળુ હાથ એ ધનસુખ ના મસ્તક પર ફેરવવા લાગ્યા.
બે હજાર નવ ની શરૂઆત થઈ.એપ્રિલ મહિનામાં સૂર્યકાંત અને ધનસુખ.ડોક્ટર પ્રધાન પાસે ચેકઅપ માટે ગયા.ચેકઅપ કરી લીધા પછી ડોક્ટર પ્રધાને ધનસુખ ને કહ્યુ.
"બાપુજીને બહાર બેસાડી ને તમે પાછા અંદર આવો."
ધનસુખ બાપુજીને બહાર બેસાડીને પાછો અંદર આવ્યો.ત્યારે ડોક્ટરે કહ્યુ.
"જુઓ.કેન્સર હવે લાસ્ટ સ્ટેજમા છે. ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે.હવે આમા રિકવરી સંભવ નથી.અત્યારે ગળામાં એમને ધીમો ધીમો દુખાવો છે. આગળ જતા એ દુખાવો હજી વધશે. એના માટે બેંડેડ લખી આપુ છુ.જો દુખાવો અસહ્ય થતો હોય.ત્યારે જ આ બેંડેડ નો ઉપયોગ કરવો.કારણ કે આ બેંડેડ ની આડ અસર ઘણી છે.આના લગાડવાથી ઉલટી અને જુલાબ થઈ શકે છે.અને હવે બાપુજીની થોડીક વધુ કાળજી રાખતા જજો.વધુ સેવા ચાકરી કરજો.એમ સમજો કે હવે આ એમના અંતિમ દિવસોની શરૂઆત છે."
ડોક્ટરના એક એક શબ્દે ધનસુખ ના ગાત્રો જાણે ગળી રહ્યા હતા.હાથ પગ જાણે ઢીલા પડી રહ્યા હતા.ચહેરો સાવ ઉતરી ગયો હતો.