Anokhi Pretkatha - 8 in Gujarati Fiction Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | અનોખી પ્રેતકથા - 8

Featured Books
Categories
Share

અનોખી પ્રેતકથા - 8

"આ સાલા ગંભીરીયાઓને બહાર કરો." એ અવાજ ફરી ગુંજ્યો અને અમે એ દિશામાં જોયું.


એક ૧૯૧૯ નું મોડેલ હોય એવાં સુરતી લાલા મખમલી જામામાં સજ્જ અમારી તરફ ઘૂરકી રહ્યા હતા.


"અરે! લાલા શું કરો છો. કોને બહાર કાઢવાની વાત કરો છો? કોણ ગંભીર છે અહિયાં?" ડૉક્ટર એન્ડ્યુસ બોલ્યાં.


"તું ને તારી હાથે ઊભેલો ગધેડો. બીજું કોણ?" લાલા તોછડાઈથી બોલ્યા.


"અમે અને ગંભીર! ના ના હવે, તમને ગેરસમજ થઈ લાગે છે. અને આ ગધેડો સૉરી આ ડૉક્ટર અમર નવો છે એટલે ફનઝોન અને અહીંની રીતભાત શીખવવા લઈ આવ્યો જેથી કરીને એ પણ ગંભીર ન રહે, આપણી જેમ મજા કરે." ડોક્ટર પણ ટિખળ કરતાં બોલ્યાં.


"તો બરોબર... જો પોયરા જીયવા તા લગણ ગંભીર જ હતાં, હવે હું? સાલું ગંભીર થવાથી જિંદગી પાછી તો ની આવે. તો બસ મયરા પછી જીવી લેવાનું. હું કેય?" લાલાએ ખાતરી કરતાં પૂછ્યું.


"હમમમમ્.. બરાબર." મેં કહ્યું.


"બસ તારે કર મજા. મેં બીજાં બધાને જોતો આવું." એમ કહી એ વૃદ્ધ લાલા નીકળી ગયાં.


"પણ રામનામ નાણું હું કેટલું કમાયો એ મને કેમ ખબર પડે?" મને અચાનક અમારી વાત યાદ આવી અને મેં પૂછ્યું.


"અરે હા, એ વાત તો રહી જ ગઈ. એ તો તારાં એકાઉન્ટમાં રિફ્લેક્ટ થશે અને તને જ દેખાશે. જેવું તું રામનામ લેવાનું શરું કરે એટલે તારું એકાઉન્ટ ઑટોમૅટિક જનરેટ થઈ જશે અને બેલેન્સ પણ રિફ્લેક્ટ થવા લાગશે. તું અત્યાર સુધીમાં જેટલી વાર રામનામ બોલ્યો એ એકાઉન્ટમાં દેખાશે. ચેક કર." એમણે કહ્યું.


"કેવી રીતે?" મેં વિસ્મયથી પૂછ્યું.


"રામ નાણું બેલેન્સ ચેક એમ બોલીને સિમ્પલ." ડોક્ટરે સમજાવ્યું.


મેં ચેક કર્યું અને ખરેખર એમાં બેલેન્સ હતું તે જોઈ મને પહેલી સૅલેરી મળ્યાં જેટલી ખુશી થઈ. ત્યારબાદ અમે ફનઝોનમાં ઘણું ફર્યા, ઘણાં લોકોને મળ્યાં. ઘણી નવીનતમ વાનગીઓ ડોક્ટરે એમનાં ખર્ચે મને ખવડાવી એ પણ છેલ્લીવાર એમ કહીને. સવારે મળવાનો વાયદો કરી છૂટાં પડ્યાં.


રૂમમાં ફરી એ જ એકલતા મને ઘેરાવા લાગી ત્યારે ફનઝોન અને મજા કરી લેવી એ કોન્સેપ્ટ જે ડોક્ટર એન્ડ્યુસ અને સુરતી લાલાએ કહ્યો હતો એ વધું સ્પષ્ટપણે સમજાયો. અહીં આવ્યાં પછી જેને જેને હું મળ્યો હતો એમનાં સ્મરણો વાગોળતાં હું નિદ્રાધીન થઈ ગયો. એમ તો પ્રેતને કદાચ ઉંઘ ન આવતી હોવી જોઈએ પણ એ પણ એમની ઑટોમૅટિક સિસ્ટમ હશે એમ મેં બીજાં દિવસે માની લીધું.


********************


બીજા દિવસે નિયત સમયે મારી આંખ ખૂલી ગઈ અને ફટાફટ તૈયાર થઇ હું ડોક્ટર એન્ડ્યુસનાં કૅબિનમા દાખલ થયો.


ડોક્ટર હજુ આવ્યાં નહોતાં એટલે મેં એમનાં ટેબલ પર પડેલ કેસપેપર હાથમાં લઈ અભ્યાસ શરૂ કર્યો. હજું પાંચ મિનિટ થઈ હશે અને રૂપાની ઘંટડી રણકી.


"ઍક્સક્યુઝમી. ડોક્ટર હજું આવ્યાં નથી અને એમની પરમિશન વિના તમે કેસપેપર ચેક ન કરી શકો."


"સૉરી. મને ખબર નહોતી. હું આજે જ જોઈન થયો છું." એમ કહેતાં પાછળ ફર્યો તો એ દેવી હતી.


"તમે અહીં?!" મારાથી સાનંદાશ્ચર્ય બોલી જવાયું.


"તો?" એનાં સામા પ્રશ્નથી હું જરા છોભીલો પડી ગયો.


"હું ડોક્ટર અમર. તમે જ મને અહી લાવ્યા હતા. ભૂલી ગયાં. તમે હૉસ્પિટલમાં પણ એટલે આશ્ચર્યથી પૂછી લીધું." મેં ખચકાટ સાથે સફાઈ આપી.

"હું કોઈપણ ડિપાર્ટમેન્ટમાં જ્યાં જરૂર હોય ત્યાં કામ કરું છું." એણે મારા હાથમાંથી કેસપેપર લેતાં લેતાં ટૂંકમાં પતાવ્યું.

"ઓકે"


આગળ હું કંઈક બોલું ત્યાં જ ડોક્ટર એન્ડ્યુસ કૅબિનમા પ્રવેશ્યા. અમે એમને ગુડ મોર્નિંગ વિશ કર્યું. એમની વર્તણૂક રાત વાળા ડોક્ટર એન્ડ્યુસ કરતાં અલગ જ હતી એટલે કે હાઈલી પ્રોફેશનલ. રિવોલ્વિન્ગ ચૅયર પર બેસતાં જ એમણે દેવીને પૂછ્યું,


"ડોક્ટર દેવી. કોઈ નવું પેશન્ટ?"


"જી સર. પૅશન્ટનુ નામ કૅટી. આવી ત્યારથી એક જીદ પકડીને બેઠી છે."


"પાછાં પૃથ્વી પર જવાની?" ડોક્ટરે અમસ્તા જ રમૂજમાં પૂછ્યું.


"ના સર... પણ એક વ્યક્તિ સાથે રહેવાની."


"હમમમમ્... કોઈ ખાસ કારણ? ચાલો મળી જ લઈએ. ડૉક્ટર અમર આ પહેલો જ કેસ છે તમારો, ધ્યાનથી સમજી પૂછું ત્યારે સજેશન આપજો."


"જી સર" એટલું કહી હું એમની પાછળ પાછળ દોરવાયો.


અમે એક કન્સલ્ટિંગ કૅબિનમા પ્રવેશ્યા. પેશન્ટ એક ચૅયર પર બેસેલ હતું. જેને જોઈને મારા હોંશ ઉડી ગયા અને સિનિયર ડોક્ટર્સની હાજરી ભૂલી મેં પૂછી લીધું,
"તું છો પેશન્ટ?!"

(ક્રમશઃ)