મારી પાછળ ટૅલિપોર્ટ થયેલા ડૉ. એન્ડ્યુસે મને થોડી સિસ્ટમ સમજાવી. રૂમમાં એક મોટું કૅબિન હતું, જેનું નામ ડ્રેસિંગ ઍરિયા. આ કૅબિનમા જઈ કપડાં અને સ્ટાઈલ વિશે વિચારો એટલે સામે ઈન્વિઝિબલ સ્ક્રીન પર કપડાં અને સ્ટાઈલનાં આઈકૉન્સ આવી જાય, એમાંથી સિલેક્ટ કરો એટલે તમે ઑટોમૅટિક રેડી. ન્હાવા માટે પણ બટન હતું. જમવા માટેના ઍરિયાને ડાયનિગ ઍરિયા કહેવાતો... જે ગમે તે સિલેક્ટ કરીને જમી લેવું. રેસ્ટ ઍરિયામાં ટાઈમર સેટ કરી અથવા ન પણ કરીને ફ્રેશ બહાર આવી જાવ. સ્ટડી ઍરિયામાં બધી લેટેસ્ટ તથા પુરાતન પુસ્તકો વાંચી શકો એ પણ જે ભાષામાં વાંચવી હોય એ ભાષામાં. આ ઉપરાંત એન્ટરટેઈમેન્ટ માટે રૂમમાં ટાઈમપાસ ઍરિયા હતો જેમાં ગેમ રમી શકાય અથવા ટીવી જોઈ શકાય. વધુ એન્ટરટેઈમેન્ટ માટે ડૉક્ટર એન્ડ્યુસ મને ફન ઝોનમાં લઈ જવાનું પ્રોમિસ કરી જતાં રહ્યાં.
હવે હું એકલો પડ્યો એટલે બધું ટ્રાઈ કરી લીધું પણ અચાનક આ બધું ફિક્કું લાગવા લાગ્યું. પૃથ્વી પર તો ઘરે આવીએ એટલે ઑર્ડર ચાલુ થતાં.
"મમ્મી... ભૂખ લાગી છે નાસ્તો આપને."
"મારા કપડાં ક્યાં છે? હજું ઈસ્ત્રી નથી કર્યા?"
"મારે મિત્રો સાથે બહાર પાર્ટીમાં જવાનું છે લેટ થઈશ... ચિંતા ના કરતી.... જરા પપ્પાને સમજાવી લેજે ને!." વગેરે વગેરે....
અહીં બધી જ સુવિધાઓ હતી, પાબંધી નહોતી પણ માનવીય સંબંધોની હૂંફ ગેરહાજર હતી. સંબંધો ગેરહાજર હતા. એકલાપણું હતું જે કોઈ સજાથી કમ ક્યાં હતું. આંસુ નીકળવા તત્પર હતાં પણ ગાલ પર કોઈ ભીનાશ ન તરવરી. ચહેરા સામે આવ્યાં પણ વ્યક્તિ ન આવી, ન તેમનો સ્પર્શ મળ્યો. જે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી પોતિકાઓની વચ્ચે રહી હોય, એમનાં સથવારે રહી હોય, એમની આદત પડી હોય એ ક્યાંક એકાકી થતાં એકલી અટૂલી અને નિરાશા અનુભવે એ સ્વાભાવિક તો ખરું જ અને અહી તો અમર એ પોતિકાઓને ફરી ક્યારેય સદેહે મળવાનો નહોતો તો વિચારો એ ખાલીપો કેટલો દુઃખદાયી હશે.
પણ કહેવાય છે ને કે ભૂતકાળનો સ્વીકાર એ સર્વોત્તમ ઉપાય છે શાંતિનો એટલે થોડીવાર નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલો અમર નવી જિંદગી... ના...ના... મૃત્યુ બાદની જિંદગી એટલે કે એક અજીબો ગરીબ બદલાવ માટે સજ્જ બન્યો.
નવજીવનની શરૂઆત તો કરવી જ પડશે ને એમ વિચારી નિરાશા ખંખેરીને એણે ફટાફટ તૈયાર થઇ બહાર જવાનું વિચાર્યું. ડૉ. એન્ડ્યુસનાં શીખવ્યા પ્રમાણે એણે મનોમન ફનઝોનનો વિચાર કરી હવામાં પંજો ફેલાવ્યો પણ નામ ફનઝોનના બદલે ફનીઝોન એવું મનમાં ઝબક્યુ અને હું રૂમમાં જ પટકાયો. ત્યાં જ ટૅલિપોર્ટ થઈ આવેલા ડૉક્ટર એન્ડ્યુસનો હસવાનો અવાજ આવ્યો.
"શું થયું?" એમણે હસતાં હસતાં પૂછ્યું.
"મારાથી ટેલિપોર્ટેશન ન થયું." હું મોં બનાવી બોલ્યો.
"તે ન જ થાય ને. મનમાં એક સાથે બે ચાર જગ્યા વિચારો કે ફોકસ ન હોય તો આમ જ ફેલ થઈ જવાય. મનમાં એક જ વિચાર હોવો જોઈએ. હવે માત્ર ફનઝોન વિશે વિચારીને પ્રયત્ન કર."
એમના કહેવા પર મેં થોડાં અવિશ્વાસે પ્રયત્ન કર્યો અને હું ખરેખર ફનઝોનમા હતો. મારી ચારે તરફ મસ્તીનો માહોલ હતો. હું અવાચક બની એ માહોલ નિહાળી રહ્યો. ધરતી પર ન હોય અથવા હજુ શોધાઈ જ ન હોય એવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ ફનઝોન જોઈ મારું મોં ખુલ્લું જ રહી ગયું. હવામાં તરતો ડિસ્કોથેક, વળી હવામાં જ તરતી બાર, કૅન્ટીન, ગૅમઝોન અને નવાઈની વાત ચાની ટપોરી પણ.
"હજું તો શૉપિંગ મૉલ, રીવરફ્રન્ટ, ટ્રેકિંગ , કૅમ્પ ફાયર, સ્ટેડિયમ , ઑડિટોરિયમ, વૉટર, ઍર ઍન્ડ આઈસ સ્પોર્ટ્સ અને એવું ઘણું ઘણું પણ છે." મારી પાછળ જ ટૅલિપોર્ટ થયેલા ડોક્ટર એન્ડ્યુસ બોલ્યાં.
"આટલું બધું!!! આટલાં બધાં માટે સમય મળે છે અહીં બધાને?!" મેં આશ્ચર્યથી પૂછ્યું.
"હા પણ અને ના પણ. સમય કાઢો તો મળે અને આમપણ અહી એકલા શું કરવાનું ખાલી સમયમાં. બસ મજા કરવાની. જીવતેજીવ ન કરી શક્યાં તે મર્યા પછી જીવી લો."
"હમમમમ્... " મેં વાત નો મર્મ સમજી સહમતી દર્શાવી.
"પણ આ બધું ફ્રી!" મેં ઉત્સુકતાથી પૂછ્યું.
"ફ્રી! ફ્રી તો કંઈ જ નથી મળતું દોસ્ત, ન જીવતેજીવ ન મૃત્યુ પછી. દરેક ચીજની કિંમત ચૂકવવી પડે છે. અહીંનું નાણું "રામ"...."
"રામ!?"
"હાસ્તો, માણસ મર્યા પછી શું સાથે લાવે છે એક રામનામ અને કર્મનાં પોટલાં સિવાય. કર્મનો ઉપયોગ શક્ય નથી તો બચ્યું શું રામનામ. એ તો અખૂટ , વાપરો જેટલું વપરાય."
"પણ મારી પાસે તો નથી. તમે મને આપશો ઉધાર?" મેં ખાલી ખિસ્સાં બતાવ્યા.
"હા...હા...હા... એ ઉધાર ન લઈ શકાય અને હું ઈચ્છું તો પણ ન આપી શકું,એ તો કમાવું પડે."
"ઓહહ્.." મેં નિરાશાથી નિસાસો નાખ્યો.
"એ કમાવું સરળ છે."
"એમ! કેવી રીતે?"
"બસ... રામનામ લેતાં જાવ અને કમાતાં જાવ."
"આટલું સરળ!"
"હા... સૌથી સરળ જે જીવનપર્યંત ન સમજાયું."
એમને ગંભીર જોઈ હું પણ ગંભીર થઈ ગયો.
"અહીં ગંભીર લોકો ની જોવે." કોઈનાં અવાજે અમને તંદ્રામાંથી બહાર કાઢ્યાં.
(ક્રમશઃ)