સાંવરી મીતને બહુ બધી કિસ કરવા લાગી અને કહેવા લાગી કે, " ચાલ હવે તો ઉભો થા યાર. આપણે મોમ સાથે દર્શન કરવા માટે જવાનું છે!!"
મીત પણ સાંવરીની આ નટખટ હરકતથી ખુશ થતો હોય તેમ ઉભો થયો અને હસીને બોલ્યો કે, " હાંશ હવે થોડું સારું લાગ્યું. "
સાંવરી: સારું લે આ ટોવેલ અને ન્હાવા માટે જા અને તૈયાર થઈને ફટાફટ નીચે આવ. "
મીત: ના, તું નીચે ના જતી રહીશ અહીંયા જ બેસ હું ફટાફટ બે મિનિટમાં નાહીને બહાર આવ્યો સમજ
સાંવરી: ઓકે બાબા ક્યાંય નહીં જવું બસ.
અને સાંવરી ત્યાં જ બેડરૂમમાં રાખેલી સોફાની ચેર ઉપર બેઠી અને પોતાની મોમને ફોન કર્યો.
સાંવરી ફોન ઉપર વાત કરતાં કરતાં થોડી ટેન્શનમાં આવી ગઈ અને પોતાની મોમને પૂછવા લાગી કે, " એકદમ એવું ડેડને શું થઈ ગયું મોમ ? અને સાંવરી આરામથી બેઠી હતી તો જરા ઉભી થઈ ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે હવે શું કરું ? અને પોતાની મોમને ઠપકો આપતાં કહેવા લાગી કે, તારાથી મને તરતજ ફોન ન કરાય તો હું તરતજ ત્યાં ઘરે આવી જાત ને..?
" તું મારી વાત સાંભળ બેટા, આજે હવે તારા ડેડને ઘણું સારું છે માટે તું ચિંતા કરીશ નહીં એ તો તારી વિદાય પછી તે ખૂબ રડ્યા હતા કે મારી દીકરી સાંવરી મારાથી દૂર જતી રહી તે મારી દીકરી નહીં પણ દિકરો હતો દિકરો પહેલાં બંસરીને વળાવી દીધી અને હવે સાંવરીને મારું તો ઘર ખાલી ખાલી થઈ ગયું હવે આ ઘર મને ખાવા આવે છે મને બિલકુલ આ ઘરમાં ગમતું નથી અને આ બધુંજ તેમણે પોતાના મન ઉપર લઇ લીધું હતું અને પછી તો તે ખૂબ રડ્યા બેટા ખૂબ રડ્યા.. મેં પણ તેમને ઘણું સમજાવવાની કોશિશ કરી કે, આપણે તો બે દીકરીઓ જ છે અને દીકરીઓ તો પારકા ઘરની જ વસ્તી હોય છે દીકરીઓને તો વળાવવી જ પડે ને અને આપણી બંને દીકરીઓ પરણીને જશે એટલે આપણું ઘર ખાલી થઈ જ જવાનું જ છે તેથી તેની તૈયારી આપણે રાખવી જ પડશે. " દીકરીની માં રાણી ને ઘડપણમાં ભરે પાણી " એ કહેવત ખોટી નથી. પરંતુ શું કરું બેટા આ વાત હું જેટલી સહજતાથી સ્વીકારું છું તેટલી સહજતાથી તારા ડેડી નથી સ્વીકારી શકતાં અને માટે જ તેમની તબિયત થોડી બગડી ગઈ હતી પછી તો તેમનાં ફ્રેન્ડ ડૉ. વિવેક અંકલને મેં ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને તેમણે તારા ડેડીને દવા પણ આપી અને ખૂબ સમજાવ્યા પણ ખરા કે, સમયની સાથે સાથે અને ઉંમરની સાથે સાથે દરેક માણસે બદલાવું જ પડે છે ગમે તે પરિસ્થિતિ હોય તેને અનુકૂળ થયા વગર છૂટકો જ નથી અને ચકલીનાં બચ્ચાં જેમ મોટા થાય તેમ પોતાના માળામાંથી ઉડી જાય છે તેમ આપણાં બાળકો પણ મોટા થાય એટલે તેમના અભ્યાસ અર્થે કે કમાવા માટે તેમને આપણને છોડીને દૂર જવું પણ પડે તે આપણે સહજતાથી સ્વીકાર્યા વગર છૂટકો જ નથી અને એવું થાય એકલતા લાગે ત્યારે આ ઉંમરે દરેક માણસે પોતાના મિત્રોને મળવું જોઈએ પોતાને આનંદ આવે તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, ફિલ્મો જોવા જવું જોઈએ ક્યારેક પોતાના બાળકો સાથે કોઈ સારી રેસ્ટોરન્ટમાં ડિનર લેવા જવું જોઈએ અને આમ હંમેશા ખુશ રહેવું જોઈએ નહીં તો આ એકલતા માણસને કોરી ખાય છે અને તેની અસર તમારી તબિયત ઉપર પડે અને ધીમે ધીમે તમારામાં નબળાઈ આવતી જાય અને પછી તમે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગોના ભોગ બની જાવ માટે જીવનમાં દરેક વસ્તુ સ્વીકારીને ચાલવામાં જ મજા છે. આવું ઘણુંબધું તેમણે ડેડીને સમજાવ્યા પરંતુ ખબર નહીં તારા ડેડીને તો બસ એકદમ ઘર ખાલી થઈ ગયું બંસરી પણ તેની ઢબુડીને લઈને તેના ઘરે ગઈ અને તને પણ સાસરે વળાવી એટલે મન ઉપર અસર થઈ ગઈ અને આ વાત સાંભળતાં સાંભળતાં સાંવરીની આંખોમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી અને તેનાથી એક ડુસકું પણ ભરાઈ ગયું તેને આમ ડુસકાં ભરતી જોઈને તેની મોમ પણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હવે આ બંનેને શાંત કોણ રાખે એટલામાં મીત નાહીને ખુશખુશાલ હાલતમાં વોશરૂમમાંથી બહાર આવ્યો તો સાંવરીને આમ ધ્રુસકે ને ધ્રુસકે રડતાં જોઈને વિચારમાં પડી ગયો અને તેને પૂછવા લાગ્યો કે, " એય શું થયું ડાર્લિંગ કેમ આમ રડે છે ? કોઈ કંઈ બોલ્યું ? મોમે કંઈ કહ્યું ? ડેડ કંઈ બોલ્યા ? સુશીમામીને બહુ બોલવા જોઈએ છે નક્કી તે જ કંઈક આડું અવળું તને ખોટું લાગે તેવું બોલી ગયા લાગે છે. લાવ હું તેમને બોલાવીને ખખડાવું... આમ અનેક પ્રશ્નો તેણે સાંવરીને પૂછી લીધાં પણ સાંવરીનું ન તો રડવાનું બંધ થતું હતું કે ન તો તે કંઈ જવાબ આપતી હતી..!! તેથી મીતની મૂંઝવણ વધતી જતી હતી.. તે સુશીલામામીને બૂમ પાડવા માટે બહાર જતો હતો અને સાંવરીએ તેનો હાથ પકડી લીધો અને તેને રોકી લીધો. તેની અકળામણ વધતી જતી હતી અને સાંવરીની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી તેણે સાંવરીના હાથમાંથી ફોન લઈ લીધો અને તે તપાસ કરવા લાગ્યો કે સામે કોણ છે અને એવી શું વાત ચાલી રહી છે જેને કારણે સાંવરી આટલું બધું રડી રહી છે.
મીતે અવાજ સાંભળ્યો તો સામેની સાઈડે સાંવરીની મોમ હતાં જે પણ સાંવરીની જેમ જ રડી રહ્યા હતા. મીત હલ્લો બોલ્યો એટલે સામે સાંવરીની મોમ હતાં જે ચમકી ગયા અને તેમનું ડુસકું જાણે ગળામાં જ ભરાઈ ગયું અને તે ચૂપ થઈ ગયા મીત તેમને સમજાવતો હોય તેમ તેમની સાથે શાંતિથી વાત કરવા લાગ્યો, " મોમ, પહેલા તો તમે રડવાનું બંધ કરો એકદમ શાંત થઈ જાવ અને પછીથી મને કહો કે, શું થયું છે ? માં અને દીકરી બંને કેમ આટલું બધું રડી રહ્યા છે.
સાંવરીની મોમ મીતની વાત સાંભળીને જરા શાંત પડ્યા અને મીતને કહેવા લાગ્યા કે, " તમારા પપ્પાની તબિયત થોડી વધારે જ બગડી ગઈ છે સાંવરીને વળાવ્યા પછી તે ખૂબ ઢીલા પડી ગયા છે અને રડ રડ જ કરે છે તેમના ડૉક્ટર મિત્ર વિવેકભાઈ પણ તેમને ખૂબ સમજાવ્યા પરંતુ તે કોઈ વાત સમજવા માટે જાણે તૈયાર જ નથી અને તેમને વિવેકભાઈની આપેલી દવાથી પણ કોઈ ફરક પડતો નથી હવે શું કરવું મને કંઈજ સમજાતું નથી અને તે ફરીથી મીત આગળ પણ રડી પડ્યા.
મીત પણ તેમને શાંતિથી સમજાવતાં કહેવા લાગ્યો કે, " મોમ, મારી વાત સાંભળો તમે અત્યારે જે દવા ડૉક્ટર વિવેક અંકલે પપ્પાને લખી આપી છે તે આપો જુઓ એક બે ડોઝ તે દવાના આપો અને તેમને સારૂં ન થાય તો આપણે તેમને કોઈ સારા ડૉક્ટરને બતાવી દઈશું અને એવું લાગશે તો તેમને હોસ્પિટલમાં એડમીટ કરી દઇશું માટે તમે પપ્પાની ચિંતા બિલકુલ ન કરશો અને હું અને સાંવરી બંને હમણાં જ તમને અને પપ્પાને મળવા માટે આવીએ છીએ.
અને તે સાંવરી બેઠી હતી ત્યાં સોફા પાસે નીચે બેસી ગયો સાંવરીના બંને હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી તેને પંપાળવા લાગ્યો અને સાંવરીની આંખમાં આંખ પરોવીને તેને સમજાવતાં કહેવા લાગ્યો કે, " સાનુ, પપ્પાને એકદમ સારું થઈ જશે તું ચિંતા ન કરીશ અને એવું લાગશે તો આપણે તેમને બીજા કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશું અથવા કોઈ સારી હોસ્પિટલમાં એડમીટ કરી દઇશું. તે એકલા કદી રહ્યા નથી ને એટલે તેમને આ એકલતા જ સતાવે છે એવું હોય તો તું બે ત્રણ દિવસ પપ્પાના ત્યાં રોકાઈ જજે એટલે તેમને જલ્દીથી સારું થઈ જશે અને આમ ઢીલા નહીં પડી જવાનું બેટા, તું આમ રડવા લાગશે તો તારી મોમને કોણ હિંમત આપશે ? ચાલ હવે ઉભી થા અને મારે કયા કપડા પહેરવાના છે તે કહે કે પછી મારી સાસરીમાં મારે આમ જ આવવાનું છે..!! અને સાંવરી હસી પડી તેને હસતાં જોઈને મીત પણ હસી પડ્યો અને ખુશ થઈ ગયો.
સાંવરીના પપ્પાની તબિયત સારી તો થઈ જશે ને ? તેમને હોસ્પિટલમાં એડમીટ તો નહીં કરવા પડે ને ? જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/11/23