( પ્રકરણ-૨૫ )
રાજાની કુંવરી દિવસે ન વધે એટલી રાતે વધે… એવું જ થઈ રહ્યું છે પલ સાથે.. થોડા દિવસોમાં તો હવે વરસની થઈ જશે…પ્રવિણ અને લક્ષ્મીને હવે કોઈ જ દુ:ખ નથી.. પરિવારમાં સુમેળ છે, કોઈ ખટરાગ નથી, મા બાપુની છત્રછાયા તો હવે સતત છે, વ્યવસાયમાં અવિરત પ્રગતિ છે, હિતેનભાઈનો અનુભવ અને સહયોગ ખૂબ છે, એટલે ઓફિસ અને પરચેઝિંગના કામનો બોજ જાણે પ્રવિણ પર છે જ નહીં એટલે એ ધંધાને ડેવલોપ કરવામાં મશગુલ છે..
શેઠ અને શેઠાણીની બાજુમાં પ્રવિણ રહે છે એટલે માનસિક શાંતિ વધારે રહે છે.. એમના ધારવા કરતાં પણ પ્રવિણ અને લક્ષ્મી એમને વધારે સન્માન આપતાં હોવાથી એ પણ ખુશ છે… શેઠાણીની બિમારી પણ સ્થગિત થઈ ગઈ હોય તેમ એમને અનુભવવા લાગ્યું છે.
શેઠાણીની સલાહ મુજબ લક્ષ્મી છેલ્લા ત્રણેક મહિનાથી પોતાના માટે ઘરે એક શિક્ષિકા બહેનને બોલાવે છે.. એ મેડમ લક્ષ્મીને અંગ્રેજી, હિંદી, મરાઠી ભાષા શીખવે છે.. લક્ષ્મી એ શીખે તો પલ મોટી થાય ત્યારે એનાં સ્કૂલિંગ વખતે પણ કામ લાગે… વહેલી સવારે લક્ષ્મી અને તેજલબેનડ્રાઈવિંગ શીખવા પણ જાય છે..
એક દિવસ પ્રવિણ ઘરેથી કહીને નીકળ્યો હોય છે એ અને હિતેનભાઈ પૂના જવાના તો રાત્રે કદાચ ઘરે મોડા પરત આવશે એટલે એ દિવસે લક્ષ્મીને એનાં સાસુ કહે છે કે તેજલબેન એકલાં ઘરે રહે એ સારું ન કહેવાય, એમને અહીં બોલાવી લે… પણ તેજલબેનને ફોન કર્યો તો એણે લક્ષ્મીને કહ્યું, ‘હમણાં તું ઘણા દિવસોથી નથી આવી તો તું જ આવી જા..’
લક્ષ્મી પોતાના સાસુને જણાવી પલને લઈ તેજલબેનનાં ઘરે જતી રહે છે..
તેજલબેન ઘરે હવે લગ્ન પ્રસંગે પહેરવાની ખૂબ મોંઘી સાડીઓમાંજડતર વિગરે ટાંકવાનું કામ કરતાં હોય છે.. એક સાડી લઈ આવે, ચાર પાંચ દિવસે પુરી કરી પરત કરે એટલે રોજ લેવા આપવા પણ ન જવું પડે.. એમને સમય પણ પસાર થાય અને એક સાડી પુરી કરે તો પાંચ થી સાત હજાર કમાઈ લે છે.. લક્ષ્મી આવે છે તો એ જડતરનું કામ બાજુ પર મુકી દે છે. લક્ષ્મી સાથે વાત કરતાં કરતાં એ પલને પણ રમાડે છે.. તેજલબેન આ દરમ્યાન લક્ષ્મી જોડે થોડી અંગત વાતો કરી થોડી સલાહો પણ આપે છે.
જોત જોતાંમાં તો રાત થઈ જાય છે, બંને જમી લે છે.. તેજલબેન પછી જડતર લગાવવા બેસી જાય છે, લક્ષ્મી પોતાનું હોમવર્ક કરવા બેસી જાય છે… લગભગ રાત્રે અગિયાર વાગે પ્રવિણ અને હિતેનભાઈ ઘરે પહોંચે છે.. બન્ને ત્યાંથી જમીને આવ્યા હોય છે.. પણ બન્નેનાં ચહેરા પર થોડું ટેન્શન દેખાય છે.. એટલે તેજલબેન પુછે છે કે, ‘કેમ.. કામ ન થયું કે શું..? પેલી પાર્ટી પૈસા આપશે કે નહી ?’
‘ડૂબી ગઈ છે એ પાર્ટી પૂનાની... એની મિલકત મળે તેમ છે... પૈસાનો તો નહીં મેળ પડે...’
લક્ષ્મી પણ આ બધુ સાંભળે જ છે.. એટલે કહે છે, ‘ટેન્શન કરું નકો..જે થાય તે સારા માટે જ થતું હોય.. ‘ પણ પ્રવિણે કહ્યું, ‘ ટેન્શન તો થાય જ ને.. મોટી રકમ છે.. અને મને શેઠે કહ્યું હતું કે આ પાર્ટીથી થોડું સાચવજે… તો પણ આ વખતે ઓછુ કરવાને બદલે વધારે ભરોસો મૂક્યો… સારું… પલ સુઈ ગઈ છે તો તમે લોકો અહીં જ સુઈ જાઓ, હું મા બાપુ પાસે ઘરે જાઉં..’ પણ તેજલબેન બોલ્યાં, ‘ ના.. પલ ભલે સુતી એકલી.. હું છું ને..! હવે ધીમે ધીમે મારી પાસે કોઈ દિવસ એકલી રહે એવું પણ કરીએ.. ટેવ પાડેલી કોઈ દિવસ કામ લાગે.. તમે બન્ને ઘરે જતાં રહો… આમ પણ પ્રવિણ ટેન્શનમાં છે તો થોડા રિલેક્સ રહેશો..’
પ્રવિણ અને લક્ષ્મી બાજુમાં જ ઘર છે, તો ચાલતાં જાય છે પ્રવિણથાક્યો હોય છે પણ લક્ષ્મીનો હાથ પકડીને ચાલતાં ક્યારે ઘર આવી જાય છે એ ખબર જ નથી પડતી. પ્રવિણ શાવર લેવા જાય છે. લક્ષ્મી પણ ફ્રેશથઈ લાલ કલરની નાઈટી પહેરી, પ્રવિણ માટે કોફીનો એક કપ બનાવી તૈયાર રાખે છે.. પ્રવિણ બેડરૂમમાં આવે છે તો લક્ષ્મી કહે છે, ‘ લો… કોફી પી લો.. થાક ઉતરી જશે.’
‘અરે... હું કોફી પી લઈશ તો મોડે સુધી ઉંધ જ નહીં આવે અને એક તો પૈસાનું ટેન્શન તો છે જ..’
લક્ષ્મીએ એને હાથ પકડી બેડ પર બેસાડી.. હાથમાં કોફી ભરેલ મગ પકડાવી લાઈટ બંધ કરી.. પ્રવિણ કોફી પીવે છે ત્યાં સુધી સતત એના વાળમાં હાથ ફેરવી હળવો મસાજ કર્યા કરે છે.. પ્રવિણ કોફી પુરી કરે છે.. એને ઘણું રિલેક્સ લાગે છે… લક્ષ્મી એને પોતાની છાતી પર માંથુ ઢળાવીએક સરસ હગ કરે છે.. કદાચ આવું પણ આ બન્ને વચ્ચે પ્રથમ વખત બને છે.. પ્રવિણ અત્યાર સુધી ક્યારેય લક્ષ્મી સાથે મર્યાદાથી બહાર નહોતો ગયો.. લક્ષ્મીએ ફરીથી એક હગ કરી.. એના કપાળ પર મીઠું ચુંબન કરીને કહ્યું, ‘આ પવલો.. કંઈ એકલા મા બાપુ નો કે પલનો જ છે..? અહીં તો મારો જ.. હે ને..?’
‘હમમમમ.. લક્ષ્મી તારા આવવાથી તો મને જીવવાની નવી પ્રેરણા મળી.. બાકી તો…જિંદગી કેવી…’
લક્ષ્મી બીજુ કશું બોલવા નથી દેતી.. કેમકે પ્રવિણના બન્ને હોઠ હવે મુક્ત નથી…
પ્રવિણનું ટેન્શન ક્યાં દૂર થઈ ગયું હતું એને ખબર જ ન પડી, બન્ને ક્યારે ઉંઘી ગયા.. કંઈ જ ખબર ન પડી. લક્ષ્મી તો વહેલી જાગી ગઈ હતી.. વહેલાં ન્હાઈને તૈયાર થઈ, પૂજાપાઠ કરી લીધા, સાસુને જોડે લઈ બાજુનાં મંદિરમાં દર્શન કરી આવ્યાં અને તેજલબેનનાં ઘરે પલને લેવા માટે જાય છે…પણ પ્રવિણ તો આજે સવારે સાડા આંઠ થઈ ગયા તો પણ ઘસઘસાટ ઉંઘી રહ્યો છે…
❖
આપને વાર્તા ગમતી હોય તો મને રેટીંગ ચોકક્સ
આપજો, અને ફોલો પણ કરવા નમ્ર વિનંતી…🙏