ફિલ્મનું નામ : મુગલ-એ-આઝમ
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : કે. આસિફ .
ડાયરેકટર : કે. આસિફ
કલાકાર : પૃથ્વીરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા, દુર્ગા ખોટે, મુરાદ, અજીત અને નિગાર સુલ્તાના
રીલીઝ ડેટ : ૫ ઓગસ્ટ ૧૯૬૦
૧૯૨૨માં લાહોર સ્થિત એક લેખક સૈયદ ઈમ્તિયાઝ અલી ‘તાજ’ એ એક નાટક લખ્યું. નામ હતું, ‘અનારકલી’. લખતી વખતે તેને ખબર નહોતી કે તે ભવિષ્યમાં કેવી ધૂમ મચાવશે. મુગલ ઇતિહાસમાં અનારકલી નામનું પાત્ર ચોક્કસ હતું, પણ તે કોણ હતી તે વિષે મતભેદ છે. સલીમ ઉર્ફ જહાંગીરની આત્મકથામાં પણ તેનો ઉલ્લેખ નથી. અનારકલીનો અછડતો ઉલ્લેખ વિલિયમ ફિન્ચ નામના અંગ્રેજ સોદાગરના સફરનામામાં છે. તે પ્રમાણે અનારકલી અકબરની પત્ની હતી અને અકબરે તેનો સંબંધ જહાંગીર સાથે છે એવો સંશય જતાં તેને દીવાલમાં જીવતી ચણાવી દીધી હતી.
૧૯૨૨ માં જ જન્મેલા આસિફ કરીમે ૧૯૪૪માં આ નાટક વાંચ્યું અને તેના ઉપરથી મહાન ફિલ્મ બનાવવાનું સ્વપ્ન જોયું. તેની સાથે જોડાયો શિરાજ અલી હકીમ નામનો પ્રોડ્યુસર. ૧૯૪૫માં આસિફે નિર્દેશિત કરેલી ફિલ્મ ‘ફૂલ’ આવકાર પામી એટલે તે સ્થાપિત થઇ ગયો. આસિફના મગજમાં અનારકલીની વાર્તાએ ઘર જમાવી દીધું હતું. તેણે અમાનુલ્લા ખાન (ઝીનત અમાનના પિતા) સાથે મળીને સ્ક્રીપ્ટ લખી ડાયલોગ લખવા માટે વધુ ત્રણ ઉર્દુના જાણકારોને રોક્યા. અમાનુલ્લા ખાન, કમાલ અમરોહી, વજાહત મિર્ઝા (મધર ઇન્ડિયાના ડાયલોગ રાઈટર) અને એહસાન રીઝવીએ સાથે મળીને ફિલ્મના ડાયલોગ લખ્યા.
૧૯૪૬માં ચંદ્રમોહન (અકબર), નરગીસ (અનારકલી), ડી.કે. સપ્રુ (સલીમ), દુર્ગા ખોટે (જોધાબાઈ), સિતારા દેવી(બહાર) ને લઈને ફિલ્મ શરૂ કરી દીધી. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા અને તેમાં પ્રોડ્યુસર શિરાઝ અલી પાકિસ્તાન ચાલ્યો ગયો. ૧૯૪૯માં ચંદ્રમોહનનું મૃત્યુ થતાં બનેલી ફિલ્મ આસિફે અભેરાઈ ઉપર ચડાવી દીધી, પણ મુગલ-ઐ-આઝમ બનાવવાનું સ્વપ્ન તેને સુવા દેતું ન હતું. શિરાઝ અલીએ એક વખત આસિફ સાથે ચર્ચા કરતી વખતે કહ્યું હતું એક શાપૂરજી પાલનજી આ ફિલ્મ માટે પૈસા રોકી શકે. આસિફ તેમને મળ્યો અને ફિલ્મને ફાઈનાન્સ કરવા માટે વિનંતી કરી. શાપૂરજી પાલનજી ફિલ્મ નિર્માણ વિષે વધુ જાણતા ન હતા, પણ તેમને ઈતિહાસમાં રસ હોવાથી ફિલ્મમાં પૈસા રોકવા તે તૈયાર થયા.
અકબરની શોધ પૃથ્વીરાજ ઉપર આવીને પૂર્ણ થઇ. સલીમના રોલ માટે આસિફને દિલીપ કુમાર થોડો નાનો લાગતો હતો, પણ અંતે તે રોલ દિલીપ કુમારને મળ્યો. અનારકલીનો રોલ પહેલાં નૂતનને ઓફર કરવામાં આવ્યો હતો, પણ એ તૈયાર ન થતાં સુરૈયાને કહેણ મોકલવામાં આવ્યું. અંતે આ રોલ મધુબાલાને ફાળે ગયો.
ફિલ્મનું શૂટિંગ ૧૯૫૦માં શરૂ કરવામાં આવ્યું અને આસિફને આ ફિલ્મ ભવ્ય બનાવવી હતી અને તે માટે કોઈ પણ પ્રકારની તડજોડ કરવા તૈયાર ન હતો. તાનસેન માટે તે કોઈ સાધારણ ગાયક પાસે ગીત ગવડાવવા ઈચ્છતો ન હતો, તેથી તે ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં પાસે ગયો. બડે ગુલામ અલી ખાં ફિલ્મ માટે ગાવા રાજી ન હતા. આસિફે બહુ આગ્રહ કર્યો ત્યારે તેને ટાળવા માટે પચ્ચીસ હજાર જેટલી રકમની માંગણી કરી. જે સમયમાં રફીસાબ કે લતા મંગેશકરને એક ગીતના ત્રણસો કે ચારસો રૂપિયા મળતાં હતાં, તે સમયમાં આસિફે પચ્ચીસ હજાર રકમ મંજૂર કરી અને ધરાર બડે ગુલામ અલી ખાં પાસે ગીતો ગવડાવ્યાં.
ફિલ્મની વાર્તા જોઈ લઈએ. શહેનશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબર (પૃથ્વીરાજ કપૂર) નિસંતાન હોવાથી હજરત સલીમુદ્દીન ચિશ્તીની દરગાહ ઉપર પગપાળા જાય છે અને સંતાનની માગણી કરે છે. તેની પ્રાર્થના મંજૂર થાય છે અને પુત્રજન્મ થાય છે. તેને આ સમાચાર આપનાર દાસી(જીલ્લોબાઈ)ને વીંટી આપીને વચન આપે છે કે જીવનમાં તે એક વખત જે માંગશે તે આપવામાં આવશે (પહેલા અંકની ભીંત ઉપર લગાવેલી બંદૂક).
તેર ચૌદ વર્ષનો થાય છે ત્યાં સુધીમાં માતાના લાડ અને જાહોજલાલીને લીધે સલીમ (જલાલ આગા) બગડી જાય છે. અકબરને ખેદ થાય છે. પુત્ર વધુ બગડી ન જાય તે માટે સલીમના માથેથી માતાની છાયા દૂર કરીને તેને રાજા માનસિંહ (મુરાદ) ને સોંપી દે છે.
ચૌદ વર્ષ પછી સલીમ (દિલીપ કુમાર) રણભૂમિથી પાછો ફરવાનો છે એ સમાચાર મળતાં સૌથી વધુ હરખ તેની માતા જોધાબાઈ (દુર્ગા ખોટે)ને થાય છે. માતૃસુખથી વંચિત પોતાના પુત્ર માટે તે કનીઝ (દાસી) બહાર (નિગાર સુલ્તાના)ને દરેક વ્યવસ્થા કરવા માટે કહે છે. બહાર સંતરાશ (મીજ્જન કુમાર)ને એક મૂર્તિ તૈયાર કરવાનું કહે છે જે સલીમના મનને લુભાવે.
યુવા સલીમને જોઇને અકબર અને જોધાબાઈ બંને હરખાય છે. સંતરાશે બનાવેલી મૂર્તિનું અનાવરણ થાય તે પહેલાં સલીમ દુર્જનસિંહ (અજીત) સાથે આવીને મૂર્તિ જોઈ જાય છે. બીજે દિવસે તેની અનાવરણ તીર મારીને કરવામાં આવે છે અને ખબર પડે છે કે તે મૂર્તિ એક જીવિત યુવતી છે નાદિરા (મધુબાલા). તેની હિંમત અને તેનું સૌંદર્ય જોઇને શહેનશાહ અકબર તેને અનારકલીનો ખિતાબ આપે છે અને તેને જોધાબાઈની કનીજોમાં સામેલ કરી દે છે.
બીજી તરફ સલીમ તેના લાવણ્ય, તેના સૌંદર્યથી અંજાઈને તેના પ્રેમમાં પડી જાય છે. અનારકલી સલીમથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે, પણ તે પોતે પણ સલીમના પ્રેમમાં પડી ચૂકી હોય છે. પ્રેમી પંખીડાને એક થતાં જોઇને મુગલ સામ્રાજ્યની મલ્લિકા બનવાનું સ્વપ્ન જોતી કનીઝ બહારને ઈર્ષા થાય છે અને શહેનશાહ અકબરને આ વાતની જાણકારી આપે છે. શાહી તખ્તનો વારસદાર એક કનીઝના પ્રેમમાં પડ્યો છે એ અકબર સાંખી નથી શકતો અને અનારકલીને કેદમાં નાખે છે. બીજે દિવસે છોડતાં પહેલાં સલીમથી દૂર થવાનું કહે છે, પણ પ્રેમમાં પડેલી અનારકલી ગીત (જબ પ્યાર કિયા તો ડરના ક્યા) દ્વારા શહેનશાહ અકબરને પડકારે છે. અનારકલીને ફરી કેદ કરવામાં આવે છે.
પિતાના આ વર્તનથી નારાજ સલીમ પોતાના પિતા અને શહેનશાહ અકબર સામે બગાવત કરે છે. અકબર અને સલીમ વચ્ચે ઘનઘોર યુદ્ધ થાય છે. આગળ શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જોવાનું ચૂકશો નહિ.
કે. આસિફે પોતાના જીવન દરમ્યાન બે જ ફિલ્મો નિર્દેશિત કરી. ફૂલ અને મુગલ-એ-આઝમ. ફક્ત બે ફિલ્મો બનાવીને ભારતીય ફિલ્મ ઇતિહાસમાં અમર થઇ જનાર આ એક જ નિર્દેશક છે. તેણે મુગલ-એ-આઝમ બાદ વધુ એક ફિલ્મ શરૂ કરી હતી જે સંપૂર્ણ કલરમાં બનવાની હતી. ફિલ્મનું નામ હતું ‘લવ એન્ડ ગોડ’. ફિલ્મ માટે ગુરૂદત્ત અને નિમ્મીને લેવામાં આવ્યા. ૧૯૬૪માં ગુરૂદત્તનું મૃત્યુ થતાં શૂટિંગ રોકાઈ ગયું. આસિફે સંજીવ કુમારને લઈને ફિલ્મ ફરી શરૂ કરી, પણ ૧૯૭૧માં ખુદ કે. આસિફનું મૃત્યુ થઇ જતાં તેનું નિર્માણ ફરી રોકાઈ ગયું. છેક ૧૯૮૬માં આ ફિલ્મને કે. આસિફને છેલ્લી પત્ની અખ્તર આસિફે (દિલીપકુમારની નાની બહેન) રીલીઝ કરી. ફિલ્મ રીલીઝ થતાં પહેલાં સંજીવ કુમારનું મૃત્યુ થઇ ચુક્યું હતું.
૪૮ વર્ષની નાની ઉંમરે મૃત્યુ પામનાર આસિફ ચાર લગ્ન કર્યાં હતાં. જેમાં પહેલી પત્ની ઉપરાંત સિતારા દેવી, નિગાર સુલ્તાના અને અખ્તરનો સમાવેશ થાય છે. રંગીન મિજાજના આસિફે મુગલ-એ-આઝમને ન ભૂતો ન ભવિષ્યતિ બનાવવામાં કોઈ કસર નથી છોડી. તેની છાપ ફિલ્મની દરેક ફ્રેમમાં વર્તાય છે. દસ વર્ષના શૂટિંગ બાદ આ ફિલ્મને ભવ્ય રીતે રીલીઝ કરવામાં આવી હતી. પ્રીમિયર વખતે મરાઠા મંદિર થિયેટરને કિલ્લાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ફિલ્મની રીલને હાથીની અંબાડી ઉપર થિયેટર સુધી લાવવામાં આવી હતી. પ્રીમિયરની આમંત્રણ પત્રિકા મુગલ સમયની પ્રથા મુજબ કાપડ ઉપર લખીને મોકલવામાં આવી હતી.
તે સમયે મુગલ-એ-આઝમ એટલી સફળ થઇ કે તેણે આગળના બધા જ રેકોર્ડ તોડી દીધા હતા. ફિલ્મની ટિકિટ ખરીદવા માટે લોકો ચાર કે પાંચ દિવસ સુધી લાઈનમાં બેસતાં અને જમવાનું ઘરેથી ટીફીનમાં આવતું. એક રૂપિયાની ટિકિટ સો રૂપિયામાં કાળા બજારમાં વેચાતી.
આ ફિલ્મને ભવ્ય બનાવવા પાછળ કે. આસિફ સાથે અન્ય કસબીઓનો પણ એટલો જ ફાળો હતો. આર્ટ ડાયરેક્ટર એમ. કે. સૈયદે જે સેટ ઉભા કર્યા તે અભૂતપૂર્વ હતા. પ્યાર કિયા તો ડરના ક્યા માટેનો શીશમહેલ ઉભો કરવામાં તેમને બે વર્ષ લાગ્યાં. શીશમહેલ માટે કાચ છેક બેલ્જીયમથી મંગાવવામાં આવ્યા હતા. આટલા બધા કાચને લીધે શૂટિંગ કરવામાં અડચણ થતી હતી તે માટે વેક્સ અને રંગીન કપડાંથી કવર કરવું એવા અનેક પ્રયોગો કરવામાં આવ્યા. તેનું પરિણામ એક અનોખું અને અભૂતપૂર્વ ગીત. શીશમહેલ પાછળ થયેલી ખર્ચ હતો પંદર લાખ. તે સમયમાં પંદર લાખમાં સંપૂર્ણ ફિલ્મ બની જતી હતી.
ફિલ્મ માટે શાહી પોશાક દિલ્હીના કારીગરો પાસે તૈયાર કરાવવામાં આવ્યા હતા. જૂતાં આગ્રાથી લાવવામાં આવ્યા હતાં. ઘરેણાં હૈદરાબાદ અને પાઘડીઓ કોલ્હાપુરમાં બનાવવામાં આવી હતી. તલવારો અને બખ્તરો રાજસ્થાનમાં બનાવવામાં આવ્યાં હતાં. ફિલ્મમાં જન્માષ્ટમીના ઉત્સવ દરમ્યાન દેખાડવામાં આવેલી મૂર્તિ સંપૂર્ણ સોનાની હતી. તે ઉપરાંત અનારકલીને કેદમાં નાખવામાં આવે છે અને જે લોખંડની બેડીઓ પહેરાવવામાં આવે છે તે એકદમ અસલી હતી. અસલી બેડીઓના વજનને લીધે મધુબાલાના શરીર ઉપર ઘણાબધા ઉઝરડા પડ્યા હતા. શાહી બાગમાં તળાવમાં અસલી અત્તર હોવું જોઈએ તેના આગ્રહ માટે કે. આસિફે ત્રણ દિવસ માટે શૂટિંગ રોકી દીધું હતું અને સપૂર્ણ તળાવ અત્તરથી ભરાયું ત્યારે જ શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મના કસબીઓમાંગ ઘણાબધા આસીસ્ટન્ટ ડાયરેક્ટર હતા જેમાંથી એક સુરીન્દર કપૂર (અનિલ કપૂરના પિતા) પણ ખરા.
આ ફિલ્મના નિર્માણ દરમ્યાન એક જ સીન ત્રણ વાર શૂટ થતો અને તેનું કારણ કે. આસિફ આ ફિલ્મને ત્રણ ભાષામાં બનાવી રહ્યા હતા, હિન્દી, અંગ્રેજી અને તામિલ. તામિલ વર્જનને ૧૯૬૧માં અકબર નામથી રીલીઝ કરવામાં આવ્યું અને તે અસફળ થતાં અંગ્રેજી વર્જનનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો.
અકબર અને સલીમના યુદ્ધ માટે ભારતીય સેનાની જયપુર ઘોડેસવાર ટુકડીની મદદ લેવામાં આવી હતી. બે હજાર ઊંટ, ચારસો ઘોડા અને આઠ હજાર સૈનિકોના ઉપયોગથી તે યુદ્ધનાં દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યાં હતાં.
ફિલ્મ દરેક મોરચે સક્ષમ છે. ફોટોગ્રાફી, નૃત્ય, સંગીત, અભિનય. સંવાદ એક પણ વિભાગ એવો નથી જ્યાં ફિલ્મ કાચી પડતી હોય. ફિલ્મના એક એક સંવાદ જાણે કોઈ શાયરી હોય તેમ વર્તાય છે. પૃથ્વીરાજ કપૂરનો ઘેઘૂર અવાજ તેમના સંવાદોને અનોખી ઊંચાઈ આપે છે. દિલીપ કુમાર પાસે સંવાદોની અનોખી અદાયગી હતી અને તેનો શાયરના અંદાજ ગમી જાય એવો છે. મુરાદ અને અજીત પણ ભારેભરખમ અવાજના માલિક હતા.
અભિનય બાબતે દરેક કલાકારે પોતાનું ઉત્તમ કામ આપ્યું છે. એક પિતા અને શહેનશાહ વચ્ચેનો ગજગ્રાહ પૃથ્વીરાજ ઉત્તમ રીતે પ્રસ્તુત કર્યો છે. પ્રેમીના રોલમાં દિલીપ કુમારે પોતાની જાતને નીચોવી દીધી હોય એટલી હદે ઉત્તમ અભિનય કર્યો છે. અનારકલીના રોલમાં મધુબાલાએ પોતાના જીવનનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. શહેનશાહને જોઇને બેભાન થઇ જનારી ગભરુ યુવતી, સલીમ તેના ચહેરા ઉપર પીંછું ફેરવે છે તે દ્રશ્ય હોય કે પછી જન્માષ્ટમી સમયનું અને શીશમહેલનું તેનું નૃત્ય. દરેક દ્રશ્યમાં તેની માસુમિયત, તેનું લાવણ્ય, તેની ખૂબસુરતી મનને ગમી જાય એવી છે. મધુબાલા જો શીતળ સૌન્દર્ય હોય તો સામે નિગાર સુલ્તાના સળગતું સૌન્દર્ય છે. તેની મારકણી અદાઓ મનને લુભાવે એવી છે. ઈર્ષા અનુભવતી દાસીના રોલમાં તેણે પોતાનું બધું જ અર્પણ કર્યું છે. આ ફિલ્મમાં જો કોઈએ સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો હોય તો તે દુર્ગા ખોટે છે. પુત્ર પ્રેમના અભિનયમાં તેણે જે તીવ્રતા દર્શાવી છે, તે અન્ય કોઈ અભિનેત્રી દર્શાવી શકી નથી. (થોડે ઘણે અંશે ‘કભી ખુશી કભી ગમ’ માં જયા બચ્ચન પ્રભાવ ઉભો કરી શકી હતી.) હિરો તરીકે ફિલ્મો બહુ ચાલતી ન હોવાથી અજીતે સાઈડ રોલ સ્વીકાર્યો હતો અને તેમાં તે સફળ થયો. શરૂઆતના સીનમાં હિજ્ડાના રોલમાં જોની વોકર પણ છે. મધુબાલાના સખીના રોલમાં આવેલ શિલા ડેલાયા નામની સુંદર કલાકાર દેખાય છે. જો કે એક બે ફિલ્મો કર્યા પછી તે ગાયબ થઇ ગઈ.
ફિલ્મનાં નયનરમ્ય દ્રશ્યો આંખને ઠારે એવાં છે. આ ફિલ્મનું એક ગીત અને છેલ્લાં યુદ્ધનાં દ્રશ્યો જ તે સમયે રંગીન હતાં અને બાકીની ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતી. કે. આસિફ રીશૂટ કરીને સંપૂર્ણ ફિલ્મ કલરમાં કરવા માગતો હતો, પણ ડીસ્ટ્રીબ્યુટરો ઉતાવળા થયા હોવાને લીધે તે સમયે કે. આસિફ કરી ન શક્યો. છેક ૨૦૦૪ માં સંપૂર્ણ ફિલ્મને રંગીન બનાવવામાં આવી અને ફરી થિયેટરમાં રીલીઝ કરવામાં આવી. કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને રંગીન બનાવવામાં આવી હોય તેવી આ પ્રથમ ભારતીય ફિલ્મ હતી. ઇન્ડિયન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ અનિમેશનના કસબીઓએ અથાગ પ્રયત્નો કર્યા અને સર્વાંગ સુંદર પરિણામ આપ્યું છે.
આ ફિલ્મ માટે નૌશાદને સાઈન કરવા માટે કે. આસિફ નોટ ભરેલી સુટકેસ લઈને ગયો હતો. તેની આ હિમાકત જોઇને નૌશાદ ગુસ્સે થયા હતા અને નોટોને બારીની બહાર ફેંકી દીધી. પત્નીની સમજાવટ બાદ નૌશાદ આ ફિલ્મ માટે તૈયાર થયા. આ ફિલ્મ માટે લગભગ વીસ ગીતો તૈયાર કરવામાં આવ્યાં હતા અને તેમાંથી ઘણાંબધાં ગીતોને ફિલ્મમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. બડે ગુલામ અલી ખાં પાસે ગવડાવેલાં ‘શુભ દિન આયો’ અને સલીમ-અનારકલીના પ્રથમ મિલન વખતનું ‘પ્રેમ જોગન બનકે’ ઉત્તમ ગીતોમાં સ્થાન પામે એવાં છે. ;લતા મંગેશકરે બે જુદા અંતિમોનાં ગીત ગાયાં છે જન્માષ્ટમી ઉત્સવનું ‘મોહે પનઘટ પે નંદલાલ છેદ ગયો રે’ જેવું ભક્તિભાવવાળું ગીત અને ‘બેકસ પે કરમ કીજીયે’ બંને એટલી જ સરળતાથી પ્રસ્તુત કર્યા છે. આ ફિલ્મમાં મોટાભાગનાં ગીતો લતા મંગેશકરના સ્વરમાં છે. બેડીઓમાં જકડાયેલી મધુબાલા ઉપર ફિલ્માવેલું ‘મહોબ્બત કી ઝૂઠી કહાની પે રોયે’ મનને સ્પર્શી જાય છે. શીશમહેલમાં ચિત્રિત થયેલ મધુબાલાના અદ્ભુત નૃત્ય સાથેનું ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ ગીત ચિરંજીવી છે. ફિલ્મની શરૂઆતમાં આવતા કવ્વાલીના મુકાબલાનું સુરૈયા સાથેનું ‘તેરી મેહફીલ મેં કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે’ કર્ણપ્રિય છે અને અંતમાં આવતું ‘યે દિલ કી લગી કમ ક્યા હોગી, યે ઈશ્ક ભલા ક્યા કમ હોગા. જબ રાત હૈ ઐસી મતવાલી ફિર સુબહા કા આલમ ક્યા હોગા’ માં મધુબાલા અને નિગાર સુલ્તાના બંનેની અદાઓ જોવી ગમે છે. રફીસાબના ભાગે એક જ ગીત આવ્યું છે. ‘ઐ મહોબ્બત ઝીન્દાબાદ’ જે સંતરાશ ઉપર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત સમયે લગભગ સો લોકો કોરસ માટે તેમની સાથે હતા.
શકીલ બદાયુનીએ બધાં ગીતો લખ્યાં હતાં અને દરેક ગીત ઉત્તમ રહે તે માટે નૌશાદે બહુ કાળજી રાખી હતી. પ્યાર કિયા તો ડરના ક્યા ગીત સોથી વધુ ડ્રાફ્ટ લખાયા પછી ફાઈનલ થયું હતું.
આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ તેમ જ ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. તે ઉપરાંત બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ સીનેમેટોગ્રાફીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તે વર્ષે બેસ્ટ હીરોનો એવોર્ડ દિલીપ કુમારને મળ્યો, પણ કોહિનૂર ફિલ્મ માટે.
સર્વાંગ સુંદર ફિલ્મ જોવી હોય અને તે ભવ્ય અને દિવ્ય હોય એવી શરત હોય તો મુગલ-એ-આઝમ એક જ નામ આપી શકાય.
સમાપ્ત.