ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન
ભાગ - 5
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે મિત્રો.
ફરીથી આવી ગઈ આપણી સફર આગળ વધારવા. વિશ્વ, વિશ્વા, રાજ, સ્નેહા અને ત્યાં પહોંચેલા મોટા ભાગના લોકોએ ખાવાનું ખાઈ લીધું હતું અને થોડો આરામ કરતાં કરતાં આગળ કેવી રીતે ફરવું એનાં પ્લાન બનાવી રહ્યાં હતાં.
જમ્યા પછી મોટી મોટી રાઈડ શક્ય ન્હોતી. આથી એમણે અને ત્યાં આવેલા મોટા ભાગનાં લોકોએ બીજી બધી જગ્યાઓ જોવાનું નક્કી કર્યું. એ ચારેય જણાં ખાઈને, અડધો કલાક આરામ કરીને 'સલીમગઢ' નામની જગ્યાએ ગયા. આ જગ્યા 'અલીબાબા અને ચાલીસ ચોર'ની થીમ પર બનાવવામાં આવી છે. પરંતુ ત્યાં જબરદસ્ત ભીડ હતી અને બહુ લાંબી લાઈન લાગી હતી. આથી ત્યાં લાઈનમાં ઉભા રહીને સમય બગાડવાને બદલે તેઓએ અન્ય જગ્યાએ જવાનું નક્કી કર્યું અને એઓ પહોંચ્યા 'bow wow' નામનાં શો પાસે.
આ શો એટલે જીવંત પ્રસારણવાળો શો! આપણે નાટક જોવા જઈએ ત્યારે આપણી સામે જ આખુંય દ્રશ્ય ભજવાતું હોય, એમ અહીં પણ હતું. આજનાં દિવસ માટે આ શોની થીમ ચોરીની હતી. જેમાં પ્રદર્શનમાં મૂકેલ એક કિંમતી નેકલેસ ચોરાઈ જાય છે. હવે એમાં માત્ર ત્યાંના કલાકારો જ નહીં, જોવા બેઠેલા આપણાં જેવા દર્શકો પણ સામેલ કરવામાં આવે છે. જે વ્યક્તિ આમાં મિમિક્રી કરે છે અને આખાય શોનું સંચાલન કરે છે એ વ્યક્તિ વિવિધ અવાજો કાઢવામાં હોંશિયાર હતો.
આ જ વ્યક્તિ આ શોમાં જાસૂસ બન્યો હતો કે જે ચોર શોધવામાં પોલીસને મદદ કરે છે. ધીમે ધીમે કરીને તેણે ચોરીના આરોપ હેઠળ આઠ દર્શકોને આગળ બોલાવી લીધાં. ત્યારબાદ એણે એ બધાંને જે પ્રશ્નોત્તરી કરી અને વારાફરતી જે પ્રવૃત્તિઓ કરાવી એ જોઈને કોઈ પણ હસ્યા વિના ન રહે. એક બેન ત્યાં ગણિત શિક્ષક હતાં તો એમને સીધું એમ જ કહી દીધું કે જો તમે 17નો ઘડિયો બોલો તો તમે ચોર નથી. એ બેન સહિત ત્યાં હાજર સૌ કોઈ હસી પડ્યા. એ તો સારું કે એમને ઘડિયો આવડતો હતો. પછી તો શોમાં બધાં પેટ પકડીને હસતાં જ રહ્યાં. માત્ર અડધો કલાકનો શો હતો પણ મજા આવી ગઈ બધાંને.
શો પત્યા બાદ તેઓ ચારેય જણાં ડાયનાસોરની રાઈડ તરફ ગયા. અહીં લાઈન ઓછી હોવાથી દસેક મિનિટમાં તો એમનો નંબર આવી ગયો. તેઓ જ્યાં લાઈનમાં ઉભા હતાં ત્યાં સામે જ એક ડાયનાસોરનું મહાકાય હાડપિંજર મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે એનાં વિશેની માહિતિ પણ મૂકવામાં આવી હતી. જેવા તેઓ અંદર ગયા કે સામે એક અંધારિયો, દીવાનાં પ્રકાશ પર દેખાય બધું એવો એક રુમ બનાવવામાં આવ્યો હતો. આ રૂમમાં શરૂઆતમાં જ ડાયનાસોરનું એક મોટું ઈંડું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ એની બાજુમાં એકદમ જૂનું એક પુસ્તક મૂકેલું હતું, જેમાં એ ઈંડું જેનું હતું એ ડાયનાસોર વિશે માહિતિ આપેલ હતી. પરંતુ પુસ્તક એટલું જૂનું હતું કે એને હાથ લગાડવાની પણ બીક લાગે. ફાટી જાય કે એને નુકસાન થાય એમ હતું. આથી કોઈ જ પ્રવાસી એને હાથ લગાવતું ન્હોતું. આખાય રૂમની ચારેય બાજુની દિવાલો પર કાચવાળા કબાટ મૂક્યાં હતાં, જે બહારથી તાળું મારીને બંધ કર્યાં હતાં. આ કબાટમાં ડાયનાસોરનાં જમાનામાં જે હથિયારો વપરાતાં હતાં એ હથિયારો, એ સમયનાં લોકોનો જે પહેરવેશ હતો એ કપડાં મૂક્યાં હતાં. ઉપરાંત, ઘણાં બધાં પુસ્તકો હતાં. આ બધું જોતાં જોતાં આખરે તેઓ રાઈડ પાસે પહોંચી ગયાં.
આ થીમ ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓ પર બનાવી હતી. એકદમ અંધારી જગ્યામાં હોડી જેવી રાઈડમાં બેસીને જવાનું. પાણીમાં હોડી ચાલે અને આજુબાજુ બધાં બેટરી સંચાલિત ડાયનાસોર મૂક્યા હતાં. કોઈકની આંખમાં એકદમ લાલ લાઈટ હતી, તો કોઈ એકદમ ખૂંખાર, કોઈ શાંત તો કોઈ મોટો અવાજ કરે, કોઈ નાનાં તો કોઈ મહાકાય એમ વિવિધ પ્રકારના ડાયનાસોર હતાં. જેમ જેમ એ લોકોની હોડી રાઈડ આગળ વધતી ગઈ એમ એમ વિવિધ ડાયનાસોર રસ્તામાં આવતાં ગયાં અને ત્યાં મૂકેલ સ્પીકરમાં ખૂબ જ આકર્ષક રીતે એ દરેક વિશેની એકદમ સંક્ષિપ્ત માહિતિ અપાતી જતી હતી. અંતે, તેઓ એક દસેક ફૂટ જેટલી ઉંચી લપસણી પરથી હોડી દ્વારા રાઈડ કરી નીચે પાણીમાં પડ્યા અને બહાર આવી ગયા.
બહાર નીકળ્યા ત્યાં બે મોટા કદના ડાયનાસોરનાં ઈંડા જેવા આકારનાં ફોટો માટેના ખાસ ખુલ્લાં ઈંડા બનાવીને મૂકવામાં આવ્યાં હતાં, જેમાં બેસીને બધાં ફોટા પડાવતાં હતાં. આ ચારેય જણાએ પણ પડાવ્યા. યાદગીરી માટેનાં ફોટા પડાવી દીધાં બાદ તેઓ ઈમેજીકાની મજા માણવા અન્ય જગ્યાએ જવા માંડ્યા. એમની સાથે આપણે પણ સફર આગળ વધારીશું હવે પછીનાં અંકમાં.
આભાર.
સ્નેહલ જાની