BHOOT, BHEMO NE BHAMARAJI - 10 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 10

The Author
Featured Books
Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 10

(અગાઉ આપણે જોયું કે ભમરાજીને પાઠ ભણાવવાની અમારી યોજનાનો સમય આવી ગયો હતો. તેના ભાગ રૂપે આજે કાળીચૌદસની અડધી રાતે હું, ચંદુ, પથુ અને ભેમો સ્મશાન સુધી આવી પહોંચ્યા હતા. હવે આગળ... )
***************
સ્મશાનની સામે ખિજડાથી થોડે દૂર એક દીવો સળગતાં જ અમે સાવધાન થઈ ગયા. પથુ અમારી વચમાં આવીને લપાઈ ગયો. ચંદુ અને મેં એકબીજાના હાથ મિલાવતાં "હવે જે થવું હોય તે થાય." નો નિશ્ચય કરી નાંખ્યો. ભેમો નિશ્ચિંત ઊભો હતો.
થોડીવાર અમે એમ જ લપાઈને બધું નિરીક્ષણ કરતા રહ્યા. દીવો સળગે જતો હતો. બાકી બધું શાંત હતું.
"માસ્તર.. હવે..?" ચંદુની ધીરજ ખૂટતાં સાવ ધીમા અવાજે તેણે મને પૂછ્યું.
"મને સી ખબેર ચંદુડા.? મું ચ્યોં કદી સાધવા આયો સું લ્યા..?" મેં પણ અકળાતાં ધીમેથી કહ્યું.
"અલ્યા માસ્તર.. હેંડો ને પાસા જતા રઈએ.. મને તો કોંક ભયંકર થવાનું હોય એઉં લાગે સે.." પથુએ થોડા ગભરાયેલા અવાજે વિનંતી કરી.
"કશુંયે ભયંકર નહીં થવાનું લ્યા.. બેહી રે' ને સોનુંમોનું સોંતિથી.." મને પથુ પર ખિજ ચડી.
"આ ભમરોયે હાહરો ચેટલે રયો..? " ચંદુ પણ ખિજાણો.
અમે લગભગ અડધો કલાક ત્યાં એમ જ બેસી રહ્યા. દીવાની આજુબાજુમાં કોઇ જ હલચલ ન થવાથી મારી ધીરજ પણ ખૂટવા આવી હતી. મેં હાથથી ઈશારો કરીને ભેમાને પૂછ્યું કે "કેમ આટલી વાર લાગી.?" તો ભેમાએ પણ ઈશારાથી સમજાવ્યું કે "મને શી ખબર..? "
રાત ખૂબ જ ગાઢ બની ગઈ હતી. અમે એકબીજાનાં મોંઢા પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નહોતા એટલું ઘેરું અંધારું છવાયેલું હતું. બાવળિયાની ઝાડીઓમાં શિયાળવાંઓએ પણ રડવાનું ચાલું કરી દીધું હતું. ખિજડાની આસપાસ ચક્કર મારતી બે-ત્રણ ચિબરીઓ કર્કશ અવાજે રાડ્યો પાડીને વાતાવરણને ડરામણું બનાવી રહી હતી.
"હાળું.. જબરી કસોટીની ઘડી આઈ સે હોં.. કોં'ક હા-ના થ્યું તો નાહવું ચઈ બાજુ..?" એમ મનોમન વિચારતાં મેં પણ આજુબાજુ નજર દોડાવીને સલામત રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મને હવે સંપૂર્ણ ફસાઈ ગયાનો જ અહેસાસ થયો.
"માસ્તર સાહેબ.. ચિંત્યા ના કરો.. મું સું ને.." મને ડાફેરા મારતો જોઈને ભેમો કદાચ સમજી ગયો હોય એમ મને હૈયાધારણ આપતાં ધીમા સાદે બોલ્યો.
"ઓહ કાળિયા.. તું તો અમારોયે ગુરૂ નેહર્યો લ્યા.." હું નવાઈ પામતો મનોમન બબડ્યો. પછી ભેમાને અંગૂઠો બતાવતાં કહ્યું, "હા લ્યા ભેમલા.. તારા ભરોંહે તો આયા સીંએ ઓંયકણ.."
"હોવે લ્યા કાળિયા. બાફતો નઈં હોં.. નકર આજ જીવતા ઘેર જઉં કાઠું સે.." ચંદુ જાણે કે આજીજી કરતો હોમ ધીરેથી બોલ્યો.
"અલ્યા ભઈ.. તમેય ખરા સોં હોં.. હજુયે વસવાહ નહીં ? તમારી પેલ્લાં મું..." ભેમો વાક્ય પૂરૂં કરે ત્યાં તો ખિજડા નીચે કોઈની હલચલ દેખાણી. ત્યાં નજર કરતાં ભેમો ગંભીર થઈ ગયો. "હંમ્મ્મ.. થઈ જ્યો ટેમ.. હવે તૈયાર રે'જો તાણ બધા.." કહેતો તે ઊભો થયો.
અમે બધા સાવધ થઈ ગયા. "હારૂં તાણ ભેમા, તું હવે અમારાથી સૂટ્ટો. તું નેંકળ ઓંયથી.. અમે તીયાર થઈને જ ઓંય બેઠા સીંએ.." કહીને મેં ભેમાને રવાના કર્યો. અને આગળ શું થાય છે તેની રાહ જોતા લપાઈ રહ્યા.
અચાનક જ ખિજડા બાજુથી બે માણસો ખૂલ્લી જગ્યામાં આવ્યા. તેમના હાથમાં મોટાં બે પોટકાં હતાં તે જમીન પર મૂક્યાં. પાછળ પાછળ એક કદાવર માણસ પણ ત્યાં આવ્યો. ત્રણેય જણા ત્યાં બેસી ગયા.
ગાઢ અંધકારમાં એ ત્રણેય જણા માત્ર ઓળા જ દેખાતા હતા. પરંતુ શરીરનું કદ અને ચાલથી અમે સમજી ગયા કે તે ભમરાજી જ હતા. અને તેમની સાથે બે ચેલાઓ હતા.
સમય વિતવાની સાથે અમારી ઉત્સુકતા અને અજાણ્યો ભય વધે જતાં હતાં. પથુને અહીં આવવા બદલ પસ્તાવો થવા માંડ્યો હતો. ચંદુ મનને મજબૂત બનાવવા મથી રહ્યો હતો. હું ગમેતેવી પરિસ્થિતિ માટે તૈયાર હતો. પરંતુ ભેમાને અમારી સાથે ના રાખીને મેં મોટી ભૂલ કરી હોય એવું મને લાગવા માંડ્યું હતું.
એટલામાં તો "જય મહાકાલી.. તેરા વચન ન જાય ખાલી.." કહેતા ભમરાજીએ મશાલ સળગાવી. અને મોટા અવાજે એક હાકોટો કર્યો. એમનો એ અવાજ દૂર દૂર સુધી પડઘાયો.
મશાલ સળગતાં જ ત્યાં આજુબાજુ પ્રકાશ ફેલાઈ ગયો. પચાસેક ફૂટ જેટલી ખૂલ્લી જગ્યામાં બધું જ દેખાવા લાગ્યું. એટલે અમે ચેતી ગયા. અને આઘાપાછા થઈને યોગ્ય જગ્યાએ સંતાઈ ગયા.
મશાલના અજવાળામાં અમે ભમરાજીને સ્પષ્ટ રીતે જોઈ શક્યા. કાળાં અને લાલ વસ્ત્રોમાં તે ખૂબ જ ભયંકર લાગતા હતા. એમની સાથે જુગલ અને ભિખ્ખુ નામના બે ચેલાઓ પણ કાળાં વસ્ત્રોથી સજ્જ હતા. આ એ જ ભિખ્ખુ હતો કે જેને અમે આજે દિવસે ફોડીને માહિતી મેળવી હતી.
અમારી નજર સામે એમણે એમનું કામ શરૂ કર્યું. ચેલાઓએ પોટકાં છોડીને સાધનાની સામગ્રી ગોઠવવા માંડી. ભમરાજીએ મ્યાનમાંથી તલવાર કાઢી. અને તેનાથી જમીન પર લીટી દોરતાં મોટું ગોળ કુંડાળું બનાવ્યું. પછી એક થેલીમાંથી લોટ જેવો સફેદ પદાર્થ કાઢીને લીટી પર ભભરાવીને કુંડાળું ગાઢ કર્યું. સાથે સાથે તેઓ ના સમજાય તેવા મંત્રો પણ બોલતા ગયા.
"અલ્યા માસ્તર.. તીંએ તો આજ મરાઈ જ નોંખ્યા હોં.. હવે સું કરસું..? મું તમારા રવાડે ચડીને આજ ફસઈ જ્યો લ્યા. હે માતાજી.. રક્સા કરજો મા.." પથુ રીતસરનો રડવા જેવો થઈ ગયો હતો. અને ધીરેથી બબડવા લાગ્યો હતો.
"અલ્યા ચંદુ.. આ પાદોડે તો જબરી કરી.." મેં થોડી ખીજ સાથે કહ્યું.
"મું તો ચોખ્ખી ના જ પાડતો તો લ્યા.. તારે ઈંની બીક ભગાવવાનો હવાદ હતો.. હવે હાચવ ઈંને.. દિયોર બધ્ધોને મરાવવાનો સે આ પાદોડ.." ચંદુ પણ અહીં આવવાની ખીજ પથુ પર ઉતારતાં બોલ્યો.
હું થોડીવાર પથુ સામે ચૂપચાપ જોઈ રહ્યો. એની હાલત જોતાં મને પણ ચિંતા થવા લાગી. પૂછ્યું , "પણ તને થાય સે સું લ્યા પથલા..? હાળા તું તો બૈરા કરતોંયે પાદોડ નેકળ્યો લ્યા."
"માસ્તર.. હવે નક્કી જન આવસે.. અને આપડોંને એક્કેયને જીવતા નઈં મેલે હોં.. મને બઉ જ બીક લાગે સે લ્યા.. ચંદુડા.. લે હેંડ આપડે જતા રઈએ ઓંયકણથી.. લે હેંડ.." કહેતો પથુ ઊભો થઈને ચંદુનો હાથ ખેંચવા લાગ્યો.
એ વધારે જોરથી આગળ કંઈ બોલે એ પહેલાં તો મેં ઊભા થઈને હાથ વડે એનું મોંઢું દાબતાં કહ્યું, "પથલા.. પથલા.. સોંતિ રાખ લ્યા.. હાવખે પોંણીમોં ના બેહીં જા.. પેલો તારો ભા ભમરો હોંભળી જ્યો ને તો જન ની પેલોં એ જ આપડા કટકા કરી નોંખસે લ્યા.. કઉં સું ચૂપ મર તું.."
આ ધમાચકડીમાં ચંદુ પણ હાકાબાકા થઈ ગયો. અને પરિસ્થિતિને પામી જતાં કાઠો થઈને તે પણ પથુને સમજાવવા લાગ્યો. અમે બન્ને જણાએ માંડ માંડ પથુને શાંત કર્યો. 'હાશ' થતાં અમે ફરીથી અમારી જગ્યાએ ગોઠવાણા અને વિધિ જોવા લાગ્યા.
કુંડાળામાં બધું જ વ્યવસ્થિત ગોઠવાઈ ગયેલું જોતાં ચેલાઓને આદેશ આપતા ભમરાજી બોલ્યા, "બસ.. અબ હો ગયા સબ.. તુમ અબ નિકલો યહાં સે.. પૂરે દો ઘંટે કે બાદ આના.. ઓર સુનો, યહાં સે નિકલને બાદ પીછે મુડકર મત દેખના.. વરના..? પતા હૈ ના તુમકો.? "
"જી ગુરૂજી.. " જુગલે માથું ઝૂકાવતાં કહ્યું.
"તેરેકું તો પતા હૈ જુગલ.." ભમરાજીએ ગંભીર અવાજમાં કહ્યું, "યે ભિખ્ખુડા પહલી બાર આયા હૈ..? ઈસકો સમજા દેના સબ.. ઠીક હૈ..? ચલો નીકલો અબ.."
"જી ગુરૂજી..." કહીને બન્ને ચેલા ત્યાંથી નીકળી પડ્યા. ભમરાજી હવે કુંડાળામાં એકલા હતા. થોડીવાર ત્યાં શાંતિ છવાયેલી રહી.
"હંમ્મ્મ.. થાય સે તો બધું એ જ પરમોણે હોં લ્યા ચંદુ.." મેં ભિખ્ખુની કહેલી વાત યાદ દેવડાવતાં ચંદુને કહ્યું.
"હોવે લ્યા માસ્તર.. પણ હાહરૂં ભૂત જો આયું તો આપડું સું થસે..? મારું મન પણ હવે આઘુંપાસું થવા મોંડ્યું સે હોં.." ચંદુએ શંકા વ્યક્ત કરી.
"અલ્યા ભઈ, હવે જે થઉં હોય એ થાય ઈંમ તો કીધું'તું.. હવે આ બધી વાતો કરવાથી કોંય દાડો નઈં વળે લ્યા.. મન ઢીલું ના મેલ લ્યા.." મેં ચંદુના બહાને પથુને પણ સમજાવ્યો.
"મારે તો હવે કોંય જોવું જ નહીં.." કહીને પથુએ બન્ને હાથથી પોતાની આંખો દાબી દીધી.
"આઆઆ.. બઈનું હવે સું કરવું લ્યા માસ્તર..? આ ઢઈડકણને લાબ્બાનો જ ન'તો ઈયાર.." ચંદુ પથુના બહાને પોતાનો ડર દાબતાં બોલ્યો.
પથુની હરકત અને ચંદુની વાતથી મને હસવું આવ્યું. એટલે ચંદુ કંઈક બોલવા જતો હતો. પરંતુ એ કંઈ બોલે એ પહેલાં તો મેં મોં પર આંગળી રાખીને એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. એટલે અમારી ટુકડીમાં પણ થોડી શાંતિ છવાઈ.
ત્યાં તો ફરીથી ભમરાજીનો હાકોટો સંભળાયો. અમે ચમકીને ત્યાં જોયું તો ભમરાજી ખૂલ્લી તલવાર હાથમાં પકડીને ઉછળી ઉછળીને હવામાં વીંઝવા માંડ્યા. અને અસ્ટમપસ્ટમ મંત્રો બોલવા લાગ્યા. રાતની નિરવ શાંતિમાં એમના પગ જમીન પર પછડાવાનો ધબાધબ અવાજ અમને સાવ નજીક હોય એમ સંભળાવા લાગ્યો. ભમરાજી જેમ યુધ્ધે ચડ્યા હોય એવા આવેશમાં આવીને તલવાર વીંઝતા હતા. એમના આવા સ્વરૂપથી અમે સાવ ડઘાઈ જ ગયા. અને થોડા ફફડાટ સાથે ત્યાં નજર માંડી રહ્યા.
અચાનક ભમરાજી શાંત થઈને એક જગ્યાએ ઊભા રહી ગયા. પછી ધીમે ધીમે ચારે તરફ નજર ફેરવતા અમારી દિશામાં મોઢું સ્થિર કરતાં તાડૂક્યા, "કૌન છૂપા હૈ યહાં..? કૌન હૈ..? મૈં તીન તક ગીનુંગા.. જો ભી હૈ.. બહાર આ જાઓ.. વરનાઆઆઆ..." કહેતા અમારી તરફ ધસી આવ્યા.
અમારા તો મોતીયા જ મરી ગયા. આશ્ચર્ય સાથે ભય પણ આખા શરીરમાં પ્રસરી ગયો. આને ખબર પડી કેવી રીતે..? એ પ્રશ્ન અમારા ત્રણેયના મનમાં ઘૂમરાવા લાગ્યો.
"એએક... નીકલો બહાર..." એમ તાડૂકતા ભમરાજી અમારી વધુ નજીક આવી ગયા.
"મું કે'તો'તો ને લ્યા.. આપડે મરવાના જ સીંએ.." પથુ માંડ એટલું ધીમેથી બોલી શક્યો. અને ભયથી બેબાકળો બનીને બૂમ પાડે એ પહેલાં મેં ફરીથી એનું મોંઢું દાબી દીધું. ચંદુએ પણ એને પકડવામાં મદદ કરી.
"માસ્તર.. હવે તો આપડું આઈ જ બન્યું.." ચંદુએ પણ હતી એટલી હિંમત ભેગી કરીને કહ્યું.
"ચંદુડા.. હવે મરીએ કે જીવીએ.. પણ ઓંયકણથી હલતો નઈં. આ પથલાને દબાઈ રાખ લ્યા.." મેં ચંદુને સાવ ધીમા અવાજે મક્કમ રહેવા સમજાવ્યો.
ભમરાજી અમારી નજીક આવતા ગયા તેમ અમે સાવ જમીનને અડીને, આડા પડીને છૂપાતા ગયા. અને બધું જ ભગવાન ભરોસે છોડીને જે થાય તેની રાહ જોતા રહ્યા.
(ક્રમશઃ)
******************
- "નિસર્ગ" 🍁🍁🍁