Sapnana Vavetar - 21 in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | સપનાનાં વાવેતર - 21

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપનાનાં વાવેતર - 21

સપનાનાં વાવેતર પ્રકરણ 21

" શું કહ્યું ? ચુનીલાલ છેડા ? તું એ છોકરાને ભૂલી જા અનાર. કોઈ પણ સંજોગોમાં એ ઘરમાં તારાં લગ્ન નહીં થઈ શકે !" મહિપતરાય લગભગ તાડુકી ઉઠ્યા.

અનાર તો પપ્પાનું આ સ્વરૂપ જોઈને અવાક જ થઈ ગઈ. જૈમિનના પપ્પાનું નામ સાંભળીને મારા પપ્પા આટલા ભડકી કેમ ગયા !!

" અરે પણ પપ્પા તમે ચુનીલાલ નામ સાંભળીને આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા ? એ લોકો ખરેખર સારા માણસો છે. " અનાર બોલી.

" તું ચૂપ રહે અનાર. એ ચુનીલાલના ઘરમાં હું મારી દીકરી નહીં વળાવું. " મહિપતરાય બોલ્યા.

" પરંતુ તમારી આ નફરત માટે કોઈ કારણ તો હશે ને પપ્પા ? " અનાર બોલી.

" તું સમજતી કેમ નથી અનાર ? આ ચુનીલાલ છેડા એ જ છે કે જેણે પાંચ લાખ માટે મારા ઉપર કોર્ટ કેસ કર્યો છે . બે વર્ષથી ચેક રિટર્નનો કેસ ચાલે છે કોર્ટમાં. " મહિપતરાય બોલ્યા.

" તમે પાંચ લાખ જેવી રકમ એમની પાસેથી લો અને મૂડી કે વ્યાજ પણ ના આપો અને તમારો ચેક પણ રિટર્ન થઈ જાય તો માણસ કોર્ટમાં તો જાય જ ને !! અને કોર્ટમાં જતાં પહેલાં એમણે તમને નોટિસ મોકલી જ હશે ને ? એ વખતે તમે એમને રૂબરૂ મળીને તમારી પરિસ્થિતિ એમને જણાવી ? " અનાર બોલી.

" મારી પાસે કોઈ સગવડ જ ના હોય તો હું એમને મળીને શું કરું ? મળું એટલે મારે કોઈ કમિટમેન્ટ કરવું પડે." મહિપતરાય બોલ્યા.

"તો પછી તમે કોઈ જવાબ જ એમને ના આપો તો એ કોર્ટમાં જાય જ ને ? એમાં એમનો વાંક ના ગણાય. અને તમે વળી ક્યારે લોન લીધેલી એમની પાસેથી ? અને શા માટે આટલી મોટી રકમની જરૂર પડેલી ? " અનાર બોલી.

" બેટા ૭ વર્ષ પહેલાં સોસાયટીનો આ ફ્લેટ ખરીદ કર્યો ત્યારે જૂના ફ્લેટ ઉપર બેંક લોન વધારે મળતી નહોતી. પાંચ લાખ ખૂટતા હતા. ચુનીભાઈ વર્ષોથી ફાઇનાન્સનો ધંધો કરતા હતા. હું એમને સારી રીતે ઓળખતો હતો. અમે જૂના મિત્રો છીએ એમ કહું તો પણ ખોટું નથી. મેં એમને વાત કરી તો એમણે વગર વ્યાજે બે વરસની મુદત માટે મને પાંચ લાખ આપ્યા. સામે પાંચ લાખનો તારીખ વગરનો ચેક લઈ લીધો." મહિપતરાય બોલી રહ્યા હતા.

"બે વર્ષ સુધી એમણે મને કોઈ ફોન ના કર્યો. એ પછી એમણે મને બોલાવ્યો અને ત્રણ ટકા વ્યાજની વાત થઈ. મેં છ મહિના તો વ્યાજ આપ્યું પણ પછી ઘરમાં તકલીફ પડવા માંડી એટલે ચારેક વર્ષથી વ્યાજ આપવાનું બંધ કર્યું. છેવટે બે વર્ષ પહેલાં એમણે કોર્ટમાં કેસ કર્યો." મહિપતરાય બોલ્યા.

" તો એમાં એમનો શુ વાંક પપ્પા ? વગર વ્યાજે તમને પાંચ લાખ જેવી રકમ આપી. બે વર્ષ સુધી વ્યાજ કે મૂડી યાદ પણ ના કર્યાં. પાંચ લાખ કોઈ નાની રકમ થોડી છે પપ્પા ? એ કોર્ટમાં જાય એમાં તમે એમને દોષ કઈ રીતે દઈ શકો ? " અનાર બોલી.

"હું તારી વાતની ના નથી પાડતો અનુ. હું એમને ખરાબ માણસ ગણતો નથી. પણ પૈસા પાછા ના આપીને એમની સામે મારું ખૂબ નીચાજોણું થયું છે. એ મને કોર્ટમાં ખેંચી ગયા છે. એટલે મારું મન હવે ખાટું થઈ ગયું છે. હું અપમાનજનક સ્થિતિમાં મૂકાઈ ગયો છું. આવા સંજોગોમાં તારાં લગ્ન એમના દીકરા સાથે કેવી રીતે કરાવું ? લગ્નની વાત કરું અને એ તારું કે મારું અપમાન કરે એના કરતાં એ છોકરાને તું ભૂલી જા." મહિપતરાય બોલ્યા.

" તમારી વાત સાથે હું સંમત નથી પપ્પા. તમારા મનમાં અપમાનનો ડર છે પરંતુ એમણે ખરેખર તો એવું કોઈ અપમાન કર્યું નથી. બે મિનિટમાં એમણે તમને પાંચ લાખની મદદ કરી છે. ગુનો તો આપણે કર્યો છે. તમે તમારી દીકરી ખાતર એકવાર વાત તો કરી જુઓ. મને ખાતરી છે કે એ પૈસાની વાત વચ્ચે નહીં જ લાવે" અનાર બોલી.

છેવટે મન મક્કમ કરીને રાત્રે જમ્યા પછી મહિપતરાયે ચુનીલાલભાઈને ફોન કર્યો.

"ચુનીભાઈ હું થાણાથી મહિપતરાય બોલું. મને મારી દીકરી અનારે આજે જ સમાચાર આપ્યા કે એ તમારા દીકરાને પસંદ કરે છે. એટલે મને થયું કે મારે તમને ફોન કરીને આ સમાચાર આપવા જ જોઈએ. " મહિપતરાય બોલ્યા.

"મહિપતભાઈ તમે મને ફોન કર્યો એ સારું લાગ્યું. બોલો હવે ઘરે મળવા ક્યારે આવો છો ? દીકરીના બાપ છો તો કાયદેસર માગું લઈને તમારે મારા ઘરે આવવું પડે ." ચુનીભાઈ હસીને બોલ્યા.

" જી જરૂર.... સારો દિવસ જોઈને હું અને અનારની મમ્મી આવી જઈશું " મહિપતરાયે જવાબ આપ્યો અને ફોન કટ કર્યો.

" ચુનીભાઈએ વાતચીત તો આજે ખૂબ સારી રીતે કરી અનુ. પૈસાનો ભાર ક્યાંય વચ્ચે આવવા દીધો નહીં" મહિપતરાય બોલ્યા.

" મેં તમને કહ્યું હતું ને ? અંકલ ખૂબ સારા માણસ છે. પાંચ લાખનો મામલો હોય એટલે કાયદેસર જે થતું હોય તે કરવું પડે પપ્પા પરંતુ તેથી એ દુશ્મન નથી બની જતા. હવે તમે અને મમ્મી એમના ઘરે જઈ આવો." અનાર બોલી.

અને ત્રણ દિવસ પછી મહિપતરાય એમની પત્નીને લઈને ચુનીભાઈના ઘરે ફોન કરીને પહોંચી ગયા. ચુનીભાઇએ એમનું ભેટીને પ્રેમથી સ્વાગત કર્યું.

" મહિપતભાઈ મનમાં કોઈપણ જાતનો ક્ષોભ અને સંકોચ રાખશો નહીં. તમે મારા વેવાઈ થયા છો હવે. તમારી દીકરી અમને પસંદ છે. બાળકોના સુખને ખાતર ઘણી બધી બાબતો ભૂલી જવી પડે છે. કેસ હું પાછો ખેંચી લઉં છું. તમારે પાંચ લાખ યાદ રાખવાની હવે જરૂર નથી " પહેલી જ મુલાકાતમાં ચુનીભાઈએ મહિપતરાયને હળવાફૂલ કરી દીધા.

"એ તમારા દિલની મહાનતા છે ભાઈ. સંજોગોએ મને સાથ ના આપ્યો. અને હવે આ શરીર બીમાર જ રહે છે. એક કિડની ફેલ થઈ ગઈ છે. આજે માંડ માંડ આવ્યો છું. ઘરની બહાર જ નીકળતો નથી." મહિપતરાય બોલ્યા.

" તમારે ખુલાસા આપવાની કોઈ જરૂર નથી. હવે નવા સંબંધથી જ આપણે વાત કરીશું. વસંત પંચમીના દિવસે અહીં મુલુંડ વેસ્ટમાં ગોપુરમ હૉલમાં રીંગ સેરીમની આપણે રાખીએ છીએ. તમારાં જે પણ સગાંવહાલાં હોય એમને જાણ કરી દેજો." ચુનીલાલભાઈ બોલ્યા.

"જી. તમારે જ બધું કરવાનું છે. તમે જ્યાં કહેશો ત્યાં અમે હાજર થઈ જઈશું. " મહિપતરાય બોલ્યા.

એટલામાં બહારથી જૈમિન પણ આવી ગયો. એણે આવીને તરત જ સાસુ સસરાનાં ચરણસ્પર્શ કર્યાં.

હસુમતીબેને કંકુ પલાળીને તૈયાર જ રાખ્યું હતું. મહિપતરાયે એમાંથી પોતાના જમાઈને ચાંલ્લો કર્યો. એ પછી બંને પરિવારોએ ગોળધાણા ખાધા.

" જૈમિન મારો એકનો એક દીકરો છે એટલે એની પસંદગી એ મારી પસંદગી. તમારી દીકરી આ ઘરમાં પણ દીકરીની જેમ જ રહેશે. લગ્ન માટે તમારે કોઈપણ જાતનો ખર્ચો કરવાનો નથી. અનારનાં તમામ કપડાં અને દાગીનાનો ખર્ચો અમે જ ઉપાડીશું. " ચુનીભાઈ બોલ્યા.

" તમારા ઘરની એ લક્ષ્મી છે. તમે એના માટે જે પણ કરો તે ઓછું છે. છતાં હું દીકરીનો બાપ છું એટલે હું પણ મારા ગજા પ્રમાણે જેટલું થઈ શકશે એટલું કરીશ. કન્યાના બાપ તરીકે લગ્નનું મુહૂર્ત જોવડાવીને તમને ત્રણ-ચાર દિવસમાં એ પણ જાણ કરી દઈશ." મહિપતરાય બોલ્યા.

એટલામાં નોકર બધાં માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો એટલે બધાંએ આઇસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું.

એ પછી વ્યવહાર અંગેની થોડી ઘણી વાતો કરીને મહિપતરાયે વિદાય લીધી.

વસંત પંચમીના દિવસે ગોપુરમ હૉલમાં
જૈમિન અને અનારનો રીંગ સેરીમની ભવ્ય રીતે ઉજવાઈ ગયો. ઘણા બધા મહેમાનોએ હાજરી આપી પ્રસંગને શોભાવ્યો. જૈમિને એ દિવસે દિલથી પૈસા ખર્ચ્યા અને પ્રસંગને અનુરૂપ સુંદર જમણવાર પણ ગોઠવ્યો.

આજે અનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. એના તમામ મિત્રો પણ આજે એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ એ જ આપણી પેલી અનાર છે ?!!

બધાને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે અચાનક જૈમિન અને અનાર લગ્ન સંબંધ સુધી કેવી રીતે પહોંચી ગયાં ! કોઈને કંઈ ગંધ જ ન આવવા દીધી !!

બધા મિત્રો જ્યારે સાથે જમવા બેઠા ત્યારે આ વાતની ચર્ચા થઈ. .

" અનાર તું તો આજે બિલકુલ ઓળખાતી જ નથી. અમે બધા સ્ટેજ ઉપર તને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. " કિરણ વાડેકર બોલ્યો.

" એકદમ સાચી વાત છે અનાર. અને તમે બંને છૂપાં રુસ્તમ નીકળ્યાં. બે મહિના પહેલાં અનિકેતની બર્થ ડે પાર્ટીમાં પણ તમે કોઈ ગંધ આવવા દીધી નહીં." ભાર્ગવ બોલ્યો.

જો કે અનિકેત આ બધું જ જાણતો હતો એટલે એણે કોઈ કોમેન્ટ ના કરી. અનિકેત આજે કૃતિને લઈને આવ્યો હતો. અને જૈમિન સિવાય બાકીના મિત્રો આજે પહેલી વાર કૃતિને જોઈ રહ્યા હતા. કૃતિ તૈયાર થઈ હોવાથી એનું પણ સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.

આજે જાણે કૃતિ અને અનાર વચ્ચે સૌંદર્ય સ્પર્ધા હતી !!

" ભાભી તમને પહેલીવાર મળીને ખૂબ જ આનંદ થયો. આજે તો અમે પણ મૂંઝાઈ ગયા છીએ કે તમારા બેમાંથી કોનાં વખાણ કરવાં ? " ભાર્ગવ બોલ્યો.

" વખાણ તો કૃતિ ભાભીનાં જ કરવાં પડે ભાર્ગવ. મારું રૂપ તો ચાર દીન કી ચાંદની જેવું છે. જ્યારે કૃતિ ભાભી સદાબહાર છે. " અનાર બોલી.

" તમે લોકો મને ચણાના ઝાડ ઉપર ના ચડાવો. અનારબેન પણ એટલાં જ સુંદર છે. " કૃતિ બોલી.

અનારને યાદ આવ્યું કે પહેલીવાર અનિકેતના મોબાઈલમાં કૃતિનો ફોટો જોયો ત્યારે કૃતિ માટે વિષકન્યા જેવી નેગેટિવ ફિલિંગ આવી હતી પરંતુ આજે રૂબરૂમાં એના માટે કોઈપણ જાતની નેગેટિવ ફીલિંગ આવી રહી ન હતી. ઉપરથી એના માટે સારો ભાવ જાગી રહ્યો હતો ! આવું કેવી રીતે બન્યું ? અનાર વિચારમાં પડી ગઈ હતી.

" ૧૩મી મેના દિવસે અમારાં લગ્નનું મુહૂર્ત છે. તમારે બધાંએ હાજરી આપવાની છે એ અત્યારથી જ કહી દઉં છું. એ દિવસે કોઇ બહાનું નહીં ચાલે. સમયસર ઇન્વિટેશન પણ મળી જશે. " જૈમિન બોલ્યો.

" હા ભાઈ હા. હનીમૂન કરવા ક્યાં જવાનું છે એ પણ કહી દે ને એટલે અમે પણ ટિકિટ બુક કરાવી દઈએ." કિરણ બોલ્યો અને બધા ખડખડાટ હસી પડ્યા.

અને આમ હસી મજાકમાં જૈમિન અને અનારનો રીંગ સેરીમની પૂરો થઈ ગયો.

ગોપુરમ હૉલમાંથી બહાર નીકળીને અનિકેતે પોતાની ગાડી વીણાનગર તરફ લઈ લીધી. ઓફિસનું કામ કેવું ચાલી રહ્યું છે એ જોવાની એની ઈચ્છા હતી અને કૃતિને પણ ઓફિસનું લોકેશન બતાવવું હતું.

" જો કૃતિ આ મારી ઓફિસ બની રહી છે. આ ફ્લેટ મેં ખરીદી લીધો છે અને અહીં આખો ફ્લેટ ઓફિસમાં કન્વર્ટ થઈ રહ્યો છે. " ગાડી સાઈડમાં પાર્ક કરીને અનિકેત બોલ્યો.

" લોકેશન તો સરસ છે એકદમ રોડ સાઈડનો ગ્રાઉન્ડ ફ્લોરનો ફ્લેટ છે. " કૃતિ બોલી અને અનિકેતની સાથે એ ફ્લેટની અંદર ગઈ..

અંદર ઓફિસનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું. ભટ્ટ સાહેબે બે બેડરૂમ વચ્ચેની દીવાલ તોડી નાખી હતી અને સળંગ હોલ જેવું બનાવી વચ્ચે કાચ મૂકી દીધો હતો જેથી અનિકેતની ચેમ્બરની લાઈનમાં જ ઓફિસની ચેમ્બર પણ બને.

" આ મારી ચેમ્બરમાં તારી બેસવાની વ્યવસ્થા પણ મેં કરી છે. તને પણ જ્યારે ટાઈમ હોય ત્યારે તું ઓફિસે આવી શકે છે. " પોતાની ચેમ્બરમાં આંટો મારીને અનિકેત કૃતિ સામે જોઈને બોલ્યો.

" હા. મને પણ ઓફિસમાં બેસવાનું ગમશે. ઘરે કંઈ કામકાજ વગર એકદમ બોર થઈ જવાય છે. " કૃતિ બોલી.

" આ દિવાલ તોડી એ તમે બહુ સરસ આઇડિયા કર્યો છે અંકલ. હવે કંઈક ઓફિસ જેવું લાગી રહ્યું છે." અનિકેત શશીકાંતભાઈ સામે જોઈને બોલ્યો.

"આ તો હજુ શરૂઆત છે અનિકેત ભાઈ. બે મહિના જવા દો. આખી ઓફિસ બની જાય પછી તમે જોજો." શશીકાંતભાઈ બોલ્યા.

પરંતુ ઓફિસ તૈયાર થતાં લગભગ અઢી મહિનાનો સમય લાગ્યો. ઓફિસ ધાર્યા કરતા ઘણી સુંદર બની હતી. શશીકાંતભાઈનું કામ ખરેખર બેનમૂન હતું. ડિઝાઇનર વોલપેપર્સના કારણે અંદરનો દેખાવ આખો ફરી ગયો હતો. વચ્ચેની દીવાલ ઉપર વોલ ટુ વોલ મીરર લગાડેલો હોવાથી ઓફિસ વિશાળ દેખાતી હતી.

અખાત્રીજના શુભ મુહૂર્તમાં આ નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 'વિરાણી એસ્ટેટ ડેવલપર્સ' નું નવું નામ રાખવામાં આવ્યું. અનિકેતે એપોઇન્ટ કરેલા તમામ સ્ટાફને એ દિવસે હાજર રાખવામાં આવ્યો. જેમાં અનાર અને કિરણ પણ હતાં. અનિકેતનો આખો પરિવાર તે દિવસે ઉદ્ઘાટનમાં હાજર રહ્યો હતો.

અનિકેતે મેનેજર તરીકે કિરણ વાડેકર અને કેશીયર કમ એકાઉન્ટન્ટ તરીકે અનાર દિવેટિયાની નિમણુંક કરી હતી. અનારના આસિસ્ટન્ટ તરીકે એક નવા જ યુવાન વિપુલ શાહને અપોઈન્ટ કર્યો હતો જે ક્લેરિકલ કામ કરવાનો હતો અને એકાઉન્ટન્ટનું કામ પણ જાણતો હતો. પટાવાળા તરીકે ૪૦ વર્ષના મનુ મહારાજને એપોઇન્ટ કર્યા હતા. કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરો પ્રશાંતભાઈએ આપ્યા હતા. જ્યારે રિસેપ્શનીસ્ટની જગ્યા અત્યારે ખાલી રાખી હતી.

ઉદ્ઘાટનના બે દિવસ પછી જ પાંચમ ના દિવસે અનાર અને જૈમિનનાં લગ્ન હતાં. લગ્ન પણ એ જ ગોપુરમ હૉલમાં રાખ્યાં હતાં. અનારે ૧૫ દિવસની રજા લીધી હતી. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયાં હતાં અને અનિકેત કૃતિ સહિત તમામ મિત્રોએ હાજરી આપી હતી.

અનિકેતની ઓફિસનું ઉદ્ઘાટન થયું ત્યાં સુધીના અઢી મહિનામાં આસુતોષે બાંધકામની તમામ પરમિશન મેળવી લીધી હતી અને આ અઢી મહિના દરમિયાન અનિકેતે પણ બંને ટાવરના ફ્લેટોની ડિઝાઇન બનાવી દીધી હતી.

ઓફિસના ઉદ્ઘાટન પછી એક જ અઠવાડિયામાં પ્લોટની સાફ-સફાઈ કરી કન્સ્ટ્રક્શન કામ ચાલુ કરાવી દીધું હતું. શરૂઆતમાં અનિકેતને ટ્રેઇન્ડ કરવા માટે પ્રશાંતભાઈ પોતે આ નવી ઓફિસે આવતા હતા અને સાઇટ ઉપર પણ જતા હતા. સાથે સાથે અનિકેતને પણ કામ સમજાવતા હતા.

બીજા બે મહિનાના ટાઈમમાં પ્લોટ ઉપર બોર પણ બનાવી દીધો અને બંને ટાવરના પાયા નાખવા માટે વિશાળ ખાડા પણ ખોદવામાં આવ્યા. પ્લોટ ઉપર હજુ ફ્લેટની કોઈ જાહેરાત મૂકવામાં આવી ન હતી. જો કે ચાર પાનાના રંગીન બ્રોશર છાપી દેવામાં આવ્યાં હતાં જેથી જે દિવસે જાહેરાત થાય તે દિવસે કસ્ટમરોને ફ્લેટની ડીટેલ્સ આપી શકાય.

અષાઢ સુદ બીજના શુભ મુહૂર્તમાં લોકલ વર્તમાન પત્રોમાં આખું પાનું ભરીને 'આકૃતિ ટાવર્સ' ની મોટી જાહેરાત મૂકવામાં આવી અને એ જ દિવસે પ્લોટ ઉપર મોટું હોર્ડિંગ પણ મૂકવામાં આવ્યું. આકૃતિ-એ અને આકૃતિ-બી એમ બે વીંગની જાહેરાત કરી હતી. કૃતિના નામનો સમાવેશ થાય એટલા માટે આ નામ પસંદ કર્યું હતું. ૨૫૦૦ ચોરસ ફૂટનો એક ફ્લેટ હતો અને ૮ માળના એક ટાવરમાં ૩૨ ફ્લેટ હતા. કુલ ૬૪ ફ્લેટની આ મોટી સ્કીમ હતી અને શરૂઆતમાં તેની કિંમત ૭ કરોડ રાખવામાં આવી હતી. ટાઈટલ ક્લિયર હતાં એટલે ગ્રાહકોને લોન પણ મળી શકે તેમ હતી.

જાહેરાત મૂકી એ જ દિવસે સૌરભ દિવાન નામના એક હોશિયાર યુવાનની રિસેપ્શનિસ્ટ તરીકે નિમણૂક કરી હતી. સૌરભે એમબીએ માર્કેટિંગ કર્યું હતું અને એને એકાઉન્ટ પણ ફાવતું હતું. તમામ કસ્ટમર્સને એ જ સંભાળતો હતો અને ફ્લેટોનું બુકિંગ પણ એ જ કરતો હતો. વધારે ભીડ થઈ જાય તો વિપુલ શાહ પણ મદદમાં આવી જતો હતો.

વિરાણીનું નામ સાંભળીને જ લોકોને આ સ્કીમમાં રસ જાગ્યો હતો. વળી કાલિદાસ હોલની નજીક લોકેશન પણ એકદમ મોકાનું હતું. જાહેરાત મૂક્યા પછીના એક જ અઠવાડિયામાં ૧૮ ફ્લેટનું બુકિંગ થઈ ગયું હતું. અનિકેત માટે આ એક મોટી સફળતા હતી.

" કહું છું મારી એક ઈચ્છા તમે પૂરી કરશો ? પહેલીવાર તમારી પાસે કંઈક માગી રહી છું. " બુકિંગ ચાલુ થઈ ગયા પછીની એક રાત્રે બેડરૂમમાં સૂવાના ટાઈમે કૃતિ બોલી.

" અરે ડાર્લિંગ તારે આવું મને પૂછવાનું હોય ? તું મારી પત્ની છે તારો પૂરેપૂરો અધિકાર છે. " અનિકેત બોલ્યો.

" ૬૪ ફ્લેટની તમારી યોજના છે તો એમાંથી એ વિંગમાં પહેલા માળે ચારે ચાર ફ્લેટ મારા નામે ના કરી શકો ?" કૃતિ બોલી.

" અરે પણ તારે ફ્લેટમાં ક્યાં રહેવા જવાનું છે ? અને એકાદ ફ્લેટની વાત હોય તો પણ ઠીક છે પણ ચારે ચાર ફ્લેટની વાત હું સમજી શકતો નથી." અનિકેત બોલ્યો.

" તમારી ઈચ્છા ના હોય તો મારું કોઈ દબાણ નથી. એટલા માટે જ મેં શરૂઆતમાં પૂછ્યું કે મારી ઈચ્છા પૂરી કરી શકશો ? " કૃતિ થોડા નારાજ સ્વરે બોલી.

" અરે પણ મેં તને ક્યાં ના પાડી છે ? હું જસ્ટ તને પૂછી રહ્યો છું કે આખો ફ્લોર તારે કેમ લેવો છે ?" અનિકેત બોલ્યો.

"એમ સમજો ને કે હું બિઝનેસની શરૂઆત કરી રહી છું. તમારી સ્કીમમાં મને પણ કંઈક પ્રોફિટ તો મળવો જોઈએ ને ? મને ખબર જ છે કે એ એરિયામાં બે ત્રણ વર્ષમાં ભાવ ઉંચકાવાના જ છે. બે ત્રણ વર્ષ રાહ જોઉં તો મને ડબલ કે ત્રણ ગણા પૈસા મળશે." કૃતિ હસીને બોલી.

" પણ તારે આવું બધું વિચારવાની ક્યાં જરૂર છે ? મારા પૈસા એ તારા પૈસા જ છે ને ? તારે જોઈતા હોય તો તારા એકાઉન્ટમાં હું ૨૦ કરોડ અત્યારે જ ટ્રાન્સફર કરું. " અનિકેત બોલ્યો.

" ના. મારે એવી રીતે પૈસા જોઈતા નથી અને એ કંઈ ડબલ કે ત્રણ ગણા ના થાય. હું ભવિષ્યનો વિચાર કરું છું. હું મારા પ્લાનિંગથી આગળ વધવા માગું છું. અત્યારે મારે પૈસાની કોઈ જ જરૂર નથી. " કૃતિ બોલી.

"ઓકે બાબા. આખો ફ્લોર તારા નામે કરી દઈશ. હવે ખુશ ? " અનિકેત બોલ્યો પરંતુ એ કૃતિને સમજી શક્યો નહીં કે પોતાના અલગ ભવિષ્યનો એ આટલો બધો કેમ વિચાર કરે છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)