અપેક્ષાને લાગ્યું કે આ ઈશાનનું ભૂત છે..!!
તેના શરીરમાંથી કંપારી છૂટી ગઈ..
તેના ધબકારા વધી ગયા..
પરોઢની ચાર વાગ્યાની ઠંડકે પણ..
તેને આખા શરીરે પરસેવો પરસેવો છૂટી ગયો..
શું કરવું? ક્યાં જવું?
તેને કંઈ જ સમજાયું નહીં..
પોતે કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહી હોય તેવું તેને લાગ્યું..
અથવા તો કોઈ હોરર મૂવી..
તેણે પોતાની આજુબાજુ નજર કરી કે,
કોઈ દેખાય તો હું હેલ્પ માંગુ અને આ ભૂતથી મારો પીછો છોડાવું પરંતુ આખો રસ્તો સૂમસામ હતો ત્યાં તેની મદદે આવી શકે તેવું કોઈ નહોતું...
જે કંઈ હતું તે ફક્ત અને ફક્ત ડર જ હતો..
હવે આગળ...
ઈશાન હવે તેની બિલકુલ નજીક આવી પહોંચ્યો હતો..
તેને જે સ્વપ્ન કે હોરર મૂવી લાગી રહ્યું હતું તે કોઈ સ્વપ્ન પણ નહોતું કે કોઈ ભ્રમ પણ નહોતો તે હકીકત હતી.
ઈશાનને એટલું તો સમજાઈ જ ચૂક્યું હતું કે અપેક્ષા મારાથી ખૂબજ ડરી ગઈ છે.
તેણે અપેક્ષાનો નાજુક હાથ પકડી લીધો અને તેને કહેવા લાગ્યો કે, "અપુ, મારાથી ડરીશ નહીં હું તારો ઈશાન જ છું. મારી સામે જો."
અપેક્ષાએ હિંમત કરીને પોતાના મોબાઈલની ટોર્ચ તેના મોં ઉપર ફેંકી અને ખાત્રી કરવા લાગી કે, "શું આ ખરેખર ઈશાન છે?"
ઈશાનના મોં ઉપર સમય અને સંજોગોના કંઈ કેટલાય આવરણ ચઢી ચૂક્યા હતા પરંતુ અપેક્ષા પોતાના ઈશાનને ઓળખી ગઈ ખરી...
તેના અવાજમાં દર્દ છૂપાયેલું હતું..
પોતાના માટેનો અઢળક પ્રેમ..
અને તેને મેળવવાની તડપ..
તેના નિર્દોષ ચહેરા ઉપર દેખાતા નિશ્વાર્થ પ્રેમને તે વર્ષોથી પીછાનતી હતી..
"આપણે રસ્તા વચ્ચે ઉભા છીએ. અપેક્ષા તું અહીં મારી પાછળ પાછળ સાઈડમાં આવી જા.."
અને ઈશાન આગળ આગળ ચાલતો રહ્યો અને અપેક્ષા તેની પાછળ પાછળ..
અપેક્ષા માટે આ કોઈ ભયાનક સ્વપ્ન જેવું હતું.
હજીપણ તે સ્વિકારી શકતી નહોતી કે આ ઈશાન છે જેની પાછળ પાછળ હું ચાલી રહી છું..
જાણે ઈશાનનું ભૂત તેને ખેંચી રહ્યું હોય અને પોતે લોહચુંબકની માફક તેની પાછળ ખેંચાઈ રહી હતી.
એક ઓટલા પાસે આવીને ઈશાન અટકી ગયો અને કંતાન લપેટીને નાનકડી ઝૂંપડી બનાવી હોય તેવી ઝૂંપડીમાં નીચે નમીને પ્રવેશ્યો.
લોહચુંબકની જેમ ખેંચાતી ખેંચાતી અપેક્ષા પણ વાંકી વળીને આ નાનકડી ઝૂંપડીમાં પ્રવેશી ઈશાન કંતાન ઉપર બેઠો અને અપેક્ષાને પણ પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું.
જોકે એ ઝૂંપડીમાં ઉભું રહી શકાય તેટલી તેની ઉંચાઈ પણ નહોતી.
એટલે અપેક્ષાએ બેસવું જ પડે તેમ હતું અપેક્ષા તેની બાજુમાં બેસી ગઈ..
ઈશાને પોતાની અપેક્ષાનો નાજુક હાથ ફરીથી પોતાના હાથમાં લીધો અને તેને ચૂમી લીધો..
અપેક્ષા અંદરથી ધ્રુજી ઉઠી હતી..
અપેક્ષાના મોબાઈલની ટોર્ચ અજવાળું ફેંકી રહી હતી..
ઈશાનની નજર અપેક્ષાના હાથમાં લાગેલી મહેંદી ઉપર પડી.
પરંતુ તેણે તે વિશે કોઈ પ્રશ્ન ન પૂછ્યો કે તે વાતનો કોઈ જીક્ર પણ ન કર્યો..
પહેલા તે વર્ષોથી દબાવી રાખેલી પોતાની વ્યથા વ્યક્ત કરવા ઈચ્છતો હતો..
"મને ખબર હતી કે એક દિવસ તું આવશે..
એક દિવસ મારી અપેક્ષા આવશે..
મારા પ્રેમ ઉપર મને અતૂટ વિશ્વાસ હતો..
હું દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરતો હતો અને તારી રાહ જોયા કરતો હતો..
આજે મારા પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી લીધી અને તને મારી પાસે મોકલી દીધી..
હવે હું તને ક્યાંય નહીં જવા દઉં.. મારી પાસેથી ક્યાંય નહીં.."
અપેક્ષાની વર્તમાન પરિસ્થિતિ અપેક્ષા જ જાણતી હતી..
"ઈશાન તું અહીંયા ક્યાંથી?" અપેક્ષાના મનમાં અનેક પ્રશ્નોના મોજા ઉછળી રહ્યા હતા..
ઈશાને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કરતાં તેને જણાવ્યું કે, "પેલા નરાધમોએ મને કેદ કરી દીધો હતો..
શેમના માણસો તેના કરતાં પણ વધારે ખતરનાક હતાં..
રેલ્વે સ્ટેશન નજીક મને એક કોટડીમાં પૂરીને રાખ્યો હતો..
પરંતુ એક દિવસ બંને જણાં ચિક્કાર દારૂ પી ગયા હતા અને એ દિવસે મને જમવાનું આપવા તેનો એક માણસ આવ્યો પછી તેણે બહારથી તાળું તો લગાવ્યું પરંતુ તાળું લોક થઇ ગયું અને મારા સદનસીબે સ્ટોપર
ખુલ્લી રહી ગઈ હતી.
અચાનક પવનની લહેરથી બારણું થોડું ખુલી ગયું હું હકીકત સમજી ગયો.
હું ધીમે ધીમે દરવાજાની નજીક પહોંચી ગયો..
અને બહાર શું ચાલી રહ્યું છે તે તાગવાની કોશિશ કરવા લાગ્યો..
પેલા બંને માણસો જે ત્યાં હાજર હતા તે ચિક્કાર દારૂ પીવાને કારણે બેભાન થઈ ગયા હતા..
મેં તે તકને ઝડપી લીધી અને હું ત્યાંથી ભાગી છૂટયો.
ત્યાંથી નીકળતી ચાલતી ટ્રેન મેં પકડી લીધી અને હું અહીં આવી પહોંચ્યો.
બસ ત્યારથી હું અહીં જ આ જ હાલતમાં છું. મોમ ડેડ અને તું બધાજ ખૂબ યાદ આવ્યા કરતા હતા પરંતુ શેમનો અને તેના માણસોનો ડર મને એટલો તો સતાવતો હતો કે તમને કોઈને ફોન કરવાની હિંમત કરી શક્યો નહીં."
"ઑહ નો, પણ તારે મને અથવા તો અક્ષતને તો ફોન કરવો જોઈતો હતો તો ચોક્કસ કંઈક રસ્તો નીકળત.."
"પણ અપેક્ષા શેમના માણસો મને શાંતિથી જીવવા જ ન દેત.. એ લોકો કેટલા ખતરનાક છે તેની તો તે કલ્પના શુધ્ધાં નહીં કરી હોય.."
"હા, તે પણ છે.. હવે તું શું કરવા માંગે છે?"
અને અપેક્ષા ઈશાનના જવાબની રાહ જોઈ રહી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
25 /11/23