ભૂતનો ભય ૨૧
- રાકેશ ઠક્કર
લંબુ ભૂત
અમરાગણ નામના જંગલના રસ્તામાં લંબુ ભૂત મળતું હોવાની વાયકા ફેલાઈ ગઈ હતી. રાત્રે એ રસ્તે જવામાં જોખમ ગણાતું હતું. બે રાજ્યની વચ્ચે આવેલું અમરાગણ જંગલ ટૂંકો રસ્તો ગણાતું હતું. જંગલમાંથી પસાર થતા રસ્તાના માર્ગે રાત્રે બહુ ઓછા લોકો જવાનું પસંદ કરતા હતા. જે નવા હોય અને જેમને આ રસ્તે ભૂત મળતું ન હોવાની જાણકારી હોય એ જ જતા હતા.
લક્ષિતને કંપનીના કામથી પહેલી વખત બીજા રાજયમાં જવાનું થયું હતું. કંપનીએ લક્ષિતને મોકલવા એક કાર ભાડે લીધી હતી. જ્યારે કાર લક્ષિતને લઈને ઉપડી ત્યારે જ એણે કહી દીધું હતું કે જલદી પહોંચી જવાય એવો રસ્તો ગૂગલમાં ગોઠવજે. પણ ડ્રાઈવર મકરંદનું સૂચન હતું કે બીજા થોડા લાંબા રસ્તે જઈએ તો જોખમ ન હતું.
લક્ષિત કહે:‘ભાઈ, મારી પાસે કોઈ સોના-ચાંદી કે રૂપિયાની બેગ નથી. કોઈ જોખમ નથી. તું ટૂંકા રસ્તે જલદી પહોંચાડી દેજે. રાત્રે ઊંઘવાનો થોડો સમય મળી જશે.’
મકરંદ વિનંતીના સૂરમાં કહેવા લાગ્યો:‘સાહેબ, જલદી પહોંચાડે એવો રસ્તો અમરાગણ જંગલનો છે. એ રસ્તે જોખમ છે...’
‘અરે ભાઈ! તું જોખમ જોખમ કહે છે પણ એ તો કહે કે ચોર- લૂંટારા હેરાન કરે છે?’ લક્ષિતે અકળાઈને પૂછ્યું.
‘સાહેબ, કહે છે કે એ રસ્તે લંબુ ભૂત મળે છે. એ હેરાન કરે છે...’ મકરંદે પોતાની પાસેની માહિતી આપી દીધી.
‘આ જમાનામાં ભૂત- બૂત કશું હોતું નથી... તું તારે લઈ લે જંગલમાંથી... હું પણ જોઉં તો ખરો કે લંબુ ભૂત કેવું છે...’ લક્ષિતને લંબુ ભૂત જોવાની – જાણવાની ઉત્સુકતા પેદા થઈ હતી.
‘સાહેબ, બીજા રસ્તે એક કલાક વધારે લાગશે. એ ભૂત સાથે શું કામ મુલાકાત કરવી છે? અમારો એક ડ્રાઈવર એ રસ્તે ગાડી લઈને પસાર થતો હતો ત્યારે એને દૂરથી જ લંબુ ભૂત દેખાયું હતું એટલે ગાડી રિવર્સ લઈને ભાગી આવ્યો હતો અને બીજા રસ્તે ગયો હતો...’ મકરંદ કરગરવા લાગ્યો.
‘તને બીક લાગે છે ને? જંગલ શરૂ થાય એટલે મને ડ્રાઇવિંગ સીટ પર બેસવા દેજે. તારે ડેકીમાં છુપાવું હોય તો છૂટ છે.’ કહી લક્ષિતે પોતાનો નિર્ણય સંભળાવી દીધો.
મકરંદે ખરેખર લક્ષિતને ડ્રાઇવિંગ આપી દીધું. એ ડેકીમાં તો ના છુપાયો પણ પાછળની સીટ નીચે બેસી ગયો.
લક્ષિત જંગલમાં થોડો આગળ વધ્યો ત્યાં દૂરથી ઝાડ પડેલું દેખાયું. તેને શંકા થવા લાગી કે મકરંદનો ડર ક્યાંક સાચો નહીં પડે ને? લક્ષિતે કારને ઝાડથી થોડે દૂર ઊભી રાખી આમતેમ નિરીક્ષણ કર્યું. ત્યાં ભૂતનો મોટેથી હસવાનો અવાજ આવ્યો. એ ચોંકી ગયો. સામે ખરેખર લંબુ ભૂત ઊભું હતું. એણે એક લાંબુ કાળું વસ્ત્ર પહેર્યું હતું. એના પગ જ નહીં હાથ પણ લાંબા હતા. માથાની જગ્યા પર ખોપરી હતી.
લક્ષિત એકવાર તો ધ્રૂજી ગયો. પણ હિંમત રાખી. એની સીટ પાછળ છુપાયેલા મકરંદની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. લક્ષિત કારમાંથી બહાર જ ના નીકળ્યો. ભૂત એની નજીક આવ્યું અને હાથ હલાવી બહાર નીકળવા કહ્યું.
લક્ષિત સ્થિર રહ્યો. ભૂત ખીજવાયું અને હાથ મારી ડાબી બાજુના દરવાજાનો કાચ તોડી નાખ્યો. પછી ઘોઘરા અવાજે બોલ્યું:‘આજે તારું લોહી પી જઈશ... તારી પાસે જે કીમતી સામાન હોય એ કાઢી લે. એ હવે કંઇ કામનો નથી. તારો અંત આવી ગયો છે...’
લક્ષિતે કોઈ જવાબ ના આપ્યો. ભૂત કારની ગોળ ગોળ ફરવા લાગ્યું.
અચાનક લક્ષિત કંઈક વિચારીને બહાર નીકળ્યો.
ભૂત એની નજીક આવ્યું અને બંને હાથથી એનું ગળું પકડવા ગયું ત્યારે લક્ષિતે બધું જોર અજમાવીને એના પગમાં લાત મારી. એ સાથે જ ભૂત ઢળી પડ્યું અને કોઈના દર્દથી ચિલ્લાવાના અવાજો આવ્યા. ભૂતના કાળા કાપડમાંથી ઇજાથી તરફડતા બે માણસો નીકળ્યા. બંનેને માથામાં વાગ્યું હતું.
અવાજો સાંભળી મકરંદ બહાર આવ્યો અને કારની લાઇટમાં જોયું તો લંબુ ભૂત બનેલા બંને માણસો દર્દથી કણસતા હતા. મકરંદને સમજાઈ ગયું કે એક માણસ પર બીજો માણસ ઊભો રહી કાળું કપડું પહેરી એક નકલી ખોપરી લગાવતો હતો. બંને લોકોને ડરાવતા હતા. લક્ષિતે મકરંદને ઈશારો કરી બંનેને કારમાં નાખ્યા. એમને સારવારની જરૂર હતી.
લક્ષિતે કારને પાછી વળાવી બંનેને નજીકની હોસ્પિટલે દાખલ કરી પોલીસને જાણ કરી અને મકરંદને અમરાગણ જંગલ ભણી લઈ જવા કહ્યું.
રસ્તામાં મકરંદે પૂછ્યું:‘સાહેબ, તમે એ ભૂતથી ગભરાયા નહીં અને એમને પકડી પાડ્યા કેવી રીતે?’
‘મેં દૂરથી જોયું કે ઝાડ પડ્યું હોય એવો ભાસ ઊભો થતો હતો. અસલમાં મોટા પાંદડાવાળી ડાળીઓ પડી હતી. એ જોઈ મને શંકા ગઈ. જ્યારે ભૂતનો હસવાનો અવાજ આવ્યો ત્યારે મને એ કોઈ ભૂંગળામાંથી બોલતું હોય એવું લાગ્યું. એણે હાથથી કાચ તોડ્યો પણ અસલમાં એના પેટની જગ્યામાંથી હથિયાર સાથે હાથ નીકળ્યો હતો. એ જ્યારે કારની ચારે તરફ ચક્કર લગાવતું હતું ત્યારે કાચમાં એ દેખાતું હતું. ભૂત હોત તો એ દેખાયું ના હોત. એની ચાલ પરથી મને ખ્યાલ આવી ગયો કે એકની પર એક માણસ છે. ભૂત બનવાનું નાટક કરી લોકોને ગભરાવી લૂંટફાટ કરવાનું કાવતરું છે. અને મેં એના પગમાં જોરથી લાત મારી એટલે બંને પડી ગયા અને ઇજા પામ્યા...’ લક્ષિતે વાત પૂરી કરી.
‘સાહેબ, તમે લોકોને લંબુ ભૂતના ડરમાંથી છોડાવવાનું સારું કામ કર્યું. સારું કર્યું કે તમે આ રસ્તે આવ્યા અને એમની પોલ ખોલી નાખી. અખબારમાં લંબુ ભૂતના નામે થઈ રહેલા કાવતરાનો પર્દાફાશ થશે ત્યારે લોકોને શાંતિ થશે.’ મકરંદ ખુશ થતાં બોલ્યો.
*