BHOOT, BHEMO NE BHAMARAJI - 9 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 9

The Author
Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 9

(આપણે અગાઉના ભાગમાં જોયું કે ભમરાજી જેનાથી આખા ગામમાં ધાક જમાવીને બેઠા હતા એ જ હથિયાર એમના ઉપર અજમાવવાની અમે પૂરી તૈયારીઓ કરી દીધી હતી. હવે આગળ.... )
**************
આજે કાળીચૌદસ હતી. ગામમાં દિવાળીના તહેવારોનો સુંદર માહોલ જામ્યો હતો. વાતાવરણમાં હરખ-હરખ જ છવાયેલો અનુભવાતો હતો.
આજે રાત્રે સ્મશાનમાં જઈને સાધના કરવાવાળાઓ પણ તૈયારીઓમાં લાગ્યા હતા. અને એ માટેની બધી સાધનસામગ્રી ભેળી કરવી, કેટલા વાગે નીકળવું, કોણ કોણ સાથે આવશે, કઈ જગ્યા પસંદ કરવી, વગેરેની મથામણમાં પડ્યા હતા.
મેં અને ચંદુ બપોરના સમયે છાનેછપને ટેકરીવાળા મંદિરે જઈને ભમરાજીના એક ચેલાને ફોડ્યો. અને આજે રાત્રે ભમરાજીની યોજના વિશે માહિતી મેળવી લીધી.
ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં મેં ચંદુને પૂછ્યું, "હેં લ્યા ચંદુ, આ પથુડી વિશે તારું સું કે'વું સે.. ? હાળો બાફસે તો નઈં ને.?"
"મારું કે'વું તો એવું સે કે એ પાદોડને પડતો જ મેલ ભઈ.. મને ભરોહોં થોડો ઓસો બેહે સે હોં માસ્તર.." ચંદુએ પણ શંકા વ્યક્ત કરી.
ચંદુની વાત પણ સાચી હતી. પરંતુ મારે પથુની બીક ભાંગવા સાથે જ લઈ જવો હતો. એટલે મેં કહ્યું, "ઈંમ કરીએ ચંદુ.. ? એકવાર પથુને ચકાસી જોઈએ. પસીં સું કે સે ઈંના ઉપર આધાર.. લેવો કે ના લેવો.. બરોબર.. ?"
"તું કે'તો હોય તો ચકાસીએ.. બાકી મારું મન તો ચોખ્ખી ના જ પાડે સે લ્યા.." ચંદુએ નિર્ણય મારા પર છોડ્યો.
"લેં હેંડ.. મળવું જ પડસે ઈંને.." કહેતાં હું ચંદુને લઈને પથુના ઘર તરફ વળ્યો.
અમારા નસીબે પથુ સામેથી જ મળ્યો. એટલે એને લઈને અમે તળાવની પાળે આવ્યા. રાત્રીની યોજના વિશે ફરીથી પથુને માહિતગાર કરતાં મેં પૂછ્યું, "તું મક્કમ તો સે ને લ્યા.?"
"હઓઓ.. મક્કમ જ સું માસ્તર.. હવે ચેટલીવાર પૂસવાનું ઈયાર..?" પથુ ખખડીને બોલ્યો. પરંતુ એના અવાજમાં હજુપણ થોડો ખચકાટ જણાતો હતો.
"પૂસવું જ પડે લ્યા.. તારું તો સું નક્કી કે'વાય..? ખરા ટેમે ઘો કાઢે તો અમારે ચ્યોં જવાનું..?" હું કંઈ બોલું એ પહેલાં તો ચંદુએ મનમાં હતું એ કહી નાંખ્યું.
ચંદુની વાતથી પથુ ગિન્નાતાં બોલ્યો, "હવે તું ચેટલું બા'દુર સીં એ બધોંને ખબેર સે હોં ભઈ.. પે'લાં પોતાનું હંભાળને.. મારી પે'લોં તું ના ફહળી જઈં.. "
"મું તારા જેટલો ઢઈડકણ નહીં લ્યા પથલા.. તું તો અંધારાના નોંમથીએ બીવઈ મરીં સીં પાસું.." ચંદુએ સામો હૂમલો કર્યો.
"બસ.. બસ... હવે ચૂપ્પ..." વાત અવળે પાટે ચડતાં હું વચમાં પડ્યો, "અલ્યા ઓંયકણ એ બધી વાતો કરવાનીં સીં..? તમેય ભૂંડો વાતે વાતે બઈરોંની જેમ ચડહ કરવા સું મંડી પડો સો..? આજ રાતની વાત કરોને સોંનામોંના.. "
"હારું હારું.. બસ.. બીજી વાત નઈં હવે.." ચંદુએ ગંભીરતા પારખીને મૂળ વાત પર આવતાં કહ્યું, "માસ્તર, ભેમાનેય એકવાર મળી લીધું હોય તો ચેવું..? "
"હા.. આ..આ.. તીં તો મારા મનની વાત કરી હોં ચંદુ.. મું એ જ ચ્યાણનો કે'વાનું કરતો'તો.. પણ તમારો હોબડીયો મટે તો ને.. હેંડજો હાલ્લ જ જઈને મળતા આઈએ.." મેં સ્પષ્ટતા કરતાં ચાલવાનો ઈશારો કર્યો.
"હેંડો તાણે..." કહેતાં ચંદુ અને પથુ પણ મારી સાથે ચાલ્યા.
અમે ભેમાના ઘરે આવ્યા. તે ઘરે જ હતો. ઊભડક પગે જમવા બેઠો હતો. અમને જોઈને પલાંઠી વાળતાં બોલ્યો, "આવો આવો માસ્તર.. હેંડો રોટલા ખાવા.."
"અલ્યા તું તો 'ખાવા' બેઠો તો કે 'જાવા' બેઠો તો..?" મેં મજાક કરતાં કહ્યું.
ભેમો થોડો લાચાર થતાં બોલ્યો, "તમેય ખરા સો હોં માસ્તર.. આ તો થોડી ઉતાવળ હતી ને એટલે ઉભડક બેઠો'તો."
"હારું હારું ભઈ.. આ તો ખાલી ગમ્મત કરું સું મું તો.. સોંતિથી ખઈ લે તું.. અમે ત્યોં હૂંદી આ બેઠા.." કહીને અમે બહાર એક ખાટલો ઢાળીને બેઠા.
ભેમાએ ઝડપથી જમવાનું પૂરૂં કર્યું. ઘરમાંથી બહાર આવીને હાથ લૂછતાં બોલ્યો, "બોલો... સું કોમ હતું..?"
ભેમાના પ્રશ્નથી ચંદુ ચમક્યો, "કોમ તો બીજું કોંય ન'તું.. પણ ઓંયકણીયોં એક ભેમજીભઈ કરીને મોટિયાર રે સે ને.. ઈંમનું મુંઢું હમણોંથી જોયું ન'તું.. તે દરસન કરવા આયા'તા.."
ચંદુની વાતથી મને હસવું આવ્યું. પરંતુ ભેમો હેબતાઈ ગયો. બોલ્યો, "હેં..એં.? મું કોંય હમજ્યો નઈ ચંદુભઈ.. ચ્યમ આવું બોલો સો ભૈસાબ..?"
"અલ્યા ભેમલા.. એ તો મસ્કરી કરે સે લ્યા.. આજ કાળીચૌદસ સે એ તો ખબર સે ને..?" મેં ભેમાને સમજાવતાં કહ્યું.
"હોવે માસ્તર.. એ તો બધ્ધીયે ખબેર સે મને.. આજ રાતે જવાનું સે વળી.." ભેમો થોડો હળવાશથી બોલ્યો.
"તાણ કાળિયા, ચ્યાણનો સું પૂસતો'તો કે સું કોમ હતું..?" ચંદુ થોડો ઉગ્ર થતાં બોલ્યો.
"બસ લ્યા ચંદુ.. હવે ચ્યોં હૂંદી બાપડાને ધમકાબ્બાનો.? " મેં ચંદુને વારતાં કહ્યું.
પછી અમે ભમરાજીની રાતની યોજના, સમય, જગ્યા વગેરે બાબતથી ભેમાને અવગત કર્યો. એના અનુસંધાને અમારી યોજના પણ સમજાવી. કામ બરોબર મક્કમતાથી પૂરું કરવા પ્રોત્સાહિત કર્યો. અને આજનું કાર્ય ગુપ્તતાથી પાર પાડવાનું નક્કી કરી, રાત્રે સાડા અગિયાર વાગે વડલે મળવાનું ઠેરવીને અમે ઘર તરફ વળ્યા.
***********
રાત બરાબરની જામી ચૂકી હતી. ચૌદસની રાતના ઘેરા અંધકારને ઓઢીને ધરતી પણ સ્થિર થઈ ગઈ હતી. લોકો પણ પથારીમાં પહેલી નીંદરની મોજ માણી રહ્યા હતા. ગામમાં મોડે સુધી ફૂટેલા દારૂખાનાની ગંધ હજુપણ વાતાવરણમાં અનુભવાતી હતી.
સમય પ્રમાણે અમે ત્રણેય જણા વડલે આવી ગયા. ભેમો હજુ નહોતો આવ્યો. થોડીવાર રાહ જોયા પછી મેં કહ્યું, "અલ્યા ચંદુ, આ ભેમો હજુ ચ્યમ ના આયો.?"
ચંદુ અકળાતાં બોલ્યો, "આ હાહરો પી ના જ્યો હોય તો હારું. નકર બધ્ધીયે મે'નત આજ પોંણીમોં જઈ હમજો.."
"આવસે આવસે લ્યા.. ઘડીક તો ધાઈણ રાખ.." પથુ હળવેથી બોલ્યો.
"ઓહ.. હો... આજ તો મોંકણનેય મૂશ્યો આઈ લ્યા.." ચંદુએ પથુને ટોંટ મારતાં કહ્યું.
પથુ કંઈ કહેવા જાય એ પહેલાં મેં મોં પર આંગળી રાખીને ચૂપ રહેવાનો ઈશારો કરતાં કહ્યું, "સોંતિ રાખો લ્યા.. કો'ક આવે સે.."
અમે પગરવ સાંભળીને ચૂપ થઈ ગયા. અંધારામાં ઝીણી આંખે જોયું ત્યાં તો ભેમો પ્રગટ થયો. એને જોતાં જ ચંદુ ઉકળ્યો, "હેંડ કે હેંડ હાહરા કાળિયા.. ચેટલી વાર લગાડી તીંયે તો..! તારી સારંગી હજવામોં ચ્યોંક રાવણું ઉઠી ના જાય લ્યા.."
"અલ્યા ચંદુભઈ, સું વાત કરૂં..? ચેટલોંને બકાઈને આયો સું ભઈ.." ભેમો થોડો અસમંજસમાં હતો.
"ચ્યમ.. ? સું થ્યું લ્યા..?" મેં ઉત્સુકતાથી પૂછ્યું.
"એ તો બધું મીયે પતાઈ દીધું.. લ્યો હેંડો હવે નેકળીએ.. ખોટું મોડું કરવું.." ભેમાએ ઉતાવળ કરતાં કહ્યું.
બે-ત્રણ મિનિટમાં અમે ચોકસાઈ ચકાસી લીધી. અને યોજના મુજબની તમામ બાબતોને યાદ રાખીને અમે સ્મશાન તરફ ચાલી નીકળ્યા.
વડેથી નીકળ્યા એવા જ પાછળથી એક ચિબરી કારમી ચીસ પાડતી નીકળી ગઈ. પથુ ઉતાવળે ચાલીને અમારી વચમાં આવીને ચાલવા લાગ્યો.
અમે તળાવની પાળે આવી પહોંય્ચા. રોજ રળિયામણું લાગતું તળાવ આજે વાતાવરણની અસરથી થોડું ભેંકાર લાગતું હતું. પાણીમાં ક્યાંક નાની માછલીઓ અચાનક ઉછળીને અમને ચમકાવી જતી હતી. ઉપર આકાશમાં થોડાં વાદળો છવાયેલાં હોવાથી અંધકાર એકદમ ગાઢ બની ગયો હતો.
તળાવની પાળ વાળો મુખ્ય રસ્તો છોડીને અમે બાવળની ઝાડીઓમાં થઈને લપાતાછૂપાતા સ્મશાન તરફ આગળ વધી રહ્યા હતા.
તળાવમાં પાણી પીવા હડીઓ કાઢતાં શિયાળવાં ક્યાંક 'હૂકાઉઉઉ હૂકાઉઉઉ..' કરતાં અમને પાછા વળી જવા માટે ચેતવણી આપતાં હોય એવું લાગતું હતું. ઝાડીઓમાં સંતાયેલાં અને અમારા આવવાથી અચાનક ભડકીને ભાગતાં રોઝડાં હ્દયનો થડકારો ચૂકવી દેતાં હતાં.
અમે મોંઢેથી ચૂપ રહીને માત્ર ઈશારાથી જ એકબીજાને પોતાની પરિસ્થિતિથી વાકેફ કરતા હતા. ભેમો આડીઅવળી પગકેડીઓથી પરિચિત હોઈ ઝડપથી આગળ ચાલતો હતો. અમારે એને પહોંચી વળવા દોડવા જેટલી ઝડપ કરવી પડતી હતી. રાત્રે ક્યારેય બહાર ન નીકળેલો પથુ ખાડા-ટેકરાની અડફેટે ચડતો જેમ બને તેમ અમારી વચમાં જ ચાલવાની કોશિશ કરતો ચાલતો હતો.
અમે ભમરાજીને પાઠ ભણાવવા તો નીકળ્યા હતા. પરંતુ કલ્પનાઓ કરવી અને હકીકતમાં જમીન-આસમાનનો તફાવત હતો. વાતાવરણની અસર ભેમા સિવાય અમારા ત્રણેય પર થવા લાગી હતી. એક અજીબ પ્રકારનો ડર શરીરમાં પ્રસરવા લાગ્યો હતો.
ખરેખર ક્યાંક સાચ્ચે જ ભૂત હશે તો..?? એ વિચારે મારું હ્રદય થડકારો ચૂકી ગયું. પરંતુ તરત જ ડરને પ્રયત્નપૂર્વક દૂર હડસેલીને મેં મનને મજબૂત બનાવ્યું. અને મિત્રોને પણ ઈશારા વડે સમજાવીને મક્કમ રહેવા જણાવ્યું. એકબીજાના હાથ પકડીને અમે નિડર હોવાનો ભાવ પ્રગટ કરતા આગળ વધ્યા.
છેવટે એક કોતર પાર કરીને અમે ઝાડીમાંથી સહેજ બહાર નીકળ્યા. સામે જ સ્મશાન હતું. ખિજડાથી થોડે દૂર ખૂલ્લી જગ્યા હતી. ત્યાં થોડી હલચલ જણાતાં અમે ઝડપથી એક જાળાં પાછળ સંતાઈ ગયા. અને શું થાય છે એની રાહ જોતાં ચોરીછૂપીથી નિરીક્ષણ કરતા બેસી રહ્યા.
વાતાવરણમાં ભયંકર શાંતિ છવાયેલી હતી. એ શાંતિ લાંબો સમય ટકી નહીં અને જ્યાં ખૂલ્લી જગ્યા હતી ત્યાં અમારી નજર સામે જ એક દીવો સળગ્યો. અમે ચમક્યા અને એકબીજા સામે જોતાં ઈશારાથી સમજી ગયા કે હવે સાવધાન રહેવાનો સમય આવી ગયો છે.
**********(ક્રમશઃ)


- "નિસર્ગ" 🍁🍁🍁