ઘરના વડીલ કોઈ નિર્ણય લેઈ ત્યારે કોઈની ક્યાં તાકાત રહેતી તેનો વિરોધ કરવાની. જ્યંતિભાઈ ગુસ્સાની સાથે ચોખ્ખા શબ્દોમાં અર્જુન અને લલિતાના લગ્ન માટે ના પાડી દીધી.
જ્યંતિભાઈ તો ગુસ્સામાં જે બોલવાનું હતું તે બોલી ગયાં પણ તેના શબ્દોનો ત્યાં હાજર લોકોનાં ઉપર કેવી અસર કરશે તે વિચાર્યું નહીં.
જ્યંતિભાઈનો અવાજ એટલો મોટો હતો કે આખા ઘરમાં ફરી વળ્યો. ઇન્દુબેન, કરુણા અને બા રસોડાની બહાર ઘસી આવ્યા પણ જ્યાં લગ્નની ચર્ચા ચાલી રહી હતી તે ખન્ડની અંદર પ્રવેશવાની હિંમત ન કરી શક્યા.
તો બીજી તરફ એક રૂમની અંદર બેસેલા અર્જુન, મહેશ અને ભામિની પણ પપ્પાનો અવાજ સાંભળીને અવાચક થઈ ગયાં. અર્જુન તેની જગ્યા ઉપરથી ઉભો થઈને બહાર જઈ રહ્યો હતો પણ મહેશ અને ભામિનીએ તેનો હાથ પકડીને અટકાવી દીધો.
"આ શું બધા નાટક ચાલે છે પપ્પાના? શું બધાં તેમના ઘરવાળા છે કે જે બોલશે તે સાંભળી લેશે?" અર્જુનનો પિત્તો હવે જઈ રહ્યો હતો. "પહેલાં મારા લગ્ન કરાવવા મારી પાછળ પડી ગયાં અને હવે હું આગળ વધવા જઈ રહ્યો છું તો આ બધું શું શરૂ કરી દીધું?" અર્જુન આમ કહેતાં પોતાનો હાથ છોડાવીને રૂમની બહાર આવે છે.
બા એ જોયું કે અર્જુન હવે કંઈ બોલશે અને વસ્તુ વધારે બગડી જશે એટલે બા જ હિંમત કરીને આગળ આવે છે અને કહે છે, " મોટાભાઈ, જ્યંતિનું બોલેલું ખરાબ નહીં લગાવતાં. તેને ગુસ્સામાં ભાન રહેતું નથી. તેના બદલે હું માફી માંગુ છું. તેમનો કહેવાનો ભાવાર્થ બીજો હતો પણ તેમને બોલતા આવડ્યું નહીં એટલે દરગુજર કરજો."
જ્યંતિભાઈ કંઈ વધારે બોલીને પરિસ્થિતિને સાવ ખરાબ કરી દેઈ તે પહેલાં બા તેને અંદર આવવા કહે છે. પહેલાં તો રોફમાં જ્યંતિભાઈ સાંભળતા જ નથી પણ બા તેને સોંગદ્ય ઘાલીને અંદર આવવા કહે છે.
અંદર જતાં જતાં બા મહેશ અને કરુણાને મહેમાનોને સંભાળી લેવાનો ઈશારો કરતાં જાય છે.
"મમ્મી ચા થઈ ગઈ હોય તો નાસ્તા સાથે બહાર લઈને આવો" મહેશ બૂમ પાડીને કહે છે.
"ભાઈ અમે જમીને આવ્યાં છીએ એટલે કંઈ નથી જોઈતું. જ્યંતિભાઈ આવે એટલે અમે રજા લઈએ." મોટાભાઈ બોલ્યા.
એટલામાં ઇન્દુબેન રસોડામાંથી ચા લઈને આવે છે અને કરુણા નાસ્તાની ડીશ લઈને આવે છે.
ટેબલ ઉપર ચા મૂકતા ઇન્દુબેનનાં આંખમાંથી આંસુ નીકળી પડે છે. તેઓ આંસુ ફટાફટ લૂછી લેઇ છે. ઇન્દુબેન હાથ જોડીને કન્યાપક્ષના લોકોની માફી માંગે છે. "અર્જુનના પપ્પાનો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો છે. પાંચ નાના ભાઈ બહેન મૂકીને મારા સસરા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતાં. એટલે ખૂબ જ મહેનત કરીને તેમણે બધાંને ભણાવ્યાં. નોકરી અપાવી. લગ્ન કરાવ્યા અને અહીં સુધી તેઓને ઘર પણ માંડી આપ્યા. તેમણે નાનપણથી ખૂબ દુઃખ જોયા છે ખૂબ જ સંઘર્ષ કર્યા છે દેવા કરી કરીને બહેનોને પરણાવી છે જેના લીધે તેમનો સ્વભાવ આવો થઈ ગયો છે બાકી તેમના પેટમાં કોઈ પાપ નથી. મને ખાતરી છે કે તેઓ સમજી જશે. એટલે તમે થોડી ધીરજ રાખો"
ઇન્દુબેનની વાત સાંભળીને પ્રકાશભાઈ અને મોટાભાઈ તરત ઉભા થઈને હાથ જોડે છે અને કહે છે કે "બેન, મહેરબાની કરીને દુઃખી ન થાવો. અમને કશું ખરાબ નથી લાગ્યું. અમને પણ વાસ્તવિકતા ખબર છે તમે ચિંતા નહિ કરશો."
બીજી તરફ જ્યંતિભાઈને તેની બા અંદર લઈ જઈને સમજાવે છે, "જ્યંતિ, તે આજસુધીમાં કેટલી બેન પરણાવી? તને ખબર નથી ઘરવાળાનો કેવો કસ નીકળી જાય છે? તને યાદ છે ને તારી નાની બહેન ગુલાબના લગ્ન વખતે તો આપણી બધી મૂડી જતી રહી હતી તેને જણસ કરી આપવા માટે પણ આપણી પાસે પૈસા ન હતાં. તો તારી પત્ની ઇન્દુએ એક પળનો પણ વિચાર ન કરીને પોતાની જણસ તારા હાથમાં મૂકી દીધી હતી. તો તું શું એવું ઈચ્છે છે કે આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય?" જ્યંતિભાઈને જાણે બધી જૂની યાદો તાજી થઈ આવી હોય એમ માથે હાથ દઈને બેસી જાય છે.
બા કહે છે, "મને ખબર છે દરેક પુત્રના માં બાપને ઘણાં અભરખા હોય છે. પણ અભરખા પુરા કરવાની ઇચ્છામાં સામેવાળું સાવ જ ન વિચારવું એ તો સાવ ખોટું છે. સંતોષ રાખ જ્યંતિ. અને આમ પણ લલિતા નોકરી કરે છે એટલે ઘરમાં તેની આવક પણ આવશે પછી શું જોઈએ છે તારે?"
જ્યંતિભાઈ બા ની પરવાનગી લીધા વિના રૂમની બહાર નીકળી જાય છે અને લલિતાનાં મોટાભાઈની સામે આવીને બેસી જાય છે...
(ક્રમશ)