reality in Gujarati Moral Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | વાસ્તવિકતા

Featured Books
Categories
Share

વાસ્તવિકતા

લેખ:- વાસ્તવિકતા
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



આજે જ્યારે એવું કહેવાય છે કે આજની પેઢી એ ડિજિટલ પેઢી છે. એ વાસ્તવિક દુનિયાથી દૂર અને વર્ચ્યુઅલ દુનિયામાં વધારે જીવે છે. આનું શું કારણ હોઈ શકે? બહુ વિચારવાની જરુર નથી. ધ્યાનથી વિચારો અને નોંધ કરો. બાળક જ્યારે ખાવા બેસે છે ત્યારે એને ઘરનાં સૌ સભ્યો સાથે ખાવા બેસાડવામાં નથી આવતું, એને બદલે પહેલાં એને જમાડી દેવામાં આવે છે. કોઈને પણ એકલાં ખાવાનું ન જ ગમે એ સ્વાભાવિક છે. આથી બાળક ખાવા માટે આનાકાની કરશે. હવે આની મમ્મી શું કરશે? એને ટીવી સામે બેસાડીને કે હાથમાં મોબાઈલ પકડાવીને પછી મોંમાં કોળિયાનાં ડૂચા મારશે. હવે જ્યારે આ બાળકને આટલી નાની ઉંમરથી મોબાઈલ વાપરવાની આદત પાડી દેવામાં આવી હોય એ કેવી રીતે વાસ્તવિક દુનિયામાં જીવે?



જેટલું વાસ્તવિક દુનિયામાં જીવીશું એટલું સારું રહેશે. સતત કાલ્પનિક દુનિયામાં જીવવાથી વાસ્તવિક દુનિયા નકામી લાગવા માંડે છે, જે ખરેખર ખૂબ જ નુકસાનકારક છે. માત્ર વિડીયો જોઈને નક્કી ન થાય કે બહારની દુનિયા ખૂબ સુંદર છે. એ તો જાતે ત્યાં જવું પડે.



આવું જ બાળકોની બાબતમાં પણ થાય છે. આજકાલના માતા પિતા બાળકોને કાચની જેમ સાચવે છે. એને વાસ્તવિક જીવન જીવવા દેતા જ નથી. બાળકને વાગવું ન જોઈએ, એ પડવું ન જોઈએ, એને ધૂળથી દૂર રાખવાનું વગેરે વગેરે. આમ ને આમ જ જો રહેશે તો આ બાળકને વાસ્તવિક દુનિયા કેવી છે એ કેવી રીતે જાણવા મળશે?



બાળક જન્મે ત્યારથી સતત સગવડતાઓ વચ્ચે જ ઉછરે છે. અભાવ કોને કહેવાય એની એને ખબર જ નથી. માન્યું કે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે જે અભાવ વચ્ચે તેઓ મોટા થયાં એ અભાવ પોતાનાં બાળકોને ન થવો જોઈએ. આ માતા પિતા એ કેમ ભૂલી જાય છે કે આ બાળક જેમ જેમ મોટું થશે તેમ તેમ એણે માતા પિતાને છોડીને વાસ્તવિક દુનિયા સામે હામ ભીડવાની છે? શું એની શાળામાં, કે એ જ્યાં નોકરી કરશે ત્યાં કે પછી એ ક્યાં તો નોકરી કરશે ક્યાં તો પોતાની કંપની ખોલશે અથવા તો પોતાનો જ કોઈ ધંધો કરશે, ત્યાં સતત એનાં માતા પિતા જ હાજર રહેવાનાં છે? શું જ્યાં સુધી બાળક જીવે છે ત્યાં સુધી માતા પિતા જીવવાના છે એની આળપંપાળ કરવા? નહીં ને!!!



તો પછી શા માટે બાળકને થોડી પણ મુશ્કેલીનો સામનો નથી કરવા દેવામાં આવતો? ચાલો, એ વાત સમજ્યા કે માતા પિતા પડોશીઓ કે બાળકનાં મિત્રો કે પછી શાળામાં જઈને બાળકને લગતી દાદાગીરી કરી આવશે. પણ જો એમનું આ જ વર્તન બાળકનાં કાર્યસ્થળે જઈને કરશે તો એ બાળકને નોકરીએ કોણ રાખશે? એ પોતે જ માલિક હશે તો એનાં હાથ નીચે કામ કરવા કોણ તૈયાર થશે? સતત બાળકની આળપંપાળ કરનાર માતા પિતાનાં બાળકો ક્યારેય વાસ્તવિક દુનિયા સાથે તાલમેલ સાધી શકતાં નથી.



આવા બાળકો વાસ્તવિક દુનિયામાં આવતાં જ ન કરવાનાં કાર્યો કરશે, કારણ કે એમને ખબર જ નથી કે ક્યારે શું કરવું! એ દુનિયાનાં નિયમો જ્યારે જાણે છે ત્યારે એટલી હદે ગભરાઈ જાય છે કે ક્યારેક તો નાસીપાસ થઈને આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી દે છે. આમાં બાળક જવાબદાર છે જ નહીં. ક્યારેય એને અભાવનો અનુભવ ન થવા દેનાર માતા પિતા જ આને માટે કારણભૂત છે. બાળક તો જીદ્દ કરે, પણ માતા પિતાને ખબર હોવી જોઈએ કે એની કઈ જીદ્દ પૂરી કરાય અને કઈ ન કરાય. બધી જ જીદ્દ પૂરી કરનાર માતા પિતા ભવિષ્યમાં તો પસ્તાવો જ કરે છે.



આજકાલ નાની ઉંમરનાં બાળકોમાં હાર્ટ એટેક આવવાનાં કિસ્સા વધી રહ્યાં છે, શા માટે? એનું પણ સંશોધન થઈ ગયું કે તૈયાર ફૂડ પેકેટમાં વપરાતું પામોલિન તેલ આને માટે જવાબદાર છે. ઘણાં બધાં બાળકો નાસ્તાના તૈયાર પેકેટ લઈને શાળામાં જતાં હોય છે. કારણ શું એનું? તો કહે કે વહેલી સવારે મમ્મી ગરમ ખાવાનું બનાવતી નથી. હવે, આ બાળકોની શારિરીક તંદુરસ્તી કેટલી હોય? બાળકને શાક નથી ભાવતું, વાંધો નહીં મેગી કે પાસ્તા કે પિત્ઝા બનાવી આપીશું. શા માટે? નાનપણથી જ બાળકને ઘરનાં સૌની સાથે મોબાઈલ અને ટીવી બંધ રાખીને જમવા બેસાડીએ તો સૌનું જોઈને એ પણ બધું ખાતાં શીખી જ જશે. દરેક શાકભાજી અને કઠોળ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. એને ખાવું જ જોઈએ.



જો માતા પિતા થોડું પોતાનું વાલીપણું જતું કરે ને તો બાળકને વાસ્તવિક દુનિયા મુશ્કેલ નહીં લાગે. બાળકને લાડ લડાવવાની સાથે સાથે થોડાં કડક વલણો પણ અપનાવવા જરુરી છે. આનાથી કંઈ બાળકની વિરુદ્ધમાં જઈએ છીએ એવું નથી, આમ કરવાથી બાળકને ભવિષ્યમાં વાસ્તવિક દુનિયામાં આવતી મુસીબતોનો સામનો કરવાની સરળતા રહે છે. એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયાં મુસીબતો એટલે એકદમ ગંભીર મુસીબતોની વાત નથી, પ્રગતિ કરવા માટે રસ્તામાં આવતી નાની નાની તકલીફો પણ આવી જાય છે.



આભાર.

સ્નેહલ જાની