Lost fascination in Gujarati Short Stories by Pinki Dalal books and stories PDF | નષ્ટો મોહઃ

Featured Books
Categories
Share

નષ્ટો મોહઃ

વાત તો એકદમ સહજ હતી. સોશિયલ મીડિયા શું આવ્યું બાળપણની ગુમાઈ ગયેલી સખીઓ ફરી જીવંત થઇ ઉઠી. છેલ્લે મળવાનું થયેલું શેફાલીના લગ્નમાં. એ સૌથી છેલ્લે પરણેલી. ત્યાં સુધીમાં અલકા, અમીતા, ઝંખના, તારિણી, રૂબી, મમતા, પૂર્વી સહુ કોઈ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા હતા. શેફાલીના લગ્નમાં સહુએ આવવાનું મન હતું પણ, પણ કોઈને ત્યાં દિયરના લગ્ન હતા કોઈને ત્યાં નણંદ ડિલિવરી માટે આવી હતી એટલે મળવાનો આનંદ અધૂરો રહી ગયો હતો પણ હવે જઈને કોઈ  યોગ બન્યો હતો.

શેફાલી તો લગ્ન કરીને યુએસ ગઈ હતી. સહુ કોઈ લગ્નગાળામાં ક્યારેય મળી પણ જાય પણ શેફાલી ? એ ઇન્ડિયા આવતી જ નહોતી એવો પણ પ્રશ્ન થાય. ફેસબુકમાં સહુને શોધ્યા પછી અમૃતાએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી દીધું . જે રોજ કલબલાટથી ભરાઈ જતું.  એ દિવસો યાદ આવતા જયારે ક્લાસમાં આવો શોર મચાવ્યો હોય ત્યારે મિસ મેકવાન સહુને ઠપકો આપીને ચૂપ કરતા. પણ. આ કલબલાટ ઝાઝો ના ટક્યો. તે વખતે આ બધી મુગ્ધા હતી . હવે એ પ્રગલ્ભ પ્રૌઢાઓ. જેને માથે હતી કુટુંબની જવાબદારી , સ્વાસ્થ્યની સમસ્યા ને બાકી હોય તેમ પોતાના સોશિયલ સર્કલ અને બાકી હોય તેમ ઓટીટી પર આવતું મનોરંજન.

થોડાં દિવસ તો પિયરમાં મિટિંગ કરવા માટે થનગની સહેલીઓનું ધમધમતું રહેલું ગ્રુપ  ઠંડુ પડી ગયું. કોઈને  પૌત્રને રાખવાની જવાબદારી હતી તો કોઈના વયોવૃદ્ધ વડીલ બીમાર હતા. કોઈના તોરીલા પતિદેવે હા ભણવાને બદલે મૌન સેવીને આ ધતિંગને નામંજૂર કરી દીધું,  પણ ત્રણ સહેલીઓની ગપશપ બરકરાર રહી. શેફાલી, પૂર્વી અને મમતા. શેફાલી ન્યુ જર્સીમાં હતી. પૂર્વી મુંબઈમાં અને મમતા સુરતમાં જ પરણેલી હતી. શેફાલીના દિલમાં જામેલો હિમ ક્યારે પીગળી ગયો ખબર જ ન પડી. પિતાના નિધન પ્રસંગે આવ્યાને પણ આઠ વર્ષ થઇ ગયા હતા. એ પહેલા તો જોબ ને પછી બાળકોમાં સમય જ નહોતો મળ્યો. પણ, હવે તો બાળકો પણ ભણીને પોતપોતાની રીતે સેટલ થઇ ગયા હતા.  સખીઓ સાથે રોજ વાતચીત કરીને મન તો પોતાના દેશ જવા આતુર થઇ ગયું.  પૂર્વી તો મુંબઈ હતી છતાં બે ત્રણ વર્ષે એકવાર પિયરનો આંટો કરી આવતી . મમ્મી પપ્પાના નિધન પછી ભાઈભાભી તો બોલાવતા પણ પિયર જવા મન જ નહોતું થતું.

'મમ્મીની તબિયત નરમગરમ ચાલે છે, અક્ષયભાઈએ કાલે રાત્રે જ ફોન પર કહ્યું કે તું આવી જાય તો સારું, કેટલો સમય થઇ ગયો આવ્યાને. અમને લાગે છે કે મમ્મી મઢેથી કહેતા નથી પણ એમનો જીવ તારામાં છે. આ મેસેજ જાણ્યા પછી  મારો આવવાનો વિચાર થાય છે.' શેફાલીએ એક સવારે મેસેજ લખ્યો હતો.

પછી શું ? પ્લાન બની  ગયો. મમતા તો સુરતમાં જ હતી. શેફાલીની અનુકૂળતા પ્રમાણે તારીખ જોઈ પૂર્વીએ પણ સુરત આવવું તેવું નક્કી થઇ ગયું. શેફાલીના મનમાં હતું આ વખતે ભાઈભાભી મમ્મી સહુને સુખદ આશ્ચર્ય આપીને દંગ કરી નાખવા છે.

ત્રણે સખીઓ ભારે ઉત્સાહમાં હતી. બીજા કોને કોને મળી શકાય, પાસેના કોઈ સ્થળ પર  બે ત્રણ દિવસ ફરવા જઈ શકાય તે બધી ગડમથલ ચાલતી રહી.

મમતા ગૃહિણી હતી એટલે એને કોઈ પૂર્વ આયોજન કરવાની જરૂર નહોતી , પૂર્વી  જોબ કરતી હતી એટલે  એને લીવની પ્રોસિજર કરવાની હતી. બાકી રહી શેફાલી એ પણ કામ કરતી હતી પણ એ તો આ વખતે રજા લઈને  આવતી હતી તેથી કોઈ સમસ્યા નહોતી.

જેમ જેમ શેફાલીના આગમનની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ સખીઓનો ઉત્સાહ વધતો ગયો.

શેફાલી  મુંબઈ લેન્ડ થાય પછી બંને સાથે વંદે ભારતમાં સુરત પહોંચે એવો પ્લાન હતો.

વંદે ભારત સવારે 9.36 પર સુરત પ્લેટફોર્મ પર ઉભી રહી ને ત્રણે સખીઓનું ભરત મિલન થયું.

મમતા તો સ્ટેશન પર બંનેને આવકારવા પુષ્પગુચ્છ લઈને આવી હતી.

'અરે આ શું ? આટલો જ સમાન ? તમે લોકો અઠવાડિયું પણ નહિ રહો ?' મમતાએ સામાનમાં એક  હેન્ડબેગ જોઈને પૂછ્યું.

'મમતા, મારે નોકરી છે. કામકાજી મહિલાને આવી લકઝરી ન પોષાય.' પૂર્વીએ કહ્યું.

'....ને તું ? તું તો કેટલા વર્ષે આવી, તે હવે મમ્મી પાસે રહેશે ને .....' મમતાએ શેફાલીની સામે જોઈને પ્રશ્ન કર્યો.

'મારી હેન્ડબેગ નથી. ટ્રોલીબેગ છે, ઇનફ છે દસ દિવસ માટે.

'અરે પહેલા તારા શહેરમાં આવવા તો દે, અહીંથી જ શરુ થઇ ગઈ ?'  પૂર્વીએ મમતાને ટોકી. મમતાનો સ્વભાવ હજી નથી બદલાયો. કોઈ વાતનો તંત જલ્દીથી મૂકે તો એ મમતા નહીં.

ત્રણે સખીઓ મમતાની કારમાં ગોઠવાઈ. સમાન ડિકીમાં રાખી માણસો ગયા.

ઘરે જઈશું, મમતાએ ડ્રાઇવરને આદેશ આપ્યો.

'એ ના મમતા, અત્યારે તો મારે ઘરે જવું પડશે, પછી આરામથી મળીએ ને ....' શેફાલીએ મમતાને મનમાની કરતા રોકી.

મમતા પૂર્વી સામે જોઈ રહી.

'હા મમતા એની વાત સાચી છે. પહેલા તો ઘરે જ જવાનું હોય ને ...'

મમતાએ વધુ જીભાજોડી ન કરતા ડ્રાઈવરને સૂચના આપી તે પ્રમાણે બંનેને ઘરે ઉતારી દીધી.

શેફાલીએ બંગલાના પ્રવેશદ્વાર પાસે રહેલી બેલ વગાડી કોઈ આવે તેની રાહ જોઈ.

થોડીવારે એક યુવાન છોકરી આવતી જણાઈ.

'ઓહ દીદી, તમે ? ' છોકરીના ચહેરા પર સ્મિત આવ્યું.

 

બેગ લઈને એ અંદર દોરી ગઈ.

'મમ્મી, જુઓ કોણ આવ્યું છે ?'મલકાતાં ચહેરે એને હાક મારી.

હોલમાં મોટા સ્ક્રીન પર કોઈ સિરીઝ ચાલી રહી હતી. સામે રહેલા સોફા પર શાલિનીબેન ફળ ખાતાં ખાતાં સિરીઝની  લિજ્જત માણી રહ્યા હતા.

રસક્ષતિ થવાથી એમના કપાળ પર બે રેખા ઉપસી આવી પણ શેફાલીને જોઈને ચહેરો મલકાઈ રહ્યો.

'અરે... તું ? લે કોઈએ મને કહ્યું પણ નહીં કે તું આવવાની છે....આવી કઈ રીતે ? એકલી ? તને ઘર મળ્યું ? ' એક સાથે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી મમ્મીએ.

શેફાલીના અચાનક આગમનથી સહુ કોઈને આશ્ચર્ય થયું. ન કોઈ ખબર ન એક મેસેજ. આમ કંઈ આવી જવાય ? કોઈ ફોન નહીં મેસેજ નહિ.

હર્ષનો ઉભરો જેટલો જલ્દી આવ્યો એવો શમી પણ ગયો.

'પણ શેફાલી, આમ અચાનક ? બધું બરાબર તો છે ને ? '

શેફાલીને હસવું આવી ગયું . સુખદ સરપ્રાઈઝ આપવાનો આનંદ ખરો પણ શાલિનીબેનના અવાજ પરથી લાગતું હતું એમને ચિંતા થઇ રહી  હતી.

'હા બધું સારું છે. અચાનક મનમાં આવ્યું કે લાવો ઇન્ડિયા જઈને તમામને સરપ્રાઇઝ આપું. ' શેફાલી હસીને તેમને પગે લાગી.

'હા, એ સાચું પણ આમ અચાનક આવી ને એટલે મને ધ્રાસ્કો પડ્યો.' સ્મિત વેરતા શાલિનીબેન બોલ્યા ને માથે હાથ પસવાર્યો. શાલિની બેન બોલ્યા તો ખરા પણ શેફાલીને એમના અવાજમાં હોવી જોઈએ તેવી ઉષ્મા  ન વર્તાઈ.

માણસની ઉંમર વધે તેમ યાદશક્તિની જેમ લાગણી ને ઉષ્મા પણ ઘટી જતાં હશે ?

'અક્ષય ને સ્વરા તો લગ્નમાં ગયા છે. હવે તો ગામ બહાર લગ્ન કરવાની ફેશન છે ને .... ' શાલિનીબેન જરા ચીડથી બોલ્યા.

હા, ડેસ્ટિનેશન વેડિંગ ..' શેફાલીએ છોકરીએ  સામે ધરેલો પાણીનો ગ્લાસ હાથમાં લેતાં કહ્યું.

'અઠવાડિયું ચાલવાના છે...પણ તારું અચાનક આવવાનું કેમ થયું.. બધું બરાબર તો છે ને ? '

'અરે હા મમ્મી હા, હવે મોટાભાગની જવાબદારીમાંથી હું મુક્ત છું, બેલા બીજા શહેરમાં છે. આરવ મેડિકલ કરે છે તે હોસ્ટેલમાં છે. ને વિશાલ તો ટ્રાવેલિંગમાં જ હોય છે. તો મને થયું કે હું પણ જરા મનફેર કરી આવું. '

'હા એ બહુ સારું કર્યું ...' શાલિનીબેન બોલ્યા પણ એમનો જીવ ટીવીમાં હતો એ સ્પષ્ટપણે જણાઈ આવતું હતું.

;મમ્મી, તું તારે ટીવી પ્રોગ્રામ જો, હું ફ્રેશ થઇ આવું .... ' થોડીવાર બિનજરૂરી ચર્ચા પછી શેફાલી બોલી.

'હા, તો જમવામાં શું બનાવે ? આ નીરુને બેઝિક બધું આવડે છે એટલે.....શાલિનીબેન સ્વાભાવિક રીતે બોલ્યા હતા પણ ખબર નહીં કેમ શેફાલીને બધું ઉષ્માવિહીન  લાગ્યું.

શેફાલીના લગ્ન થયા ત્યારે પણ ઘર ખાતુપીતું હતું પણ અક્ષયભાઈએ તો બિઝનેસ  ખૂબ વિકસાવી જાણ્યો હતો. શહેરના મકાનમાંથી હવે સિટીની બહાર પોશ બંગલો ને વળી ત્યાં ઉભેલી બે ત્રણ ઈમ્પોર્ટેડ કાર વૈભવની સાક્ષી હતી. મમ્મીના સ્વાસ્થ્ય ને સૌષ્ઠવ પરથી ખ્યાલ આવતો હતો કે એમનું પણ ધ્યાન સારું રખાતું  હોવું જોઈએ.

બીજા કોઈના ઘરમાં આવી ગઈ હોવાનો અહેસાસ તીવ્ર થતો રહ્યો શેફાલીને . આ ઘર પોતાનું નહોતું, ને મમ્મી પણ...

શેફાલીએ પૂર્વીને ફોન કર્યો.

પૂર્વી  પોતાના કુટુંબ સાથે વાતચીતમાં પરોવાયેલી હતી. એ સમયાન્તરે આવતી જતી રહેતી તેથી એના પિયરિયાં  માટે કોઈ આશ્ચર્યની વાત નહોતી. મોબાઈલ  ફોનની સ્ક્રીન  પર શેફાલીનું નામ જોઈને પૂર્વીને આશ્ચર્ય થયું, કુટુંબીજનો સાથે વ્યસ્ત થઇ જશે તેથી બે ચાર દિવસ તો ફ્રી નહિ જ થાય તેવી અપેક્ષા હતી તેના બદલે કલાકમાં જ ફોન.

પૂર્વી, બપોરે ફ્રી હોઈશ ?

'કેમ શું થયું ? પૂર્વીને અચરજ થયું,

ના, કશું ખાસ નહીં, ભાઈ ભાભી લગ્નમાં ગયા છે ને મમ્મી તો જમ્યા પછી બે કલાક આરામમાં હશે, તો મને થયું કે લેટ્સ મીટ. બિચારી મમતા આટલું કહેતી હતી.

પૂર્વી વિચારમાં પડી. એવું તો શું થયું કે શેફાલી અચાનક મળવાની વાત કરે છે ?

પલકવારમાં ત્રણેય સખીઓએ મળવાનો પ્લાન બનાવી નાખ્યો.

કોન્કોલ પર મમતા બોલી પણ ખરી કે મારા ઘરે જ મળીએ ને.

પણ હા ના કરતા છેલ્લે નક્કી થયું સ્ટારબક્સમાં મળવાનું .

શેફાલી તો સહુ પહેલા પહોંચી ગઈ હતી. પછી આવી પૂર્વી ને છેલ્લે આવી મમતા.

'તમને બંનેને મારા ઘરે આવતા તાવ ચઢતો હતો તે અહીં ગરમીમાં બોલાવી ?' મમતાના ચહેરા પર ઉકળાટ હતો.

'હા, સુરતમાં આટલી ગરમી ક્યારેય નહોતો પડતી ને ...' પૂર્વીએ ટાપશી પૂરી.

'ગ્લોબલ વોર્મિંગ ...' શેફાલી ત્રસ્ત થઈને બોલી. જાણે ક્લાઈમેટ ચેન્જના મુદ્દે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ભરાઈ હોય.

થોડી આડી વાત કરીને ત્રણે સખીઓ પોતાની કોફી લઈને બેઠી.

વાત શું છે ? તમે લોકોએ મને એમ જ તો અહીં નથી દોડાવી .... મમતાએ એની ચિલ્ડ આઈસ કોફીની ચુસ્કી લીધી.

'અહીં આવ્યા ત્યાં સુધી વાતમાં હિંગનો વઘાર નહોતો પણ હવે .....' પૂર્વી વાત અધૂરી રાખી શેફાલી સામે જોવા માંડી.

'શું વાત છે ? બોલી નાખો હવે...'

'વાત કોઈ ખાસ નથી પણ હું આટલા વર્ષે આવી તે મને સુરત શહેર તો શું  ઘર ને મમ્મી પણ પોતીકી નથી લગતી. ' શેફાલી જરા હોઠ વંકાવીને બોલી.

મમતા જોરથી હસી પડી. એટલે તમે બધા છોડીને જાવ તો તમારી યાદમાં અમારે એ જ હાલતમાં રહેવાનું ? જયારે તારા લગ્ન થયા ત્યારે સુરતની વસ્તી હશે બાર કે પંદર લાખ આજે સિટર લાખ તો હોવી જોઈએ. જો કે મારે છાપાં સાથે આડવેર છે એટલે બહુ ખબર નથી. પણ, આ  વાતમાં પૂર્વી તું સૂચક રીતે શું જોતી હતી ? મમતાએ પૂર્વીની સામે જોઈને પૂછ્યું.

અત્યાર સુધી ચૂપ રહેલી પૂર્વીએ અનુસંધાન કાઢ્યું.

'મમતા તને યાદ છે આપણી સાથે કોલેજમાં હતો તે સંજુ?  . પૂર્વી બોલીને ચૂપ થઇ ગઈ.

'હા, વળી એને કેમ ભૂલું ? સંજીવ પેલો હીરો..., હા વળી યાદ જ હોય ને. હીરો નંબર વન. ' મમતા આગળ કઈ બોલવા જતી હતી પણ ચૂપ રહી. : તે એની વાત ચાલતી હતી ? કેમ ? મમતાએ એક નજર શેફાલી પર નાખી.

'એટલે જૂની યાદો સાથે એ વાત પણ તાજી થઇ. શું કરતો હશે એ ? તને કોઈ વાર મળી જાય ખરો ? ' શેફાલીએ સીધું જ પૂછી લીધું.

હા, સુરતમાં ને સુરતમાં જ રહેવાનું હોય તો સામસામે તો થઇ જ જવાય.... કેમ પૂછવું  પડ્યું ? મળવાનો વિચાર છે ?

બંને સખીઓને હતું કે શેફાલી હમણાં કહેશે ના ના આ તો અમસ્તું જ પૂછી લીધું . પણ એવું ન થયું.

'હા, મને એકવાર તો મળવું છે જો મળી શકાય તો....' શેફાલી ગંભીર ચહેરો રાખીને બોલી.

મમતા અને પૂર્વી બંને એનો ચહેરો તાકી રહી : પણ કેમ ?

શેફાલીના ચહેરા પર એક અજબ દ્રઢતા જોઈને એ વિશે વધુ વાત કરવાનું મુનાસિબ ન સમજ્યું.

બે કલાકે શેફાલી ઘરે આવી ત્યારે સાંજ નમવા આવી હતી.

'તને ક્યારેય એમ ન થાય કે આટલા વર્ષે આવી ચુ તો મા પાસે બેસું, બસ દોડી ગઈ બહેનપણીઓને મળવા. ' મમ્મીની નારાજી  અસ્થાને નહોતી.

એ પછી બે દિવસ શેફાલી મમ્મી સાથે વિતાવ્યા. અક્ષયભાઈ કહેતા હતા એવી કોઈ બીમારી તો લાગી નહીં પણ અક્ષયભાઈ  આમ પણ શેફાલીથી મોટા અને વળી મમ્મીને  સારી રીતે જાળવતા , એટલે એને ફિકર થતી હોય એમ બને. મા  સાથે કવોલિટી ટાઈમ વિતાવ્યા પછી શેફાલી ગેસ્ટ રૂમની બાલ્કનીમાં રાખેલા હિંચકે ઝૂલી રહી હતી.

એવી જ એક રાત્રે એ હિંચકે ઝૂલી રહી હતી. નીરુએ કામ પતાવવા રેડીઓ ઓન કર્યો હતો.ચાલી રહ્યા હતા એ ગીતો જે ક્યારેક યુવાન હૃદયની ધડકન હતા.

નજર સામે જાણે કોઈ ફિલ્મ તાદશ થઇ રહી હતી.

શેફાલીને યાદ આવી ગયો એ સમય.  હવા મહેલ, છાયા ગીત, પથ્થર બોલ ઉઠે..... રેડીઓ જેના વિના ન સવાર પડતી ન રાત થતી એને તો એ સાવ વિસરી જ ચૂકી હતી.

નાનકડું ઘર ને પપ્પાની હતી એક નાનકડી દુકાન ને મમ્મી ગૃહિણી.કિલ્લોલ કરતું  મધ્યમવર્ગીય કુટુંબ. કુટુંબ નાનું હતું પણ પપ્પાની શાખ લાખેણી હતી. ને મમ્મી તો મહિલાવૃંદની લીડર .

કેવી સાધારણ જિંદગી ... અને તેનો કોઈ રંજ જ નહિ, વળી કોઈ અપેક્ષા પણ નહીં.

એવામાં કોલેજના પ્રથમ દિવસે જ જોયેલો સંજીવને.

પાંચ ફૂટ અગિયાર ઇંચ જેટલી હાઈટ તો ભાગ્યે જ કોઈની હતી. ને પાછો ગોરો , હેન્ડસમ હીરો જેવો. કપડાં તો અદ્દલ રિશી કપૂર જેવા પહેરતો. કોલેજની છોકરીઓ એમ જ પાગલ નહોતી થતી.

સંજીવ, હતો તો પોતાનો કલાસમેટ પણ કોઈ દિવસે સંવાદ તો ઠીક પણ સામસામે થવાનો પણ મોકો નહોતો ઉભો થયો. એના ગ્રૂપમાં એટલા છોકરા છોકરી હતા કે નવાને  એન્ટ્રી મળવાનો પ્રશ્ન  જ ઉભો ન થાય.

પણ, એવો મોકો આવ્યો. એક વાર કોલેજમાં સંગીત સંધ્યાનું આયોજન હતું. કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગાઈને ફંડ ફાળો ઉઘરાવી એ રકમ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ  તરીકે આપવાના હતા. શેફાલી કોઈ મોટા દરજ્જાની ગાયિકા તો ન કહી શકાય પણ અન્ય બેસૂરી છોકરીઓની સરખામણીમાં ઠીક ઠીક કહી શકાય એવું ગાઈ  શકતી હતી. વળી, સુગમ સંગીતના વર્ગ પણ કરેલા એટલે મળી ગયું પ્લેટફોર્મ.

શેફાલી હિંચકે બેઠી બેઠી પહોંચી ગઈ હતી તેના અતીતની સફરે.

એ દિવસ, જેના તારીખ,વાર જ નહીં પોતે શું કપડાં પહેર્યા હતા એ પણ યાદ હતું શેફાલીને.  પ્રોફેસર નીલાબેને  કહેલું એ ગીત કેટલી વાર રિયાઝ કર્યું હતું. જા તો સે નહીં બોલું કન્હૈયા ..

ને એ દિવસ આવી . તાળીના ગડગડાટ વચ્ચે માનવું પડ્યું કે શેફાલી સારી ગાયિકા છે. બીજે દિવસે કોલેજમાં જે કોઈ સામે મળતું અભિનંદન આપતું રહ્યું હતું. બપોરે  કેન્ટીનમાં જ્યારે પૂર્વી ને મમતા બેઠા હતા ત્યારે સંજીવ અભિનંદન આપવા આવ્યો હતો.  અચાનક જ લાગ્યું કે હૃદય બે ધબકારા ચુકી ગયું હતું.

'કોંગ્રેટ્સ, બહુ સરસ ગાઓ છો. મને ખબર નહોતી કે આપણી કોલેજમાં પણ કોઈ કોયલ છે.' પોતાની જ વાહિયાત શુભેચ્છા પર હસ્યો હતો.

એટલું કહીને એને તો ચાલતી પકડી હતી પણ પોતાની તપીને લાલઘૂમ થયેલા કાનની બૂટ પર મમતાએ સ્પર્શ કરીને હળવેકથી કાનમાં ફૂંક મારતી હોય તેમ કહ્યું : એક નંબરનો ફ્લર્ટ છે. જો જે એની વાતમાં ન આવી જતી.

ત્યારે મમતા પર તો એવો કાળ ચઢ્યો હતો. બટકી ને શ્યામલી મમતા મોઢે રોકડેબાજ  હતી. વળી આવતી હતી ધનાઢ્ય કુટુંબમાંથી. કાણાને કાણો કહેવામાં ઘડી ન લાગે.

ત્યારે થયેલું મમતાને જલન થઇ આવી છે સંજીવ બોલવા આવ્યો તેની. પછી તો ક્યાંથી પોતાનો ફોન નંબર સંજીવે મેળવી લીધેલો . મમ્મી કેટલા વાગે મંદિર જાય તેની ખબર એને કઈ રીતે કાઢી હશે એ પણ ક્યારેય કહ્યું નહોતું.

પહેલા ફોન પર વાતચીત પછી, કોલેજ પછી કેફેમાં ચોરી ચુપકે થતી મુલાકાતો. આ બધું છાનું રહેવાનું તો હતું જ નહીં . પહેલા ગુસપુસ થતી રહી. એક દિવસે આ જ બધી સહેલી દૂર થતી ગઈ.

'શેફાલી, આંખો ખોલ. એ તારી જોડે જ નથી. એ તો આર્ટસ કોલેજમાં છે ને ફાલ્ગુની, તેની સાથે પણ ફરે છે. ને એક વાત કહું ? એ લોકોની ન્યાતમાં સગાઇ તો નાનપણમાં જ નક્કી થઇ જાય છે. મમતા સમજાવતા બોલી હતી.

' મેં તો સાંભળ્યું છે કે એની સગાઈ તો થઇ ગઈ છે...એ લોકોમાં વાંકડો બહુ આપવો પડે એટલે સામેની પાર્ટી કોણ છે ખબર નથી પણ માલદાર છે. ' પૂર્વી નીચા અવાજે બોલી હતી.

'હા, તમને આવીને બાબરો ભૂત કહી ગયો હશે કેમ ? ' શેફાલીને પોતાની બંને સખીઓ પર એટલો ગુસ્સો આવ્યો હતો કે એને વાત કરવાની જ ઓછી કરી દીધી હતી.

કોલેજનું છેલ્લું વર્ષ હતું. મમતાની સગાઈ એમની ન્યાતિના  મોભાદાર ઘરના નબીરા સાથે થઇ ગઈ. સગાઈને મહિનો પણ નહોતો થયો લગ્ન માટે દબાણ આવ્યું. મમતાનું છેલ્લું વર્ષ છે. પરીક્ષા પૂરી થાય એટલી જ રાહ હતી .  લગ્ન લેવાયા.  પૂર્વીની સગાઈ મુંબઈમાં વસતાં સીએની તૈયારી કરનાર અજય સાથે થઇ ગઈ હતી. પૂર્વી મુંબઈમાં મામાના ઘરે રહીને આગળ ભણવાની હતી. લગ્ન તો છ મહિનામાં હતા. લગ્ન પછી પણ આગળ ભણવાની છૂટ સાસરામાં હતી તેવા આધુનિક સાસરિયા મળવાથી પૂર્વી ખુશખુશાલ હતી. બાકી રહી શેફાલી. સંજીવ વાયદા તો કરતો પણ આગળ કશું થતું નહીં. એમાં પણ સખીઓના સંસાર મંડાઈ જવાથી શેફાલીને  રહી રહીને અસલામતી સતાવી રહી હતી.

'આપણાં વડીલોએ મળવું જ પડશે, નહીંતર ....' શેફાલીએ રોષમાં  કહ્યું હતું.

'નહીંતર શું ?'  સંજીવે બેપરવાહ અંદાજમાં પૂછ્યું હતું.

શેફાલી ઉપરથી નીચે સમસમી ગયેલી. સંજીવ ક્યારેક બહુ પ્રેમાળ લાગતો એ જ સંજીવ ક્યારેક ફરેબી પણ લાગતો.

બહુ લાંબા સમય સુધી આ પરિસ્થિતિ ન રહી. એક દિવસ સંજીવના પિતા જ મળવા આવ્યા. શેફાલીના મમ્મીપપ્પાને ત્યારે ખબર પડી કે દીકરી કોલેજમાં શું કરે છે.

સંજીવના પિતાજી નખશીખ સજ્જન વ્યક્તિ લગતા હતા.

'જુઓ ભાઈ, તમારી દીકરી મારા મન દીકરી સમાન જ છે. પણ, હું તમને ચેતવવા આવ્યો છું. મારો દીકરો જેની સાથે લગ્ન કરવા માંગે છે એ તદ્દન ખોટો સિક્કો  છે. હા, બાપ થઈને મારે આ કહેવું પડે છે તેનું દુઃખ છે પણ તમે તમારી દીકરીને ખસેડી લો. અન્યથા દુઃખી થઇ જશે . પછી કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહીં. '

સંજીવના પિતા સામે મુકેલો ચાનો કપ અડ્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતા.

પિતાએ તો માત્ર આટલી જ વાત કરી હતી. પણ. મમ્મીના કહેવા પ્રમાણે તો સંજીવના પિતા પોતે દીકરાની ઘણી કરતૂત બોલી ગયા હતા.

એ સાથે શરુ થઇ હતી શોધ મુરતિયાની.

અમદાવાદ, મુંબઈ, પુણે કશું બાકી ન રહ્યું એટલે લંડન અમેરિકાના મુરતિયા  પણ જોવાનું શરુ થયું. ને મળ્યા વિશાલ. કુટુંબ અતિ સાધારણ પણ છોકરો તેજસ્વી હતો, પોતાને બળે સકોલરશીપ મેળવીને ભણવા ગયો હતો. ત્યાં હવે  સેટલ તો થયો હતો પણ સંઘર્ષ ચાલુ હતો.

શેફાલી ને વિશાલ મળ્યા . પહેલી જ નજરમાં શેફાલીને રડવું આવી ગયું. ક્યાં સંજીવ ને ક્યાં વિશાલ. ઊંચા ગોરા સંજીવની સામે વિશાલ તો બટકો ને વળી રંગે ભીનેવાન. સંજીવ તો કેવો હસમુખ ને જોશીલો, વિશાલ ખપ પૂરતું બોલતો, ગંભીર પ્રકૃત્તિનો લાગ્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે વિશાલ પુસ્તકિયો કીડો છે . શેફાલી ને વિશાલ બંને ઉત્તર દક્ષિણ ધ્રુવના રહેવાસી પણ, જ્યોતિષે કુંડળી માંડી તો પૂરાં છત્રીસ  ગુણ મળે.

બસ, મમ્મીપપ્પાની ચિંતા ઉતરી ગઈ. ઘડિયાં સગાઇ ને લગ્ન. વિશાલ પાસે એટલી રજા નહોતી કે મહિનો હનીમૂનનો કાઢી શકે. એટલે માત્ર પચીસ દિવસમાં દૂર દેશમાં પલાયન થઇ જવું પડ્યું.

ચર્રર્રર્રર્રર્રર્રર્રર્રર........ ધડામ..... એક જોરદાર અવાજ થયો મેં જંપેલા કાગડાં કાકરાટ ઉઠ્યો. સામેના રસ્તા પર રહેલા બીઆરટીએસના ટ્રેક પર કોઈ પ્રાઇવેટ વાહન ઘુસી ગયું હતું ને અકસ્માત થયો હતો. શેફાલીના મનમાં ગુંજી રહેલા અતીતરાગને કોઈએ સ્ટોપ કરી દીધો.

શેફાલીએ અંદર જઈ બેડ પર પડતું મૂક્યું. મનમાં એક નિશ્ચય સાથે.

'અરે પાગલ છે કે ? હવે શું કામ તારે એને મળવું જોઈએ ? ' પૂર્વીનના અવાજમાં નારાજગી હતી.

'ના, મારે એને મળવું જ રહ્યું. કારણકે એને તો ખબર પણ નથી કે હું એક દિવસ કહ્યા કરાવ્યા વિના ક્યાં જતી રહી, કેમ જતી રહી....હું એની ગુનેગાર તો ખરીને ...'

મમતા તો કશું બોલી નહીં. એની આંખોમાં રહેલો ઉપહાસ શેફાલીને સમજતો નહોતો.

'તું ગુનેગાર ? એમ ? 'મમતાએ ગળું ખોંખાર્યું . : તને શું ખબર કે એને જ એના પિતાને તારે ત્યાં મોકલેલા ? એને ક્યારેય લગ્ન કરવા જ નહોતા, ને મેડમ તમારી સાથે જ નહીં તે સમયે પણ એ બીજી બે જોડે ફરી રહ્યો હતો. ' મમતાને સંજીવ ક્યારેય ગમ્યો જ નહોતો એ શેફાલીને ખબર હતી.

'હા, પણ મારે એકવાર મળવું હોય તો ? ' શેફાલીનો સ્વર ઊંચો થયો. મને પરણાવી દીધી, વિશાલ શું મારા સમકક્ષ હતો ? દેખાવમાં, પૈસેટકે ? તમને લોકોને ખબર છે કે મેં ત્યાં જઈને કેવા વૈતરાં કર્યા છે ?

વર્ષો પૂર્વેની ભાવુક, વાતે વાતે રડી પડતી શેફાલી એ ત્રીસ વર્ષ પૂર્વેની રાંક મુગ્ધા નહોતી. સમય અને સંજોગોએ ઘડેલી, દુનિયા જોઈને ભાવુક્તાથી મુક્ત સ્વતંત્ર મિજાજ ધરાવતી મહિલા હતી.

હા, પણ એનું શું છે હવે ?' પૂર્વી જરા ઉચાટથી બોલી. મમતા તો આખી વાત ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. ન એના ચહેરા પરના હાવભાવ બદલાયા ન નજરમાં કોઈ અચરજ વર્તાયું. એ ફક્ત હળવે સ્વરે બોલી, તું એને મળવાનું મન બનાવીને આવી છે ને ?

 

મમતા આખી વાત પામી ગઈ ને તે પણ આટલી ત્વરાથી એ વાતનો ખ્યાલ આવતા શેફાલીને થોડો ખંચકાટ તો થયો.

'જુઓ, તમે લોકો સમજો, હવે આપણે સહુ સમજદાર છીએ, એવું કશું તો કરવાના નથી કે જિંદગીમાં કોમ્પ્લીકેશન ઉભા થાય. હું એક વાર મળવાથી  શું આભ તૂટી પડવાનું હતું ?

પૂર્વી ને મમતા એકબીજા સામે જોઈ રહ્યા. થોડીવાર સુધી કોઈ કંઈ ન બોલ્યું.

શેફાલીની વાત ખોટી નથી એવું બેઉ સહેલીને લાગ્યું પણ વિના કોઈ કારણ શાંત જળમાં કાંકરી ચાળો કરીને વલય ઉભા કરવા એ પણ એક પ્રકારની મુર્ખામી તો હતી.

પૂર્વીના ચહેરા પર અણગમો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મમતાએ શાંત ચિત્તે કહ્યું, હા, એમાં શું ભલે ને મળતી. મળવામાં શું જાય છે ?

મમતા, તું  જાણે છે ને કે એની ઓફિસ કે ઘર ક્યાં છે ? શેફાલીએ સાથ મળતો જોઈને પૂછી લીધું.

'હાસ્તો જાણું ને  શેફાલી, મારા ઘરથી થોડે દૂર જ એની શોપ છે. પહેલા સિટીમાં એના ફાધર ચલાવતા હતા તે જ, હવે એને થોડું વધારીને સુપર સ્ટોર કર્યો છે એટલે એ ત્યાં હોય  છે. ને બાકી ઘરે જવાની વાત રહેવા જ દેજે. બધા લોકો આટલા ફોરવર્ડ માઇન્ડેડ નથી હોતા. શક્ય છે એને એની પત્નીને કોઈ વાત ન કરી હોય ને આપણે તેને ઘરે પહોંચી જઈએ ... કોઈ માથાભારે કર્કશા મળી હશે તો તું તો અઠવાડિયામાં જતી રહીશ પણ એ બિચારાની હાલત બગડી જશે.

મમતાની વાત ખોટી પણ ન હતી. એ વાત વિચારીને શેફાલી  સહમત થઇ.

છેલ્લે નિર્ણય થયો કે આગળથી કોઈ જાતની સૂચના સંજીવને આપ્યા વિના તે શોપ પર પહોંચી જવું. જોઈએ તો ખરા એ પણ કેવી રીતે પ્રતિભાવ આપે છે ?

કોફી શોપ માંથી નીકળીને સખીઓ પાસે આવેલા મોલમાં ગઈ. શેફાલીએ લુઇ ફીલીપનું શર્ટ લીધું, સાથે પાર્કર પેન સેટ. પાવડર બ્લુ એનો ફેવરિટ કલર હતો ને.

બંને સખીઓ ચૂપચાપ ખેલ નિહાળી રહી.

શોપિંગ  ગિફ્ટ પેક કરાવી સહુ સૌને ઘરે ગયા.

શેફાલી ઘરે પહોંચી ત્યારે શાલિનીબેન રાહ જોઈ રહ્યા હતા.: આટલા વર્ષે આવી તો ય એમ નથી થતું કે મા પાસે બે ઘડી બેસીએ. હજી પણ બહેનપણીઓમાંથી વાજ નથી આવતી. ચલ, થાળી પીરસવું ? કે ખાઈને આવી છે ?

શેફાલી સામે  દલીલ કર્યા  વિના પોતાના રૂમમાં પહોંચી ને ગિફ્ટ પેક  લગેજમાં છુપાવી  ચુપચાપ ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગઈ. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું જાણે કોઈ ચોરી કરી હોય.

રાત તો એ જ અવઢવમાં પસાર થઇ કે સંજીવને મળવું કે ન મળવું ? દિલ કહેતું કે મળવામાં કોઈ ચોરી છે ? તો પછી આટલો બધો વિચાર, ખચકાટ ને ગિલ્ટ કેમ? દિમાગ સામો પ્રશ્ન કરતું . મળીને શું ફાયદો ?

સવારમાં રોજ કરતાં થોડી વધુ ચીવટથી તૈયાર થઇ. : મમ્મી, હું પૂર્વી ને મમતા સાથે લંચ પર જાઉં છું. જમવામાં મારી રાહ ન જોશો.

મોટી હેન્ડબેગમાં ગિફ્ટપેક મૂકીને શેફાલી મમતાને ત્યાં ગઈ. પૂર્વી પણ ત્યાં મળવાની હતી.

સંજીવની શોપ મારા ઘરેથી વોકિંગ ડિસ્ટન્સ પર છે . ચાલી નાખીએ ?

મમતાની વાત સાચી હતી .માંડ પાંચસો  ડગલાં ચાલ્યા ત્યાં દેખાયો સૂર્યોદય સુપર સ્ટોર. મમતાએ આંખથી ઈશારો કર્યો .

'આ જ '? શેફાલી વિસ્મયથી જોતી રહી.

'હા, આ જ, જા મળી આવ. અમે અહીં જ ઉભા છીએ .' પૂર્વી બોલી.  શેફાલી થોડી ખચકાઈ . હવે અચાનક જ પોતાને આ આખી વાત બાલિશ અને અર્થહીન લાગી રહી હતી.

'હા, પણ અંદર જઈને  પૂછું  ને કે સંજીવ ક્યાં હશે ? '

શેફાલીના આ પ્રશ્ન સાથે મમતા જોરથી હસી પડી. ; આ સામે જે દેખાય છે એ જ તો છે સંજીવ.

શેફાલી ફાટી આંખે જોઈ  રહી.

દુકાનના કાઉન્ટર પર એક અદોદરી કહી શકાય તેવી  સ્થૂળ પ્રૌઢ વ્યક્તિ સવારનું છાપું વાંચતી  બેઠી હતી.. ઓવર સાઈઝ કહી શકાય એવું શર્ટ, જેનો રંગ બ્લુ હતો કે ગ્રે દેખાતું નહોતું. હવે કદાચ ડાય કરવાનું છોડી દીધું હશે એવું દર્શાવતા અડધા સફેદ,પીળા પડેલા ટૂંકા વાળ, બે દિવસથી શેવ ન કર્યું હોય તેવી થોડી વધી ગયેલી દાઢી. રીમલેસ ચશ્મા ને ગળામાં ડોકાતી માળા . વચ્ચે વચ્ચે અખબારમાંથી માથું ઊંચું કરીને મોટા કર્કશ અવાજે માણસોને સૂચના આપી રહ્યો હતો.

આ .. આ ... સંજીવ ? શેફાલી માંડ ઉચ્ચારી શકી .

બોલવાનું પૂરું કર્યા વિના જ એને તો અબાઉટ ટર્ન કરીને ચાલતી પકડી. એની પાછળ પાછળ મમતા ને પૂર્વી .

'અરે, કેમ મળવું નથી ? બંને સખીઓને તો રમત  મળી.

મમતાનું ઘર આવી ગયું પણ બંનેનું હસવાનું પૂરું ન થયું. શેફાલી છોભીલા પડ્યા પછી હસવામાં સાથ પુરાવવા લાગી.

'કેમ શેફાલી, તારે કહેવું નથી કે તું આજે પણ કેટલું એને મિસ કરે છે ? જે થયું તે એક સંજોગ હતો? ' મમતા ભારે ટીખળીખોર તો હતી જ.

'પણ સાચે હું માની નથી શકતી કે આ એ જ  સંજીવ છે જે આપણી સાથે ભણતો હતો. આના કરતાં તો મેં એને જોયો ન હોત એ બહેતર રહેતે . મારી કલ્પનામાં તો એ સંજીવ હતો જે ....' શેફાલી આગળ ન બોલી.

'એ જ વાત છે શેફાલી, સારું થયું કે તે આજે વાસ્તવિકતાનો સામનો કર્યો. વિના કોઈ કારણ તે વિશાલને વર્ષો સુધી અન્યાય કર્યો હોય તેમ નથી લાગતું ? પૂર્વી બોલી.

સહુ ચૂપ હતા. ધીમા પગલે ચાલી રહ્યા હતા મમતાના ઘરની દિશામાં .

મંદ ડગલાં ભરતી શેફાલીના મનમાં યાદો ઉભરાઈ આવી.  લગ્નના શરૂઆતી  દિવસોમાં કેવી સરખામણી કરતું રહેતું. વિશાલની ઓછી હાઈટ અને શ્યામલ વર્ણ કેવો સંતાપ કરાવતા. બાકી હોય તેમ તેનું આખો દિવસ પુસ્તકોમાં ખોવાયેલા રહેવું. ને એના જાડાં કાચના ચશ્મા . અચાનક જ શેફાલીના મનમાં વિશાલની છબી ઉપસી આવી . વાળ તો એના પણ શ્વેત થવા લાગ્યા હતા, ને ચશ્મા પણ હતા જ પણ એમાં ભળી હતી એક સજ્જતા. રોજ સવારે બિઝનેસ સૂટમાં, જેલથી સેટ કરેલા વાળ, ચશ્મા, હાથમાં બ્રીફ સાથે કારમાં બેસીને બાય કહેવાનું કદી ન ભૂલતો વિશાલ. કેટલો  સ્માર્ટ,કેટલો સોફેસ્ટિકેટેડ મેનર્સવાળો.

શેફાલીના ચહેરા પર એક સ્મિત આવ્યું. સખીઓને ન સમજાયું કે શેફાલીના મનમાં શું ચાલી રહ્યું હતું.

મમતાના ઘરે પહોંચ્યા પછી ત્રણે સખીઓની  ખાણીપીણી સાથે  ગપ્પાંગોષ્ટિની રમઝટ ચાલી રહી હતી.

'ચાલો સારું થયું કે આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ ગયું. 'પૂર્વી બોલી.

'હા, મને તો પરિણામની ખબર હતી એટલે જ તો મેં દુકાન પર આમ અચાનક  લઇ જવાનો પ્લાન ગોઠવ્યો.  મમતાની બાલિશ મજાકથી ફરી એકવાર હાસ્યનું મોજું ફરી વળ્યું.

'પણ હવે આ પ્રકાર પેનસેટ ને શર્ટનું શું કરવાનું ?, શેફાલી તું એને ભેટ કરતે તો પણ બચારાને થતે જ નહીં.  ' પૂર્વી બોલી.

'એ હવે વિશાલને નામે. એક ભેટ એક પત્ની તરફથી મોહભંગ થવા માટે '.... ખડખડાટ હસતાં શેફાલી બોલી.

વર્ષો પૂર્વે સંજીવને મળ્યા પહેલાની શેફાલી ફરી જીવિત થઇ રહી હતી.

 

વર્ષો પૂર્વે વાંચેલી એક હિન્દી વાર્તા પરથી રૂપાંતરિત