અમદાવાદ...
મહાનગરોમાનુ એક શહેર , કીડીઓની ની જેમ ઉભરાતા માણસો .અને તેનાથી પણ બમણી સંખ્યામાં ઉભરાતી હોય તેમ લાગતી રીક્ષાઓ .સવારના પાંચ થી માડીને રાતના એક સુધી વાહનોની ઘરેરાટીમા મળી જતો માનવ- મહેરામણનો કોલાહલ .જેટલી વધુ ફિલ્મો જુઓ એટલી દેશે વધુ પ્રગતિ કરી છે એવું સૂત્ર અમદાવાદીઓએ જાણે કે પોતાના જીવનમાં ઉતારી દીધું હતું. કાકરીયા તળાવ કે બાલ વાટિકા ,પ્રાણીસંગ્રહાલય કે ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો કરતા વિશેષ ગીરદી આ સમયે સિનેમા ગ્રહોની આગળ રહેતી હતી .ને ફિલ્મ ની ટિકિટ ન મળી હોય તેવા ફિલ્મ રસિકોની માઞને સંતોષવા,' કાળા બજારિયા' નામની એક બિન કાયદેસર સંસ્થા પણ ઉદભવી હતી જેના સહારે કેટલાક 'બેકારો 'ટિકિટના બે કે- ત્રણ ગણા નાણા કમાઈ પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા .
જી .એચ. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ.
શહેરની મધ્યમાં આવેલી એક નામાંકિત શૈક્ષણિક સંસ્થા. જેનું શિક્ષણ ખૂબ જ વખણાતું હતું તેમાં એડમિશન મેળવવું તેને કોલેજીયનો પોતાનું ભાગ્ય સમજતા હતા. નીતા શાહ, જી.એચ .કોલેજની એક વિદ્યાર્થીની .કોલેજના જેટલી જ છે પણ પ્રખ્યાત હતી. કોલેજની દરેક પ્રવૃત્તિમાં તેનો નંબર પહેલો રહેતો .ફૂટબોલના મેદાનમાં તે બહુ આક્રમક રહેતી, તો મેદાન બહાર બહુ જ રોમેન્ટિક હતી. કોલેજનું કોઈ પણ ફંકશન હોય, મનોરંજન કાર્યક્રમ હોય કે પ્રવાસ હોય, નીતા ની હાજરી વગરનો કોઈ પણ કાર્યક્રમ કોલેજમાં ફિક્કો જ લાગતો .અને લાગે જ ને, કારણ કે કોલેજના જી.એસ.થી માંડી ને આમ વિદ્યાર્થી સુધીના દરેક ના મનમાં, નીતા પોતાના તરફ કુણી લાગણી રાખે, પરિચય રાખે, સ્માઈલ આપે ,હશે -બોલે કે પોતાનાથી વાતો કરે એવી આંતરિક ઈચ્છા મનમાં રહેતી .
અમદાવાદ આવ્યા ને હીરાને દસ દિવસ થઈ ગયા હતા. સદભાગ્યે તેને જી.એચ .કોલેજમાં એડમિશન પણ મળી ગયું હતું .અને સારી હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ મળી ગઈ હતી. હીરાએ ઘેર કાગળ પણ લખ્યો હતો . ને સુરેશ અને રવજી નો વળતો કાગળ પણ આવ્યો હતો. પરંતુ તેમાં રતન ના કંઇ સમાચાર તેમણે લખ્યા ન હતા. તેથી હીરો હંમેશા બેચેન રહેતો હતો .
પોતે આ અગાઉ અભ્યાસ કર્યો હતો તે સંસ્થા નું સાન્ત વાતાવરણ તો ઋષિમુનિઓના આશ્રમની યાદ અપાવતું હતું . જ્યારે અહીં નું વાતાવરણ તો ખૂબજ ધમાલિયુ હતું તેમાં પણ હીરાને આ પ્રેમ- રોગ લાગુ પડ્યો ત્યારથી તો તેનું મન અભ્યાસમાં બરાબર ચોટતું ન હતું .
તેમાંય સંસ્થામાં તો ફરજિયાત ક્લાસો ભરવા પડતા.જયારે અહીં કોલેજમાં તો બધું મરજિયાત હતું. ચાહે તો ભણો, કે ચાહે તો ફરો. અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો હતો, હીરો દરેક ક્લાસમાં અચૂક હાજર રહેતો હતો. તે અહીં નવો- નવો હતો. તેથી બે -ત્રણ મિત્ર સિવાય કોલેજમાં તેને ઝાઝી ઓળખાણ પણ થઈ ન હતી.સાજના 4:30 વાગ્યા હતા. કોલેજ આગળના વિશાળ ગ્રાઉન્ડમાં ફૂટબોલની રમત બરાબરની જામી હતી.ઢળતી સાંજનું વાતાવરણ ખુશનુમા હતું .અઠવાડિયા પછી યોજનારા રાજ્યકક્ષાના વાર્ષિક રમોત્સવમાં ભાગ લેવા માટે કોલેજની ફૂટબોલની ગર્લ્સ ટીમની પસંદગી ચાલુ હતી. તેથી દરેક વિદ્યાર્થીની પોતાનામાં રહેલું કૌશલ્ય બતાવવા તનતોડ મહેનત કરી રહી હતી. કેપ્ટન તરીકે તો નીતા શાહ નક્કી જ હતી, છતાં પણ ફૂટબોલ રમતાં -રમતાં નીતા પાસે બોલ જાય ત્યારે ,ગ્રાઉન્ડની ચારે બાજુ ઉભેલા કોલેજીયનો 'નીતા ગોલ ! નીતા ગોલ.;એવી ચિચિયારીઓ પાડતા હતા. અને તેના પ્રત્યુત્તરમાં એ લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે ગોલ ફટકારીને નીતા એ લોકોનું અભિવાદન ઝીલતી હતી .
આવા આનંદિત વાતાવરણમાં પણ જાણે કે કોઈ રસ ના હોય તેમ હીરો ,ગ્રાઉન્ડના એક ખૂણે પશ્ચિમ દિશા તરફ મોં કરીને બેઠો હતો .તે વિચારી રહ્યો હતો પોતાની અને રતનની વાત બધા ફેલાઈ ગઈ હશે તો ? તે એ કયા મોઢે ગામમાં પાછો જઈ શકશે ? ને પોતાને ખાતર આબરૂને મુઠ્ઠીમાં લઈને પોતાની પાસે દોડી આવનાર એ રતનને મૂકીને પોતે ભાગી આવ્યો તે બદલ પોતાની જાત ઉપર જ તેને ધ્રુણા ઉપજી .બદનામ થવાની બીકે તે ભાગી આવ્યો, તો શું પોતાને આબરૂ હતી અને રતનને આબરૂ ન હતી ? અને એ ઘડીએ પોતે આટલો બધો ડરપોક કેવી રીતે થઈ ગયો એની જ તેને સમજ પડતી ન હતી .અચાનક પાછળથી પીઠ ઉપર આવીને અથડાયેલા ફૂટબોલ થી તેની વિચાર માળા તૂટી "એઈ ..મિસ્ટર ! પાસ ધ બોલ ! તેનાથી દશ વાર ના અંતરે થી નીતા તેને પોતાના તરફ બોલ ફેકવા હાથનો ઈશારો કરી રહીં હતી.ફૂટબોલ રમનાર અને જોનાર બધાની આંખો ત્યાં મંડાઈ હતી ."કમ ઓન ..થરો ..ધ બોલ...! નીતા એ હાથ નો ઇશારો કરતા મોટેથી ફરીથી બૂમ પાડી .હીરાને જાણે કે નીતા, માં ફૂટબોલમાં કે બીજા કશામાં રસ ન હોય તેમ તે અવળો ફરી ગયો અને પોતાના વિચારોમાં ખોવાઈ ગયો .બોલ લઈને ગ્રાઉન્ડમાં જતી નીતા ના શબ્દો તેને કાને અથડાયા."સટુપિડ !"
રમત આગળ ચાલી .હીરાના વિચારો પણ આગળ ચાલ્યા. ગમે તે બહાને પોતાને પીપળીયા પાછા જવું . ત્યાં ની પરિસ્થિતિ જાણવી ,ને જરૂર પડે તો ગામ અને સમાજ સામે બળવો કરીને પણ ,રતનને લઈને દૂર -દૂરના મલકમાં ઉતરી જવું પરંતુ પોતાના જીવતે જીવતો તેને દુઃખી ન જ થવા દેવી ,તેઓ તેણે મનમાં નિર્ધાર કર્યો . તેના ખભે કોઈનો સ્પર્શ થવાથી હીરાએ પાછળ નજર કરી ."કેમ હીરા ,શું વિચારમાં ખોવાયેલો છો ? રાકેશ તેને ખબે હાથ મુકતા કહેતો હતો.આહી આવ્યા બાદ બે -ત્રણ જણ જોડે હીરાને દોસ્તી થઈ હતી ,જેમાં નો રાકેશ એક હતો. "કંઈ નહીં યાર, ક્યારેક- ક્યારેક ઘરની બહુ યાદ આવી જાય છે !"હીરાએ સહેજ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું. "ઘરની બધી જ યાદ ભુલાઈ દે ,તેઓ મોકો તો તને સામેથી મળ્યો હતો. તો કેમ જતો કર્યો ? હીરા એ તેના તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ નાખી ,એટલે ફૂટબોલ લઈને ભાગતી નીતા તરફ ઈશારો કરતા રાકેશ બોલ્યો .પે'લી ભાગે છે તે હરણી ને જો! ભલભલાને ઘર ભુલાવી દે છે ! અને તેણી એ બે -બે વખત બોલ માગ્યો તોય ,તે રિસ્પોન્સ કેમ ના આપ્યો ?
"પણ આપણે ને એને શું ? હીરાએ સામો પ્રશ્ન કર્યો. "આપણે અને એને તો ઘણું બધું થાય યાર ,જો એના તરફથી ગ્રીન સિગ્નલ મળી જાય તો !"રાકેશે કહ્યું અને પછી આગળ ઉમેર્યું."તું અહીં સાવ નવો છે. એટલે તને આ કોલેજની બધી ક્યાંથી ખબર હોય ? પરંતુ મારું આ ત્રીજું વર્ષ છે.જ્યારે તેનું આ ચોથું વર્ષ છે .આમ તો ગઈ સાલથી જ તેનો અભ્યાસ પૂરો થઈ ગયો હોત, પરંતુ છેલ્લા વર્ષમાં તેણી ફેલ થઈ !"
"ફેલ થઈ ? અભ્યાસમા ઠોઠ હશે ."હીરાને પણ વાતમાં જાણે કે રસ પડતો હતો.
" ભણવામાં તો બહુ હોશિયાર છે, પરંતુ ફેલ થવા પાછળ પણ અનેક કહાનીઓ છે જે પછીથી કહીશ. કહી રાકેશે પોતાની વાત ચાલુ રાખી ."કોઈ સુંદર ફૂલ ખીલે, અને તેનો રસ ચાખવા અનેક ભમરા તેની આજુબાજુ ઘુમ્યા કરે તેમ, દરેક કોલેજીયન તેની નજીક આવવા આજુ-બાજુ ઘુમ્યા કરે છે .પરંતુ સાલી કોઈને મચક નથી આપતી. કોઇ હિંમત કરીને આગળ વધે તો એવો પરચો બતાવે છે કે તે માણસ ફરી તેના સામે જોવાની હિંમત જ નથી કરતો .
રાકેશ એક પળ અટક્યો અને પછી વાત આગળ ચલાવી "શાંત અને શરમાળ છોકરાઓને તો તે બાયલા જ સમજે છે .અને એવા યુવાનોને સંભળાવવા અને ખીજવવા તેની ગર્લફ્રેન્ડોને ટોન્ટ મારતા કહે છે "આ ઉપરવાળાને ત્યાં અંધેર છે, દેર નહીં .જેને છોકરા બનાવવાના હતા એને છોકરીઓ બનાવી દીધી, અને છોકરીઓ બનાવવાની હતી. એમને છોકરા બનાવી દીધા . એક બે વખત મને સાંભળતાં એણીએ આવો ટોંટ માર્યો ,એટલે મને થયું કે એ મને પ્રપોઝ કરે છે. એટલે એક દિવસ લોબીમાં સામે મળી તો મેં હિંમત કરીને કહી દીધું "આઇ લવ યુ "હું બેધ્યાન હતો.ત્યાં તો સાલીએ ક્યારે ગાલ ઉપર સેન્ડલ ફટ કારી દીધું તેની ખબર જ ન રહી. એમ તો હું પણ ક્યાં ગાંજયો જાઉ એવો છું ? હું પણ બુટ લઈને ધસી ગયો હતો .પરંતુ એ જ વખતે પ્રિન્સિપાલ આવી ગયા અને વચ્ચે પડીને એમણે તેને બચાવી લીધી .
તેણે પોતાની વાત આગળ ચલાવી એકમાત્ર કોલેજમાં સ્પોર્ટ્સ ટીચર મુકેશ મહેતા થી તે ઘણી હળ-મળે છે બંને મુક્ત રીતે વર્તે છે અને વાતો પણ કરે છે. ને કોલેજીયનોમાં તો ખાનગીમાં એવી પણ ચર્ચા છે, કે 'બંને એકબીજાના લવમાં છે .ને ઘણા બધાનું માનવું છે કે કોલેજમાં થી મુકેશ મહેતા થી તેને અલગ ન થવું પડે એટલા માટે ગઈ સાલ જાણીબુઝીને તે ફેલ થઈ છે.
સાંજના પાંચ: દસ વાગ્યા હતા રમત બંધ થઈ હતી. સૌ કોલેજીયનો પોતપોતાના ઘેર જવા લાગ્યા હતા હીરો અને રાકેશ પણ પુસ્તકો લઈને ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યા હતા એ જ વખતે પાછળથી ધમધમાટ આવતું એક સ્કૂટર તેમની લગભગ અડોઅડ થઈને પુરપાટ ઝડપે આગળ નીકળી ગયું અને એ જ ઝડપે વાહનોની ભીડમાં ભળી ગયું. તે નીતા શાહ હતી રાકેશે હીરા તરફ આંખો ઉછાળી "જોયું ,પોતાની જાતને મોટી મહારાણી માને છે .હજુ કોઈ રાજકુમાર એને નથી મળ્યો એટલે !"
"આ દુનિયામાં શેરને માથે કોઈને કોઈ ,સવા શેર મળી જ રહે છે રાકેશ." હીરો જમણા હાથની મુઠ્ઠી વાળતા બોલ્યો અને એ બંને એ હોસ્ટેલ તરફ પગ ઉપાડ્યા.
બીજા દિવસે પ્રાર્થના હોલમાં હીરાએ સૌથી આગળની લાઈનમાં જગ્યા લીધી. રાકેશની તારીફ બાદ નીતાને નજીકથી નિરખવાની મનમાં ઈચ્છા હતી .સામેની બાજુ પ્રિન્સિપાલ, શિક્ષકોની ડાબી બાજુ જી.એસ .અને પ્રાર્થના મંત્રી બેઠા હતા .જ્યારે જમણી બાજુ નીતા અને મંજુલા બંને છોકરીઓ બેઠી હતી .પ્રાર્થના બાદ હોર્મોનિયમ ની પેટી ઉપર પોતાની નાજુક આંગળીઓ ફેરવતા નીતા એ ગીત ઉપાડ્યું.
'શું પૂછો છો મુજને, કે હું શું કરું છું !"મને જ્યાં ગમે ત્યાં, કરું છું ફરું છું !" 'ન જાવું ન જાવું ,એ માર્ગે કદાપી, સમજી વિચારીને ડગલાં ભરું છું !'પેટીમાંથી નીકળતા સ્વર સાથે શૂર મિલાવી નીતા એટલું સુંદર ગાઈ રહેતી કે, ટાંકણી પડે તોય સંભળાય એટલી હોલમાં શાંતિ હતી. હીરાની આંખોએ નીતા નું નિરીક્ષણ શરૂ કર્યું રતનને જ મળતો આવતો ચહેરો, પરંતુ એનાથી સહેજ ઊંચો અને ભરાવદાર હતો.રતુ નો ચહેરો ઘઉંવર્ણો હતો જ્યારે નીતાના ચહેરા માં તો લાલાશ ની સાથે તેજ પણ ચમકતું હતું .અને હોઠ તો ગુલાબની કળી જેવા એકદમ લાલ હતા. આહ ! શું એનો મીઠો સ્વર હતો -જાણે કે કોયલ ટહુકતી ન હોય !
પ્રાર્થના પૂરી થઈ. સૌ કોલેજિયનો પોતાના ક્લાસ રૂમમાં જઈ રહ્યા હતા. પોતાના ક્લાસ રૂમ માં દાખલ થતાં જ હીરાને પીઠ પાછળ ધબ્બો મારતા રાકેશ બોલ્યો "હું કહેતો હતો ને હીરા, કે એ ભલે ઘર ભુલાવી દે છે !તું પણ કેવો તેને જોવામાં ખોવાઈ ગયો હતો . અને બંને હસી ને પોત -પોતાના ક્લાસ રૂમ માં ગયા.
બપોરની રિસેસમાં સૌ પોતપોતાના દોસ્તો સાથે ગાર્ડનમાં છુટા છવાયા બેઠા હતા .તો કોઈક વળી નાસ્તો કરી રહ્યા હતા ,તો કોઈ ગપાટા મારી રહ્યા હતા ગાર્ડનના એક ખૂણે આવેલા કરેણના ઝુંડ નીચે હીરો અને રાકેશ બેઠા હતા. તેમની ચર્ચાનો વિષય અત્યારે પણ નીતા જ હતી ."જો તું ખરેખર હિંમતબાજ હોય ,અને એનું ગુમાન ઉતારે તો મારા તરફથી તને સો રૂપિયાનું ઇનામ ! બોલ છે મંજૂર ? રાકેશ વાત આગળ ચલાવતા બોલ્યો ."પહેલા તું કહે તો ખરો, કે એને કહેવાનું શું ? ઇનામની અને બીજી વાત પછી .હીરો પોતાના ટૂંકા વાંકડિયા વાળ ઉપર કાસકો ફેરવતા બોલ્યો ."શરત સાવ સિમ્પલ છે ,નીતા સામે જઈને કહી દેવાનું" નીતા આઇ લવ યુ "બોલ છે મંજૂર?
"સો રૂપિયા તો સમજ્યા યાર, પણ એમ જાહેરમાં કહેવાથી આપણી ઈજ્જત નું શું ? હીરો બોલ્યો .
"એમ છે ત્યારે વાત , વાતો તો બધા ઈજ્જતની કરે છે પણ ડર તો સૌને એનું એડી વાળું સેન્ડલ ગાલ ઉપર પડે ને એનો જ લાગે છે ."રાકેશ હીરાને પાનો ચડાવતા બોલ્યો. "જો,દોસ્ત .પ્રાર્થનામાં આજે તેની સામે ટગર -ટગર જોઈ રહ્યો હતો ,એમ દરરોજ ન જોઇ રહેતો.નહીં તો એને ખબર પડી ગઈ તો જાહેરમાં બેઇજ્જતી કરી નાખશે સમજ્યો ? રાકેશ હીરાને ચેતવણી આપતા કહેતો હતો. એને ત્રણ મહિના પહેલા પોતાના ગાલ ઉપર પડેલું નીતાનું સેન્ડલ જાણે કે હજુ પણ ચરચરતુ હતું .રાકેશના શબ્દોથી હીરાનું લોહી ગરમ થઇ ગયું અને તે લગભગ આવેશમાં જ આવી ગયો અને બોલ્યો "એમ છે ? એમ એ ક્યાં મોટી વાઘણ છે .બોલ અત્યારે જ કહી દઉં ,જોઉં છું કે શું કરી લે છે એ !"
બંને દોસ્તો ગાર્ડનમાંથી ઉઠીને લોબીમાં આવ્યા. સામે જ નીતા અને તેની ફ્રેન્ડ શેફાલી આવી રહી હતી." સેન્ડલનું ધ્યાન રાખજે !"કહી ને રાકેશ તમાશો જોવા હીરા થી અલગ થઈ ગયો . પેલી બંને જણી સામે જ આવી રહી હતી. સાઈડમાં ખસવાના બદલે હીરો સામે જ ચાલ્યો ગયો .એટલે પેલી બને સહેજ એક બાજુ ફટાઈ . પાસેથી પસાર જતા જ હીરો મક્કમ સાથે બોલ્યો" મેડમ આઇ લવ યુ !' નીતા ચમકીને ઉભી રહી ને હીરા સામે જોયું ,ને બોલી "વોટ ? નોન સેન્સ !' હીરો નીતા ની આંખ માં આંખ પરોવીને ફરી બોલ્યો." યસ, આઇ લવ યુ !'
નીતા એક પળ તો ડઘાઈ ગઈ. સમસમી ગઈ .અને બીજી જ ક્ષણે તેના શરીરમાં વીજળીનો ચમકારો થયો હોય તેમ તેણી એ પગમાંથી એડી વાળું સેન્ડલ કાઢીને હીરાના ગાલ નું નિશાન લઈને જોર થી વીંઝયુ .પરંતુ હીરો એનાથી વધુ ચપળ નીકળ્યો. સેન્ડલ ગાલ ઉપર પહોંચે તે પહેલા જ હવામાં જ તેણી નો હાથ તેણે પકડી લીધો .હાથ છોડાવવા માટે નીતા એ જોરદાર આંચકો માર્યો.પરંતુ હીરાની પકડ વધુ મજબૂત હતી. ડાબા હાથે નીતા બીજું સેન્ડલ મારવા ગઈ તો તેની પણ એ જ હાલત થઈ નીતા ના બંને હાથ હીરાને પકડી લીધા હતા એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો . તે બરાડી "યુ રાસકલ !'પાગલ, તારી આ હિંમત ? અને હીરાના પગનુ નિશાન લઈને તેણીએ જમણે પગે લાત ફટકારી ,પરંતુ હીરો એનાથી વધુ ચાલક નીકળ્યો.તે વીજળી વેગે એક બાજુ હઠી ગયો. અને તેણીની લાત ખાલી ગઈ .બંને હાથ હીરાએ પકડેલા હતા. નહીં તો તેણી લોબીમાં જ ફસાઈ પડી હોત . અને આ ધમાલ સાંભળીને ત્યાં ટોળું એકઠું થઈ ગયું. વિદ્યાર્થીઓએ અને એક બે શિક્ષકોએ વચ્ચે પડીને તેમને છૂટાં પાડ્યાં.
હીરો હાથ છોડતા ક્રોધમાં બોલ્યો." આઈ હેટ યુ !'નીતા પોતાની સહેલીઓ સાથે કલાસરૂમમાં જતા ક્રોધમાં કહી રહી હતી "નોનસેન્સ, રાસકલ ! બે દિવસની અંદર જ તને બતાવી દઈશ.' ત્રણ વર્ષના કોલેજ કાળ દરમિયાન જાહેરમાં નીતા નો આ પ્રથમ પરાજય હતોં .તેથી તેણી ઘૂઆપૂઆ થઈ ગઈ હતી .આ કોલેજમાં એક એવો વર્ગ પણ હતો જે કોઈપણ મુદ્દે નિતા નો પરાજય જોવાની પ્રતીક્ષામા રહેતો હતો .તે વર્ગ આજે બહુ જ ખુશ થયો હતો .અને 'હિપ હિપ 'હુરે હુરે ! કરતો પોતાના ક્લાસ ભણી દોડ્યો.
હીરાને પણ વાસ્તવિકતા નું પાન થતાં વિના કારણે એક છોકરી સાથે બાઝંબાઝી કરવી પડી. તેનાથી ઘણો શર્મીદો થયો હતો .સ્પોર્ટ્સ ટીચર મુકેશ મહેતાએ તો તેને ટકોર પણ કરી" મિસ્ટર, ગુલાબના ફૂલ ખૂબ સુંદર હોય છે પણ તેને મેળવવા માટે લાયકાત પણ કેળવી પડે સમજ્યા !હીરો મુંગા મોઢે આ આ બધું સાંભળી રહ્યો હતો.
નીતા પ્રેમાભાઈ હોલમાં 'જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ સહુ' એ નાટક જોઈને ઘેર આવી .સ્કૂટર પાર્ક કરીને પોતાના શયન ખંડમાં આવીને તેણીએ કપડાં બદલ્યા નાઈટ ગાઉન ધારણ કર્યો .ને ઊંઘવા માટે પથારીમાં લંબાવ્યું . દરરોજ નાટક સિનેમા કે કોઈ પાર્ટીમાં જવું ને રાતના 1:00 વાગે ઘેર આવવુ તે તેનો નિત્યક્રમ હતો .ત્યાંથી આવ્યા બાદ પથારીમાં પડતા ની સાથે જ દરરોજ તે ઘસઘસાટ ઊંઘી જતી .પરંતુ આજે એમ ન થયું. તે જેવી પથારીમાં આડી પડી કે આજે દિવસે બનેલી એ ઘટના તેની આંખો આગળ તરવરી ઊઠી .તેણીએ જેમ જેમ તેને ભુલવાની કોશિશ કરી તેમ તેમ દિલ અને દિમાગ ઉપર તે વધુ જોરથી સવાર થઈ ગઈ .તે વિચારે ચડી :પોતાની માં આ ખીલતી યુવાનીમાં રૂપ અને તાકાત ના જોરે તેણીએ કેટલા યુવાનોનું ગુમાન ઉતાર્યું હતું. અને અપમાન કર્યું હતું. અને એક આ ગામડિયા જેવા લાગતા ગમાર સામે પોતાને આજે નામોશીમાં મુકાવું પડ્યું હતું. દેખાતો તો હતો સાલો સાવ બુદ્ધુ જેવો ,પરંતુ કેટલો ચકોર અને ચાલાક નીકળ્યો એ !અને એ સાથે જ એના દિલના ધબકારા તે જ થયા ને લાગણીનું એક ઝરણું ફૂટ્યું .તે વિચારી રહી મહેતા સાહેબથી તે ગમે એટલી નજીક છે . પરંતુ ગમે તેમ તોય તે પોતાના ગુરુજી છે. તો પછી આજની ઘટના પોતાના શુભ ભવિષ્ય માટેનો કોઈ સંકેત તો નહીં હોય ને ? તે જેમ -જેમ વિચારતી ગઈ, તેમ -તેમ પોતાના આજના વર્તન ઉપર તેને પસ્તાવો થયો .તે આગળ વિચારી રહી .'હજુ પણ શું બગડી ગયું છે ? ને બગડેલી બાજી સુધારી કેમ ન શકાય ? પરંતુ, એ' પોતાનો વિશ્વાસ કરશે ખરો ? કરે કે ન કરે ,પરંતુ એક અખતરો તો કરવો જ .એવો પાકો મનમાં નિર્ણય કર્યો ને પછી કેટલોય સમય પડખાં ફેરવ્યા બાદ બે કલાક પછી તેને ઊંઘ આવી.
તે રાતે હીરાને પણ ઊંઘ ઘણી મોડી આવી .જેવો તે રતુના વિચારે ચડતો. કે 'આજનો બનાવ તેની આખો આગળ આવી જતો. તે વિચારતો હતો" સાલી હતી તો તાકાત વાળી હો !જો પોતે પૂરી તાકાત ન વાપરી હોત તો બધા લોકોની વચ્ચે પોતાની ફજેતી કરી નાખત.પોતાને આવું ક્યાં કરવું હતું ? પરંતુ સાલા રાકેશિયા એ પાણી ચઢાવ્યું,ને પોતાનાથી આ બધું થઈ ગયું. તે આગળ વિચારી રહ્યો :જે થયું તે સારું થયું, તેને પણ ભાન થાય ને કે સ્ત્રી આખરે સ્ત્રી છે અને પુરુષ એ આખરે પુરુષ છે.
બપોરની રિસેસ માં હીરો કોલેજના ગાર્ડન તરફ જઈ રહ્યો હતો.એ જ વખતે મંજુલા સામે મળી અને હીરો કંઈ સમજે એ પહેલા તેના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી ,દીધી અને બોલી "આ નીતા એ આપી છે ,ખાસ તમારા માટે." એટલું કહીને તે સડસડાટ ચાલી ગઈ .ચિઠ્ઠી વાંચવા હીરાએ ગાર્ડનના ખૂણે આવેલું પેલું કરેણનું ઝુંડ જ પસંદ કર્યું. તેની નીચે બેસીને તેણે ચિઠ્ઠી ખોલી, જે સુંદર અક્ષરે લખાયેલી હતી .
'પ્રિય અજનબી.. ઓહ નો ! પ્રિય દિલ કા હીરા .
પ્રથમ તો મારા તરફથી ગઈકાલે તારી સાથે થયેલ વર્તન બદલ ક્ષમા માગું છું .ક્ષમા આપીશ ? ગઈકાલે રાતથી જ મને કંઈક થઈ ગયું છે .દિલ બેચેન રહે છે ,ઊંઘ નથી આવતી. ને સતત તારી જ યાદ આવે છે. તને કંઈ આવું થાય છે ખરું ? ખેર એ જે હોય તે ,તો શું આ પ્રેમ થવાની શરૂઆત તો નહીં હોય ને ? જો એમ જ હોય તો હું બિન્દાસ કહું છું કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે. અને એ માટે કેટલીક વાતો કરવા હું તને રૂબરૂ મળવા માગું છું. મારું આ આમંત્રણ તું સ્વીકારીશ ? મારા ઉપર વિશ્વાસ હોય તો સાંજે કોલેજ છૂટે એ સમયે, કોલેજના મુખ્ય દરવાજે તું મારી રાહ જોજે. હું તને લિફ્ટ આપીશ. લિ. નીતા .
ચિઠ્ઠી વાંચીને હીરાએ ખિસ્સામાં મૂકી .તે વિચારી રહ્યો એની આટલી બેઇજ્જતી કરી,છતાં તે ખરેખર મને પ્રેમ કરવા લાગી હશે ? કે પછી ગઈકાલના અપમાન નો બદલો લેવા માટે તેણીએ કોઈ ચાલતો નહીં આદરી હોય ને ? અને પોતાને ફસાવીને તે ક્યાંક બદનામ તો નહીં કરી નાખે ને ? નીતા ગમે તે કહે ,પરંતુ પોતાનાથી પોતાની પ્રિય પ્રાણી રતનને દગો દેવાય ખરો ? પરંતુ એ શું કહેવા માંગે છે.અને એ બહાને એની પણ પરીક્ષા થઈ જાય. માટે એક વખત તેને મળવું તો ખરું જ ! એમ વિચારી તે ઉભો થયો અને પોતાના કલાશ તરફ વળ્યો.રૂમમાં જતાં - જતા હીરાએ જોયું તો નીતા પોતાના જ તરફ જોઈને સ્મિત કરી રહી હતીઃ કોલેજ છુટ્યા પછી રાકેશ પાસેથી શરતમાં જીતેલી સો રૂપિયાની નોટ પેન્ટના ખિસ્સામાં છે ને તેની ખાતરી કરતો હીરો કોલેજના મુખ્ય દરવાજા તરફ જઈ રહ્યો હતો. તે મેદાન વચ્ચે પહોંચ્યો હશે ,ત્યાં તો પાછળથી આવતું સ્કૂટર તેની પાસે આવીને થોભી ગયું.' પ્લીઝ, સીટ ડાઉન!' નીતા સ્મિત કરતા હીરાને કહી રહી હતી .હીરો ચપળતાથી સ્કૂટરની પાછલી સીટે બેસી ગયો .એટલે સ્કૂટર ધમધમાટ કરતું ધોરી માર્ગમાં વાહનોની ભીડમાં અદ્રશ્ય થઈ ગયું .આ દ્રશ્ય જોનાર સૌ કોલેજીયન સ્તબ્ધ થઈ ગયા.
" હું નહોતી કહેતી, કે નીતા એને છોડશે જ નહીં !"એક છોકરી ગર્વ થી કહેતી હતી .
24 કલાકમાં જ, નીતા એ પોતાના શિકારને બરાબર નો જાળમાં ફસાવી દીધો. હવે જોજો નેં તેની દશા કરે એ!" ટોળામાંથી એક કોલેજીયન કહેતો હતો.
" અરે યાર, આમાં તો કોણ શિકારી, અને કોણ શિકાર ,તેની જ સમજ નથી પડતી. હવે એ તો બધું સમય જ બતાવશે !" રાકેશ ચર્ચામાં ભળતા બોલ્યો. નીતા સ્કૂટર ચલાવી રહી હતી. હીરો પાછળની સીટે બેઠો હતો. રિક્ષાઓ, ટેક્સીઓ ,સીટી બસ વગેરે વાહનોને પાછળ મૂકતું સ્કૂટર ધમધમાટ આગળ સરકી રહ્યું હતું. આગલા ના વાહનની સાઈડ કાપતાં સ્કૂટર માંડ તે વાહનથી અડધા ફૂટ પાસેથી પસાર થતું ,ત્યારે હીરાનો જીવ તાળવે ચોટી જતો. આવી રીતે અકસ્માત કરીને ક્યાંક પોતાનું કાળશ તો કાઢી દેવા નથી માગતી ને ? એવો એક વિચાર પણ તેને આવ્યો. પરંતુ તેણી પણ સાથે જ બેઠી છે ને, તેણીનું થશે તે પોતાનું પણ થશે ! એમ વિચારીને મજબૂત પકડીને તે બેસી રહ્યો .અને પોતે ડરે છે, તેવુ છતું ન થાય તે માટે ધણીએ ધીરજ તેણે રાખી ,પરંતુ એક જગ્યાએ તો તેનાથી અનાયાસ જ બોલાઈ ગયું." નીતા પ્લીઝ કમ સ્પીડ !". " કમ સ્પીડ ? લે ત્યારે કમ સ્પીડ !' કહીને રંગમાં આવેલી નીતાએ એકસીલેટર આપ્યું. અને સ્કૂટર હવામાં વાતો કરવા લાગ્યું. એક ફાઇસટાર હોટલ આગળ આવીને નીતા એ સ્કૂટર પાર્ક કર્યું. ને હીરાનો હાથ પકડીને બિન્દાસ પણે હોટલમાં પ્રવેશી ને ફેમિલી રૂમના એક ખૂણાની બેઠક તેણીએ પસંદ કરી. વેઇટર આવીને બે ગ્લાસ પાણીના અને મેનુ કાર્ડ મૂકી ગયો. પહેલા કંઈક ડરીન્કસ લઈએ સાથે બાઈટિંગ.અને પછી ખાણું મંગાવીએ નીતા મેનુ કાર્ડ હાથમાં લેતા બોલી. ને પછી પૂછ્યું" શું લઈશ ? '
"થમ્સ અપ !' હીરો ઠંડા અવાજે બોલ્યો.
નીતા સહેજ ચમકી અને પછી બોલી "છી ..છી ..છી ! આજકાલ તો છોકરીઓ પણ' થમ્સ અપ 'નથી પીતી. તેઓ પણ કમસેકમ 'બીયર જેવું હલકું પીણું તો જરૂર પીએ છીએ. ને આવી ફાસ્ટ સ્ટાર હોટલોમાં તે બધું અત્યારે આસાનીથી મળી રહે છે .બોલ શું લઈશ ,બીયર, બ્રાંડી ,વિસ્કી કે પછી કોઈ નવી આઈટમ ?' " પરંતુ હું મારી જિંદગીમાં શરાબને અડક્યો જ નથી." હીરો બોલ્યો. "કમોન હીરા! પ્લીઝ મારે ખાતર, એક વખત ટેસ્ટ તો કર ! પછી ખબર પડશે કે દુનિયા કેવી રંગીન અને ખૂબસૂરત છે! કહીને હીરાનો હાથ પકડીને પોતાની સાવ નજીક ખેંચ્યો અને રેડ લેબલ વિસ્કી નો ઓર્ડર આપ્યો .સાથે બે મસાલેદાર આમલેટ મંગાવી, ને પછી હીરા સામે જોઈને ગંભીરતા ધારણ કરીને બોલી."જો હીરા, આજ સુધી કેટલાય પુરુષો એ મારી નજીક આવવાની ખૂબ કોશિશ કરી છે અને મને પ્રપોઝ કરવામાં કઈ બાકી રાખ્યું નથી. પરંતુ હજુ સુધી કોઈ મારી આંખોમાં વસી શક્યું નથી .જો દિલને થોડોઘણો ગમ્યો હોય તો એક તું છો અને આંખોથી પણ તું મને ખુબ ગમે છે .માટે દિલ અને આખો માં વસી જાય એવા પુરુષ ને હું શા માટે છોડુ ?' કહેતા -કહેતા તેણી ભાવવિભોર થઈ ગઈ.અને આગળ બોલી." પ્લીઝ હીરા ,મારી ફ્રેન્ડશીપ નો તું ઇનકાર ન કરીશ ,હવે તો તારા ભાવિ સાથે જ મારું ભાવિ જોડાયેલું છે. યસ હીરા ,આઇ લવ યુ !"એટલી વારમાં વેઇટર વ્હીસ્કીની બોટલ અને પાણી તથા બે ખાલી ગ્લાસ મુકી ગયો. નીતાએ બંને ગ્લાસમાં વ્હીસ્કી રેડતાં આગળ ચલાવ્યું ."મારા કુટુંબમાં પણ કોઈ ખરાબ નથી પીતું, ને હું પણ પહેલા નહોતી પીતી પરંતુ વિચાર્યું કે સ્ત્રી પુરુષ સમોવડી કેમ ન થઈ શકે? ને એ ધૂન માંજ વટ પાડવા માટે એક વખત થોડો પીધો. ને બહુ જ મજા આવી ગઈ .અને હવે તો તે આદત થઈ ગઈ છે. રોજ સાંજે કોઈને કોઈ આઈટમ હોય લત્યારે જ મજા આવે છે. તું પણ એક વખત ચાખી જો. મજા આવશે !અને જો મજા ન આવે તો ફરી આગ્રહ નહીં કરું બસ !બંને ગ્લાસમાં અડધી વિસ્કી રેડી અને અડધાથી વધારે પાણી નાખ્યું એક ગ્લાસ પોતે હાથમાં લીધો અને બીજો ગ્લાસ હીરાના હાથમાં આપતા બોલી " પ્લીઝ, પીજા મારી કસમ !કહીને પોતાનો ગ્લાસ એ ગ્લાસ સાથે ટકરાવીને બોલી .ચિ..ય..સ.! હીરો ગ્લાસ હાથમાં લઈને વિચારી રહ્યો પોતાને શરાબમાં કંઈક ભેળવીને બેભાન કરીને ફસાવવાની આ કોઈ ચાલતો નહીં હોય ને ? હોટલના વેઇટર સાથે મળીને તેની અંદર કંઈક ઝેરી પદાર્થ તો નહીં ભેળવી દીધો હોય ને ? પરંતુ નીતા તો તે દરમિયાન ગ્લાસમાં રહેલી અડધી વિસ્કી ગટગટાવી પણ ગઈ હતી. તે હાથમાં ગ્લાસ પકડીને બાધાની જેમ બેઠેલા હીરા તરફ જોઈને બોલી "પ્લીઝ ,પીજાને ડાર્લિંગ .મારી કસમ, જો ન પીએ તો !'હીરો આંખો બંધ કરીને ગ્લાસમાં રહેલી એ વ્હીસ્કી ગટગટાવી ગયો. તેના શરીરમાં કોઈ ઝલદ પદાર્થ શેરડો પાડતો પસાર થયો હોય તેઓ તેને અનુભવ થયો. વેઇટર તે દરમિયાન બે આમલેટ અને મસાલા ઢોસા મૂકી ગયો .તે ખાતાં- ખાતાં નીતા એ બીજો પેગ તૈયાર કર્યો. આ વખતે થોડા જ આગ્રહ થી હીરાએ બીજો પેગ ગટગટાવી લીધો. બંને એ નાસ્તાબાદ ખાણા નો ઓર્ડર પણ એ જ ટેબલ ઉપર આપ્યો . નીતા એ જોયું તોજમતા -જમતા હીરા ઉપર નશાની અસર સારી એવી થઈ હતી વ્હીસ્કી તો પોતે હીરા થી સહેજ વધુ લીધી હતી.પરંતુ તેણી હજુ સંપૂર્ણપણે ભાનમાં હતી .આમ તો તેનો પ્લાન જમીને ,હીરાને લઈને દિપાલી થિયેટરમાં' એક દુજે કે લિયે જોવાનો હતો.તેના માટે એડવાન્સમાં તેણે બાલકની બે ટિકિટ પણ એડવાન્સ બુકિંગમાં લઈ લીધી હતી જે પોતાના પર્સમાં અત્યારે સાથે જ હતી .પરંતુ હીરાને આ હાલતમાં લઈને ત્યાં જવું તેણીને સલામત ન લાગ્યું .અને તેણીએ પ્લાન બદલ્યો. હોટલમાં જ ઉપરનો એક એ.સી.રૂમ બુક કરીને હીરાનો હાથ પકડીને તેના શરીર ને ટેકો આપીને તેણી તેને તેમાં દોરી ગઈ .અંદરથી સ્ટોપર બંધ કરીને એસી ચાલુ કરીને ધીમા અવાજે ટીવી ઓન કર્યું .નશો ઉતર્યા બાદ હીરાને તેની હોસ્ટેલ માં મૂકી જવો એવો તેણીનો ઇરાદો હતો.
ડબલ -બેડ હતો હીરાને પથારીમાં લેટાવીને તેણી તેની પાસે બેઠી .અચાનક નીતાના દિલમાં એક તોફાન ઉઠ્યું અને તેણી એ પાસે અડધી આખો ખોલીને સૂતેલા હીરાના હોઠ ઉપર દીર્ઘ ચુંબન ચોડી દીધું. હીરો અચાનક બેઠો થઈ ગયો હીરાના શરીરમાં પણ આવેગ ની આંધી ઉઠી .તેણે પકડીને નીતાને પોતાના તરફ ખેંચી. નીતાના તરફથી કોઈ વિરોધ ન હતો. ધીમા ખેંચાણ છતાં તે હીરાના ખોળામાં સરકી ગઈ. બંનેની નશોમાં લોહી ઝડપથી દોડવા લાગ્યું .એકાંત ,શરાબ ,ઓર શબાબ, પછી બાકી શું રહે ? અચાનક ભડકો થયો બધા જ બંધનો તૂટી ગયા. ને બીજી જ પળે બંને આખી દુનિયા ને ભૂલીને પ્રથમ મિલનના અવિસમરણીય સુખમાં ડૂબી ગયાં.
ભયંકર વરસાદ બાદ કેટલું શાંત હોય છે વાતાવરણ ? એટલા જ બંનેના તન અને મન શાંત હતાં .આખરે હિરો મૌન ભંગ કરતા બોલ્યો "નીતા આપણે ઘણા આગળ વધી ગયો નહીં ? '. "આગળ જ નહીં, ઠીક એવરેસ્ટ સુધી પહોંચી ગયા છીએ ! ને ત્યાંથી પાછા ફરવું હવે શક્ય જ નથી.' નીતા મંદ- મંદ હસતા કહી રહી હતી .ને પછી હીરાની આંખમાં આંખ પરોવીને ગંભીર સાથે બોલી "જો હીરા ,ગઈકાલ એ રાતે આખી રાતના મનોમંથન બાદ મેં મનમાં નક્કી કર્યું છે કે, હવે તો હું જીવીશ તોય તારી સાથે, અને મરીશ તોય તારી સાથે . અને તેથી જ આજે મેં પ્રથમ વખત મારું સર્વસ્વ તને અર્પણ કર્યું છે .મને વચન આપ કે હીરા તું મને દગો નહીં આપે .અને મને છોડીને હવે ક્યાંય નહીં જાય !"
હીરાએ થોડું ગેંગે -ફેક કર્યું. પરંતુ અત્યારનું વાતાવરણ જ એવું હતું કે ,અને નીતા સાથેનો અનુભવ અને એનો પ્રભાવ જ એવો હતો કે ,તેણે નીતાના હાથમાં હાથ મૂકીને તેણીને વચન આપ્યું." હા નીતા, હું તને વચન આપું છું કે હું હવે જિંદગીભર તારો સાથ નહીં છોડુ !"બંનેની વાતોમાં ને વાતોમાં રાતના 12:00 વાગી ગયા હતા. હીરાનો નશો પણ લગભગ હવે અડધો ઉતરી ગયો હતો. કમરા બહાર નીકળતા પહેલા હીરાએ નીતાના ગુલાબી ગાલ ઉપર ચુંબન કર્યું અને પછી બંને સડક ઉપર આવ્યાં . સ્કૂટર ઉપર પાછળ બેસાડીને નીતા તેને ઠેક તેની હોસ્ટેલ સુધી મૂકવા આવી. ને ત્યાંથી સ્કૂટર પોતાના બંગલા તરફ મારી મૂક્યું.
*. *. *
સુરેશ ના લગ્નની તિથિ નક્કી થઈ ગઈ હતી પોતાના લગ્નમાં આવવા માટે સુરેશે હીરાને કાગળ લખીને ખાસ બોલાવ્યો હતો .લગ્નના હવે ફક્ત બે દિવસ બાકી હતા ત્યારે હીરો તો ન આવ્યો, પરંતુ હીરાનો કાગળ આવ્યો હતો. તેમાં એણે લખ્યું હતું" માફ કરજે દોસ્ત ,તારા લગ્નમાં આવવાની ઘણી ઈચ્છા હતી. પરંતુ અનિવાર્ય કારણોસર હું તારા લગ્નમાં હાજર રહી શકું એમ નથી ઘણું બધું કહેવું છે. પરંતુ એ બધું રૂબરૂ કહીશ ,પત્રમાં એ લખાય એમ નથી માટે દિલગીર છું માફ કરજે દોસ્ત . લી. તારો જીગરી જાન દોસ્ત હીરો ."અને હીરાના આ કાગળે તો બધાને વિચારતા કરી દીધા .એવું તે શું કામ હશે કે પોતાના ખાસ દોસ્તના લગ્નમાં પણ હીરો ન આવી શકે ?કે પછી કોલેજ વાળા એને રજા નહીં આપતા હોય? વિશેષ ચિંતા સુરેશ અને રવજીને થઈ તેમને જોયું હતું કે છેલ્લા બે ત્રણ મહિનાથી હીરાના વર્તનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું હતું .પરંતુ એ પરિવર્તનનું કારણ તો' રતન' અહીં હતી. તો પછી ત્યાં શું ? હીરાની માં રૂપા તો બળાપો કાઢતા બોલી પણ ખરી "બળી આ કોલેજ ! છોકરો તેના ખાસ ભાઇબંધ ના વિવા'મા પણ ન આવી શકે ?'
હીરા એ તેના પિતા મોહન ઉપર બીજો પત્ર લખીને ખર્ચ માટે રૂપિયા 500 મંગાવ્યા હતા. જે મની ઓર્ડર દ્વારા મોહને મોકલી પણ દીધા હતા. આ બધી વાતો રતન ઝમકુ દ્વારા જાણતી હતી. તેનું દિલ કહેતું હતું. કે 'હીરો ભલે કાગળમાં આવવાની ના લખતો .પરંતુ કોઈપણ બહાને કમસેકમ એક વખત તો પોતાને દર્શન આપવા ,અને પોતાનું મોઢું જોવા, એ આવ્યા વગર નહીં જ રહે !'અને માત્ર એ જ આશાએ તેણી દિવસો કાપ્યે જતી હતી .લગ્ન પણ વીતી ગયા, પરંતુ હીરો ન આવ્યો ,તે ન જ આવ્યો. અને રતન ને મનમાં મણ -મણ ના નિસાસા નાખ્યા.
નીતાના સહવાસ દરમિયાન હીરો હવે સંપૂર્ણ' નીતામય' થઈ ગયો હતો. ઓછા બોલા અને શરમાળ કહેવાતા હીરામાં, એકદમ પરિવર્તન આવી ગયું હતું. તે બંનેનો રોમાન્સ ઘણો આગળ વધી ગયો હતો. કોલેજમાં તો તે બંને જાણે કે ભણવા નહીં પરંતુ' લવ 'કરવા જ આવતા હતા. કોલેજીયનો કે શિક્ષકોની પરવા કર્યા વિના જ બધાને દેખતા પણ, બંને હાથમાં હાથ પકડીને ગાર્ડનના ખૂણે ચાલ્યા જતાં. ત્યાં બેસીને કલાકો સુધી વાતો કરતાં અને ભણવાનો એક પણ ક્લાસ ભરતા નહીં .ત્યાંથી છૂટીને દરરોજ કોઈ ફાઈ- સ્ટાર હોટલમાં જઈને બંને ડ્રીંક લેવું, જમવું, સિનેમા નાટક જોવા કે કોઈ પાર્ટીમાં જવું ને રાતના એક કે પછી બે વાગે ઘેર જવું એ એમનો નિત્યક્રમ હતો. અને આ બધો બેફામ ખર્ચો નીતા કરતી હતી કારણ કે તે કરોડપતિ બાપની બેટી હતી કોલેજમાં અને શહેરમાં તેના અને હીરાના રોમાન્સની ખૂબ જ ચર્ચાઓ થતી હતી. પરંતુ તેની આ બંનેને કોઈ પરવા ન હતી.બંને મુક્ત રીતે હરતા- ફરતા અને હળતા મળતા અને આખરે આ વાત નીતાના માતા પિતા સુધી પણ પહોંચી ગઈ કે નીતા અને હીરો બંને ઘણા આગળ વધી ગયા છે
નીતા આજે ખુશખુશાલ મૂડમાં હતી ગઈકાલે લો ગાર્ડનમાં બેઠા હતા, ત્યારે હીરાએ તેને કહ્યું હતું કે' ગમે તે ડ્રેસ માં તારું રૂપ ખીલી તો ઉઠે જ છે પરંતુ જે દિવસે તું ગુલાબી સાડી ધારણ કરે છે ત્યારે તો સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવી હોય તેવી લાગે છે. તેથી પોતાના બોયફ્રેન્ડની પસંદગીને ધ્યાને રાખી ગુલાબી સાડીમાં સજ્જ થઈને તે કોલેજ જવા તૈયાર થઈ ,વિશાળ અરીસામાં પોતાનું પ્રતિબિંબ તેણીએ જોઈ લીધું .હાથમાં બે પુસ્તકો લઈને ઉપરના માળે રહેલા પોતાના બેડરૂમમાંથી પગથિયાં ઉતરીને કે નીચે આવી. તેને ખાતરી જ હતી કે બહાર સડક ઉપર જ હીરો તેની રાહ જોઈને ઉભો હશે .નીતાના મોટાભાઈ પેઢીએ ગયા હતા. તેની ભાભી રસોડામાં કામમાં ગૂંથાયેલી હતી. શેઠ અને શેઠાણી ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠા- બેઠા કંઈક ખાનગી ગુસપુસ કરી રહ્યા હતા .નીતા ને દાદર ઉતરીને નીચે આવતી જોઈ બંને તેના તરફ જોઈ રહ્યા. નીતા એ પાસેથી પસાર થઈને મુખ્ય દ્વાર તરફ પગ ઉપાડ્યા એ જ વખતે શેઠ જયંતીલાલ બોલ્યા" નીતા ! અહીં આવતો !"અને નીતા ના પગ ત્યાં જ ચોટી ગયા સહેજ કચવાતા મને તે પાછી ફરી ને તેના પપ્પા નજીક આવીને બોલી " શું કહો છો ડેડી ? શેઠે એક નજર શેઠાણી તરફ નાખી . ને પછી નીતા તરફ જોઈને ગંભીરતા ધારણ કરીને પૂછ્યું " ક્યાં જાય છે બેટી ? નીતા હાથમાંના પુસ્તકો બતાવતા બોલી " કેમ એમ, કોલેજ જાઉં છું! ને ક્ષણે ક રહીને ઉભર્યું "કેમ પૂછવું પડ્યું ડેડી ! કોઈ ખાસ કારણ ? "કોલેજ જાય છે કે પછી, શેઠ નીતા ના ચહેરા સામે જોઈ રહ્યા તેમના ચહેરાના ભાવ બદલાયા અને તેમણે ધીમા છતાં કડક અવાજે વાક્ય બદલ્યું "જો નીતા આજ સુધી મેં તને એક દીકરાને પણ ન મળે એટલી છૂટ આપી છે .ને પછી નીચું જોતાં બોલ્યા."પરંતુ કાશ એ છૂટનો દૂર ઉપયોગ થતો હોય એવું મને લાગે છે." નીતા ઘણું બધું સમજી ગઈ છતાં પણ કંઈ ન સમજી હોય તેવો ડોળ કરીને બોલી ."કેમ પપ્પા , તમે કહેવા શું માગો છો એ હું કંઈ સમજી નહીં.!" શેઠનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. ને તેઓ ઊંચા સાથે બોલ્યા "હું એ જ કહેવા માગું છું ,જે અત્યારે તું કરી રહી છો !' ને ક્ષણેક અટકીને તેમણે ખુલ્લો ફોડ પાડ્યો "મને સમાચાર મળ્યા છે કે હમણાંથી તું 24 કલાક કોઈ યુવાન સાથે રખડે છે .હરે ફરે છે .અને ગમે તે સમયે ગમે ત્યાં જાય છે !'હું એ જાણવા માગું છું કે તે યુવાન છે કોણ ? નીતા ના ગુલાબી ચહેરા ઉપર શરમની લાલાશ તરી આવી ને તે નીચું જોઈ બોલી "ઓહ્ ,તો પપ્પા વાત આપણા સુધી પણ પહોંચી ગઈ છે એમને ? સારું થયું આમેય અમે બંને આપને આ વાત તો કરવાના જ હતા .ને પછી તેણી એ હીરાનો પરિચય આપ્યો હીરો પપ્પા હીરો છે ને દરેક પુરુષમાં તે કોલેજ ફર્સ્ટ છે અમે એકબીજાને પૂરી રીતે જાણીએ છીએ અને સમજીએ છીએ અને એકબીજાને પસંદ પણ કરીએ છીએ અને અમે બંને એકબીજાના ગળાડુબ-અને આગળનું વાક્ય નીતા પુરું બોલી ન શકી . "ની...તા !' જયંતીલાલ લગભગ ત્રાડ જેવા અવાજે બોલ્યા." તું જાણે છે કે તું કોની સાથે વાત કરે છે એ !' ને પછી હાથ ની મુઠ્ઠી વાળતા નિસાસો નાખ્યો .આજકાલના જુવાનીયા યુવાનીના મદમા છકી ને, ભવિષ્ય નો વિચાર કર્યા વિના, કેવડો મોટો ફેસલો કરી નાખે છે ? ને પછી સાચી પરિસ્થિતિથી નું ભાન થતાં જિંદગીભર રખડ્યા કરે છે, પસ્તાય છે, અને રડ્યા કરે છે. "પરંતુ , પપ્પા ..!'નીતા વચમાં જ બોલી "હીરો ખરેખર સાચો કોહિનુર હીરો છે .તે બીજા પુરુષો જેવો નથી. ને અમે બંને એકબીજા વગર હવે એક ક્ષણ પણ રહી શકીએ કે જીવી શકીએ એમ નથી . ને મને વિશ્વાસ છે કે ગમે તે પરિસ્થિતિમાં પણ હીરો જિંદગીભર મને દુઃખી નહીં કરે શેઠ કેટલોય સમય દરવાજા સામે જોઈને કંઈક વિચારતા રહ્યા .ને પછી સોફા ઉપર બેસતા હારેલા સાદે બોલ્યા. "અચ્છા તો એને આજે સાંજે 8:00 વાગે આપણે ઘેર બોલાવજે ,મારે પણ એનો પરિચય કેળવો છે. અને એના વિશે જાણવું છે !' "ચોક્કસ પપ્પા ! કહીને નીતા આનંદ છુપાવતી સ્કૂટર લઈને બહાર નીકળી ગઈ. સડક ઉપર જ બેચેની પૂર્વક હીરો તેની રાહ જોઈ રહ્યો હતો. તે વારે ઘડીએ ઘડિયાળમાં નજર નાખીને બંગલા તરફ નજર દોડાવ્યા કરતો હતો .નીતા તેની પાસે પહોંચી એટલે હીરો બોલ્યો સમયની કાંઈ કિંમત છે કે નહીં સાડા દસ નો ટાઈમ આપ્યો હતો ને 11 વાગી ગયા. આ એક માસના સહવાસ દરમિયાન નીતાએ હીરાને સ્કૂટર ચલાવતા પણ શીખવી દીધું હતું .એટલે હીરો આગળની સીટ ઉપર ગોઠવાણો અને નીતા પાછળની સીટ ઉપર બેઠી ."કઈ તરફ લેવું છે ? હીરો કીક મારતા બોલ્યો. "તારું દિલ કહે એ જગ્યાએ, કારણ કે આજે તો હું તને એવી સરસ સરપ્રાઈઝ આપવાની છું કે ,તું જિંદગીભર યાદ રાખીશ !નીતા હીરાના શરીરને ચોટતા બોલી .અને હીરાએ સ્કૂટરને લો ગાર્ડન તરફ મારી મૂક્યું .લો ગાર્ડનમાં બેસીને આજે સાંજે પોતાના ડેડી એ હીરાને જોવા માટે પોતાના બંગલે બોલાવ્યો છે તે વાત બહુ જ આનંદ અને ખુશી સાથે કંઈ સંભળાવી હીરો પહેલા તો ગભરાયો પરંતુ નીતાના અતિ આગ્રહ અને તેણીએ આપેલી હિંમતથી તે તૈયાર થઈ ગયો. "જોજે પાછો બાધાની જેમ ન આવતો 'અપ ટુ ડેટ તૈયાર થઈને જ આવજે! મમ્મી -ડેડીને પણ ખબર પડે ને કે તેમની દીકરીએ પસંદ કરેલ છોકરો ખરેખર કોહિનૂર હીરો છે !'નીતા એ મજાક ના મૂડમાં કહ્યું "ઓકે બાબા કેટલા વાગે નો ટાઈમ આપ્યો છે ?" સાંજે 8:00 વાગે! તે સાંજે આઠમાં પાંચ કમ હતી ,એ જ વખતે શેઠ જયંતીલાલના બંગલા ના મુખ્ય પ્રવેશ દ્વાર થી એક યુવાન છટાદાર ચાલે, ચાલ્યો આવતો હતો, તેણે સફારી સૂટ પહેર્યો હતો. એ યુવાનની ચાલ ઝડપી છતાં મોહક હતી.તે હીરો હતો .નીતાને થયું કે પોતે એને દોડીને ભેટી લે ,પરંતુ વડીલોની હાજરીમાં તેણી તેમ ન કરી શકી .હીરાએ આવીને શેઠને પગમાં નમસ્કાર કર્યા .જ્યારે નીતાના મોટાભાઈ સાથે હસ્તઘૂનન કર્યું "આવો પધારો ,અહીં બેસો !"નીતાના મોટાભાઈએ વિવેક બતાવતા પાસેના શોભા ઉપર બેસવાનું કહ્યું .શેઠને આ યુવાનનો વિવેક, પહેલી નજરે જ ગમી ગયો. "અરે નીતા, ઉભી છો શું! જાતો ,મહેમાન માટે પહેલા પાણી લઈ આવ. અને પછી ચા લઇ આવ !શેઠાણી બોલ્યા.નીતા રસોડામાં ગઈ .શેઠ સોફા ઉપર બેઠેલા એ યુવાનને નિર્ખી રહ્યા. આશરે છ ફૂટની ઊંચાઈ, સપ્રમાણ અને કસાયેલો બાંધો, વાંકડિયા ટૂંકા વાળ, કંઈક કરી છૂટવાની મહત્વકાક્ષા રાખતી હોય તેવી તેજસ્વી આંખો, પોતાની પુત્રીની પસંદગી યોગ્ય છે. તેઓ તેમને માનસિક સંતોષ થયો પરંતુ હજુ ઘણું બધું પૂછવાનું અને જાણવાનું બાકી હતું. નીતા પ્રથમ પાણી અને પછી ચા લઈ આવી .ચા ને ન્યાય આપતાં તેમણે એકબીજાનો પરિચય કર્યો અને પછી ઘણી બધી વાતો કરી. અંતે શેઠ મુળ વાત પર આવ્યા ."આમ તો તમારા અને નીતાના સંબંધ વિશે નીતા એ મને ઘણું બધું કહી દીધું છે .પરંતુ હું તમને એક -બે વાત પૂછવા માગું છું જેનો જવાબ આપશો ? 'હિરો પોતાની બેઠક ઉપર ટટાર થયો .એટલે શેઠે પૂછ્યું "આપના પિતાજી શાનો બિઝનેસ કરે છે ?' "મારા પિતાજી ફાર્મર છે .અને ખેતી કરે છે. મતલબ કે ભાગીયા અને સાથિ રાખી ખેતી કરાવે છે. "કેટલી જમીન છે તમારી પાસે ?' શેઠે ઝીણી આંખ કરતાં પૂછ્યું . " હાલ તો સાઈઠ વીઘા જમીન છે. અને તેમાં બે બોરવેલ પણ છે અને હવે તો ત્રણેય સિઝન પાક લઈએ છીએ !'હીરો સ્વસ્થતા તી થી બોલ્યો .ખેતી કરે છે એ શબ્દોથી નીતા ના ઘરવાળાને થોડો આઘાત લાગ્યો હોય તેમ સન્નાટો છવાઈ ગયો.પરંતુ એ લોકોએ દેખાવા ન દીધું હીરો આગળ બોલ્યો ."અત્યારે તો લીલા લહેર છે, પરંતુ મારા' ફાધર 'કહેતા હતા કે એક સમય એવો હતો કે એમને મજૂરી કરવા ઠેક અમદાવાદ બાજુ આવવું પડ્યું હતું. હીરો પોતાની વાત કહે જતો હતો ."જયંતીલાલ ભૂતકાળમાં નહીં પરંતુ વર્તમાનમાં માને છે !'શેઠ બોલ્યા ને આગળ કહ્યું "તમારા ફાધરનું એડ્રેસ આપશો જરા! લાવો હું જ લખી આપુ."કહેતાં હીરા એ શેઠ પાસેથી ડાયરી લીધી અને તેમાં તેમના ઘરનું એડ્રેસ લખી આપ્યું ત્યારબાદ એ લોકોએ ડિનર પણ સાથે લીધું. ને મોડી રાત્રે હીરાને માનભેર તેમણે વિદાય કર્યો પરંતુ હીરાના ગયા બાદ શેઠના બંગલામાં મોટું ધમસાણ મચી ગયું. એક મિલ માલિકની દીકરી ગામડાના ખેડૂતના દીકરા સાથે મેરેજ કરે, એ વાત જ આ સુખી લોકોને ગળે ઉતરતી ન હતી. તેમાંય જો એ છોકરો અહીં અમદાવાદ આવીને રહે તો ઠીક. પરંતુ હીરા એ તો કહી દીધું હતું કે" લગ્ન બાદ પણ તે ગામડામાં જ રહે શે !'ઘર જમાઈ બનીને તે અમદાવાદ નહીં રહે! નીતાને તેના ઘરવાળાએ ખૂબ સમજાવી, જાત -જાતના ડર પણ બતાવ્યા .પોતાના ઘેરથી કાઢી મૂકવાની ધમકી પણ આપી. અને મિલકતમાંથી એક ફૂટી કોડી પણ નહીં આપવાની ધમકી આપી .પરંતુ નીતા એકની બે ન થઈ તે ન જ થઈ. તેણી તેની વાતમાં મક્કમ રહી કે લગ્ન કરીશ તો હીરાજ જોડે નહીં તો આખી જિંદગી કુવારી રહીશ !ને નીતા ની આ જીદ આગળ છેવટે તેના મમ્મી- ડેડીએ ઝુકવું પડ્યું .ને ના છૂટકે નીતા ની વાત માનવા તેઓ સંમત થયા હતા.
તે રાત્રે રોજ કરતા એક પેગ વધુ લેવા છતાં હીરાને ઊંઘ આવતી ન હતી.તે જેવો આંખ મીંચીને ઉધવાની કોશિશ કરે ,કે એક નહીં ,બે -બે સ્ત્રીઓના ચહેરા તેની આંખો આગળ તરવરી આવતા ."તમે મને ભણવામાં ભૂલીતો નહિ જાઓ ને ? 'લંબગોળ ચહેરો કહેતો હતો 'તારા વગર હું એક પળ પણ હવે જીવી લઈ શકું તેમ નથી હીરા. હું તારી સાથે લવ- મેરેજ કરવા માગું છું!"ગોળ ગુલાબી ચહેરો કહેતો હતો. " હે મા'કાલકા !'રૂદિયા નાજે ધબકારે હું એમને ભૂલું ,એ પળે જ તું મને તારા ખપ્પરમાં માં લઈ લેજે!' લંબગોળ ચહેરો પોતાનો કોલ યાદ કરાવતો હતો. તન અને મન બને સંતુષ્ટ થાય, એવો મોકો હું શા માટે છોડુ !' ગોળ ચહેરો શરારત કરતો હતો અને હીરાએ તે બંને ચહેરાની તુલના ચાલુ કરી .રતન પાસે શું છે ?પોતાના પ્રત્યે અતૂટ વિશ્વાસ, પ્રેમ, શરમાળપણુ ,સંકોચ અને સાથે જીવવા મરવાના કોલ ,જ્યારે આ બાજુ નીતા પાસે શું નથી ? પૈસા છે ,પ્રતિષ્ઠા છે ,અને પ્રેમ પણ કયા ઓછો કરે છે ?' એ બધાથી ચડી જાય તેવી તેનામાં તકને ઝડપી લેવાની ક્ષમતા, અને આવડત .તેણે આગળ વિચાર્યું રતને તેને આ બે -ત્રણ મહિનામાં શું આપ્યું ?' જ્યારે સામે એક મહિનામાં જ નીતા એ તેને ઘણું બધું આપી દીધું હતું .માટે પોતાને પણ આ તકને ઝડપી લેવી જોઈએ. તેવો તેણે મનમાં નિર્ણય કર્યો .
બીજા દિવસે હીરો અને નીતા એકબીજાને મળ્યા ત્યારે પોતાના મમ્મી- ડેડી લગ્ન માટે રાજી થયા છે તે વાત હીરાને નીતા એ ઉત્સાહભેર કહી સંભળાવી ને હીરાના મા-બાપને પણ એ માટે સંમત કરી ટૂંક સમયમાં જ બંને લગ્ન કરી નાખે એવું જણાવ્યું. પરંતુ હીરાની ખરી મુશ્કેલી હવે જ ચાલુ થઈ હતી. પોતાના પિતાજીના કડક સ્વભાવને તે જાણતો હતો તેથી આ બધી વાત સીધો પત્ર લખીને તેમને તે જણાવી શકે તેમ ન હતોં તો નીતા વગર હવે તે એક પળ પણ રહી શકે તેમ પણ ન હતો. અને અંતે આખા દિવસના મનોમંથન બાદ અંતે રાત્રે તેણે પત્ર લખ્યો.
પરંતુ હીરા નો આ પત્ર ગામમાં જતાં ની સાથે જ આખા પીપળીયા ગામમાં ખળભળાટ મચી ગયો .પત્રમાં તેના અને નીતાના સંબંધોની અને તે બંને એ લીધેલ નિર્ણયની વિસ્તૃત માહિતી તેણે લખી હતી. અને એ પત્ર મોહન ઉપર નહીં પરંતુ પોતાના દોસ્ત સુરેશના સરનામે પોસ્ટ કર્યો હતો. અને તેમાં પોતાના માતા- પિતા તથા કુટુંબીજનોને તેમના અને નીતા ના લગ્ન માટે સમજાવી દેવા આજીજી કરી હતી અને પત્ર માં બધાની ક્ષમા પણ માગી હતી. અને સાથે- સાથે છેલ્લે પત્રમાં એવી ધમકી પણ આપી હતી કે, જો પોતાની આ વાત માનવામાં નહીં આવે તો તેનાં ઘરવાળા કે ગામલોકો પોતાનું મોઢું ક્યારેય નહીં જોઈ શકે. અને પોતે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેશે ."
સુરેશ ની પણ આ પત્રમાંની વાત મોહનને જણાવતાં હિંમત ચાલતી ન હતી.પરંતુ એના માટે ધર્મસંકટ ઉભું થયું હતું .તેથી ના છૂટકે તેને પત્રની આ વાત કહેવી પડી હતી.
પત્ર સાંભળીને મોહન નો ચહેરો ક્રોધ થી લાલ પીળો થઈ ગયો .તેની આંખોમાં લાલાશ તરી આવી .
"હે રામ, આપણા હીરાને બદલે કોઈક બીજાએ તો કાગળ નથી લખ્યો ને !"રૂપા ઉચાટમાં બોલી .
"એના વગર બીજું કોણ એનો ભા કાગળ લખવા નવરું બેઠું છે ?" મોહન દાંત પીસતા બોલ્યો.
મોહન ના ચહેરાની સખતાઈ જોઈ બધા એક પછી એક ત્યાંથી સરકી ગયા . "અક્ષર તો હીરાના જ છે, પછી રામ જાણે!" કહે તો સુરેશ પણ સૌની સાથે બહાર નીકળી ગયો . મોહન અને રૂપા બને એકલા પડ્યા. આંગણામાં ઢોલિયો ઢાળીને મોહન એના ઉપર બેઠો. તે વિચારી રહ્યો. પોતાના એકના એક પુત્રને જીવથી પણ અધિક સાચવીને મોટો કર્યો .ભણાવ્યો અને એ જ પુત્ર શું પોતાની આબરૂ ધૂળમાં મેળવશે ?' એમ કદાપી થવા ન દેવાય. કંઇક વિચારીને તે બોલ્યો ."ઝમકુ, જાતો રૂડા અને મેવા ને બોલાવી લાવતો." થોડીવારમાં જ મેવો તથા રૂડો પણ ત્યાં આવી પહોંચ્યા. તેમના કાને પણ આ પત્રની વાત પહોંચી ગઈ હતી.
"રૂડા, એમ કર્યું હોય તો ! તું જાતે જ અમદાવાદ જા. ને એ હીરિયાને ,ગમે તે બહાને સમજાવીને અહીં લઈ આવ. ને, ન મારે તો તેને ઉપાડીને પણ લઈ આવ .જેથી બધી જ વાત ઉગતી જ બેસી જાય ! મોહન બોલ્યો.
"એમ હવે એ ક્યાં છોકરું છે તે એને સમજાવી શકાય !' અને એને સમજવું હોય તો આમ ખુલ્લે આમ બધું લખે ખરો !'રૂડાએ કહ્યું . "હું તો પહેલેથી જ ના પાડી હતી કે છોકરાને શેરમાં ભણવા નથી મેલવો .પણ મારું માને કોણ જ કોણ ?"રૂપા એ પોતાના હૈયાનો બળાપો વ્યક્ત કર્યો. ફરી પાછી ત્યાં ચુપકીદી છવાઈ રહી. તે રાતે મોડે સુધી મોહન ,રૂડો, મેવો અને રૂપા આ વાતનું મનોમંથન અને ચર્ચા કરતાં રહ્યાં.અને હીરાને નીતાથી અલગ કરી, અહીં લઈ આવવાના અનેક રસ્તા તેમણે વિચાર્યા .પરંતુ કોઈ રસ્તો કામયાબ નીવડે તેવું લાગતું ન હતું. હીરાએ પત્રમાં નફ્ફટ થઈને ચોખ્ખું લખ્યું હતું કે' વગર લગ્ને પણ તે અને નીતા, પતિ -પત્નીની જેમ જ રહે છે .ને નીતા થી પોતાને જુદો પાડવાની કોઈ વાત કરશો તો પોતાની લાશ ભાળશો .અને એકના એક પુત્રની લાશ જોવાની વાતથી રૂપાનું માતૃહૃદય ફફડી ઉઠ્યું.તે રડમશ સાદે બોલી."એ, જેમ કહે તેમ કરો, પરંતુ એક વખત મને મારા હિરા નુ મોઢું બતાવોજ!"ઘણા વિચાર ના અંતે પેલા ત્રણેય જણા પણ હીરો કહે તેમ કરવું પરંતુ એકના એક પુત્રને ખોવા ન દેવો એ વાત ઉપર સંમત થયા.અને આવતી કાલે સવારે જ અમદાવાદ જઈને હીરા તથા એ છોકરીની સગાઈ કરી આવવી અને ટૂંક સમયમાં જ બંનેના લગ્ન કરાવી દેવા એવું નક્કી કર્યું.
હીરાના પત્રની આ વાતથી સૌથી મોટો આઘાત રતનને થયો .તેનું દિલ સાચું માનવા તૈયાર જ ન હતું, કે હીરો આવું કરે .જેમાં જ્યારે એમ જાણ્યું કે હીરાના ઘરવાળા તે છોકરી સાથે હીરાના લગ્ન કરવા રાજી થઈ ગયા છે, ત્યારે તો તેના પગ તળેથી ધરતી સરકી ગઈ .તે લગભગ વિચાર શૂન્ય થઈ ગઈ . ને બે દિવસમાં તો અમદાવાદ જઈને મોહન, મેવો અને રૂડો હીરા અને નીતા ની સગાઈ પણ કરી આવ્યા .ને ટૂંક સમયમાં લગ્નની તિથિ પણ નક્કી કરી દીધી. પરંતુ અમદાવાદથી આવ્યા બાદ તો નવી- નવી વાતો એ પીપળીયામાં જોર પકડ્યું. હીરાની વહુ મોહન, મેવાને રૂડાને ખુલ્લા માથે જાતે જ પાણી અને ચા આપવા આવી હતી. અને એ બધાની હાજરીમાં જ સામે જ સોફા માં બેસીને બિન્દાસ બધાંની સાથે વાતો પણ કરતી હતી એ જ ચર્ચાનો વિષય હતો. અને એનાથી આગળ વધીને તેણી લગ્નમાં ફેરા ફરતી વખતે પણ ખુલ્લા માથે જ ફેરા ફરવાની છે ,અને ગામમાં આવીને પણ કોઈની લાજ નથી કાઢવાની. આ વાત સાંભળીને તો ગામમાં સોપો જ પડી ગયો .અમુકે તો કહ્યું પણ ખરું, કે "ભણેલો માણસ પેઢી બોળે !"તે આનું જ નામ .તો અમુકે કહ્યું "આવી વાતોમાં મોહન જેવો જીદ્દી સ્વભાવનો માણસ, અને રૂપા જેવી વટવાળી બાઈ સંમત કેવી રીતે થયા .એની જ ખબર પડતી નથી !"તો બીજો વળી વાત લાવ્યો કે ,"મોહન અને રૂપા તો આ લગ્ન ની વાતમાં બિલકુલ રાજી ન હતા .પરંતુ હીરાએ "પોતાની વાત નહીં માનો ,તો પોતાનું મોઢું નહિ જુઓ ,પરંતુ પોતાની લાશ જોશો !"એવી ખુલ્લી ધમકી આપી હતી. એટલે ના છૂટકે પરાણે બંનેને સંમત થવું પડ્યું છે .આમ ગામમાં જાતજાતની વાતો ચાલતી હતી.
રતનની વર્તણુકમાં હમણાંથી ઘણો ફેર પડી ગયો હતો. કામ કરતાં- કરતાં ક્યારેક તેના હાથ એમ જ થંભી જતા. ક્યારેક કોઈ વસ્તુ તરફ સમસ્ત દુનિયા ને ભૂલીને તેણી એકી નજરે જોઈ રહેતી .કોઈક એની વાતમાં ખલેલ પાડે ત્યારેજ તેનો ધ્યાન ભંગ થતો .તેણી કૂવે પાણી ભરવા જાય ત્યારે કોઈ નો પણ સંગાથ ના કરતી . કૂવે પાણી ભરતાં- ભરતાં કૂવાના સ્થિર જળમાં પોતાના પ્રતિબિંબને કેટલો સમય જોઈ રહેતી .બીજી કોઈ પરિહારી પોતાનો ઘડો પાણીમાં સિંચે ,સ્થિર જળમાં તેનાથી ઊડતા તરંગોમાં પોતાનો ચહેરો અદ્રશ્ય થાય ,ત્યારે તે ભાનમાં આવતી. ને કોઈની પણ સાથે વાતચીત કર્યા વિના મંદ ચાલે તે ઘેર તરફ આવતી .
તેણી ના આ વર્તનથી તેના માતા -પિતા અને કુટુંબીજનો ખૂબ જ ચિંતિત હતા.તેઓને થયું કે આજકાલ આ છોડીને થયું છે શું ?'પરંતુ તેનો જવાબ તેમને જડતો ન હતો ને આ વર્તણૂકથી તેમને હવે ડર લાગવા મંડ્યો કે" ક્યાંક છોડીનું છટકી તો નહીં જાય ને ?' તેથી બને એટલે ઝડપે રતન ની સઞાઈ અને લગ્ન બંને સાથે કરી નાખવા .એની વેતરણમાં તેઓ પડ્યાં હતાં.
હીરાના લગ્નના આડે થોડા દિવસો રહ્યા હોવાથી અમદાવાદથી તે ઘેર આવ્યો હતો. ઢળતી સાંજે પીપળીયા ના પાદરે હીરો, સુરેશ અને રવજીની ત્રિપુટી આજે ઘણા દિવસો બાદ બેઠી હતી. હીરો પોતાની અને નીતા ની કોલેજની વાતો કરતા ધરાતો ન હતો .તેમની પાસેથી રતનને ખાલી બેડું લઈને કુવા તરફ જતી જોઈએ રવજીએ હીરા ને ટોન્ટ માર્યો."હીરા, પાણી નથી પીવું ?'
"મુકો ને યાર, ખોટી બબાલ !"હીરા એ કંટાળો બતાવ્યો તરસ્યું હોય એને પાણી ભાવે, એમ કાંઈ ધરાયેલા ને પાણી ભાવે ખરૂં ?'સુરેશના શબ્દોનો મર્મ ઘણો ઊંડો હતો . સૂરજ ઢળી રહ્યો હતો.ત્રણેય દોસ્તો એ ઘર તરફ પગ ઉપાડ્યા. તેમનાથી પાંચ- સાત ડગલાં આગળ- આગળ રતન પાણીનું બેડું ઉપાડીને ચાલી જતી હતી. " શું યાર અમદાવાદની રંગીન જિંદગી છે ,મોજ કરો અને મસ્તી કરો. આ સમયે તો ત્યાં હું નીતા સાથે લો ગાર્ડનમાં જ બેઠો હોઉં ."હીરો મોટેથી રતન ને સંભળાવવા જ બોલ્યો. રતન એક ક્ષણ ઊભી રહી તેણીએ પાછળ નજર કરી એક ક્ષણ હીરાની અને તેની આંખો મળી. ને બીજી જ ક્ષણે હીરા તરફ જોઈને જમીન ઉપર જોરથી થૂકી દીધું . થૂંક તો જમીન ઉપર પડ્યું હતું .પરંતુ એ થૂંક હીરાને પોતાના ગાલ ઉપર પડ્યું હોય તેવો અહેસાસ થયો. તે ખાસિયાળો પડી ગયો .ને આગળ બેડું ઉપાડીને ચાલતી જતી રતન તરફ જોઈને બોલ્યો ."જોયું ,યુવાનીનો મદ !રોકડું પરખાવી દ ઉ કાંઇક ?" પરંતુ રવજી અને સુરેશ બંને ચૂપ હતા તે આ બંનેના પ્રેમના સાક્ષી હતા .અને હીરા તરફથી થયેલ બેવફાઈના પણ સાક્ષી હતા આગળ ચાલતી રતને ચાલને થોડી ધીમી કરી .અને પછી પેલા ત્રણેય સાંભળે એવા મોટા સાદે બોલી "આ ભણેલ કરતા ભૂંડ ભલા !"ને પછી માથા ઉપરનું બેડું છુટ્ટું મૂકીને પોતાના બંને હાથોમાં પહેરેલી સોનેરી કલરની એ બંગડીઓ તેણીએ પરાણે બહાર કાઢી. હીરાની આંખો ચમકી ,આ પોતાના જ હાથે પહેરાવેલી એ બંગડીઓ હતી. પોતાના તરફથી રતનને હંભાયણી માં આપી હતી એજ.રતને બંને હાથની હથેળીમાં દબાવી ને પરાણે તેના ટુકડા કર્યા .ને તે એક -એક ટુકડો જમીન ઉપર ફેંકતી -ફેકતી ગામ તરફ ચાલી જતી હતી .તેની બંને આંખોમાંથી દડ- દડ આસુ કરતાં હતાં. જાણે કે તે કહેવા માગતી હતી ."મારા દિલના પણ ,આ બંગડીઓની જેમ ઝીણા -ઝીણા ટુકડા થઈ ગયા છે .અને તે આ માટીમાં મળી ગયા છે .ત્રણે દોસ્તો બંગડીઓના ટુકડા જોતા જોતા રતની પાછળ- પાછળ જ આવી રહ્યા હતા. સુરેશ અને રવજી વારે ઘડીએ હીરા તરફ જોતા હતા તે બંનેની આંખો જાણે કે હીરાને મૂંગો ઠપકો આપતી હતી."તે આ શું કર્યું? હીરા.આવું તો તારે નહોતું કરવું જોઈતું !"સુરેશ રવજી અને હીરાની દોસ્તી હજુ ચાલુ તો હતી .પરંતુ હવે તે માત્ર નામ પૂરતી જ.કારણ કે અમદાવાદથી આવ્યા બાદ હીરાને એક પણ દિવસ દારૂ વિના ચાલતું નહીં .જ્યારે પેલા બંનેને દારૂ પ્રત્યે સખત નફરત હતી .તો બીજી તરફ હીરાના નવા દારૂડિયા દોસ્તો માં વધારો પણ થવા માંડ્યો હતો.
હીરાના લગ્નમાં મોહને પુરા પચાસ હજાર વાપરવાનું નક્કી કર્યું હતું. એક તો હીરો એકનો એક પુત્ર હતો ને સામે બે બે બોરની કમાણી પણ ધુમ આવતી હતી. તો સામે વેવાઈ પણ ઘણા સક્ષમ હતા. અને બે -બે મિલોના માલિક હતા. ને પુત્રીમાં તો તેમને નીતા એક જ હતી ને . બે લક્ઝરી બસ અને એક કાર સ્પેશિયલ જાન લઈ જવા- લાવવા માટે બાંધી હતી. બેન્ડબાજા વાળા ને પણ બોલાવવામાં આવ્યા હતા ને ધૂમ દારૂખાનું ફોડવામાં આવ્યું હતું . ને આમ ખૂબ જ ધામધૂમથી હીરા નાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. શેઠે જાનની સરભરા કરવામાં પણ કંઈ મણા રાખી ન હતી. પરંતુ નવીન ઘટનાએ હતી કે પીપળીયા ગામ ના આજ સુધીના ઇતિહાસમાં કોઈ પણ વહુ ખભે સાડી નાખીને, લાજ કાઢ્યા વિના, ચોરીના ચાર ફેરા ફરીને આવી ન હતી. ગામમાં ઘણા લોકોને આ ગમ્યું ન હતું પરંતુ તેઓને ખબર હતી કે આ બધી વાત તો સગાઈ વખતે અગાઉથી જ નક્કી થઈ હતી .તેથી કોઈ કંઈ બોલ્યું ન હતું જાન પીપળીયા આવી એટલે મોટી સંખ્યામાં લોકો જાનને જોવા ઉમટી પડ્યા હતા. આમ તો બીજી કોઈ જાનને જોવા માટે સ્ત્રીઓ જ વિશે સંખ્યામાં ઉમટતી પરંતુ આ લાજ વગરની વહુને જોવા તો પુરુષો પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા .સૌ કોઈ નીતા ના રૂપ ને જોઈને તેના વખાણ કરતા હતા .તો કોઈ વળી કહેતું હતું "આવી પરી જેવી વહુ ને જોઈને હીરો મોહી ના જાય તો શું કરે !"તો બીજો જણ કહેતો "આવી ભણેલ -ગણેલ અને અપ્સરા જઈ વહુએ આપણા ગામડાના હીરાને પસંદ કર્યો એ જ હીરાના કિસ્મત કહેવાય !"તો ત્રીજો એની વાતને વચ્ચે કાપતો "બેસ-બેસ હવે ,આપણો હીરો પણ રૂપમાં અને ગુણમાં એનાથી ક્યાં ઉતરતો છે ?"ને આ બધાંને જાણે કે બતાવવા માંગતો હોય તેમ હીરો," જોઈ લો મારી પસંદગી કેવી છે ?"એવી રીતે ગર્વ ભેર એ ટોળા ઉપર નજર ફેરવતો હતો .નીતા હીરાની લગોલગ જ ઉભી હતી રૂપા ઓઝણુ પુખતી હતી .ટોળામાં ઘણી દૂર ઊભેલી બે આંખોથી હીરાની આંખો મળી .ને એ નજર સહન ન થતાં હીરાએ નજર નીચે ઢાળી દીધી." દેખાય તો છે પરી ,પરંતુ નીવડે ત્યારે જાણું કે અસ્ત્રી ખરી !'રતન હોઠ ચાવતા મનમાં જ બોલી .રૂપાને અને ગામ લોકોને લાગ્યું કે મોહન ના ખોરડાને ઉજાળે એવી વહુ તેમને મળી છેઃ ને અખંડ સૌભવતીના આશીર્વાદ પણ રૂપા એ તેને આપ્યા .