ટાઈગર 3
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘ટાઈગર 3’ માં સલમાન ખાનના જ નહીં કેટરિના કૈફના એક્શન દ્રશ્યો પણ દર્શકો માટે મોટી ટ્રીટ બન્યા છે. નિર્દેશક મનીષ શર્મા રોમેન્ટિક ફિલ્મો પછી પહેલી વખત એક્શન – થ્રીલર ‘ટાઈગર 3’ લઈને આવ્યા હોવા છતાં એમાં સારો પ્રયત્ન કર્યો છે. એમના એક્શન દ્રશ્યો હોલિવૂડ સ્તરના હોવાનો દાવો તો સાચો સાબિત થયો છે પણ સ્ક્રીપ્ટ પર અગાઉના નિર્દેશકો કબીર ખાન કે અલી અબ્બાસ ઝફર જેટલી મહેનત કરી નથી. આખી ફિલ્મ સલમાન પર જ છે. મનીષ શર્માને બદલે એક્શનમાં વધુ અનુભવી કોઈ નિર્દેશક હોત તો વાત કંઈક અલગ જ હોત.
યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘ટાઈગર’ ની દરેક નવી ફિલ્મના નિર્દેશક અલગ રાખવામાં આવે છે. એ કારણે નુકસાન પણ થઈ રહ્યું છે. ફિલ્મ માટે વધારે અપેક્ષા હતી એ સંપૂર્ણ સંતોષતી નથી. જે કમાલ સલમાનની ભૂમિકાએ ‘પઠાન’ માં કર્યો હતો એ સલમાનની ‘ટાઈગર 3’ માં શાહરૂખની ભૂમિકાએ કર્યો નથી પણ બંને એકસાથે પડદા પર આવે ત્યારે એમ જરૂર લાગે છે કે પૈસા વસૂલ છે.
સલમાન ખાનની એન્ટ્રી જોરદાર છે તો શાહરૂખ પણ એવા સમય પર આવે છે કે દર્શકોની તાળીઓ મેળવી જાય છે. આગામી ફિલ્મ ‘પઠાન વર્સેસ ટાઈગર’ ની વાર્તા દમદાર હશે તો બોલિવૂડના ચાહકોને એક મોટી ફિલ્મ મળશે. અલબત્ત નિર્દેશકની પસંદગી મહત્વની બની રહેશે. ‘પઠાન’ પછી સિધ્ધાર્થ આનંદ એ માટે શ્રેષ્ઠ નિર્દેશક કહી શકાય એમ છે.
શાહરૂખે પોતાની મહેમાન ભૂમિકાને યોગ્ય રીતે ભજવી છે. ‘પઠાન’ ના ગીત સાથે જ એની એન્ટ્રી સહેતુક રાખી છે. જો શાહરૂખ મહેમાન બનીને આવ્યો ના હોત તો ફિલ્મમાં રસ ઓછો થઈ ગયો હોત. એ સિવાયની ફિલ્મની સ્ક્રીપ્ટ ઘણી જગ્યાએ ઢીલી લાગે છે. સ્પાય મિશનના નામ પર ઘણી જગ્યાએ મગજનો ઉપયોગ કરી શકાય એમ નથી. લોજીક શોધતા રહી જઈએ એમ છીએ. લેખકની ખામી એ છે કે કલાકારો વાર્તા સંભળાવ્યા કરે છે. સિનેમાનો નિયમ એવો છે કે વાર્તાને સંભળાવીને નહીં બતાવીને આગળ ચલાવવાની હોય છે. સ્પાય યુનિવર્સની ફિલ્મોમાં હોય છે એવી જ વાર્તા ‘ટાઈગર 3’ માં છે.
અત્યાર સુધીની ફિલ્મોમાં દર્શકો જોઈ ચૂક્યા છે કે ભારતના જાસૂસ ટાઈગર (સલમાન) ની પત્ની ઝોયા (કેટરિના) પાકિસ્તાનની એજન્ટ રહી ચૂકી છે અને એમનો એક છોકરો પણ છે. આ વખતે ટાઈગરના દુશ્મન તરીકે આતિશ (ઈમરાન હાશમી) છે. જે પાકિસ્તાની ISI નો મુખિયા રહી ચૂક્યો હોય છે. તે પાકિસ્તાનમાં લોકશાહી ખતમ કરીને પ્રધાનમંત્રીને હટાવી જાતે એ સ્થાન પર બેસીને પોતાની તાનાશાહી ચલાવવાનો ઇરાદો ધરાવે છે. ટાઈગર એનાથી પાકિસ્તાનને બચાવવામાં લાગ્યો હોય છે ત્યારે આતિશ ઘણી ચાલ ચાલે છે. તે ટાઈગર અને ઝોયાના પુત્રને એક એવું ઈંજેકશન મારે છે કે એનો 24 કલાકમાં ઉપાય કરવો પડે એમ છે. પુત્રને બચાવવા બંને મજબૂર બને છે અને દેશદ્રોહી સાબિત થાય છે. ટાઈગરે પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પણ બચાવવાના હોય છે. ટાઈગર સફળ થાય છે કે નહીં એ જોવાનું રહે છે.
મનીષ શર્માએ એક્શન સાથે ઇમોશન રાખવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. સલમાન ખાન ઈમોશનલ દ્રશ્યોને જીવંત બનાવે છે. છતાં ફિલ્મમાં દર્શકોને ભાવનાત્મક સ્તર પર સ્પર્શે એવા દ્રશ્યો ગણતરીના છે. પહેલો ભાગ એક્શનમાં જ નીકળી ગયો છે. ઇન્ટરવલ વખતે દર્શકો ચોંકી જાય એવું ખાસ કંઇ નથી. સલમાન જ્યારે બરાબર ફસાઈ જાય છે ત્યારે વાર્તામાં ગતિ આવે છે અને રોમાંચ વધે છે. દર્શકોને અત્યાર સુધીની વાર્તામાં દેશને બચાવવાના મુદ્દા પર આકર્ષી શક્યા હતા એટલા પાકિસ્તાન ખતરામાં હોય અને એને બચાવવાની વાત છે એમાં નિર્દેશક દિલથી જોડી શક્યા નથી.
વિલન તરીકે ઈમરાન હાશમીનો અભિનય સારો હોવા છતાં એનો કોઈ ડર ઊભો થતો ન હોવાથી તે જોઈએ એવી અસર મૂકી શક્યો નથી. સલમાન એના સ્વેગ સાથે એક્શનમાં જોરદાર દ્રશ્યો કરે છે. એના કેટલાક સંવાદ મજેદાર છે પણ એની દરેક ફિલ્મમાં સંવાદ બોલવાની એકસરખી સ્ટાઈલ જામતી નથી.
આ વખતે હમામ અને બંકરના દ્રશ્યોમાં કેટરિનાનો જવાબ નથી. એના સલમાન જેટલા જ ખતરનાક એક્શન દ્રશ્યો છે. તેથી એના અભિનયની નહીં એક્શનની જ વાત થાય એમ છે. ફિલ્મના પ્લસ પોઈન્ટ ઘણા છે. એક સ્પાય થ્રીલરમાં જરૂરી હોય એવા બધા જ તત્વો મનીષ શર્માએ રાખ્યા છે. ખાસ કરીને ક્લાઇમેક્સમાં રાષ્ટ્રગીતનું દ્રશ્ય રૂંવાડા ઊભા કરી દે એવું છે. ઈમરાનનો ફ્લેશબેક અને કેટરિના સાથેનો તેનો સંબંધ ચોંકાવી દે છે.
‘લેકે પ્રભુ કા નામ’ સિવાય પ્રીતમ યાદગાર ગીત-સંગીત આપી શક્યા નથી. શાહરૂખની જેમ છેલ્લે ઋતિકની મહેમાન ભૂમિકા ફિલ્મને કોઈ રીતે મદદરૂપ થતી નથી. ઋતિકની ‘વૉર 2’ આવી રહી હોવાને કારણે જ કદાચ એ હાજરી પુરાવવા આવ્યો હતો. એક્શન ઉપરાંત સલમાન અને શાહરૂખને એકસાથે જોવા માટે ‘ટાઈગર 3’ એક વખત જોઈ શકાય એમ છે.