વ્હાલા નાનીમાં,
માતાનો સ્નેહ નસીબદારના ભાગ્યમાં હોય છે. પણ માતાની પણ માતાનો પ્રેમ પામવો એ દુનિયામાં સ્વર્ગસમું સુખ પામવા જેટલો આનંદદાયી હોય છે. બહુ ઓછા એવા લોકો હશે જેને જીંદગીના ઘણા વર્ષો સુધી આ સ્નેહનો લ્હાવો મળ્યો હોય.હું મારી જાતને આ સુખ પામવા બદલ ખુબ ભાગ્યશાળી માનું છું.
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે 'એક માતા સો શિક્ષકની ગરજ સારે છે'. તો નાનીમાં એટલે તો માતાની પણ માતા એટલે એના જેવા શિક્ષક તો બીજો કોણ હોઈ શકે ? એટલે જ આજે નાનીમા તમને એક શિક્ષક તરીકે માની આ પત્ર લખવા જઈ રહી છું.
પહેલા તો આપને કરાતું સંબોધન 'નાનીમાં'જ મારા માટે પ્રશ્નાર્થ છે.જે માંની પણ માં તો નાનીમાં કેમ? પણ,કદાચ જે બાળક સાથે સ્વયં બાળક બની બાળપણ જીવે એ નાનીમાં હશે.એટલે પછી એ વિચારી આ સંબોધન જ ઊચિત લાગ્યું.મોસાળની મોભ સમા ને અમારા માટે એ શીતળ ઓથ સમા.
મારા જીવનના મહત્વના અનેક વર્ષો સુધી આપનો સ્નેહ પામ્યો છે. એટલે સાચું કહું તો આપ જ ખરા અર્થમાં મારા જીવનના ઘડવૈયા છો. કુંભારની જેમ ટપારીને મઠારનાર એવા તમને વિસરવા અશ્ક્ય છે. ભલે આજે આપની હયાતી નથી. પણ, આપના વિચારો અને જીવનને મેં મારામાં પૂરેપૂરા આત્મસાત કરવા પ્રયત્ન કર્યો છે.એટલે જ કદાચ મારી કે મારા અસ્તિત્વની ઓળખમાં તમારું ને તમારા વિચાર સંસ્કારોનું પ્રતિબિંબ હંમેશા રહેશે.
કોઈ નાના બાળકને માટે જેમ શાળાના શિક્ષક પોતાના રોલ મોડેલ હોય,તેમ તમે મારા માટે પહેલેથી જ મારા રોલમોડેલ રહ્યા છો. સાદગીપૂર્ણ જીવન, નિતિમત્તાના પાઠ, અને સાચા ધર્મ-ભક્તિને ખરા અર્થમાં તમારામાં જ સાક્ષાત્કાર થતા જોયા છે.એટલે જ કદાચ્ ત્યારથી આજ સુધી જીવનની કોઈપણ એવી સ્થિતિમાં મેં મારી જાતને તમારા સૂચવેલા માર્ગે વાળવા પ્રયાસ કર્યો છે, અને તેના થકી જ ખરા અર્થમાં આત્મસંતોષને પામી છું.ન માત્ર હું અમે બધા ભાઈ બહેનો આ બાબતે તો તમારા થકી જ નીખરેલા ને સંતોષી થયા છીએ.
જેમ શિક્ષક એક બાળકને અક્ષરજ્ઞાન આપે તેમ, તમે મને સચું જીવનજ્ઞાન આપ્યું છે. આપે સદૈવ મને શીખવ્યું છે કે 'કામ ત્યાં કર્મ'.જે વ્યક્તિ કદી આળસ કરતી નથી, તે વ્યક્તિના વિધાયક કર્મો રચાતા જ રહે છે.જીવનની દરેક સારી નરસી પરિસ્થિતિમાં જે સરળ અને સમાનભાવે જીવી જાણે તે જ સાચો માનવી . માટે જીવનને દુઃખી માનવાને બદલે સંતોષી બનવા પ્રયત્ન કરવો.
વળી , તમારા દ્વારા નિત્ય વંચાતી ભગવદ્ ગીતાના અધ્યાયોની શીખ ત્યારે બાળપણમાં ભલે મારામાં કોઈ અસર ઉપજાવી ન શકી. પરંતુ,આજે જ્યારે-જ્યારે એને વાંચવા પ્રેરાઈને વાંચું છું ને જીવનનો સાર પામી જાઉં છું. જાણે મન હળવું ફૂલ થઈ જાય છે.લાગે છે કે જાણે જીવનનો સઘળો સાર પામી લીધો.જાણે કે જીવનનું આ જ સાચી દિશાસૂચક હોકાયંત્ર છે.
શિક્ષણના નામે માત્ર અક્ષરજ્ઞાન ધરાવતા હોવા છતાં, આજ સુધીના મારા સાચા ચારિત્ર્ય ઘડવૈયા તમે જ છો. તમારા એ શિક્ષણ સમુદ્ર સામે જાણે મારી બધી ડિગ્રી અને શિક્ષણ મને સાવ બુંદ સમાન લાગે છે.
આજે તમે અમારી સાથે આ જગતમાં હયાત નથી.પણ, મારી માં અને મારામાં સિંચિત એ સંસ્કારો થકી તમે આજે પણ જીવંત લાગો છો.જયારે અમારી સાથે હતા ત્યારે તમારો આભાર વ્યક્ત કરવાની કે તમને કૃતજ્ઞ કરવાની સમજ ન હતી .આજે એ સમજ છે, તો તમે નથી. છતાં,તમે જયાં પણ હશો મારી આ લાગણીને પામી જશો.એ જ આશા સહ તમને આ પત્ર અર્પણ કરું છું.આપના ચરણોમાં કોટિ કોટિ વંદન.
લી.
આપની વ્હાલી સરિતા.