દ્રશ્ય જોઈ મન ખાટું થઈ ગયું.
ખિન્નતા ને મારી ભગાવવા ઘરેથી નીકળી લાઈબ્રેરી માં ગયો. કોરા કાગળને ચિતરી નાખવાનું મન થઈ આવ્યું. પણ કલમે સાથ ના દીધો. વિચારો નું ધાડું માનસિક પરેશાની વધાર્યે જતું હતું.
શાંતિ કાજે વાર્તા માસિકો ઊઠલાવવા માંડ્યા. પણ માનસિક અજંપો કેડો મૂકતો નહોતો.
અચાનક ' બસ્તી ઔર બાઝાર 'ની જાહેર ખબરે મારું દયાન ખેંચ્યું.
નવીન ક્રાંતિકારી કલાકારોનું ક્રાંતિકારી સર્જન.
તરતજ મેં અપ્સરા ફિલ્મની વાટ પકડી.
' શું વેશ્યા ના જીવનનું દર્શન હશે? '
મનોમન સવાલ જાગ્યો.
' for adults ' ચિત્ર જોવા માટે મેટીની શો માં ખાસ્સી ભીડ જમા થઈ હતી.
શાળાએ જતાં છોકરાઓ પણ ફિલ્મ જોવા માટે ટોળે વળ્યા હતા!
પણ તેઓ ફિલ્મ જોઈ શકે તેમ નહોતા. તેમની નિરાશા તેમના ચેહરા પર સાફ દેખાઈ રહી હતી. મારી ખુદની ઉંમર પણ ફિલ્મ જોવા માટે રોકતી હતી.
પરંતુ મારો શારીરિક બાંધો તેમ જ ઊંચાઈ મારી કુમકે આવી ગઈ અને મને ટિકિટ મળી ગઈ.
18 વર્ષની નીચેની ઉંમરના છોકરાઓ નિરાશ વદને એક પુરુષ સ્ત્રી ના ખુલી ગયેલા બ્લાઉઝ ને ઉતારવાના ફોટાને એકીટશે ઘૂરકી રહ્યાં હતા!!
વેશ્યાનું જ ચિત્ર હતું.
નોટો ની થોકડી મારા વિચારોને સમર્થન દઈ રહી હતી!!
ફોટાના કાચમાં એક દ્રશ્ય ગોચર થતાં હું કાંપી ઊઠ્યો.
એક અજાણ્યો શખ્સ મારી મા ના પાલવને ખેંચી રહ્યો હતો.
દ્રશ્યના આભાસે હું અસ્વસ્થ થઇ ગયો.
તે જ વખતે કોલેજ સ્ટુડન્ટ ના ગ્રુપ ની વાતો મારા કાને અથડાઈ.
" બહું મજા આવશે! ભારતીય ચિત્રો પણ હરણ ફાલ ભરી રહ્યાં છે. તેઓ પણ પડદા પર નારીના કપડાં ઉતારવા માંડ્યા છે. "
તેમની મનઃ સ્થિતિ પામી અચરજની લાગણી નીપજી.
શો શરું થવાને થોડી વાર હતી.
સમય પસાર કરવા માટે હું એક ખાલી સોફા પર ગોઠવાઈ ગયો.
અને વિચારો તેમ જ અતીતની બેવડી વંઝાર જારી થઇ ગઈ.
તે જ વખતે એક સૂટેડ બૂટેડ વૃદ્ધ એક યુવતીનો હાથ ઝાલી થિયેટરમાં દાખલ થયો. અને મારા વિચારો ને જબરી બ્રેક લાગી ગઈ.
વિજાતિય પાત્રોના સહવાસ ને નિહાળી મારા દિમાગમાં શંકા ના ગૂંચળા વળવા માંડ્યા.
કોણ હશે?
પોસ્ટરની અસરે મારા વિચારો ને ઈંઘણ બક્ષ્યું.
શું છોકરી બજારું છે?
શું બુઢાપો પસાર કરવા તેણે યુવતી ને રખાત બનાવી હશે?
બાલિશ વિચારો કરવા બદલ મને મારી જાત પ્રત્યે ઘૃણા વછૂટી.
પણ આ દુનિયાના માણસો તો મારા વિચાર કરતાંય આચાર માં ખુબ જ આગળ છે. છીછરા છે મલિન છે. તે વિચારે મારી વિચાર શૃંખલા તૂટી ગઈ.
અને ઘંટડી વાગતા હું ભીડની ભેગો હોલ માં દાખલ થયો.
ડોર કીપરે મારી સીટ દેખાડી અને હું તેના પર ગોઠવાઈ ગયો.
બે ત્રણ પળો વીત્યા બાદ પેલા માનવ જીવડાં મારી બાજુની સીટ પર ગોઠવાઈ ગયા.
પહેલી નજરે જ તેમને માટે એલફેલ વિચારવા બદલ મેં ક્ષોભની લાગણી અનુભવી.
પણ ફ્રોઈડ ઘૂરક્યો.
શું શેઠ સાહેબ તેમની સ્ટેનો સેક્રેટરી સાથે મોજ માણવા આવ્યા હતા?
શું યુવતી રખાત કે રાંડ છે? વધુ પડતા વાંચને મારા વિચારોને પોષણ આપ્યું.
શું તે આયા હશે? તેમની પુત્રી કે પુત્ર વધૂ હશે!
એક અશુભ દ્રષ્યે મારા વિચારોની જાણે દિશા જ બદલી નાખી.
ભારતીય સમાચાર ચિત્રની પૂર્ણાહુતી થતાં જ ખાલી સીટો ચપોચપ ભરાઈ ગઈ.
પડદા પર સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર જાગૃત થયા. અને વિચારો થંભી ગયા.
શરૂઆત ઘણી જ ક્લાત્મક હતી. ' should prostitution be banned? '
જાણીતા સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલા લેખના ટાઇટલ થી જ ફિલ્મનો પ્રારંભ થયો.
ટાઇટલની વણજાર થંભી ગઇ.
પણ મારા વિચારો ને થોભ નહોતો.
ભલે વેશ્યા કલંકિત હોય પણ સમાજની સલામતી ખાતર તેની અનિવાર્ય જરૂરત છે!
પડખે બેઠેલા વૃદ્ધ ની વાત સાંભળી હું ચોંકી ઊઠ્યો.
માનવીની ગરીબી તેના પ્રશ્નો પર કેમેરા ખૂબ જ ચપળતાથી ભાગી રહ્યો હતો.
ગરીબ કુટુંબ.. ખાવાના ફાંફા.. શિક્ષણ નો પ્રશ્ન.. તેમની નિસહાય હાલતના તાદશ ચિતારે સહાનુભૂતિની લાગણી જગાડી.
વિચારો પુનઃ ગતિમાન થયા.
" શું ગરીબીનો ક્યારે અંત નહીં આવે? મૂડીવાદો નો આત્મા કદી નહીં જાગે? "
સહાનુભૂતિ માંડ પગભર થઈ. ત્યાં જ કુટુંબ ને માથે આફતનો પહાડ તૂટી પડ્યો.
કુટુંબ ની છત્ર છાયા સમા પિતાનું અવસાન થયું. અને તેઓ નિરાધાર બની ગયા.
એકાએક મારો અતીત જાગી પડ્યો.
મૃત પિતાની છબી આંખો સામે તરી આવી. માતાના કરુણ રુદનની સ્મૃતિએ આંખો ભીની કરી દીધી. આંસુ લૂંછી પડદાની દુનિયામાં ડૂબવાનો પ્રયાસ કર્યો.
ડૂબતા ઘરને બચાવવા ઘરની મોટી દીકરીએ કમર કસી. અને તેણે નોકરીની તપાસ આદરી. નજીવા વેતનમાં ઘરનું ગાડું ગબડતું નહોતું.
' ટગ ઓફ વોરની સ્થિતિ મારા સંવેદન હૈયા ને સ્પર્શી ગઈ.
મજબૂરી વિવશતા એ તેનામાં રહેલી નારી ની કત્લ કરી નાખી. અને બીજી નારી આળસ મરડીને બેઠી થઈ ગઈ. અને મારાથી આછી રાડ નીકળી ગઇ.
" ઓહ મા તું? "
સાથે જ પ્રશ્ન ઉદભવ્યો :
" શું પડખે બેઠેલો વૃદ્ધ પણ કોઈ આવી જ મજબૂરી નો ફાયદો ઉઠાવી રહ્યો હશે? '
નાયિકા નું submission આંખો પલાળી ગયું.
શું આજ રસ્તો નારીને જીવન ના તોફાનો સામે અખત્યાર કરવો પડે છે? શું બીજો કોઈ જ વિકલ્પ નથી.
મકાન માલિકે નોટિસ આપી હતી. ફી ના ભરી શકવાથી નાના ભાઈ બહેનોનું શિક્ષણ અટકી ગયું. અને નાયિકા હારી ગઈ. અને તેને વસતી છોડી તેને બજારમાં બેસવાનો વારો આવ્યો.
' શું પુરુષ નારીના દેહનું આમ જ છડે ચોક લીલામ કરતો રહેશે? '
એક આછા રૂદન ને કારણે વિચારો થંભી ગયા.
શ્યામલ કાયા વૃદ્ધ ની છાતીએ વળગી રડી રહી હતી.
" રાજ બાબુ! જીવન ની વિવશતાએ મને પણ બજારું ઓરત બનાવી દીધી હોત. પણ તમારે કારણે જ હું વસ્તીમાં રહેવાને લાયક બની છું. હું કેટલી નસીબદાર છું. નિર્લજ્જ લાગણી શૂન્ય જિંદગીમા મને એક પિતાની ઓથ મળી ગઈ. મારી ડૂબતી નૈયા પાર લાગી ગઇ. "
તેમની વાત સાંભળી મને ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરવાનો વિચાર જાગ્યો.
નાયિકા ના લોહીથી ખરડાયેલા વસ્ત્રો આવનાર અનિષ્ટનો અણસારો આપી રહ્યા હતા!
ચિત્ર આગળ વધી રહ્યું હતું.
નાયિકા ને જાકારો મળ્યો.
જવાબદાર વ્યકિત જેલમાં ઘકેલાઈ. પરિસ્થિતિ ની જાણ થતાં પ્રેમી ફસકી ગયો. ત્યારે એક અજાણ્યો શખ્સ ભાઈ બની તેની જિંદગીમાં દાખલ થયો.
તે જોઈ મારી આંખો હરખના આંસુ થી છલકાઈ ઊઠી.
પણ આનંદ લાંબો ન ટક્યો.
નાયિકા ની હતાશા તેને મોતને બારણે ધસડી ગઈ. બાળક ને જન્મ આપી નાયિકા ફાની દુનિયા છોડી ગઈ. અને ચિત્ર ' it will not end until the end of poverty. ' ના નિરાશા જનક સુર સાથે ચિત્ર પૂરું થઈ ગયું.
એક સુંદર ચિત્ર જોયાનો આનંદ થયો.
" યાર પૈસા પડી ગયા. નાયિકા ના કપડાં ઉતરવાની વેળા એ જ કેમેરા મોઢું ફેરવી ગયો. આપણી ફિલ્મો હજી આવા ટ્રાગા કરવામાંથી વાજ આવી નથી. "
હતાશ થઇ બહાર નીકળેલા કોલેજ સ્ટુડેંન્સ ગ્રુપ ની વાત સાંભળી ગ્લાનિ જન્મી.
પેલા માનવ ચેહરા દરવાજા ની બહાર નીકળતા મારી નજરે પડ્યા. યુવતીનો ચહેરો હજી પણ આંસુ થી ખરડાયેલો હતો. ચિત્ર નો પ્રભાવ અને જીવનની વાસ્તવિકતા તેની આંખો માં ડોકાઈ રહી હતી.
મેં અજાણતા માં તેમના વિશે કેવું ધારી લીધું હતું.
શ્યામલ નારી ટોયલેટ તરફ વળી અને મેં તક જોઈ સદ્દગ્રહસ્થની લાકડી તેમના હાથોમાં થમાવી દીધી. તેમણે મારો આભાર માન્યો. અને મેં હિંમત ભેર સવાલ કર્યો :
" અંકલ! How do you feel about the movie? "
" વેરી ગુડ! ઘણું જ સુંદર!! અનોખો વિષય છે!"
ત્યાર બાદ ચિત્ર ના અંત વિષે પૃચ્છા કીધી.
તેમણે જવાબ આપ્યો.
" જ્યાં સુધી માનવી કામાવેગ પર કાબૂ નહીં મેળવે ત્યાં સુધી આ સ્થિતિ કદી નહીં બદલાય. સ્ત્રીની મજબૂરી અને તેની વિવશતા નો લાભ વિકારી સમુદાય હર યુગમાં લેતો આવ્યો છે. આવે વખતે કોઈએ તો બાથ ભીડવી જ જોઈએ. સહારા વિના સ્ત્રી બજારું બની જાય છે. "
આટલું કહી તેઓ અટકી ગયા. તેમણે એક નજર ટોયલેટ ભણી માંડી. શ્યામલ નારી કપડાં સરખા કરતી ટોયલેટ માં થી બહાર આવી રહી હતી.
મારા ખભે હાથ મૂકતા તેમણે મને આશ્વસ્ત કરતા કહ્યું :
" બેટા! તારી મા પણ કોઈ વિવશતાનો ભોગ બની ગઈ લાગે છે. તેના પર ઘૃણા દાખવી તેને વિનાશ ને માર્ગે ના જવા દઈશ! "
આટલું કહી તેઓ ચાલવા માંડ્યા.
દ્રશ્ય થી પ્રભાવિત થઈ મેં આછી રાડ પાડી હતી.
" ઓહ મા તું? "
અને તેઓ સઘળું પામી ગયા હતા!
તેમના સલાહ વચનો સુણી મારી હતાશા દુમ દબાવીને નાસી ગઈ. મેં ધન્યતા ની લાગણી અનુભવી.
હું તે મહાનુભાવને શ્યામલ નારી નો હાથ પકડી જતાં જોઈ રહ્યો.
સહારો જ સ્ત્રીને વસ્તી માં રહેવા દે છે.
મેં જિંદગી ની સચ્ચાઈ ને સ્વીકારી લીધી.
એક માત્ર દ્રશ્ય થી મેં મા માટે કેવી કલ્પના કરી નાખી હતી!
મારા માટે તે બચારી એ કેટલાં કષ્ટ વેઠ્યા હતા.
મારા હૈયે પસ્તાવાનું ઝરણું ફૂટી નીકળ્યું.
હું તરત જ ઘરે દોડી ગયો.
અને મા ને ખોળે માથું ધરી રૂદન કરવા માંડ્યો.
" મા મને માફ કરજે. ગુસ્સામાં હું તને ઘણું બધું કહી ગયો. તને વેશ્યા કહી નારિત્વનું ઘોર અપમાન કરી નાખ્યું. તારા હૃદય ને ઇજા પહોંચાડી દીધી. મા! હું જ તને સહારો આપીશ. મારા હદયની ખોલીમા. "
મા એ મને શાંત પાડી ગળે વળગાડી દીધો.
તે જ વખતે તે અજાણ્યો શખ્સ અમારા ઘરમાં દાખલ થયો. તેને જોઈ મને ગુસ્સો આવી ગયો. તે જોઈ મા એ મને શાંત પાડતા સચ્ચાઈ પેશ કરી :
" બેટા! આ જ તારા પિતા છે. તેઓ વર્ષો પહેલા એક પૂરમાં તણાઈ ગયા ની જાણ થઈ હતી. આ વાત મારે તારાથી છુપાવવી પડી હતી."
" હમણાં બે દિવસ પહેલાં જ તેઓ પાછા આવ્યા. તેમને સહી સલામત નિહાળી હું અચરજમા મુકાઈ ગઈ. "
"હું તને સચ્ચાઈ કહેવા માંગતી હતી. હું થોડી મોડી પડી અને આડું વેતરાઈ ગયું. "
મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ.
હું પિતાની છાતીએ વળગી આક્રન્દ કરવા માંડ્યો.
પિતાનો સ્પર્શ પામી મેં ધન્યતાની લાગણી અનુભવી.
0000000000000000
આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી