ફિલ્મનું નામ : કર્મયોગી
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : અનિલ સુરી.
ડાયરેકટર : રામ માહેશ્વરી
કલાકાર : રાજ કુમાર, માલા સિન્હા, જીતેન્દ્ર, રીના રોય, રેખા અને અજીત
રીલીઝ ડેટ : ૧૫ ડિસેમ્બર ૧૯૭૮
ગીતાજ્ઞાન એ ગહન વિષય છે અને અનેક જ્ઞાનીઓએ તેને સરળ બનાવ્યું છે. ગીતાના બે શ્લોક સૌથી વધુ લોકભોગ્ય બન્યા છે. એક છે ‘યદા યદા હી ધર્મસ્ય ...’ અને બીજો ‘કર્મણ્યેવાધિકા...’
ફિલ્મીલેખકોને પણ આ બે શ્લોકો પ્રત્યે બહુ આકર્ષણ રહ્યું અને આ બે શ્લોકોને અનુરૂપ ફિલ્મી વાર્તાઓ લખાતી રહી અને ફિલ્મો બનતી રહી. કર્મયોગી પણ ગીતાજ્ઞાનના કર્મના શ્લોક ઉપર આધારિત ફિલ્મ છે. ‘મનુષ્યએ કર્મ કરવું જોઈએ, ફળની ચિંતા કરવી ન જોઈએ.’
ફિલ્મ છેક ૧૯૭૪માં જાહેર કરવામાં આવી હતી અને તે સમયે ફિલ્મના બાપ-બેટાના ડબલ રોલ માટે ફિરોઝ ખાનને લેવામાં આવ્યો. એક દિવસ ફોન કરીને ફિરોઝ ખાનને જાણકારી આપવામાં આવી કે હવે તે કર્મયોગી ફિલ્મનો ભાગ નથી અને તે જે રોલ કરવાનો હતો તે રોલ રાજ કુમાર કરવાનો છે. ફિરોઝ ખાન આ વાત સાંભળીને ગુસ્સે થઇ ગયો હતો. આમેય ‘ઊંચે લોગ’ ન સેટ ઉપર રાજ કુમાર સાથે બબાલ થયા પછી બંને વચ્ચે ઝાઝી વાતચીત નહોતી થતી. કર્મયોગીના તે મજબુત રોલ મેળવવા માટે રાજ કુમારે પોતાની ફી ઘટાડી દીધી હતી. આ ફિલ્મ દ્વારા રાજ કુમારની ફિલ્મી કારકિર્દીમાં છોગું ઉમેરાયું.
આ ફિલ્મના ડાયરેકટર રામ માહેશ્વરી આમ પણ જાણીતું નામ નથી. તેમના નામે કૂલ સાત ફિલ્મો બોલે છે અને તેમાંથી પણ ચારમાં તો રાજકુમાર છે. ‘ચંબલ કી કસમ’, ‘નીલ કમલ’, ‘કાજલ’ અને ‘કર્મયોગી’
જમાનો બદલાઈ રહ્યો હતો. લોકો લવસ્ટોરીને છોડીને એક્શન ફિલ્મો તરફ વળી રહ્યા હતા. એક્શન ફિલ્મો સામાજિક ફિલ્મો ઉપર ભારે પડી રહી હતી. ૧૯૭૮ ની સૌથી વધુ કમાણી કરનારી પાંચ ફિલ્મોમાં એક જ સામાજિક ફિલ્મ હતી ‘મેં તુલસી તેરે આંગન કી’ અને તે પણ પાંચમાં નંબરે. અમિતાભયુગનો ઉદય થઇ ચૂક્યો હતો. કમાણી કરવામાં અમિતાભની ફિલ્મો મોખરે હતી ‘મુકદ્દર ક સિકંદર’, ‘ત્રિશુલ’ અને ‘ડોન’ ચોથા નંબરે ધર્મેન્દ્રની ‘આઝાદ’ હતી.
એક વાત ચોક્કસથી કબૂલવી પડે કે ગીતાજ્ઞાનનો ગહન વિષય લઈને ડાયરેકટરે કોઈ મહાન ફિલ્મને બદલે ભારોભાર કોમર્શીયલ ફિલ્મ બનાવી જે બોક્સ ઓફીસ ઉપર સફળ રહી હતી.
ફિલ્મ શરૂ થાય છે દુર્ગા (માલા સિન્હા)થી જે અન્ય સ્ત્રીઓ સામે ગીતાનો પાઠ કરી રહી છે અને તેમને ગીતા વિષે સમજાવી રહી છે. તે ધાર્મિક વૃત્તિની સ્ત્રી છે, પણ તેનો પતિ શંકર (રાજ કુમાર)નો ધર્મ પ્રત્યેનો મોહ ઉતરી ગયો છે. તેને કોઈ ભોગે ધન અને ઐશ્વર્ય જોઈએ છે અને તેનામાં કર્મ કરીને ફળની રાહ જોવા જેટલો સંયમ નથી. તે પોતાના દીકરા મોહનને પણ આ વાત સમજાવે છે.
શંકર અને મોહન એક ફળવાળા પાસેથી ફળ છીનવીને ઘરે આવે છે ત્યારે દુર્ગા તેમને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ શંકરના ગળે તેની કોઈ વાત ઊતરતી નથી અને તે પોતાના દીકરા મોહનને લઈને શહેર તરફ જતો રહે છે. ગર્ભવતી દુર્ગા એકલી જ રહી જાય છે. શંકરના ગયા પછી દુર્ગાના ઘરે ગામનો મહાજન (કન્હૈયાલાલ) આવે છે અને જણાવે છે શંકરે તે મકાન ગીરવે મુકીને ઘણાબધા રૂપિયા ઉધાર લીધા છે જે પાછા નથી આવ્યા. દુર્ગા મકાન ખાલી કરીને ઘરની બહાર નીકળી જાય છે.
એક તરફ દુર્ગા દર દરની ઠોકરો ખાઈ રહી છે અને બીજી તરફ શંકર અને મોહન સફળતાની સીડી ચડવા લાગે છે. છેતરપીંડી કરીને તેઓ સુખ અને ઐશ્વર્ય મેળવે છે. થોડા સમય પછી શંકર કેશવલાલ (અજીત) ના સંપર્કમાં આવે છે જે સફેદપોશ સ્મગલર છે. કેશવ શંકર સાથે વાત કરે છે અને સમજી જાય છે કે તે કામનો માણસ છે તેથી શંકર સાથે દોસ્તી કરી લે છે.
દુર્ગા એક બાળકને જન્મ આપે છે. તેને ઉછેરવા માટે તે મહેનત કરે છે. મહાજન મદદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સાધ્ય સાથે જ સાધન શુદ્ધતાની આગ્રહી દુર્ગા ના પાડી દે છે. તે પોતાના દીકરાને પાપની કમાણીથી ઉછેરવા નથી માગતી. સમય વીતતો જાય છે અને તેનો દીકરો અજય (જીતેન્દ્ર) મોટો થઈને બી.એ. પાસ કરી લે છે.
શંકરના પગલે ચાલીને મોહન પણ કેશવનો સાથીદાર બની ગયો છે. એક દિવસ સ્મગલિંગ વખતે શંકર પકડાઈ જાય છે અને તેના હાથ એક ખૂન થઇ જાય છે. તે માટે તેને ફાંસીની સજા થાય છે. ફાંસી ઉપર ચડતાં પહેલાં શંકર મોહનને જણાવે છે કે કોઈએ પોલીસને જાણકારી આપી હતી જેને લીધે તે પકડાઈ ગયો. તે જાણકારી આપનારને શોધીને તેનો બદલો લેવાની વાત શંકર મોહનને કહે છે.
એલ.એલ. બી કરવા અજય શહેરમાં આવે છે અને તે પૂર્ણ થયા પછી તે ‘કર્મયોગી’ નામનું અખબાર શરૂ કરે છે જે સમાજમાં થતાં અન્યાયો વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. જ્યોતિ (યોગિતા બાલી)ને ગુંડાઓથી બચાવવાની ઘટના દરમ્યાન મોહન અને અજય વચ્ચે મિત્રતા થઇ જાય છે.
કેશવની હોટેલમાં એક ડાન્સર રેખા (રેખા) કામ કરે છે, જે મોહનને ચાહે છે. રેખાએ પોતાની નાની બહેન કિરણ (રીના રોય)નો ઉછેર સારી રીતે થાય તે માટે આ કામનો સ્વીકાર કર્યો હોય છે, પણ આ વાતની જાણકારી ફક્ત ચર્ચના ફાધર (નઝીર હુસૈન)ને છે. કિરણ અજયને પ્રેમ કરે છે.
અજય અખબારમાં સ્મગલરો વિરુદ્ધ બહુ હોબાળો મચાવે છે ત્યારે કેશવ મોહનને કહે છે કે શંકરની માહિતી પોલીસને અજયે આપી હતી. શું અજયે શંકરની માહિતી પોલીસને આપી હતી? શું મોહન બદલો લઇ શકશે? અજય એ મોહનનો નાનો ભાઈ છે એ ક્યારે ખબર પડે છે? એવા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી રહી.
ફિલ્મની સફળતામાં સૌથી મોટો ભાગ આ ફિલ્મના ડાયલોગોનો છે. આ ફિલ્મનો ડાયલોગ રાઈટર છે સાગર સરહદી, જેણે ‘કભી કભી’, ‘બઝાર’, ‘સિલસિલા’ અને ‘કહો ના પ્યાર હૈ’ જેવી ફિલ્મોમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે.
આ ફિલ્મનો મોટાભાગનો ભાર રાજ કુમારના ખભે છે અને તે ઉપાડવામાં તે સફળ રહ્યો છે. સાગર સરહદીના ડાયલોગ્સને પોતાની સંવાદ અદાયગીથી ચિરંજીવી કરી દીધા છે. ‘ઇસ દુનિયા મેં જીના હૈ તો દુનિયા કી ગરદન પર હાથ રખકર જીઓ, ઠોકર મારકર, ઠોકર ખાકર નહીં’, ‘હૈ જુસ્તજુ કે ખૂબ સે ખૂબતર કહાં, અબ દેખીએ કી રુકતી હૈ નજર કહાં’ રાજ કુમારના ઘૂંટાયેલા અવાજમાં આવા ડાયલોગ્સ સાંભળવા એ ચાહકો માટે જલ્સો છે.
શરૂઆતના થોડાભાગમાં માલા સિન્હાને એક્ટિંગ કરવાનો મોકો મળ્યો છે, પણ ત્યારબાદ તેના ભાગે વધુ કંઇ કરવાનું આવ્યું નથી. એક્ટિંગને મામલે જીતેન્દ્ર, રેખા, રીના રોય પોતાના ભાગે આવેલા રોલને યોગ્ય ન્યાય આપે છે. આ ફિલ્મમાં રાજ કુમારને જો કોઈએ ટક્કર આપી હોય તો તે છે અજીત. ‘સૂરજ’ ફિલ્મથી ખલનાયકી તરફ વળેલો અજીત આ ફિલ્મમાં અફલાતુન ભૂમિકા ભજવે છે. આમ પણ રાજ કુમારના ઓરા સામે ટક્કર આપવામાં અજીત અને પ્રાણ બે જ કલાકારો સક્ષમ હતા. અન્ય ખલનાયકો વામણા લાગતા.
ફિલ્મને સંગીત આપ્યું છે કલ્યાણજી-આણંદજીએ. મન્ના ડે દ્વારા ગાયેલું ‘તેરે જીવન કા હૈ કર્મો સે નાતા’ અને કિશોર કુમાર, આશા ભોંસલે અને રફીસાબે ગાયેલી કવ્વાલી ‘આજ ફૈસલા હો જાયેગા, તુમ નહિ યા હમ નહિ.’ આ બે ગીતો ફિલ્મ પૂર્ણ થયા બાદ યાદ રહી જાય એવાં બન્યાં છે. બાકી આશા ભોંસલેના સ્વરમાં બે ગીતો છે ‘આયીયે હુઝુર બૈઠીએ’, ‘મહોબ્બત હું, હકીકત હું’ જે રેખાને લીધે જોવાં ગમે છે પણ ફિલ્મ પુરી થાય એટલે ભૂલી જવાય એવાં છે. લતા મંગેશકરના ભાગે આવેલું ‘એક બાત કહું મૈ સજના’ કર્ણપ્રિય છે, પણ યાદગાર નથી
આ ફિલ્મનું એડીટીંગ શોલેનું એડીટીંગ કરનાર માધવ શિંદેએ કર્યું છે જેમાં તે સફળ રહ્યા છે, પણ લેખકો અને ડાયરેકટરની કમજોરીને લીધે કેટલીક જગ્યાએ માર ખાઈ ગયા છે. આ ફિલ્મમાં પોલીસો પાસે એકદમ જબરદસ્ત સ્ટંટ કરાવવામાં આવ્યા છે. બોટમાં ભાગતા રાજ કુમારનો પોલીસ દ્વારા હેલીકોપ્ટરમાં પીછો કરવામાં આવે તે સીન એકદમ જબરદસ્ત બન્યો છે.
આ ફિલ્મમાં ઘણાબધાં પાત્રો ઉભડક રીતે પેસી ગયાં હોય અથવા યોગ્ય પાત્રાલેખન કરવામાં નથી આવ્યું. કન્હૈયાલાલ, યોગિતા બાલી (મહેમાન કલાકાર છે, પણ રોલ મહત્વનો હતો) સાથે એવું થયું છે. જગદીપ અને ધુમાળનું પણ એવું જ છે.
ફિલ્મની કેટલીક વાતો પચતી નથી. એલ.એલ. બી. પૂર્ણ થયા પછી જીતેન્દ્ર છાપું કાઢે છે અને તેમાં તેને નાણા કોણ ધીરે છે? પાછો ફિલ્મના અંત સુધીમાં સરકારી વકીલ પણ બની જાય. રેખા ફિલ્મમાં ડાન્સર છે કે ગાયક એ ખબર નથી પડતી. ક્યારેક સાદો ડાન્સ કરે છે અને વચ્ચે જ તેને કેબ્રે કરતી બતાવી છે. રેખા અને રીના રોય વચ્ચે પેચઅપ થાય છે કે નહિ એ છેલ્લે સુધી ખબર નથી પડતી? સોફીસ્ટીકેટેડ સ્મગલર કેશવલાલ કવ્વાલી ગાવા કેમનો બેસી જાય છે? (જબરાં ઓલ રાઉન્ડર છે બધાં)
ફિલ્મ ફક્ત અને ફક્ત રાજ કુમારની છે. શંકર અને મોહન એ બંને સ્મગલિંગ કરતા બતાવ્યા છે તે છતાં રાજ કુમારે અભિનય કરતી વખતે તે બંને વચ્ચેની ભેદરેખા સચોટ રીતે દર્શાવી છે. રાજ કુમાર સંવાદ અદાયગી સાથે જ એક્ટિંગમાં પણ એટલો જ નિપુણ હતો અને તેની એક્ટિંગની ખૂબસુરતી દર્શાવતી આ ફિલ્મ રાજ કુમારના અઠંગ ચાહકો માટે મસ્ત વોચ છે.
સમાપ્ત.