છઠ્ઠીના દિવસે લક્ષ્મીની દિકરીનું નામકરણ થયુ.. હવે બધા એને લાડ થી ‘પલ’ કહી બોલાવશે. શેઠ અને શેઠાણી ભાગ્યે જ બહાર જમતા હોય છે.. પણ આજે એ લોકો પણ તેજલબેનના ઘરે જમવા માટે રોકાય છે.. જમતી વખતે શેઠાણીએ કહ્યુ કે હવે પિડિયાટ્રીશ્યન પાસે ચેકઅપ માટે જવાનું થાય એ સિવાય પલ ને બહાર ન લઈ જવી અને બહારનું કોઈ બિનજરૂરી ઘરે આવીને હમણાં રમાડે એવું પણ ટાળવું…આવું એક મહિનો જાળવવું જ જોઈએ..આ વિવેકને નિસ્ક્રમણ સંસ્કાર કહ્યો છે.
લક્ષ્મીએ કહ્યુ કે,
‘એ શું છે.. મને કહો ને પ્લિઝ.. મેં તો આ નામ જ પહેલી વાર સાંભળ્યું છે.’
એટલે શેઠાણીએ હળવેથી કહ્યું,
‘નિષ્ક્રમણ એટલે બાળકને પ્રથમવાર કુમારાગારની બહાર લઈ જવું. જન્મ પછી બાળક કુમારાગારમાં જ રહે છે. આ સમયે નવજાત બાળક ઊંઘવાની અને દૂધ પીવાની આવશ્યક પ્રક્રિયા કરે છે. બાકીની દુનિયાની કોઈ સમજ નથી. એને હાથપગ હલાવતાં કે રમતાં આવડતું નથી. નવજાત બાળક ૨૨ કલાક ઊંઘે છે. આ સમયે બાળકનો તીવ્ર ગતિથી વિકાસ થાય છે. આથી એક મહિના સુધી બાળકને કુમારાગારમાં રાખવામાં આવે છે. આયુર્વેદમાં ‘સુતીકાગાર’ (મેટરનિટી વોર્ડ) અને ‘કુમારાગાર’ (પેડિયાટિક વોર્ડ)નાં વર્ણનો છે. આથી સગાં-સંબંધીઓએ પણ બાળકને જોવા એક મહિના પછી આવવું જોઈએ. નિષ્ક્રમણ સંસ્કાર સમયે જ બધા સગાં સંબંધીઓએ એકત્ર થવું જોઈએ. નવજાત બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવાની દૃષ્ટિએ આ સંસ્કાર કરવામાં આવે છે… એટલે હવે અમે પણ એક મહિના પછી જ રમાડવા આવીશું.’
બપોરે જમ્યા બાદ શેઠ અને શેઠાણી પોતાનાં ઘરે જાય છે..પ્રવિણને થોડું અરજન્ટ કામ આવ્યું હોવાથી થોડી વાર માટે ઓફિસ જાય છે.
છઠ્ઠી પત્યા પછી.. લગભગ એકાદ મહિનો પસાર થઈ જાય છે.
આ એક મહિના દરમ્યાન બન્ને ઘરમાં બધુ સરસ રીતે ગોઠવાઈ જાય છે..તેજલબેનને પલ નું ધ્યાન રાખવાનું હોવાથી હમણાં કોઈ બીજુ કામ શોધતાં પણ નથી.. બીજી તરફ પ્રવિણ શેઠની જરુરી સલાહ સૂચનો લઈને, દિલ દઈને ધંધામા ખૂબ ઝડપથી બધી જ આંટી ઘૂંટી શીખી લે છે.. સ્ટાફનો પુરો સહકાર મળે છે. તેજલબેનનો દિવસ દરમ્યાનનો બધો જ સમય પલ અને લક્ષ્મી પાછળ વિતી જાય છે, ક્યારેક રાતે પણ પલ ને કારણે જાગવું પડે છે.
પણ આ દરમ્યાન હિતેનભાઈ થોડા અનકમ્ફર્ટેબલ લાગ્યા એટલે તેજલબેને એકવાર એને પુછ્યુ,
‘મારે હમણાં તમારા માટે કોઈ ધ્યાન અપાતું જ નથી.. પણ છેલ્લા પાંચેક દિવસથી તમે કંઈ ટેન્શનમાં હોય તેવું લાગે છે..શું કંઈ થયુ ? મને કંઈ કહો ને..!’
હિતેનભાઈએ કહ્યુ કે,
‘હા થોડું ટેન્શન જેવું તો છે.. પણ તને કે લક્ષ્મીને ચિંતા ન થાય એટલે મેં કંઈ કહ્યું નહી.. અને હજી મને પણ ખબર નથી કે…મારી જોબનું શું થાશે ? અમારી કંપનીમાં વાતો ચાલે છે કે ચાલીસ ટકા સ્ટાફને છૂટા કરશે..! એક બાજુ આ ફ્લેટનો હપ્તો, બીજી બાજુ ઘરનો ખર્ચ, તારો બહુ મોટો સપોર્ટ હતો, એ તારી ઈન્કમ પણ બંધ થઈ ગઈ..’
તેજલબેને કહ્યુ,
‘તમે ચિંતા ન કરશો.. હું ઘરે બેઠાં કંઈ થઈ શકે એવું કામ કાલે જ શોધી લાવું છું.. અને મારી પાસે જે સોનાના થોડાં દાગીના પડ્યા છે, તેને હવે આપણે શું કરવાના..! જરુર પડે તો એ કાઢી નાખી, થોડા મહિના નિકળી જશે..જો નોકરી જશે તો પણ બીજુ કંઈ મળી જ જશે… એટલે તમે બહુ ચિંતા કરશો નહી.’
આ લોકોને એમ કે લક્ષ્મી સુતી છે, પણ બન્ને વચ્ચે થયેલી વાત લક્ષ્મીએ સાંભળી હોવાથી રાત્રે પ્રવિણ આવે છે ત્યારે પલને રમાડવા મશગુલ હોય છે.. તો પણ કહે છે, ‘તમે હમણાં પલને થોડી વાર મુકો ને.. મારી વાત સાંભળો..’ એમ કહી લક્ષ્મીએ સાંભળેલી વાત પ્રવિણને કહે છે.
પ્રવિણ પરિસ્થિતિ સમજવામાં સહેજ પણ વાર નથી લગાડતો..એટલે રાત્રે જમવાની થોડી વાર હોય છે તો તેજલબેનને એવું કહીને જાય છે કે આજે મારે શેઠને મળવા જવુ પડે તેમ છે, તો હું જઈ આવું છું.
પ્રવિણ ઉતાવળે પગલે શેઠનાં ઘરે જાય છે..ત્યાં શેઠ અને શેઠાણી જમવા જ બેઠા હોય છે.
‘અરે પ્રવિણ તું..? તને દિકરા ના નથી પાડી કે હમણાં થોડા દિવસ રાત્રે નહીં આવે તો ચાલશે.. તું લક્ષ્મીનું ધ્યાન રાખજે..’ શેઠે એવું કહ્યું તો પ્રવિણે કહ્યુ કે,
‘ હા.. પણ મારે આવવું જ પડે તેમ હતું કેમકે મને થોડી ચિંતા થઈ..’ પછી પ્રવિણે લક્ષ્મીએ જે કહ્યું હતુ તે બધી જ વાત કરી…તો શેઠ હસવા લાગ્યા..
’બસ.. આટલામાં ટેન્શન થઈ ગયુ ..? જીવનમાં આવું તો ચાલ્યા જ કરવાનુ ભાઈ… બોલ તુ શું વિચારે છે..?’
પ્રવિણે કહ્યુ,
‘ મને તો જલ્દી કોઈ ઉપાય ન સૂજ્યો એટલે અહીં દોડી આવ્યો અને થયું કે કંઈ તમારી સલાહ લઉ પછી જ હિતેનભાઈ જોડે આ વાત કાઢું..’
શેઠે કહ્યુ,
‘જો પ્રવિણ… એ વર્ષોથી ત્યાં છે એટલે કદાચ એમને છૂટા ન પણ કરે.. અમે તેમ છતાં જો એવી પરિસ્થિતિ આવે તો તારા માટે તો એક સરસ તક કે અવસર ઉભો થશે..તે જે રીતે ધંધાને વધાર્યો છે અને હું હવે એમાં કંઈ વચ્ચે પડતો નથી.. તારે જ બધો ભાર ખેંચવાનો છે ને..! તો હિતેનભાઈ અનુભવી છે, હોશિયાર છે, પ્રમાણિક છે અને હવે તો આપણાં ઘરના સદસ્ય જેવા છે.. તો લઈ લે તારી જોડે.. એમની જોડે થોડી વાત થઈ હતી તો મને લાગ્યું કે પરચેઝિંગમા એની માસ્ટરી છે.. અને આપણા શર્માજીને ચાર પાંચ મહિનામાં રિટાયરમેંટ આવી જવાનુ..તો એની જગ્યાએ કોઈ તો અનુભવી જોઈશ ને..!’
આ સાંભળી પ્રવિણ થોડો રિલેક્સ થયો અને એને જોઈને શેઠાણી હસતા હસતા બોલ્યા,
‘ જો.. પ્રવિણ આને કહેવાય..” ઘરડાં ગાડા વાળે..” જા હવે શાંતિથી જમી લે અને રમાડ અમારી દિકરીને ..અને હા પ્રવિણ કાલે ઓફિસ બોફિસ જઈશ નહી.. જે કામ હોય તે બીજાને કહેજે પતાવે.. કાલે અમે આવીશું ઘરે અને પલનો નિસ્ક્રમણ સંસ્કાર કરવાનો છે..અને પછી થોડા દિવસોમા લક્ષ્મીને તેડી લાવવાની છે ઘરે.. હવે એ લોકોને પણ પોતાનાં ઘરમાં સેટ થવાનો સમય અને પ્રાયવસી આપવાની ને..! અને તું તારા મા બાપુને અહીં કાયમી રહેવા બોલાવવાનું કહેતો હતો ને.. તો આ સમય હવે યોગ્ય છે.. બે એક દિવસ ગામડે જઈ આવ અને બધી તૈયારી કરીને એમને લઈ આવ.. ઘરે નાની છોકરી હશે એટલે શરૂઆતમાં ગમશે જ અને પછી ફાવી પણ જશે અહી..’
‘ ભલે.. જેવું તમે કહો તેમ… ( પછી શેઠ સામે જોઈને ) તમે કાલે આવો જ છો તો તમે જ હિતેનભાઈને પુછી ને વાત કરો ને .. વડીલ તરીકે તમે કહો તે વધારે યોગ્ય રહે ને..’
શેઠે પ્રેમથી ખિજાતા હોય તેમ કહ્યું,’તું હવે કંઈ નાનો નથી.. એક છોકરીનો બાપ થઈ ગયો.. તારો ધંધો છે, તું જાણે.. આ તો તે મને પુછ્યુ તો મેં તને રસ્તો બતાવ્યો..’
પ્રવિણ બન્નેને પગે લાગી ( જોકે દર વખતે છૂટા પડતી વખતે એ પગે લાગીને જ જતો) ..ઘરે જવા નિકળી જાય છે…
( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા