ડો. રચિત સર પોતે ગાયનેક ન હોવા છતાં પણ વ્યક્તિગત રીતે આ કેસ મોનિટર કરતા હોય છે.. એ ઓપરેશન થીએટરમાં જોડે જ હોય છે.. એ હવે શેઠ હાજર હતા એટલે પોતે જ રૂમમાં આવી ને કહે છે,
‘અંકલ એક મિનીટ બહાર આવો ને….’
શેઠ તુરંત બહાર આવે છે… ‘શું કોઈ કોમ્પ્લિકેશન છે ?’
એવું જ્યારે શેઠે પૂછ્યું તો ડો. રચિત કહે છે,
‘બ્લિડીંગ બહુ જ થયુ છે… લક્ષ્મીનું બ્લડ ગ્રુપ ક્રોસમેચ કરીને અમે બ્લડની વ્યવ્સ્થા કરી જ રાખી હતી..એટલે થોડી વાર તો લાગશે જ… એટલે પેનિક ન થશો.. પણ તમારે હવે રોકાવાની જરુર નથી, તમારે પણ ડાયાબિટીસ છે, તો આરામથી તમે અને આંટી ઘરે નિકળી જાઓ..હું પ્રવિણને મારી સાથે ઓટી માં બે મિનીટ લઈ જાઉ છું… એ પણ લક્ષ્મીને જોઈલે એટલે એને પણ ટેન્શન ઓછું થઈ જશે.. એકવાર બધુ ઓકે થઈ જાય પછી, હુ તમને પછી ફોન કરીશ’
ડો. રચિત હવે પ્રવિણને ઓટીમાં લઈ જાય છે..અને જતાં જતાં થોડી ડિટેઈલ્સ સમજાવી દે છે..પછી એને લક્ષ્મી પાસે લઈ જઈ થોડે દૂરથી એનુ મોઢું જોવડાવી પરત મોકલી દે છે..અને કહે છે કે, ‘બ્લડ ચડી જાય અને એનેસ્થેસિયાની અસર ઓછી થઈ જાય પછી બોલાવું છું તમને.. અત્યારે તમે રૂમમાં જ વેઈટ કરો.’
લક્ષ્મીને હવે કોઈ જ કોમ્પ્લીકેશન ન હોવાથી ત્રીજા દિવસે સવારે અગીયાર વાગે લક્ષ્મીને ડિસ્ચાર્જ મળી જાય છે.. બધા સુખરૂપ ઘરે પહોંચી જાય છે. એ દિવસે રાત્રે પ્રવિણ તેજલબેનનાં ઘરે જમવા માટે રોકાય છે ત્યારે દિકરીનુ નામ શું રાખવું એ વિચારણા કરે છે… અને છઠ્ઠીની વિધી અંગે આયોજન કરે છે.
હવે છઠ્ઠીના દિવસે શુભ મુહૂર્તે બધા તેજલબેનનાં ઘરે ભેગા થાય છે.. છઠ્ઠીની વિધી માટે શેઠ અને શેઠાણી પણ ખાસ હાજર રહે છે…શેઠાણીની તબિયત આગલાં દિવસે બરોબર ન હતી તેમ છતાં, કેમકે શેઠાણીની પોતાની બહુ જ ઈચ્છા હતી. બધા શુભ ચોઘડિયું શરુ થાય તેની રાહ જોતાં બેઠાં હોય છે ત્યારે શેઠે કહ્યું,
‘લક્ષ્મી આપણી સનાતન પરંપરામાં સોળ સંસ્કાર બતાવ્યા છે પણ મને તો બહુ આ બાબતે વધારે જ્ઞાન નથી પણ તારા શેઠાણીને આ બધુ ખબર છે… (પછી થોડું હસી ને કહે છે) હવે તારી મા ગણે કે સાસુ કે શેઠાણી.. એ થોડું ઘણું જાણે છે તો કહેતી હતી કે લક્ષ્મીની દિકરીનો આ પાંચમો સંસ્કાર છે અને બહુ જ મહત્વનો પણ.. એટલે મારે તો આવવું જ છે..’
આ સાંભળી લક્ષ્મીએ કહ્યુ,
‘મારી મા તો હવે આ દુનિયામાં નથી..એ હોત તો મને આ બધી વિધાની થોડી ઘણી જાણકારી આપતા…પણ હવે તો જે છો તે તમે જ બધા છો.. તમારી પેઢીને આ બધુ ખબર છે તો મને સમજાવોને તો આ જ્ઞાન અમારી પેઢીને અને પછી આગળ જતાં, હું મારી દીકરીને સમજાવું તો જ આપણો આ ભવ્ય વારસો સચવાય ને..’
શેઠાણી બોલ્યા, ‘વાહ.. દીકરી.. મને બહુ જ માન થાય છે તારા પર..આજની પેઢીને આ બધુ જાણવા, સમજવા અને પછી અનુસરવાની તૈયારી જોઈને મને આનંદ થયો… આપણી પારંપરિક પ્રાચિન છતા સંપૂર્ણ પણે વૈજ્ઞાનિક અને તર્કસંગત સર્વકાલિન પ્રસ્તુત એવી સનાતન પરંપરાઓ તારી આજે આ જિજ્ઞાષા થઈ એટલે હવે વીસરાશે નહી અને સતત વહેતી રહેશે એવો વિશ્વાસ બેઠો છે.. એટલે હવે તો ચોક્કસ સમજાવીશ.’
પ્રવિણ અને હિતેનભાઈએ આજે રજા પાડી હતી, શેઠ-શેઠાણી તો નિવૃત થઈ ગયા હતા.. કોઈને ક્યાંય જવાની ઉતાવળ જ ન હતી… એટલે તેજલબેને પણ કહ્યુ, ‘… મને થોડી ઘણી તો ખબર છે.. મારે પણ વિગતે જાણવું જ છે.. પ્લિઝ અમને થોડુ સમજાવો ને..!’
એટલે શેઠાણીએ નિરાંતે વાત માંડી..બાળક ગર્ભથી જ શીખવાની શરૂઆત કરી દે છે એ વાત અભિમન્યુના ઉદાહરણથી સમજાવી આ સોળ સંસ્કાર અંગે સમજાવવાનું શરુ કરે છે…અને કહે છે,
સોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક શ્લોક છે –
गर्भाधानं पुसवनं सीमन्तो जातकर्म च नामक्रिया
निष्क्रमणो अन्नप्राशनं वपनाक्रिया ।
कर्णवधो व्रतोदेशो वेदारंभक्रियाविधिः केशान्तः स्नानमुद्धोहो
विवाहग्नि परिग्रहः प्रेताग्निसंग्रहश्ये ति संस्कारोः षोडशः स्मृताः ॥
(૧) ગર્ભાધાન (૨) પુંસવન (૩) સીમંતોન્નયન (૪) જાતકર્મ (૫) નામકરણ (૬) નિષ્ક્રમણ (૭) અન્નપ્રાશન (૮) ચૌલકર્મ (૯) કર્ણવેધ (૧૦) ઉપનયન (૧૧) વેદારંભ (૧૨) સમાવર્તન (૧૩) લગ્ન (૧૪) વાનપ્રસ્થ (૧૫) સંન્યસ્ત (૧૬) અંત્યેષ્ટિ.
પહેલો ગર્ભાધાન સંસ્કાર છે…દાંપત્યજીવનનો એક ઉદ્દેશ્ય શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરવાનો છે. સામાન્યતઃ સંતાન માતાપિતા જેવા જ બને એવી ધારણા છે, પરંતુ આપણી સંસ્કૃતિમાં આપણું સંતાન અને આપણાથી પણ શ્રેષ્ઠ બને એવો પ્રયત્ન કરવાનો છે. સંતાનમાં માતાપિતાના દુર્ગુણો અને દોષોનો નાશ થઈ જાય અને સદ્ગુણોમાં વધારો થાય એ દૃષ્ટિથી દંપતી માતાપિતા બને તે પહેલાં એમના શરીર અને મનને તૈયાર કરવાનાં છે. માતાપિતા બનનારાં દંપતીના શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનારા સંસ્કાર એટલે જ ગર્ભાધાન સંસ્કાર.
બીજો સંસ્કાર પુંસવન છે..જેમાં ગર્ભધારણ નિશ્ચિત થયા પછી આ સંસ્કાર કરવામાં આવે છે. સર્વાંગી સ્વસ્થ માતાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અર્થાત્ ગર્ભાધાન થયા પછી ગર્ભ ઉપર પુંસવન સંસ્કાર કરવામાં આવે છે. જે રીતે ગર્ભાધાન સંસ્કાર કરવાથી સ્ત્રીના દોષ દૂર થઈને તે ગર્ભાધાન માટે યોગ્ય બને છે એ રીતે પુંસવન સંસ્કાર માતાના માધ્યમથી ગર્ભસ્થ બાળક ઉપર કરવાથી તે ગર્ભ પણ દોષરહિત બને છે અને અનિષ્ટોથી બચે છે. શાસ્ત્રોમાં ‘પુંસવન’ સંસ્કારના શાબ્દિક અર્થની વ્યાખ્યા કરતાં વિદ્વાનોએ સંતાનમાં પુરુષત્વ પ્રાપ્તિ માટે કરવામાં આવતું કાર્ય માન્યું છે.
ત્રીજો સંસ્કાર સીમંતનો છે જે આપણાં ભાગ્યમાં હતુ એટલે લક્ષ્મીની સીમંતની વિધી સરસ રીતે કરી હતી.
છઠ્ઠા કે સાતમાં મહિના સુધીમાં શિશુના બધા અંગો – પ્રભંગોનો વિકાસ થઈ જાય છે. માત્ર માથાના - બે ભાગનું જ બંધારણ બાકી રહે છે. આ બે ભાગોને જોડતી સીમાનું બંધારણ આ સમયે થાય છે. તેથી પણ આ સંસ્કારને સીમંતોન્નયન કહે છે.
ચોથો સંસ્કાર એટલે જાતકર્મ..આ સંસ્કાર શિશુના જન્મ સમયે, નાળછેદન પહેલાં થાય છે. આ સમયે શિશુ ગર્ભમાં હોય છે. આથી સંસ્કાર વિધિ માતા દ્વારા જ થાય છે. જાતકર્મ સંસ્કાર નવજાત શિશુ પર કરવામાં આવે છે. આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં ગાયનું શુદ્ધ ઘી અને મધ મૂકવામાં આવે છે. આ શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. આપણે તેને ગળથૂથી પણ કહીએ છીએ. આ સંસ્કારને મેધાજનન સંસ્કાર પણ કહે છે. આપણે હોસ્પિટલમાં હતા એટલે વિધીવત રીતે એ શક્ય ન બન્યું પણ બાળકીને રૂમમાં લઈ આવ્યા પછી જે પિવડાવ્યુ હતુ તે ગળથૂંથી જ હતી..
પાંચમો સંસ્કાર જેનાં માટે આજે આપણે સૌ અત્યારે ભેગા થયા છે તે નામકરણ સંસ્કાર એટલે નવજાત શિશુનું નામ નિશ્ચિત કરવું. મનુષ્ય જન્મે છે ત્યારે તે પિંડ સ્વરૂપ જન્મે છે. તેનું કોઈ નામ હોતું નથી. નામનું મહત્ત્વ સ્વીકારીને પૂર્વજોએ એને સંસ્કારની શ્રેણીમાં રાખ્યું. વ્યક્તિનું નામ એની સાથે જીવનપર્યંત રહે છે. ખરેખર તો તે મૃત્યુ પછી પણ વર્ષો સુધી અને ક્યારેક સદીઓ સુધી રહે છે. જેમ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા એક હિન્દુ ધાર્મિક સંસ્કાર છે, તે જ રીતે બાળકના નામની પ્રતિષ્ઠા પણ એક સંસ્કાર છે. સામાજિક વ્યવહારમાં એકબીજાની ઓળખ માટે નામની આવશ્યકતા છે. નિશ્ચિત સંબોધન કરી શકાય એ માટે નામકરણ આવશ્યક છે. બાળકની છઠ્ઠી કરવી એટલે આ સંસ્કારની વિધિ કરવી…
આટલી વાત કરી શેઠાણી અટકે છે અને કહે છે, ‘ચાલો ભાઈ સમય થઈ ગયો છે.. છઠ્ઠીની વિધી પૂર્ણ કરીએ.. આગળની વાત તો પછી પુરી કરીશું..’
બધાએ આ વિધિમાં હવે પુરા ભાવથી સામેલ થઈ… છેવટે સર્વાનુમતે નક્કી થયા મુજબ.. આ ત્રણે સન્નારીઓ ગાય છે,
‘ઓળી ઘોળી પીપળ પાન…સૌએ પાડ્યું ……… નામ…! “
( ક્રમશ: )
લેખકઃ રાજેશ કારિયા