ૐ
(આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ અને નીયા બન્ને અભિજીતભાઈ અને હેત્વિબહેન વિરૂદ્ધ પુરાવાઓ મેળવવા માટે એક પ્લાન બનાવે છે અને બધુંજ તે લોકોનાં પ્લાન મુજબ થઈ રહ્યુ છે. હવે આગળ....)
વિરાજ સાથે ફોન પર પ્લાન વિશે ચર્ચા કર્યા બાદ નીયા સુઈ ગઇ.
અડધી રાત્રે નીંદરમાં નીયાને કોઈનો અવાજ સંભળાયો, "નીયા...", "નીયા..."
નીયાએ આવા અવાજો સાંભળ્યા એટલે તે ડરી ગઇ અને બોલી, " આ અવાજ તો આલોકનો....!"
નીયા આમથી તેમ જોવા લાગી. ત્યાં તેને તેનાં રીડિંગ ટેબલ પાસે ચેર પર નાનકડો સોળ વર્ષનો આલોક દેખાયો... તે જ ચહેરો, આગળથી કપાળ સુધી પહોચી જતાં વાળને તે હાથેથી સરખા કરી રહ્યો હતો, તેણે રશિયા જતી સમયે જે કપડા પહેર્યા હતાં, તેજ કપડા પહેરીને તે અત્યારે બેઠો હતો. નીયા તો તેને જોતી જ રહી ગઇ ત્યાં જ તે છોકરો બોલ્યો, "આમ શું જુએ છે? હું તારો આલોક, આલુ."
નીયા તો આલોકને અચંબા સાથે જોતી રહી ગઇ, તે કાંઈ બોલી શકે તેવી હાલતમાં ન હતી. તે કાંઈ સમજી શકતી ન હતી. તેની સામે જે આલોક બેઠો હતો તે સાચે જ પોતાનાં ભૂતકાળનાં આલોક જેવો જ દેખાતો હતો. તેનાં માનમાં વિચારોનાં વંટોળ ઉઠવા લાગ્યા.
ત્યાં જ આલોક બોલ્યો "કેમ? ઓળખી નહીં? ઓહ..હું તો ભૂલી જ ગયો, આટલા વર્ષો પછી મને ક્યાંથી ઓળખ?"
નીયા હિંમત કરીને બોલી, "આલોક..આલુ?...."
આલોક બોલ્યો "હા હું આલોક, મને ખબર છે કે અત્યારે મને અચાનક આવી રીતે જોઇને તને ઘણાં ખ્યાલ આવવા માંડ્યા હશે. ચિંતા ન કર, થોડી જ વારમાં તારી મૂંઝવણ દૂર થઈ જશે"
"હું હવે આ દુનિયામાં નથી. દશ વર્ષ પહેલા જ મારુ મૃત્યુ થઈ ગયુ હતું." આલોક એક નાનકડા સ્મિત સાથે બોલ્યો.
નીયા નવાઈ પામતા બોલી, "તો પછી મારી જેની સાથે સગાઈ થઈ તે?...!!"
"રિતિક..." આલોક સ્મિત સાથે બોલ્યો.
"વ્હોટ?!" નીયાની આંખો ખુલ્લીજ રહી ગઇ.
"યસ, હું તને બધી વાત કહુ છું..
તે દિવસે હું અને રિતિક પીકનીકમાં મસ્તી-મજાક કરતાં-કરતાં જંગલમાં ક્યારે ચાલ્યા ગયા તેની અમને પણ ખબર ન પડી. મેં તને કૉલ કરવા માટે મોબાઈલ લીધો અને જોયું તો નેટવર્ક ન હતું મળતું. એટલે રિતિકને ત્યાં સાઈડમાં બેસાડીને હું નેટવર્ક શોધવા ગયો. નેટવર્ક નહતું મળતું એટલે હું નિરાશ થઈને ફરી પાછો રિતિક પાસે આવતો હતો, ત્યાંજ અચાનક.... મારા પર કોઈ જંગલી પ્રાણીએ પાછળથી હુમલો કર્યો. મે ચીસ પાડી..." રિતિક..." રિતિકને આ અવાજ સંભળાયો એટલે એ તરત જ અવાજ ની દિશામાં દોડ્યો, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગઇ હતું....મારુ મૃત્યુ થઈ ગયુ હતું..."
આલોક આટલું બોલી ચુપ થઈ ગયો.
નીયા આ બધુ સાંભળી અવાક રહી ગઇ, તે કંઇ જ બોલવાની હાલતમાં ન હતી. તેને કશું જ સમજાતું ન હતું, તેનો મગજ બંધ પડી ગયો હતો.
નીયા બોલી, "પછી?....."
આલોક બોલ્યો, "પછીનું બધુ હું ન જણાવી શકુ. એ તો તું મારા મમ્મી-પપ્પા પાસેથી જાણી લેજે."
નીયાએ જવાબમાં હકારમાં માથું હલાવ્યું.
આલોક બોલ્યો, "તે રાત્રે વિરાજનાં ઘરે અવાજ કરીને તેને ઉઠાડવાવાળો અને બારીમાં લખવાવાળો પણ હું જ હતો. તારા મનમાં ઘણાં પ્રશ્નો થતા હશે પણ તેનાં જવાબ હું નહીં આપી શકુ. મેં તને વચન આપ્યું હતુ તેમ હું તને મળવા આવી ગયો... તું અનુને કહેજે કે તેનો બેસ્ટ ફ્રેન્ડ તેને બહુ યાદ કરે છે, ( પછી થોડુ હસીને બોલ્યો)તેનાં હાથનાં મારને બહુ યાદ કરે છે. રિતેશઅંકલ- રીમાઆંટી, રાહુલ અંકલ, મમ્મી-પપ્પા અને મેહુલભાઈને, પ્રિયાભાભીને બધાને મારી યાદ આપજે.
એક જરૂરી વાત, રિતિક આમાં નિર્દોષ છે. તેને પણ મારી યાદ આપજે. મને તારા પર વિશ્વાસ છે કે તું સત્યની શોધ કરી લઈશ. મારી એક વાત હંમેશા યાદ રાખજે, તું બહાદુર છોકરી છે. તું મારી નીયુ છે. તું કદી જીવનમાં હાર ન માનતી. અને હા, વિરાજ સારો છોકરો છે. તેના પર વિશ્વાસ રાખ. તે તને ખુબ જ પ્રેમ કરે છે.
આપણાં બન્નેનાં પ્રેમની સફર કદાચ ત્યાં સુધી જ હતી. દશ વર્ષ પહેલા જ આપણા બન્નેના રસ્તાઓ અલગ થઈ ગયા હતાં. પણ તારા અને વિરાજ વચ્ચે પ્રેમ...
નહીં..અનોખા પ્રેમની સફર ત્યારે જ ચાલુ થઈ ગઇ હતી જ્યારે તમે બન્ને પહેલા સુમસામ રસ્તા પર મળ્યા હતાં. બાય...લવ યુ નીયુ...." આટલું બોલી આલોક અદ્રશ્ય થઈ ગયો...!!
નીયા સફાળી જાગી ગઇ, તેને કપાળે પરસેવો આવી ગયો હતો. તેણે પોતાની રીડિંગ ટેબલ પાસેની ચેર પર જોયું તો ત્યાં કોઈ નહતું. નીયા વિચારમાં પડી ગઇ કે, "આ સપનું હતુ?"
"હા હતું તો સપનું પણ હકીકતવાળું...આલોકે મને પ્રોમિસ કર્યું હતું તેમ તે મને મળવા આવ્યો." નીયા સ્વગત આટલું બોલી અને ખુશ થઈ, અને તે થોડા ઉંચા અવાજે ચેર સામું જોઈને બોલી, "લવ યુ ટુ આલોક."
પછી રિતિકવાળી વાત પર તે વિચારવા લાગી...."આલોકે વાત કરી તેનાં પરથી એ તો ખબર પડી ગઇ કે જેની સાથે મારી સગાઈ થઈ છે તે આલોક નઈ પણ રિતિક છે. પણ એ કેવી રીતે? શું છે આખી વાત?"
નીયાએ પોતાનો ફોન લીધો અને વિરાજને કૉલ કર્યો, ઘણી રિંગ ગયા છતા ફોન રિસીવ ન થયો એટલે નીયાએ ફરીથી કૉલ કર્યો. ત્યારે પણ થોડી રિંગ ગયા બાદ સામેથી કૉલ રિસીવ થયો.
"હેલ્લો..."
"હેલ્લો, વિરાજ, શું કરે છે?" નીયાએ પુછ્યું.
"મારા પપ્પાનાં બધાં મિત્રો ઘરે આવ્યાં છે. તેની સાથે સત્સંગ કરી રહ્યો છું. આજે પચાસ ભજન ગાવાનો ટાર્ગેટ રાખ્યો છે." વિરાજ બોલ્યો.
"હેં?!" નીયા નવાઈ સાથે બોલી.
"શું, હેં?!" અત્યારે રાતનાં સાડા ત્રણ વાગ્યે સૂતો જ હોઉ ને?" વિરાજ હળવા ગુસ્સા સાથે બોલ્યો.
"સોરી." નીયા શાંત સ્વરે બોલી.
"તમોને અમારું એવું તો શું કામ પડયું કે, અમારાં જેવા પામર મનુષ્યને તમારે અડધી રાત્રીએ કૉલ કરવાનો કષ્ટ કરવો પડ્યો?" વિરાજ મસ્તી કરતા બોલ્યો.
"વિરાજ આ મજાક કરવાનો સમય નથી. હું તને એક વાત કહેવા માંગુ છું." નીયા ગંભીરતાપૂર્વક બોલી.
વિરાજ બોલ્યો, "હા બોલ."
નીયાએ પોતે જોયેલું સપનું એટલે કે હકીકતમાં સપનામાં મળવા આવેલ આલોક સાથે જે કાંઇ પણ વાત-ચિત થઈ તે બધી વાત વિરાજને કરી. પણ નીયાએ આલોકે તેને છેલ્લે જતી સમયે વિરાજ વિશે જે વાત કરી હતી તે વાત વિરાજને ના કહી.
બધી વાત સાંભળી વિરાજ બોલ્યો, "સાચેકમાં, તારા અને આલોકનો પ્રેમ સાચો છે. મૃત્યુ પામ્યા બાદ પણ તને આપેલું વચન પુરૂ કરવા તે તને મળવા આવ્યો...તમારા પ્રેમનું વર્ણન કરવા શબ્દો ખૂટી જાય."
"હા, મને તો વિશ્વાસ જ નથી આવતો કે મારો આલોક મને મળવા આવ્યો હતો. હું આ વાત શબ્દોમાં વ્યકત જ ના કરી શકુ." નીયા ખુશ થતા બોલી. વિરાજને નીયાનાં અવાજ પરથી જ ખબર પડતી હતી કે નીયા કેટલી ખુશ હતી.
"હું સાચું કહેતો હતો ને કે કોઈ મારા રૂમની બારી પર એવું લખી ગયુ હતુ પણ તું મારા પર વિશ્વાસ નહતી કરતી. જોયુંને આલોક જ આ બધુ લખી ગયો હતો." વિરાજ નીયાને સંભળાવતા બોલ્યો.
"ઓક્કે, સોરી." નીયા સાવ ધીમા સ્વરે બોલી.
"પણ હવે શું કરીશું? આપણો એક પ્લાન તો સરખો ચાલી રહ્યો છે પણ હવે આ નવી મુસીબત આવી તેનાં વિશે કોઈ પ્લાન કરવો પડશે ને." નીયા ચીંતીત સ્વરે બોલી.
"હં....આપણે કાંઇક વિચારીશું. અત્યારે તું શાંતીથી સુઈ જા. 31st ની પાર્ટીને થોડા દીવસ જ બાકી છે અને આપણે ઘણી તૈયારી કરવાની છે." વિરાજ બોલ્યો.
"હા, તારી વાત સાચી છે. તો અત્યારે એ બધુ મુકીને આપણાં પહેલા પ્લાન પર ફોકસ કરીએ. બાય." નીયાએ આટલું બોલીને કૉલ કટ કરી નાખ્યો.
31st ની પાર્ટીની બધી જવાબદારી નીયાએ લીધી હતી. વિરાજે તેઓના પ્લાન માટેની બધી વસ્તુ લઇ લીધી હતી.આખરે તે દીવસ પણ આવી ગયો. શિયાળાની ઠંડી અને ખુશનુમા સવાર હતી. વાતાવરણમાં ઝાકળ જોવા મળતી હતી. વાદળોની વચ્ચેથી સૂરજ દાદા ધીમે-ધીમે દ્રશ્યમાન થવા લાગ્યા. તેમનાં તાજગીભર્યા સોનેરી કિરણો નીયાનાં રૂમમાં પ્રવેશી ને નીયાનાં સપનામાં હસી રહેલા ચહેરા પર પડ્યા. પણ તે કિરણોનાં પ્રયત્ન છતા નીયા ના ઉઠી એટલે ન-છુટકે એલાર્મને વાગવું પડયું. એલાર્મ બંધ કરીને નીયા પલંગ પર બેઠી. તેનાં ચહેરા પર એક તાજગીભરી સ્માઈલ આવી ગઇ. તે વિચારી રહી હતી કે 'કેમ અચાનક આજે સપનામાં વિરાજ આવ્યો?' તે વિચારતા-વિચારતા પોતાની બાલ્કનીમાં ઊભી હતી. ત્યાં તેની નજર ગાર્ડનમાં ગઇ, ત્યાં વિરાજે પોતાના હાથે ઘણાં છોડ ઉગાડયા હતાં. તેને પોતાનો અને વિરાજનો મુલાકાતનો પહેલો દીવસ યાદ આવી ગયો. તે રાત્રે બન્ને ગાર્ડનમાં ગયા હતાં ત્યારે વિરાજે નીયાને કહ્યુ હતુ કે તે ગાર્ડનમાં બીજા ઘણાં છોડ વાવશે અને તેણે વાવ્યા પણ ખરાં. તે તેની માવજત પણ સારી રીતે કરતો હતો. તેનાં ગયા પછી નીયા તે ફૂલોની કાળજી લેતી થઈ ગઇ.
નીયા આ બધાં વિચારોમાં મગ્ન હતી ત્યાં તેનો ફોન રણક્યો. તેણે જોયું તો વિરાજનો કૉલ હતો. તે કૉલ રિસીવ કરતા તરત બોલી, "તું સો વર્ષનો થઇશ. હમણાં તને જ યાદ કરતી હતી."
નીયા ઉતાવળમાં આટલું બોલી તો ગઇ પણ પછી તેને થયુ કે તે આ શું બોલી ગઇ?
સામે વિરાજ બોલ્યો, "વાહ.... અમારાં અહોભાગ્ય."
નીયા બોલી, "એ દોઢડાહ્યા....શું કામ હતુ એ બોલ?"
વિરાજ બોલ્યો, "મે તને ઉઠાડવા જ ફોન કર્યો હતો. કે આજે બધી તૈયારી વ્યવસ્થિત કરવાની છે. રાત માટે."
"હા, હું બસ ઉઠી જ છુ. હવે તું ફોન મૂક એટલે તરત કામે લાગુ." નીયાએ કહ્યુ.
વિરાજે "આલે...મુક્યો." કહીને કૉલ કટ કરી નાખ્યો અને નીયા હસતી-હસતી ન્હાવા ચાલી ગઇ.
તે નીચે ઉતરી. બધાએ સાથે નાસ્તો કર્યો.
નીયા: તમે બધાં લોકો ઓફિસે જજો. હું પાર્ટી માટે નું બધુ કામ કરી લઈશ.
પ્રિયા: તું બધુ કામ કરી લઈશ?
નીયા: હા, ભાભી તમે ચિંતા નાં કરો.
પ્રિયા: ઓક્કે.
બધાં પોત-પોતાના કામે ગયા અને નીયા ઘરમાં જ રહી. ડેકોરેશનનો બધો સામાન લઇને ડેકોરેશન કરવાવાળા પણ આવી ગયા. નીયાએ માથે રહીને સમગ્ર હોલનું બધું ડેકોરેશન કરાવી નાખ્યું. ત્યાંજ વિરાજ ઘરે આવ્યો અને તેને એક પેનડ્રાઇવ, સફેદ પડદો, પ્રોજેકટર દઇ ગયો. તેમજ વિરાજે નીયાને રિતિકવાળી વાત બહાર પાડવા માટેનો એક પ્લાન કહ્યો. નીયા તેમાં સહમત થઈ. ડેકોરેશનવાળાનાં ચાલ્યા ગયા બાદ નીયાએ ઘરનાં શેફને પોતે આપેલા મેન્યુ મુજબનું જમવાનું, જ્યુસ અને નાસ્તો બનાવવા કહી દીધું. ફક્ત નીયાનો પરિવાર, આલોકનો પરિવાર અને અનન્યાનો પરિવાર તેમજ અવિનાશ, આટલાં ફેમેલિનાં સભ્યોની જ પાર્ટી રાખી હતી. મ્યુઝીકનું અરેજમેન્ટ પણ થઈ ગયુ હતુ.
*******
સાંજ થઈ ગઇ હતી. હોલમાં રંગબેરંગી લાઇટસ પડી રહી હતી. સોફાની પાછળની બાજુની દીવાલ પર happy new year લખેલું હતુ. અને તેની સામેની બાજુની દીવાલ પર વિરાજે આપેલ એક મોટો સફેદ પડદો લગાડેલ હતો. બેકગ્રાઉન્ડમાં ધીમું મ્યુઝીક ચાલુ હતુ. ડાઇનિંગ ટેબલ પર નાસ્તા અને જ્યુસ મુકવામાં આવેલા હતાં. મેહુલ-પ્રિયા તેમજ રિતેશભાઈ અને રીમાબહેન તૈયાર થઈને હોલમાં આવ્યાં અને બધી તૈયારીઓ જોઇ લીધી અને હોલમાં બેઠા. ત્યાંજ અનન્યા-અવિનાશ અને રાહુલઅંકલ પણ આવ્યાં. આલોક, અભિજીતભાઈ અને હેત્વિબહેન પણ આવ્યાં.
આલોકે પિન્ક કલરનું ટી-શર્ટ, તેની માથે બ્લેક કલરનું જેકેટ, બ્લેક જીન્સ, હાથ પર બ્લેક વોચ, બ્લેક કલરના શૂઝ પહેર્યા હતાં. આજે તે ખુબજ હેન્ડસમ લાગી રહ્યો હતો. બધાં લોકો આવી ગયા હતાં. બધાએ હોલનાં ડેકોરેશનનાં વખાણ કર્યા અને સોફા પર બેઠા. આલોક બોલ્યો, "અંકલ, નીયા ક્યાં છે?"
"નીયા આ રહી." આટલું બોલતી નીયા નીચે ઉતરતી હતી... પિન્ક કલરનું લોન્ગ ગાઉન, છુટા વાળ, મેક-અપ વગરનો સુંદર ચહેરો. એક હાથમાં પિન્ક કલરનું બ્રેસલેટ તે આજે ખુબજ સુંદર લાગી રહી હતી. નીયા આવીને ત્યાં સોફા પર બેઠી.
બધાએ નીયાની પાર્ટીની તૈયારીનાં વખાણ કર્યા. નીયા ખુશ-ખુશ થઈ ગઇ. બધાંએ નાસ્તો કરતા-કરતા જ્યુસ પીતા-પીતા ઘણી વાતો કરી, હસી-મજાક કરી. નીયાએ એ વાત નોટિસ કરી કે અભિજીતભાઈ અને હેત્વિબહેન મેહુલભાઈ અને પ્રિયાભાભી સાથે કાંઇક વધારે જ વાત-ચિત કરી રહ્યાં હતાં. તેમનાં કપડાના વખાણ કરવા, કે પછી કોઈ પણ બીજી વાત હોય આજે તેઓ તેમનાં કાંઇક વધારે જ વખાણ કરી રહ્યાં હતાં. આ બધુ જોઇ નીયા મનમાં હસતા બોલી, "વિરાજે પણ આ લોકોનાં મગજમાં મેહુલભાઈને ઇમોશનલી બ્લેકમેઈલ કરવાની વાત એવી તો નાખી દીધી છે. બાપરે....."
પછી બધાં જમવા બેઠા. તો ત્યાં જમવામાં પણ મેહુલભાઈનું આ પોતાનુ ઘર હોવાં છતા અભિજીતભાઈ તેમને જમવામાં આગ્રહ કરી રહ્યાં હતાં. નીયા આ બધી બાબતોની મજા લઇ રહી હતી.
જમીને બધાં હોલમાં બેઠા. બધાએ અલગ-અલગ ગેમ રમી અને ખૂબ મજા કરી. ત્યાં 12 વાગવાને 10 સેકન્ડની વાર હતી અને પડદા પર કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયુ. 10, 9,8.....1 happy new year. બધાએ એક-બીજાને happy new year વિશ કર્યું. અને બધાએ ઘણો ડાન્સ કર્યો. ડાન્સ કરીને બધાં થાકી ગયા એટલે સોફા પર બેઠા.
નીયા ઊભી થઈને બોલી, "હવે આપણે ગયા વર્ષની બધી યાદોને તાજી કરીશું."
મોટા પડદા પર તેમનો પરિવાર અને અનન્યા અને તેમનો આખો પરિવાર તેમજ આલોક અને તેમનો પરિવાર બધાંનાં જેટલા પણ ફોટા હતાં તે એક પછી એક પડદા પર આવવા લાગ્યા તેમ ત્યાં ઉપસ્થિત બધાં લોકોનાં મગજ પર એક પછી એક જૂની યાદ ફરી તાજી થવા મંડી. તેમાં તે બધાં લોકોનાં ફરવા જવાના ફોટા, બર્થ-ડે પાર્ટી, મેરેજ એનીવૅસરીની પાર્ટી, બિઝનેસ ફેમેલિ ફંકશનનાં ફોટા, ગરીબ બાળકો સાથેનાં ફોટા, આલોક-નીયા તેમજ અનન્યા-અવિનાશની સગાઈનાં ફોટા.
આ બધુ જોયા બાદ નીયા પોતાની જગ્યા પર જ બેઠીને બોલી, "આ બધી ફોટા જોઇને આપણી જૂની યાદો ફરી તાજા થઈ ગઇ હશે. અભિજીતઅંકલ અને હેત્વિઆંટી માટે મે મારા હાથે એક સરપ્રાઈઝ બનાવ્યું છે, જો તેમની સંમતી હોય તો હું તે સરપ્રાઈઝ બધાં સમક્ષ રજુ કરૂ."
અભિજીતભાઈ બોલ્યા, "હા બેટા, જરૂર."
"હા, બેટા." હેત્વિબહેને પણ સંમતિ આપી.
નીયાએ એક વિડિઓ પ્લે કર્યો...
જેમાં અભિજીતભાઈ અને વકીલ વચ્ચે થતી વાત-ચિત હતી. જે વિરાજે કોફી શોપ પર રેકોર્ડ કરી હતી. આ બધુ જોઇ અને સાંભળીને બધાંનાં મોં તો ખુલ્લા જ રહી ગયા. અભિજીતભાઈ અને હેત્વિબહેન ડઘાઈ ગયા.
ત્યાંજ નીયાએ બીજો વિડિઓ પ્લે કર્યો જેમાં વકીલની ઓફીસ પર અભિજીતભાઈ અને વકીલ બન્નેની વાત-ચિત વિરાજે રેકોર્ડ કરી હતી.
હવે બધાં ઉભા થઈ ગયા અને ગુસ્સો અને આશ્ચર્ય ભરી આંખોએ અભિજીતભાઈ અને હેત્વિબહેનની સામું જોઇ રહ્યાં હતાં અને અભિજીતભાઈ તેમજ હેત્વિબહેન શરમને માર્યા નીચું જોઇ રહ્યાં હતાં.
રિતેશભાઈ ગુસ્સામાં બોલ્યા, "આ શું છે ? અભિજીત? મેં તો તને મારો મિત્ર માન્યો હતો અને તે...!"
રીમાબહેન પણ ગુસ્સા સાથે બોલ્યા, "હેત્વિબહેન તમે આ શું કર્યું?"
"એટલે જ તમે બન્ને ક્યારના મને 'બેટા બિઝનેસ કેવો ચાલે? બેટા આજે તો તે ખુબજ સરસ કપડા પહેર્યા છે હો! બેટા, આજે તો તું હીરોથી કમ નથી દેખાઈ રહ્યો. બેટા, જ્યુસ લે, નાસ્તો લે. બેટા, સરખું જમી લે.' બેટા... બેટા... બેટા... હવે સમજાયું કે આમ અચાનક અંકલ-આંટીને આ બેટા પર આટલો પ્રેમ શા માટે આવી ગયો?!" મેહુલ ગુસ્સામાં બોલ્યો.
પણ મેહુલ જેવી રીતે બોલ્યો, તે સાંભળીને નીયાને હસવું આવી રહ્યુ હતુ. તે બીજી બાજું જોઇને હસવા લાગી.
પ્રિયા પોતાનુ ચાલાક દિમાગ દોડાવતા બોલી, "પણ નીયુ," નીયાનું નામ બોલાતાં, નીયાએ પોતાનું હસવાનું રોકીને તે લોકો બાજું જોયું અને બોલી, "હં ભાભી.."
"આ બન્ને વિડિઓ કલીપમાં વિરાજનો અવાજ પણ આવી રહ્યો છે. મતલબ તે પણ.."
"આ પ્લાનમાં શામિલ છે?" પ્રિયા પોતાનુ વાક્ય પુરુ બોલે તે પહેલા વિરાજએ આવીને તે વાક્ય પુરૂ કર્યું.
ઘરનાં બધાં સભ્યો તો તેને જોતાંજ રહી ગયા. તેનાં બદલાયેલા લુકને કારણે તો તે વિરાજ છે તે ઓળખી જ શકતા નહતા. બધાનું મોં ખુલ્લું રહી ગયુ.
"ભાભી, મારે આ પ્લાનમાં શામિલ થવું પડયું." વિરાજ સ્મિત કરતા બોલ્યો.
"મતલબ?" પ્રિયા નવાઈ સાથે બોલી.
"મતલબ કે ભાભી, આ લોકોની સચ્ચાઈ તમારાં બધાં સમક્ષ લાવવા માટે મે તેમનાં પ્લાનમાં શામિલ હોવાનું નાટક કર્યું." વિરાજ બોલ્યો.
આલોક તો કાંઇ બોલવાની હાલતમાં જ ન હતો. તે તો સાઈડમાં સોફા પર જ બેસેલ હતો. તે બધાની વાતો સાંભળતો હતો. હવે તે ઉભો થયો, હેત્વિબહેન અને અભિજીતભાઈની પાસે ગયો, તેમનાં હાથ પોતાના હાથમાં લીધાં અને તેમની સામે જોવાનું કહ્યુ અને તેણે તે લોકો સામું જોયું અને પુછ્યું,
"મમ્મી-પપ્પા, આ બધુ સાચું છે?"
"હા." હેત્વિબહેન અને અભિજીતભાઈ નીચું જોઈને બોલ્યા.
આલોક સોફા પર ફસડાઈ પડ્યો. તેની આંખોનાં ખૂણા ભીના થઈ ગયા. પણ કોઈ આલોક પાસે જઇ શકે તેમ નહતું. કારણકે ફક્ત આલોકને જ નહીં પણ બધાને આ વાતથી દુઃખ થયુ હતું.
"આલોક, હજુ તો એક જ સત્ય સામે આવ્યું છે. માટે થોડી હિમત રાખ. બીજુ સત્ય પણ સાંભળવું પડશે ને?" નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન સામું સ્મિત કરતા બોલી.
"બીજુ સત્ય? શું છે બીજુ સત્ય?" આલોક સફાળો ઉભો થઈ ગયો અને નીયા સામું જોઈને બોલ્યો....
ક્રમશઃ....
જય સોમનાથ🙏
#stay safe, stay happy.😊