મીત બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પાસે આવી પહોંચ્યો અને ડાઈનીંગ ટેબલની સુંદર સજાવટ જોઈને તે પણ ખૂબ ખુશ થઈ ગયો અને સજાવટના ફોટા પાડવા લાગ્યો અને એટલામાં ખુશ્બુ આવી એટલે તેણે પણ પોતાના ફોટા પાડવા માટે ડીમાન્ડ કરી એટલે પછી તો ફોટો સેશન ચાલ્યું એક પછી એક બધાના ફોટા પાડી લીધા બાદ મામા, મામી, ખુશ્બુ અને મીત તેમજ તેનો પરિવાર બધા સાથે જ બ્રેકફાસ્ટ કરવા માટે બેઠાં.
બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ મીતે પોતાની હનીમુન ટ્રીપ માટેની વાત પોતાના મમ્મી પપ્પા આગળ મૂકી અને આ વાત સાંભળીને સાંવરીએ તેને કહ્યું કે, " હમણાં આપણે ઉતાવળ કરીને ક્યાંય નથી જવું તેના કરતાં તો આપણે આપણી લંડનમાં ઓફિસ છે તો લંડન જઈ આવીએ તો કેવું..?? "
સાંવરીની વાત સાંભળીને મીત બે મિનિટ માટે કંઈ બોલ્યો નહીં પણ વિચારવા લાગ્યો કે શું કરવું ? પછી થયું સાંવરીની વાત પણ સાચી જ છે. ઘણો લાંબો સમય થયો લંડન છોડીને અહીં ઈન્ડિયામાં આવ્યે ત્યાંની ઓફિસ દિવાકરભાઈને વિશ્વાસ ઉપર સોંપીને કરોડોનો બિઝનેસ તેમને હસ્તક સોંપીને આવ્યો છું. આમ તો દિવાકરભાઈ કંપનીના સૌથી જૂનામાં જૂના માણસ છે લગભગ ત્રીસેક વર્ષથી તે પપ્પા સાથે જોડાયેલા છે અને પપ્પાને તેમની ઉપર પોતાની જાત કરતાં પણ વધુ વિશ્વાસ છે માટે તો તેમને રાતોરાત અહીંની ઈન્ડિયાની ઓફિસમાંથી ત્યાં લંડનની ઓફિસમાં સિફ્ટ કર્યા હતા છતાં તેમની પણ હવે ઉંમર થઈ અને પપ્પાને લંડનનું વેધર અનુકૂળ આવતું નથી અને મેં જ જીદ કરીને ઈન્ટરનેશનલ બિઝનેસ ડેવલપ કરવા માટે લંડનમાં કંપનીની ઓફિસ શરૂ કરાવી હતી તો મારે ત્યાં વોચ કરવા માટે અચૂક જવું જોઈએ અને આ બધાજ વિચારો મીતના શાર્પ દિમાગમાં વિજળીના કંરટની જેમ સ્પીડમાં પસાર થઈ રહ્યા હતાં અને સાંવરી ક્યારની તેને બોલાવી રહી હતી અને પૂછી રહી હતી કે મીત તું ચા લેશે કે કોફી લેશે ? પરંતુ મીતનું તો ધ્યાન બિલકુલ નહોતું કારણ કે તે તો આ બધા વિચારોમાં વ્યસ્ત હતો અને એટલામાં તો મીત તેના ડેડની બાજુમાં બેઠેલો હતો તો તેના ડેડે તેનાં હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને ત્યારે એકાએક તે પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે સાંવરીની સામે જોયું અને તેને ખબર પડી કે સાંવરી તેને કંઈક પૂછી રહી છે અને એ ઝબકીને જાગ્યો હોય તેમ તે બોલી ઉઠ્યો કે, યસ અફકોર્સ ચા જ પીશ તારા હાથની આદુવાળી ચા... ખુશ્બુ તેને ચિડવતાં બોલી કે, ભાઈ ભાભી તો હવે ઘરમાં જ આવી ગયા છે હજી તમે શેનાં સપના જૂઓ છો ? કંઈ નહીં એ તો જરા લંડન પહોંચી ગયો હતો અને બે મિનિટ માટે લંડનની ઓફિસ અને દિવાકરભાઈ ને ત્યાંનો ચિતાર અત્યારે કેવો હશે તે જરા નજર સામે જાણે રૂબરૂ થઈ ગયું હતું અને ખુશ્બુ તેમજ સાંવરી બંને હસી પડ્યા અને વળી ખુશ્બુ બોલી કે, "શું ભાઈ તમે પણ ખરા છો ? અહી બેઠાં બેઠાં સીધા લંડન પહોંચી જાવ છો " અને ખુશ્બુની વાતમાં સાંવરીએ સૂર પુરાવ્યો કે, " ખુશ્બુ, આવું પહેલી વખત નથી બન્યું મારી સાથે આવું તો ઘણીવાર બન્યું છે આઈ વોઝ એક્સપિરિયન્સ્ડ..." અને આ બંનેની ટિખળ ઉપર ફૂલસ્ટોપ મૂકતાં મીત બોલ્યો કે, " ઓકે સાંવરી પેકઅપ શરૂ કરી દે આપણે લંડન જ જઈએ છીએ હું ટિકિટ બુક કરાવી દઉં છું અને ત્યાં જઈને જોઈએ કે આપણી ગેરહાજરીમાં ત્યાંની ઓફિસમાં શું ચાલી રહ્યું છે અને આપણાં એમ્પ્લોઇઝ કેવું કામ કરી રહ્યા છે અને આપણે ત્યાં કેટલો સમય રોકાવું પડે તેમ છે ? એવું હશે તો ત્યાંથી રિટર્ન થતાં આપણે દુબઈ રાઉન્ડ મારીને જ આવીશું. "
" અરે પણ હજુ અહીંયા મારે તમને એક બે જગ્યાએ દર્શન કરવા માટે લઈ જવાના છે માટે મીત તું ટિકિટ કરાવે તો મને પૂછીને કરાવજે અને પહેલાં આપણે દર્શનનું કામ પતાવી દઈએ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. " અલ્પાબેન મીતને અને સાંવરીને કહેવા લાગ્યા.
" ડોન્ટ વરી મોમ એમ અમે ઉતાવળ કરીને નહીં ઉડી જઈએ તું ચિંતા ન કરીશ તને પૂછીને જ હું ટિકિટ બુક કરાવીશ, ઓકે ? અને હજુ તો આપણે કેન્સર હોસ્પિટલમાં દાન આપવા માટે પણ જવાનું છે આજે તેનો ચેક તૈયાર કરવાનું મેં હસમુખભાઈને કહી દીધું છે એટલે જો એ ડોનેશનવાળો ચેક તૈયાર થઈ જાય તો આપણે પહેલા કેન્સર હોસ્પિટલમાં જઈને એ ચેક આપી આવીએ જેથી આપણી એક જવાબદારીમાંથી મુક્ત થઈ શકીએ. " મીતે પણ પોતાની મોમને શાંતિથી અને ઠાવકાઈભર્યો જવાબ આપ્યો.
માં દિકરાની વાત ચાલતી હતી ત્યાં મામી સુશીલાબેન વચ્ચે જ બોલ્યા કે, " કેટલું દાન આપે છે બેટા કેન્સર હોસ્પિટલમાં ? "
મીત: જી મામી અત્યારે તો એકવીસ કરોડનું આપવાનો છું પછી આગળ જેમ વધારે કમાઈશ તેમ આપતો રહીશ.
સુશીલાબેન: ખૂબ સરસ બેટા, કોન્ગ્રેચ્યુલેશન્સ....
મીત: જી મામી. થેન્ક્સ.
સુશીલાબેન અને મીતની વચ્ચે ડોનેશન સંબંધિત વાત ચાલી રહી હતી પરંતુ અલ્પાબેનના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. અલ્પાબેનને મીત અને સાંવરી પોતાનાથી દૂર અને આમ ફરીથી લંડન જાય તે થોડું ઓછું પસંદ હતું કારણ કે એ જ પારકા પ્રદેશમાં પોતાનો દિકરો મીત વ્યસને ચઢી ગયો હતો અને પ્રભુ કૃપાથી જ તે ત્યાંથી હેમખેમ બચીને પાછો આવ્યો હતો માટે એની એ જ ભૂમિ ઉપર ફરીથી અને તે પણ હજુ તો હમણાં જ પોતાના દિકરાના લગ્ન જીવનની સુંદર શરૂઆત થઈ છે અને આ રીતે ત્યાં જવા દેવા માટે અલ્પાબેનનું મન જરાપણ માનતું નહોતું પરંતુ તે કશું બોલી શક્યા નહીં અને ચૂપ જ રહ્યા.
ઘણાં સમયથી પોતાના જીવથી પણ વધુ વ્હાલો મીત અને કોઈપણ પ્રશ્નનો શાંતિથી બુદ્ધિપૂર્વક ઉકેલ લાવી દેતી તેમ પોતાના દિકરાને પોતાની જાત કરતાં પણ વધુ ચાહતી અને સાચવતી હોય તેવી પૂત્રવધુ સાંવરી પોતાનાથી અળગી થાય તે અલ્પાબેનને બિલકુલ પસંદ નહોતું માટે તેમણે એક ઉંડો શ્વાસ લીધો અને તે બોલ્યા કે, " બેટા પક્ષીના બચ્ચાં નાના હોય ત્યાં સુધી જ માળામાં રહે પછી જેવી તેમને પાંખો આવે કે તરત જ તે માળામાંથી ઉડી જતાં હોય છે પૂછવા પણ રહેતાં નથી "
મીત: પણ હું એવું નહીં કરું મોમ હું બધું તમને પૂછીને જ કરીશ કારણ કે મેં જે કંઈ પણ ભૂલો કરી હતી તેનું પરિણામ હું ભોગવી ચૂક્યો છું માટે ફરીથી તે ની તે ભૂલો હું નહીં કરું.
બધાં ચા નાસ્તો કરીને ઉભા થયા અને પોત પોતાની રૂમમાં તૈયાર થવા માટે ગયા. મીત પણ પોતાના બેડરૂમમાં ગયો અને ત્યાં જઈને પોતાની સાંવરીને ઉપર બોલાવવા માટે ફોન કરવા લાગ્યો.
સાંવરી આજે બધાને માટે જાતે રસોઈ બનાવવા માંગતી હતી પણ મીત તેને એમ જપવા દે તેમ નહોતો તે સાંવરીને ઉપર બોલાવીને જ જપ્યો.
મીત સાંવરીને ખેંચીને પોતાની બાજુમાં સુવડાવી દે છે અને પછી તેની આંખોમાં આંખો પરોવીને બોલે છે કે, " એય ડિયર, તને ખબર છે ને કે અત્યારે આપણો હનીમુન પિરિયડ ચાલે છે અને આ પિરિયડમાં તારે મારાથી સ્હેજ પણ દૂર થવાનું નહીં ઓકે ? નહીં તો હું કોઈને પણ કહ્યા વગર તને લઈને જંગલમાં ભાગી જઈશ. "
" અરે પણ, હું નીચે ઘરમાં જ છું ક્યાંય નથી ગઈ અને તું પહેલા તૈયાર તો થઇ જા મમ્મી કહેતાં હતાં કે આપણે દર્શન કરવા જવાનું છે. " સાંવરી બોલી રહી છે પરંતુ મીત તો સાંવરીને છોડીને આજે આ બેડમાંથી ઉઠવા જ માંગતો નથી.
અને તેને મનાવવાની કોશિશ કરતાં સાંવરી તેને બહુ બધી કિસ કરવા લાગી અને કહેવા લાગી કે, " ચલ હવે તો ઉભો થા યાર. આપણે મોમ સાથે જવાનું છે. "
મીત પણ સાંવરીની આ નટખટ હરકતથી ખુશ થતો હોય તેમ ઉભો થયો અને બોલ્યો કે, " હાંશ હવે થોડું સારું લાગ્યું. "
સાંવરી: સારું લે આ ટોવેલ અને જા હવે ન્હાવા માટે જા અને તૈયાર થઈને ફટાફટ નીચે આવ. "
મીત: ના, તું નીચે ના જતી રહીશ અહીંયા જ બેસ હું ફટાફટ બે મિનિટમાં નાહીને બહાર આવ્યો સમજ
સાંવરી: ઓકે બાબા ક્યાંય નહીં જવું બસ.
અને સાંવરી ત્યાં જ બેડરૂમમાં રાખેલી સોફાની ચેર ઉપર બેઠી અને પોતાની મોમને ફોન કર્યો.
સાંવરી ફોન ઉપર વાત કરતાં કરતાં થોડી ટેન્શનમાં આવી ગઈ.
સાંવરીની મોમે સાંવરીને એવા કયા સમાચાર આપ્યા હશે ? જેને કારણે સાંવરી ટેન્શનમાં આવી ગઈ કંઈ ખોટું તો નહીં થયું હોય ને ? મીત અને સાંવરી લંડન જઈ શકશે ? જશે તો ક્યારે જશે ? અલ્પાબેન તેમને ખુશીથી જવા તો દેશે ને ?
મીત અને સાંવરીની સામે ઘણાં પ્રશ્નો ઉભા છે.... તો જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/11/23