Diwali Vacation ane Farvano Plan - 4 in Gujarati Travel stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 4

Featured Books
Categories
Share

દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 4

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન
ભાગ 4
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



લાગે છે કે સૌ કોઈ ઉત્સુક છે વધારે ફરવા માટે, બરાબર ને? મજા આવી ને નાઈટ્રોમાં? આવી જ મજા ચારેય જણાંને આવી. પણ એ લોકો માત્ર નાઈટ્રોથી જ ચલાવી લે એવાં થોડાં હતાં!!! એ ચારેય નાઈટ્રોની સફર પૂર્ણ કરી આગળ વધવાનાં હતાં. ચાલો, આપણે પણ એમની સાથે જઈએ.😊



નાઈટ્રો બંધ થઈ ગઈ. એકદમ અટકી ગઈ. માત્ર દસ બાર સેકન્ડનો ખેલ અને સરસ મજાની યાદો અને ઘણો બધો રોમાંચ! ત્યારબાદ સેન્ટ્રલ લોક ખુલી ગયું અને સૌ કોઈ નીચે ઉતરી ગયાં. સાંજ સુધીમાં ફરી એકવાર નાઈટ્રો પર આવવાની વાતો કરતાં કરતાં બીજી રાઇડનો રોમાંચ માણવા આગળ વધ્યાં. સ્નેહા અને વિશ્વા તો વળી વળીને હજુ પણ નાઈટ્રો જ જોતી હતી.



ત્યાંથી આગળ વધ્યા તો 'ડેર ટુ ડ્રોપ' નામની રાઈડ આવી. એ લગભગ 132 ફૂટ ઊંચી છે. લંબચોરસ આકારનાં થાંભલા જેવી! એની ચારે તરફ પાંચ પાંચ સીટ એમ કુલ વીસ જણાં બેસી શકે. એ ચારેય ત્યાંના કર્મચારીની સૂચના અનુસાર નિયત જગ્યાએ પોતાનો સામાન મૂકી રાઈડમાં ગોઠવાઈ ગયા. ફરીથી લોક કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.


સંકેત મળતાં જ રાઈડ શરુ થઈ. પહેલાં ધીમે રહીને અડધી ઊંચાઈ સુધી લઈ ગયા. દસેક સેકન્ડનાં વિરામ બાદ 73કિમી/કલાકની ઝડપે અચાનક જ બધાંને ઉપર લઈ ગયા. આખુંય વાતાવરણ ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યું. ફરીથી એમને એ જ ઝડપે નીચે લાવવામાં આવ્યા. પરંતુ અડધે અટકાવી દીધાં. બે ત્રણ વાર થોડું થોડું ઉપર નીચે કરતાં અંતે એમની આ રાઈડની સવારી પૂર્ણ થઈ.


ત્યાંથી થોડે દૂર ગયાં તો 'સ્ક્રીમ મશીન' નામની રાઈડ આવી. આ ઝૂલા જેવી રાઈડ છે. ગોળાકારે બધાંને બેસાડી દેવામાં આવે પછી ધીમે ધીમે એમને ઘડિયાળના લોલકની જેમ બધાંને બંને તરફ ઉપર લઈ જાય છે. અડધે સુધી ઉપર પહોચી જાય ત્યારબાદ ઝડપ એકદમ વધી જાય છે અને લગભગ સો ફૂટ જેટલાં ઉપર સુધી લઈ જાય છે. ત્યાંથી આખુંય ઇમેજીકા દેખાય છે. પરંતુ આ ઉંચાઈએ ભાગ્યે જ કોઈ આંખ ખુલ્લી રાખીને બેસે છે. મોટા ભાગે ડરને લીધે બધાંની આંખ બંધ જ થઈ ગઈ હોય છે. એમાંથી નીચે ઉતર્યા બાદ પણ થોડો સમય તો મગજ ચકરાવો જ લેતું હોય છે.



ત્યાર પછી આવે છે એક ટ્રેન રાઈડ. આ ટ્રેન એકદમ ખુલ્લી હવામાં પાટા પર દોડે છે. જોઇ લો જાણે રાજધાની એક્સપ્રેસ! એમાં બે બેની જોડીમાં બેસવાનું હોય છે, એટલે રાજ અને સ્નેહા એકમાં તેમજ વિશ્વ અને વિશ્વા બીજીમાં એમ બેસી ગયાં. ખૂબ લાંબા અંતરની પરંતુ ગુચળા આકારની આ ટ્રેન ડેર ટુ ડ્રોપ રાઈડને આખીય આવરી લે છે. એની ફરતેથી ટ્રેન પસાર થાય છે. અંતે એક બોગદું(ટનલ)માંથી પસાર થઈ ફરીથી એનાં મૂળ સ્થાને આવી જાય છે.


લોક ખુલી જાય છે અને બધાં નીચે ઉતરી જાય છે. ટ્રેનવાળા વિભાગમાં થોડી ડાબી બાજુએ ફોટા પડાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ફોટા પાડવાની કંઈક અલગ જ મજા છે. અમેરિકાનાં પ્રખ્યાત કાઉબોય સ્ટાઈલમાં ફોટા પડાવવાની મજા આવે છે. ઉપરાંત, પહેલાંના જમાનામાં કોંઈને ફાંસી આપવા માટે તૈયાર થતો હતો એવો એક બેઠકવાળો માંચડો પણ તૈયાર કર્યો છે. એમાં પણ ફોટા પડાવવાની મજા આવે છે. સમુદ્રી ડાકુઓ જેવું એક જહાજ રાખવામાં આવ્યું છે. એનાં વિવિધ ખૂણે પણ સરસ ફોટા પાડી શકાય છે.


આટલું પતાવતાં લગભગ સાડા બાર વાગી ગયા હતા. બધાંએ થોડો સમય આરામ કરવાનું અને કંઈક ખાવાનું વિચાર્યું. આથી તેઓ ફૂડ વિભાગમાં ગયા અને પોતપોતાની પસંદગી મુજબનું ખાઈને અડધો કલાક આરામ કર્યો. ફરીથી શરુ કરી એમની ઈમેજીકાની સફર.



આપણેપણ થોડું ખાઈને આરામ કરી લઈએ અને પછી ફરીથી એ બધાં સાથે ઈમેજીકાની સફરે જઈશું. તો સફર આગળ વધારીશું આવતાં ભાગમાં...




આભાર.

સ્નેહલ જાની