પ્રકરણ ૧૩
કવિતાને હવે ઘણું સારું હતું એટલે ડૉક્ટરે અમુક જરૂરી કાળજીઓ લઈને ઘરે જ આરામ કરવાનું કહ્યું. સાથે એક બે અઠવાડિયા ડ્રેસિંગ કરવા જવું પડશે એવું સૂચન પણ આપ્યું. મીનાબેન સોનુને શું કહેવું એ વિચારી મુંઝાઈ રહ્યાં હતાં. પરમ સમજી ગયો, "મમ્મી મૂંઝાશો નહિ, સોનુને કહીશું એની મમ્મી એક્ટિવા પર પતંગની દોરી આવી ગઈ હતી એટલે પડી ગઈ હતી. તું ચિંતા કરે એટલે ફક્ત મેલેરિયાનું કહ્યું હતું." કહી ફિક્કું સ્મિત આપ્યું.
આલાપ અને જૈનિશ ઘરે આવવા નીકળ્યા. આલાપ બોલ્યો, " હજી થોડો થોડો ડર લાગ્યા કરે છે જૈનિશ, ક્યાંક કોઈ જોઈ ગયું હશે અથવા માયા સારી થઈ જાય અને પછી કોઈ ભળતી જ પોલીસ કંમ્પ્લેઇન કરી દે તો?" "ચિંતા ન કર, એવું પણ કહેવાય એમ નથી. બસ, ભગવાનને પ્રાર્થના કરી શકે કે બધું ન ધારેલું થયું છે તો તું જ હેમખેમ બહાર કાઢજે." બોલી જૈનિશે જાણે ડૂબતાને તરણું બતાવ્યું! આલાપને ઉતારી એ આશુભાઈને એવું તે શું કામ હશે કે ઘરે મળવા બોલાવ્યો? એમ વિચારતો ઘર તરફ નીકળી ગયો.
સોનુ એનાં નાનાજી સાથે ઘરમાં મમ્મી આવવાની રાહ જોતી બેઠી હતી. સવાલોની રમઝટ ચાલુ જ હતી. "નાનુ, મમ્મીનું વેઇટ ઓછું થઈ ગયું હશે ને? એ મને યાદ કરી રડતી હતી? યુ નો નાનુ, મમ્મીને મારા વગર જરાય નથી ગમતું. એક વખત હું હેમા આંટી સાથે એમના કોઈ રિલેટિવને ત્યાં કુંવારીકા ભોજમાં ગઈ હતી ત્યારે હેમા આંટી પાસે ફોન પર બહુ રડતી હતી. આંટીએ જેમતેમ ચૂપ કરાવી અને મને કહ્યું ચલ જલ્દી ઘરે જવું પડશે." નાનાજીએ વ્હાલ વરસાવતા કહ્યું "મારી સોનું છે જ એટલી મીઠડી તો."
"નાનુ, મમ્મીને ગળાનું ઇન્ફેક્શન મટી ગયું? એનાથી બોલાય છે?"
મનનાં મૂંઝારા સાથે વસંતભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો ,"હા, બચ્ચા." સાથે મનમાં એમ તો હતું જ કે બધું પરમ ફોડી લેશે, એણે કંઈક તો વિચાર્યુ હશે. સોનુને સંતોષકારક જવાબ ન મળે તો કુમળા મન પર ખોટી અસર પડશે. ત્યાં જ લિફ્ટ ખુલી અને પરમ,કવિતા અને મીનાબેન દેખાયા. સોનુ "મમ્મી…મમ્મી…" કરતી સામે દોડી જોરથી વળગી પડી ત્યાં કવિતાનું બેલેન્સ બગડ્યું પણ પરમે પકડી લીધી. કવિતા મનોમન બોલી ઉઠી આમ જ સંભાળતાં રહેજો. "સોનુ…વેઇટ બેટા, મમ્મીને સોફા પર બેસવા દે.." પરમે સોનુને રોકતાં કહ્યું. બધાં બેઠા એટલે સોનુ જલ્દી જલ્દી મમ્મીના ખોળામાં બેસી ગઈ. કવિતાએ સોનુને એક હાથે જ ભેટી વ્હાલ સાથે આંસુ પણ વરસાવ્યા. એકાએક સોનુનું ધ્યાન ગયું, "મમ્મી, આ હાથે શું વાગ્યું? તું કેમ રડે? બહુ દુઃખાડયું? સૉરી .." કહી એ પણ રડી પડી. પરમે નીચે ઘુંટણીએ બેસી બન્નેને હાથ વીંટાળ્યા અને હૂંફ આપી શાંત કર્યા, પછી સોનુના એણે નક્કી કર્યા મુજબનાં જવાબો આપ્યાં. કવિતાને એના રૂમમાં પહોંચાડીને પછી પરમ કોઈ કામ માટે નીકળ્યો.
કવિતાને ઘરમાં આવતા જ જાણે યાદોની ભૂતાવળ વળગી પડી. અહીં જ આ રૂમમાં આલાપ સાથે કેટલાંય રાગો આલાપ્યા હતાં! વીડિયો કોલ્સમાં અઢળક વાતો, સામસામે ગીતોની પ્રેક્ટિસ, ક્યારેક વળી સાવ ટીન એજરી હરકતો! ઉફ્ફ..! પણ છેલ્લે હાથમાં શું આવ્યું? એની નફરત માત્ર? એ મને મોઢે પટ્ટી બાંધી કરવા શું માંગતો હતો? રેપ…! ના, ના…એ છેક એવો તો નહોતો જ. " હાઈ કવિતા…" કરતા હેમા રૂમમાં પ્રવેશી અને વિચારોએ મગજની બહાર પ્રસ્થાન કર્યું. "હેમા…"બોલી કવિતાએ એક હાથ ફેલાવ્યો અને નાનકડાં સ્મિત સાથે આંસુઓ પણ આવવા મથી રહ્યાં. હેમાએ પાસે બેસી કવિતાને માથે હાથ ફેરવતાં કહ્યું, " તું ઘરે આવી ગઈને હવે રિકવરી ફાસ્ટ થઈ જશે. વળી, મમ્મી-પપ્પા પણ સાથે છે એટલે ઘણી હૂંફ લાગશે." કવિતા ભીની પાંપણો નીચી નમાવી બોલી "હમ્મ…પણ હેમા મારે તને બહુ બધું કહેવું છે, પરમની માફી માંગવી છે અને મમ્મી-પપ્પાના સંસ્કારો લજાવ્યા એને માટે એ લોકોને પગે પડી માફી માંગવી છે." હેમાએ એનો હાથ હાથમાં લેતા કહ્યું, " હા એ બહુ જરૂરી છે એક વખત તારું મન ખાલી થઈ જાય તો તું અડધા સ્ટ્રેસથી છૂટી શકીશ. હવે બોલ પહેલ ક્યાંથી કરવી છે?" "તારાથી…" કહી કવિતા એને ભેટી પડી. હેમાએ એની પીઠ પસવારતા કહ્યું, " બોલ બકા, સારાં-ખોટાંનો વિચાર કર્યા વગર બોલવું શરૂ કરી દે. તને ખબર છે ને પેલું, ફ્રોમ અવર એની ટાઈપ ઓફ બિહેવીયર, બેસ્ટ ફ્રેન્ડ નેવર જજ અસ. અને આપણે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. નાઉ સ્ટાર્ટ.." કવિતાએ કહ્યું, "દરવાજો બંધ કર, સોનુ દોડી આવશે અને તું તારી રીતે મમ્મીને પણ થોડીવાર દરવાજો બંધ કરવાનું કારણ કહી દેજે." હેમાએ કવિતાએ કહ્યું એમ કર્યું પછી એણે બોલવાનું શરૂ કર્યું." જો હેમુ, મારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે હું સમજું છું. પણ અજબ વાત એ છે કે મને પહેલીવાર આલાપ સાથે બદલો લેવાનું મન નથી! નાની નાની વાતે પણ મારી રીતે બદલો લેનારી હું આટલાં દિવસોમાં સખત બદલાઈ ગઈ છું! તને ખ્યાલ ખરો કે એની શોધખોળ થઈ રહી છે કે નહિ એ?" "ના" હેમાએ એકાક્ષરી જવાબ આપ્યો, મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં હતાં પરંતું એણે તો બસ કવિતાને સાંભળવાની હતી. કવિતાએ ફરી વાતનું અનુસંધાન સાધ્યું " જો, એનો અર્થ એ નથી કે હું મારી એ ભૂલનો અફસોસ નથી કરતી. મને જે ગિલ્ટ છે એ કદાચ કોઈ નહિ સમજી શકે. પરમે મને જીવથી વધારે ચાહી છે. મેં એને દગો કરી જીવનની મોટી ભૂલ કરી છે. એ મને ક્યારેય માફ નહિ કરી શકે અને હું એ મારી સજા સમજી જીવી લઈશ." કહી એ ગળગળી થઈ ગઈ.
" પણ આલાપને હું મનથી પણ બદદુઆ નહિ આપી શકું, એ છોકરાએ કદાચ, મારી છુપી ઈચ્છાઓ જીવડાવી છે. પરોક્ષ રીતે મેં એનો ઉપયોગ કર્યો એવું જ સમજી શકાય. બટ હેમુ, હું ખરેખર, એને માટે લાગણીઓ ધરાવતી થઈ ગઈ હતી. એ પ્રેમ હતો? પ્રેમ હતો તો કયા પ્રકારનો? એ સમજવું, વિચારવું મને બહુ અઘરું પડી રહ્યું છે. હવે એ આખું પ્રકરણ હું ભૂલી જવા માંગુ છું. એ શક્ય બનશે ખરું?" કવિતાનો અઘરો પ્રશ્ન હેમા પાસે આવ્યો.
હેમા બોલી," તું જેટલી એ તરફની પોઝિટિવ યાદો મમળાવ્યા કરીશ તો તું ક્યારેય બહાર નહિ આવી શકે. હા, તે પરમભાઈ સાથે ખોટું કર્યું છે અને એમનો ફરી પહેલાં જેવો પ્રેમ પામવાની કોશિશમાં લાગી જશે તો સો ટકા બહાર આવી શકશે. એ હું ખાતરી સહિત કહી શકું." એવું સમજાવી, કવિતાને વિચારતી મૂકીને હેમા," ચાલ હવે હું જાઉં.." કરતી ઘરે જતી રહી.
પરમ અને મિતેષ સાથે જ ઘરમાંથી નીકળ્યા. ઘરમાં કોઈને ખબર નહોતી પડવા દીધી બન્ને સાથે અને ક્યાં જઈ રહ્યાં છે. પરમની ગાડીમાં બન્ને ગોઠવાયા એટલે તરત પરમે બોલવાનું શરૂ કર્યું, " હું કવિતાનાં મ્યુઝિક કલાસ ગયો હતો. બહુ સિફતથી વૉચમેન અને સેક્રેટરીને હાથમાં લીધાં છે. જીવનનાં હળહળતા જૂઠા બોલવાની હારમાળાનો પહેલો મણકો ફેરવ્યો છે." કહી એક નિઃશ્વાસ નાંખ્યો. મિતેષ એની માનસિક સ્થિતિ સમજી રહ્યો હતો છતાં હળવાશથી હસતા બોલ્યો, " તું આવું બોલીને સાલા મને ગિલ્ટ કરાવી રહ્યો છે. યુ નો હું તો કેટલુંય ખોટું બોલી, બોલાવી સાચાં સુધી પહોંચતો હોઉં છું. જો તારી જેમ વિચારું તો રસ્તે બેસવું પડે." પરમે બસ એક નાનકડું ઔપચારિક મરકલું આપી દીધું.
જૈનિશ ડૉકટર આશુતોષને ઘરે મળવા ગયો. એ પહેલીવાર એમનાં ઘરે જઈ રહ્યો હતો. પ્રસંગો સિવાય ક્યાંય મળવાનું થતું નહોતું. ગૂગલબાબાએ એડ્રેસ ખૂબ ગોળ ગોળ ઘુમાવીને બતાવ્યું, પણ હજી જૈનિશ બિચારો જાણતો નહોતો કે એણે હજી કેટલું ઘૂમવાનું છે.
ક્રમશ: