બિજા દિવસે સવારે પ્રવિણ અને લક્ષ્મી દૈનિક નિત્યકર્મ, સેવાપૂજા વિગેરે પૂર્ણ કરી તૈયાર થઈ ગયા. હિતેનભાઈ પોતાનુ ટીફીન તૈયાર થઈ ગયુ એટલે એ પણ પોતાની નોકરી પર જવા નિકળે છે.. તેજલબેનને આ લોકો જોડે શેઠના ઘરે જવાનું છે એટલે એ પણ તૈયાર થઈ જાય છે. લગભગ સવારે સાડા નવ જેવો સમય થયો છે..શેઠનો ડ્રાઈવર ભરત આ લોકોને લેવા માટે આવે છે, એટલે જતી વેળાએ લક્ષ્મી ફરીથી કુળદેવી મા ના દર્શન કરી ઘર બંધ કરી કારમાં બેસી શેઠને ઘરે જવા નિકળી જાય છે.
શેઠ અને શેઠાણી આ લોકો આવે છે તો તેમના ચહેરા પર રાજીપો સ્પષ્ટ વર્તાય છે.. થોડી વાર શેઠનાં ભવ્ય ડ્રોઈંગ રૂમમાં બેસી ચા નાસ્તો કરાવે છે… આ દરમ્યાન શેઠાણી, લક્ષ્મી અને તેજલબેન બધા એમની તબિયત અંગે તેમજ અન્ય વાતચીત કરે છે…થોડી વાર અન્ય વાતો કર્યા પછી શેઠ પૂછે છે, ‘ પ્રવીણ તમારે બધાને શું ઘરપર્યાણ થયુ ?’
ત્યારે પ્રવિણે કહ્યુ, ‘શેઠજી.. આપે જે દરખાસ્ત મુકી એમાં અમારે તો ક્યાં કંઈ બિજુ વિચારવાં જેવું હતું…આ બધી ગોઠવણમાં તો તમે અમારું કલ્યાણ થાય એજ ભાવ છે.. આજનાં સમયમાં આવા શેઠ મળવા એ ઈશ્વરની એક મોટી કૃપા કહેવાય.. તમે તો એટલાં સામર્થ્યવાન છો કે હું ના કહું તો અનેક વિકલ્પો તમારી પાસે હોય.. મેં પૂર્વજન્મમાં ચોક્કસ આપની કોઈક રીતે સેવા કરી હશે તો જ તમે આ જન્મે અમારા તારણહાર બની મદદ કરી રહ્યા હશો.. મને તો વિચાર એ સતત આવતો રહે છે કે આ બધુ થઈ રહ્યું છે, તો હું કે લક્ષ્મી કોઈ વખતે આપના પ્રત્યેની અમારી ફરજમાં ઊણા ઉતરીએ તો હું મારી જાતને માફ ન કરી શકું… બસ આ એક વિચારે જ મારું મન થોડુ પાછુ પડતુ હતુ…આપ મારા માટે એક શેઠ જ નહીં પિતાતૂલ્ય પણ છો. તમે જે પણ આદેશ આપો એ મારા માટે શિરોધાર્ય છે…હવે તમારે જે રીતે ગોઠવવું હોય તે કહો, મને કોઈ વાંધો નથી.. બસ તમે મને એક વચન આપો… મારાથી ક્યાંય પણ, કોઈ રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મારી કોઈ ફરજમાં કે કોઈ વર્તનથી આપને ઓછું આવે કે દુખ થાય તો એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર તમે મને અથવા લક્ષ્મીને કહી દેશો… હું એક પુત્રવત રીતે ક્યાંય મારી ફરજમાં પાછો ન પડું કે મારી નિષ્ઠામાં ઉણપ ન આવે.. બસ આવી ચિંતા સતાવે છે, એટલે મને આ વચન આપો.. પછી તમે જેમ કહો તેમ, અમારે કોઈ બીજો વિચાર નથી કરવાનો રહેતો.’
શેઠે કહ્યુ, ‘ પ્રવિણ… મને તારા માટે લેશમાત્ર પણ શંકા હોત તો… તને આ પ્રકારની વાત કરી જ ન હોત… તેમ છતાં હુ તને વચન આપું છું કે મને ક્યાંય પણ, કોઈ રીતે તને કહેવા જેવું લાગશે તો વિના સંકોચે જણાવીશ.. અને મારો દિકરો તો પરદેશ છે.. જે કંઈ હશે તો પહેલાંતો તું જ ઉભો રહેવાનો છે.. રહી વાત.. તેજલબેનના પરીવારની.. તો મને ખબર હતી.. કે તું એમને છોડી ને નહીં જ આવે કે આ વાત સ્વિકારે.. એટલે મને એવું જ યોગ્ય લાગ્યું કે એમનો પણ જોડે જોડે વિચાર કરીએ.. જો.. પ્રવિણ એ લોકોએ આ પ્રપોઝલ ન સ્વિકારી હોત.. અને એકલાં તમે જ આ પ્રપોઝલ સ્વિકારીને આવ્યા હોત તો કદાચ મારા મનમાં તારા માટે થોડો અભાવ ચોક્કસ થાત જ.. પણ હમણાં ચા નાસ્તા વખતે આ ત્રણેય લેડીઝની વાત પણ સાંભળતો જ હતો… તેજલબેન એવુ તો કહેતા હતા.. કે અમારુ મન હપ્તા વિગરે બાબતે પાછું પડતુ હતુ.. પણ અમે ના કહીએ, તો પ્રવિણ અને લક્ષ્મી પણ ન વિચારે એટલે ભગવાન પર છોડી.. અમે પણ હા કહી દીધી…અને મને એ સાંભળીને પાકકો ભરોસો થયો કે મારી પસંદગી કે નિર્ણય ખોટો નથી.’
પ્રવિણે કહ્યુ, ‘ શેઠ.. એમને તો કેમ ભૂલાય..! એવા સમયે લક્ષ્મીને સધિયારો આપ્યો છે કે આજીવન રૂણી રહીશ’
શેઠે કહ્યુ, ‘ પ્રવિણ.. હવે આ બન્ને ઘરને તૈયાર કરવા માટે આપણી ઓફિસમાંથી બે માણસો મુકી તરત તૈયાર કરાવવાની વ્યવસ્થા કરી દે.. લક્ષ્મીની ગોદભરાઈ આપણે આવતા ગુરુવારે નવા ઘરમાંજ કરીએ.. તારી પાસે હજી છ દિવસ છે જ.. આ બન્ને ઘર નવો કલર કરી.. તમારો સામાન શિફ્ટ કરાવી દે.. ફર્નિચર તો બન્ને મકાનમાં જરુરી જે છે તે તો છે.. તેમ છતાં ઓફિસમાંથી વિનાયકને મોકલજે.. એ આ બાબતે હોશિયાર છે, ચેક કરી લેશે અને જે જરુરી હશે તેનો ઓર્ડર આપી દેશે.. એટલે એકવાર કલરકામ પુરુ થાય તો તરત બીજા જ દિવસે ગોઠવાઈ જાય… અને ખાસ જોજે તેજલબેનનાં ઘરે કોઈ બાબત રહી ન જાય.. એ લોકોને કંઈ તકલીફ હશે તો ય જલ્દી રહેશે નહી..અને હા મેં એકાઉંટ સેકશનમા કહી જ દીધું છે કે પ્રવિણ આ બાબતે જે કોઈ બિલ્સ મુકે તો તરત પેમેન્ટ કરાવી દેજો.
પ્રવિણે કહ્યુ, ‘શેઠ તને હવે એ બાબતે કોઈ ચિંતા બિલકુલ ન કરશો.. ઓફિસમાં જે સ્ટાફ ફ્રી હશે.. તેમને આ કામમાં ઉપયોગ કરી.. ચારેક દિવસોમાં બધી જ વ્યવસ્થા કરાવી દઈશ… અને બુધવારે યોગ્ય મૂહર્ત જોઈને નાનકડી પૂજા પણ કરાવી લઈશુ અને સામાન પણ શિફ્ટ કરાવી લઈએ, એટલે ગુરુવારે પ્રસંગમાં કોઈ મુશ્કેલી ન રહે..’
આ બધી ચર્ચા કરી પરત ઘરે નિકળવાની વાત કરે છે, તો શેઠાણી કહે છે, ‘પ્રવિણ ને કામ હોય તો ભલે નિકળે, પણ આ બન્ને તો અહીંથી જમીને જ જશે.. પ્રવિણનુ ટીફીન ડ્રાઈવર જોડે ઓફિસ પર મોકલી દઈશુ’
પ્રવિણ આ લોકોની રજા લઈને ઓફિસ જવા નિકળી જાય છે અને ઓફિસ તેમજ આ બન્ને ઘર માટેની કામની વ્યવસ્થામાં લાગી ગયો.
આ તરફ લક્ષ્મી અને તેજલબેન આ લોકોનાં ઘરે બપોરે જમી પોતાનાં ઘરે જવા નિકળી જાય છે..અને એ લોકો પોતાનાં બન્ને ઘરના વધારાના સામાન પેક કરવા તેમજ અન્ય જરુરી કામ માટે વળગી જાય છે.
( ક્રમશ : )
લેખકઃ રાજેશ કારિયા